યહોવાનો હેતુ ચોક્કસ પૂરો થશે!
“હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.”—યશા. ૪૬:૧૧.
૧, ૨. (ક) યહોવાએ આપણને શું જણાવ્યું છે? (ખ) યશાયા ૪૬:૧૦, ૧૧ અને ૫૫:૧૧માં આપણને યહોવાનું કયું વચન જોવા મળે છે?
બાઇબલના શરૂઆતના શબ્દો સરળ પણ જોરદાર છે: “આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.” (ઉત. ૧:૧) ઈશ્વર યહોવાએ રચેલું વિશ્વ ખૂબ વિશાળ છે, પણ આપણે એમાંની મુઠ્ઠીભર વસ્તુઓ જ જોઈ છે. અંતરિક્ષ, પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ બળ જેવી બાબતો વિશે તો આપણું જ્ઞાન બહુ સીમિત છે. (સભા. ૩:૧૧) જોકે, યહોવાએ આપણને પૃથ્વી અને માણસજાત માટેનો તેમનો હેતુ જણાવ્યો છે. તેમણે માણસોને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા અને તે ચાહતા હતા કે તેઓ આ પૃથ્વી પર આનંદથી જીવે. (ઉત. ૧:૨૬) તેમ જ, તેઓ યહોવાનાં બાળકો બને અને તે તેઓનાં પિતા બને.
૨ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે કે, યહોવાના એ હેતુમાં એક અડચણ આવી. (ઉત. ૩:૧-૭) જોકે, એવી કોઈ અડચણ નથી જેને યહોવા દૂર ન કરી શકે. યહોવાની આડે કશું જ આવી શકતું નથી. (યશા. ૪૬:૧૦, ૧૧; ૫૫:૧૧) આપણે ખાતરી રાખી શકીએ કે, યહોવાએ પહેલેથી જે હેતુ રાખ્યો હતો એ નક્કી કરેલા સમયે ચોક્કસ પૂરો થશે.
૩. (ક) કયાં મહત્ત્વનાં સત્ય આપણને બાઇબલનો સંદેશો સમજવા મદદ કરે છે? (ખ) આપણે શા માટે એ શિક્ષણની હમણાં ચર્ચા કરીએ છીએ? (ગ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ પૃથ્વી અને માણસજાત માટેનો યહોવાનો હેતુ આપણે સારી રીતે જાણીએ છીએ. તેમ જ, એ હેતુ પૂરો કરવા ઈસુએ જે ભૂમિકા નિભાવી એ પણ સમજીએ છીએ. એ બહુ મહત્ત્વનાં બાઇબલ સત્ય છે. બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, આપણે કદાચ સૌથી પહેલા એ જ સત્ય શીખ્યાં હતાં. હવે, આપણે બીજાઓને એ સત્ય શીખવવા માંગીએ છીએ. આ વર્ષે ઈસુના સ્મરણપ્રસંગ માટે લોકોને આમંત્રણ આપીએ ત્યારે, એમ કરવાની આપણી પાસે ખાસ તક છે. (લુક ૨૨:૧૯, ૨૦) જો તેઓ એ મહત્ત્વના પ્રસંગે આવશે, તો ઈશ્વરના અદ્ભુત હેતુ વિશે શીખી શકશે. તેથી, હમણાં જ સમય છે કે આપણે અમુક એવા સવાલો વિચારી રાખીએ, જેની મદદથી લોકોને એ પ્રસંગે હાજર રહેવા ઉત્તેજન આપી શકીએ. આ લેખમાં આપણે આ ત્રણ સવાલોની ચર્ચા કરીશું: પૃથ્વી અને માનવજાત માટે યહોવાનો હેતુ શો છે? એમાં કઈ રીતે અડચણ આવી? ઈસુના બલિદાને કઈ રીતે ઈશ્વરનો હેતુ પૂરો કરવા માર્ગ ખોલ્યો?
યહોવાનો હેતુ શો હતો?
૪. સૃષ્ટિ કઈ રીતે “ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે”?
૪ યહોવા અદ્ભુત સર્જનહાર છે. તેમણે બનાવેલી દરેક વસ્તુ ઉત્તમોત્તમ છે. (ઉત. ૧:૩૧; યિર્મે. ૧૦:૧૨) સૃષ્ટિમાં જોવા મળતી વ્યવસ્થા અને સુંદરતામાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે, યહોવાએ બનાવેલી દરેક વસ્તુ આપણા ભલા માટે છે, પછી ભલે એ નાની હોય કે મોટી. તારાથી ઝગમગતું આકાશ, સમુદ્રનાં ઉછળતાં મોજાં અને મન મોહી લેતો ધોધ જોઈને કોણ નવાઈ પામતું નથી? એ બધું જોઈને આપણું દિલ પ્રશંસાથી ઊભરાઈ જાય છે, ખરું ને? કારણ કે, યહોવાએ આપણને એવી ક્ષમતા સાથે બનાવ્યા છે કે, આપણે સાચી સુંદરતાને પારખી શકીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૧; ૧૦૪:૨૪ વાંચો.
૫. આખી સૃષ્ટિ વ્યવસ્થામાં રહીને કામ કરે એ માટે યહોવાએ શું કર્યું છે?
૫ યહોવાએ કાળજીપૂર્વક પોતાના દરેક સર્જનને હદ ઠરાવી આપી છે. તેમણે કુદરત માટે અમુક નિયમો બનાવ્યા છે, તો મનુષ્યો માટે નૈતિક ધોરણો ઠરાવી આપ્યાં છે. વિશ્વની દરેક વસ્તુ એકબીજાના સુમેળમાં કામ કરે માટે તેમણે એ નિયમો બનાવ્યા છે. (ગીત. ૧૯:૭-૯) વિશ્વની દરેક વસ્તુ માટે ચોક્કસ જગ્યા અને ભૂમિકા છે. દાખલા તરીકે, ગુરુત્વાકર્ષણ બળ વાતાવરણને પૃથ્વીની નજીક ખેંચી રાખે છે તેમજ સમુદ્ર અને મોજાઓને કાબૂમાં રાખે છે. એ બળ વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. યહોવાએ કુદરતમાં જે હદ ઠરાવી આપી છે, એના લીધે આખી સૃષ્ટિ વ્યવસ્થામાં રહે છે. એ બતાવે છે કે, યહોવા પાસે પૃથ્વી અને માણસજાત માટે એક હેતુ છે. સારું થશે કે, પ્રચારમાં જઈએ ત્યારે બીજાઓને આ વિશ્વના ઉત્પન્નકર્તા વિશે શીખવા મદદ કરીએ.—પ્રકટી. ૪:૧૧.
૬, ૭. યહોવાએ આદમ-હવાને કઈ ભેટો આપી હતી?
૬ મનુષ્ય પૃથ્વી પર હંમેશાં રહે એવા હેતુથી યહોવાએ તેઓને બનાવ્યા હતા. (ઉત. ૧:૨૮; ગીત. ૩૭:૨૯) યહોવા ખૂબ જ ઉદાર છે અને તેમણે આદમ-હવાને અનેક અમૂલ્ય ભેટો આપી હતી. (યાકૂબ ૧:૧૭ વાંચો.) યહોવાએ તેઓને સમજશક્તિ અને પસંદગી કરવાની છૂટ આપી હતી. ઉપરાંત, તેઓ પ્રેમ બતાવી શકે અને મિત્રતા બાંધી શકે એવી ક્ષમતા આપી હતી. યહોવા નિયમિત રીતે આદમ સાથે વાત કરતા અને જે ભલું છે એ કરવા સૂચનો આપતાં. આદમ પણ શીખ્યો કે, પોતાની, જાનવરોની અને પૃથ્વીની કાળજી કઈ રીતે રાખવી. (ઉત. ૨:૧૫-૧૭, ૧૯, ૨૦) સૃષ્ટિનો પૂરો આનંદ માણી શકે એ માટે યહોવાએ આદમ-હવાને સ્વાદ પારખવાની, સ્પર્શ મહેસૂસ કરવાની, જોવાની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ આપી હતી. એ રીતે, તેઓ પૃથ્વી સમાન ઘર પર જીવનનો ભરપૂર આનંદ માણી શકતા હતા. આદમ અને હવા પાસે ઘણા રસપ્રદ કામો પણ હતાં. તેઓ પાસે અનંતકાળ સુધી નવું નવું જાણવાની અને શીખવાની તક હતી.
૭ યહોવાના હેતુમાં બીજું શું સામેલ હતું? યહોવાએ આદમ-હવાને સંપૂર્ણ બાળકો પેદા કરવાની ક્ષમતા આપી હતી. યહોવાનો હેતુ હતો કે, તેઓનાં બાળકોને પણ બાળકો થાય અને આખી પૃથ્વી સંપૂર્ણ મનુષ્યોથી ભરાઈ જાય. યહોવાએ પોતાના પ્રથમ માનવી સંતાનોને પ્રેમ બતાવ્યો હતો. તે ચાહતા કે, માતા-પિતા એવો જ પ્રેમ પોતાનાં બાળકોને બતાવે. તેમણે માનવી કુટુંબને આ પૃથ્વી અને એમાંની દરેક મૂલ્યવાન અને સુંદર વસ્તુઓ સોંપી હતી. સુંદર પૃથ્વી કાયમ માટે તેઓનું ઘર બનવાની હતી.—ગીત. ૧૧૫:૧૬.
કઈ અડચણ ઊભી થઈ?
૮. યહોવાએ શા માટે આદમ-હવાને ઉત્પત્તિ ૨:૧૬, ૧૭માં જણાવેલી આજ્ઞા આપી?
૮ યહોવાનો હેતુ તરત જ પૂરો ન થયો, એમાં એક અડચણ આવી. યહોવાએ આદમ-હવાને એક સરળ આજ્ઞા આપી હતી, જેથી તેઓ યાદ રાખી શકે કે તેઓની આઝાદીની એક મર્યાદા છે. તેમણે કહ્યું હતું: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત. ૨:૧૬, ૧૭) શું એ આજ્ઞા સમજવી અઘરી હતી? જરા પણ નહિ. અરે, એ આજ્ઞા પાળવી એકદમ સહેલી હતી. કારણ કે, એદન બાગમાં બીજાં અનેક મજેદાર ફળફળાદિ હતાં.
૯, ૧૦. (ક) શેતાને યહોવા પર કેવો આરોપ મૂક્યો? (ખ) આદમ-હવાએ કયો નિર્ણય લીધો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૯ શેતાને એક સર્પ દ્વારા હવાને યહોવાની આજ્ઞા તોડવા ફોસલાવી. (ઉત્પત્તિ ૩:૧-૫ વાંચો; પ્રકટી. ૧૨:૯) શેતાને યહોવાની આજ્ઞાને મારી-મચકોડીને રજૂ કરી કે, યહોવાના માનવીય સંતાનોને “વાડીના હરેક વૃક્ષનું ફળ” ખાવાની પરવાનગી નથી. બીજા શબ્દોમાં, શેતાન જાણે કહી રહ્યો હતો: “તમે તમારી મરજી પ્રમાણે કંઈ કરી શકતા નથી.” પછી, તેણે એક હળહળતું જૂઠાણું કહ્યું: “તમે નહિ જ મરશો.” શેતાને હવાને એવું માનવા છેતરી કે, તેણે યહોવાની આજ્ઞા માનવાની કોઈ જરૂર નથી. શેતાને કહ્યું: “ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે.” શેતાન જાણે કહી રહ્યા હતો: “ઈશ્વરને ખબર છે કે એ ફળ ખાવાથી તમે ખાસ પ્રકારનું જ્ઞાન મેળવશો. એટલે, એ ખાવાની તમને મના કરી છે.” છેવટે, તેણે એક જૂઠું સ્વપ્ન દેખાડ્યું: “તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.”
૧૦ આદમ-હવાએ નિર્ણય લેવાનો હતો કે તેઓ શું કરશે. તેઓ યહોવાનું માનશે કે સર્પનું? અફસોસ કે, તેઓએ યહોવાની વાત ન માનવાનો નિર્ણય લીધો. તેઓએ શેતાનને સાથ આપ્યો અને યહોવાને પિતા માનવાનો નકાર કર્યો. હવે તેઓ આઝાદ તો હતા, પણ યહોવાનું રક્ષણ ખોઈ ચૂક્યા હતા.—ઉત. ૩:૬-૧૩.
૧૧. યહોવાએ આદમ-હવાના પાપને કેમ ચલાવી ન લીધું?
૧૧ આદમ-હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી ત્યારે, અપૂર્ણ બની ગયા. તેઓ યહોવાના દુશ્મનો બન્યા. કારણ કે, યહોવા દુષ્ટતાને ધિક્કારે છે. તેમની ‘આંખો એવી પવિત્ર છે કે તે દુષ્ટતાને જોઈ શકતા નથી.’ (હબા. ૧:૧૩) જો યહોવાએ આદમ-હવાના પાપને ચલાવી લીધું હોત, તો એ તેમની સૃષ્ટિ પર ખતરારૂપ સાબિત થાત. સ્વર્ગદૂતો અને મનુષ્યોને શંકા થાત કે, શું યહોવાના શબ્દો પર ભરોસો કરી શકાય. પણ, યહોવા ભરોસાપાત્ર છે. તે પોતાનાં ધોરણોને વળગી રહે છે, એને ક્યારેય તોડતા નથી. (ગીત. ૧૧૯:૧૪૨) ખરું કે, આદમ-હવા પાસે પસંદગી કરવાની છૂટ હતી, પરંતુ યહોવા સામે બંડ પોકારવાના ખરાબ પરિણામોથી તેઓ બચી શકતા ન હતા. સમય જતાં, તેઓ મરણ પામ્યાં અને જે માટીમાંથી લેવાયાં હતાં, એમાં ભળી ગયાં.—ઉત. ૩:૧૯.
૧૨. આદમનાં બાળકો માટે કેવું ભવિષ્ય રાહ જોતું હતું?
૧૨ આદમ-હવાએ આજ્ઞા તોડી એટલે, યહોવાએ તેઓને પોતાના કુટુંબમાંથી બેદખલ કરી દીધા. યહોવાએ તેઓને એદન બાગમાંથી કાઢી મૂક્યા અને તેઓ એમાં ક્યારેય પાછા આવી શકતા ન હતા. (ઉત. ૩:૨૩, ૨૪) તેઓએ પાપનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં, યહોવાએ તેઓને બચાવ્યા નહિ. (પુનર્નિયમ ૩૨:૪, ૫ વાંચો.) હવે તેઓ યહોવાના ગુણોને પૂરેપૂરી રીતે અનુસરી શકતા ન હતા. આદમે પોતાનું અને આવનાર પેઢીનું ઉજ્જવળ ભાવિ અંધકારમય બનાવી દીધું. તેણે પોતાનાં બાળકોને અપૂર્ણતા, પાપ અને મરણનો વારસો આપ્યો. (રોમ. ૫:૧૨) આદમે તેઓ પાસેથી હંમેશ માટેના જીવનની તક છીનવી લીધી. હવે, આદમ-હવા સંપૂર્ણ બાળક પેદા કરી શકતા ન હતા અને તેઓનાં બાળકો પણ એ લહાવો ગુમાવી બેઠા. એ દિવસથી આજ સુધી શેતાન બધા મનુષ્યોને યહોવા વિરુદ્ધ બંડ પોકારવા ઉશ્કેરે છે.—યોહા. ૮:૪૪.
ઈસુના બલિદાનથી ઈશ્વર જોડે મિત્રતા શક્ય બની
૧૩. મનુષ્યો માટે યહોવા શું ચાહતા હતા?
૧૩ યહોવાનો મનુષ્યો માટેનો પ્રેમ હજી ઠંડો પડ્યો ન હતો. આદમ-હવાએ યહોવાને ત્યજી દીધા હતા. પણ, યહોવા હજીયે ચાહતા હતા કે મનુષ્યો મરણ ન પામે અને તેમના મિત્ર બને. (૨ પીત. ૩:૯) એટલે, યહોવાએ તરત જ એક એવી ગોઠવણ કરી જેના દ્વારા મનુષ્યો તેમની સાથે ફરીથી મિત્રતા બાંધી શકે. પોતાનાં ધોરણો તોડ્યા વગર યહોવાએ કઈ રીતે એમ કર્યું? ચાલો જોઈએ.
૧૪. (ક) યોહાન ૩:૧૬ પ્રમાણે લોકોને પાપ અને મરણમાંથી બચાવવા યહોવાએ શું કર્યું? (ખ) લોકો જોડે આપણે કયા સવાલની ચર્ચા કરી શકીએ?
૧૪ યોહાન ૩:૧૬ વાંચો. આપણે સ્મરણપ્રસંગમાં જેઓને આમંત્રણ આપીએ છીએ, તેઓમાંથી ઘણા લોકો કદાચ આ કલમ જાણતા હશે. પરંતુ, ઈસુના બલિદાનથી હંમેશ માટેનું જીવન કઈ રીતે શક્ય બન્યું છે, એનો જવાબ મેળવવા તેઓને મદદ કરવાની જરૂર છે. આપણે ક્યારે એમ કરી શકીએ? આમંત્રણ આપવા જઈએ ત્યારે, તેઓ સ્મરણપ્રસંગે આવે ત્યારે અથવા પછીથી તેઓની મુલાકાત લઈએ ત્યારે. તેઓ ઈસુના બલિદાનને જેટલું સારી રીતે જાણશે, એટલું વધારે તેઓ સમજી શકશે કે યહોવા મનુષ્યોને કેટલો પ્રેમ કરે છે. તેઓ એ પણ જોઈ શકશે કે, યહોવા ઘણા બુદ્ધિમાન છે. જોકે, બલિદાન વિશેના કયા મુદ્દા આપણે તેઓને જણાવી શકીએ?
૧૫. ઈસુ કઈ રીતે આદમ કરતા સાવ અલગ હતા?
૧૫ યહોવાએ એક સંપૂર્ણ માણસની જોગવાઈ કરી, જે પોતાના જીવનનું બલિદાન આપી શકે. એ સંપૂર્ણ માણસ યહોવાને વફાદાર હોય અને મનુષ્ય માટે પોતાનો જીવ આપવા તૈયાર હોય એ જરૂરી હતું. (રોમ. ૫:૧૭-૧૯) યહોવાએ પોતાના પહેલા સર્જન, ઈસુને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યા. (યોહા. ૧:૧૪) તેથી, આદમ પછી ઈસુ પહેલા એવા માણસ બન્યા, જે સંપૂર્ણ હતા. આદમ યહોવાની વિરુદ્ધ ગયો હતો, પણ ઈસુ યહોવાનાં ધોરણોને વળગી રહ્યા. અરે, આકરી કસોટીમાં પણ તેમણે યહોવાની આજ્ઞા તોડી નહિ.
૧૬. બલિદાનની ભેટ શા માટે અનમોલ છે?
૧૬ સંપૂર્ણ માણસ તરીકે બલિદાન આપીને ઈસુએ આખી માણસજાતને પાપ અને મરણમાંથી ઉગારી. આદમ પાસે જે અપેક્ષા રાખવામાં આવી હતી, એ દરેકમાં ઈસુ ખરા ઊતર્યા. તે સંપૂર્ણ હતા અને ઈશ્વરને વફાદાર અને આધીન રહ્યા. (૧ તિમો. ૨:૬) તેમણે આપણા માટે પોતાનો જીવ અર્પી દીધો. બલિદાનની એ ભેટથી બધાં સ્ત્રી-પુરુષ અને બાળકોને કાયમ માટે જીવવાની તક મળી છે. (માથ. ૨૦:૨૮) તેમના બલિદાનથી યહોવાનો હેતુ પૂરો કરવાનો માર્ગ ખૂલી ગયો છે.—૨ કોરીં. ૧:૧૯, ૨૦.
યહોવાના કુટુંબનો ભાગ બનવાનો માર્ગ ખૂલ્યો
૧૭. બલિદાનને લીધે શું શક્ય બન્યું?
૧૭ ઈસુનું બલિદાન આપીને યહોવાએ ઘણી મોટી કિંમત ચૂકવી છે. (૧ પીત. ૧:૧૯) તેમની નજરે આપણે એટલા અનમોલ છીએ કે, તે પોતાના સૌથી વહાલા દીકરાને પણ કુરબાન કરતા અચકાયા નહિ. (૧ યોહા. ૪:૯, ૧૦) આમ, આદમને બદલે ઈસુ આપણા પિતા બન્યા. (૧ કોરીં. ૧૫:૪૫) ઈસુના બલિદાનથી આપણને હંમેશ માટેના જીવનની તક મળી છે. સમય જતાં, આપણે ઈશ્વરના કુટુંબનો ભાગ બની શકીશું. ઈસુના બલિદાનને લીધે માણસો સંપૂર્ણ બનશે. યહોવા પોતાનો કોઈ પણ નિયમ તોડ્યા વગર તેઓને પોતાના કુટુંબમાં પાછા લેશે. યહોવાના બધા જ વફાદાર ભક્તો સંપૂર્ણ બનશે. એ કેટલું અદ્ભુત હશે! છેવટે, સ્વર્ગ અને પૃથ્વી પરના દરેક જણ કુટુંબ તરીકે એકતામાં આવશે અને આપણે બધા ઈશ્વરનાં બાળકો બનીશું.—રોમ. ૮:૨૧.
૧૮. યહોવા ક્યારે “બધાના રાજાધિરાજ” બનશે?
૧૮ આપણાં પ્રથમ માતા-પિતાએ યહોવાનો નકાર કર્યો. છતાં, યહોવાએ મનુષ્યો પર પ્રેમ વરસાવવાનું બંધ ન કર્યું અને બલિદાનની જોગવાઈ કરી. ખરું કે, આપણે અપૂર્ણ છીએ, પણ યહોવાને વફાદાર રહેવા શેતાન આપણને રોકી શકતો નથી. બલિદાનની કિંમતને આધારે યહોવા આપણને બધાને ન્યાયી બનવા મદદ કરશે. “જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે” તેને અનંતજીવન આપવામાં આવશે. જરા કલ્પના કરો, ત્યારે જીવન કેટલું સુંદર હશે! (યોહા. ૬:૪૦) આપણા પ્રેમાળ અને બુદ્ધિમાન પિતા પોતાનો હેતુ પૂરો કરશે અને મનુષ્યોને સંપૂર્ણ બનવા મદદ કરશે. પછી, “ઈશ્વર બધાના રાજાધિરાજ” બનશે.—૧ કોરીં. ૧૫:૨૮.
૧૯. (ક) બલિદાન આપણને શું કરવાની પ્રેરણા આપે છે? (“કોણ યોગ્ય છે, એની શોધ કરતા રહીએ” બૉક્સ જુઓ.) (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૯ બલિદાન માટે કદર બતાવવા આપણે એ અમૂલ્ય ભેટ વિશે બીજાઓને જણાવવું જોઈએ. લોકોએ એ જાણવાની જરૂર છે કે, ઈસુના બલિદાન દ્વારા યહોવા બધા મનુષ્યોને કાયમ માટે જીવવાની એક પ્રેમાળ તક આપે છે. જોકે, બલિદાનથી બીજું ઘણું શક્ય બનવાનું છે. એદન બાગમાં શેતાને જે સવાલ ઊભો કર્યો હતો, એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. કઈ રીતે? આવતા લેખમાં એની ચર્ચા કરીશું.