હનોખ દુષ્ટ જગતમાં પણ પરમેશ્વર સાથે ચાલ્યા
શેતાને પડકાર ફેંક્યો હતો કે તે સર્વ માણસજાતને પરમેશ્વરથી દૂર કરી શકે છે. સમય જતા, તેને એમાં સફળતા મળી હોય એમ લાગતું પણ હતું. હાબેલના મૃત્યુ પછી લગભગ પાંચ સદીઓ સુધી, કોઈ વ્યક્તિ પરમેશ્વરની વફાદાર સેવક ન હતી. વળી, ચારે બાજુ લોકો પાપી અને દુષ્ટ હતા.
આવી આત્મિક રીતે વણસી ગયેલી પરિસ્થિતિમાં હનોખ પૃથ્વી પર જીવતા હતા. બાઇબલ કાળક્રમ પ્રમાણે, હનોખનો જન્મ ૩૪૦૪ બી.સી.ઈ.માં થયો હતો. એ સમયના લોકોથી ભિન્ન, હનોખ પરમેશ્વરના માર્ગમાં ચાલતા હતા. પ્રેષિત પાઊલે યહોવાહના માર્ગમાં ચાલીને ઉદાહરણ બેસાડનાર સેવકોમાં હનોખનો પણ સમાવેશ કર્યો. હનોખ કોણ હતા? તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો? તેમણે કઈ રીતે એનો સામનો કર્યો? તેમની પ્રામાણિકતા આપણા માટે કેમ મહત્ત્વની છે?
હનોખ જીવતા હતા એની ચાર સદીઓ પહેલાં, અનોશના સમયમાં “લોકો યહોવાહને નામે પ્રાર્થના કરવા લાગ્યા.” (ઉત્પત્તિ ૪:૨૬) માનવીઓની શરૂઆતથી જ યહોવાહનું નામ લેવામાં આવતું હતું. પરંતુ, અનોશ જીવતા હતા એ વખતે યહોવાહનું નામ લેવું એ સાબિત કરતું ન હતું કે તેઓને યહોવાહમાં વિશ્વાસ હતો અને તેઓ સાચી ઉપાસના કરતા હતા. કેમ કે, કેટલાક હેબ્રી વિદ્વાનો માનતા હતા કે ઉત્પત્તિ ૪:૨૬ આમ વંચાવું જોઈએ કે યહોવાહના નામને “ભ્રષ્ટ કરવાની શરૂઆત થઈ.” માણસોએ યહોવાહનું નામ પોતાને કે બીજી વ્યક્તિઓને આપ્યું હોય શકે કે જેઓ પરમેશ્વરની ઉપાસના કરવાનો ઢોંગ કરતા હતા. અથવા તેઓએ મૂર્તિઓને યહોવાહનું નામ આપ્યું હોય શકે.
‘હનોખ દેવની સાથે ચાલ્યા’
હનોખ દુષ્ટતાથી ઘેરાયેલા હતા તોપણ, તે યહોવાહ ‘દેવની સંઘાતે ચાલ્યા.’ અહીં તેમના પૂર્વજો શેથ, અનોશ, કેનાન કે માહલાલએલ અને યારેદ પરમેશ્વર સાથે ચાલ્યા એમ કહેવામાં આવ્યું નથી. તેઓ હનોખની જેમ પૂરેપૂરી રીતે પરમેશ્વરના માર્ગમાં ચાલ્યા ન હતા. કેમ કે હનોખની જીવન ઢબ તેઓથી એકદમ અલગ તરી આવતી હતી.—ઉત્પત્તિ ૫:૩-૨૭.
યહોવાહ સાથે ચાલવું એ પરમેશ્વર સાથેના ગાઢ સંબંધને સૂચવે છે. હનોખ પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં ચાલ્યા એ કારણે તે તેમની સાથે ગાઢ સંબંધ રાખી શક્યા. યહોવાહે હનોખની સાચી ઉપાસનાને આશીર્વાદ આપ્યો. હકીકતમાં, ગ્રીક સેપ્ટ્યુઆજીંટ કહે છે કે પરમેશ્વર “હનોખથી ખૂબ ખુશ હતા.” પ્રેષિત પાઊલે પણ તેમના વિષે એમ જ કહ્યું.—ઉત્પત્તિ ૫:૨૨; હેબ્રી ૧૧:૫.
હનોખનો યહોવાહ સાથેનો સારો સંબંધ તેમના વિશ્વાસના આધારે હતો. તેમણે પરમેશ્વરની ‘સ્ત્રીના’ વચનના “સંતાન” પર વિશ્વાસ મૂક્યો હતો. હનોખ આદમને વ્યક્તિગત રીતે ઓળખતા હોત તો, એદન બાગમાં પ્રથમ માનવ યુગલ સાથે પરમેશ્વરે કઈ રીતે વ્યવહાર કર્યો હતો એ વિષેની અમુક માહિતી તે મેળવી શક્યા હોત. પરમેશ્વરના જ્ઞાનને લીધે હનોખે ‘ખંતથી તેમની શોધ કરી.’—ઉત્પત્તિ ૩:૧૫; હેબ્રી ૧૧:૬, ૧૩.
હનોખ અને આપણા કિસ્સામાં પણ યહોવાહ સાથે સારો સંબંધ રાખવામાં ફક્ત પરમેશ્વરના જ્ઞાન કરતાં કંઈક વધારે બાબતની જરૂર છે. આપણે કોઈ ખાસ વ્યક્તિ સાથેના ગાઢ સંબંધને મૂલ્યવાન ગણતા હોઈએ તો, શું આપણે તે કહે છે એ પ્રમાણે નહિ કરીએ? આપણે એવું બોલવાનું કે કંઈ પણ કરવાનું ટાળીએ છીએ કે જેનાથી આપણી મિત્રતા તૂટી જાય. આપણે જીવનમાં કોઈ પણ ફેરફાર કરવા ઇચ્છતા હોય ત્યારે પણ, એની આપણા સંબંધ પર કેવી અસર પડશે એ વિષે શું આપણે નહિ વિચારીએ?
એવી જ રીતે, આપણે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા ઇચ્છતા હોઈએ તો, આપણે જે કંઈ પણ કરીએ છીએ એની તેમના પર કેવી અસર પડશે એ ધ્યાનમાં રાખવું જોઈએ. સૌથી પહેલાં આપણે એ જાણવાની જરૂર છે કે તે કઈ બાબતથી ખુશ થાય છે અને કઈ બાબતને ધૃણા કરે છે. ત્યાર પછી, આપણે એ પ્રમાણે કરીને, તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
હા, પરમેશ્વર સાથે ચાલવામાં આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરવું જ જોઈએ. હનોખે પણ સેંકડો વર્ષો સુધી એમ જ કર્યું હતું. હકીકતમાં, હનોખ પરમેશ્વર સાથે ‘ચાલ્યા’ એનું હેબ્રી ક્રિયાપદ સતત કાર્યને સૂચવે છે. ‘દેવની સાથે ચાલ્યા’ હોય એવા બીજા એક વિશ્વાસુ માણસ નુહ હતા.—ઉત્પત્તિ ૬:૯.
હનોખ કુટુંબમાં જવાબદાર વ્યક્તિ હતા, તેમને પત્ની અને “દીકરાદીકરીઓ” હતા. તેમના એક દીકરાનું નામ મથૂશેલાહ હતું. (ઉત્પત્તિ ૫:૨૧, ૨૨) હનોખે પોતાના ઘરનો કારભાર સારી રીતે ચલાવવા પોતાનાથી બનતું બધું જ કર્યું હશે. તેમ છતાં, તે દુષ્ટ જગતમાં રહેતા હોવાથી પરમેશ્વરની સેવા કરવી તેમના માટે કંઈ સહેલું ન હતું. હનોખના સમયમાં ફક્ત નુહના પિતા લામેખે જ યહોવાહમાં પોતાનો ભરોસો મૂક્યો હતો. (ઉત્પત્તિ ૫:૨૮, ૨૯) તોપણ, હનોખ યહોવાહને વફાદાર રહ્યા.
પરમેશ્વરની વફાદારીથી સેવા કરવા હનોખને કઈ રીતે મદદ મળી? નિઃશંક, તેમણે યહોવાહના નામનો અનાદર કરનારાઓ સાથે અથવા પરમેશ્વરની ઉપાસનાને યોગ્ય ન હતા તેઓ સાથે સંગત રાખી ન હતી. વળી, પ્રાર્થનામાં યહોવાહની મદદ માંગવાથી પણ તે પોતાના ઉત્પન્નકર્તા સાથે ગાઢ સંબંધ બાંધીને તેમને નાખુશ કરતી બાબતો ટાળી શક્યા.
દુષ્ટો વિરુદ્ધ ભવિષ્યવાણી
આપણે દુષ્ટ લોકોથી ઘેરાયેલા હોઈએ ત્યારે, પરમેશ્વરનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે જીવવું ખૂબ અઘરું છે. તેમ છતાં, હનોખે દુષ્ટો વિરુદ્ધ ન્યાયનો સંદેશો જાહેર કર્યો હતો. પરમેશ્વરના આત્માથી માર્ગદર્શન મેળવીને હનોખે સંદેશો જાહેર કર્યો: “જુઓ, સઘળાંનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં, અને અધર્મી પાપીઓએ તેની વિરૂદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારોહજાર સંતોસહિત આવ્યો.”—યહુદા ૧૪, ૧૫.
આ સંદેશાની અવિશ્વાસુ દુષ્ટો પર કેવી અસર પડી? એવી ધારણા કરવી વાજબી છે કે આવા તીક્ષ્ણ શબ્દોને કારણે લોકોએ હનોખને ધિક્કાર્યા, તેમની મજાક ઉડાવી, મહેણાં માર્યા અને ધમકી પણ આપી. અરે, અમુક લોકોએ તેમને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો. તેમ છતાં, હનોખ ડર્યા નહિ. તે જાણતા હતા કે ન્યાયી હાબેલનું શું થયું હતું. તેથી, તેમણે પણ હાબેલની જેમ ગમે તેવા સંજોગોમાં પરમેશ્વરની સેવા કરવાનો નિર્ણય લીધો હતો.
‘દેવે તેમને લઈ લીધા’
દેખીતી રીતે જ, હનોખનું જીવન જોખમમાં હતું ત્યારે ‘દેવે તેમને લઈ લીધા.’ (ઉત્પત્તિ ૫:૨૪) યહોવાહે પોતાના આ વિશ્વાસુ સેવકને દુશ્મનોના હાથે યાતના સહન કરવા દીધી નહિ. પ્રેષિત પાઊલે કહ્યું તેમ, ‘હનોખને ઉપર લઈ લેવામાં આવ્યા, કે તે મરણ ન જુએ.’ (હેબ્રી ૧૧:૫) ઘણા કહે છે કે હનોખ મરણ પામ્યા ન હતા, પણ પરમેશ્વરે તેમને સ્વર્ગમાં લઈ લીધા કે જ્યાં તે હજુ જીવે છે. પરંતુ, ઈસુએ સ્પષ્ટ જણાવ્યું: “આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢ્યું.” ઈસુ સ્વર્ગમાં જનારા સર્વમાં “અગ્રેસર” હતા.—યોહાન ૩:૧૩; હેબ્રી ૬:૧૯, ૨૦.
તો પછી, હનોખનું શું થયું? તેમને ‘ઉપર લઈ લેવામાં આવ્યા, કે તે મરણ ન જુએ.’ આનો અર્થ એમ થઈ શકે કે, પરમેશ્વરે તેમને પ્રબોધકીય રીતે મૂર્છિત કર્યા હતા અને એ જ સ્થિતિમાં તેમના જીવનનો અંત લાવ્યા હતા. આવી પરિસ્થિતિમાં દેખીતી રીતે જ હનોખે મરણની વેદનાનો અનુભવ કર્યો ન હતો. પછી ‘તે જડ્યા નહિ’ કેમ કે યહોવાહે તેમના શરીરને મુસાના શરીરની જેમ દાટી દીધું હતું.—પુનર્નિયમ ૩૪:૫, ૬.
હનોખ તેમના સમયના લોકોની સરખામણીમાં લાંબું જીવ્યા નહિ, તે ફક્ત ૩૬૫ વર્ષ જીવ્યા. પરંતુ, યહોવાહના ચાહનારાઓ માટે મહત્ત્વની બાબત એ છે કે તેઓ પોતાના જીવનના અંત સુધી વિશ્વાસુપણે તેમની સેવા કરે છે. આપણે જાણીએ છીએ કે હનોખે એમ જ કર્યું હતું, કારણ કે ‘તેમને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેમના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેમના પર પ્રસન્ન હતા.’ જોકે, બાઇબલ એમ બતાવતું નથી કે યહોવાહે કઈ રીતે હનોખ વિષે આ સાક્ષી આપી હતી. તોપણ, હનોખ મરણ પામ્યા તે અગાઉ તેમને પરમેશ્વરની સ્વીકૃતિની ખાતરી આપવામાં આવી હતી. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ તેમનું પુનરુત્થાન જરૂર કરશે.
હનોખ જેવો વિશ્વાસ રાખો
યોગ્ય રીતે જ આપણે પરમેશ્વરના આ સાચા ભક્તોના વિશ્વાસનું અનુકરણ કરી શકીએ છીએ. (હેબ્રી ૧૩:૭) વિશ્વાસથી હનોખ પરમેશ્વરના પ્રથમ વફાદાર પ્રબોધક બન્યા. હનોખના સમયમાં જગત અત્યારના જેવું જ હિંસા, ભ્રષ્ટતા અને દુષ્ટતાથી ભરેલું હતું. પરંતુ, હનોખ એ બધામાં સૌથી ભિન્ન હતા. તેમને પૂરેપૂરો ભરોસો હતો અને પરમેશ્વરની ઉપાસના કરવામાં તે ઉદાહરણરૂપ હતા. હા, યહોવાહે હનોખને ન્યાયનો સંદેશો જાહેર કરવાની મહત્ત્વની જવાબદારી સોંપી હતી અને એ સંદેશાને જાહેર કરવાનું જરૂરી સામર્થ્ય પણ આપ્યું હતું. હનોખે હિંમતથી પોતાને સોંપાયેલા કામને પૂરું કર્યું અને દુશ્મનોની સતાવણીનો સામનો કરવા પરમેશ્વરે તેમની કાળજી રાખી.
આપણે પણ હનોખ જેવો વિશ્વાસ બતાવીશું તો, આ છેલ્લા દિવસોમાં યહોવાહ આપણને તેમનો સંદેશો જાહેર કરવા શક્તિ આપશે. તે આપણને સતાવણીનો સામનો કરવા મદદ કરશે અને પરમેશ્વર પ્રત્યેનો ભક્તિભાવ આપણને દુષ્ટોથી અલગ કરશે. વિશ્વાસ આપણને પરમેશ્વરની સાથે ચાલવા માટે સમર્થ કરશે અને આપણી વર્તણૂકથી તેમના હૃદયને આનંદ થશે. (નીતિવચનો ૨૭:૧૧) આપણે પણ ન્યાયી હનોખની જેમ, આ દુષ્ટ જગતમાં વિશ્વાસથી યહોવાહ સાથે ચાલવામાં સફળ થઈ શકીએ છીએ.
[પાન ૩૦ પર બોક્સ]
શું હનોખના પુસ્તકમાંથી બાઇબલમાં કંઈ ટાંકવામાં આવ્યું છે?
હનોખનું પુસ્તક બિનભરોસાપાત્ર અને કાલ્પનિક લખાણ છે. એમાં હનોખને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. એ પુસ્તક લગભગ પહેલી અને બીજી સદી બી.સી.ઈ.માં લખવામાં આવ્યું હતું. એમાં અતિશયોક્તિ અને બિનઐતિહાસિક યહુદી માન્યતાઓ ભેગી કરવામાં આવી છે. દેખીતી રીતે જ, ઉત્પત્તિમાં હનોખનું જે સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે એની લંબાણપૂર્વક વિગતવાર માહિતી એ પુસ્તકમાં આપવામાં આવી છે. તેથી, પરમેશ્વરને ચાહનારાઓ માટે આ હકીકત પૂરતી છે કે હનોખનું પુસ્તક પરમેશ્વરથી પ્રેરિત નથી.
બાઇબલમાં ફક્ત યહુદાના પુસ્તકમાં જ હનોખના પ્રબોધકીય શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: “જુઓ, સઘળાંનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં, અને અધર્મી પાપીઓએ તેની વિરૂદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારોહજાર સંતોસહિત આવ્યો.” (યહુદા ૧૪, ૧૫) ઘણા વિદ્વાનો એવો દાવો કરે છે કે દુષ્ટ પેઢી વિરુદ્ધ હનોખે જે ભવિષ્યવાણી કરી હતી એ સીધેસીધી હનોખના પુસ્તકમાંથી લેવામાં આવી છે. પરંતુ, શું યહુદાએ બિનભરોસાપાત્ર અને કાલ્પનિક પુસ્તકનો ઉપયોગ કર્યો હોય શકે?
યહુદાએ હનોખની ભવિષ્યવાણી વિષે ક્યાંથી માહિતી મેળવી એ શાસ્ત્રવચનોમાં ક્યાંય બતાવવામાં આવ્યું નથી. તે પ્રાચીન યુગથી ચાલી આવતી ભરોસાપાત્ર માહિતીથી પરિચિત હોય શકે. ફારૂનના બે બેનામી જાદુગરોનો બાઇબલમાં ક્યાંય ઉલ્લેખ નથી, પરંતુ દેખીતી રીતે જ પાઊલ પણ આવી જ પ્રણાલિગત માન્યતાથી જાણકાર હોવાથી તેમણે ટાંક્યું કે જાન્નેસ તથા જામ્બ્રેસ મુસાની સામા થયા હતા. હનોખના પુસ્તકના લેખક પ્રાચીન સમયની આ પ્રકારની માહિતી જાણતા હોય તો, યહુદા આ પ્રકારની માહિતીથી અજાણ હોય એમ કઈ રીતે બની શકે?a—નિર્ગમન ૭:૧૧, ૨૨; ૨ તીમોથી ૩:૮.
યહુદાએ હનોખના સંદેશા વિષે કઈ રીતે માહિતી મેળવી એ ગૌણ બાબત છે. પરંતુ, એ ભરોસાપાત્ર છે કે યહુદાએ જે હકીકત લખી એ પરમેશ્વરની પ્રેરણાથી લખી હતી. (૨ તીમોથી ૩:૧૬) યહોવાહના પવિત્ર આત્માએ તેમને માર્ગદર્શન આપ્યું હતું, તેથી, એમાં ખોટી માહિતી હોય એ શક્ય જ નથી.
[ફુટનોટ]
a શિષ્ય સ્તેફને પણ પૂરી પાડેલી માહિતી બાઇબલમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. એમાં મુસાએ મિસરમાં લીધેલું શિક્ષણ, લગભગ ૪૦ વર્ષ સુધી તે મિસરથી દૂર રહ્યા, એ ૪૦ વર્ષ દરમિયાન તે મિદ્યાનમાં રહ્યા અને મુસાને સ્વર્ગદૂતો દ્વારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું જેવી માહિતી જોવા મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૨, ૨૩, ૩૦, ૩૮.
[પાન ૩૧ પર ચિત્ર]
હનોખે હિંમતથી યહોવાહનો સંદેશો જાહેર કર્યો