સાવચેત રહો, શેતાન તમને ગળી જવા ચાહે છે!
‘સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ, જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.’—૧ પીત. ૫:૮.
૧. સમજાવો કે એક સ્વર્ગદૂત કઈ રીતે શેતાન બન્યો.
એક સમયે યહોવા સાથે તેનો સંબંધ સારો હતો. પણ પછીથી, એ સ્વર્ગદૂતે માણસોની ભક્તિ મેળવવાની ઇચ્છા રાખી. એ ખોટી ઇચ્છાને તરત જ મનમાંથી કાઢી નાખવાને બદલે, તેણે એ ઇચ્છાને પાપ કરવા સુધી વધવા દીધી. (યાકૂ. ૧:૧૪, ૧૫) આપણે એ દૂતનું ખરું નામ જાણતા નથી. પરંતુ, આપણે તેને શેતાન નામથી ઓળખીએ છીએ. “તે સત્યમાં સ્થિર રહ્યો નહિ.” તેણે યહોવા સામે બળવો કર્યો અને તે “જૂઠાનો બાપ” બન્યો.—યોહા. ૮:૪૪.
૨, ૩. “શેતાન,” “નિંદક,” “જૂનો સર્પ” અને ‘મોટો અજગર’ ખિતાબો ઈશ્વરના સૌથી મોટા દુશ્મનને કેમ બંધબેસે છે?
૨ તેણે બળવો કર્યો ત્યારથી તે યહોવાનો સૌથી મોટો વૈરી અને માનવજાતનો દુશ્મન પણ બન્યો છે. બાઇબલમાં કરવામાં આવેલ શેતાનના વર્ણન પરથી જોઈ શકાય કે તે કેટલો ભ્રષ્ટ છે. શેતાન નામનો અર્થ થાય “વિરોધી.” એ દુષ્ટ દૂત ઈશ્વરના નિયમોને ધિક્કારે છે અને એનો વિરોધ કરવા પોતાની પૂરી તાકાત લગાવે છે. શેતાનની ઇચ્છા છે કે ઈશ્વરના રાજ્યનો અંત આવે.
૩ મૂળ ગ્રીક ભાષામાં, શેતાન ઘણી વાર બીજા એક નામથી પણ ઓળખાય છે. એ નામનો અર્થ “નિંદક” થાય છે. તેણે ઈશ્વરને જૂઠા કહીને તેમનું અપમાન કર્યું છે. તેને “જૂનો સર્પ” કહેવામાં આવ્યો છે, જે બતાવે છે કે કઈ રીતે તેણે સાપનો ઉપયોગ કરીને હવાને છેતરી હતી. તેને ‘મોટો અજગર’ પણ કહેવામાં આવ્યો છે. એ શબ્દ શેતાનનું વર્ણન કરવા એકદમ યોગ્ય છે. એ બતાવે છે કે તે ખૂંખાર, ક્રૂર અને દુષ્ટ છે. યહોવાના હેતુને તે પૂરો થતા અટકાવવા માંગે છે. તેમજ, તેમના લોકોનો નાશ કરવા ચાહે છે.—પ્રકટી. ૧૨:૯.
૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ સ્પષ્ટ છે કે યહોવા પ્રત્યે આપણી વફાદારી માટે શેતાન મોટો ખતરો છે. તેથી, બાઇબલ આપણને ચેતવે છે: ‘સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ, જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.’ (૧ પીત. ૫:૮) તેથી, આ લેખમાં આપણે શેતાનના સ્વભાવનાં ત્રણ પાસાં વિશે જોઈશું. એનાથી જાણી શકીશું કે યહોવાના અને આપણા એ દુશ્મનથી શા માટે આપણે પોતાનું રક્ષણ કરવાની જરૂર છે.
શેતાન તાકતવર છે
૫, ૬. (ક) સ્વર્ગદૂતો ઘણા ‘બળવાન’ છે એ સાબિત કરતા દાખલા આપો. (ખ) શેતાન કયા અર્થમાં ‘મરણ પર સત્તા ધરાવે’ છે?
૫ સ્વર્ગદૂતો ઘણા ‘બળવાન’ છે. (ગીત. ૧૦૩:૨૦) માણસો કરતાં તેઓમાં વધારે બુદ્ધિ અને તાકાત છે. વફાદાર સ્વર્ગદૂતો સારું કરવા પોતાની એ શક્તિ વાપરે છે. દાખલા તરીકે, યહોવાના ફક્ત એક દૂતે ૧,૮૫,૦૦૦ આશ્શૂરી દુશ્મનોને મારી નાખ્યા. જ્યારે કે, એમ કરવું કોઈ એક માણસ માટે શક્ય નથી. અરે, એક આખી સેના માટે પણ એમ કરવું અઘરું બની શકે. (૨ રાજા. ૧૯:૩૫) બીજી એક વાર, એક સ્વર્ગદૂતે ઈસુના પ્રેરિતોને જેલમાંથી છોડાવવા પોતાની શક્તિ અને આવડતનો ઉપયોગ કર્યો. એ સમયે, ચોકીદારો ત્યાં આસપાસ જ હતા. એ સ્વર્ગદૂતે દરવાજો ખોલ્યો, પ્રેરિતોને બહાર લાવ્યો અને દરવાજો પાછો બંધ કર્યો. છતાં, ચોકીદારોને એની જરાય ખબર ન પડી!—પ્રે.કૃ. ૫:૧૮-૨૩.
૬ વફાદાર સ્વર્ગદૂતો ભલાઈનાં કામમાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. જ્યારે કે, શેતાન દુષ્ટ કામો કરવામાં પોતાની શક્તિ વાપરે છે. શેતાન પાસે ઘણી તાકાત છે અને તે બીજાઓ પર પ્રભાવ પાડી શકે છે. બાઇબલ તેને “આ જગતના અધિકારી” અને ‘આ જગતના દેવ’ તરીકે વર્ણવે છે. (યોહા. ૧૨:૩૧; ૨ કોરીં. ૪:૪) બાઇબલ એમ પણ જણાવે છે કે, શેતાન ‘મરણ પર સત્તા ધરાવે’ છે. (હિબ્રૂ ૨:૧૪) એનો અર્થ એવો નથી કે તે બધા લોકોને સીધેસીધા મોતને ઘાટ ઉતારે છે. પણ, તેણે આ જગતને પોતાની નફરત અને હિંસાથી રંગી નાંખ્યું છે. ઉપરાંત, હવાએ શેતાનના જૂઠાણામાં ભરોસો કર્યો અને આદમે ઈશ્વરની આજ્ઞા તોડી. તેથી, આખી માણસજાત પાપ અને મરણના ફાંદામાં ફસાઈ છે. (રોમ. ૫:૧૨) ઈસુએ જણાવ્યા પ્રમાણે શેતાન “મનુષ્યઘાતક” એટલે કે એક ખૂની પણ છે. (યોહા. ૮:૪૪) તે ખરેખર એક તાકતવર દુશ્મન છે.
૭. દુષ્ટ દૂતોએ તાકતવર હોવાની સાબિતી કઈ રીતે આપી છે?
૭ શેતાનનો વિરોધ કરવાની સાથે સાથે આપણે એ બધાનો વિરોધ કરીએ છીએ, જેઓ તેને સાથ આપે છે અને ઈશ્વરના નિયમો વિરુદ્ધ જાય છે. એમાં બળવાખોર સ્વર્ગદૂતોના મોટા સમૂહનો પણ સમાવેશ થાય છે. (પ્રકટી. ૧૨:૩, ૪) બાઇબલમાં તેઓને ભૂતો પણ કહેવામાં આવ્યા છે. ઘણી વાર તેઓએ ભારે તકલીફો આપીને સાબિત કર્યું છે કે પોતે માણસો કરતાં ઘણા બળવાન છે. (માથ. ૮:૨૮-૩૨; માર્ક ૫:૧-૫) કદી ભૂલીએ નહિ કે દુષ્ટ દૂતો અને તેઓનો સરદાર ઘણા તાકતવર છે. (માથ. ૯:૩૪) અને યહોવાની મદદ વગર આપણે કદી શેતાનની સામે જીતી શકતા નથી.
શેતાન ક્રૂર છે
૮. (ક) શેતાનનો શો ઇરાદો છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) શેતાનની જેમ તેનું જગત ક્રૂર છે, એ વિશે તમારા વિચાર જણાવો.
૮ પ્રેરિત પીતરે શેતાનને “ગાજનાર સિંહ” સાથે સરખાવ્યો. એક પુસ્તક “ગાજનાર” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ આમ જણાવે છે: ‘ખૂબ જ ગુસ્સામાં ખૂંખાર અને ભૂખ્યા જાનવરે પાડેલી ત્રાડ કે ગર્જના.’ શેતાનના ક્રૂર અને દુષ્ટ વલણ માટે એ કેટલું બંધબેસે છે! આખું જગત તેના પંજામાં છે, છતાં તે ધરાતો નથી. એક ભૂખ્યા સિંહની જેમ તે વધુને વધુ લોકોને પોતાનો શિકાર બનાવવા ચાહે છે. (૧ યોહા. ૫:૧૯) તેની નજર ખાસ તો આ પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો પર છે, જેઓને “બીજાં ઘેટાં” સાથ આપે છે. (યોહા. ૧૦:૧૬; પ્રકટી. ૧૨:૧૭) શેતાનનો ઇરાદો યહોવાના લોકોનો નાશ કરવાનો છે. શેતાન કેટલો બેરહેમ છે, એનો પુરાવો પહેલી સદીથી લઈને આજ સુધી ઈશ્વરભક્તો પર થતી સતાવણીઓ આપે છે.
૯, ૧૦. (ક) શેતાને ઈસ્રાએલીઓ પર કઈ રીતે હુમલો કર્યો? (દાખલા આપો.) (ખ) ઈસ્રાએલીઓને શિકાર બનાવવાનું શેતાન પાસે કયું ખાસ કારણ હતું? (ગ) યહોવાનો કોઈ પણ સેવક ગંભીર પાપમાં પડે છે ત્યારે, શેતાનને કેવું લાગે છે?
૯ શેતાને બીજી એક રીતે પણ પોતાની ક્રૂરતા બતાવી છે. તે એક ભૂખ્યા સિંહ જેવો છે, જે પોતાના શિકાર પર જરાય રહેમ કરતો નથી. શિકારને મારતા પહેલાં સિંહને એની દયા આવતી નથી કે એને મારી નાખવાનો કોઈ અફસોસ થતો નથી. શેતાન પણ એવો જ છે. તેને પણ પોતાના શિકાર પર જરાય દયા આવતી નથી. દાખલા તરીકે, ઈસ્રાએલીઓ ઘણી વાર વ્યભિચાર અને લોભની જાળમાં ફસાયા. એ જોઈને શેતાનને કેવું લાગ્યું હશે? ઝિમ્રીએ વ્યભિચાર કર્યો અને ગેહઝી લોભી બન્યો, ત્યારે એના કરૂણ અંજામ જોઈને શેતાન કેટલો ખુશ થયો હશે?—ગણ. ૨૫:૬-૮, ૧૪, ૧૫; ૨ રાજા. ૫:૨૦-૨૭.
૧૦ શેતાને એક ખાસ કારણથી ઈસ્રાએલીઓને શિકાર બનાવ્યા હતા. જરા યાદ કરો કે ઈસ્રાએલીઓમાંથી જ મસીહ આવવાના હતા. એ જ મસીહ શેતાનનો ખાત્મો કરવાના હતા. તેમજ, યહોવાને જ રાજ કરવાનો હક છે એમ સાબિત કરવાના હતા. (ઉત. ૩:૧૫) ઈસ્રાએલીઓ ઈશ્વરની મંજૂરી મેળવે એવું શેતાન ચાહતો ન હતો. એટલે તેણે તેઓને પાપમાં ફસાવવા બનતું બધું કર્યું. તમને શું લાગે છે, દાઊદે વ્યભિચાર કર્યો ત્યારે શેતાનને દુઃખ થયું હશે? વચનના દેશમાં જવાનો લહાવો મુસા ગુમાવી બેઠા ત્યારે, શું શેતાનને દયા આવી હશે? યહોવાનો કોઈ પણ સેવક ગંભીર પાપમાં પડે છે ત્યારે, શેતાનને ખૂબ મજા આવે છે. હકીકતમાં તો એવી જીત મેળવીને તે યહોવાને મહેણાં મારે છે.—નીતિ. ૨૭:૧૧.
૧૧. શેતાને શા માટે કદાચ સારાહને નિશાન બનાવી?
૧૧ મસીહ જે કુળમાં આવવાના હતા, ખાસ એ કુળ માટે શેતાનને ઘણી નફરત હતી. આનો વિચાર કરો: યહોવાએ ઈબ્રાહીમને વચન આપ્યું કે “તારાથી એક મોટી કોમ” ઉત્પન્ન થશે, એ પછી શું થયું? (ઉત. ૧૨:૧-૩) ઈબ્રાહીમ અને સારાહ ઇજિપ્તમાં હતાં ત્યારે ત્યાંનો રાજા ફારૂન, સારાહને પોતાની પત્ની બનાવવા ચાહતો હતો. જોકે, યહોવાએ સારાહનું રક્ષણ કર્યું અને તેમને મુશ્કેલ સંજોગોમાંથી બહાર કાઢ્યાં. (ઉત્પત્તિ ૧૨:૧૪-૨૦ વાંચો.) ઈસ્હાક જ્યાં જન્મ્યા હતા એ ગેરાર શહેરમાં પણ એવું જ કંઈક બન્યું હતું. (ઉત. ૨૦:૧-૭) શું એ સંજોગો ઊભા કરવા પાછળ શેતાનનો હાથ હોય શકે? યાદ કરો કે સારાહ, ઉર નામના અમીર દેશનું જીવન છોડીને તંબુઓમાં રહેવા આવ્યાં હતાં. તેથી, શું શેતાને સારાહને ફસાવવા ફારૂન અને અબીમેલેખના આલીશાન મહેલોની લાલચ મૂકી હશે? શું શેતાને એવું વિચાર્યું હશે કે સારાહ એ રાજાઓમાંથી કોઈને પરણીને પોતાના પતિને બેવફા બનશે? તેમજ, યહોવાને બેવફા બનશે? એના વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ એક વાત સાફ છે કે, જો સારાહે બેવફાઈ કરી હોત તો શેતાન ઘણો જ ખુશ થયો હોત! કારણ કે, એમ કરવાથી તો સારાહને મસીહના પૂર્વજ બનવાનો લહાવો મળ્યો ન હોત. એ સદ્ગુણી સ્ત્રીનું લગ્નજીવન, તેમની આબરૂ અને યહોવા સાથેનો તેમનો સંબંધ બરબાદ થઈ ગયો હોત. એ બધું જોઈને શેતાનને જરાય અફસોસ ન થયો હોત. કેમ કે, શેતાન ખરેખર ક્રૂર અને દુષ્ટ છે!
૧૨, ૧૩. (ક) ઈસુના જન્મ પછી શેતાને પોતાની ક્રૂરતા કઈ રીતે બતાવી? (ખ) યહોવાને ચાહનાર અને તેમની ભક્તિ કરવા પ્રયત્ન કરનાર બાળકો વિશે શેતાનને કેવું લાગે છે?
૧૨ ઈબ્રાહીમનાં સેંકડો વર્ષો પછી, ઈસુનો જન્મ થયો હતો. એ સુંદર અને વહાલા બાળક ઈસુ પર શેતાનને જરાય પ્રેમ આવ્યો નહિ! શેતાનને ખબર હતી કે એ બાળક મોટું થઈને વચન પ્રમાણે મસીહ બનશે. ઈબ્રાહીમના સંતાનનો મુખ્ય ભાગ ઈસુ હતા અને તે જ પછીથી “શેતાનનાં કામનો નાશ” કરવાના હતા. (૧ યોહા. ૩:૮) શું શેતાને એવું વિચાર્યું હશે કે બાળકને મારી નાખવું એ તો ક્રૂરતા કહેવાય? ના. ખરું શું અને ખોટું શું એની શેતાનને જરાય પરવા નથી. તેણે તરત એ બાળકને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. કઈ રીતે?
૧૩ ‘યહુદીઓનો રાજા’ જન્મ્યો છે, એ વાત જ્યોતિષીઓ પાસેથી સાંભળતા જ હેરોદ રાજા ક્રોધે ભરાયો. તેણે એ બાળકને મારી નાંખવા ચાહ્યું. (માથ. ૨:૧-૩, ૧૩) તેથી, તેણે બેથલેહેમનાં તેમજ એની આસપાસનાં એ બધાં બાળકોને મારી નાખવાનો હુકમ કર્યો, જેઓ બે વર્ષનાં કે એથી નાનાં હતાં. (માથ્થી ૨:૧૩-૧૮ વાંચો.) પરંતુ, બાળક ઈસુ એ ભારે સંહારથી બચી ગયા. એ બનાવ શેતાન વિશે શું જણાવે છે? શેતાન માટે માણસોના જીવની કોઈ કિંમત નથી. અરે, ફૂલ જેવાં બાળકોની પણ તે દયા ખાતો નથી. સાચે જ, શેતાન એક “ગાજનાર સિંહ” છે. ક્યારેય ભૂલશો નહિ, તે કેટલો બેરહેમ છે!
શેતાન છેતરનારો છે
૧૪, ૧૫. શેતાને કઈ ચાલ વાપરીને “અવિશ્વાસીઓનાં મન આંધળાં” કર્યાં છે?
૧૪ લોકોને પ્રેમાળ યહોવાથી દૂર કરવાની શેતાન પાસે બસ એક જ તરકીબ છે અને એ છે તેઓને છેતરવા. (૧ યોહા. ૪:૮) શેતાન તો લોકોને અંધારામાં રાખે છે, જેથી તેઓને પોતાની ‘આધ્યાત્મિક જરૂરિયાતોનું’ ભાન ન થાય. એટલે કે, લોકોને ઈશ્વર સાથે સંબંધ જોડવાની જરૂર ન લાગે. (માથ. ૫:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) અરે, બાઇબલ તો જણાવે છે કે શેતાને “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે,” જેથી તેઓ યહોવા વિશેનું સત્ય જાણી જ ન શકે.—૨ કોરીં. ૪:૪.
૧૫ લોકોને છેતરવા શેતાન જે મોટામાં મોટી ચાલ રમે છે, એ છે જૂઠા ધર્મો. તે જાણે છે કે ‘લોકો બીજા દેવોની પૂજા કરે એ યહોવાને જરાય પસંદ નથી.’ (નિર્ગ. ૨૦:૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન) તેથી વિચારો કે એ સમયે શેતાન કેટલો ખુશ થાય છે, જ્યારે લોકો યહોવા સિવાય બીજા કશાકની પૂજા કરે છે. એવી પૂજા કદાચ પૂર્વજો કે સૃષ્ટિમાંનાં પ્રાણીઓ કે બીજી કોઈ વસ્તુઓની હોય શકે. અમુક લોકો એવા ભ્રમમાં છે કે તેઓની ભક્તિ ઈશ્વર માન્ય કરે છે. પરંતુ, હકીકતમાં તેઓ ખોટી માન્યતાઓ અને નકામાં રીતરિવાજોની જાળમાં ફસાયેલા છે. યશાયાના દિવસોમાં ઈસ્રાએલીઓ પણ એવી જ પરિસ્થિતિમાં હતા. તેથી, યહોવાએ તેઓને પૂછ્યું: “જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા માટે ખરચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.”—યશા. ૫૫:૨.
૧૬, ૧૭. (ક) ઈસુએ પીતરને શા માટે કહ્યું કે “મારી પાછળ જા, શેતાન”? (ખ) આપણે જાગતા રહેવાનું પડતું મૂકીએ, એ માટે શેતાન શું કરે છે?
૧૬ અરે, યહોવાની ભક્તિમાં ઉત્સાહી સેવકોને પણ શેતાન છેતરી શકે છે. દાખલા તરીકે, પોતાનું મરણ નજીક છે એ વાત ઈસુએ શિષ્યોને જણાવી પછી શું બન્યું એનો વિચાર કરો. તેમના મરણ વિશે સાંભળીને ઈસુને પ્રેમ કરનાર પીતર બોલી ઊઠ્યા: “પોતાના પર દયા કરો પ્રભુ, તમને એવું કંઈ પણ નહિ થાય.” ત્યારે ઈસુએ પીતરને કહ્યું, “મારી પાછળ જા, શેતાન!” (માથ. ૧૬:૨૨, ૨૩, NW) ઈસુએ શા માટે પીતરને “શેતાન” કહ્યા? કેમ કે ઈસુ જાણતા હતા કે, જલદી જ પોતાના જીવનનું બલિદાન આપીને શેતાનને તે જૂઠો સાબિત કરવાના છે. એ સમય આખા માનવ ઇતિહાસ માટે સૌથી મહત્ત્વનો હતો. એ સમય ઈસુ માટે પોતાના પર દયા કરવાનો ન હતો. જો ઈસુ સજાગ ન રહ્યા હોત, તો શેતાનને ઘણી મજા આવી હોત.
૧૭ આ દુષ્ટ જગતનો અંત નજીક હોવાથી, આપણે પણ કપરા સમયમાં જીવી રહ્યા છીએ. શેતાન ચાહે છે કે આપણે “પોતાના પર દયા” કરીએ અને આ દુનિયામાં સફળ બનવા પર ધ્યાન આપીએ. તે આપણને ભૂલાવી દેવા માંગે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. તેમજ, આપણે સજાગ ન રહીએ એવી તેની ઇચ્છા છે. ધ્યાન રાખો કે, તમારી સાથે એવું ન થાય! તમે “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨) શેતાન જૂઠાણાં ફેલાવે છે કે, આ જગતનો અંત ઘણો દૂર છે અથવા અંત ક્યારેય આવશે નહિ. આપણે એમાં ક્યારેય ફસાઈએ નહિ!
૧૮, ૧૯. (ક) આપણને ફસાવવા શેતાન બીજી કઈ રીત વાપરે છે? (ખ) યહોવા આપણને સજાગ રહેવા કઈ રીતે મદદ કરે છે?
૧૮ શેતાન બીજી એક રીતે પણ આપણને ફસાવવાનો પ્રયત્ન કરે છે. તે આપણને એવું મનાવવા ચાહે છે કે ઈશ્વરના પ્રેમને આપણે જરાય લાયક નથી. તેમજ, ઈશ્વર આપણાં પાપ કદી માફ કરશે નહિ. પણ એ તો શેતાનનાં જૂઠાણાં છે. વિચારો કે યહોવાના પ્રેમને જરાય લાયક કોણ નથી. ખુદ શેતાન! ઈશ્વર કોને કદીએ માફ નહિ કરે? શેતાનને. જ્યારે કે આપણા વિશે બાઇબલ આમ જણાવે છે: ‘ઈશ્વર તમારાં કામને અને તેમના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, એને વિસરે એવા અન્યાયી નથી.’ (હિબ્રૂ ૬:૧૦) યહોવાને ખુશ કરતા આપણા દરેક કામની તે બહુ કદર કરે છે. તેમજ, તેમને કરેલી આપણી ભક્તિ કદીએ નકામી જતી નથી. (૧ કોરીંથી ૧૫:૫૮ વાંચો.) તેથી, શેતાનની જૂઠી વાતોમાં આવી જશો નહિ.
૧૯ આપણે જોઈ ગયા તેમ, શેતાન બળવાન, ક્રૂર અને છેતરનાર છે. એવા દુશ્મન સામે આપણે કઈ રીતે જીત મેળવી શકીએ? યહોવાની મદદથી. બાઇબલ જણાવે છે, ‘આપણે શેતાનની કુયુક્તિઓથી અજાણ્યા નથી.’ (૨ કોરીં. ૨:૧૧) શેતાનની જુદી જુદી ચાલ સમજવાથી, ભક્તિમાં સજાગ રહેવું આપણા માટે સહેલું બનશે. જોકે, શેતાનની ચાલાકીઓ જાણી લેવી, એટલું જ પૂરતું નથી. બાઇબલ જણાવે છે કે, “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” (યાકૂ. ૪:૭) આના પછીનો લેખ જણાવશે કે કઈ ત્રણ બાબતોમાં આપણે શેતાનની સામા થઈ શકીએ અને જીતી શકીએ.