બીજો રાજાઓ
૫ સિરિયાના રાજાનો એક સેનાપતિ હતો, જેનું નામ નામાન હતું. તે ખૂબ જાણીતો હતો. તે રાજાનો માનીતો પણ હતો, કેમ કે યહોવાએ તેના દ્વારા સિરિયાને જીત અપાવી હતી.* નામાન શૂરવીર યોદ્ધો હતો, પણ તેને રક્તપિત્ત* થયો હતો. ૨ સિરિયાની ટોળકીઓ અવાર-નવાર લૂંટ ચલાવતી હતી. એ ટોળકીઓ ઇઝરાયેલમાંથી એક નાની છોકરીને ઉપાડી લાવી હતી, જે નામાનની પત્નીની દાસી બની. ૩ તેણે શેઠાણીને કહ્યું: “મારા માલિક સમરૂનમાં પ્રબોધક+ પાસે જાય તો કેવું સારું! પ્રબોધક તેમનો રક્તપિત્ત સાજો કરશે.”+ ૪ ઇઝરાયેલી છોકરીએ જે કહ્યું હતું, એ તેણે* રાજા પાસે જઈને જણાવ્યું.
૫ સિરિયાના રાજાએ કહ્યું: “સારું, તું જરૂર જા. હું ઇઝરાયેલના રાજા માટે પત્ર લખી આપીશ.” નામાન ત્યાં ગયો. તે પોતાની સાથે દસ તાલંત* ચાંદી, સોનાના ૬,૦૦૦ ટુકડા અને દસ જોડ કપડાં લેતો ગયો. ૬ નામાન ઇઝરાયેલના રાજા માટે પત્ર લાવ્યો, જેમાં લખેલું હતું: “આ પત્ર લઈને હું મારા સેવક નામાનને તમારી પાસે મોકલું છું. તમે તેનો રક્તપિત્ત સાજો કરજો.” ૭ ઇઝરાયેલના રાજાએ પત્ર વાંચ્યો કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં. તેણે કહ્યું: “શું હું ઈશ્વર છું? જીવન આપવું કે લઈ લેવું શું મારા હાથમાં છે?+ રાજાએ શું વિચારીને આ માણસ મારી પાસે મોકલ્યો? હું કઈ રીતે તેનો રક્તપિત્ત સાજો કરું? તમે જ જુઓ, તે મારી સામે લડવાનું કેવું બહાનું શોધે છે.”
૮ ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયેલના રાજાએ પોતાનાં કપડાં ફાડ્યાં છે. તેણે ઉતાવળે રાજાને સંદેશો મોકલ્યો: “તમે કપડાં શું કામ ફાડ્યાં? કૃપા કરીને એ માણસને મારી પાસે મોકલો, જેથી તે જાણે કે ઇઝરાયેલમાં એક પ્રબોધક છે.”+ ૯ એટલે નામાન પોતાના ઘોડાઓ અને રથો સાથે એલિશાના ઘરે ગયો અને તેના દરવાજે આવીને ઊભો રહ્યો. ૧૦ એલિશાએ માણસ મોકલીને તેને સંદેશો આપ્યો: “જા, યર્દન નદીમાં સાત વાર ડૂબકી માર.+ તારું શરીર સાજું થશે અને તું શુદ્ધ થઈ જઈશ.” ૧૧ એ સાંભળીને નામાન રોષે ભરાયો. તે બબડતો બબડતો પાછો જવા લાગ્યો: “મને હતું કે ‘તે બહાર આવીને ઊભા રહેશે. પોતાના ઈશ્વર યહોવાના નામે પોકારશે. મારા રક્તપિત્ત પર હાથ ફેરવીને મને સાજો કરશે.’ ૧૨ શું દમસ્કની+ અબાનાહ નદી અને ફારપર નદી ઇઝરાયેલની બધી નદીઓ કરતાં વધારે સારી નથી? શું એમાં ડૂબકી મારીને હું શુદ્ધ ન થાઉં?” એમ કહીને ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે ચાલતી પકડી.
૧૩ તેના સેવકોએ તેની પાસે આવીને કહ્યું: “અમારા માલિક,* જો પ્રબોધકે તમને કોઈ મોટું કામ કરવાનું કહ્યું હોત, તો શું તમે ન કર્યું હોત? તેમણે તો ફક્ત એમ જ કહ્યું કે, ‘ડૂબકી મારો અને શુદ્ધ થાઓ.’ શું તમારે એમ ન કરવું જોઈએ?” ૧૪ એટલે ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે નામાન યર્દન નદીએ ગયો. તેણે એમાં સાત વાર ડૂબકી મારી.+ તેનું શરીર નાના છોકરાના શરીર જેવું તંદુરસ્ત થઈ ગયું!+ તે શુદ્ધ થઈ ગયો.+
૧૫ ત્યાર બાદ નામાન પોતાના કાફલા* સાથે ઈશ્વરભક્ત પાસે પાછો ગયો.+ તે જઈને એલિશા આગળ ઊભો રહ્યો અને કહ્યું: “હવે મને ખબર પડી કે ઇઝરાયેલ સિવાય આખી ધરતી પર ક્યાંય ઈશ્વર નથી.+ કૃપા કરીને તમારા સેવક પાસેથી આ ભેટ સ્વીકારો.” ૧૬ એલિશાએ કહ્યું: “હું જેમની ભક્તિ કરું છું* એ ઈશ્વર યહોવાના સમ,* હું એ ભેટ નહિ લઉં.”+ નામાને એલિશાને મનાવવાની લાખ કોશિશ કરી, પણ તે માન્યો નહિ. ૧૭ આખરે નામાને કહ્યું: “સારું ત્યારે, બે ખચ્ચર ઉપાડી શકે એટલી આ દેશની માટી તમારા સેવકને આપવાની કૃપા કરો. હવેથી તમારો સેવક યહોવા સિવાય બીજા કોઈ દેવોને અગ્નિ-અર્પણ કે બલિદાન ચઢાવશે નહિ. ૧૮ પણ યહોવા તમારા સેવકને આ એક વાતે માફ કરે: રિમ્મોનના મંદિરે મારા માલિક નમન કરવા જાય ત્યારે, મારા હાથનો ટેકો લે છે. તેથી તેમની સાથે મારે પણ રિમ્મોનના મંદિરે નમવું પડે છે. હું જ્યારે રિમ્મોનના મંદિરે નમન કરું, ત્યારે કૃપા કરીને યહોવા તમારા આ સેવકને માફી આપે.” ૧૯ એલિશાએ નામાનને કહ્યું: “તું બેફિકર થઈને જા.” એટલે નામાન ત્યાંથી નીકળી ગયો. તે થોડેક દૂર ગયો હશે, ૨૦ એવામાં ઈશ્વરભક્ત એલિશાના+ સેવક ગેહઝીએ+ વિચાર્યું: ‘સિરિયાનો નામાન+ કેટલી બધી ભેટ લાવ્યો હતો! મારા માલિકે એમાંથી કંઈ લીધું નહિ અને તેને જવા દીધો. યહોવાના સમ,* હું તેની પાછળ દોડીને જઈશ અને ચોક્કસ કંઈક લઈ આવીશ.’ ૨૧ ગેહઝી નામાન પાછળ દોડ્યો. નામાને જોયું કે કોઈ તેની પાછળ દોડતું આવે છે. તે પોતાના રથમાંથી ઊતરીને તેને મળ્યો અને પૂછ્યું: “બધું બરાબર છે ને?” ૨૨ તેણે કહ્યું: “હા, બધું બરાબર છે. મારા માલિકે મને મોકલીને કહ્યું છે: ‘હમણાં જ બે યુવાનો આવ્યા છે, જેઓ એફ્રાઈમના પહાડી વિસ્તારના પ્રબોધકોના દીકરાઓ* છે. મહેરબાની કરીને તેઓ માટે એક તાલંત ચાંદી અને બે જોડ કપડાં આપો.’”+ ૨૩ નામાને કહ્યું: “એક શું, બે તાલંત લઈ જા!” તેણે ગેહઝીને ઘણો આગ્રહ કર્યો.+ તેણે બે તાલંત ચાંદી બે ગૂણમાં ભરી આપી. સાથે સાથે બે જોડ કપડાં પણ મૂક્યાં. નામાને પોતાના બે ચાકરોને એ આપી, જેઓ ગેહઝી માટે ઊંચકી લઈ ગયા.
૨૪ ગેહઝીએ ઓફેલ* પહોંચીને તેઓના હાથમાંથી એ બધું લઈ લીધું અને ઘરમાં મૂક્યું. તેણે પેલા માણસોને વિદાય આપી. તેઓના ગયા પછી, ૨૫ ગેહઝી પોતાના માલિક પાસે આવીને ઊભો રહ્યો. એલિશાએ તેને પૂછ્યું: “ગેહઝી, તું ક્યાં જઈને આવ્યો?” તેણે કહ્યું: “તમારો સેવક ક્યાંય ગયો નથી.”+ ૨૬ એલિશાએ તેને કહ્યું: “શું તને એમ લાગે છે કે પેલો માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો એ મને નથી ખબર? શું હમણાં કપડાં, જૈતૂનવાડીઓ, દ્રાક્ષાવાડીઓ, ઘેટાં, ઢોરઢાંક કે દાસ-દાસીઓ સ્વીકારવાનો સમય છે?+ ૨૭ હવે નામાનનો રક્તપિત્ત+ તને અને તારા વંશજોને થશે.” તરત જ તેને રક્તપિત્ત થયો અને તેનું શરીર બરફ જેવું સફેદ થઈ ગયું.+ તે ઉતાવળે એલિશા આગળથી નીકળી ગયો.