મતભેદોને પ્રેમથી થાળે પાડીએ
“એકબીજા સાથે શાંતિ રાખો.”—માર્ક ૯:૫૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૧, ૨. ઉત્પત્તિના પુસ્તકમાં કઈ તકરારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ અહેવાલો શા માટે બાઇબલમાં નોંધવામાં આવ્યા છે?
શું તમે બાઇબલમાં આપેલા મતભેદો વિશે કદીયે વિચાર્યું છે? ઉત્પત્તિના શરૂઆતના અધ્યાયોમાં અમુક મતભેદો વિશે જોવા મળે છે. જેમ કે, કાઈને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. (ઉત. ૪:૩-૮) લામેખે એક યુવાનને મારી નાખ્યો, જેણે તેમના પર હુમલો કર્યો હતો. (ઉત. ૪:૨૩) ઈબ્રાહીમના ગોવાળિયાઓ અને લોટના ગોવાળિયાઓ વચ્ચે તકરાર થઈ. (ઉત. ૧૩:૫-૭) હાગારે પોતાને સારાહ કરતાં ચડિયાતી ગણી અને સારાહ ઈબ્રાહીમથી નારાજ થયાં. (ઉત. ૧૬:૩-૬) ઈશ્માએલ દરેકની વિરુદ્ધ થયો અને બધા તેની વિરુદ્ધ થયા.—ઉત. ૧૬:૧૨.
૨ બાઇબલમાં શા માટે આવી તકરારો નોંધવામાં આવી છે? આપણે એ લોકો પાસેથી શીખી શકીએ એ માટે. તેઓ પણ આપણી જેમ અપૂર્ણ હતા અને આપણા જેવી મુશ્કેલીઓનો સામનો કરતા હતા. આપણે એવી મુશ્કેલીઓમાં મુકાઈએ ત્યારે, બાઇબલમાં આપેલા સારા દાખલાઓનું અનુકરણ કરી શકીએ અને ચેતવણીરૂપ દાખલાઓમાંથી બોધપાઠ લઈ શકીએ. (રોમ. ૧૫:૪) એનાથી આપણે એકબીજા સાથે શાંતિમય સંબંધો રાખવાનું શીખી શકીએ.
૩. આ લેખમાં આપણે શું શીખીશું?
૩ આ લેખમાં આપણે શીખીશું કે, મતભેદો કે તકરારો થાળે પાડવી શા માટે જરૂરી છે અને આપણે એ કઈ રીતે કરી શકીએ. આપણે બાઇબલના કેટલાક સિદ્ધાંતો વિશે પણ શીખીશું, જે આપણને મુશ્કેલીઓ થાળે પાડવા તેમજ યહોવા અને બીજાઓ સાથે સારા સંબંધો જાળવવા મદદ કરશે.
ઈશ્વરભક્તોએ શા માટે મતભેદો થાળે પાડવા જોઈએ?
૪. આજે દુનિયામાં કેવું વલણ ફેલાઈ ગયું છે અને એનું કેવું પરિણામ આવ્યું છે?
૪ લોકો વચ્ચે જોવા મળતાં મતભેદો અને તકરારોનું મુખ્ય કારણ શેતાન છે. આપણે શા માટે એમ કહી શકીએ? એદન બાગમાં શેતાને કહ્યું હતું કે, વ્યક્તિ જાતે નક્કી કરી શકે છે કે પોતાના માટે સારું શું છે અને ખરાબ શું છે અને દરેકે એમ કરવું જ જોઈએ. એ માટે તેણે ઈશ્વર પર આધાર રાખવાની જરૂર નથી. (ઉત. ૩:૧-૫) પરંતુ, દુનિયા પર નજર નાખીએ તો, એવા વલણનાં ખરાબ પરિણામો જોઈ શકાય છે. ઘણા લોકોને લાગે છે કે, પોતાના માટે સારું શું અને ખરાબ શું એ નક્કી કરવાનો હક તેમનો પોતાનો છે. એવા લોકોમાં ઘમંડ, સ્વાર્થ અને હરીફાઈની ભાવના જોવા મળે છે. તેમ જ, તેઓના નિર્ણયથી બીજાઓ પર શું વીતશે, એની તેઓને જરાય પડી હોતી નથી. એવા સ્વાર્થી વલણથી લોકોમાં તકરાર પેદા થાય છે. બાઇબલ આપણને યાદ અપાવે છે કે જો આપણે વાતે-વાતે ગુસ્સે થઈ જતા હોઈશું, તો બીજાઓ સાથે આપણા ઘણા મતભેદો ઊભા થશે અને આપણે પાપ કરી બેસીશું.—નીતિ. ૨૯:૨૨.
૫. મતભેદો થાળે પાડવા ઈસુએ લોકોને કયાં સૂચનો આપ્યાં હતાં?
૫ ઈસુએ લોકોને શીખવ્યું હતું કે, તેઓએ શાંતિ જાળવવી જોઈએ, પછી ભલે એ માટે નુકસાન ભોગવવું પડે. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ મતભેદો કે તકરારો થાળે પાડવા અમુક જોરદાર સૂચનો આપ્યાં હતાં. દાખલા તરીકે, ઈસુએ તેઓને નમ્ર બનવા, બીજાઓ સાથે સુલેહ-શાંતિ કરવા, ગુસ્સા જેવી લાગણીઓ દૂર કરવા, મતભેદો તરત જ થાળે પાડવા અને દુશ્મનો પર પ્રેમ રાખવા ઉત્તેજન આપ્યું હતું.—માથ. ૫:૫, ૯, ૨૨, ૨૫, ૪૪.
૬, ૭. (ક) મતભેદો તરત થાળે પાડવા શા માટે જરૂરી છે? (ખ) યહોવાના સેવકોએ કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૬ આજે, આપણે પ્રાર્થના, પ્રચાર અને સભાઓ દ્વારા યહોવાની ભક્તિ કરીએ છીએ. પણ, જો આપણે ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ નહિ કરીએ, તો યહોવા આપણી ભક્તિ સ્વીકારશે નહિ. (માર્ક ૧૧:૨૫) આપણે બીજાઓની ભૂલો માફ કરીશું તો જ યહોવાના મિત્ર બની શકીશું.—લુક ૧૧:૪; એફેસી ૪:૩૨ વાંચો.
૭ યહોવા ચાહે છે કે તેમના બધા જ ભક્તો માફ કરનારા બને અને બીજાઓ સાથે શાંતિભર્યા સંબંધો જાળવે. આ સવાલો પર વિચાર કરો: “શું હું ભાઈ-બહેનોને તરત જ માફ કરું છું? શું હું તેઓની સંગતનો આનંદ માણું છું?” જો તમને લાગે કે તમારે માફી આપવાનો ગુણ હજી વધારે કેળવવાનો છે, તો યહોવાને પ્રાર્થના કરો. તેમ જ, દિલથી બીજાઓને માફ કરી શકો એ માટે યહોવા પાસે મદદ માંગો. ખાતરી રાખો, સ્વર્ગમાંના આપણા પિતા એવી નમ્ર પ્રાર્થનાઓ સાંભળે છે અને એનો જવાબ પણ આપે છે.—૧ યોહા. ૫:૧૪, ૧૫.
શું તમે બીજાઓની ભૂલને નજરઅંદાજ કરી શકો?
૮, ૯. કોઈ દુઃખ પહોંચાડે ત્યારે આપણે શું કરવું જોઈએ?
૮ આપણે બધા અપૂર્ણ છીએ. એટલે, એવી ખોટી અપેક્ષા ન રાખવી જોઈએ કે, બીજાઓ પોતાનાં વાણી-વર્તનથી આપણને ક્યારેય ઠેસ નહિ પહોંચાડે. (સભા. ૭:૨૦; માથ. ૧૮:૭) પણ, એમ થાય ત્યારે તમે શું કરશો? ચાલો, એક મહત્ત્વનો બોધ શીખવતો અનુભવ જોઈએ. એક પાર્ટીમાં આપણાં એક બહેને બે ભાઈઓને શુભેચ્છા પાઠવી. પણ, બહેને જે રીતે શુભેચ્છા પાઠવી એનાથી એક ભાઈને ખોટું લાગી ગયું. એ બે ભાઈઓ જ્યારે એકલા હતા, ત્યારે જે ભાઈને ખોટું લાગ્યું હતું તેમણે પેલા બહેનની ફરિયાદ કરવાનું શરૂ કર્યું. જોકે, બીજા ભાઈએ તેમને એ યાદ અપાવ્યું કે ઘણી મુશ્કેલીઓ છતાં, એ બહેન છેલ્લાં ૪૦ વર્ષોથી વફાદારીથી યહોવાની સેવા કરી રહ્યાં છે. એ ભાઈને ખાતરી હતી કે બહેનનો ઇરાદો પેલા ભાઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. જે ભાઈને ખોટું લાગ્યું હતું તેમણે કેવું વલણ બતાવ્યું? તેમણે કહ્યું: “તમે સાચું કહો છો.” તેમણે નક્કી કર્યું કે જે બન્યું એને તે ભૂલી જશે.
૯ આ અનુભવ આપણને શું શીખવે છે? કોઈ દુઃખ પહોંચાડે ત્યારે, આપણે કેવું વલણ બતાવીશું એ આપણા હાથમાં છે. એક પ્રેમાળ વ્યક્તિ માફ કરનાર હોય છે. (નીતિવચનો ૧૦:૧૨; ૧ પીતર ૪:૮ વાંચો.) જ્યારે આપણે ‘અપરાધની દરગુજર કરીએ’ છીએ, ત્યારે યહોવાને એ બહુ ગમે છે. (નીતિ. ૧૯:૧૧; સભા. ૭:૯) તેથી, જ્યારે બીજાનાં વાણી-વર્તનથી તમને માઠું લાગે, ત્યારે આ સવાલ પર વિચાર કરો: “શું હું એ ભૂલને નજરઅંદાજ કરી શકું? શું મારે એ વિશે વિચારતા રહેવું જોઈએ?”
૧૦. (ક) એક બહેનની ટીકા કરવામાં આવી ત્યારે તેમને શરૂઆતમાં કેવું લાગ્યું? (ખ) બાઇબલની કઈ સલાહે બહેનને તેમનું મન શાંત રાખવા મદદ કરી?
૧૦ કોઈ આપણા વિશે ખોટી વાતો કરે ત્યારે, એને નજરઅંદાજ કરવું અઘરું હોય છે. એક પાયોનિયર બહેન સાથે જે બન્યું એનો વિચાર કરો. મંડળના અમુક લોકો પ્રચારકાર્યની તેમની આવડત વિશે અને તે જે રીતે પોતાના સમયનો ઉપયોગ કરતા એ વિશે ખોટી વાતો કરવા લાગ્યા. એનાથી બહેનને ખૂબ જ દુઃખ થયું અને તેમણે અનુભવી ભાઈઓ પાસે મદદ માંગી. ભાઈઓએ તેમને બાઇબલમાંથી સલાહ આપી અને એ સમજવા મદદ કરી કે લોકોની ખોટી વાતો વિશે વિચારવાને બદલે, યહોવા વિશે વિચારવું વધારે જરૂરી છે. પછી, બહેને જ્યારે માથ્થી ૬:૧-૪ વાંચી, ત્યારે તેમને બહુ ઉત્તેજન મળ્યું. (વાંચો.) એ કલમોએ બહેનને યાદ અપાવ્યું કે, યહોવાને ખુશ કરવા વધારે મહત્ત્વનું છે. તેમણે નિર્ણય લીધો કે લોકોની ખોટી વાતોને તે નજરઅંદાજ કરશે. હવે, તેમના પ્રચારકાર્ય વિશે કોઈ ટીકા કરે તોપણ, તે ખુશ રહે છે. કારણ કે, તે જાણે છે કે યહોવાને ખુશ કરવા તે બનતું બધું કરી રહ્યા છે.
ગંભીર ભૂલો કઈ રીતે હાથ ધરવી
૧૧, ૧૨. (ક) યહોવાના કોઈ સેવકને લાગે કે, “મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે” તો, તેણે શું કરવું જોઈએ? (ખ) ઈબ્રાહીમે મતભેદને જે રીતે હાથ ધર્યો એમાંથી આપણે શું શીખી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ અમુક વાર બીજાઓ એવું કંઈક કરે જેનાથી આપણને એટલું લાગી આવે કે, આપણી શાંતિ છીનવાઈ જાય. (યાકૂ. ૩:૨) એવું બને ત્યારે આપણે શું કરવું જોઈએ? ઈસુની આ સલાહ યાદ કરો: “જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.” (માથ. ૫:૨૩, ૨૪) આ કલમ પ્રમાણે પહેલા તમારા ભાઈ સાથે વાત કરો. એમ કરો ત્યારે, તમારો ધ્યેય તેમની સાથે શાંતિભર્યા સંબંધો જાળવવાનો હોવો જોઈએ, દલીલો જીતવાનો નહિ. તેમ જ, તે પોતાની ભૂલ કબૂલ કરે એ માટે તેના પર દબાણ ન કરવું જોઈએ. યાદ રાખીએ કે, ભાઈઓ સાથે શાંતિ જાળવવી સૌથી મહત્ત્વનું છે.
૧૨ બાઇબલ જણાવે છે કે, મતભેદો ઊભા થાય ત્યારે, ઈશ્વરભક્તો કઈ રીતે શાંતિ જાળવી શકે છે. દાખલા તરીકે, ઈબ્રાહીમ અને તેમના ભત્રીજા લોટ પાસે ઘણાં ઢોરઢાંક હતાં. એને ચરાવવાં પૂરતી જગ્યા ન હોવાથી તેઓના ગોવાળિયાઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. જોકે, ઈબ્રાહીમ શાંતિ ચાહતા હતા. તેથી, સૌથી સારો દેશ પસંદ કરવાની તક લોટને પહેલા આપી. (ઉત. ૧૩:૧, ૨, ૫-૯) આપણા માટે કેવો સરસ દાખલો! શું પોતાની ઉદારતા માટે ઈબ્રાહીમે કાયમી નુકસાન ભોગવવું પડ્યું? ના, જરાય નહિ. આ બનાવ બન્યો એ પછી તરત જ યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો અને તેમણે જે ગુમાવ્યું હતું એના કરતાં ઘણું વધારે આપ્યું. (ઉત. ૧૩:૧૪-૧૭) આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે અમુક નુકસાન ભોગવવું પડે, પણ જ્યારે આપણે મતભેદોને પ્રેમથી થાળે પાડીએ છીએ, ત્યારે યહોવા આપણને આશીર્વાદ આપે છે.[1]
૧૩. એક નિરીક્ષકે કેવું વલણ બતાવ્યું અને તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૩ ચાલો, હવે આપણા સમયનો દાખલો લઈએ. સંમેલન વિભાગના એક નવા નિરીક્ષકે એક ભાઈને ફોન કરીને પૂછ્યું કે તે એ વિભાગમાં કામ કરી શકે કે કેમ. પેલા ભાઈએ બહુ ખરાબ રીતે વાત કરી અને ફોન પછાડ્યો. કારણ કે, અગાઉના નિરીક્ષકથી તે બહુ ગુસ્સે હતા. નવા નિરીક્ષકને માઠું તો ન લાગ્યું, પણ જે બન્યું એને તે નજરઅંદાજ પણ ન કરી શક્યા. એક કલાક પછી, તેમણે પેલા ભાઈને ફરી ફોન કર્યો અને મળવા જણાવ્યું. એ પછીના અઠવાડિયે તેઓ રાજ્યગૃહમાં મળ્યા, યહોવાને પ્રાર્થના કરી અને આશરે એક કલાક વાત કરી. અગાઉના નિરીક્ષક સાથે શું બન્યું હતું એ વિશે ભાઈએ નવા નિરીક્ષકને જણાવ્યું. નવા નિરીક્ષકે તેમનું ધ્યાનથી સાંભળ્યું અને મદદરૂપ કલમોની ચર્ચા કરી. પરિણામે, બંને ભાઈઓએ શાંતિ જાળવી અને સંમેલનમાં સાથે કામ કર્યું. પેલા ભાઈ ખૂબ આભારી છે કે નિરીક્ષકે તેમની સાથે પ્રેમ અને શાંતિથી વાત કરી.
વડીલો પાસે ક્યારે જવું જોઈએ?
૧૪, ૧૫. (ક) માથ્થી ૧૮:૧૫-૧૭ની સલાહ કયા સંજોગોમાં લાગુ પાડી શકાય? (ખ) ઈસુએ કયા ત્રણ પગલાં જણાવ્યાં હતાં અને એને લાગુ પાડવા પાછળ તમારો ધ્યેય શો હોવો જોઈએ?
૧૪ ઈશ્વરભક્તો વચ્ચે ઊભા થતા મતભેદો અંદરોઅંદર થાળે પાડી શકાય છે અને એમ કરવું પણ જોઈએ. જોકે, અમુક વાર એ શક્ય નથી હોતું. માથ્થી ૧૮:૧૫-૧૭ પ્રમાણે અમુક સંજોગોમાં બીજાઓની મદદ લેવી પડે છે. (વાંચો.) એ કલમોમાં ઈસુ શું ઈશ્વરભક્તો વચ્ચે થતા નાના-સૂના “અપરાધ” કે પાપ વિશે જણાવી રહ્યા હતા? ના. આપણે કઈ રીતે એમ કહી શકીએ? ઈસુએ કહ્યું હતું કે, અપરાધ કરનાર ભાઈ સાથે પહેલા ખાનગીમાં, પછી સાક્ષીઓની હાજરીમાં અને પછી જવાબદાર ભાઈઓને વાત કરો. છતાં, જો તે પસ્તાવો ન કરે, તો ‘તેને વિદેશી તથા દાણીના જેવો ગણવો.’ આજે એનો મતલબ મંડળમાંથી બહિષ્કૃત કરવું થાય છે. અહીં જણાવેલા “અપરાધ”માં છેતરપિંડી કે નિંદા કરીને બીજાનું નામ બદનામ કરવા જેવી બાબતોનો સમાવેશ થઈ શકે. પરંતુ, એ “અપરાધ”માં વ્યભિચાર, સજાતીય સંબંધો, સત્યનો વિરોધ કે એમાં ભેળસેળ અથવા મૂર્તિપૂજા જેવા ગંભીર પાપનો સમાવેશ થતો નથી. કારણ કે, એ બધા કિસ્સા તો વડીલોએ જ હાથ ધરવા જોઈએ.
૧૫ ઈસુએ એ સલાહ આપી ત્યારે, તેમનો ધ્યેય આપણને એ શીખવવાનો હતો કે, પ્રેમથી પ્રેરાઈને કઈ રીતે આપણા ભાઈને મદદ કરી શકીએ. (માથ. ૧૮:૧૨-૧૪) ઈસુની એ સલાહ આપણે કઈ રીતે પાળી શકીએ? (૧) બીજાઓને સામેલ કર્યા વગર આપણે જ ભાઈ સાથે સુલેહ-શાંતિ માટે પ્રયત્નો કરવા જોઈએ. એ માટે કદાચ આપણે અનેક વાર તેમની સાથે વાત કરવી પડે. તેમ છતાં, જો સમાધાન ન થાય, તો આપણે શું કરીશું? (૨) આપણે એવી વ્યક્તિને સાથે લઈ જઈને વાત કરવી જોઈએ, જે એ બનાવ વિશે જાણતી હોય અથવા કશું ખોટું બન્યું છે એવું પારખી શકતી હોય. જો મુશ્કેલી થાળે પડી જાય, તો આપણે ‘ભાઈને મેળવી લીધો છે.’ પણ, ભાઈ સાથે વારંવાર વાત કરી હોવા છતાં, જો સુલેહ-શાંતિ કરી ન શકીએ, તો શું? (૩) આપણે વડીલો પાસે જવું જોઈએ અને એ મુશ્કેલી વિશે જણાવવું જોઈએ.
૧૬. શું બતાવે છે કે ઈસુની સલાહ પાળવી અસરકારક અને પ્રેમાળ છે?
૧૬ મોટા ભાગના કિસ્સામાં જોવા મળ્યું છે કે, માથ્થી ૧૮:૧૫-૧૭માં જણાવેલા ત્રણેય પગલાં ભરવાની જરૂર પડતી નથી. કારણ કે, ખોટું કરનાર વ્યક્તિ મોટે ભાગે પોતાની ભૂલ સ્વીકારી લે છે અને મુશ્કેલી થાળે પડી જાય છે. તેથી, તેને બહિષ્કૃત કરવાની જરૂર પડતી નથી. એ ખરેખર ઉત્તેજન આપનારું છે. શાંતિ જાળવવા, જે વ્યક્તિને ખોટું લાગ્યું છે તે પોતાના ભાઈને માફ કરી દેશે. તેથી, ઈસુની સલાહ પરથી એ સાફ જોઈ શકાય છે કે, આપણે વડીલો પાસે તરત દોડી જવાની જરૂર નથી. પહેલા બે પગલાં ભર્યાં પછી અને ખરેખર કંઈક ખોટું થયું છે એનો પુરાવો હોય તો જ, આપણે એ વિશે વડીલોને જણાવવું જોઈએ.
૧૭. એકબીજા સાથે શાંતિ જાળવવા મહેનત કરીશું તો, આપણને કેવા આશીર્વાદો મળશે?
૧૭ અપૂર્ણ છીએ ત્યાં સુધી આપણે બીજાઓને દુઃખ પહોંચાડતા રહીશું. શિષ્ય યાકૂબે લખ્યું: “જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” (યાકૂ. ૩:૨) મતભેદોને થાળે પાડવા માટે આપણે ‘શાંતિ શોધવા અને તેની પાછળ લાગવા’ પ્રયત્ન કરવો જોઈએ. (ગીત. ૩૪:૧૪) બીજાઓ સાથે શાંતિ જાળવવા પ્રયત્નો કરતા રહીશું તો, આપણાં ભાઈ-બહેનો સાથે સારા સંબંધો કેળવી શકીશું અને સંપ જાળવી શકીશું. (ગીત. ૧૩૩:૧-૩) સૌથી મહત્ત્વનું તો એ છે કે, આપણે “શાંતિદાતા ઈશ્વર” યહોવા સાથે ગાઢ સંબંધ જાળવી શકીશું. (રોમ. ૧૫:૩૩) જો આપણે મતભેદોને પ્રેમથી થાળે પાડીશું, તો આ બધા આશીર્વાદોનો આનંદ માણીશું.
^ [૧] (ફકરો ૧૨) બીજા અમુક ઈશ્વરભક્તોએ પણ મતભેદોને શાંતિથી થાળે પાડ્યા હતા. જેમ કે, યાકૂબે એસાવ સાથે (ઉત. ૨૭:૪૧-૪૫; ૩૩:૧-૧૧); યુસફે પોતાના ભાઈઓ સાથે (ઉત. ૪૫:૧-૧૫) અને ગિદઓને એફ્રાઈમીઓ સાથે. (ન્યા. ૮:૧-૩) તમને પણ કદાચ બાઇબલના આવા બીજા દાખલાઓ યાદ હશે.