સંજોગો બદલાય તોપણ મનની શાંતિ જાળવી રાખો
‘મેં મારું મન નમ્ર તથા શાંત કર્યું છે.’—ગીત. ૧૩૧:૨.
૧, ૨. (ક) જીવનમાં અચાનક આવતા ફેરફારો આપણને કઈ રીતે અસર કરી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ગીતશાસ્ત્ર ૧૩૧ પ્રમાણે આપણને શાનાથી મદદ મળશે?
એક યુગલે ૨૫ કરતાં વધારે વર્ષો બેથેલમાં સેવા આપી હતી. તેઓનાં નામ લોઈડ અને ઍલેક્ઝાંડ્રા છે. પછી, તેઓને પાયોનિયર તરીકેની સોંપણી મળી. શરૂઆતમાં તેઓ ઘણાં નિરાશ થઈ ગયાં. લોઈડ જણાવે છે: ‘બેથેલનું મારું કામ મને ખૂબ ગમતું. મને લાગતું કે એ જ મારી ઓળખ બની ગઈ હતી. જે ફેરફાર થયો એને મેં સ્વીકારી લીધો હતો. પણ, દિવસો વીતતા ગયા તેમ મને થવા લાગ્યું કે હું કંઈ કામનો નથી.’ એ ફેરફાર વિશે લોઈડને લાગતું કે જે થયું એ બરાબર છે. પણ બીજી જ પળે તે નિરાશાના દરિયામાં ડૂબી જતા.
૨ સમય વહેતી નદી જેવો છે. એ પોતાની સાથે અનેક ફેરફારો પણ લાવે છે. એટલે આપણને ઘણી ચિંતા અને ટેન્શન થઈ શકે. (નીતિ. ૧૨:૨૫) ફેરફારોને સ્વીકારવાનું કે એ પ્રમાણે પોતાને ઢાળવાનું અઘરું લાગે ત્યારે, મન શાંત રાખવા આપણે શું કરી શકીએ? (ગીતશાસ્ત્ર ૧૩૧:૧-૩ વાંચો.) પહેલાંના સમયના અને આજના સમયના અમુક ઈશ્વરભક્તોએ મોટા ફેરફારોનો સામનો કર્યો છે. ચાલો જોઈએ કે, તેઓએ કઈ રીતે મનની શાંતિ જાળવી રાખી હતી.
‘ઈશ્વર તરફથી મળતી શાંતિ’ આપણને કઈ રીતે મદદ કરે છે?
૩. યુસફના જીવનમાં અચાનક કેવા ફેરફારો આવ્યા?
૩ ચાલો યુસફનો વિચાર કરીએ. યાકૂબ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે યુસફના ભાઈઓ ઈર્ષા કરતા. યુસફ આશરે ૧૭ વર્ષના હતા ત્યારે તેઓએ તેમને ગુલામ તરીકે વેચી દીધા. (ઉત. ૩૭:૨-૪, ૨૩-૨૮) તેમણે આશરે ૧૩ વર્ષ સુધી ઇજિપ્તમાં ગુલામ તરીકે અને પછીથી કેદી તરીકે ઘણું સહન કર્યું. યુસફ પોતાના પિતાને ખૂબ ચાહતા હતા. પરંતુ, તેમને પિતાથી દૂર કરી દેવામાં આવ્યા હતા. એવા સંજોગોને લીધે યુસફ કદાચ નિરાશ કે ગુસ્સે થઈ શક્યા હોત, પણ તેમણે એવું કર્યું નહિ. તેમને શાનાથી મદદ મળી?
૪. (ક) યુસફ કેદમાં હતા ત્યારે તેમણે શું કર્યું? (ખ) યહોવાએ કઈ રીતે યુસફની પ્રાર્થનાનો જવાબ આપ્યો?
૪ યુસફ કેદમાં હતા ત્યારે, તેમણે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે યહોવા તેમને કઈ રીતે મદદ કરી રહ્યા હતા. (ઉત. ૩૯:૨૧; ગીત. ૧૦૫:૧૭-૧૯) એ સમયે યુસફને અગાઉ જોયેલાં સપનાં યાદ આવ્યાં હશે. એનાથી તેમને ખાતરી મળી હશે કે યહોવા તેમની પડખે છે. (ઉત. ૩૭:૫-૧૧) તેમણે ઘણી વાર પ્રાર્થના કરી હશે અને યહોવા આગળ પોતાનું દિલ ઠાલવ્યું હશે. (ગીત. ૧૪૫:૧૮) યહોવાએ કઈ રીતે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો? યહોવાએ એવો ભરોસો અપાવ્યો કે ભલે ગમે એ થાય તે ‘તેમની સાથે હશે.’—પ્રે.કા. ૭:૯, ૧૦.a
૫. ‘ઈશ્વર તરફથી મળતી શાંતિ’ આપણને કઈ રીતે મદદ કરે છે?
૫ સંજોગો ભલે ગમે એવા હોય, આપણે ‘ઈશ્વર તરફથી શાંતિ’ મેળવી શકીએ છીએ. એ ‘તમારા મનનું રક્ષણ કરશે’ અને તમારું મન શાંત રાખવા મદદ કરશે. (ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.) ચિંતામાં હોઈએ ત્યારે ‘ઈશ્વર તરફથી મળતી શાંતિ’ કઈ રીતે મદદ કરે છે? એ આપણને યહોવાની સેવા કરતા રહેવા અને હિંમત ન હારવા મદદ કરે છે. આપણાં સમયનાં જે ભાઈ-બહેનોએ એનો અનુભવ કર્યો છે, ચાલો તેઓનાં દાખલા જોઈએ.
મનની શાંતિ પાછી મળે માટે યહોવા પાસે મદદ માંગો
૬, ૭. પ્રાર્થના કઈ રીતે આપણને મનની શાંતિ પાછી મેળવવા મદદ કરી શકે? દાખલો આપો.
૬ રાયનભાઈ અને જુલિયેટબહેનને થોડા સમય માટે ખાસ પાયોનિયર તરીકેની સોંપણી મળી હતી. જ્યારે તેઓને ખબર પડી કે એ સોંપણી પૂરી થઈ છે, ત્યારે તેઓ નિરાશ થઈ ગયાં. રાયન જણાવે છે: ‘એ વિશે તરત જ અમે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. અમે જાણતાં હતાં કે એ સમયે અમારે યહોવા પર ભરોસો રાખવાનો છે. અમારા મંડળમાં ઘણાં ભાઈ-બહેનો સત્યમાં નવાં હતાં. તેઓ માટે સારો દાખલો બેસાડવા અમે યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગી.’
૭ યહોવાએ તેઓની પ્રાર્થનાનો કેવો જવાબ આપ્યો? રાયન જણાવે છે: ‘અમારા દિલમાં નિરાશા અને ચિંતા હતી. પણ પ્રાર્થના પછી એ તરત જ ગાયબ થઈ ગઈ. ઈશ્વર તરફથી મળતી શાંતિથી અમારા દિલ અને મનને ઠંડક મળી. અમને અહેસાસ થયો કે જો અમે નિરાશાજનક વિચારોથી દૂર રહીશું, તો યહોવાના કામમાં લાગુ રહી શકીશું.’
૮-૧૦. (ક) આપણે ચિંતામાં હોઈએ ત્યારે, ઈશ્વરની પવિત્ર શક્તિ કઈ રીતે મદદ કરી શકે છે? (ખ) સેવામાં પૂરું ધ્યાન આપીએ છીએ ત્યારે, યહોવા કેવા આશીર્વાદો આપે છે?
૮ ઈશ્વરની પવિત્ર શક્તિ આપણને શાંત રહેવા મદદ કરી શકે છે. એ શક્તિ આપણને બાઇબલની કલમો તરફ પણ દોરી જશે. એ કલમોથી સમજવા મદદ મળશે કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. (યોહાન ૧૪:૨૬, ૨૭ વાંચો.) ચાલો ફિલિપભાઈ અને મેરીબહેનના દાખલાનો વિચાર કરીએ. આ યુગલ પચ્ચીસેક વર્ષથી બેથેલમાં સેવા આપી રહ્યું હતું. ચાર મહિનામાં જ એ બંનેની માતા અને બીજાં કુટુંબીજનો મરણ પામ્યાં. મેરીના પિતાને મોટી બીમારી હતી. એના લીધે તેમને યાદ રહેતું ન હતું એટલે તેમની સંભાળ લેવાની જરૂર પડી હતી.
૯ ફિલિપ કહે છે: ‘હું વિચારતો કે અમુક હદે હું સંજોગોને સારી રીતે હાથ ધરું છું, પણ કંઈક ખૂટતું હતું. ચોકીબુરજના અભ્યાસ લેખમાં મારી નજર કોલોસીઓ ૧:૧૧ પર પડી. મારે “ધીરજ અને આનંદથી બધું સહન” કરવાની જરૂર હતી. હું સંજોગો સામે પૂરેપૂરી રીતે લડી રહ્યો ન હતો. એ કલમથી હું સમજી શક્યો કે મારા આનંદનો આધાર સંજોગો નહિ, પણ ઈશ્વરની શક્તિ છે. એ શક્તિ મારા જીવનને અસર કરી રહી છે.’
૧૦ ફિલિપ અને મેરીએ યહોવાની સેવા પરથી ધ્યાન ફંટાવા દીધું નહિ, એટલે યહોવાએ તેઓને ઘણા આશીર્વાદો આપ્યા. બેથેલ છોડ્યું એના થોડા જ સમય પછી, તેઓને સારા બાઇબલ અભ્યાસ મળ્યા. વિદ્યાર્થીઓ સારી પ્રગતિ કરી રહ્યા હતા. અરે, તેઓ તો અઠવાડિયામાં એકથી વધારે વખત અભ્યાસ કરવા ચાહતા હતા. મેરી જણાવે છે: ‘તેઓના લીધે અમારા જીવનમાં ખુશી ફેલાઈ ગઈ. યહોવા જાણે કહી રહ્યા હતા કે બધું સારું થઈ જશે.’
યહોવાનો આશીર્વાદ મળે, એવું કામ કરો
૧૧, ૧૨. (ક) તકલીફો વિશે વિચારવાને બદલે યુસફે શું કર્યું? (ખ) યહોવાએ યુસફને કેવો આશીર્વાદ આપ્યો?
૧૧ જીવનમાં અચાનક ફેરફાર આવે ત્યારે, ઘણી ચિંતા થાય છે. બની શકે કે આપણને તકલીફો સિવાય બીજું કંઈ ન દેખાય. શું યુસફે ફક્ત તકલીફો પર ધ્યાન આપ્યું હતું? ના, એવા કપરા સંજોગોમાં પણ પોતે શું કરી શકે છે, એના પર તેમણે ધ્યાન આપ્યું. યુસફે પોટીફાર માટે સખત મહેનત કરી હતી. કેદખાનામાં હતા ત્યારે પણ તેમણે મહેનત કરવામાં પાછી પાની કરી નહિ. કેદખાનાનો અધિકારી તેમને જે કામ સોંપતો એ બધું તે કરતા હતા.—ઉત. ૩૯:૨૧-૨૩.
૧૨ યુસફને બે કેદીઓની દેખરેખ રાખવાનું કામ મળ્યું. તેઓ અગાઉ ફારૂનના દરબારમાં કામ કરતા હતા. યુસફનું વર્તન સારું હતું. એટલે તેઓ પોતાની ચિંતા સહેલાઈથી યુસફને જણાવી શક્યા. આગલી રાતે તેઓએ જે સપના જોયા હતા, એ વિશે પણ જણાવી શક્યા. (ઉત. ૪૦:૫-૮) યુસફ જાણતા ન હતા કે, એ વાતચીતને કારણે જ તેમને આઝાદી મળવાની હતી. બે વર્ષ પછી તે જેલમાંથી છૂટ્યા અને ઇજિપ્તના એક શક્તિશાળી શાસક બન્યા. યુસફ કરતાં વધારે સત્તા ફારૂન સિવાય બીજા કોઈની પાસે ન હતી!—ઉત. ૪૧:૧, ૧૪-૧૬, ૩૯-૪૧.
૧૩. ભલે ગમે એવા સંજોગો આવે તોપણ યહોવાનો આશીર્વાદ મેળવવા આપણે શું કરવું જોઈએ?
૧૩ યુસફની જેમ, આપણે પણ એવા સંજોગોમાં આવી પડીએ, જેના પર આપણો કાબૂ ન હોય. જો આપણે ધીરજ રાખીશું અને બનતું બધું કરીશું, તો યહોવા આશીર્વાદ આપશે. (ગીત. ૩૭:૫) ભલે આપણે મૂંઝવણમાં કે ચિંતામાં હોઈએ તોપણ, ‘નિરાશ થઈએ નહિ’ કે આશા છોડીએ નહિ. (૨ કોરીં. ૪:૮, ફૂટનોટ) યહોવા હંમેશાં આપણી પડખે રહેશે. આપણે સેવાકાર્ય પર પૂરું ધ્યાન આપીએ છીએ ત્યારે, તે ખાસ આપણી સંગાથે રહે છે.
સેવાકાર્યથી તમારું ધ્યાન ફંટાવા ન દો
૧૪-૧૬. ફિલિપના સંજોગો બદલાયા તોપણ તે કઈ રીતે સેવાકાર્યમાં મંડ્યા રહ્યા?
૧૪ ફિલિપનો દાખલો જોરદાર છે. તે એક પ્રચારક હતા. તેમના જીવનમાં ભલે ગમે એવા સંજોગો આવ્યા પણ તેમણે સેવાકાર્યથી પોતાનું ધ્યાન ફંટાવા દીધું નહિ. યરૂશાલેમમાં મળેલી નવી સોંપણીનો તે આનંદ માણી રહ્યા હતા. (પ્રે.કા. ૬:૧-૬) પછી અચાનક બધું બદલાઈ ગયું. ખ્રિસ્તીઓની ક્રૂર સતાવણી કરવામાં આવી અને સ્તેફનનેb મારી નાખવામાં આવ્યા. એટલે ખ્રિસ્તીઓ યરૂશાલેમથી નાસી છૂટ્યા. પરંતુ ફિલિપ યહોવાની સેવામાં વ્યસ્ત રહેવા માંગતા હતા. એટલે તે સમરૂન શહેરમાં ગયા, જ્યાંના લોકોએ હજુ સુધી ખુશખબર સાંભળી ન હતી.—માથ. ૧૦:૫; પ્રે.કા. ૮:૧, ૫.
૧૫ પવિત્ર શક્તિની દોરવણીથી ફિલિપ કોઈ પણ જગ્યાએ જવા તૈયાર હતા. એટલે યહોવાએ તેમને એવી જગ્યાએ મોકલ્યા, જ્યાં લોકોએ ખુશખબર સાંભળી ન હતી. ઘણા યહુદીઓ સમરૂનીઓને નીચી નજરે જોતા હતા અને ખરાબ વ્યવહાર કરતા હતા. પણ ફિલિપે તેઓ વિશે મનમાં પૂર્વગ્રહ રાખ્યો નહિ. તેમણે તો ઉત્સાહથી ખુશખબર જણાવી. સમરૂનીઓએ તેમની વાત “એક મનથી” સાંભળી.—પ્રે.કા. ૮:૬-૮.
૧૬ એ પછી, પવિત્ર શક્તિએ ફિલિપને અશ્દોદ અને કાઈસારીઆ શહેરોમાં પ્રચાર કરવાનું માર્ગદર્શન આપ્યું. એ શહેરોમાં બીજી પ્રજાના ઘણા લોકો રહેતા હતા. (પ્રે.કા. ૮:૩૯, ૪૦) ફિલિપના જીવનમાં બીજો એક મોટો ફેરફાર થયો. તેમણે કુટુંબ સાથે ત્યાં જ વસવાનો નિર્ણય લીધો. ભલે ગમે એવા ફેરફારો આવ્યા, તેમ છતાં તે સેવાકાર્યમાં મંડ્યા રહ્યા. તેમના પર અને તેમના કુટુંબ પર યહોવા ભરપૂર આશીર્વાદ વરસાવતા રહ્યા.—પ્રે.કા. ૨૧:૮, ૯.
૧૭, ૧૮. સંજોગો બદલાય ત્યારે સેવાકાર્ય પર ધ્યાન આપવાથી કઈ રીતે મદદ મળે છે?
૧૭ સંજોગો બદલાય તોપણ સેવાકાર્યમાં મંડ્યા રહેવું જોઈએ. પૂરા સમયના સેવકોએ એ વાત લાગુ પાડી છે. એનાથી, તેઓ ખુશી મેળવી શક્યા છે અને સારી બાબતો પર ધ્યાન આપી શક્યા છે. દાખલા તરીકે, આસ્બોર્નભાઈ અને પોલાઈટબહેન દક્ષિણ આફ્રિકામાં રહે છે. બેથેલ છોડ્યું ત્યારે તેઓને લાગ્યું કે પાર્ટ ટાઈમ નોકરી અને ઘર સહેલાઈથી મળી જશે. પણ આસ્બોર્ન જણાવે છે: ‘નોકરી શોધવી લોઢાના ચણા ચાવવા જેવું હતું.’ પોલાઈટ કહે છે: ‘અમને ત્રણ મહિના સુધી નોકરી જ ન મળી. અમારી પાસે બચત પણ ન હતી. એ અમારા માટે મોટો પડકાર હતો.’
૧૮ એવા સમયે આસ્બોર્ન અને પોલાઈટને શાનાથી મદદ મળી? આસ્બોર્ન જણાવે છે: ‘મંડળ સાથે સેવાકાર્યમાં મંડ્યા રહેવાથી અમને સારી બાબતો પર ધ્યાન આપવા અને નિરાશ ન થવા ઘણી મદદ મળી.’ હાથ પર હાથ ધરીને બેસી રહેવાને બદલે તેઓએ સેવાકાર્યમાં મન પરોવ્યું. એમ કરવાથી તેઓને ઘણો આનંદ થયો! આસ્બોર્ન કહે છે: ‘અમે નોકરી શોધવા પૂરી મહેનત કરી અને સમય જતાં અમને નોકરી મળી ગઈ.’
યહોવા પર પૂરો ભરોસો રાખો
૧૯-૨૧. (ક) મનની શાંતિ જાળવી રાખવા આપણને શાનાથી મદદ મળશે? (ખ) અણધાર્યા ફેરફારો પ્રમાણે પોતાને ઢાળવાથી કેવા ફાયદા થઈ શકે?
૧૯ આપણે શીખી ગયા કે સંજોગોનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, યહોવા પર પૂરો ભરોસો રાખવો જોઈએ. એમ કરીશું તો, ભલે ગમે એવા સંજોગો આવે પણ આપણે મનની શાંતિ જાળવી શકીશું. (મીખાહ ૭:૭ વાંચો.) સમય જતાં, આપણને અહેસાસ થશે કે સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાથી યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય છે. પોલાઈટ જણાવે છે: ‘નવી સોંપણીથી શીખવા મળ્યું કે ભલે કપરા સંજોગો હોય, તોપણ યહોવા પર આધાર રાખવાથી ઘણો ફાયદો થાય છે. તેમની સાથેનો મારો સંબંધ વધુ મજબૂત થયો છે.’
૨૦ અગાઉ આપણે મેરી વિશે જોઈ ગયા હતા. તે હજુ પણ પોતાના વૃદ્ધ પિતાની સંભાળ રાખે છે અને સાથે સાથે પાયોનિયર સેવા કરે છે. તે જણાવે છે: ‘મને શીખવા મળ્યું કે ચિંતામાં હોઉં ત્યારે મારે તરત પ્રાર્થના કરવી જોઈએ. એનાથી મારું મન હળવું થઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત મને એ શીખવા મળી કે બાબતોને યહોવાના હાથમાં સોંપી દેવી જોઈએ. એમ કરવાથી ભવિષ્યમાં પણ મદદ મળશે.’
૨૧ લોઈડ અને ઍલેક્ઝાંડ્રા કબૂલે છે કે જીવનમાં આવેલા ફેરફારોથી તેઓની શ્રદ્ધાની પરખ થઈ હતી. એ વિશે તેઓએ સપનામાંય વિચાર્યું ન હતું. તેઓ જોઈ શક્યા કે એ કસોટીઓથી તેઓને ઘણી મદદ મળી છે. તેઓને ખાતરી છે કે મુશ્કેલીઓ તેઓની શ્રદ્ધાને ડગમગાવી દેશે નહિ. આકરા સંજોગોમાં પણ તેઓને દિલાસો મળશે. ઉપરાંત, તેઓને લાગે છે કે સારા વ્યક્તિ બનવા મદદ મળી છે.
૨૨. સંજોગો બદલાય ત્યારે પણ બનતું બધું કરીશું તો શાની ખાતરી રાખી શકીએ?
૨૨ આજની દુનિયામાં આપણું જીવન કોઈ પણ ઘડીએ બદલાય શકે છે. બની શકે કે યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાય, આપણી તબિયત બગડે કે પછી કુટુંબની કાળજી લેવા સમય આપવો પડે. ભલે ગમે એવા સંજોગો આવે પણ પૂરો ભરોસો રાખો કે યહોવા તમારી સંભાળ રાખશે અને ખરા સમયે મદદ કરશે. (હિબ્રૂ. ૪:૧૬; ૧ પીત. ૫:૬, ૭) હમણાં તમારાથી બનતું બધું કરો. પિતા યહોવાને પ્રાર્થના કરો અને તેમના પર પૂરેપૂરો આધાર રાખવાનું શીખો. આમ, ભલે ગમે એવા સંજોગો આવે, પણ તમારી પાસે હંમેશાં મનની શાંતિ હશે. એ શાંતિ યહોવા તમને આપશે.
a વર્ષો પછી યુસફને દીકરો થયો ત્યારે તેમણે તેનું નામ મનાશ્શા પાડ્યું. તેમણે કહ્યું કે, ‘ઈશ્વરે મારાં સર્વ દુઃખ ભૂલાવી દીધાં છે.’ એ બતાવે છે કે યહોવાએ તેમને દિલાસો આપવા ભેટ તરીકે દીકરો આપ્યો છે, એ વાત તે સારી રીતે સમજતા હતા.—ઉત. ૪૧:૫૧.
b આ અંકમાં આપેલો લેખ પણ જુઓ: “શું તમે જાણો છો?”