ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
ઈશ્વરનો સ્વભાવ કેવો છે?
ઈશ્વર કેવા છે? તેમના ગુણો કેવા છે? કલ્પના કરો કે તમે ઈશ્વર સાથે વાતચીત કરો છો. ઈશ્વર તમને એના જવાબ પણ આપે છે. એનાથી તમને કેવું લાગશે? બાઇબલ સમયમાં ઈશ્વરભક્ત મુસાને ઈશ્વર સાથે વાત કરવાનો લહાવો મળ્યો હતો. એ વાતચીત આપણને બાઇબલમાં જોવા મળે છે.
મુસાએ સિનાઈ પર્વત પર ઈશ્વર યહોવાહને આજીજી કરી કે “કૃપા કરીને તારૂં ગૌરવ મને દેખાડ.” (નિર્ગમન ૩૩:૧૮) બીજા દિવસે મુસાને, યહોવાહના ગૌરવની એક ઝલક જોવાનો લહાવો મળ્યો.a મુસાએ જે જોયું એનું પૂરેપૂરું વર્ણન બાઇબલમાં કર્યું નથી, પણ તેઓની વાતચીત લખી લીધી છે. એ લખાણ આપણને બાઇબલમાં નિર્ગમન ૩૪:૬ અને ૭માં જોવા મળે છે.
છઠ્ઠી કલમની શરૂઆતમાં યહોવાહ જણાવે છે કે તે ‘દયાળુ તથા કૃપાળુ’ છે. બાઇબલ પર અભ્યાસ કરનાર જણાવે છે કે હેબ્રી ભાષામાં ‘દયાળુનો’ અર્થ પ્રેમાળ થાય છે. એટલે ઈશ્વર એક પિતાની જેમ પ્રેમ બતાવે છે. પણ ઈશ્વર કેવી રીતે ‘કૃપા’ બતાવે છે? જ્યારે વ્યક્તિને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે ઈશ્વર એ પૂરી પાડીને કૃપા બતાવે છે. એટલે આ કલમમાં ઈશ્વર જણાવે છે જેમ માબાપ પોતાના બાળકોની સાંભળ રાખે છે એવી જ રીતે ઈશ્વર તેમના ભક્તોની પ્રેમથી સંભાળ રાખે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૧૩.
છઠ્ઠી કલમમાં યહોવાહ આગળ જણાવે છે કે તે ‘મંદરોષી છે.’ એટલે તે તરત ગુસ્સે થતા નથી. તેમના ભક્તો ભૂલ કે પાપ કરે ત્યારે યહોવાહ ઠંડુ મગજ રાખે છે. તે વ્યક્તિને પસ્તાવો કરવા સમય આપે છે. આમ તે ધીરજ બતાવે છે.—૨ પીતર ૩:૯.
હવે છઠ્ઠી કલમના છેવટે યહોવાહ કહે છે તે “અનુગ્રહ તથા સત્યથી ભરપૂર છે.” અનુગ્રહ એટલે કે યહોવાહ પ્રેમના સાગર છે. એ પ્રેમ તે પોતાના ભક્તો પર વરસાવે છે. એના લીધે તેમના ભક્તો પણ તેમને પ્રેમ કરે છે. (પુનર્નિયમ ૭:૯) ઈશ્વર ‘સત્યથી ભરપૂર’ છે. કેમ કે ઈશ્વરને કોઈ જૂઠું બોલીને છેતરી શકતું નથી. એટલું જ નહિ, તે ક્યારેય જૂઠું બોલી શકતા નથી. બાઇબલ જણાવે છે કે “યહોવાહ, સત્યના દેવ” છે. (ગીતશાસ્ત્ર ૩૧:૫) આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે ભાવિ માટે ઈશ્વરે જે વચનો ભાખ્યા છે તે બધા જ વચન પૂરાં થશે.
સાતમી કલમમાં ઈશ્વર જણાવે છે કે તે ‘અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર’ છે. આ બતાવે છે કે ઈશ્વર “ક્ષમા કરવાને તત્પર છે.” (ગીતશાસ્ત્ર ૮૬:૫) પણ વ્યક્તિ જાણી જોઈને પાપ કરે તો શું? સાતમી કલમ આગળ જણાવે છે, તે ‘દોષિતને નિર્દોષ નહિ ઠરાવે.’ એનાથી જોવા મળે છે કે ઈશ્વર પાપીઓને જરૂર સજા કરશે.
આ બે કલમોમાં ઈશ્વરે પોતે પોતાના ગુણોનું વર્ણન કર્યું. આ બતાવે છે કે ઈશ્વર ચાહે છે કે આપણે તેમને જાણીએ. એનાથી શું આપણને ઈશ્વર વિષે વધારે જાણવાનું મન નથી થતું? (w09 5/1)
[ફુટનોટ્સ]
a મુસાએ યહોવાહને નરી આંખે જોયા ન હતા. કેમ કે કોઈ પણ માણસ ઈશ્વરને જોઈને જીવતો રહી શકતો નથી. (નિર્ગમન ૩૩:૨૦) એટલે યહોવાહ પોતાના દૂત દ્વારા મુસાને સંદર્શન આપે છે. એ સંદર્શનમાં યહોવાહ, મુસાને પોતાનું ગૌરવ દેખાડે છે.