પ્રકરણ ૧૫
“હું તારી વેશ્યાગીરીનો અંત લાવીશ”
ઝલક: હઝકિયેલ અને પ્રકટીકરણમાં વેશ્યાઓ વિશે જે જણાવ્યું છે, એમાંથી શું શીખવા મળે છે?
૧, ૨. કેવી વેશ્યા માટે આપણને સખત નફરત થઈ શકે?
અમુક વાર સાંભળવા મળે છે કે સારા ઘરની સીધી-સાદી છોકરીઓ વેશ્યા બની જાય છે. કોઈ વાર છોકરીઓ મજબૂરીને લીધે આવાં ગંદાં કામોમાં ફસાય જાય છે. અમુક સાથે ઘરમાં જ અત્યાચાર થયો હોય છે કે પછી મારપીટ કરવામાં આવી હોય છે. ગરીબીના લીધે પણ કોઈ આવાં કામોમાં ફસાય જાય છે. એટલે તેઓ પોતાનું શરીર વેચવા તૈયાર થઈ જાય છે. અમુક સ્ત્રીઓ પતિના જુલમ સહી સહીને આવાં કામોમાં જોડાય જાય છે. આ પથ્થર-દિલ દુનિયામાં કેટલીય છોકરીઓ અને સ્ત્રીઓ અત્યાચારની ચક્કીમાં પીસાય છે. એટલે જ ઈસુને આવી સ્ત્રીઓ પર દયા આવી. ઈસુ તેઓ સાથે નરમાશથી વર્ત્યા. ઈસુએ સમજાવ્યું કે જેઓ પસ્તાવો કરે અને જીવનમાં ફેરફાર કરે, તેઓને સારું જીવન મળશે.—માથ. ૨૧:૨૮-૩૨; લૂક ૭:૩૬-૫૦.
૨ હવે બે ઘડી એક એવી સ્ત્રીનો વિચાર કરો, જે પોતાની મરજીથી આવી અંધારી દુનિયામાં પગ મૂકે છે. તે જાણીજોઈને વેશ્યા બને છે. તેને એમાં કંઈ શરમ આવતી નથી. તેને તો વેશ્યા બનવાનો ગર્વ છે. આ બેશરમ સ્ત્રી એટલી હદે બગડી ગઈ છે કે વાત ન પૂછો! તેની લાલચુ આંખો બસ રૂપિયા ભેગા કરવા પાછળ પડી છે. તેને તો આ ધંધામાં નામ-દામ કમાવા છે. અરે, તેની પાસે એક સારો, વફાદાર પતિ હતો. પણ તે તેને ઠોકર મારીને વેશ્યાના ધંધામાં પડી ગઈ. જીવનમાં તેણે જે રસ્તો પસંદ કર્યો, એના લીધે આપણને સખત નફરત થાય. જે ધર્મો યહોવાને ભજતા નથી, તેઓને પણ યહોવા એવી જ નફરત કરે છે. એમાં કંઈ નવાઈ નથી કે યહોવા તેઓની સરખામણી વેશ્યા સાથે કરે છે.
૩. આ પ્રકરણમાં આપણે કયા અહેવાલો વિશે જોઈશું?
૩ હઝકિયેલના પુસ્તકમાં વેશ્યા વિશે બે અહેવાલ આપવામાં આવ્યા છે. ઇઝરાયેલ અને યહૂદાના લોકોની સરખામણી વેશ્યાઓ સાથે કરવામાં આવી છે. એમાં બતાવ્યું છે કે કઈ રીતે લોકો યહોવાને બેવફા બન્યા. (હઝકિ., અધ્યાય ૧૬ અને ૨૩) એ બંને અહેવાલ વિશે જોઈએ એ પહેલાં ચાલો બીજી એક વેશ્યા વિશે જોઈએ. તેની વેશ્યાગીરી તો હઝકિયેલના સમય પહેલાંથી જ શરૂ થઈ ગઈ હતી. અરે, ઇઝરાયેલી લોકો એક પ્રજા બન્યા એ અગાઉથી એના એવા ધંધા શરૂ થઈ ગયા હતા. આજે પણ તે બહુ જાણીતી છે. બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ એ વેશ્યાની ઓળખ આપે છે.
‘વેશ્યાઓની માતા’
૪, ૫. (ક) “મહાન બાબેલોન” શું છે? (ખ) આપણે શાના પરથી એવું કહીએ છીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૪ પહેલી સદીના અંતે ઈસુએ પ્રેરિત યોહાનને દર્શનમાં નવાઈ પમાડે એવું કંઈક બતાવ્યું. તે એક બેશરમ સ્ત્રી હતી. તેને “જાણીતી વેશ્યા” અને ‘મહાન બાબેલોન, વેશ્યાઓની માતા’ કહેવામાં આવે છે. (પ્રકટી. ૧૭:૧, ૫) સદીઓથી ધર્મગુરુઓ અને બાઇબલના જ્ઞાની માણસો એ જાણવાની કોશિશ કરે છે કે એ વેશ્યા કોણ છે. અમુક લોકો માને છે કે તે બાબેલોન, રોમ કે કૅથલિક ચર્ચને રજૂ કરે છે. પણ યહોવાના સાક્ષીઓને વર્ષોથી ખબર છે કે એ “જાણીતી વેશ્યા” કોણ છે. એ દુનિયાના એવા બધા ધર્મોના સંગઠનને રજૂ કરે છે, જેઓ યહોવાને ભજતા નથી. આપણે શાના પરથી એવું કહીએ છીએ?
૫ આ વેશ્યા ‘પૃથ્વીના રાજાઓ’ અથવા રાજકીય સત્તાઓ સાથે સંબંધ રાખે છે. એ માટે તેને દોષિત ગણવામાં આવે છે. એટલે એ વેશ્યા રાજકીય સત્તા નથી. પ્રકટીકરણનું પુસ્તક બતાવે છે કે જ્યારે મહાન બાબેલોનનો વિનાશ થશે, ત્યારે “પૃથ્વીના વેપારીઓ” અથવા વેપારી જગત એના માટે શોક મનાવશે. એટલે મહાન બાબેલોન વેપારી જગત પણ નથી. તો પછી, મહાન બાબેલોન શું છે? એ વેશ્યા ‘મેલીવિદ્યામાં’ ડૂબેલી છે. તે મૂર્તિપૂજા કરતા થાકતી નથી. તે લોકોને પોતાની જાળમાં ફસાવે છે. એ બધું શું બતાવે છે? આજે દુનિયાના બધા ભ્રષ્ટ ધર્મોમાં જે ચાલે છે, એની સાથે એ બરાબર બંધબેસે છે. ધ્યાન આપો કે એ વેશ્યાને રાજકીય સત્તાઓ પર બેઠેલી બતાવવામાં આવી છે. એનો અર્થ કે રાજકીય સત્તાઓ તેના ઇશારે નાચે છે. એ વેશ્યા યહોવાના લોકોની ઘણી સતાવણી કરે છે. (પ્રકટી. ૧૭:૨, ૩; ૧૮:૧૧, ૨૩, ૨૪) શું આ બધું દુનિયાના ધર્મોમાં ચાલતું આવ્યું નથી? અરે, આજે આપણા સમયમાં પણ આવું જ બધું ચાલે છે!
૬. મહાન બાબેલોનને ‘વેશ્યાઓની માતા’ કેમ કીધી છે?
૬ મહાન બાબેલોનને “જાણીતી વેશ્યા” કીધી છે. સાથે સાથે તેને ‘વેશ્યાઓની માતા’ પણ કીધી છે. એવું કેમ? ધર્મોમાં આજે કંઈ કેટલાયે ભાગલા પડી ગયા છે. એમાં ઘણા પંથ અને સમૂહ બની ગયા છે. જૂના જમાનામાં બાબિલ, અથવા બાબેલોનમાં ભાષાની ગૂંચવણ ઊભી થઈ હતી. એ જગ્યાએથી ખોટાં રીતરિવાજો અને માન્યતાઓ દૂર દૂર સુધી ફેલાઈ ગયા. એમાંથી ઘણા નવા નવા ધર્મો શરૂ થયા. આ રીતે તેઓનો જન્મ બાબેલોન શહેરમાં થયો. એટલે એ શહેર પરથી “મહાન બાબેલોન” નામ પડ્યું. (ઉત. ૧૧:૧-૯) આમ જોવા જઈએ તો એ બધા ધર્મો એક જ સંગઠનમાંથી આવ્યા છે. એમ કહેવું પણ કંઈ ખોટું નથી કે એ બધા ધર્મો જાણીતી વેશ્યાની “દીકરીઓ” છે. શેતાન એ ધર્મોથી લોકોને મેલીવિદ્યા અને મૂર્તિપૂજા તરફ લલચાવે છે. તે તેઓને ખોટાં રીતરિવાજો અને માન્યતાઓમાં ફસાવે છે. આ બધાથી તો યહોવાનું કેટલું ઘોર અપમાન થાય છે! એટલે જ યહોવાએ પોતાના લોકોને પહેલેથી ચેતવણી આપી છે કે આખી દુનિયામાં ફેલાયેલા આ સંગઠનથી દૂર રહે. તે પોતાના લોકોને કહે છે: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો, જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ.”—પ્રકટીકરણ ૧૮:૪, ૫ વાંચો.
૭. આપણે મહાન બાબેલોનમાંથી કેમ ‘બહાર નીકળી આવવું’ જોઈએ?
૭ શું આપણે એ ચેતવણી માનીએ છીએ? યાદ રાખીએ કે યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે આપણને “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ” હોય છે. (માથ. ૫:૩) એમ કરવાની ફક્ત એક રીત છે, યહોવાની ભક્તિ કરવી. તેમની ભક્તિ છોડીને બીજા કોઈની ભક્તિ કરવી, એ તો જાણે વેશ્યાઓ જેવાં કામ કરવા બરાબર છે. યહોવાના ભક્તો એ વાત સારી રીતે જાણે છે. એટલે જ તેઓ એવા ધર્મોની કોઈ પણ વસ્તુથી એકદમ દૂર રહે છે. શેતાન તો લાગ જોઈને જ બેઠો હોય છે કે ક્યારે તેને તક મળે અને યહોવાના ભક્તોને ખોટા રીતરિવાજોમાં ફસાવી દે. અમુક વાર તે સફળ પણ થાય છે. અગાઉના સમયમાં પણ યહોવાના ભક્તો ઘણી વાર શેતાનની જાળમાં ફસાઈ ગયા હતા. હઝકિયેલના સમય સુધી તેઓ એ પાપ કરતા રહ્યા. ચાલો આપણે ઇઝરાયેલના ઇતિહાસ પર નજર નાખીએ. એમ કરવાથી આપણને યહોવાનાં ધોરણો, તેમનો ન્યાય અને તેમની દયા વિશે ઘણું શીખવા મળશે.
“તું વેશ્યા બની ગઈ”
૮-૧૦. (ક) યહોવાની ભક્તિ કરવા કઈ ખાસ વાત યાદ રાખવી જોઈએ? (ખ) યહોવાના લોકો બીજાં દેવ-દેવીઓની ભક્તિ કરે ત્યારે તેમને કેવું લાગે છે? દાખલો આપીને સમજાવો.
૮ હઝકિયેલના પુસ્તકમાં યહોવા વેશ્યાનો દાખલો આપે છે. એનાથી તે પોતાની લાગણી બતાવે છે. યહોવાના લોકો બેવફા બન્યા. તેઓએ નીચ અને અધમ કામો કર્યાં. એ જોઈને યહોવાનું કાળજું કપાઈ ગયું. તેમની સાથે કેવો વિશ્વાસઘાત થયો! યહોવાની આ બધી લાગણીઓ વિશે પવિત્ર શક્તિની મદદથી હઝકિયેલે લખી લીધું. એ વિશે તેમણે બે અહેવાલોમાં લખ્યું. પણ યહોવાએ પોતાના લોકોની સરખામણી વેશ્યા સાથે કેમ કરી?
૯ એનો જવાબ જાણવા આપણે યાદ કરીએ કે પાંચમા પ્રકરણમાં શું જોઈ ગયા. યહોવાની ભક્તિ કરવા કઈ ખાસ વાત યાદ રાખવી જોઈએ? નિયમો આપતી વખતે યહોવાએ ઇઝરાયેલી લોકોને કીધું હતું: ‘મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ. હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.’ (નિર્ગ. ૨૦:૩, ૫) પછી તેમણે એ જ વાત ફરીથી કીધી: “તમે બીજા કોઈ દેવ આગળ નમશો નહિ, કેમ કે યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે. હા, તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય, બીજા કોઈની નહિ.” (નિર્ગ. ૩૪:૧૪) એ વાત યહોવાએ એકદમ સાફ સાફ જણાવી. જો આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીશું, તો જ તે સ્વીકારશે, નહિ તો નહિ સ્વીકારે.
૧૦ એ વાતનું મહત્ત્વ સમજવા ચાલો પતિ-પત્નીનો દાખલો લઈએ. પતિ-પત્ની ચાહે છે કે તેઓ ફક્ત એકબીજાના પ્રેમમાં જ ડૂબેલા રહે. તેઓ બંને એકબીજાને વફાદાર રહે. તેઓ એવી ઇચ્છા રાખે એ તેઓનો હક છે. માનો કે બંનેમાંથી કોઈ એક સાથી જો બીજા કોઈ સાથે સંબંધ રાખે ને લફરાં કરે, તો બીજા સાથીને કેવું લાગશે? તેનાથી એ સહન નહિ થાય અને તેને ચોક્કસ ઈર્ષા થશે. (હિબ્રૂઓ ૧૩:૪ વાંચો.) એવી જ રીતે, યહોવાના લોકોએ વચન આપ્યું છે કે તેઓ ફક્ત તેમની જ ભક્તિ કરશે. જો તેઓ બીજાં દેવ-દેવીઓની ભક્તિ કરવા લાગે તો યહોવાને કેવું લાગશે? યહોવા એ જરાય ચલાવી નહિ લે, કેમ કે તેમની નજરે એ વિશ્વાસઘાત કહેવાય. એવું થાય છે ત્યારે યહોવાના દિલના ટુકડે-ટુકડા થઈ જાય છે. એના વિશે આપણને હઝકિયેલના ૧૬મા અધ્યાયમાં જોવા મળે છે.
૧૧. યહોવાએ યરૂશાલેમ વિશે અને એની શરૂઆત વિશે શું જણાવ્યું?
૧૧ હઝકિયેલના ૧૬મા અધ્યાયમાં યહોવા પોતાની લાગણીઓનો ઊભરો ઠાલવે છે. હઝકિયેલના આખા પુસ્તકમાં અહીં યહોવા આટલી લાંબી વાત કરે છે. આખા હિબ્રૂ શાસ્ત્રવચનોમાં આ તેમની એક લાંબી ભવિષ્યવાણી છે. ખરું કે યહોવા એ ભવિષ્યવાણી યરૂશાલેમ નગરી વિશે કરે છે, પણ હકીકતમાં તો તે બેવફા યહૂદા વિશે વાત કરે છે. યહોવા જણાવે છે કે યરૂશાલેમની શરૂઆત કઈ રીતે થઈ અને એ કઈ રીતે બેવફા બની. એ એક એવી બાળકી જેવી હતી, જેને જન્મથી જ અનાથ છોડી દેવામાં આવી હતી. તે પોતાના લોહીમાં લથપથ હતી અને તરફડિયાં મારતી હતી. એનાં માબાપ કનાનીઓ હતાં. તેઓ તો મૂર્તિપૂજા કરતા હતા. યરૂશાલેમ લાંબો સમય સુધી કનાની પ્રજા યબૂસીઓના હાથ નીચે હતી. દાઉદે એ નગરીને જીતી લીધી ત્યાં સુધી, એ તેઓની સત્તા નીચે રહી. યહોવાને એ બિચારી અનાથ પર બહુ દયા આવી. એટલે તેમણે એને નવડાવી-ધોવડાવી, એનું પાલન-પોષણ કર્યું. એ બાળકી મોટી થતી થતી યુવાનીમાં આવી અને જાણે યહોવાની પત્ની બની. કઈ રીતે? છેક મૂસાના સમયમાં ઇઝરાયેલી લોકોએ રાજીખુશીથી યહોવા સાથે કરાર કર્યો. સમય જતાં, તેઓ યરૂશાલેમમાં આવીને રહેવા લાગ્યા. (નિર્ગ. ૨૪:૭, ૮) યરૂશાલેમ એ દેશની રાજધાની બની ગઈ. યહોવાએ એના પર પુષ્કળ આશીર્વાદ વરસાવ્યા. એમાં પૈસેટકે કોઈ ખોટ ન રહી. અરે, એ તો સુંદર દુલહન જેવી બની ગઈ. યહોવાએ એવા એક પતિની જેમ કર્યું, જે બહુ ધનવાન હોય અને જેની પાસે સમાજમાં સારો માન-મોભો હોય. એવા પતિ તરીકે યહોવાએ યરૂશાલેમને જાણે સારાં સારાં ઘરેણાં પહેરાવીને શણગારી.—હઝકિ. ૧૬:૧-૧૪.
૧૨. યરૂશાલેમમાં મૂર્તિપૂજા કઈ રીતે શરૂ થઈ?
૧૨ ચાલો જોઈએ કે પછી શું થયું. યહોવા કહે છે, “તું પોતાની સુંદરતા પર ભરોસો રાખવા લાગી. તારી નામનાને લીધે તું વેશ્યા બની ગઈ. તું વેશ્યા બનીને આવતાં-જતાં દરેકની સાથે ખુલ્લેઆમ વ્યભિચાર કરવા લાગી. તેં પોતાની સુંદરતા તેઓ પર લુટાવી દીધી.” (હઝકિ. ૧૬:૧૫) સુલેમાનના સમયમાં યરૂશાલેમને યહોવાએ એટલા આશીર્વાદો આપ્યા, જેનો કોઈ પાર ન હતો. યરૂશાલેમ એ જમાનાની એકદમ સુંદર અને ધનવાન નગરી હતી. (૧ રાજા. ૧૦:૨૩, ૨૭) પણ સમય જતાં યહોવાના લોકો તેમને બેવફા બન્યા. તેઓ બીજાં દેવ-દેવીઓની પૂજા કરવા લાગ્યા. સુલેમાનને ઘણી પરદેશી પત્નીઓ હતી. તેઓને ખુશ કરવાના ચક્કરમાં સુલેમાન બીજાં દેવ-દેવીઓને ભજવા લાગ્યો. તેણે યરૂશાલેમમાં મૂર્તિપૂજા શરૂ કરાવી. એમ કરીને તેણે આખી નગરી અશુદ્ધ કરી નાખી. (૧ રાજા. ૧૧:૧-૮) સુલેમાન પછી જે રાજાઓએ રાજ કર્યું, એ તો તેનાથી પણ જાય એવા હતા. તેઓએ તો ફક્ત યરૂશાલેમમાં જ નહિ, પણ દેશના ખૂણે ખૂણે મૂર્તિપૂજા ફેલાવી દીધી. તેઓએ યહોવાને કેટલો મોટો દગો આપ્યો! યહોવાની નજરમાં તેઓ વેશ્યાની જેમ બેવફા બન્યા. યહોવાએ કહ્યું: તમે જે કર્યું છે, “એવું થવું ન જોઈએ અને ફરી કદી થશે પણ નહિ.” (હઝકિ. ૧૬:૧૬) શું એ બંડખોર લોકોનાં પેટનું પાણી જરાય હાલ્યું? ના! તેઓ તો જાણીજોઈને નીચ અને અધમ કામોના કાદવમાં આળોટતા રહ્યા.
અમુક ઇઝરાયેલીઓ મોલેખ જેવા દેવોને પોતાનાં બાળકોનું બલિદાન ચઢાવતાં હતાં
૧૩. યરૂશાલેમના લોકો કેવાં ખતરનાક કામો કરતા હતા?
૧૩ યહોવાએ યરૂશાલેમને કહ્યું: “તને મારાથી થયેલાં દીકરા-દીકરીઓને તું મૂર્તિઓ પાસે લઈ ગઈ અને તેં તેઓને બલિદાન કરી દીધાં. શું તારી વેશ્યાગીરીનાં કામોએ હદ વટાવી નથી? તેં મારા દીકરાઓની કતલ કરી. તેઓને આગમાં બલિ ચઢાવીને અર્પણ કરી દીધા.” (હઝકિ. ૧૬:૨૦, ૨૧) જરા વિચારો, એવું કહેતી વખતે યહોવાને કેટલું દુઃખ થયું હશે! એવાં નીચ કામો કરતા લોકોથી યહોવાને કેટલી નફરત થઈ હશે! યરૂશાલેમના લોકો કેટલાં ખતરનાક કામો કરતા હતા! એનાથી એક ઝલક મળે છે કે શેતાન કેટલો લુચ્ચો છે! શેતાન તાકીને જ બેઠો છે કે તે ક્યારે યહોવાના લોકોને ફસાવે અને એવાં નીચ કામો કરાવે. પણ યહોવા બધું જ જુએ છે. તે ચોક્કસ ન્યાય કરશે. શેતાનનાં પાપનો ઘડો ભરાઈ ગયો છે. તેણે તો દુનિયામાં બધું નુકસાન જ કર્યું છે. હવે યહોવા એવું ચલાવી નહિ લે. તે એવા આશીર્વાદો લાવશે કે એ બધાં દુઃખો ભુલાઈ જશે.—અયૂબ ૩૪:૨૪ વાંચો.
૧૪. (ક) યહોવાએ જણાવ્યું તેમ યરૂશાલેમની બે બહેનો કોણ હતી? (ખ) એ ત્રણેયમાં સૌથી વધારે બેશરમ કોણ હતી?
૧૪ યરૂશાલેમને પોતાનાં કાળાં કરતૂતો પર શરમ આવવી જોઈતી હતી. પણ તેને જરાય શરમ ન આવી. એ નગરી તો બેશરમ બનીને વેશ્યા જેવાં કામો કરતી રહી. યહોવાએ કહ્યું, એ નગરી બીજી વેશ્યાઓ કરતાં વધારે બેશરમ છે. એ તો પોતાના ઘરાકોને સામેથી પૈસા આપીને બોલાવે છે. (હઝકિ. ૧૬:૩૪) ઈશ્વર યરૂશાલેમ વિશે કહે છે, જેવી “મા” તેવી દીકરી. જે લોકો એના પર સત્તા ચલાવતા હતા, તેઓ જેવી એ બની ગઈ હતી. તેઓ તો મૂર્તિપૂજા કરતા હતા. (હઝકિ. ૧૬:૪૪, ૪૫) યહોવા આગળ કહે છે, યરૂશાલેમની મોટી બહેન સમરૂન નગરી હતી. એ તો યરૂશાલેમ કરતાં પણ પહેલેથી બીજાં દેવ-દેવીઓની પૂજા કરતી હતી. તે યહોવાને બેવફા બની હતી. યહોવા યરૂશાલેમની બીજી એક બહેન સદોમની પણ વાત કરે છે. એ ખૂબ અભિમાની હતી. એનામાં એકદમ ગંદાં, નીચ અને અધમ કામો થતાં હતાં. એટલે લાંબા સમય પહેલાં એને ખતમ કરી નાખવામાં આવી હતી. યહોવા કહેવા માંગતા હતા કે યરૂશાલેમ તો નીચ કામો કરવામાં હદ વટાવી ગઈ. એ પોતાની બંને બહેનો સમરૂન અને સદોમને પણ ટક્કર મારી ગઈ. (હઝકિ. ૧૬:૪૬-૫૦) યહોવાના લોકોને વારંવાર ચેતવણી આપવામાં આવી. તોપણ તેઓ સખત નફરત થાય એવાં કામોમાં ડૂબેલા જ રહ્યા.
૧૫. (ક) યહોવાએ યરૂશાલેમને સજા કેમ કરી? (ખ) યહોવાએ પોતાના લોકોને કઈ આશા આપી?
૧૫ યહોવાએ શું કર્યું? તેમણે યરૂશાલેમને કહ્યું: “હું તારા બધા પ્રેમીઓને ભેગા કરીશ, જેઓ સાથે તેં મજા માણી છે.” “હું તને તારા પ્રેમીઓના હાથમાં સોંપી દઈશ.” યરૂશાલેમે પરદેશીઓ સાથે દોસ્તી કરી. તેઓ આવીને એનો વિનાશ કરી દેશે. તેઓ એની કીમતી ચીજવસ્તુઓ લૂંટી લેશે અને એના હાલ બેહાલ કરી દેશે. યહોવાએ કહ્યું: “તેઓ તને પથ્થરે મારશે અને તલવારોથી તારી કતલ કરશે.” યહોવાએ પોતાના લોકોને કેમ સજા કરી? એટલે નહિ કે તે તેઓનું નામનિશાન મિટાવવા માંગતા હતા. યહોવા કહે છે: ‘હું તારી વેશ્યાગીરીનો અંત લાવીશ. તારી સામેનો મારો ગુસ્સો શમી જશે અને તારા પરનો મારો રોષ ઠંડો પડશે. પછી મને શાંતિ થશે અને હું ક્રોધે ભરાઈશ નહિ.’ આપણે પ્રકરણ ૯માં જોઈ ગયા કે યહોવાનો ઇરાદો શું હતો. આગળ જતાં, યહોવા તેઓને ગુલામીમાંથી છોડાવવાના હતા. તેઓ વચ્ચે શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવવાના હતા. યહોવા કેમ એવું કરવા માંગતા હતા? યહોવા કહે છે: “મેં તારી યુવાનીના દિવસોમાં તારી સાથે જે કરાર કર્યો હતો, એ હું યાદ રાખીશ.” (હઝકિ. ૧૬:૩૭-૪૨, ૬૦) યહોવા પોતાના લોકો જેવા બેવફા ન હતા. યહોવા ચોક્કસ વફાદારી નિભાવશે.—પ્રકટીકરણ ૧૫:૪ વાંચો.
૧૬, ૧૭. (ક) ઓહલાહ અને ઓહલીબાહ ચર્ચના લોકોને રજૂ કરે છે, એવું હવે આપણે કેમ નથી માનતા? (“બંને બહેનો વેશ્યા હતી” બૉક્સ જુઓ.) (ખ) હઝકિયેલના ૧૬ અને ૨૩મા અધ્યાયોમાંથી શું શીખવા મળે છે?
૧૬ હઝકિયેલના ૧૬મા અધ્યાયમાં યહોવા એકદમ લાંબી વાત કરે છે. તે એમાં જોરદાર સંદેશો આપે છે, જેમાંથી આપણને ઘણું શીખવા મળે છે. એ આપણને યહોવાનાં ખરાં ધોરણો અને અદ્દલ ઇન્સાફ વિશે બતાવે છે. આપણે એ પણ શીખીએ છીએ કે યહોવા દયાના સાગર છે. હઝકિયેલનો ૨૩મો અધ્યાય પણ એવો જ છે. એમાં પણ યહોવા પોતાના બેવફા લોકો વિશે બતાવે છે, જેના પરથી આપણને ઘણું શીખવા મળે છે. યહોવાની ખરાં દિલથી ભક્તિ કરનારા લોકો આજે તેમના એ સંદેશા પર પૂરું ધ્યાન આપે છે. યહૂદા અને યરૂશાલેમે યહોવાને ખૂબ દુઃખી કર્યા. એવું કરવાનું આપણે સપનામાંય ન વિચારીએ. આપણે કદીયે કોઈ પણ પ્રકારની મૂર્તિપૂજા ન કરીએ. લોભ અને પૈસાનો પ્રેમ પણ મૂર્તિપૂજા છે. આપણે કદી એના ફાંદામાં ન ફસાઈએ. (માથ. ૬:૨૪; કોલો. ૩:૫) આપણે ભૂલીએ નહિ કે યહોવાએ આપણા પર અપાર કૃપા વરસાવી છે. તેમણે આ છેલ્લા દિવસોમાં પોતાની ભક્તિ ફરીથી શરૂ કરાવી છે. તે એને કદી પણ અશુદ્ધ નહિ થવા દે. તેમણે ઈશ્વરના ઇઝરાયેલ સાથે “કાયમ માટેનો કરાર” કર્યો છે. તેમના લોકો કદી પણ બીજાં દેવ-દેવીઓને ભજીને બેવફા નહિ બને. તેઓ યહોવા સાથેનો કરાર નહિ તોડે. (હઝકિ. ૧૬:૬૦) યહોવાની ભક્તિમાં તેમના લોકો આજે જરાય ભેળસેળ થવા દેતા નથી. શુદ્ધ ભક્તિ કરતા લોકોમાં આપણે પણ એક છીએ, એ કેટલો મોટો આશીર્વાદ છે!
૧૭ યહોવાએ હઝકિયેલના પુસ્તકમાં વેશ્યાઓ વિશે જણાવ્યું. એના પરથી “જાણીતી વેશ્યા” મહાન બાબેલોન વિશે શું શીખવા મળે છે? ચાલો જોઈએ.
“એ ફરી કદી દેખાશે નહિ”
૧૮, ૧૯. હઝકિયેલના પુસ્તકમાંની વેશ્યા અને પ્રકટીકરણના પુસ્તકમાંની વેશ્યા વચ્ચે કઈ વાતો એકસરખી છે?
૧૮ યહોવા કદી બદલાતા નથી. (યાકૂ. ૧:૧૭) જે ધર્મો યહોવામાં માનતા નથી, તેઓને પહેલાં પણ તે સખત નફરત કરતા હતા અને આજે પણ કરે છે. હઝકિયેલના પુસ્તકમાં વેશ્યાઓને જે સજા કરવામાં આવી છે, એ જ સજા પ્રકટીકરણના પુસ્તકમાંની ‘જાણીતી વેશ્યાને’ કરવામાં આવી છે. એ જાણીને આપણને બિલકુલ નવાઈ નથી લાગતી. એ બંને કિસ્સામાં ઘણી વાતો એકસરખી છે.
૧૯ દાખલા તરીકે, હઝકિયેલના પુસ્તકમાંની વેશ્યાઓને કોણે સજા કરી. આમ જોવા જઈએ તો યહોવાએ તેઓને સીધેસીધી સજા કરી ન હતી. પણ યહોવાના બેવફા લોકો જે પ્રજાઓનાં દેવ-દેવીઓને પૂજતા હતા, એ પ્રજાઓએ સજા કરી. આખી દુનિયામાં ફેલાયેલા ધર્મોના સંગઠનને પણ એવી જ સજા થઈ છે. યહોવાની ભક્તિ કરવાને બદલે તેઓ ‘પૃથ્વીના રાજાઓ’ સાથે સંબંધ રાખે છે. એ માટે તેઓને કોણ સજા કરશે? પ્રકટીકરણમાં લખ્યું છે કે રાજકીય સત્તાઓ “વેશ્યાનો ધિક્કાર કરશે. તેઓ તેને બરબાદ કરશે, નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી પૂરેપૂરી બાળી નાખશે.” એ સત્તાઓ કેમ અચાનક આવું કરશે? એનું કારણ એ કે ‘ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરવા તેઓનાં મનમાં એક વિચાર મૂકશે.’—પ્રકટી. ૧૭:૧-૩, ૧૫-૧૭.
૨૦. શાનાથી ખબર પડે છે કે મહાન બાબેલોનનો નાશ ચોક્કસ થશે?
૨૦ યહોવા રાજકીય સત્તાઓ દ્વારા એવા બધા ધર્મોનો નાશ કરશે, જેઓ તેમને ભજતા નથી. ચર્ચના લોકોને પણ તે છોડશે નહિ. યહોવા પોતાનો નિર્ણય ક્યારેય બદલશે નહિ. તે તેઓને બિલકુલ માફ નહિ કરે. તેઓને સુધારો કરવાનો વધારે સમય આપવામાં આવશે નહિ. પ્રકટીકરણમાં જણાવ્યું છે કે મહાન બાબેલોન “ફરી કદી દેખાશે નહિ.” (પ્રકટી. ૧૮:૨૧) એનો નાશ થશે ત્યારે યહોવાના દૂતોની ખુશીનો કોઈ પાર નહિ હોય. તેઓ કહેશે, “યાહનો જયજયકાર કરો! બાબેલોનમાંથી નીકળતો ધુમાડો સદાને માટે ઉપર ચઢે છે.” (પ્રકટી. ૧૯:૩) યહોવાનો નિર્ણય કાયમ રહેશે. ફરી ક્યારેય એવા કોઈ પણ સંગઠનને માથું ઊંચકવા દેવામાં નહિ આવે. યહોવાની ભક્તિ અશુદ્ધ થવા દેવામાં નહિ આવે. મહાન બાબેલોનને બાળીને ભસ્મ કરી નાખવામાં આવશે. એનો ધુમાડો જાણે કે કાયમ ઉપર ચઢતો રહેશે.
૨૧. (ક) યહોવાને ભજતા નથી એવા ધર્મોનો નાશ થશે ત્યારે શાની શરૂઆત થશે? (ખ) એના અંતે શું થશે?
૨૧ દુનિયાની સરકારો મહાન બાબેલોનની સામે થશે અને એને સજા કરશે. એમ કરીને તેઓ યહોવાની ઇચ્છા પૂરી કરશે. એ એકદમ મહત્ત્વનો બનાવ હશે. એનાથી યહોવાનો મકસદ પૂરો થવા લાગશે. તેમને ભજતા નથી એવા ધર્મોનો નાશ થશે ત્યારે મોટી વિપત્તિ શરૂ થશે. એ વખતે એટલી ઊથલ-પાથલ થશે કે વાત ન પૂછો. લોકોએ ઘણી દુઃખ-તકલીફો સહેવી પડશે. એવું તો પહેલાં કદી થયું નહિ હોય. (માથ. ૨૪:૨૧) મોટી વિપત્તિના અંતે આર્માગેદનની લડાઈ થશે. યહોવા એ લડાઈ આ દુષ્ટ દુનિયાનું નામનિશાન મિટાવવા માટે લડશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬) હઝકિયેલના પુસ્તકમાં મોટી વિપત્તિ વિશે ઘણું જણાવ્યું છે. એમાં બતાવ્યું છે કે મોટી વિપત્તિ કઈ રીતે શરૂ થશે અને એ વખતે કયા બનાવો બનશે. હવે પછીનાં પ્રકરણોમાં એ વિશે વધારે સમજણ આપવામાં આવી છે. પણ ચાલો હવે જોઈએ કે હઝકિયેલ અધ્યાય ૧૬ અને ૨૩માંથી શું શીખી શકીએ.
૨૨, ૨૩. હઝકિયેલ અને પ્રકટીકરણમાં બતાવેલા વેશ્યાઓના અહેવાલ પરથી કઈ ચેતવણી મળે છે?
૨૨ જે લોકો યહોવાની ભક્તિ કરે છે, તેઓને એમાંથી ફંટાવી દેવાની શેતાનને બહુ મજા આવે છે. જ્યારે કોઈ યહોવાની ભક્તિ છોડીને બીજા કશાની ભક્તિ કરવા લાગે ત્યારે શેતાનને બહુ જ ખુશી થાય છે. હઝકિયેલના પુસ્તકમાં જોઈ ગયા કે એવા બેવફા લોકોને વેશ્યા સાથે સરખાવવામાં આવે છે. આપણે કદી ભૂલીએ નહિ કે ફક્ત યહોવાની જ ભક્તિ થવી જોઈએ. યહોવા એ કદી ચલાવી નહિ લે કે આપણે બીજા કોઈની ભક્તિ કરીએ અને તેમને બેવફા બનીએ. (ગણ. ૨૫:૧૧) આપણને એવા ધર્મો સાથે કોઈ લેવાદેવા નથી, જેઓ યહોવાને ભજતા નથી. યહોવા જેને અશુદ્ધ ગણે છે, એવી કોઈ પણ વસ્તુને આપણે અડકવી નથી. (યશા. ૫૨:૧૧) આ દુનિયાના રાજકારણમાં જ્યાં જુઓ ત્યાં ભાગલા છે. આપણે એમાં જરાય માથું મારતા નથી. આપણે કોઈનો પક્ષ લેતા નથી. (યોહા. ૧૫:૧૯) શેતાન લોકોમાં દેશપ્રેમ જગાડે છે, એ પણ જાણે એક ધર્મ છે. આપણને એની સાથે કંઈ લાગતું-વળગતું નથી.
૨૩ યાદ રાખીએ કે યહોવાએ આપણને પોતાના ભવ્ય મંદિરમાં ભક્તિ કરવાનો મોકો આપ્યો છે. એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય! ચાલો આપણે એ આશીર્વાદ એકદમ અનમોલ ગણીએ. આપણે પાકો નિર્ણય લઈએ કે ક્યારેય એવા ધર્મોની જાળમાં નહિ ફસાઈએ, જેઓ યહોવાથી દૂર લઈ જાય. વેશ્યાઓ જેવા બેશરમ કામો પણ ક્યારેય ન કરીએ.