શું તમને યાદ છે?
છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?
નીસાન ૧૪ના દિવસે પાસ્ખાનું હલવાન કયા સમયે કાપવામાં આવતું?
અમુક બાઇબલ ભાષાંતરો જણાવે છે કે ‘સાંજના આછા અજવાળાને સમયે’ કાપવામાં આવતું. એટલે કે, સૂરજ આથમ્યા પછીના આછા અજવાળામાં એ કાપવામાં આવતું. (નિર્ગ. ૧૨:૬)—૧૨/૧૫, પાન ૧૮-૧૯.
યુવાનોએ સારી પસંદગી કરવા કયા બાઇબલ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ?
(૧) પ્રથમ ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધીએ. (માથ. ૬:૧૯-૩૪) (૨) બીજાઓની સેવા કરવામાં ખુશી મેળવીએ. (પ્રે.કૃ.૨૦: ૩૫) (૩) યુવાનીમાં યહોવાની સેવા કરવાનો આનંદ માણીએ. (સભા. ૧૨:૧)—૧/૧૫, પાન ૧૯-૨૦.
ચાર ઘોડાના રંગો શું રજૂ કરે છે?
સફેદ ઘોડો એ ઈસુ ખ્રિસ્તના ન્યાયી યુદ્ધને દર્શાવે છે. લાલ ઘોડો દેશો વચ્ચેના યુદ્ધને રજૂ કરે છે. કાળો ઘોડો દુકાળને રજૂ કરે છે. ફિક્કા રંગના ઘોડા “પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું.” (પ્રકટી. ૬:૧-૮)—૧/૧, પાન ૧૪-૧૫.
“હલવાનનું લગ્ન” કયારે થનાર છે? (પ્રકટી. ૧૯:૭)
મહાન બાબેલોનનો નાશ અને આર્માગેદનનું યુદ્ધ કર્યા પછી રાજા ઈસુ ખ્રિસ્ત પોતાની જીત પૂરી કરશે. એ પછી “હલવાનનું લગ્ન” થશે.—૨/૧૫, પાન ૧૦.
ઈસુના સમયમાં યહુદીઓ શા માટે “મસીહની વાટ જોતા હતા”? (લુક ૩:૧૫)
મસીહ વિશે દાનીયેલની ભવિષ્યવાણીની આપણા જેટલી સમજણ યહુદીઓને હતી કે નહિ, એના વિશે ખાતરીપૂર્વક ન કહી શકાય. (દાની. ૯:૨૪-૨૭) અમુક ઘેટાંપાળકોને દૂતે જે જાહેર કર્યું અને મંદિરમાં પ્રબોધિકા હાન્નાએ બાળક ઈસુને જોયા પછી જે કહ્યું, એ વિશે યહુદીઓએ કદાચ સાંભળ્યું હશે. ઉપરાંત, જ્યોતિષીઓ પણ “યહુદીઓનો જે રાજા જન્મ્યો છે” તેને શોધવા આવ્યા હતા. (માથ. ૨:૧, ૨) પછીથી, બાપ્તિસ્મક યોહાને જણાવ્યું કે ખ્રિસ્ત જલદી જ આવશે.—૨/૧૫, પાન ૨૬-૨૭.
કઈ રીતે આપણું બોલવું “હા”નું “હા” રાખીશું? (૨ કોરીં. ૧:૧૮)
ખરું કે, બધા સંજોગો સરખા હોતા નથી. કોઈક વાર એવું પણ બને કે કોઈ કારણોને લીધે આપણે વચન પૂરું કરી શકતા નથી. પરંતુ, કોઈને વચન કે વાયદો આપ્યા પછી આપણે એને પૂરો કરવા બનતું બધું કરવું જોઈએ.—૩/૧૫, પાન ૩૨.
પૈસા કમાવવા પોતાનું કુટુંબ છોડીને વિદેશ જતાં ઈશ્વરભક્તને કેવા અણધાર્યાં પરિણામો સહેવાં પડી શકે?
માતા કે પિતા કુટુંબથી દૂર રહે છે ત્યારે બાળકોની લાગણીઓ અને સંસ્કારો પર ખોટી અસર પડે છે. એવી માતા કે પિતાથી બાળકો દૂર દૂર અને રિસાયેલાં રહે છે. તેમ જ, જુદા રહેતાં લગ્નસાથીઓને જાતીય લાલચોનો સામનો કરવો પડી શકે.—૪/૧૫, પાન ૧૯-૨૦.
પ્રચારમાં લોકોને મળીએ ત્યારે કયા ચાર સવાલો ધ્યાનમાં રાખવા જોઈએ?
હું કોની સાથે વાત કરી રહ્યો છું? હું તેની સાથે ક્યાં વાત કરી રહ્યો છું? તેની સાથે ક્યારે વાત કરવી જોઈએ? તેની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ?—૫/૧૫, પાન ૧૨-૧૫.
સિગારેટ પીવાનો કેટલો ખતરનાક અંજામ આવે છે?
ગઈ સદીમાં એના લીધે ૧૦,૦૦,૦૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો. હાલમાં, એ દર વર્ષે ૬૦,૦૦,૦૦૦ લોકોનું જીવન છીનવી લે છે.—૭/૧, પાન ૩.