‘આ તમને સ્મરણને અર્થે થાય’
‘આ દિવસ તમને સ્મરણને અર્થે થાય અને તમારે યહોવા પ્રત્યે એ દિવસે પર્વ પાળવું.’—નિર્ગ. ૧૨:૧૪.
૧, ૨. આપણા માટે કયો પ્રસંગ મહત્ત્વનો હોવો જોઈએ અને શા માટે?
દર વર્ષે ઊજવાતા કોઈ ખાસ પ્રસંગ કે તિથિની વાત થાય તો, તમને તરત કયો પ્રસંગ યાદ આવે છે? પરિણીત વ્યક્તિ કહેશે “મારી લગ્નતિથિ.” બીજાઓ માટે કોઈ ઐતિહાસિક પ્રસંગ હોય શકે. જેમ કે, તેમનો દેશ આઝાદ બન્યો એ દિવસ. શું તમે એવા એક રાષ્ટ્રીય પ્રસંગ વિશે જાણો છો, જે આશરે ૩,૫૦૦ વર્ષોથી ઊજવવામાં આવે છે?
૨ એ પ્રસંગ પાસ્ખા પર્વ છે. ઇજિપ્તની ગુલામીમાંથી ઈસ્રાએલીઓ મુક્ત થયા એની ઉજવણી છે. આ પ્રસંગ આપણા માટે પણ મહત્ત્વનો છે. શા માટે? કારણ કે, એ આપણા જીવનને અસર કરે છે. તમે કદાચ વિચારો કે: “પાસ્ખા પર્વ યહુદીઓનો તહેવાર છે, પણ હું તો યહુદી નથી. મારે શા માટે એ પ્રસંગમાં રસ બતાવવો જોઈએ?” એનો જવાબ આ મહત્ત્વના શબ્દોમાં મળે છે: “આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન આપવામાં આવ્યું છે.” (૧ કોરીં. ૫:૭) એ મહત્ત્વના શબ્દો સમજવા આપણે યહુદી પાસ્ખા પર્વ વિશે જાણવું પડશે કે બધા ઈશ્વરભક્તોને આપેલી આજ્ઞા સાથે એ કઈ રીતે જોડાયેલું છે.
પાસ્ખા પર્વ કેમ ઊજવવામાં આવતું?
૩, ૪. પ્રથમ પાસ્ખા પર્વ અગાઉ કયો બનાવ બન્યો હતો?
૩ દુનિયા ફરતેના લાખો લોકો જેઓ યહુદી નથી તેઓ અમુક હદે જાણતા હશે કે પ્રથમ પાસ્ખા પર્વની અગાઉ કયો બનાવ બન્યો હતો. તેઓએ એના વિશે બાઇબલના નિર્ગમનના પુસ્તકમાં, વાર્તાઓમાં કે પછી ફિલ્મોમાં જોયું હશે.
૪ ઈસ્રાએલીઓ ઘણાં વર્ષોથી ઇજિપ્તની ગુલામીમાં હતા. યહોવાએ પોતાના લોકોને છોડાવવા ફારુન પાસે હારુન અને મુસાને મોકલ્યા. એ ઘમંડી રાજા ઈસ્રાએલીઓને જવા દેવા માંગતો ન હતો. તેથી, યહોવાએ એ દેશમાં ભયાનક મરકીઓ મોકલી. યહોવાએ મોકલેલી દસમી મરકીથી ઇજિપ્તના પ્રથમજનિતોનું મરણ થયું. તેથી, ફારુને ઈસ્રાએલીઓને જવા દીધા.—નિર્ગ. ૧:૧૧; ૩:૯, ૧૦; ૫:૧, ૨; ૧૧:૧, ૫.
૫. છુટકારો મેળવવા માટે ઈસ્રાએલીઓએ કઈ તૈયારી કરવાની હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૫ ઈસ્રાએલીઓએ ઇજિપ્તમાંથી નીકળતા પહેલાં અમુક સૂચનો પ્રમાણે કરવાનું હતું. ઈ.સ. પૂર્વે ૧૫૧૩ના વસંતનો એ સમય હતો જ્યારે, દિવસ અને રાત એક સરખાં ૧૨-૧૨ કલાકનાં હોય છે. એ મહિનો હિબ્રૂઓ પ્રમાણે અબીબનો હતો, જે પછીથી નીસાન તરીકે ઓળખાયો.a યહોવાએ નીસાન ૧૪ માટે ઈસ્રાએલીઓને નીસાન ૧૦થી તૈયારી કરવા અમુક બાબતો જણાવી. હિબ્રૂઓનો દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો હોવાથી નીસાન ૧૪ની શરૂઆત સૂર્યાસ્તથી થઈ. તે દિવસે દરેક કુટુંબે એક નર ઘેટું (કે બકરું) કાપીને એનું લોહી બારસાખો અને ઓતરંગ પર છાંટવાનું હતું. (નિર્ગ. ૧૨:૩-૭, ૨૨, ૨૩) કુટુંબે હલવાનને શેકીને ખમીર વગરની રોટલી અને અમુક ભાજી સાથે ખાવાનું હતું. ઈશ્વરનો દૂત આખા ઇજિપ્ત દેશમાં ફરીને પ્રથમજનિતોને મારી નાખવાનો હતો. પરંતુ, વફાદાર ઈસ્રાએલીઓનું રક્ષણ થવાનું હતું. આમ, તેઓનો છુટકારો થવાનો હતો.—નિર્ગ. ૧૨:૮-૧૩, ૨૯-૩૨.
૬. શા માટે ઈસ્રાએલીઓએ દર વર્ષે પાસ્ખા પર્વ ઊજવવાનું હતું?
૬ એ છુટકારાને ઈસ્રાએલીઓએ આવનાર વર્ષોમાં યાદ રાખવાનો હતો. યહોવાએ તેઓને કહ્યું: ‘આ દિવસ તમને સ્મરણને અર્થે થાય અને તમારે યહોવા પ્રત્યે એ દિવસે પર્વ પાળવું. વંશપરંપરા તમારે હંમેશાંની વિધિથી એ પર્વ પાળવું.’ નીસાન ૧૪નું પાસ્ખા પર્વ ઊજવ્યા પછી, તેઓએ બીજા સાત દિવસ બેખમીર રોટલીનું પર્વ પાળવાનું હતું. નીસાન ૧૪મીએ પાસ્ખા પર્વ ઊજવાતું, પણ આઠ દિવસની એ આખી ઉજવણીને પાસ્ખા પર્વ કહેવામાં આવતું. (નિર્ગ. ૧૨:૧૪-૧૭; લુક ૨૨:૧; યોહા. ૧૮:૨૮; ૧૯:૧૪) આમ, દર વર્ષે ઊજવાતાં હિબ્રૂઓનાં પર્વોમાંનું એક પાસ્ખા પર્વ હતું.—૨ કાળ. ૮:૧૩.
૭. ઈસુએ તેમના શિષ્યોને કયો નવો પ્રસંગ ઊજવવા કહ્યું?
૭ યહુદીઓ તરીકે ઈસુ અને તેમના શિષ્યો મુસાના નિયમ પ્રમાણે પાસ્ખા પર્વની ઉજવણી કરતા હતા. (માથ. ૨૬:૧૭-૧૯) ઈસુએ તેમના છેલ્લા પાસ્ખા પર્વ દરમિયાન એક નવા પ્રસંગની શરૂઆત કરી, જેને શિષ્યોએ દર વર્ષે ઊજવવાનો હતો. એ પ્રસંગ પ્રભુનું સાંજનું ભોજન તરીકે ઓળખાય છે. એને કયા દિવસે ઊજવવાનો હતો?
પ્રભુનું સાંજનું ભોજન કયા દિવસે ઊજવવાનું હતું?
૮. અમુક લોકો પાસ્ખા પર્વ અને પ્રભુના ભોજન વિશે કયો સવાલ કરી શકે?
૮ ઈસુએ પાસ્ખા પર્વ ઊજવ્યા પછી તરત જ પ્રભુના સાંજના ભોજન વિશે શિષ્યોને સૂચનો આપ્યાં. તેથી, પ્રભુનું સાંજનું ભોજન પાસ્ખા પર્વને દિવસે જ ઊજવવામાં આવે છે. જોકે, આપણે ઈસુનો સ્મરણપ્રસંગ ઊજવીએ એ જ દિવસે મોટા ભાગે યહુદીઓ પાસ્ખા પર્વ ઊજવતા નથી. તેથી અમુકને સવાલ થઈ શકે કે આવો ફરક શા માટે? યહોવાએ ઈસ્રાએલીઓને આપેલી આજ્ઞામાં એનો જવાબ મળે છે. યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ નીસાન ૧૪મીએ હલવાનને કાપે એ સમયથી પાસ્ખા પર્વ શરૂ થતું.—નિર્ગમન ૧૨:૫, ૬ વાંચો.
૯. નિર્ગમન ૧૨:૬ પ્રમાણે હલવાન ક્યારે કાપવામાં આવતું?
૯ નિર્ગમન ૧૨:૬ પ્રમાણે એ હલવાન ‘સાંજે કાપવાનું’ હતું. એ શબ્દોનું ભાષાંતર અમુક બાઇબલમાં અને યહુદી તનાખમાં ‘સાંજના આછા અજવાળાને સમયે’ તરીકે થયું છે. આમ, નીસાન ૧૪ની શરૂઆતમાં એટલે કે સૂરજ આથમ્યા પછીના આછા અજવાળામાં હલવાન કાપવામાં આવતું.
૧૦. અમુક લોકો પ્રમાણે પાસ્ખાનું હલવાન ક્યારે કપાતું અને જો એમ હોય તો કયો સવાલ ઊભો થાય?
૧૦ ઇતિહાસમાં પછીથી, અમુક યહુદીઓ માનવા લાગ્યા કે બધાં હલવાનોને લોકો મંદિરમાં લાવીને કાપતાં હોવાથી, એમાં ઘણો સમય લાગતો હશે. તેથી તેઓને લાગ્યું કે, નિર્ગમન ૧૨:૬ પ્રમાણે હલવાન કાપવાનો સમય નીસાન ૧૪મીના અંતિમ ભાગને રજૂ કરે છે. પરંતુ, જો એમ હોય તો ઈસ્રાએલીઓ પાસ્ખાનું ભોજન કયારે લેતા હશે? પ્રોફેસર જોનાથાન ક્લાવાન્સના જણાવ્યા પ્રમાણે એ ભોજન નીસાન ૧૫મીએ ખવાતું હોય શકે. પરંતુ, તે કબૂલ કરે છે કે બાઇબલમાં નિર્ગમનના પુસ્તકમાં એવું સીધેસીધું જણાવવામાં આવ્યું નથી. પ્રોફેસર એમ પણ કહે છે કે ૭૦ની સાલમાં મંદિરનો નાશ થયો એ પહેલાં પાસ્ખા પર્વ કઈ રીતે ઊજવવામાં આવતું, એ વિશે રાબ્બીઓના લખાણમાં કંઈ જણાવ્યું નથી.
૧૧. (ક) સાલ ૩૩ના પાસ્ખા પર્વના દિવસે ઈસુ સાથે શું બન્યું? (ખ) એ વર્ષે નીસાન ૧૫મીનો દિવસ શા માટે ‘મોટો સાબ્બાથ’ કહેવાયો? (ફૂટનોટ જુઓ.)
૧૧ સાલ ૩૩માં પાસ્ખા પર્વ કયા દિવસે ઊજવાયું હશે? પાસ્ખાના આગલા દિવસે એટલે કે નીસાન ૧૩મીએ ઈસુએ પીતર અને યોહાનને કહ્યું, “તમે જઈને આપણે માટે પાસ્ખા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ.” (લુક ૨૨:૭, ૮) ગુરુવારે સૂર્યાસ્ત પછી એટલે કે નીસાન ૧૪મીએ ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખા ખાધું. એના પછી, તેમણે પ્રભુના સાંજના ભોજન વિશે આજ્ઞા આપી અને એની શરૂઆત કરી. (લુક ૨૨:૧૪, ૧૫) એ જ રાતે ઈસુને પકડવામાં આવ્યા, તેમની સતાવણી કરવામાં આવી. તેમને નીસાન ૧૪મીની બપોરે વધસ્તંભે જડવામાં આવ્યા અને બપોર પછી તે મરણ પામ્યા. (યોહા. ૧૯:૧૪) તેથી, “આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન” પણ એ જ દિવસે કરવામાં આવ્યું જે દિવસે પાસ્ખાનું હલવાન કાપવામાં આવતું. (૧ કોરીં. ૫:૭; ૧૧:૨૩; માથ. ૨૬:૨) નીસાન ૧૫ શરૂ થતા પહેલાં ઈસુને દફનાવવામાં આવ્યા.b—લેવી. ૨૩:૫-૭; લુક ૨૩:૫૪.
પાસ્ખાના પ્રસંગથી શું શીખવા મળે છે?
૧૨, ૧૩. પાસ્ખા પર્વની ઉજવણીમાં ઈસ્રાએલી બાળકો કઈ રીતે ભાગ લેતાં હતાં?
૧૨ ઇજિપ્તમાં બનેલા એ બનાવનો ફરી વિચાર કરીએ. મુસાએ જણાવ્યું કે ભવિષ્યમાં ઈશ્વરના લોકો પાસ્ખા પર્વને ‘સદાની વિધિ તરીકે પાળશે.’ દર વર્ષે બાળકો તેમનાં માબાપને પાસ્ખા પર્વ વિશેની માહિતી પૂછતાં. (નિર્ગમન ૧૨:૨૪-૨૭ વાંચો; પુન. ૬:૨૦-૨૩) આમ, પાસ્ખા પર્વ બાળકો માટે પણ ‘સ્મરણને અર્થે’ ઊજવાતો પ્રસંગ હતો.—નિર્ગ. ૧૨:૧૪.
૧૩ ઈસ્રાએલીઓ પેઢી દર પેઢી પોતાનાં બાળકોને પાસ્ખા પર્વ વિશે મહત્ત્વનું શિક્ષણ આપતા. એમાંની એક બાબત હતી કે યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરી શકે છે. બાળકો એ પણ શીખતા કે યહોવા સાચે જ છે અને પોતાના લોકોનો બચાવ કરે છે તેમ જ તેઓની કાળજી લે છે. યહોવાએ એની સાબિતી મિસરીઓ ઉપર દસમી આફત લાવ્યા ત્યારે આપી. તેમણે એ સમયે ઈસ્રાએલીઓના પ્રથમજનિતો પર ઊની આંચ પણ આવવા ન દીધી.
૧૪. પાસ્ખા પર્વના અહેવાલમાંથી માબાપ પોતાનાં બાળકોને શું શીખવી શકે?
૧૪ ખરું કે, આજે ઈશ્વરભક્તો પોતાનાં બાળકોને પાસ્ખા પર્વનો અર્થ દર વર્ષે સમજાવતા નથી. પરંતુ, માબાપો તેઓને એવું જરૂર શીખવે છે કે ઈશ્વર પોતાના લોકોનું રક્ષણ આજે પણ કરે છે. શું તમે પણ એવું શીખવો છો? શું બાળકો તમારાં વાણી-વર્તનથી જોઈ શકે છે કે તમને યહોવામાં પૂરો ભરોસો છે? (ગીત. ૨૭:૧૧; યશા. ૧૨:૨) શું તમે તેઓને એ બાબત કંટાળો આવે એવી રીતે શીખવો છો કે પછી, મજા આવે એવી રીતે શીખવો છો? તમારું કુટુંબ યહોવામાં ભરોસો વધુ મજબૂત બનાવી શકે માટે પ્રયત્ન કરતા રહો.
૧૫, ૧૬. પાસ્ખા પર્વ અને નિર્ગમનના અહેવાલોમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે?
૧૫ આપણે પાસ્ખા પર્વમાંથી બીજી એક મહત્ત્વની બાબત શીખી શકીએ છીએ. યહોવા પોતાના લોકોનું ફક્ત રક્ષણ જ નહિ, છુટકારો પણ કરે છે. જરા વિચારો કે ઇજિપ્તમાંથી ઈસ્રાએલીઓને છોડાવવા માટે યહોવાએ જે બાબતો કરી, એના પરથી શું શીખવા મળે છે. તેઓને મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. યહોવા દ્વારા રાતા સમુદ્રના બે ભાગ થતા તેઓએ જોયા અને એમાં થઈને તેઓ સૂકી ભૂમિ પર ચાલ્યા. સલામત રીતે એ પાર કર્યા પછી તેઓએ જોયું કે એનાં પાણી ઇજિપ્તના લશ્કરો પર ફરી વળ્યાં. એ છુટકારા માટે યહોવાને મહિમા આપવા ઈસ્રાએલીઓએ ગીત ગાયું: ‘હું યહોવાની આગળ ગાયન કરીશ, તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. યાહ મારું સામર્થ્ય તથા ગીત છે અને તે મારું તારણ થયા છે.’—નિર્ગ. ૧૩:૧૪, ૨૧, ૨૨; ૧૫:૧, ૨; ગીત. ૧૩૬:૧૧-૧૫.
૧૬ માબાપો, શું તમે બાળકોને ભરોસો અપાવો છો કે યહોવા આપણા છોડાવનાર છે? શું તેઓ તમારી વાતચીત અને નિર્ણયોમાં એ ભરોસો જોઈ શકે છે? નિર્ગમન ૧૨-૧૫ના અહેવાલમાં જોઈ શકાય કે યહોવા પોતાના લોકોને કઈ રીતે છોડાવે છે. એ અહેવાલની ચર્ચા તમે કુટુંબ તરીકેની ભક્તિમાં સાથે મળીને કરી શકો છો. એ જ રીતે, બીજી વાર પ્રેરિતોનાં કૃત્યો ૭:૩૦-૩૬ અને દાનીયેલ ૩:૧૬-૧૮, ૨૬-૨૮ વિશે ચર્ચા કરી શકો. નાના-મોટા દરેકને ભરોસો હોવો જોઈએ કે, યહોવાએ પહેલાંના સમયમાં જેમ પોતાના લોકોને છોડાવ્યા, તેમ ભવિષ્યમાં પણ આપણને છોડાવશે.—૧ થેસ્સાલોનીકી ૧:૯, ૧૦ વાંચો.
આપણે યાદ રાખીએ
૧૭, ૧૮. પાસ્ખાના હલવાન કરતાં ઈસુનું લોહી કઈ રીતે કીમતી છે?
૧૭ ઈશ્વરભક્તો આજે યહુદી પાસ્ખા પર્વને ઊજવતા નથી. કારણ કે, એ પર્વ મુસાના નિયમનો ભાગ હતો અને આપણા પર એ નિયમ લાગુ પડતો નથી. (રોમ. ૧૦:૪; કોલો. ૨:૧૩-૧૬) એના બદલે આપણે બીજી એક ઉજવણી કરીએ છીએ: ઈશ્વરના દીકરાનો મરણ દિવસ. છતાં, ઇજિપ્તમાં શરૂ થયેલા પાસ્ખા પર્વની ઉજવણીમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.
૧૮ હલવાનના લોહીને બારસાખ અને ઓતરંગ પર છાંટવાથી ઈસ્રાએલીઓના પ્રથમજનિતોનો બચાવ થયો. આજે, આપણે પાસ્ખા પર્વના કે કોઈ બીજા દિવસે યહોવાને પ્રાણીઓનું બલિદાન ચઢાવતાં નથી. જોકે, આપણા જીવનને બચાવવા માટે એનાથી પણ કીમતી બલિદાન આપવામાં આવ્યું છે. પ્રેરિત પાઊલે સમજાવ્યું કે ઈસુના ‘છંટકાવના રક્તʼથી અભિષિક્તો માટે સ્વર્ગનું જીવન શક્ય બન્યું છે. તેઓ જ એ ‘પ્રથમ જન્મેલા છે જેઓનાં નામ આકાશમાં લખેલાં છે.’ (હિબ્રૂ ૧૨:૨૩, ૨૪) ઈસુના લોહીથી બીજાં ઘેટાં માટે પણ પૃથ્વી પર હંમેશાંનું જીવન શક્ય બન્યું છે. આપણે આ વચનને કાયમ યાદ રાખવું જોઈએ: ‘તેમનામાં, તેમના લોહી દ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.’—એફે. ૧:૭.
૧૯. ઈસુ જે રીતે મરણ પામ્યા એનાથી બાઇબલની ભવિષ્યવાણીઓ પર આપણો ભરોસો કઈ રીતે મજબૂત થાય છે?
૧૯ પાસ્ખા પર્વનું હલવાન કાપવામાં આવતું ત્યારે ઈસ્રાએલીઓએ ધ્યાન રાખવાનું હતું કે એનું એકે હાડકું ભાંગે નહિ. (નિર્ગ. ૧૨:૪૬; ગણ. ૯:૧૧, ૧૨) “ઈશ્વરનું હલવાન” જેણે આપણા માટે જીવ આપીને કિંમત ચૂકવી એના વિશે શું? (યોહા. ૧:૨૯) તેમને બે ગુનેગારોની વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. યહુદીઓએ પીલાતને કહ્યું કે ઈસુના અને બંને ગુનેગારોનાં હાડકાં ભાંગવામાં આવે, જેથી તેઓનું મોત જલદી થાય અને નીસાન ૧૫ એટલે કે મોટા સાબ્બાથના દિવસ સુધી શબ વધસ્તંભ પર રહે નહિ. સૈનિકો બંને ગુનેગારોના પગ ભાંગીને ‘ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.’ (યોહા. ૧૯:૩૧-૩૪) પાસ્ખાના હલવાનની જેમ ઈસુનું પણ એકેય હાડકું ભાંગવામાં આવ્યું નહિ. એ રીતે, પાસ્ખાનું હલવાન નીસાન ૧૪, સાલ ૩૩ના રોજ થયેલા ઈસુના બલિદાનની “પ્રતિછાયા” હતું. (હિબ્રૂ ૧૦:૧) ઉપરાંત, એ બાબત ગીતશાસ્ત્ર ૩૪:૨૦ના શબ્દોને પૂરા કરે છે. આમ, બાઇબલની ભવિષ્યવાણીઓ પર આપણો ભરોસો મજબૂત થાય છે.
૨૦. પાસ્ખા પર્વ અને ઈસુના સાંજના ભોજન વચ્ચે કયો મહત્ત્વનો ફરક છે?
૨૦ યહુદીઓના પાસ્ખા પર્વની ઉજવણીની રીત અને ઈસુએ સાંજના ભોજન માટે શિષ્યોને જણાવેલી રીતમાં ફરક છે. દાખલા તરીકે, ઇજિપ્તમાં ઈસ્રાએલીઓએ હલવાનનું માંસ ખાવાનું હતું જ્યારે કે એનું રક્ત પીવાની મનાઈ હતી. પરંતુ, ઈસુએ પોતાના શિષ્યોને જુદી બાબત કરવા જણાવી. તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં” રાજ કરશે તેઓ ઈસુનાં શરીરને રજૂ કરતી રોટલી અને લોહીને રજૂ કરતો દ્રાક્ષદારૂ ખાવાપીવામાં ભાગ લેશે. એ વિશે આપણે હવે પછીના લેખમાં વધારે માહિતી મેળવીશું.—માર્ક ૧૪:૨૨-૨૫.
૨૧. આપણે પાસ્ખા પર્વ વિશે કેમ જાણવું જોઈએ?
૨૧ ઇતિહાસમાં, ઈશ્વરના લોકો માટે પાસ્ખા પર્વ એક મહત્ત્વનો પ્રસંગ હતો. આજે, આપણે પણ એમાંથી ઘણું શીખી શકીએ છીએ. ભલે પાસ્ખા પર્વ યહુદીઓનો ખાસ પ્રસંગ હતો, તોપણ ઈશ્વરભક્તો તરીકે આપણે એના વિશે જાણીને એ પરથી શીખવું જોઈએ. કારણ કે બાઇબલનું ‘દરેક પુસ્તક ઈશ્વરની પ્રેરણાથી’ લખાયેલું છે.—૨ તીમો. ૩:૧૬.
a હિબ્રૂ કેલેન્ડરનો પહેલો મહિનો અબીબ હતો. પરંતુ, ઈસ્રાએલીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા પછીથી એ નીસાન તરીકે ઓળખાયો. આ લેખમાં આપણે નીસાન નામનો ઉપયોગ કરીશું.
b પાસ્ખા પર્વનો બીજો દિવસ એટલે કે નીસાન ૧૫ બેખમીર રોટલીના પર્વનો પહેલો દિવસ હતો, જે હંમેશાં સાબ્બાથ ગણાતો. સાલ ૩૩માં નીસાન ૧૫મીએ પણ એ અઠવાડિયાના સાબ્બાથનો દિવસ (શુક્રવારની સાંજથી શનિવારની સાંજ સુધી) હતો. આમ, એ વર્ષે બંને સાબ્બાથ એક જ દિવસે આવતા હોવાથી એને ‘મોટો સાબ્બાથ’ કહેવામાં આવ્યો.—યોહાન ૧૯:૩૧, ૪૨ વાંચો.