સપ્ટેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
સપ્ટેમ્બર ૫-૧૧
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૧૯
“યહોવાના નિયમ પ્રમાણે ચાલો”
(ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૮) સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. ૨ તેનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે. ૩ તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેના માર્ગમાં ચાલે છે. ૪ તેં તારાં શાસનો ચોકસાઈથી પાળવાનું અમને ફરમાવ્યું છે. ૫ તારા વિધિઓ પાળવાને માટે મારા આચારવિચાર દૃઢ થાય તો કેવું સારું! ૬ હું તારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી. ૭ તારા અદલ ઇન્સાફથી હું માહિતગાર થઈશ ત્યારે હું શુદ્ધ અંતઃકરણથી તારો આભાર માનીશ. ૮ હું તારા વિધિઓ પાળીશ; તું મારો ત્યાગ કરીશ મા.
યહોવાહનાં વચનો પર શ્રદ્ધા રાખો
ઈશ્વરનાં વચનો પાળવાથી તમે સુખી થશો
જો આપણે યહોવાહના કહ્યા પ્રમાણે ચાલીશું તો સુખી થઈશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૮) યહોવાહ જોઈ શકશે કે આપણે “સીધે માર્ગે” ચાલીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧) પણ એનો અર્થ એ નથી કે આપણે કદી ભૂલ નહિ કરીએ. યહોવાહના માર્ગ પર ભલે આપણે ઠોકર ખાઈએ, આપણે ફરી ઊભા થઈશું ને ફરી ચાલી શકીશું. નુહનો વિચાર કરો. તે આપણા જેવા જ હતા. શાસ્ત્ર કહે છે કે ‘પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધા માણસ હતા. તે દેવની સાથે ચાલતા.’ નુહ ને તેમનું કુટુંબ જળપ્રલયમાંથી બચી શક્યા કેમ કે તેઓ યહોવાહના કહ્યા મુજબ જીવ્યા. (ઉત્પત્તિ ૬:૯; ૧ પીતર ૩:૨૦) આજે જો આપણે આ દુનિયાના વિનાશમાંથી બચવું હોય તો યહોવાહના નિયમો ‘ચોકસાઈથી પાળવા’ જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૪.
જો આપણે દિલથી યહોવાહને કહીએ કે “હું શુદ્ધ અંતઃકરણથી તારો આભાર માનીશ. હું તારી વિધિઓ પાળીશ,” તો યહોવાહ કદી આપણને છોડી દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭, ૮) દાખલા તરીકે, યહોવાહે યહોશુઆનો સાથ કદી છોડ્યો નહિ. કારણ કે યહોશુઆએ ‘દિવસે તથા રાત્રે શાસ્ત્રનું મનન કર્યું, ને તેમાં જે બધું લખેલું હતું તે કાળજીથી પાળ્યું.’ આ રીતે યહોશુઆ હંમેશાં સારા નિર્ણયો લઈ શક્યા ને યહોવાહનો આશીર્વાદ મેળવી શક્યા. (યહોશુઆ ૧:૮) યહોશુઆ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને વળગી રહ્યા. તેમણે ઈસ્રાએલીઓને કહ્યું કે “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યા તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.” (યહોશુઆ ૨૩:૧૪) જો આપણે યહોશુઆ ને હિઝકીયાહની જેમ યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકીએ તો આપણને ઘણા આશીર્વાદો મળશે.
(ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩-૪૦) હે યહોવા, તારા વિધિઓનો માર્ગ મને શીખવ; હું ઠેઠ સુધી તે પ્રમાણે ચાલીશ. ૩૪ મને સમજણ આપ, એટલે હું તારો નિયમ પાળીશ; હા, મારા ખરા હૃદયથી તેને માનીશ. ૩૫ તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ; કેમ કે તેમાં હું સંતોષ પામું છું. ૩૬ લોભ ભણી નહિ, પણ તારાં સાક્ષ્યો ભણી મારું મન વાળ. ૩૭ વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવ; તારા માર્ગ વિશે મને આતુર કર. ૩૮ તારું ભય ઉપજાવનારું તારું જે વચન છે તે તારા સેવકના લાભમાં દૃઢ કર. ૩૯ જે અપમાનથી હું બીહું છું તે મારાથી દૂર કર કેમ કે તારાં ન્યાયવચનો ઉત્તમ છે. ૪૦ હું તારાં શાસનોની અભિલાષા રાખું છું; તારા ન્યાયીપણાથી મને જીવાડ.
યહોવાહનાં વચનો પર શ્રદ્ધા રાખો
યહોવાહનાં વચનો આપણને હિંમત આપે છે
આપણે યહોવાહનાં વચનો પાળીએ છીએ ત્યારે મુસીબતો સહન કરવાની શક્તિ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩-૪૦) આપણે હંમેશા પ્રાર્થનામાં વિનંતી કરવી જોઈએ જેથી “ખરા હૃદયથી” યહોવાહનાં વચનો પાળી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩, ૩૪) હિઝકીયાહની જેમ આપણે પ્રાર્થનામાં કહી શકીએ કે ‘લોભ તરફ નહિ, પણ તારાં સાક્ષ્યો તરફ મારૂં મન વાળ.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬) પ્રેષિત પાઊલની જેમ આપણે ‘સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખવી’ જોઈએ. (હેબ્રી ૧૩:૧૮) જો નોકરીએ કોઈ આપણને જૂઠું બોલવાનું કહે તો આપણે શું કરવું જોઈએ? આપણે હિંમતથી યહોવાહના નિયમોને વળગી રહેવું જોઈએ. એમ કરવાથી યહોવાહ આપણને આશીર્વાદ આપશે. તે આપણને એવા ખરાબ કામોથી દૂર રહેવા મદદ કરશે. ચાલો આપણે યહોવાહને પ્રાર્થનામાં કહીએ કે “વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કદીયે દુષ્ટ કામો તરફ લલચાઈએ નહિ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) એનો અર્થ એ થાય કે આપણે પોર્નોગ્રાફી ને જંતર-મંતર જેવી બાબતોથી દૂર રહેવું જોઈએ.—૧ કોરીંથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮.
(ગીતશાસ્ત્ર ૧૧૯:૪૧-૪૮) હે યહોવા, તારા વચન પ્રમાણે તારી કૃપા મારા પર થાઓ, અને મારું તારણ કરો. ૪૨ તેથી હું મારું અપમાન કરનારને ઉત્તર આપી શકીશ; કેમ કે મને તારા વચનનો ભરોસો છે. ૪૩ મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લે; કેમ કે હું તારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું. ૪૪ હું નિરંતર તારો નિયમ સદા સર્વદા પાળીશ. ૪૫ હું તારાં શાસનોનો શોધનાર છું; માટે હું નિરાંતે જીવીશ. ૪૬ વળી રાજાઓની આગળ હું તારાં સાક્ષ્યો કહી સંભળાવીશ, અને તેમાં શરમાઇશ નહિ. ૪૭ તારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે. ૪૮ તારી આજ્ઞાઓ પાળવા પણ હું મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; અને હું તારા વિધિઓનું મનન કરીશ.
યહોવાહનાં વચનો પર શ્રદ્ધા રાખો
જો આપણું મન ને દિલ યહોવાહના વિચારોથી ભરેલું હોય, તો આપણે હિંમતથી પ્રચાર કરી શકીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૧-૪૮) ઘણી વખત આપણે ‘અપમાન કરનારને ઉત્તર આપવો’ પડે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૨) ઈસુના શિષ્યોએ ઘણી સતાવણી સહન કરવી પડી. તેઓએ પ્રાર્થનામાં કહ્યું: ‘પ્રભુ, તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.’ પરિણામે “તેઓ સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા.” જો આપણે ઈસુના શિષ્યોની જેમ પ્રાર્થના કરીએ તો યહોવાહ આપણને પ્રચાર કરવાની હિંમત આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪-૩૧.
જો આપણે ‘સત્યનાં વચનો’ દિલમાં ઉતારીએ ને ‘સદા પાળીએ,’ તો આપણે પ્રચાર કરવાથી ડરીશું નહિ કે શરમાઈશું નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૩, ૪૪) બાઇબલ વિષે વધુ શીખવાથી આપણે યહોવાહનાં વચનો ‘રાજાઓની આગળ સંભળાવી’ શકીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬) પ્રાર્થના કરવાથી યહોવાહ મદદ કરશે. બાઇબલમાંથી સારી રીતે શીખવવા, હિંમતથી બોલવા તે આપણને શક્તિ આપશે. (માત્થી ૧૦:૧૬-૨૦; કોલોસી ૪:૬) યહોવાહે પાઊલને મદદ આપી. એટલે તે રૂમી ગવર્નર ફેલીક્સને સાક્ષી આપી શક્યા. ફેલીક્સે પોતે ‘ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી પાઊલની વાત સાંભળી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૪, ૨૫) પાઊલે ગવર્નર ફેસ્તસ ને રાજા આગ્રીપાને પણ સત્ય વિષે સાક્ષી આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૨૨–૨૬:૩૨) યહોવાહની મદદથી આપણે પણ હિંમતથી પ્રચાર કરી શકીશું. પછી આપણે કહીશું કે “સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી.”—રૂમી ૧:૧૬.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૧૧૯:૭૧) હું દુઃખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે; કેમ કે હું તારા વિધિઓ શીખ્યો.
ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો
૧૧૯:૭૧—દુઃખ-તકલીફો સહેવાથી કેવી રીતે આપણું ભલું થઈ શકે? દુઃખ-તકલીફો આવે ત્યારે આપણે એમાંથી ઘણું શીખીએ છીએ. જેમ કે, યહોવાહ પર પૂરો ભરોસો રાખવો. પૂરા દિલથી પ્રાર્થના કરવી. હોંશથી બાઇબલ વિષે શીખવું. જે શીખીએ એ જીવનમાં ઉતારવું. મુશ્કેલીઓમાં આપણે જે રીતે વર્તીએ, એનાથી આપણી નબળાઈઓ દેખાઈ આવે છે. પછી એમાં સુધારો કરીએ. તેથી જો આપણે દુઃખોમાં પણ યહોવાહને હાથે ઘડાઈએ, તો આપણા દિલમાં કડવાશ નહિ હોય.
(ગીતશાસ્ત્ર ૧૧૯:૯૬) મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઇ છે; પણ તારી આજ્ઞાની સીમા જ નથી.
ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો
૧૧૯:૯૬—‘સર્વ સંપૂર્ણતાની સીમા છે.’ એનો શું અર્થ થાય? અહીંયા કવિ ઇન્સાનની સમજણ પ્રમાણે સંપૂર્ણ શું છે, એની વાત કરતા હતા. કદાચ તેમના મનમાં એ વિચાર હતો કે સંપૂર્ણતા વિષે ઇન્સાનની સમજણ બહુ મર્યાદિત છે. જ્યારે કે ઈશ્વરની આજ્ઞાની કોઈ સીમા જ નથી. એ જીવનના દરેક પાસામાં લાગુ પડે છે. આ કલમ આમ વંચાય છે: “મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઈ છે; પણ તારી આજ્ઞાની સીમા જ નથી.”
સપ્ટેમ્બર ૧૨-૧૮
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૨૦-૧૩૪
“યહોવા તરફથી મને સહાય મળે છે”
(ગીતશાસ્ત્ર ૧૨૧:૧, ૨) હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે? ૨ જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેની તરફથી મને સહાય મળે છે.
‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’
યહોવાહ હંમેશાં આપણને સાથ દેશે!
ગીતશાસ્ત્રના કવિ શરૂઆતમાં કહે છે કે આપણે યહોવાહ પર પૂરો ભરોસો મૂકી શકીએ કેમ કે તે આપણા સરજનહાર છે. એના વિષે તેમણે કહ્યું: “હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે? જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેની તરફથી મને સહાય મળે છે.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૧, ૨) આ કવિએ કયા પર્વત જોઈને ગીત રચ્યું હતું. તેમણે યહુદાહના પર્વતો જોયા હશે. એ પર્વત પર યરૂશાલેમ શહેર હતું અને ત્યાં યહોવાહનું મંદિર પણ હતું. આ મંદિર જોઈને કવિનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું હશે કેમ કે ત્યાં જાણે યહોવાહ રહેતા હતા. (ગીતશાસ્ત્ર ૧૩૫:૨૧) તેમની શ્રદ્ધા ‘આકાશ તથા પૃથ્વીના’ સરજનહાર, યહોવાહ પર હતી. તેથી તે દિલથી કહી શક્યા કે ‘ઈશ્વર જેવો કોઈ નથી. તે મારા કોઈ પણ બોજને હલકો કરી શકે છે.’—યશાયાહ ૪૦:૨૬.
(ગીતશાસ્ત્ર ૧૨૧:૩, ૪) તે તારા પગને ડગવા દેશે નહિ; તારો રક્ષક ઊંધી જનાર નથી. ૪ જુઓ, ઈસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.
‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’
હવે કવિ સમજાવે છે કે યહોવાહ કોઈ પણ સમયે આપણને સાથ આપવા તૈયાર છે. તેમણે લખ્યું: “તે તારા પગને ડગવા દેશે નહિ; તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૩, ૪) યહોવાહ ખાતરી આપે છે કે જો આપણે તેમના પર પૂરી શ્રદ્ધા મૂકીશું, તો આપણે કદીયે એવી ઠોકર નહિ ખાઈએ જેમાંથી પાછા ન ઊઠી શકીએ. (નીતિવચનો ૨૪:૧૬) પણ શું ઈશ્વર ખરેખર એવો દાવો કરી શકે છે? હા, ચોક્કસ! કવિએ કહ્યું કે યહોવાહ જાણે એક ઘેટાંપાળક છે, જે રાતે પણ ઘેટાંની ચોકી કરતા રહે છે. રાતે તે એક ઝોકું પણ નહિ ખાય. વિચાર કરો, ભલે દિવસ હોય કે રાત હોય, યહોવાહની નજર હંમેશાં આપણા પર છે. કોઈ પણ સમયે તે આપણને સાથ આપવા તૈયાર છે.
(ગીતશાસ્ત્ર ૧૨૧:૫-૮) યહોવા તારો રક્ષક છે; યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. ૬ દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહિ. ૭ સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે. ૮ હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.
‘યહોવા તરફથી મને સહાય મળે છે.’
કવિએ પછી લખ્યું: “યહોવાહ તારો રક્ષક છે; યહોવાહ તારે જમણે હાથે તને છાયા કરશે. દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહિ.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૫, ૬) જેમ સૂર્યના સખત તાપથી આપણો જીવ જાણે સુકાઈ જાય છે, તેમ જીવનમાં અનેક તકલીફો આપણને થકવી દઈ શકે. પણ ઈશ્વર તેમના લોકો માટે છાંયડા સમાન છે. તે ગમે એવી આપત્તિમાં છાયો આપે છે જેથી આપણને ઠંડક અને રાહત મળે. એ કલમ એમ પણ કહે છે કે યહોવાહ આપણી “જમણે હાથે” છે. એનો શું અર્થ થાય? એ સમજવા માટે એ જમાનાના સૈનિકોનો વિચાર કરો. તેઓ લડાઈ કરવા જતા ત્યારે તેઓના ડાબા હાથમાં ઢાલ ને જમણા હાથમાં તલવાર હતી. પણ ઢાલ એટલી પહોળી ન હતી કે એ જમણા હાથને પણ ઢાંકી દે. તેથી, તેના શરીરના એ ભાગને કોઈ રક્ષણ મળતું નહિ. પણ જ્યારે સૈનિકનો દોસ્ત તેની જમણી બાજુ ઊભો રહીને લડતો ત્યારે તેની એ બાજુએ ઢાલરૂપ બની જતો. યહોવાહ જાણે એ દોસ્ત જેવા છે. તે આપણી બાજુ ઊભા છે અને આપણું પૂરી રીતે રક્ષણ કરે છે.
શું યહોવાહ કદી આપણને તજી દેશે? જરાય નહિ. કેમ કે કવિએ કહ્યું: “સર્વ દુઃખથી યહોવાહ તારૂં રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવાહ તારૂં રક્ષણ કરશે.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૭, ૮) નોંધ કરો કે પાંચમી કલમમાં કવિએ શું કહ્યું હતું: “યહોવાહ તારો રક્ષક છે.” જ્યારે સાત અને આઠમી કલમમાં તે કહે છે કે, “યહોવાહ તારૂં રક્ષણ કરશે.” એ બંનેમાં જરાક ફરક છે. એ કલમો પૂરી સાબિતી આપે છે કે યહોવાહ હમણાં અને ભાવિમાં પણ આપણને સાથ દેશે. ભલે આપણા પર કોઈ પણ તોફાન આવી પડે, યહોવાહ હંમેશાં આપણી બાજુએ રહેશે.—નીતિવચનો ૧૨:૨૧.
ગીતશાસ્ત્ર ૧૨૧ના કવિએ, યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકી હતી. તેમણે યહોવાહને એક પ્રેમાળ પાળક સાથે સરખાવ્યા જે હંમેશાં ટોળાંની દેખભાળ રાખે છે. યહોવાહ કદી બદલાતા નથી. તેથી, આ કવિની માફક આપણે પણ યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકવી જોઈએ. (માલાખી ૩:૬) પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું યહોવાહ હંમેશાં ચમત્કાર કરીને આપણને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાવે છે? ના. પણ તે એવી રીતે મદદ આપે છે જેથી કોઈ પણ દુશ્મન આપણી શ્રદ્ધાને તોડી ન શકે. યહોવાહ કઈ રીતે એ મદદ આપે છે? યહોવાહ ખાસ કરીને ચાર રીતોએ આપણને મદદ કરે છે. ચાલો આપણે એને જોઈએ. આ લેખમાં આપણે જોઈશું કે તેમણે કઈ રીતે જૂના જમાનાના તેમના ભક્તોને મદદ કરી. પછીના લેખમાં આપણે જોઈશું કે તે એ જ ચાર સરખી રીતોથી આજે આપણને કઈ રીતે મદદ કરે છે.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૧૨૩:૨) જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેના ભણી તાકી રહે છે.
ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો
૧૨૩:૨—દાસો અને દાસીની આંખોના ઉદાહરણનો શું અર્થ થાય? દાસો અને દાસી પોતાના શેઠ કે શેઠાણીના હાથ તરફ બે કારણથી જોતા. એક કે શેઠ-શેઠાણીની ઇચ્છા જાણવા. બીજું કે તેઓ પાસેથી જીવનની જરૂરિયાતો અને રક્ષણ મેળવવા. તેઓની જેમ આપણે પણ યહોવાહની ઇચ્છા જાણવા અને કૃપા પામવા તેમની તરફ જોઈએ છીએ.
(ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે! ૨ તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, અને તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલ જેવું છે; ૩ વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે; કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન, ફરમાવ્યું છે.
ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો
૧૩૩:૧-૩. યહોવાહના ભક્તોમાં સંપ હોવાથી દિલને ઠંડક થાય છે. એનાથી ઉત્તેજન મળે છે, તાજગી મળે છે. તેથી આપણે એકબીજાની ભૂલો ન કાઢીએ, ઝગડા કે ફરિયાદો ન કરીએ. એનાથી આપણો સંપ તૂટી શકે છે.
સપ્ટેમ્બર ૧૯-૨૫
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૩૫-૧૪૧
“આશ્ચર્ય પમાડે એવી રીતે આપણને રચવામાં આવ્યા છે”
(ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે.
આપણી સુંદર રચના
સૃષ્ટિ અજાયબી છે. હર ચીજ અજાયબી છે. યે કોન ચિત્રકાર હૈ? ઘણા માને છે કે એ જવાબ આપણે જ શોધી શકીએ, ઈશ્વર જેવું કંઈ જ નથી. અમુક માને છે કે વિશ્વના સર્જનહાર છે. જો ન હોય તો, વિશ્વ કેવી રીતે આવ્યું એ આપણે સમજી જ ન શકીએ. પૃથ્વી પરની દરેક વસ્તુઓ એટલી જટિલ છે કે એ આપમેળે આવી જ ન શકે. ઘણા સાયન્ટિસ્ટ અને અગણિત લોકોનું પણ માનવું છે કે સૃષ્ટિના સર્જનહાર છે. તેમની શક્તિ ને બુદ્ધિનો કોઈ પાર જ નથી. વિશ્વમાં તેમના જેવું મહાન બીજું કોઈ જ નથી!
સદીઓ પહેલાં ઇઝરાએલમાં દાઊદ રાજા થઈ ગયા. તે દિલથી માનતા હતા કે સૃષ્ટિ ઈશ્વરની કરામત છે. તેથી ઈશ્વરને લાખ-લાખ ધન્યવાદ કહેવા જોઈએ. જોકે દાઊદ રાજાના દિવસોમાં સાયન્સ આજના જેટલું આગળ વધ્યું ન હતું. તોપણ તે જાણતા હતા કે રંગ-બે-રંગી સૃષ્ટિ ઈશ્વરની લીલા છે. દાઊદ તો પોતાના શરીરની રચના જોઈને જ મુગ્ધ થઈ ગયા હતા. તેમણે યહોવાહના ગુણ-ગાન ગાયા: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
દાઊદે સૃષ્ટિ પર મનન કર્યું હોવાથી જાણતા હતા કે યહોવાહ આપણા સર્જનહાર છે. બીજી બાજુ, આપણી શ્રદ્ધા તોડવા સ્કૂલના પુસ્તકો, ટીવી-રેડિયો ને ફિલ્મો એવું શીખવે છે કે માણસ પોતાની મેળે આવ્યો છે. પણ દાઊદની જેમ યહોવાહની કરામતનો વિચાર કરીશું તો, આપણી શ્રદ્ધા મજબૂત થશે. સર્જનહાર છે કે નહિ, એ નક્કી કરવાનો હક્ક આપણો પોતાનો છે.
યહોવાહની કરામત પર વિચાર કરવાથી તેમની ભક્તિ માટે આપણો પ્રેમ વધશે. તેમણે બાઇબલમાં ભાવિ વિષે આપેલાં વચનો પર શ્રદ્ધા વધશે. એનાથી આપણા દિલમાં યહોવાહને ઓળખવાની ને તેમની ભક્તિ કરવાની હોંશ જાગશે. દાઊદે કહ્યું કે ‘આપણને આશ્ચર્ય પમાડે એ રીતે રચવામાં આવ્યા છે.’ આ વાત સાથે સાયન્સ પણ સહમત છે. ચાલો આપણે એના પુરાવા જોઈએ.
(ગીતશાસ્ત્ર ૧૩૯:૧૫, ૧૬) જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તને અજાણ્યું ન હતું. ૧૬ મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થએલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા.
આપણી સુંદર રચના
“મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારૂં ખોળિયું તને અજાણ્યું ન હતું.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૫) માની કૂખમાં રહેલા પ્રથમ કોષમાંથી અનેક કોષ બને છે. થોડા જ દિવસોમાં એ કોષનાં જુદાં જુદાં ગ્રૂપ થાય છે. જેમ કે નસ અને સ્નાયુ બનાવતા કોષ, ત્વચા કે ચામડી બનાવતા કોષ, વગેરે વગેરે. એક કોષના ગ્રૂપમાંથી જુદા જુદાં અંગ બનવા લાગે છે. દાખલા તરીકે માની કૂખમાં ગર્ભ ધારણ થાય એના ત્રીજા અઠવાડિયે હાડપિંજર દેખાવા લાગે છે. ગર્ભના સાત અઠવાડિયા પછી બાળકની લંબાઈ લગભગ અંગૂઠાના ટેરવા જેટલી હોય છે. તેમ જ, ૨૦૬ જેટલાં હાડકાંનો આકાર દેખાવા લાગે છે. જેનો પૂરો વિકાસ પામ્યા પછી મજબૂત હાડકાં બની જાય છે.
આ બધું માની કૂખમાં બને છે. એટલે આપણે પોતાની નજરે જોઈ શકતા નથી. તેથી બાઇબલ કવિની ભાષામાં સમજાવે છે કે એ જાણે ‘પૃથ્વીના નીચલા ભાગમાં’ બને છે. એ નાનકડા કોષમાંથી આપણે કેવી રીતે મોટા થઈએ છીએ એ કોઈ જાણતું નથી. કોષમાં રહેલા જીન્સને કઈ રીતે ખબર પડે છે કે એણે શરીરનું કયું ચોક્કસ અંગ બનાવવાનું છે,એ વિષે સાયન્સ કદાચ પછીથી શોધી પણ કાઢે. પણ દાઊદ કહે છે કે યહોવાહ તો એ વિષે પહેલેથી જ જાણે છે!
“મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારૂં એકે અંગ થએલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) આપણા પહેલા કોષમાં આખી જિંદગીનો નકશો દોરેલો હોય છે. જેમ કે, નવ મહિના માની કૂખમાં ને જન્મ પછી વીસ વર્ષમાં કઈ રીતે મોટા થઈશું એ માહિતી કોષમાં હોય છે.
દાઊદના જમાનામાં માઇક્રોસ્કોપ પણ ન હતું. એટલે તે કોષ અને જીન્સ વિષે કંઈ પણ જાણતા ન હતા. તોપણ પોતાના શરીરની રચના પરથી તે પારખી શક્યા કે એનો નકશો હોવો જ જોઈએ. દાઊદ કદાચ જાણતા હશે કે ગર્ભમાં જીવન કેવી રીતે શરૂ થાય છે. એટલે તે કહી શક્યા કે ઠરાવેલા સમયે શરીરની વૃદ્ધિ થાય છે. એના વિષે તેમણે કવિની ભાષામાં કહ્યું, ‘મારું એકે અંગ થયું એ પહેલાં તે ઈશ્વરના પુસ્તકમાં લખેલું હતું.’
આપણા જનીન અગાઉથી જ નક્કી કરે છે કે વારસામાં શું મળશે. જેમ કે, કેટલી ઊંચાઈ, રંગ-રૂપ, આંખ ને વાળનો રંગ કેવો હશે જેવી અગણિત બાબતો. આપણા દરેકના કોષમાં હજારો ને હજારો જીન્સ હોય છે. એનાથી ડીએનએ બને છે. આપણા રંગ-રૂપ કેવા હશે એ ડીએનએમાં લખેલું હોય છે. જેમ કે, એક કોષમાંથી બીજા નવા કોષ બને છે ત્યારે પહેલા કોષની માહિતી નવા કોષમાં પણ હોય છે. એનાથી જીવનભર આપણા રંગ-રૂપ બદલાતા નથી. આ બધુ ડીએનએના લીધે થાય છે. ખરેખર, ઈશ્વરની શક્તિ ને બુદ્ધિનો કોઈ પાર જ નથી!
(ગીતશાસ્ત્ર ૧૩૯:૧૭, ૧૮) હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! ૧૮ જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય; જ્યારે હું જાગું ત્યારે હું હજી તારી સાથે હોઉં છું.
આપણી સુંદર રચના
આપણું અજોડ મન
“હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૭, ૧૮) પ્રાણીઓની રચના પણ અજાયબી છે. અમુક પાસે તો એવી ઇન્દ્રિયો છે જે ઇન્સાન પાસેય નથી. તોપણ ઈશ્વરે ઇન્સાનને બોલવાની શક્તિ ને વિચારવાની બુદ્ધિ આપી છે. તેથી આપણે પ્રાણી કરતાં લાખો દરજ્જે ચઢિયાતા છીએ. એના વિષે વિજ્ઞાનનું એક પુસ્તક કહે છે: ‘આપણા જેવું ભલેને ગમે એ પ્રાણી હોય, તોપણ આપણે તેઓ કરતાં અનેક રીતે અજોડ છીએ. જેમ કે, આપણે વિચારી શકીએ છીએ કે આપણી કેવી રીતે રચના થઈ? કઈ રીતે પેદા થયા?’ દાઊદે પણ કદાચ આવા સવાલો પર વિચાર કર્યો હોઈ શકે.
ઈશ્વરે ઇન્સાનમાં પોતાના જેવા ગુણો મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૭) એટલે આપણે તેમના વિચારો પર મનન કરી શકીએ છીએ. પ્રાણીઓ એમ કરી શકતા નથી. દાઊદ હંમેશાં યહોવાહની કરામત પર મનન કરતા. તે દરેક વસ્તુમાં યહોવાહના ગુણો જોઈ શકતા. દાઊદ પાસે બાઇબલના અમુક પુસ્તકો હતાં. એમાં યહોવાહે પોતાની ઓળખ ને પોતાના કામો વિષે જણાવ્યું હતું. એનાથી દાઊદ યહોવાહના ગુણો, તેમના વિચારો, તેમનો સ્વભાવ ને હેતુ જાણી શક્યા. દાઊદે ત્રણ બાબતો પર મનન કર્યું: બાઇબલના અમુક પુસ્તકો, ઈશ્વરની કરામત અને પોતાની સાથે યહોવાહનો વર્તાવ. એનાથી દાઊદને યહોવાહની આરાધના કરવા હોંશ જાગી.
ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો
૧૩૯:૧૭, ૧૮. શું તમને યહોવાહના વિચારો શીખવા ગમે છે? (નીતિવચનો ૨:૧૦) એમ હોય તો આનંદ આપતો એ ઝરો કદી ખૂટશે નહિ. યહોવાહના અમૂલ્ય વિચારો “રેતીના કણ કરતાં વધારે” છે. તેમના વિષે આપણને કાયમ કંઈને કંઈ નવું શીખવા મળશે.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫) ફારૂન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે.
cl-E ૫૯ ¶૩
ઈશ્વરની શક્તિનું આવું ભવ્ય પ્રદર્શન જોયા બાદ, ફારુને પોતાની ફોજને પાછા મિસર જવાનો હુકમ આપવો જોઈતો હતો. પણ, ઘમંડી ફારુને, ઇઝરાયેલીઓ પર હુમલો કરવાનો આદેશ આપ્યો. (નિર્ગમન ૧૪:૨૩) મિસરની ફોજ, તેજીથી ઇઝરાયેલીઓનો પીછો કરતા સમુદ્રની મધ્યે ગઈ, પણ તેઓના રથના પૈડા નીકળવા લાગ્યા અને સિપાઇઓમાં હાહાકાર મચી ગયો. બધા ઇઝરાયેલીઓ સુરક્ષિત રીતે સમુદ્રની પેલે પાર પહોંચ્યા ત્યારે, યહોવાએ મુસાને આજ્ઞા આપી: “તું તારો હાથ સમુદ્ર તરફ લંબાવ, એ માટે કે મિસરીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે.” ફારુન તથા તેની ફોજ પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં અને સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો.—નિર્ગમન ૧૪:૨૪-૨૮; ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫.
it-1-E ૭૮૩ ¶૫
નિર્ગમન
પોતાની શક્તિના ભવ્ય પ્રદર્શન દ્વારા યહોવાએ પોતાનું નામ ઊંચું કર્યું અને ઇઝરાયેલના લોકોને મિસરમાંથી છોડાવ્યા. સુરક્ષિત રીતે લાલ સમુદ્રના પૂર્વ કિનારે પહોંચીને, ઇઝરાયેલનાં પુત્રો સાથે યહોવાની પ્રશંસાનાં ગીતો ગાવામાં, મુસાએ આગેવાની લીધી. અને એમની બહેન, મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું અને સર્વ સ્ત્રીઓ, પુરુષોના ગીતોની ધૂનમાં, ડફ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. (નિર્ગ ૧૫:૧, ૨૦, ૨૧) આમ, સંપૂર્ણ રીતે, ઇઝરાયેલના લોકોને પોતાના દુશ્મનથી છુટકારો મળ્યો. જ્યારથી તેઓ મિસરમાંથી નીકળ્યા હતા, કોઈ પણ મનુષ્ય કે જાનવર તેમને હાનિ કરી શક્યા ન હતા. અરે, તેમની સામે કોઈ કૂતરો સરખો પણ જીભ હલાવી ન શક્યો. (નિર્ગ ૧૧:૭) એ ખરું છે કે નિર્ગમનનો વૃતાંત જણાવતો નથી કે ફારુન પોતાની ફોજ સાથે લાલ સમુદ્રમાં ગયો, પણ ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫ કહે છે કે યહોવાએ ‘ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાંખ્યા.’
(ગીતશાસ્ત્ર ૧૪૧:૫) ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે; તથાપિ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ
એવી વ્યક્તિને સારા માર્ગે પાછી વાળવા પ્રેમ બતાવવાની સાથે સાથે કડક પગલાં લેવાની જરૂર પડી શકે. રાજા દાઊદે લખ્યું: ‘ન્યાયી માણસ મને ફટકા મારે તો એ હું કૃપા સમજીશ. તે મને ઠપકો દે, તો એ મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે.’ (ગીત. ૧૪૧:૫) એ સમજવા એક દાખલો લઈએ: જમતાં જમતાં એક વ્યક્તિના ગળામાં ખાવાનું ફસાઈ જાય છે અને તેનો શ્વાસ રૂંધાવા લાગે છે. તે બોલી પણ શકતી નથી. જો તેને તરત કોઈ મદદ નહિ કરે તો તેનો જીવ જોખમમાં આવી શકે. તેથી, તેનો એક મિત્ર મદદે આવતા એ વ્યક્તિની પીઠ પર જોરથી થાપટો મારે છે. એ થાપટો વ્યક્તિને થોડી-ઘણી વાગશે, પણ એનાથી તેનો જીવ બચી શકે છે. દાઊદે પણ પારખ્યું કે, તેમના ભલા માટે ન્યાયી વ્યક્તિ જો શિસ્ત આપે તો એ જરૂરી છે. પછી ભલે, એ થોડી કડક કેમ ન હોય!
સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૪૨-૧૫૦
“યહોવા મહાન છે અને તે જ ભક્તિના હકદાર છે”
(ગીતશાસ્ત્ર ૧૪૫:૧-૯) હે મારા ઈશ્વર, મારા રાજા, હું તને મોટો માનીશ; સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. ૨ દરરોજ હું તને સ્તુત્ય માનીશ; સદા હું તારા નામની સ્તુતિ કરીશ. ૩ યહોવા મોટો અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેનું માહાત્મ્ય અગમ્ય છે. ૪ પેઢી દરપેઢી તારાં કામનાં વખાણ થશે, અને તારા પરાક્રમનાં કૃત્યો પ્રગટ કરવામાં આવશે. ૫ તારા ગૌરવના મહત્વની શોભાનું તથા તારાં આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. ૬ લોકો તારાં ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તારું માહાત્મ્ય વર્ણવીશ. ૭ તેઓ તારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે, અને તારા ન્યાયીપણા વિશે ગાયન કરશે. ૮ યહોવા કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે. ૯ યહોવા સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.
યહોવાહની શક્તિનો કોઈ પાર નથી
‘હું યહોવાહને મોટા માનીશ’
યહોવાહે પોતે દાઊદને રાજા બનાવ્યા હતા. પરંતુ, દાઊદ માનતા હતા કે યહોવાહ જ ઈસ્રાએલના ખરા રાજા છે. તેથી તેમણે કહ્યું: “હે યહોવાહ, રાજ્ય તારૂં છે, ને સર્વોપરી અધિકાર પણ તારો છે.” (૧ કાળવૃત્તાંત ૨૯:૧૧) વળી, દાઊદ રાજાની દિલની તમન્ના હતી કે તે યહોવાહની સ્તુતિ કરતા રહે. એટલે તેમણે કહ્યું: “હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ; સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ; સદા હું તારા નામની સ્તુતિ કરીશ.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧, ૨.
જોકે શેતાન માનતો હતો કે, યહોવાહ સ્વાર્થી છે અને તે આપણાથી સારી સારી ચીજો સંતાડી રાખે છે. (ઉત્પત્તિ ૩:૧-૫) વળી, શેતાને ટોણો માર્યો કે આપણને યહોવાહ માટે પ્રેમ નથી. આપણે તો લાલચું છીએ, એટલે જ તેમની ભક્તિ કરીએ છીએ. (અયૂબ ૧:૯-૧૧; ૨:૪, ૫) પરંતુ, ગીતશાસ્ત્ર ૧૪૫ શેતાનને જૂઠો સાબિત કરે છે. આજે યહોવાહના લાખો ભક્તો પણ શેતાનને જૂઠો ઠરાવે છે. આપણે સ્વાર્થી નથી, પણ યહોવાહના પ્રેમી છીએ. આપણે યહોવાહને પોતાની મરજીથી ભજીએ છીએ. એટલે આપણે ઈસુના બલિદાનમાં પૂરો ભરોસો મૂકીને, દરેક રીતે યહોવાહની આજ્ઞાઓ પાળવા બનતી બધી મહેનત કરીએ છીએ. ચોક્કસ, આપણે આશા રાખીએ છીએ કે આપણે હંમેશ માટે યહોવાહના રાજ્યમાં જીવીશું. આમ, આપણે સદા માટે યહોવાહની સ્તુતિ કરી શકીશું.—રૂમીઓને પત્ર ૫:૮; ૧ યોહાન ૫:૩.
યહોવાહની શક્તિનો કોઈ પાર નથી
‘યહોવાહ મહાન છે!’
દાઊદ રાજા કહે છે: ‘યહોવાહ મહાન છે! તેમની સ્તુતિ કરો. તેમની મહાનતાનો તાગ પામી [માપી] શકાય એમ નથી!’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૩, IBSI) ખરેખર, આપણે કદીયે પૂરેપૂરી રીતે જાણી શકીશું નહિ કે યહોવાહ કેટલા મહાન છે! પરંતુ, આપણે તેમની મહાનતાનાં અમુક ઉદાહરણો વિષે ચોક્કસ જાણી શકીએ.
શું રાતે આકાશમાં જાણે તારાઓની બિછાવેલી ચાદર તમે જોઈ છે? તમને કેવું લાગ્યું હતું? ખરેખર, તમારું મન ઝૂમી ઊઠ્યું હશે, અને તમે યહોવાહની સ્તુતિ કરવા લાગ્યા હશો. પરંતુ, આપણને દેખાય છે, એટલા તારાઓ તો કંઈ જ નથી. ટેલિસ્કોપની મદદથી થોડા વધારે તારાઓ જોઈ શકાય છે. પણ વિશ્વમાં એવા તો અબજો ને અબજો તારાઓ છે. શું આ બતાવી આપતું નથી કે યહોવાહ બહુ જ શક્તિશાળી અને મહાન છે?—યશાયાહ ૪૦:૨૬.
યહોવાહની શક્તિનો કોઈ પાર નથી
યહોવાહ કેવા છે?
આપણે ગીતશાસ્ત્ર ૧૪૫:૧-૬માં જોઈ ગયા કે યહોવાહ કેટલા મહાન છે. હવે આપણે ૭-૯ કલમોમાં યહોવાહના સુંદર ગુણો જોઈએ. દાઊદે કહ્યું: “તેઓ તારા પુષ્કળ પરોપકારનું [ભલાઈનું] સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે, અને તારા ન્યાયીપણા વિષે ગાયન કરશે. યહોવાહ કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.”
કપટી શેતાને યહોવાહ વિષે લોકોના મનમાં શંકાનાં બી વાવ્યા છે. પરંતુ, દાઊદે યહોવાહની ભલાઈ અને ન્યાયીપણા વિષે વાત કરી. આ જાણીને આપણને કેવું લાગે છે? યહોવાહ ભલાઈથી રાજ ચલાવે છે. તેથી, આપણે રાજી રાજી થઈને લોકોને તેમના વિષે જણાવતા થાકતા નથી. વળી, આપણને ખબર છે કે યહોવાહ દરિયા જેવા દિલથી ભલાઈ બતાવે છે. આપણી તમન્ના છે કે લાખો ને લાખો લોકો પસ્તાવો કરીને યહોવાહના ભક્તો બને અને તેમની ભલાઈનો અનુભવ કરે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૫-૧૭.
યહોવાહ પ્રેમથી ભરપૂર છે
યહોવાહ આપણા પર બહુ જ પ્રેમ રાખે છે. એવા પ્રેમ માટે મૂળ હેબ્રી ભાષામાં અતૂટ પ્રેમ કે અપાર પ્રીતિ જેવા શબ્દો વપરાય છે. રાજા દાઊદને યહોવાહના અતૂટ પ્રેમનો સારો અનુભવ હતો. તે યહોવાહને દિલોજાનથી ચાહતા હતા. તેમણે પોતાનો અને બીજાઓનો અનુભવ જોઈને કહ્યું: ‘યહોવાહ પ્રેમથી ભરપૂર છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૮, IBSI.
(ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૩) હે યહોવા, તારાં સર્વ કામ તારો આભાર માનશે; અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. ૧૧ તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે; ૧૨ એથી માણસો તેનાં પરાક્રમી કામ, તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે. ૧૩ તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દરપેઢી ટકી રહે છે.
યહોવાહ પ્રેમથી ભરપૂર છે
યહોવાહના ભક્તો કોણ છે?
શમૂએલની મા, હાન્નાહે યહોવાહ વિષે કહ્યું હતું: “તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે.” (૧ શમૂએલ ૨:૯) આજે યહોવાહના ‘ભક્તો’ કોણ છે? રાજા દાઊદ યહોવાહની સ્તુતિ કરીને જવાબ આપે છે: ‘તારા ભક્તો [વફાદાર લોકો] તારી સ્તુતિ કરશે.’ યહોવાહના ભક્તો હંમેશાં યહોવાહ વિષે સારું બોલે છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦.
આપણે લોકોને પૂરા ઉમંગથી યહોવાહ વિષે જણાવીએ છીએ. મિટિંગોમાં ભેગા મળીને પણ યહોવાહ વિષે વાતો કરીએ છીએ. આપણે ગમે ત્યાં હોઈએ, યહોવાહ અને તેમના રાજ્ય વિષે લોકોને જણાવીએ છીએ. ખરેખર, યહોવાહના ભક્તો દાઊદની જેમ કહે છે: ‘તેઓ તારા [યહોવાહના] રાજ્યના ગૌરવ વિષે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૧.
આપણે યહોવાહની વાતો કરીએ ત્યારે શું તે સાંભળે છે? હા, ચોક્કસ. આપણા વિષે માલાખીએ લખ્યું: “ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજૂરમાં લખવામાં આવ્યું.” (માલાખી ૩:૧૬) આપણને તેમના વિષે વાતો કરતા સાંભળીને, યહોવાહ ખૂબ ખુશ થાય છે! તેથી તે આપણને કદી ભૂલશે નહિ.
આજે યહોવાહના ભક્તો લોકોને હિંમતથી તેમના વિષે જણાવે છે. આ રીતે બધા “માણસો તેનાં પરાક્રમી કામ, તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિષે જાણશે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૨) તેથી, આપણે વિચાર કરવાનો છે કે, ‘શું હું યહોવાહ અને તેમના રાજ્ય વિષે દરેક તકે વાત કરું છું?’ યહોવાહનું રાજ્ય કંઈ માનવ સરકાર જેવું નથી. (૧ તીમોથી ૧:૧૭) દાઊદ રાજાએ કહ્યું કે “તારૂં રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દરપેઢી ટકી રહે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૩) તેથી ચાલો આપણે બને એટલા લોકોને જલદીથી જણાવીએ કે તેઓ પણ યહોવાહના રાજ્યના નાગરિકો બને. જેથી તેઓ પણ હંમેશ માટે યહોવાહની સ્તુતિ કરી શકે.
(ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪-૧૬) સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે, અને સર્વ દબાઇ રહેલાઓને તે ઊભા કરે છે. ૧૫ સર્વની દૃષ્ટિ તારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તું તેઓને અન્ન આપે છે. ૧૬ તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.
યહોવાહ પ્રેમથી ભરપૂર છે
ખરું કે અમુક નેતાઓ પોતાની પ્રજાનું ભલું કરવા માંગે છે. પરંતુ, તેઓ કદી લોકોના સુખ-દુઃખ સારી રીતે સમજી શકશે નહિ. તો પછી, શું કોઈ પણ એવો નેતા છે કે જે દરેકની સંભાળ રાખી શકે? શું તે લોકોનો પોકાર સાંભળીને તરત જ મદદ કરશે? દાઊદે લખ્યું: “સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે, અને સર્વ દબાઇ રહેલાઓને તે ઊભા કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) ખરેખર, પરમેશ્વર યહોવાહ જ એ નેતા કે રાજા છે.
આજે આપણા પર ઘણી જ આફતો આવી પડે છે, કેમ કે આપણે બધા અપૂર્ણ છીએ. વળી, આપણે શેતાનના દુષ્ટ જગતમાં રહીએ છીએ. (૧ યોહાન ૫:૧૯; ગીતશાસ્ત્ર ૩૪:૧૯) આપણે સતાવણી સહીએ છીએ. ઘણા બીમારીની ચક્કીમાં પિસાઈ રહ્યા છે. વળી, અમુક પાસેથી મરણે વહાલાઓને ખૂંચવી લીધા છે. કોઈક વાર પોતાની ભૂલને લીધે, ‘હાથના કર્યા હૈયે વાગે’ છે. પરંતુ, યહોવાહ અને ઈસુ હંમેશાં આપણી સાથે જ રહીને દિલાસો અને શક્તિ આપે છે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
જીવનને સંતોષ આપતો ખોરાક
અપાર પ્રેમના લીધે યહોવાહ તેમના ભક્તોને સર્વ જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. રાજા દાઊદે લખ્યું: “સર્વની દૃષ્ટિ તારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તું તેઓને અન્ન આપે છે. તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫, ૧૬) ઘણી વખત મુશ્કેલીઓનો પાર હોતો નથી તોપણ, યહોવાહે આપણને ‘દિવસની રોટલી’ પૂરી પાડી છે.—લુક ૧૧:૩; ૧૨:૨૯, ૩૦.
દાઊદે ‘સર્વ સજીવોની ઇચ્છા’ પૂરી કરવાની વાત કરી. એમાં પશુ, પંખી, પ્રાણી અને માછલીઓ પણ આવી જાય છે. જો યહોવાહે આ ધરતી પર શાકભાજી અને વનસ્પતિઓ ન ઉગાડી હોત તો, એ બધાનું શું થાત? વનસ્પતિ વગર આપણને ખોરાક ન મળત અને શુદ્ધ હવા પણ ન મળત! (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪) ખરેખર, યહોવાહ આપણો બેલી છે!
જોકે મનુષ્યોને પરમેશ્વરના જ્ઞાનની ભૂખ હોય છે. (માત્થી ૫:૩) યહોવાહ દરેક રીતે આપણી આ ભૂખ સંતોષે છે. ઈસુએ મરણ પહેલાં વચન આપ્યું હતું કે, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ચોક્કસ “વખતસર ખાવાનું” એટલે કે ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. (માત્થી ૨૪:૪૫) આજે પૃથ્વી પર ૧,૪૪,૦૦૦માંથી બાકી રહેલા ચાકર વર્ગ દ્વારા યહોવાહ પુષ્કળ જ્ઞાન આપે છે!
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૧૪૩:૮) મને સવારે તારી કૃપા જણાવ, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવ, કેમ કે હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું.
w૧૦-E ૧/૧૫ ૨૧ ¶૧-૨
દરરોજ ઈશ્વરનો મહિમા કરીએ
ગીતકાર દાઊદે યહોવાને પ્રાર્થના કરી: “મને સવારે તારી કૃપા જણાવ” અને કહ્યું કે “જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવ.” (ગીત. ૧૪૩:૮) જ્યારે સવારે તમે ઊઠો છો ત્યારે યહોવાને પ્રાર્થનામાં ધન્યવાદ કહો છો કે તમને એક નવો દિવસ જીવવાનો મોકો મળ્યો. શું ત્યારે તમે દાઊદની જેમ યહોવાને પ્રાર્થનામાં મદદ માંગો છો કે દિવસ દરમિયાનનાં હરેક કામમાં એ તમારું માર્ગદર્શન કરે જેથી તમે સારા નિર્ણયો લઈ શકો? તમે જરૂર એમ કરતાં હશો.
યહોવાના એક સમર્પિત સેવક તરીકે આપણે, ‘ખાઈએ કે પીએ, કે જે કંઈ કરીએ’ આપણે હંમેશાં પ્રયત્ન કરીએ કે ‘ઈશ્વરના મહિમાને માટે કરીએ.’ (૧ કોરીં. ૧૦:૩૧) આપણે સારી રીતે જાણીએ છીએ કે દરરોજ આપણે જે રીતે જીવીએ છીએ એનાથી યહોવાનો મહિમા કે અપમાન કરી શકીએ. બાઇબલમાં જે લખ્યું છે એ પણ યાદ રાખીએ છીએ કે શેતાન, ખ્રિસ્તના ભાઈઓ પર ખરેખર તો, પૃથ્વી પરના બધા જ ઈશ્વરભક્તો પર ‘રાત-દિવસ આરોપ મૂકે છે.’ (પ્રકટી. ૧૨:૧૦) એટલા માટે જ આપણે નિશ્ચય કરી લીધો છે કે આકાશમાંના આપણા પિતા, યહોવાની ‘રાત-દિવસ’ સેવા કરીને તેમના હૃદયને આનંદિત કરીશું અને શેતાનના આરોપોને જૂઠા પૂરવાર કરીશું.—પ્રકટી. ૭:૧૫; નીતિ. ૨૭:૧૧.
(ગીતશાસ્ત્ર ૧૫૦:૬) શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો.
it-2-E ૪૪૮
મોઢું
ઈશ્વર દ્વારા (હરેક જીવતા પ્રાણી માટે) બનાવેલું એક અંગ, જેના દ્વારા ખોરાક લેવાય છે અને પેટમાં જવા તૈયાર થાય છે. અને ખાસ કરીને, મનુષ્યો માટે બોલવામાં મદદરૂપ થાય છે. તેથી, દરેક બોલથી ઈશ્વરનો મહિમા થવો જોઈએ. (ગી ૩૪:૧; ૫૧:૧૫; ૭૧:૮; ૧૪૫:૨૧) ગીતકારે કહ્યું કે ‘શ્વાસોચ્છ્વાસ લેનાર સર્વ યહોવાનો મહિમા કરશે.’ એટલા માટે જે મનુષ્યો જીવવા ઇચ્છતા હોય, તેઓએ પોતાના મોઢાનો ઉપયોગ યહોવાને મહિમા આપવામાં કરવો જોઈએ. પ્રેરિત પાઊલે સમજાવ્યું કે ઈશ્વરમાં અને તેમના પુત્રમાં શ્રદ્ધા રાખવી કે પૂરા હૃદયથી વિશ્વાસ રાખવો પૂરતું નથી. આની સાથે ઉદ્ધાર માટે જરૂરી છે કે (મોઢાથી) બોલીને, જાહેરમાં પોતાના વિશ્વાસની સાક્ષી આપીએ.—ગી ૧૫૦:૬; રોમ ૧૦:૧૦.
‘જાગૃત રહીને પ્રાર્થના કરીએ’
પ્રાર્થનામાં યહોવાની સ્તુતિ કરવાનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, તેમનાં “પરાક્રમી કૃત્યો” અને અઢળક ‘મહાનતા’ વિશે વિચાર કરીને તેમની સ્તુતિ કરવાની પ્રેરણા મળે છે. (ગીતશાસ્ત્ર ૧૫૦:૧-૬ વાંચો.) ગીતશાસ્ત્રના ૧૫૦મા અધ્યાયની બધી કલમોમાં કુલ ૧૩ વાર યહોવાની સ્તુતિ કરવા વિશે લખ્યું છે. બીજા એક ઈશ્વરભક્તે યહોવા પ્રત્યે પ્રેમ બતાવતા ગીત ગાયું કે ‘હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.’ (ગીત. ૧૧૯:૧૬૪) સ્તુતિ તો ફક્ત યહોવાની જ થવી જોઈએ. તેથી, આપણે પ્રાર્થનામાં “રોજ સાત વાર” એટલે કે વારંવાર તેમની સ્તુતિ કરવી જોઈએ.
યહોવાહની કૃપા પામીએ, અમર જીવીએ
યહોવાહની ભક્તિમાં બીજું શું મહત્ત્વનું છે? એ છે આપણી વાણી. જેઓને યહોવાહ માટે પ્રેમ છે તેઓ હંમેશાં જાહેરમાં અને પોતાના ઘરમાં તેમના ગુણગાન ગાય છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧-૩ વાંચો.) ગીતશાસ્ત્ર ૧૪૮–૧૫૦ વાંચો અને જુઓ કે એમાં યહોવાહના ગુણગાન ગાવા કેટલું ઉત્તેજન આપ્યું છે. તેથી ‘નેક જનો સ્તુતિ કરે તે ઘટિત છે.’ (ગીત. ૩૩:૧) ઈશ્વરનો સંદેશો જણાવવા વિષે ઈસુએ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. એનાથી તેમણે યહોવાહને મહિમા આપ્યો.—લુક ૪:૧૮, ૪૩, ૪૪.