યહોશુઆ
૧ હવે યહોવાના* સેવક મૂસાનું મરણ થયું હતું. યહોવાએ નૂનના દીકરા, મૂસાના સેવક+ યહોશુઆને* કહ્યું:+ ૨ “મારો સેવક મૂસા મરણ પામ્યો છે.+ હવે તું અને આ બધા લોકો ઊઠો. યર્દન નદી પાર કરો અને ઇઝરાયેલીઓને જે દેશ હું આપું છું, એમાં જાઓ.+ ૩ મેં મૂસાને વચન આપ્યું હતું તેમ, તમે જે જે જગ્યાએ તમારો પગ મૂકશો એ હું તમને આપીશ.+ ૪ તમારો વિસ્તાર વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી હશે. મોટી નદી યુફ્રેટિસ* સુધી (જે આખો વિસ્તાર હિત્તીઓનો છે)+ અને પશ્ચિમે* મોટા સમુદ્ર* સુધી એ ફેલાશે.+ ૫ તું જીવશે ત્યાં સુધી તારી સામે કોઈ ટકી શકશે નહિ.+ હું જેમ મૂસા સાથે હતો, તેમ તારી સાથે પણ રહીશ.+ હું તને ત્યજી દઈશ નહિ કે છોડી દઈશ નહિ.+ ૬ હિંમતવાન અને બળવાન થા.+ તું જ આ લોકોને એ દેશનો વારસો અપાવીશ, જે આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+
૭ “તું હિંમતવાન અને ખૂબ બળવાન થા. મારા સેવક મૂસાએ તને જે નિયમો* આપ્યા છે, એ તું ધ્યાનથી પાળજે. એનાથી ડાબે કે જમણે ફંટાતો નહિ,+ જેથી તું જ્યાં પણ જાય ત્યાં સમજદારીથી વર્તી શકે.+ ૮ આ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ.+ તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે.+ એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.+ ૯ હું તને ફરીથી આજ્ઞા આપું છું, હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ, કેમ કે તું જ્યાં પણ જઈશ, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે હશે.”+
૧૦ યહોશુઆએ લોકોના અધિકારીઓને આજ્ઞા આપી: ૧૧ “છાવણીમાં ફરીને લોકોને આદેશ આપો, ‘તમારા માટે ખાવા-પીવાની પૂરતી વસ્તુઓ તૈયાર રાખો. તમે ત્રણ દિવસમાં યર્દન નદી પાર કરો અને જે દેશ યહોવાએ તમને રહેવા આપ્યો છે એમાં જાઓ.+ તમે એનો કબજો મેળવો.’”
૧૨ યહોશુઆએ રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને કહ્યું: ૧૩ “યહોવાના સેવક મૂસાએ જે આજ્ઞા આપી હતી+ એ યાદ કરો: ‘તમારા ઈશ્વર યહોવાએ તમને શાંતિ આપી છે* અને તમને આ દેશ આપ્યો છે. ૧૪ મૂસાએ તમને યર્દનની આ તરફ* જે દેશ આપ્યો છે, એમાં તમારી પત્નીઓ, તમારાં બાળકો અને ઢોરઢાંક રહેશે.+ પણ તમે બધા પરાક્રમી યોદ્ધાઓ+ અલગ અલગ ટુકડીઓ બનાવીને પોતાના ભાઈઓની આગળ નદી પાર કરો.+ તમે તેઓને મદદ કરો. ૧૫ યહોવાએ તમને શાંતિ આપી તેમ, તે તમારા ભાઈઓને શાંતિ આપે ત્યાં સુધી તેઓને મદદ કરો. યહોવા તમારો ઈશ્વર તેઓને જે દેશ આપશે એનો કબજો તેઓ લઈ લે ત્યાં સુધી મદદ કરો. પછી તમે પાછા ફરીને તમારા દેશમાં રહેજો, જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પૂર્વ તરફ આપ્યો છે.’”+
૧૬ તેઓએ યહોશુઆને જવાબ આપ્યો: “અમે તમારી બધી આજ્ઞાઓ પાળીશું અને તમે જ્યાં મોકલશો ત્યાં જઈશું.+ ૧૭ જેમ અમે મૂસાનું બધું સાંભળ્યું હતું, તેમ તમારું પણ સાંભળીશું. એટલું જ કે યહોવા તમારા ઈશ્વર જેમ મૂસા સાથે હતા, તેમ તમારી સાથે રહે.+ ૧૮ જે માણસ તમારા હુકમની સામે થશે અને તમે આપેલી દરેક આજ્ઞા નહિ પાળે, તેને મારી નાખવામાં આવશે.+ બસ, તમે હિંમતવાન અને બળવાન થાઓ.”+