“હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!”
“હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭.
૧, ૨. (ક) ગીતશાસ્ત્ર ૧૧૯ રચનાર કવિનું જીવન કેવું હતું? (ખ) કવિએ એવા સંજોગોમાં શું કર્યું? તેમણે શા માટે એમ કર્યું?
ગીતશાસ્ત્રનો ૧૧૯મો અધ્યાય લખનાર કવિએ જીવનમાં ઘણું દુઃખ સહ્યું હતું. એ ઈશ્વરભક્તના દુશ્મનો પરમેશ્વરમાં માનતા ન હતા. એટલે તેમની મજાક ઉડાવતા. મશ્કરી કરતા. રાજકુંવરોએ તો તેમની વિરુદ્ધ કાવતરાં કર્યાં. સતાવણી કરી. દુષ્ટોએ તેમનું જીવવું હરામ કરી નાખ્યું. અરે, તેમને મારી નાખવાની ધમકી પણ આપી. એ કવિનો ‘જીવ શોકથી પીગળતો’ હતો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯, ૨૩, ૨૮, ૫૧, ૬૧, ૬૯, ૮૫, ૮૭, ૧૬૧) તોપણ, તેમણે દિલથી યહોવાહને કહ્યું કે “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭.
૨ આપણને થશે કે ‘પરમેશ્વરના નિયમો પર પ્રેમ રાખવાથી કવિને કઈ રીતે મદદ મળી હશે?’ કવિને પૂરો ભરોસો હતો કે યહોવાહ તેમનું રક્ષણ કરશે. દુશ્મનો તેમના પર એક પછી એક દુઃખો લાવ્યા. તોપણ કવિ યહોવાહના નિયમને વળગી રહ્યા. એટલે તેમને યહોવાહના આશીર્વાદો મળ્યા. યહોવાહે તેમની સંભાળ રાખી. કવિ પોતાના દુશ્મનોથી વધારે અનુભવી બન્યા. તેમનું જીવન બચી ગયું. મનની શાંતિ મળી. યહોવાહ સામે તેમનું દિલ સાફ હતું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧, ૯, ૬૫, ૯૩, ૯૮, ૧૬૫.
૩. શા માટે આજે પરમેશ્વરના નિયમો પ્રમાણે જીવવું મુશ્કેલ છે?
૩ કવિની જેમ આજે આપણી પણ કસોટી થઈ શકે. કદાચ આપણને મારી નાખવાની કોઈ ધમકી ન આપે. પણ આપણે ‘છેલ્લા સમયના સંકટના વખતોમાં’ જીવીએ છીએ. તેથી, આપણે એવા લોકો સાથે રહેવું પડે છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલતા નથી. તેઓ મન ફાવે એમ જીવે છે. ધનદોલત પાછળ દોડે છે. તેઓનો સ્વભાવ તીખો હોય છે. અને તેઓને બીજાઓની કંઈ પડી નથી. (૨ તીમોથી ૩:૧-૫) આજના જમાનામાં જુવાનિયાં માટે પરમેશ્વરના નિયમો પ્રમાણે જીવવું ઘણું મુશ્કેલ છે. તો પછી યહોવાહને માર્ગે ચાલતા રહેવા આપણને શું મદદ કરી શકે?
૪. કવિએ પરમેશ્વરના નિયમોની કઈ રીતે કદર કરી? આપણે પણ કઈ રીતે એમ જ કરી શકીએ?
૪ ૧૧૯મા ગીતના કવિને કઈ રીતે કસોટીમાં ટકી રહેવા મદદ મળી? તે યહોવાહના નિયમો વારંવાર વાંચતા, વિચારતા, એના પર મનન કરતા. તેમને પરમેશ્વરના નિયમો માટે બહુ પ્રેમ હતો, એટલે ૧૧૯મા ગીતની લગભગ દરેક કડીમાં એનું કોઈક પાસું જોવા મળે છે.a એ નિયમો યહોવાહે ઈસ્રાએલને મુસા દ્વારા આપ્યા હતા. ખરું કે આપણે એ નિયમોથી બંધાયેલા નથી. તોપણ એના સિદ્ધાંતો આપણને ઘણું શીખવે છે. (કોલોસી ૨:૧૪) એ સિદ્ધાંતોને કારણે કવિને કસોટીમાં ટકી રહેવા મદદ મળી હતી. આજે આપણને પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. એમાં ટકી રહેવા આપણને એ નિયમના સિદ્ધાંતો ઘણી મદદ કરી શકે છે.
૫. કયા ત્રણ નિયમોની આપણે ચર્ચા કરીશું?
૫ ચાલો આપણે ત્રણ નિયમોનો વિચાર કરીએ. એમાંથી આપણા ભલા માટે શીખીએ. સાબ્બાથ પાળવાનો નિયમ, કાપણી વિષેનો નિયમ અને લોભી ન બનવાનો નિયમ. આપણે જોઈશું કે એ નિયમોના સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી, આજે પણ આપણને મુશ્કેલીઓમાં કઈ રીતે મદદ મળી શકે છે.
યહોવાહ સુખનો રસ્તો બતાવે છે
૬. દરેકને જીવવા માટે શાની જરૂર છે? પણ ખરેખર સુખી થવા બીજા શાની જરૂર છે?
૬ દરેકને જીવવા માટે રોટી-કપડાં અને મકાનની જરૂર છે. તંદુરસ્ત રહેવા માટે સારું ખાવા-પીવાની જરૂર છે. દરેકને એક સારા ઘરની જરૂર છે. શું એટલું જ બસ છે? ના! જીવનમાં ખરેખર સુખી થવા માટે ઈશ્વરની ભક્તિ કરવાની જરૂર છે. (માત્થી ૫:૩) યહોવાહ એ જાણતા હતા. એટલે જ તેમણે પોતાના લોકોને નિયમ આપ્યો કે અઠવાડિયામાં એક દિવસ ભક્તિને માટે રાખવો. એ દિવસ સાબ્બાથ કહેવાતો.
૭, ૮. (ક) સાબ્બાથનો દિવસ બીજા દિવસોથી કઈ રીતે અલગ હતો? (ખ) સાબ્બાથનો દિવસ શા માટે રાખવામાં આવ્યો હતો?
૭ સાબ્બાથના નિયમ પરથી શું જોઈ શકાય છે? એ જ કે યહોવાહની તન-મનથી ભક્તિ કરવા માટે તેમના વિષે વાંચવા, વિચારવા ને મનન કરવા સમય કાઢવાની જરૂર હતી. બાઇબલમાં પહેલી વાર “સાબ્બાથ” શબ્દ ક્યારે જોવા મળે છે? એ સમયે જ્યારે ઈસ્રાએલી લોકો અરણ્યમાં હતા. યહોવાહ તેઓને ચમત્કારથી ખોરાક આપવાના હતા. લોકોએ એનું નામ માન્ના પાડ્યું. તેઓએ દરરોજ ચાલે એટલું જ માન્ના ભેગું કરવાનું હતું. પણ દર છઠ્ઠા દિવસે “બે દિવસનું અન્ન” કે માન્ના ભેગું કરવાનું હતું. શા માટે? કેમ કે સાતમો દિવસ “યહોવાહનો પવિત્ર સાબ્બાથ” હતો. એ દિવસે તેઓને પોતાના તંબુમાંથી, ઘરમાંથી બહાર જવાની મનાઈ હતી. (નિર્ગમન ૧૬:૧૩-૩૦) દસ આજ્ઞામાંથી એક આજ્ઞા હતી કે સાબ્બાથના દિવસે કંઈ કામ ન કરવું. એ દિવસ પવિત્ર હતો. જો કોઈ એ આજ્ઞા ન પાળે, તો તેઓને મોતની સજા થતી.—નિર્ગમન ૨૦:૮-૧૧; ગણના ૧૫:૩૨-૩૬.
૮ એ નિયમ પરથી જોઈ શકીએ છીએ કે યહોવાહ પોતાના લોકોનું ભલું ચાહતા હતા. તેમ જ પોતાની સાથે લોકોનો નાતો પાકો થાય એવું ચાહતા હતા. વર્ષો બાદ ઈસુએ કહ્યું: “વિશ્રામવાર [સાબ્બાથ] માણસના ભલા માટે ઠરાવવામાં આવ્યો હતો.” (માર્ક ૨:૨૭, પ્રેમસંદેશ) એનાથી ઈસ્રાએલીઓને આરામ મળ્યો. સાથે સાથે તેઓ ઈશ્વરની ભક્તિ માટે પણ સમય કાઢી શક્યા. ઈશ્વર માટે પોતાનો પ્રેમ બતાવ્યો. (પુનર્નિયમ ૫:૧૨) સાબ્બાથના દિવસે ઈસ્રાએલીઓ કુટુંબમાં ભેગા મળતા. સાથે મળીને યહોવાહની ભક્તિ કરતા. પ્રાર્થના કરતા. તેમના નિયમો વાંચતા, એના પર વિચારતા. સાબ્બાથના નિયમથી ઈસ્રાએલીઓનું કઈ રીતે રક્ષણ થયું? તેઓ રાત-દિવસ કમાવા પાછળ પડી જતા નહિ. શા માટે નહિ? સાબ્બાથ દિવસ યહોવાહની ભક્તિ માટે જ હતો. એ દિવસ અલગ રાખવાથી તેઓ ખરેખર પારખી શકતા કે યહોવાહની ભક્તિ જ સૌથી મહત્ત્વની છે. એટલે જ વર્ષો પછી ઈસુએ આ નિયમનો સિદ્ધાંત જણાવ્યો: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માત્થી ૪:૪.
૯. આપણે સાબ્બાથની ગોઠવણમાંથી શું શીખી શકીએ?
૯ આજે આપણને સાબ્બાથનો દિવસ પાળવાની જરૂર નથી. પણ એ નિયમ પાછળના સિદ્ધાંતમાંથી આપણે કંઈક શીખી શકીએ. (કોલોસી ૨:૧૬) એ શીખવે છે કે આપણા જીવનની સફરમાં પરમેશ્વરની ભક્તિ ભૂલવી ન જોઈએ. ધન-દોલત, એશઆરામ, મનોરંજન પાછળ બધો જ સમય બગાડવો નકામો છે. યહોવાહના સાથ વિનાની જિંદગી કેવી? એટલે આપણે કદીયે તેમની ભક્તિમાં ઠંડા ન પડીએ. (હેબ્રી ૪:૯, ૧૦) આપણે પોતાને પૂછીએ કે ‘મારું જીવન શું બતાવે છે? હું કેવી રીતે જીવું છું? શું મારા જીવનમાં યહોવાહ પહેલા છે, કે પછી બીજું કંઈ? બાઇબલ વાંચવું, મનન કરવું, દિલથી પ્રાર્થના કરવી, હોંશથી પ્રચાર કરવો, એકેય મિટિંગ ન ચૂકવી, આ મારું જીવન છે? કે પછી બીજી બાબતોને લીધે યહોવાહ માટે સમય નથી?’ ચાલો આપણે યહોવાહનો સાથ કદીયે ન છોડીએ. તે જ પહેલા પછી બીજું બધું. એમ કરીશું તો, યહોવાહ પણ કદીયે આપણો સાથ નહિ છોડે.—માત્થી ૬:૨૪-૩૩.
૧૦. યહોવાહની ભક્તિ કરવામાં સમય કાઢીશું તો શું થશે?
૧૦ જિંદગીભર યહોવાહની નજીક રહેવા, તેમને વળગી રહેવા આપણને શું મદદ કરશે? આપણે બાઇબલ વાંચીએ. એના વિષેનાં આપણાં પુસ્તકો વાંચીએ. મનન કરીએ. એ પ્રમાણે જીવીએ. (યાકૂબ ૪:૮) સુઝન નામે એક બહેન છેલ્લાં ૪૦ વર્ષોથી એ પ્રમાણે કરવા સમય કાઢે છે. તે દિલની વાત કહે છે: ‘શરૂઆતમાં તો મને બાઇબલ ને પુસ્તકો વાંચવા, એના પર વિચારવાનું ગમતું ન હતું. બહુ કંટાળો આવતો. પણ હવે વધારે ને વધારે શીખવાનું મન થાય છે. જો એમ ન કરું તો મને ચેન પડતું નથી. બાઇબલની મદદથી હું યહોવાહને સારી રીતે ઓળખી શકી છું. તેમના પર દિલોજાનથી ભરોસો રાખું છું. ખુલ્લા દિલથી પ્રાર્થના કરું છું. નાની-મોટી બધી વાતો કરી શકું છું. યહોવાહ પ્રેમના સાગર છે, આપણને કેટલું ચાહે છે! તે આપણી સંભાળ રાખે છે. મદદ કરે છે.’ ચાલો આપણે પણ હંમેશાં યહોવાહની ભક્તિ કરીને, એ બહેનની જેમ યહોવાહનો પ્રેમ અનુભવીએ!
કાપણી વિષે ઈશ્વરનો નિયમ
૧૧. કાપણી વિષે યહોવાહે કેવી ગોઠવણ કરી હતી?
૧૧ મુસાના નિયમમાં બીજો એક નિયમ એ હતો કે કાપણી વખતે ખેતરમાં થોડો પાક રહેવા દેવો. આ નિયમમાં પણ ઈશ્વરનો પોતાના લોકો માટેનો પ્રેમ દેખાઈ આવે છે. કઈ રીતે? યહોવાહે આજ્ઞા આપી કે ઈસ્રાએલીઓ ફસલ કાપે ત્યારે, ગરીબ કે પરદેશીઓ માટે થોડું રહેવા દે. ખેડૂતોએ ખેતરના છેડાઓએ થોડી ફસલ રહેવા દેવાની હતી. ખરી પડેલી દ્રાક્ષ અથવા જેતુન કે ઓલિવ વીણી લેવાના ન હતા. ખેતરમાં અજાણે પડી ગયેલા પૂળા રહેવા દેવાના હતા. એનાથી ગરીબો, મુસાફરો, વિધવા અને અનાથના જીવનનું ગાડું ચાલ્યા કરે. ખરું કે તેઓએ એ બધું ભેગું કરવું પડતું. પણ તેઓએ કદીયે ભીખ માંગવી ન પડતી.—લેવીય ૧૯:૯, ૧૦; પુનર્નિયમ ૨૪:૧૯-૨૨; ગીતશાસ્ત્ર ૩૭:૨૫.
૧૨. કાપણીને સમયે અમુક ભાગ રહેવા દેવાની ગોઠવણથી ખેડૂતો શું બતાવી શકતા?
૧૨ કાપણી વખતે કેટલું રહેવા દેવું, એનો કોઈ ખાસ નિયમ ન હતો. એ તો ખેડૂતોએ નક્કી કરવાનું હતું કે ખેતરના છેડાની કેટલી જગ્યાએ કાપણી ન કરવી. આ ગોઠવણથી યહોવાહે લોકોને ઉદાર બનતા શીખવ્યું. આ રીતે તેઓ પોતાના અન્નદાતા, યહોવાહની કદર બતાવતા હતા, કેમ કે ‘દરિદ્રી ઉપર દયા રાખનાર ઈશ્વરને માન આપે છે.’ (નીતિવચનો ૧૪:૩૧) બોઆઝનો દાખલો લો. તેમણે પ્રેમથી વિધવા રૂથને પોતાના ખેતરમાંથી કણસલાં વીણવા દીધાં. અરે, તેના માટે પૂળીઓમાંથી ખેંચી કાઢીને કણસલાં પડતા રહેવા દીધાં. બોઆઝની ઉદારતાને લીધે યહોવાહે તેના પર આશીર્વાદ વરસાવ્યો.—રૂથ ૨:૧૫, ૧૬; ૪:૨૧, ૨૨; નીતિવચનો ૧૯:૧૭.
૧૩. કાપણી વિષેના નિયમમાંથી આપણે શું શીખીએ છીએ?
૧૩ કાપણી વિષેના એ નિયમ પાછળનો સિદ્ધાંત આજે પણ બદલાયો નથી. યહોવાહ ચાહે છે કે મદદની જરૂર હોય એવા લોકોને આપણે ખુલ્લા હાથે મદદ કરીએ. આપણે જેટલા વધારે ઉદાર બનીશું, એટલા આશીર્વાદ પણ મળશે. ઈસુએ પણ કહ્યું કે “આપો ને તમને અપાશે; સારૂં માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”—લુક ૬:૩૮.
૧૪, ૧૫. આપણે કઈ કઈ રીતે ઉદાર બની શકીએ? એનાથી આપણને અને મદદ કરીએ છીએ તેઓને કયા આશીર્વાદો મળશે?
૧૪ ઈશ્વરભક્ત પાઊલે આ સલાહ આપી: “આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) જેમ કે આપણા કોઈ ભાઈ કે બહેનની કસોટી થતી હોય. એ સમયે તેઓને બાઇબલમાંથી ઉત્તેજન અને દિલાસો આપો. રોજ-બ-રોજના કોઈ કામમાં મદદની જરૂર હોઈ શકે. કિંગ્ડમ હૉલ જવા-આવવામાં મદદ જોઈતી હોઈ શકે. અથવા તેઓને બજારમાંથી કંઈક ખરીદવું હોય તો તેઓને એ લાવી આપવા મદદ કરો. પૂરા દિલથી સાથ આપો. શું કોઈ ભાઈ-બહેન બીમારીને લીધે જાણે ઘરમાં જ કેદ થઈ ગયા છે? અથવા કોઈ બા કે દાદા ઘડપણને લીધે ઘર-બહાર જઈ નથી શકતા? તેઓને મળીને અલક-મલકની વાતો કરીએ. હિંમત આપીએ. કે બીજી કોઈ રીતે મદદ કરીએ. એનાથી તમે જાણે તેઓની મદદ માટેની પ્રાર્થનાનો જવાબ બની શકશો. ખરું કે એકબીજાની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. એનાથી આપણને પોતાને પણ ફાયદો થશે. ભાઈ-બહેનો પર દિલથી પ્રેમ રાખીને, તેઓ માટે કંઈક કરવાથી આપણને બહુ ખુશી થાય છે. એનાથી ખાસ તો યહોવાહની કૃપા આપણા પર રહે છે.—નીતિવચનો ૧૫:૨૯.
૧૫ યહોવાહનું સત્ય લોકોને જણાવવા, સમય અને શક્તિ વાપરીને પણ આપણે ઉદાર બનીએ છીએ. (માત્થી ૨૮:૧૯, ૨૦) શું તમે કોઈને યહોવાહના ભક્ત બનવા મદદ કરી છે? જો એમ હોય, તો તમને ઈસુના આ શબ્દોનો અનુભવ થયો હશે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
લોભી ન બનો
૧૬, ૧૭. દસમી આજ્ઞા શું કહે છે? શા માટે?
૧૬ હવે ચાલો ત્રીજો નિયમ જોઈએ. પરમેશ્વરે ઈસ્રાએલીઓને આપેલા નિયમમાંની દસમી આજ્ઞા એ હતી કે લોભ ન રાખો. એ કહે છે: “તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની સ્ત્રી, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.” (નિર્ગમન ૨૦:૧૭) લોભ દિલમાંથી થાય છે. કોઈ પણ બીજાનું દિલ વાંચી શકતા નથી. એટલે આ નિયમ બતાવે છે કે મુસાને આપેલા નિયમો કોઈ માણસે નહિ, પણ પરમેશ્વર જ આપેલા હતા. એ નિયમો બતાવતા હતા કે ઈસ્રાએલીઓએ પોતાના ઈશ્વર યહોવાહને જવાબ આપવાનો હતો. યહોવાહ તો હૃદય પારખે છે, દિલમાં શું છે એ જોઈ શકે છે. (૧ શમૂએલ ૧૬:૭) આ નિયમ ખોટાં કામોનાં મૂળ સુધી પહોંચે છે, જેની ઇચ્છા માણસના દિલમાંથી શરૂ થાય છે.—યાકૂબ ૧:૧૪.
૧૭ લોભ ન રાખવાના નિયમને લીધે પરમેશ્વરના ભક્તોને કઈ રીતે ફાયદો થયો? એનાથી તેઓ ધન-દોલત કમાવા પાછળ ન પડી ગયા. પણ તેઓ પાસે જે કંઈ હતું, એમાં સંતોષ માનતા શીખ્યા. લોભી ન બનવાને લીધે, કોઈ પણ પ્રકારની ચોરી કે વ્યભિચારની લાલચમાં ન પડ્યા. આજે આપણા વિષે શું? ખરું કે ઘણા લોકો પાસે પુષ્કળ માલ-મિલકત છે. તેઓ જીવનમાં સફળ થાય છે. જો આપણે એવા લોકોનો જ વિચાર કરતા રહીશું તો, આપણને તેઓની અદેખાઈ થશે. પણ બાઇબલ કહે છે કે લોભી વ્યક્તિની ‘બુદ્ધિ ભ્રષ્ટ થઈ’ ગઈ છે. આપણે લોભી નહિ બનીએ તો સુખી થઈશું.—રૂમી ૧:૨૮-૩૦.
૧૮. આજે દુનિયાનું વલણ કેવું છે? આપણા પર એની કેવી અસર થઈ શકે છે?
૧૮ આજે દુનિયાના લોકો કોઈ પણ ભોગે પૈસા કમાવા પાછળ પડ્યા છે. બધામાં જ હરીફાઈ ચાલે છે. નવી નવી ચીજ-વસ્તુઓની જાહેરાતો કરવામાં આવે છે. તેઓ જાણે એવો અહેસાસ કરાવે છે કે એના વિના આપણે સુખી નહિ થઈએ. પરંતુ નિયમ પ્રમાણે, યહોવાહ એવું નથી ઇચ્છતા કે આપણે જીવનમાં અસંતોષી થઈ જઈએ. ગમે તે ભોગે સફળ થવા કે પૈસા કમાવાની ઇચ્છા રાખીએ. ઈશ્વરભક્ત પાઊલે સલાહ આપી: ‘જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણા મૂર્ખ તથા નાશકારક માર્ગે ચડી જાય છે, કે જેઓ માણસોને વિનાશમાં ડુબાવે છે. કેમ કે પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.’—૧ તીમોથી ૬:૯, ૧૦.
૧૯, ૨૦. (ક) યહોવાહના નિયમો ચાહે છે તેઓ માટે શું બહુ મહત્ત્વનું છે? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?
૧૯ પરમેશ્વરના નિયમોને વળગી રહેનારા ધન-દોલત પાછળ આંધળી દોટ મૂકવાનું જોખમ સમજે છે. તેઓ એ માર્ગથી દૂર રહે છે. દાખલા તરીકે, પહેલા ફકરામાં આપણે જે કવિની વાત કરી, તેમણે યહોવાહને પ્રાર્થના કરી: ‘લોભ ભણી નહિ, પણ તારા નિયમો ભણી મારૂં મન વાળ. હજારો સોનારૂપા કરતાં તારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬, ૭૨) આપણે આ શબ્દો પર શાંત મગજે ઊંડો વિચાર કરીએ. એનો નફો અને ખોટ જોખીએ. પછી આપણે દોલત કમાવા પાછળ નહિ પડી જઈએ. કોઈ જાતનો લોભ નહિ રાખીએ. જીવનમાં આપણા સંજોગો વિષે કચકચ નહિ કરીએ. ખરેખર સાચું સુખ ‘ભક્તિભાવથી’ મળે છે, નહિ કે ખૂબ ધનદોલત કમાવાથી.—૧ તીમોથી ૬:૬.
૨૦ યહોવાહ પરમેશ્વરે ઈસ્રાએલીઓને આપેલા નિયમોના સિદ્ધાંતો બહુ મહત્ત્વના હતા. આજે મુશ્કેલીના સમયમાં એ આપણને ઘણું શીખવે છે. આ સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી આપણે સુખી થઈશું. યહોવાહના નિયમોમાંથી આપણે ઘણું શીખીએ છીએ. એના ઘણા જ આશીર્વાદો છે. પહેલાના જમાનામાં જે લોકો એ નિયમો પ્રમાણે ચાલ્યા, તેઓના અમુક દાખલા હવે પછીના લેખમાં આપણે જોઈશું. (w 06 6/15)
[ફુટનોટ]
a આ અધ્યાયની ચાર કલમો સિવાયની બધી કલમોમાં કવિએ યહોવાહની આજ્ઞાઓ, વિધિઓ, ન્યાયવચનો, શાસનો, સાક્ષ્યો, માર્ગો, નિયમો અને વચનો જેવા શબ્દો વાપર્યા છે.
આપણે શું શીખ્યા?
• ગીતશાસ્ત્ર ૧૧૯ના કવિ શા માટે યહોવાહના નિયમોને ચાહતા હતા?
• આપણે સાબ્બાથના નિયમમાંથી શું શીખી શકીએ?
• કાપણી વિષેના નિયમમાંથી આપણે શું શીખી શકીએ?
• લોભ ન રાખવાથી આપણને કેવા આશીર્વાદો મળી શકે?
[પાન ૧૩ પર ચિત્ર]
સાબ્બાથનો નિયમ શું શીખવતો હતો?
[પાન ૧૫ પર ચિત્ર]
કાપણી વિષેનો નિયમ આપણને શું શીખવે છે?