“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે”
“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે; પછી, એ બધું બીજાઓને શીખવવા તેઓ પાસે સારી લાયકાત હશે.”—૨ તિમો. ૨:૨.
૧, ૨. ઘણા લોકો માટે નોકરી-ધંધો કઈ રીતે ઓળખ બની જાય છે?
મોટા ભાગના લોકો માટે નોકરી-ધંધો તેઓની ઓળખનો ભાગ બની જાય છે. બીજા ઘણા લોકો પોતાની નોકરી પરથી નક્કી કરે છે કે તેઓ મહત્ત્વના છે કે નહિ. અમુક સમાજમાં, કોઈ નવી વ્યક્તિ મળે ત્યારે આવો સવાલ પૂછવામાં આવે છે, “તમે શું કામ કરો છો?”
૨ બાઇબલમાં અમુક લોકોની ઓળખ તેઓના નોકરી-ધંધા પરથી આપવામાં આવી છે. જેમ કે, “કર ઉઘરાવનાર માથ્થી,” ‘ચામડાનું કામ કરનાર સિમોન’ અને “વહાલો વૈદ લુક.” (માથ. ૧૦:૩; પ્રે.કા. ૧૦:૬; કોલો. ૪:૧૪) બીજા કિસ્સાઓમાં, યહોવા તરફથી મળેલી સોંપણી પરથી એ વ્યક્તિ ઓળખાય છે. દાખલા તરીકે, રાજા દાઊદ, પ્રબોધક એલિયા અને પ્રેરિત પાઊલ. એ ઈશ્વરભક્તોએ યહોવાએ આપેલી સોંપણીને ખૂબ કીમતી ગણી હતી. એવી જ રીતે, યહોવાની સેવામાં મળેલી કોઈ પણ સોંપણીને આપણે કીમતી ગણવી જોઈએ.
૩. અનુભવી ભાઈઓએ શા માટે યુવાનોને તાલીમ આપવી જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૩ યહોવાની સેવા આપણને ખૂબ પ્રિય છે અને તેમણે આપેલી સોંપણીને આપણે કીમતી ગણીએ છીએ. ઘણાને પોતાની સોંપણી એટલી હદે વહાલી હોય છે કે, તેઓ બની શકે ત્યાં સુધી એને નિભાવવા ચાહે છે. પણ, દુઃખની વાત છે કે વ્યક્તિ વૃદ્ધ થાય તેમ, અગાઉની જેમ કામ કરી શકતી નથી. (સભા. ૧:૪) એના લીધે યહોવાના સેવકોએ એક પડકારનો સામનો કરવો પડે છે. આનો વિચાર કરો: આજે દુનિયાના ખૂણે-ખૂણે સંદેશો ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે. બને એટલા લોકો સુધી પહોંચવા યહોવાનું સંગઠન આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ, અમુક વાર વૃદ્ધો માટે એ નવી રીતો શીખવી અઘરું બની જાય છે. (લુક ૫:૩૯) ઉપરાંત, એ સ્વાભાવિક છે કે વધતી ઉંમર સાથે વ્યક્તિનું બળ અને જોમ ઓછું થઈ જાય છે. (નીતિ. ૨૦:૨૯) તેથી, એ કેટલું યોગ્ય અને પ્રેમાળ છે કે, અનુભવી ભાઈઓ યુવાનોને તાલીમ આપે, જેથી તેઓ સંગઠનમાં વધુ જવાબદારીઓ ઉપાડી શકે.—ગીતશાસ્ત્ર ૭૧:૧૮ વાંચો.
૪. અમુક ભાઈઓ માટે કામ વહેંચી આપવું કેમ અઘરું હોય છે? (“અમુકને શા માટે કામ વહેંચી આપવું અઘરું લાગી શકે?” બૉક્સ જુઓ.)
૪ અધિકાર ધરાવનાર ભાઈઓ માટે કોઈ કામ યુવાન ભાઈઓમાં વહેંચી આપવું અમુક વાર અઘરું હોય છે. પોતાની અતિપ્રિય સોંપણી બીજાના હાથમાં આપવી તેઓને દુઃખી કરી શકે. જે કામનો તેઓ વર્ષોથી આનંદ માણતા હતા, એ જતું કરવા તેઓનું મન ન માને. અથવા તેઓને ચિંતા સતાવે કે તેઓની નિગરાની વગર એ કામ વ્યવસ્થિત રીતે પાર નહિ પડે. અમુકને લાગે કે, બીજાઓને તાલીમ આપવા તેઓ પાસે પૂરતો સમય નથી. બીજી તર્ફે, જો યુવાન ભાઈઓના હાથમાં જવાબદારી સોંપવામાં ન આવે, તો તેઓએ ધીરજ ધરવાની જરૂર છે.
૫. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૫ યુવાનો વધુ જવાબદારી ઉપાડી શકે માટે અનુભવી ભાઈઓ તેઓને તાલીમ આપે, એ શા માટે ખૂબ જરૂરી છે? એમ કઈ રીતે કરી શકાય? (૨ તિમો. ૨:૨) તેમ જ, યુવાનો જ્યારે અનુભવી ભાઈઓ સાથે કામ કરે અને તેઓ પાસેથી શીખે, ત્યારે યોગ્ય વલણ રાખે એ કેમ જરૂરી છે? ચાલો, આપણી ચર્ચાની શરૂઆત રાજા દાઊદના અહેવાલથી કરીએ, જેમણે પોતાના દીકરાને એક મોટા કામ માટે તૈયાર કર્યા હતા.
દાઊદે સુલેમાનને તૈયાર કર્યા
૬. રાજા દાઊદના દિલની તમન્ના શી હતી? યહોવાએ તેમને શું કહ્યું?
૬ વર્ષો સુધી દાઊદની સતાવણી થઈ અને તેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડ્યું. પછીથી, તે રાજા બન્યા ત્યારે આલીશાન મહેલમાં રહેવા લાગ્યા. તેમણે પ્રબોધક નાથાનને કહ્યું: “હું એરેજકાષ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોશ પડદામાં રહે છે.” દાઊદના દિલની તમન્ના હતી કે તે યહોવા માટે એક સુંદર મંદિર બનાવે. નાથાને તેમને કહ્યું: “તારા અંતઃકરણમાં જે કંઈ હોય તે કર; કેમ કે ઈશ્વર તારી સાથે છે.” પરંતુ, યહોવા બીજું કંઈક ચાહતા હતા. યહોવાએ નાથાન દ્વારા દાઊદને કહ્યું: “તારે મારે માટે રહેવાનું મંદિર બાંધવું નહિ.” જોકે, યહોવાએ દાઊદને વચન આપ્યું કે તે હંમેશાં તેમને સાથ આપશે અને મંદિર બાંધવાનો લહાવો તેમના દીકરાને મળશે. યહોવાનો એ નિર્ણય જાણીને દાઊદે કેવું વલણ બતાવ્યું?—૧ કાળ. ૧૭:૧-૪, ૮, ૧૧, ૧૨; ૨૯:૧.
૭. યહોવાનાં સૂચનો પ્રત્યે દાઊદે કેવું વલણ બતાવ્યું?
૭ દાઊદ દિલથી ચાહતા હતા કે, તે યહોવા માટે મંદિર બાંધે. એટલે, યહોવાના નિર્ણયથી તે કદાચ ઉદાસ થયા હશે. છતાં, સુલેમાનની નિગરાનીમાં બનનાર મંદિરને તેમણે પૂરા દિલથી ટેકો આપ્યો. તેમણે મજૂરોની ગોઠવણ કરવા તેમજ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ અને લાકડું ભેગું કરવા મદદ કરી. તેમણે એ પરવા ન કરી કે, જો સુલેમાન મંદિર બાંધશે તો એ સુલેમાનના નામથી ઓળખાશે, નહિ કે પોતાના. એના બદલે તેમણે સુલેમાનને કહ્યું: “મારા પુત્ર, યહોવા તારી સાથે હો; અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે તેનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.”—૧ કાળ. ૨૨:૧૧, ૧૪-૧૬.
૮. દાઊદને શા માટે લાગ્યું હશે કે, મંદિરના બાંધકામ માટે સુલેમાન તૈયાર નથી? તેમણે શું કર્યું?
૮ પહેલો કાળવૃત્તાંત ૨૨:૫ વાંચો. દાઊદને કદાચ લાગ્યું હશે કે, એ મોટું બાંધકામ હાથ ધરવા માટે સુલેમાન હજી તૈયાર નથી. કારણ કે, એ મંદિર “ભારે ભવ્ય” બનવાનું હતું અને સુલેમાન “જુવાન ને બિનઅનુભવી” હતા. પરંતુ, દાઊદ જાણતા હતા કે, એ ખાસ કામને પાર પાડવા યહોવા સુલેમાનની પડખે ઊભા રહેશે. તેથી, સુલેમાન એ વિશાળ બાંધકામને હાથ ધરી શકે માટે તેમને તૈયાર કરવા દાઊદે પોતાનું દિલ રેડી દીધું.
ખુશી-ખુશી બીજાઓને તાલીમ આપો
૯. અનુભવી ભાઈઓ બીજાઓને સોંપણી આપીને કઈ રીતે ખુશી પ્રાપ્ત કરી શકે? ઉદાહરણ આપો.
૯ અમુક જવાબદારીઓ જો યુવાનોને સોંપવી પડે, તો અનુભવી ભાઈઓએ દિલ નાનું કરવાની જરૂર નથી. આપણે બધાએ એ ધ્યાન રાખવાનું છે કે યહોવાનું કામ પૂરું થાય એ સૌથી મહત્ત્વનું છે. તેથી, જો ભાઈઓને તૈયાર કરવામાં આવે, તો એ કામ સહેલાઈથી પાર પાડી શકાશે. ચાલો એક ઉદાહરણ લઈએ. તમે નાના હતા ત્યારે, કદાચ પપ્પાને ગાડી ચલાવતા જોયા હશે. તમે મોટા થયા તેમ પપ્પાએ તમને ગાડી ચલાવવા વિશે અમુક વાતો સમજાવી હશે. સમય જતાં, તમે લાઇસન્સ મેળવ્યું અને પોતે ગાડી ચલાવવા લાગ્યા. તોપણ, પપ્પા તમને સલાહ આપતા રહ્યા હશે. કદાચ ગાડી ચલાવવામાં તમે વારો લેતા હશો. પરંતુ, પપ્પા વૃદ્ધ થયા ત્યારે મોટા ભાગે તમે ગાડી ચલાવતા હશો. શું એનાથી પપ્પા નારાજ થયા? જરાય નહિ, તે તો ખુશ થયા હશે કે તમે તેમને ગાડીમાં ફેરવો છો. એવી જ રીતે, તમે કોઈ યુવાન ભાઈને તાલીમ આપી હોય અને એ ભાઈ સંગઠનમાં વધુ જવાબદારી ઉપાડવા તૈયાર થાય ત્યારે, તમને પણ ખુશી થાય છે, ખરું ને?
૧૦. માન-મહિમા અને અધિકાર પ્રત્યે મુસાનું વલણ કેવું હતું?
૧૦ બીજાઓની સોંપણીથી આપણને ઈર્ષા ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ઇઝરાયેલમાં જ્યારે અમુકે પ્રબોધકનું કામ કર્યું ત્યારે, મુસાએ જે વલણ બતાવ્યું એમાંથી આપણે ઘણું શીખી શકીએ. (ગણના ૧૧:૨૪-૨૯ વાંચો.) યહોશુઆ એ પ્રબોધકોને રોકવા ચાહતા હતા, પરંતુ મુસાએ કહ્યું: ‘શું મારી ખાતર તને તેમના ઉપર અદેખાઈ આવે છે? પરમેશ્વર કરો કે યહોવાના સર્વ લોક પ્રબોધક થાય કે, યહોવા તેઓના ઉપર પોતાની પવિત્ર શક્તિ મૂકે!’ મુસા જાણતા હતા કે, એ કામને યહોવા દોરી રહ્યા હતા. પોતાનો મહિમા શોધવાને બદલે મુસા ચાહતા હતા કે, યહોવાના દરેક ભક્તને કંઈક સોંપણી મળે. આપણા વિશે શું? યહોવાની સેવામાં કોઈકને સોંપણી મળે ત્યારે, શું આપણે ખુશ થઈએ છીએ?
૧૧. પોતાની સોંપણી બીજાને આપવામાં આવી ત્યારે એક ભાઈએ કેવું વલણ બતાવ્યું?
૧૧ ઘણા ભાઈઓએ યહોવાની સેવામાં દાયકાઓ વિતાવ્યા છે. ઉપરાંત, વધુ જવાબદારી ઉપાડવા યુવાનોને તાલીમ આપી છે. ચાલો, પીટર નામના ભાઈનો દાખલો જોઈએ. તેમણે ૭૪ વર્ષ પૂરા સમયની સેવા કરી છે. એમાંના ૩૫ વર્ષ તેમણે યુરોપની શાખા કચેરીમાં સેવા આપી છે. લાંબા સમય સુધી તે સેવા વિભાગના નિરીક્ષક હતા. પછીથી, એ જવાબદારી પૉલ નામના એક યુવાન ભાઈને આપવામાં આવી, જેમને પીટરે તાલીમ આપી હતી. એ ફેરફારથી શું પીટર દુઃખી થયા? ના. તેમણે કહ્યું: ‘મને એ જાણીને ખૂબ ખુશી છે કે, ઘણા ભાઈઓને સારી તાલીમ મળી છે, જેથી તેઓ મોટી જવાબદારીઓ ઉપાડી શકે. અને તેઓ ખૂબ સારી રીતે પોતાના કામને હાથ ધરે છે.’
અનુભવી ભાઈઓની કદર કરો
૧૨. રહાબઆમના દાખલા પરથી આપણે શું શીખી શકીએ?
૧૨ સુલેમાનનો દીકરો રહાબઆમ રાજા બન્યો ત્યારે, નવી સોંપણીને હાથ ધરવા તેણે વડીલોની સલાહ પૂછી. પરંતુ, તેણે એ સલાહ ફગોવી દીધી અને પોતાની સાથે મોટા થયેલા યુવાન માણસોની સલાહ માની. એનું ખરાબ પરિણામ આવ્યું. (૨ કાળ. ૧૦:૬-૧૧, ૧૯) એ બનાવ પરથી આપણે શું શીખી શકીએ? આપણે એવા લોકો પાસેથી સલાહ લઈએ, જેઓ ઉંમરમાં મોટા છે અને અનુભવી છે. જોકે, યુવાનોએ એવું માની લેવાની જરૂર નથી કે, જે રીત ચાલતી આવી છે એનાથી તેઓ બંધાયેલા છે. પરંતુ, તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે, અનુભવી ભાઈઓની સલાહ પર વિચાર કરે અને એમ ન માને કે તેઓની રીત જૂની-પુરાણી અને નકામી છે.
૧૩. યુવાનોએ અનુભવી ભાઈઓ જોડે કેવી રીતે કામ કરવું જોઈએ?
૧૩ અમુક વાર યુવાન ભાઈઓને એવી સોંપણી મળે છે જેમાં તેઓએ તેમનાથી મોટા અને અનુભવી ભાઈઓ પર નિગરાની રાખવાની હોય છે. એવા કિસ્સામાં તેઓ અનુભવી ભાઈઓ પાસેથી શીખે એ ડહાપણભર્યું કહેવાશે. અગાઉ આપણે પીટર અને પૉલનો અનુભવ જોયો. સેવા વિભાગની જવાબદારી હાથમાં લીધા પછી પૉલે જણાવ્યું: ‘હું સમય કાઢીને ભાઈ પીટરની સલાહ લેતો તેમજ એ વિભાગમાં કામ કરતા બીજા ભાઈઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપતો.’
૧૪. પાઊલ અને તિમોથીના દાખલામાંથી શું શીખી શકાય?
૧૪ પ્રેરિત પાઊલ કરતાં તિમોથી ઘણા નાના હતા અને તેઓએ ઘણાં વર્ષો સાથે મળીને કામ કર્યું હતું. (ફિલિપીઓ ૨:૨૦-૨૨ વાંચો.) પાઊલે કોરીંથના ભાઈઓને કહ્યું: “હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કારણ કે તે પ્રભુમાં મારો વહાલો અને વિશ્વાસુ દીકરો છે. ખ્રિસ્ત ઈસુની સેવામાં હું જે સિદ્ધાંતો પ્રમાણે ચાલુ છું એના વિશે તે તમને યાદ અપાવશે. હું દરેક મંડળમાં એ સિદ્ધાંતો શીખવું છું.” (૧ કોરીં. ૪:૧૭) જોઈ શકાય કે પાઊલ અને તિમોથી વચ્ચે સારો તાલમેલ હતો અને તેઓ એકબીજાને ટેકો આપતા. પાઊલે સમય કાઢીને તિમોથીને ‘ખ્રિસ્ત ઈસુની સેવા માટે સિદ્ધાંતો’ શીખવ્યા; અને તિમોથી એને સારી રીતે શીખ્યા પણ ખરા. પાઊલને તિમોથી ખૂબ વહાલા હતા અને તેમને ખાતરી હતી કે તિમોથી કોરીંથનાં ભાઈ-બહેનોની સારી સંભાળ રાખશે. યુવાનો મંડળમાં આગેવાની લઈ શકે માટે વડીલો શું કરી શકે? યુવાનોને તાલીમ આપે ત્યારે, તેઓ પાઊલના દાખલાને અનુસરી શકે.
દરેક પાસે મહત્ત્વની ભૂમિકા છે
૧૫. રોમનો ૧૨:૩-૫ કઈ રીતે આપણને ફેરફારો હાથ ધરવા મદદ કરી શકે?
૧૫ આપણે ઇતિહાસના સૌથી રોમાંચક સમયમાં જીવી રહ્યા છીએ. યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ અનેક રીતોએ વૃદ્ધિ પામી રહ્યો છે. એનો એ અર્થ થાય કે ફેરફારો તો થતા રહેશે. એ ફેરફારો વ્યક્તિગત રીતે અસર કરતા હોય ત્યારે, આપણે નમ્ર બનીએ અને પોતાની ઇચ્છા સંતોષવાને બદલે રાજ્યના કામ પર મન લગાવીએ. એમ કરવાથી આપણે બધા એકતામાં રહી શકીશું. પ્રેરિત પાઊલે રોમનાં ભાઈ-બહેનોને કહ્યું હતું: “હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો.” ત્યાર બાદ, તેમણે સમજાવ્યું કે જેમ શરીરના દરેક અંગની ભૂમિકા અલગ હોય છે, તેમ મંડળમાં દરેક વ્યક્તિની અલગ અલગ ભૂમિકા છે.—રોમ. ૧૨:૩-૫.
૧૬. સંગઠનમાં સંપ અને શાંતિ જાળવવા દરેક ઈશ્વરભક્ત શું કરી શકે?
૧૬ યહોવાના બધા સેવકો રાજ્યના કામને ટેકો આપવા ચાહે છે અને તેઓ સંગઠનના દરેક સૂચનોને પાળવા તૈયાર રહે છે. અનુભવી ભાઈઓ, તમે યુવાનોને તાલીમ આપી શકો. યુવાનો, તમે મર્યાદામાં રહીને અને માન બતાવીને વધુ જવાબદારીઓ ઉપાડી શકો. પત્નીઓ, બદલાતા સંજોગોમાં પણ તમે તમારા પતિઓને ટેકો આપી શકો. એમ કરવા તમે ઈશ્વરભક્ત પ્રિસ્કિલાને અનુસરી શકો, જેમણે વફાદારીથી પોતાના પતિ આકુલાને સાથ આપ્યો હતો.—પ્રે.કા. ૧૮:૨.
૧૭. ઈસુને તેમના શિષ્યોમાં કયો ભરોસો હતો? ઈસુએ શિષ્યોને શાની તાલીમ આપી?
૧૭ બીજાઓને તાલીમ આપવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે જાણતા હતા કે, પોતે લાંબો સમય પૃથ્વી પર રહેશે નહિ અને તેમણે શરૂ કરેલું કામ બીજાઓ આગળ ધપાવશે. તે એ પણ જાણતા હતા કે, શિષ્યો અપૂર્ણ છે. છતાં, તેમને પૂરો ભરોસો હતો કે તેઓ પૃથ્વીના ખૂણે-ખૂણે ખુશખબર ફેલાવી શકે છે. (યોહા. ૧૪:૧૨) એ કામ પાર પાડવા તેમણે શિષ્યોને સારી તાલીમ આપી અને શિષ્યોએ એ પ્રમાણે કર્યું પણ ખરું.—કોલો. ૧:૨૩.
૧૮. ભાવિમાં આપણી પાસે કેવું કામ હશે? હાલ આપણી પાસે કયું કામ રહેલું છે?
૧૮ ઈસુના મૃત્યુ પછી, યહોવાએ તેમને સ્વર્ગના જીવન માટે સજીવન કર્યા. તેમ જ, “દરેક સરકાર, સત્તા, તાકાત, અધિકાર” કરતાં ઊંચો હોદ્દો આપીને મોટું કામ સોંપ્યું. (એફે. ૧:૧૯-૨૧) આપણા વિશે શું? જો આર્માગેદન પહેલાં આપણે મરણ પામીએ, તો શું? જો વફાદારી જાળવી હશે, તો યહોવા આપણને સજીવન કરશે અને સંતોષ આપનારું ઘણું કામ આપશે. હમણાં પણ આપણા દરેક પાસે ખુશખબર ફેલાવવાની અને શિષ્યો બનાવવાની રોચક સોંપણી છે. આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, ચાલો, “પ્રભુની સેવામાં પુષ્કળ કામ” કરતા રહીએ.—૧ કોરીં. ૧૫:૫૮.