વાચકો તરફથી પ્રશ્નો
બાઇબલમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ બાબત સાબિત કરવા બે સાક્ષીઓની જરૂર હોય છે. (ગણ. ૩૫:૩૦; પુન. ૧૭:૬; ૧૯:૧૫; માથ. ૧૮:૧૬; ૧ તિમો. ૫:૧૯) નિયમશાસ્ત્રમાં લખ્યું હતું કે, જો કોઈ માણસે સગાઈ થયેલી છોકરી પર “ખેતરમાં” બળાત્કાર કર્યો હોય અને છોકરીએ બૂમો પાડી હોય, તો તે છોકરી નિર્દોષ ગણાતી. પણ બળાત્કાર કરનાર માણસ વ્યભિચારી ગણાતો. એ ઘટનાનો કોઈ સાક્ષી ન હોય તોપણ કેમ છોકરીને નિર્દોષ ગણવામાં આવતી અને માણસને દોષિત?
પુનર્નિયમ ૨૨:૨૫-૨૭નો અહેવાલ પુરુષનો ગુનો સાબિત કરવા માટે નથી. કારણ કે એમાં પુરુષને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે. એ નિયમ તો સ્ત્રીને નિર્દોષ ગણવી કે નહિ એના પર ધ્યાન દોરે છે. ચાલો એના આગળ પાછળનો અહેવાલ તપાસીએ.
આગળની કલમો એવા પુરુષ વિશે વાત કરે છે, જેણે “નગરમાં” સગાઈ થયેલી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. એટલે પુરુષ પર વ્યભિચાર કરવાનો દોષ લાગ્યો હતો. કારણ કે સગાઈ થયેલી સ્ત્રીને એ સમયે પરણેલી ગણવામાં આવતી. તો પછી સગાઈ થયેલી એ સ્ત્રી વિશે શું? “નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી” ન હતી. જો તેણે બૂમ પાડી હોત તો બીજા લોકોએ એ સાંભળીને તેને ચોક્કસ મદદ કરી હોત. પણ તેણે બૂમ પાડી ન હતી. એટલે તેના માથે પણ વ્યભિચારનો દોષ લાગ્યો અને બંને ગુનેગાર સાબિત થયા.—પુન. ૨૨:૨૩, ૨૪.
નિયમશાસ્ત્રમાં બીજા એક સંજોગ વિશે પણ લખ્યું હતું. એ હતું: ‘જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે ખરાબ કામ કરે, તો એ પુરુષ એકલો માર્યો જાય. પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાએ મરણની સજા થાય એવું કંઈ પાપ કર્યું નથી. કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે એ જ પ્રમાણે આ વાત છે. કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.’—પુન. ૨૨:૨૫-૨૭.
એ કિસ્સામાં ન્યાયાધીશો સ્ત્રીની વાત સાચી માને છે. શા માટે? કારણ કે એમ માનવામાં આવતું કે તેણે “બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.” એટલે એમ કહેવાય નહિ કે તેણે વ્યભિચાર કર્યો. જ્યારે કે પુરુષના માથે બળાત્કાર અને વ્યભિચારનો દોષ લાગતો. કારણ કે તેણે સગાઈ થયેલી સ્ત્રી ‘પર બળાત્કાર કરીને તેની સાથે ખરાબ કામ કર્યું હતું.’
સ્ત્રીને નિર્દોષ ગણવી કે નહિ, એના પર એ નિયમ ધ્યાન દોરતો હતો. પણ એ અહેવાલમાં પુરુષને બળાત્કાર અને વ્યભિચારનો દોષિત ગણવામાં આવતો, જે એકદમ યોગ્ય હતું. આપણે ખાતરી રાખી શકીએ કે ન્યાયાધીશોએ ‘ખંતથી એ વિશે તપાસ’ કરી હશે. વધુમાં, ઈશ્વરનાં ધોરણોને આધારે તેઓએ નિર્ણય લીધો હશે. ઈશ્વરે એ ધોરણો વારંવાર અને સાફ શબ્દોમાં જણાવ્યાં હતાં.—પુન. ૧૩:૧૪; ૧૭:૪; નિર્ગ. ૨૦:૧૪.