ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
ઈશ્વર ‘માણસનું અંતઃકરણ જાણે છે’
આજે બધાને જીવનની ચિંતાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આપણને થાય કે આપણે જે વેઠી રહ્યા છે એને કોઈ સમજી નહિ શકે. જોકે યહોવાહ આપણી લાગણીઓ અને તકલીફોને સારી રીતે સમજી શકે છે. એ આપણને ૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦માંના સુલેમાનના શબ્દોથી જોવા મળે છે. એમાંથી આપણને ઘણો દિલાસો મળે છે.
ઈસવીસન પૂર્વે ૧૦૨૬માં મંદિરના સમર્પણ વખતે સુલેમાને યહોવાહને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના આશરે દસ મિનિટ ચાલી હશે. એમાં તેમણે યહોવાહના ગુણગાન ગાયા હતા. તેમણે કહ્યું હતું કે યહોવાહ પોતાના ભક્તોને કદી ત્યજી નહિ દે. તે વચનના પાળનાર અને પ્રાર્થનાના સાંભળનાર છે.—૧ રાજાઓ ૮:૨૩-૫૩; ૨ કાળવૃત્તાંત ૬:૧૪-૪૨.
સુલેમાને વિનંતી કરી કે ઈશ્વરભક્તો જ્યારે પ્રાર્થના કરે ત્યારે તું જરૂર સાંભળજે. (કલમ ૨૯) ઈશ્વરભક્તો પર કેવા કેવા દુઃખ-તકલીફો આવી શકે એનું વર્ણન તેમણે એમાં કરેલું છે. (કલમ ૨૮) તોપણ તેમણે જણાવ્યું હતું કે દરેક ભક્તો “પોતપોતાની પીડા” અને “પોતપોતાનું દુઃખ” જાણે છે. દરેક વ્યક્તિ અલગ અલગ કારણોને લીધે દુઃખ ભોગવે છે.
યહોવાહના ભક્તોને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો એકલા હાથે કરવો પડતો નથી. મદદ માટે તે યહોવાહ પાસે જઈ શકે છે. સુલેમાનના મનમાં હતું કે કોઈ પણ ભક્ત ‘આકાશ તરફ પોતાના હાથ પ્રસારીને’ યહોવાહને દિલથી પ્રાર્થના કરી શકે.a કદાચ સુલેમાન પોતાના પિતા દાઊદના શબ્દો યાદ કરે છે. મુસીબતમાં હતા ત્યારે દાઊદે કહ્યું હતું કે “તારો બોજો યહોવાહ પર નાખ.”—ગીતશાસ્ત્ર ૫૫:૪, ૨૨.
સુલેમાને યહોવાહને વિનવણી કરી કે ‘તારા રહેઠાણ સ્વર્ગમાંથી તું તે સાંભળીને ક્ષમા કરજે, ને દરેક માણસનું અંતઃકરણ તું જાણે છે માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજે.’ (કલમ ૩૦) જેઓ ખરા હૃદયથી આજીજી કરે છે તેઓની પ્રાર્થના શું યહોવાહ સાંભળે છે? હા, સુલેમાન જાણતા હતા કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. ભલે એ પ્રાર્થના ભેગા મળીને કરી હોય કે એકલા કરી હોય. (ગીતશાસ્ત્ર ૬૫:૨) યહોવાહ આપણને જરૂરી બધી મદદ પૂરી પાડે છે. અરે, વ્યક્તિએ ગંભીર ભૂલ કરી હોય અને ખરા દિલથી પસ્તાવો કરે તો ઈશ્વર તેને પણ માફી આપે છે.—૨ કાળવૃત્તાંત ૬:૩૬-૩૯.
શા માટે સુલેમાન ખાતરીથી કહી શક્યા કે યહોવાહ પસ્તાવો કરનારની વિનંતી સાંભળે છે? તે પોતાની પ્રાર્થનામાં જણાવે છે કે ‘દરેક માણસનું અંતઃકરણ યહોવાહ જાણે છે. કેવળ તું જ સર્વ મનુષ્યોના અંતઃકરણો જાણે છે.’ આપણે દિલમાં જે બોજો લઈને જીવતા હોઈએ એ પણ યહોવાહ જોઈ શકે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૪.
સુલેમાનની પ્રાર્થનાથી આપણને દિલાસો મળે છે. આપણે જે “દુઃખ” અને “પીડા” ભોગવી રહ્યા છે એ બીજાઓ કદાચ પૂરી રીતે સમજી નહિ શકે. (નીતિવચનો ૧૪:૧૦) પણ યહોવાહ આપણું હૃદય જાણે છે, અને બધી રીતે આપણી સંભાળ રાખે છે. તેમની આગળ પ્રાર્થનામાં હૃદય ઠાલવી દેવાથી આપણો બોજો ઘણો હલકો થાય છે. બાઇબલ કહે છે કે ‘તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭. (w10-E 12/01)
[ફુટનોટ]
a બાઇબલ સમયમાં જ્યારે કોઈ ‘આકાશ તરફ પોતાના હાથ પ્રસારતું,’ ત્યારે એનાથી જોઈ શકાતું કે તે પ્રાર્થના કરે છે.—૨ કાળવૃત્તાંત ૬:૧૩.