ઓગણત્રીસમું પ્રકરણ
એક રાજાના વિશ્વાસની જીત
૧, ૨. હિઝકીયાહ કઈ રીતે આહાઝ કરતાં, સારો રાજા સાબિત થયો?
હિઝકીયાહ ૨૫ વર્ષનો હતો ત્યારે તે યહુદાહનો રાજા બન્યો. તે કેવો રાજા બનશે? શું તે તેના પિતા આહાઝ રાજાના પગલે ચાલશે અને પોતાની પ્રજાને જૂઠા દેવો તરફ દોરશે? કે પછી પોતાના પૂર્વજ, રાજા દાઊદની જેમ લોકોને યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવા દોરી જશે?—૨ રાજાઓ ૧૬:૨.
૨ હિઝકીયાહ રાજગાદીએ બેઠા પછી તરત જ દેખાઈ આવ્યું કે તે “યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું” એ કરવા ચાહતો હતો. (૨ રાજાઓ ૧૮:૨, ૩) તેના પહેલા જ વર્ષમાં, તેણે યહોવાહના મંદિરનું સમારકામ કરાવ્યું અને મંદિરની સેવાઓ ફરીથી શરૂ કરાવી. (૨ કાળવૃત્તાંત ૨૯:૩, ૭, ૧૧) પછી, તેણે મોટા પાસ્ખાપર્વની ઉજવણી ગોઠવી, જેમાં આખા દેશમાંના લોકોને, અરે ઈસ્રાએલના દસ કુળોના ઉત્તરના રાજ્યને પણ આમંત્રણ આપ્યું. એ યાદગાર ઉજવણી હતી! રાજા સુલેમાનના સમય પછી એવી કોઈ ઉજવણી થઈ ન હતી.—૨ કાળવૃત્તાંત ૩૦:૧, ૨૫, ૨૬.
૩. (ક) હિઝકીયાહે ગોઠવેલા પાસ્ખાપર્વમાં આવેલા ઈસ્રાએલ અને યહુદાહના લોકોએ શું કર્યું? (ખ) પાસ્ખાપર્વમાં આવેલા લોકોએ જે કર્યું, એમાંથી આજે આપણે શું શીખી શકીએ?
૩ પાસ્ખાપર્વની ઉજવણીના અંતે, બધાને એટલું ઉત્તેજન મળ્યું કે તેઓએ અશેરીન મૂર્તિઓને કાપી નાખી, ભજનસ્તંભોના ટૂકડેટૂકડા કરી નાખ્યા, જૂઠા દેવોના ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડી. પછી, તેઓ ફક્ત યહોવાહ પરમેશ્વરની જ ભક્તિ કરવાનો નિર્ણય લઈને પોતપોતાના શહેરોમાં પાછા ફર્યા. (૨ કાળવૃત્તાંત ૩૧:૧) તેઓના અગાઉના વલણમાં કેટલો મોટો ફેરફાર આવી ગયો હતો! આજે, આપણે એમાંથી ખાસ શીખી શકીએ કે ‘એકઠા મળવાનું પડતું ન મૂકવું’ કેટલું મહત્ત્વનું છે. ભલે આપણે મંડળોમાં કે પછી મોટી સંખ્યામાં સંમેલનોમાં ભેગા મળીએ, એ “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” ઉત્તેજન અને ભાઈ-બહેનોની સંગતથી પ્રેરણા આપવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે.—હેબ્રી ૧૦:૨૩-૨૫.
વિશ્વાસની કસોટી
૪, ૫. (ક) હિઝકીયાહે કઈ રીતે બતાવ્યું કે તેને આશ્શૂર સાથે કંઈ લેવાદેવા ન હતી? (ખ) યહુદાહની સામે સાન્હેરીબે કયા પગલા લીધા અને હિઝકીયાહે યરૂશાલેમ પરનો અચાનક હુમલો ટાળવા કયા પગલા લીધાં? (ગ) હિઝકીયાહ યરૂશાલેમને આશ્શૂરથી બચાવવા કઈ તૈયારીઓ કરે છે?
૪ યરૂશાલેમ પર મોટી કસોટીઓ આવી રહી છે. હિઝકીયાહે આશ્શૂર સાથેનો કરાર તોડી નાખ્યો, જે તેના અવિશ્વાસુ પિતા આહાઝે કર્યો હતો. વળી, તેણે પલિસ્તીઓને પણ હાંકી કાઢ્યા, જેઓ આશ્શૂરના મિત્રો હતા. (૨ રાજાઓ ૧૮: ૭, ૮) તેથી, આશ્શૂરનો રાજા ગુસ્સે ભરાયો. હવે આપણે વાંચીએ છીએ: “હિઝકીયાહ રાજાની કારકિર્દીના ચૌદમા વર્ષમાં આશ્શૂરના રાજા સાન્હેરીબે યહુદાહનાં સર્વ કિલ્લાવાળાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં.” (યશાયાહ ૩૬:૧) આશ્શૂરના વારંવાર અને અચાનક થતા હુમલાથી યરૂશાલેમને બચાવવાની આશામાં, કદાચ હિઝકીયાહ સહમત થાય છે કે તે સાન્હેરીબને ૩૦૦ ચાંદીના તાલંત અને ત્રીસ સોનાના તાલંતની ખંડણી ભરી આપશે.a—૨ રાજાઓ ૧૮:૧૪.
૫ હવે, ખંડણી ભરવા માટે રાજાના મહેલના ભંડારમાં પૂરતું સોનું અને ચાંદી ન હોવાથી, હિઝકીયાહ જે કંઈ કિંમતી ધાતુ મંદિરમાંથી લઈ શકે એ લઈ લે છે. તે મંદિરના બારણા પરથી પણ સોનું ઉખેડી લે છે, અને સાન્હેરીબને મોકલી આપે છે. જો કે એનાથી આશ્શૂરીઓ થોડા સમય માટે રાજી થાય છે. (૨ રાજાઓ ૧૮:૧૫, ૧૬) હિઝકીયાહ સમજી જાય છે કે આશ્શૂરીઓ યરૂશાલેમને લાંબો વખત ટકવા નહિ દેશે. તેથી, તેણે તૈયારીઓ કરી લીધી હતી. લોકોએ પાણીના વહેણો બંધ કરી દીધા હતા, જેથી આશ્શૂરીઓ ઘેરો ઘાલે ત્યારે, તેઓને પાણી ન મળે. હિઝકીયાહે યરૂશાલેમના બુરજો અને કોટ મજબૂત કર્યા અને “પુષ્કળ બરછીઓ તથા ઢાલો” સહિત શસ્ત્રો તૈયાર કર્યા.—૨ કાળવૃત્તાંત ૩૨:૪, ૫.
૬. હિઝકીયાહ કોનામાં પૂરો ભરોસો મૂકે છે?
૬ તેમ છતાં, હિઝકીયાહનો ભરોસો તેની તૈયારીઓમાં કે મજબૂત કોટમાં નહિ, પણ સૈન્યોના યહોવાહમાં હતો. તેમણે પોતાના લશ્કરી સરદારોને ઉત્તેજન આપ્યું: “બળવાન તથા હિમ્મતવાન થાઓ, આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ તેમ ગભરાશો પણ નહિ, કેમકે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મોટો છે. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણા યુદ્ધો લડવાને આપણી સાથે આપણો દેવ યહોવાહ છે.” પછી, “યહુદાહના રાજા હિઝકીયાહના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.” (૨ કાળવૃત્તાંત ૩૨:૭, ૮) હવે આપણે યશાયાહની ભવિષ્યવાણીના ૩૬-૩૯માં અધ્યાયોની ચર્ચા કરીએ તેમ, રૂંવાડા ઊભા કરી નાખનારા બનાવોની કલ્પના કરો.
રાબશાકેહની દલીલો
૭. રાબશાકેહ કોણ હતો અને શા માટે તેને યરૂશાલેમ મોકલવામાં આવ્યો?
૭ સાન્હેરીબ હવે રાબશાકેહને (આ નામ નથી, પણ લશ્કરી ખિતાબ છે) બીજા બે અધિકારીઓ સાથે યરૂશાલેમ મોકલે છે, અને શહેરને શરણે કરવાનો હુકમ કરે છે. (૨ રાજાઓ ૧૮:૧૭) તેઓ શહેરની બહાર હિઝકીયાહના ત્રણ પ્રતિનિધિઓને મળે છે, જેઓના નામ એલ્યાકીમ, જે હિઝકીયાહના ઘરનો અધિકારી હતો, શેબ્ના મંત્રી અને યોઆહ જે આસાફનો દીકરો અને ઇતિહાસકાર હતો.—યશાયાહ ૩૬:૨, ૩.
૮. રાબશાકેહ કઈ રીતે યરૂશાલેમની હિંમત તોડી પાડવાનો પ્રયત્ન કરે છે?
૮ રાબશાકેહનો એક જ ઇરાદો હતો, યરૂશાલેમના લોકોને લડ્યા વિના શરણે થવા સમજાવી દેવા. હેબ્રી ભાષામાં તે મોટા સાદે કહે છે: “આ તું કોના આધાર પર ભરોસો રાખે છે? . . . તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે દંગો કર્યો છે?” (યશાયાહ ૩૬:૪, ૫) પછી, રાબશાકેહ ગભરાયેલા યહુદીઓને મહેણાં મારે છે, કે તેઓને ટેકો આપનાર કોઈ જ નથી. તેઓ કોની મદદ માંગશે? શું તેઓ મિસર, “ભાંગેલા બરૂના દાંડા” પર ભરોસો રાખશે? (યશાયાહ ૩૬:૬) આ સમયે મિસર ભાંગેલા બરૂના દાંડા જેવું જ હતું. હકીકતમાં, એક વખતના એ જગત સામ્રાજ્યને હમણાં તો કૂશે જીતી લીધું હતું. અને મિસરનો ફારૂન રાજા તિરહાકાહ મિસરી નહિ, પણ કૂશી હતો. તે પણ જલદી જ આશ્શૂરના હાથે હારી જવાનો હતો. (૨ રાજાઓ ૧૯:૮, ૯) મિસર પોતાને બચાવી શકતું નથી, તો પછી યહુદાહને મદદ કરવાની વાત તો બાજુ પર જ રહી.
૯. રાબશાકેહ શા માટે એમ કહે છે કે યહોવાહ પોતાના લોકોને માટે લડશે નહિ, પણ હકીકત શું બતાવે છે?
૯ રાબશાકેહ હવે દલીલ કરે છે કે યહોવાહ પોતાના લોકો માટે લડશે નહિ, કેમ કે તે તેઓથી નારાજ છે. રાબશાકેહ કહે છે: “કદાચ તું મને કહેશે, કે અમારા દેવ યહોવાહ પર અમે ભરોસો રાખીએ છીએ; તો શું તે એજ દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકીયાહે કાઢી નાખ્યાં છે?” (યશાયાહ ૩૬:૭) હકીકત તો એ છે કે, યહોવાહને તજી દેવાની વાત તો બાજુએ રહી, પણ યહુદીઓએ દેશમાંથી ઉચ્ચસ્થાનો અને વેદીઓ કાઢી નાખીને, તેઓ હવે યહોવાહને ભજવા લાગ્યા છે.
૧૦. યહુદાહનું રક્ષણ કરનારા ઘોડેસવારો થોડા હોય કે ઘણા, એનાથી શા માટે કોઈ ફરક પડતો નથી?
૧૦ હવે રાબશાકેહ યહુદીઓને યાદ કરાવે છે કે પોતાના સામે યુદ્ધ લડવાની તેઓની કંઈ તાકાત નથી. તે મહેણું મારે છે કે, ‘હવે હું તને બે હજાર ઘોડા આપું, તેઓ પર સવારી કરનારા માણસો તું પૂરા પાડ.’ (યશાયાહ ૩૬:૮) જો કે યહુદાહ પાસે તાલીમ પામેલા ઘોડેસવારો થોડા હોય કે ઘણા, શું એનાથી કંઈ ફરક પડે છે? ના, કેમ કે યહુદાહનો બચાવ લશ્કરી તાકાત પર આધારિત નથી. નીતિવચનો ૨૧:૩૧ આ રીતે સમજાવે છે: “ઘોડો યુદ્ધના દિવસને વાસ્તે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાહથી જ મળે છે.” પછી, રાબશાકેહ દાવો કરે છે કે યહોવાહનો આશીર્વાદ યહુદીઓ સાથે નહિ, પણ આશ્શૂરીઓ સાથે છે. તે દલીલ કરે છે કે જો એમ ન હોત તો આશ્શૂરીઓ યહુદાહના વિસ્તારમાં આટલે સુધી આવી જ શક્યા ન હોત.—યશાયાહ ૩૬:૯, ૧૦.
૧૧, ૧૨. (ક) શા માટે રાબશાકેહ “યહુદી ભાષામાં” બોલે છે, અને કઈ રીતે સાંભળી રહેલા યહુદીઓને તે લાલચ આપવાનો પ્રયત્ન કરે છે? (ખ) યહુદીઓ પર રાબશાકેહના શબ્દોની શું અસર પડી હોય શકે?
૧૧ હિઝકીયાહના પ્રતિનિધિઓ વિચારે છે કે રાબશાકેહની દલીલોની લોકો પર શું અસર થશે, કેમ કે તેઓ શહેરની દીવાલ પરથી સાંભળી શકતા હતા. તેથી, આ યહુદી અધિકારીઓ તેને વિનંતી કરે છે કે “કૃપા કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમકે અમે તે સમજીએ છીએ; પણ કોટ પર જે લોક છે તેમના સાંભળતાં અમારી સાથે યહુદી ભાષામાં બોલતો ના.” (યશાયાહ ૩૬:૧૧) પરંતુ, રાબશાકેહ અરામી ભાષામાં બોલવા માંગતો નથી. તે તો યહુદીઓના મનમાં શંકા અને ભયના બી વાવવા માંગે છે, જેથી તેઓ શરણે આવે અને લડાઈ વિના જ યરૂશાલેમ જીતી લેવાય! (યશાયાહ ૩૬:૧૨) તેથી, તે ફરીથી “યહુદી ભાષામાં” બોલવા લાગે છે. તે યરૂશાલેમના લોકોને ચેતવણી આપે છે: “હિઝકીયાહથી તમે છેતરાશો નહિ; કેમકે તે તમને છોડાવી શકશે નહિ.” એ પછી, તે સાંભળી રહેલા યહુદીઓને લાલચ આપવાનો પ્રયત્ન કરવા, આશ્શૂરના હાથ નીચે કેવું સારું જીવન થઈ શકે, એનું વર્ણન કરે છે: “મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો; અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષાવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે પોતપોતાના દ્રાક્ષાવેલાનું, પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, અને પોતપોતાના ટાંકાનું પાણી પીજો.”—યશાયાહ ૩૬:૧૩-૧૭.
૧૨ આ વર્ષે યહુદીઓ માટે કોઈ ફસલ નહિ ઊગે, કેમ કે આશ્શૂરીઓના આક્રમણને કારણે તેઓ ખેતી કરી શક્યા નથી. દીવાલ પરથી સાંભળી રહેલા માણસોને, રસવાળી દ્રાક્ષો ખાવાનું અને ઠંડું પાણી પીવાનું ખૂબ મન થઈ ગયું હશે. પરંતુ, યહુદીઓને નિરાશ કરવાના રાબશાકેહના પ્રયત્નો હજુ પૂરા થઈ ગયા ન હતા.
૧૩, ૧૪. રાબશાકેહની દલીલો છતાં, સમરૂન પર જે વીત્યું એ યહુદાહને શા માટે લાગુ પડતું ન હતું?
૧૩ હજુ રાબશાકેહ બીજી એક ચાલ વાપરે છે. તે યહુદીઓને કહે છે કે, જો હિઝકીયાહ એમ જણાવે કે “યહોવાહ આપણને છોડાવશે,” તો તેનું માનશો નહિ. રાબશાકેહ યાદ કરાવે છે કે આશ્શૂરીઓના હાથમાંથી સમરૂનના દેવો દસ કુળના રાજ્યને છોડાવી શક્યા નથી. તેમ જ, બીજી પ્રજાઓ વિષે શું, જેઓને આશ્શૂરે જીતી લીધી છે? તે પૂછે છે: “હમાથ તથા આર્પાદના દેવો કયા છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરૂનને છોડાવ્યું છે?—યશાયાહ ૩૬:૧૮-૨૦.
૧૪ ખરું જોતાં, જૂઠા દેવોને માનનારા રાબશાકેહને ક્યાં ભાન છે કે, ધર્મત્યાગી સમરૂન અને હિઝકીયાહના યરૂશાલેમમાં આભ-જમીનનો ફરક છે? સમરૂનના જૂઠા દેવોમાં દસ કુળને બચાવવાની કોઈ શક્તિ ન હતી. (૨ રાજાઓ ૧૭:૭, ૧૭, ૧૮) બીજી બાજુ, હિઝકીયાહના હાથ નીચેના યરૂશાલેમે જૂઠા દેવો તરફ પીઠ વાળી છે, અને હવે યહોવાહની ભક્તિ કરવા લાગ્યા છે. જો કે યહુદાહના ત્રણ પ્રતિનિધિઓ રાબશાકેહને આ બધું સમજાવતા નથી. “તેઓ છાના રહ્યા, ને તેના જવાબમાં એકે શબ્દ બોલ્યા નહિ; કેમકે રાજાની આજ્ઞા એવી હતી, કે તેને ઉત્તર આપવો નહિ.” (યશાયાહ ૩૬:૨૧) એલ્યાકીમ, શેબ્ના અને યોઆહ પાછા આવીને રાબશાકેહે જે કહ્યું એનો અહેવાલ હિઝકીયાહને આપે છે.—યશાયાહ ૩૬:૨૨.
હિઝકીયાહ નિર્ણય કરે છે
૧૫. (ક) હવે હિઝકીયાહે કયો નિર્ણય કરવાનો છે? (ખ) યહોવાહ પોતાના લોકોને કેવી ખાતરી આપે છે?
૧૫ હવે, હિઝકીયાહ રાજાએ નિર્ણય લેવાનો છે. શું હવે યરૂશાલેમ આશ્શૂરીઓને શરણે જશે, કે મિસર સાથે ભળી જશે કે પછી, પોતે જ લડશે? હિઝકીયાહ પર બહુ જ દબાણ છે. તે પોતે યહોવાહના મંદિરમાં જાય છે અને એલ્યાકીમ, શેબ્ના તથા યાજકોના વડીલોને યશાયાહ પ્રબોધક પાસે મોકલે છે, જેથી તે યહોવાહની સલાહ માંગે. (યશાયાહ ૩૭: ૧, ૨) તાટ પહેરીને, રાજાના પ્રતિનિધિઓ યશાયાહ પાસે જાય છે અને કહે છે: “આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; . . . આશ્શૂરના રાજાએ પોતાના સેવક રાબશાકેહને જીવતા દેવની નિંદા કરવા સારૂ મોકલ્યો છે. કદાચ તેના સર્વ શબ્દો તારો દેવ યહોવાહ સાંભળશે, ને તે સાંભળીને તેને માટે તે તેઓને ધમકાવે.” (યશાયાહ ૩૭:૩-૫) હા, આશ્શૂરીઓ જીવતા પરમેશ્વરની નિંદા કરી રહ્યા હતા! શું યહોવાહ તેઓના મહેણાંનો જવાબ આપશે? યશાયાહ દ્વારા યહોવાહ યહુદીઓને ખાતરી આપે છે: “જે શબ્દો તેં સાંભળ્યા છે. એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; અને ત્યાં હું તેને તરવારથી મારી નંખાવીશ.”—યશાયાહ ૩૭:૬, ૭.
૧૬. સાન્હેરીબે કયા પત્રો મોકલ્યા હતા?
૧૬ એ સમય દરમિયાન, રાબશાકેહ પાછો જાય છે, કેમ કે તેને લિબ્નાહની વિરુદ્ધ લડવા, સાન્હેરીબની સાથે જવાનું કહેવામાં આવે છે. સાન્હેરીબ યરૂશાલેમને તો પછીથી જોઈ લેશે. (યશાયાહ ૩૭:૮) તેમ છતાં, રાબશાકેહનો ત્યાંથી ચાલ્યા જવાનો અર્થ એમ થતો નથી કે, હિઝકીયાહ પરનું દબાણ ઓછું થઈ ગયું હોય. હવે સાન્હેરીબ ધમકી આપતા પત્રો મોકલે છે, અને વર્ણવે છે કે જો યરૂશાલેમના લોકો શરણે નહિ થાય, તો તેઓની શું હાલત થઈ શકે: “આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; અને શું તારો બચાવ થશે? જે પ્રજાઓનો . . . મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું? હમાથનો, આર્પાદનો, સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઈવ્વાહનો રાજા ક્યાં છે?” (યશાયાહ ૩૭:૯-૧૩) આશ્શૂરીઓ એક જ ગાણું ગાતા હતા કે, શરણે થવાની ના પાડવામાં મૂર્ખાઈ છે, એનાથી વધારે મુશ્કેલીઓ જ આવશે!
૧૭, ૧૮. (ક) યહોવાહનું રક્ષણ માંગવા પાછળ, હિઝકીયાહનો શું ધ્યેય હતો? (ખ) યહોવાહ, યશાયાહ દ્વારા આશ્શૂરને કઈ રીતે જવાબ આપે છે?
૧૭ હિઝકીયાહને ખબર હતી કે તે જે કંઈ નિર્ણય કરશે, એના પરિણામ કેવા આવી શકે. તેથી, તે સાન્હેરીબના પત્રો લઈને યહોવાહના મંદિરમાં જાય છે, અને યહોવાહની આગળ એ ખુલ્લા મૂકે છે. (યશાયાહ ૩૭:૧૪) તે દિલથી પ્રાર્થના કરીને, યહોવાહને કાલાવાલા કરે છે કે તે આશ્શૂરીની ધમકીઓને ધ્યાન આપે. તે આમ કહી પ્રાર્થના પૂરી કરે છે: “હવે, હે અમારા દેવ યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજે, કે પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તું જ એકલો યહોવાહ છે.” (યશાયાહ ૩૭:૧૫-૨૦) આ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે હિઝકીયાહની પહેલી ચિંતા પોતાનો છુટકારા વિષે ન હતી. પરંતુ, જો આશ્શૂર યરૂશાલેમ જીતી લે તો, યહોવાહનું નામ જે રીતે બદનામ થશે, એની તેને ચિંતા હતી.
૧૮ યહોવાહ હિઝકીયાહની પ્રાર્થનાનો જવાબ યશાયાહ દ્વારા આપે છે. યરૂશાલેમ આશ્શૂરને શરણે નહિ થાય, પણ તે પોતે અડગ રહેશે. જાણે સાન્હેરીબને કહેતા હોય એમ, યશાયાહ હિંમતથી યહોવાહનો સંદેશો આશ્શૂરને જણાવે છે: “સિયોનની કુંવારી દીકરીએ તેને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢ્યો છે; યરૂશાલેમની દીકરીએ [હાંસી ઉડાવીને] તારી તરફ ડોકું ધુણાવ્યું છે.” (યશાયાહ ૩૭:૨૧, ૨૨) પછી યહોવાહ જાણે કહે છે કે, ‘ઈસ્રાએલના પવિત્ર દેવની નિંદા કરનાર તું કોણ? હું તારા સર્વ કાર્યો જાણું છું. તારા તો મોટા મોટા સ્વપ્નો છે અને તું બહુ મોટી બડાઈઓ મારે છે. તને તારા સૈન્યોની શક્તિનું બહુ ઘમંડ છે અને તેં બહુ દેશો જીતી લીધા છે. પરંતુ, તું અજેય નથી. હું તારી બધી યોજનાઓ નિષ્ફળ કરીશ. હું તને જીતી લઈશ. પછી, જેમ તેં બીજાઓને કર્યું છે, એમ જ હું તને પણ કરીશ. હું તારા નાકમાં કડી ઘાલીને તને પાછો આશ્શૂર મોકલીશ!’—યશાયાહ ૩૭:૨૩-૨૯.
“તારે સારૂ આ ચિહ્ન થશે”
૧૯. યહોવાહ, હિઝકીયાહને કયું ચિહ્ન આપે છે અને એનો શું અર્થ થાય છે?
૧૯ યશાયાહની ભવિષ્યવાણી પૂરી થશે એની હિઝકીયાહને કઈ ખાતરી છે? યહોવાહ જવાબ આપે છે: “તારે સારૂ આ ચિહ્ન થશે: આ વર્ષે પોતાની મેળે નીપજેલું ધાન્ય તમે ખાશો, અને બીજે વર્ષે એના પીલામાંથી નીપજેલું ધાન્ય તમે ખાશો; અને ત્રીજે વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો.” (યશાયાહ ૩૭:૩૦) યહોવાહ આ ફસાયેલા યહુદીઓને ખોરાક પૂરો પાડશે. આશ્શૂરીઓને કારણે તેઓ આ વર્ષે બી વાવી શક્યા ન હતા છતાં, તેઓ ગયા વર્ષની એકઠી કરેલી ફસલમાંથી ખાશે. એ પછીનું વર્ષ સાબ્બાથ હતું. તેથી, તેઓની કપરી હાલત હોવા છતાં, તેઓએ જમીન પડતર રહેવા દેવાની હતી. (નિર્ગમન ૨૩:૧૧) યહોવાહે વચન આપ્યું કે જો લોકો તેમની આજ્ઞા પાળશે તો, તેઓ માટે પૂરતું અનાજ ખેતરોમાં પાકશે. પછી, ત્રીજા વર્ષે, તેઓ સામાન્ય વર્ષની જેમ, બી વાવી શકશે અને પોતાની મહેનતનાં ફળ ખાય શકશે.
૨૦. આશ્શૂરના હુમલામાંથી બચી જનારાઓ કઈ રીતે “નીચે પોતાની જડ ઘાલશે, ને તેને ફળ આવશે”?
૨૦ હવે, યહોવાહ પોતાના લોકોને એવા છોડ સાથે સરખાવે છે, જે જડમૂળથી સહેલાઈથી કાઢી શકાતો નથી: “યહુદાહના કુળનો બચેલો ભાગ ફરીથી નીચે પોતાની જડ ઘાલશે, ને તેને ફળ આવશે.” (યશાયાહ ૩૭:૩૧, ૩૨) ખરેખર, યહોવાહમાં પૂરો ભરોસો મૂકનારને બીવાની કોઈ જ જરૂર નથી. તેઓ અને તેઓના સંતાનો દેશમાં સુખેથી રહેશે.
૨૧, ૨૨. (ક) સાન્હેરીબ વિષે શું ભાખવામાં આવ્યું? (ખ) સાન્હેરીબ વિષે યહોવાહના શબ્દો કઈ રીતે અને ક્યારે પૂરા થયા?
૨૧ યરૂશાલેમ વિરુદ્ધ આશ્શૂરીઓની ધમકીઓ વિષે શું? યહોવાહ જવાબ આપે છે: “તે આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચા બાંધશે નહિ. જે માર્ગે તે આવ્યો તેજ માર્ગે તે પાછો જશે, અને તે આ નગર પાસે આવશે નહિ.” (યશાયાહ ૩૭:૩૩, ૩૪) યરૂશાલેમ અને આશ્શૂર વચ્ચે યુદ્ધ લડાશે નહિ. નવાઈની વાત તો એ છે કે, યહુદીઓ નહિ પણ આશ્શૂરીઓ લડ્યા વિના હારી જશે.
૨૨ યહોવાહના વચન પ્રમાણે જ, તેમનો એક સ્વર્ગદૂત આવીને સાન્હેરીબના ૧,૮૫,૦૦૦ શૂરવીરોને મારી નાખે છે. આ લિબ્નાહમાં બને છે. સાન્હેરીબ પોતે જાગીને જુએ છે તો, તેના લશ્કરના આગેવાનો, સરદારો અને શૂરવીરો મરેલાં પડ્યા છે. હવે એનું નાક કપાયું, એટલે તે નીનવેહ પાછો ભાગી ગયો. પરંતુ, આટલી મોટી હાર ખાધા પછી પણ, તે હઠીલો થઈને તેના જૂઠા દેવ નિસ્રોખનો ભક્ત રહે છે. અમુક વર્ષો પછી, સાન્હેરીબ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો ત્યારે, સાન્હેરીબના પોતાના દીકરાઓએ આવીને તેને મારી નાખ્યો. ફરી એકવાર, નિર્જિવ નિસ્રોખ તેને બચાવવા કંઈ કરી ન શક્યો.—યશાયાહ ૩૭:૩૫-૩૮.
હિઝકીયાહનો વિશ્વાસ હજુ દૃઢ થયો
૨૩. સાન્હેરીબ પહેલી વાર યહુદાહની વિરુદ્ધ આવે છે ત્યારે હિઝકીયાહ પર કઈ મોટી મુશ્કેલી આવી પડે છે, અને એનું શું પરિણામ આવી શકે?
૨૩ સાન્હેરીબ પહેલી વાર યહુદાહની વિરુદ્ધ આવે છે ત્યારે, હિઝકીયાહ ખૂબ જ માંદો પડે છે. યશાયાહ તેને કહે છે કે તે મરણ પામશે. (યશાયાહ ૩૮:૧) ફક્ત ૩૯ વર્ષના રાજાને માથે આભ તૂટી પડ્યું. તે કંઈ પોતાના જ વિષે ચિંતા કરતો ન હતો, પણ લોકોના ભાવિની એને મોટી ચિંતા હતી. યરૂશાલેમ અને યહુદાહ પર આશ્શૂરીઓના હુમલાનો ખતરો હતો. હિઝકીયાહ મરણ પામે તો, લડાઈમાં આગેવાની કોણ લેશે? એ સમયે, હિઝકીયાહને કોઈ પુત્ર ન હતો, જે તેના પછી રાજપદ લે. તેથી, હિઝકીયાહે યહોવાહને પ્રાર્થના કરીને દયાની ભીખ માંગી.—યશાયાહ ૩૮:૨, ૩.
૨૪, ૨૫. (ક) યહોવાહ, હિઝકીયાહની પ્રાર્થનાનો કઈ રીતે જવાબ આપે છે? (ખ) યશાયાહ ૩૮:૭, ૮ પ્રમાણે યહોવાહ કયો ચમત્કાર કરે છે?
૨૪ રાજાને કહીને યશાયાહ હજુ તો મહેલના આંગણામાં જ હતા, અને યહોવાહે તેમને ફરીથી રાજાની પાસે બીજા સંદેશા સાથે મોકલ્યા: “તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારાં આંસુ મેં જોયાં છે; હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ. હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.” (યશાયાહ ૩૮:૪-૬; ૨ રાજાઓ ૨૦:૪, ૫) યહોવાહ તેને નવાઈ પમાડતી નિશાની આપીને પોતાના વચનની ખાતરી આપે છે: “જો, આહાઝના દાદરના પગથિયાં પરના નીચે ગયેલા પડછાયાને હું દશ પગથિયાં પાછો હઠાવીશ.”—યશાયાહ ૩૮:૭, ૮ ક, NW.
૨૫ યહુદી ઇતિહાસકાર જોસેફસ પ્રમાણે, હિઝકીયાહના રાજમહેલમાં પગથિયાં હતા, જેની નજીક કદાચ સ્તંભ હતો. સૂર્યના કિરણો એ સ્તંભ પર પડતા ત્યારે, તેનો પડછાયો પગથિયાં પર પડતો હતો. વ્યક્તિ પગથિયાં પર પડતા પડછાયા પરથી કહી શકે કે દિવસના કેટલા વાગ્યા હતા. હવે, યહોવાહ ચમત્કાર કરવાના હતા. સામાન્ય રીતે, પડછાયો પગથિયાં પર નીચે ગયા પછી, એ પાછો ઊંચે દસ પગથિયાં ચઢશે. આવું બનતા કોણે સાંભળ્યું છે? બાઇબલ જણાવે છે કે “તેથી, ધીમે ધીમે નીચે ગયેલો સૂરજનો પડછાયો દશ પગથિયાં પાછો હઠ્યો.” (યશાયાહ ૩૮:૮ ખ, NW) એ પછી થોડા સમયમાં જ, હિઝકીયાહ સાજો થયો. આ અજાયબ વાત બાબેલોન સુધી પહોંચી જાય છે. બાબેલોનનો રાજા એ સાંભળે છે ત્યારે, હકીકત જાણવા તે પોતાના માણસોને યરૂશાલેમ મોકલે છે.
૨૬. હિઝકીયાહનું જીવન લંબાવવામાં આવ્યું, એનું એક પરિણામ શું આવ્યું?
૨૬ હિઝકીયાહ બીમારીમાંથી ચમત્કારિક રીતે સાજો થયો, એના લગભગ ત્રણ વર્ષ પછી તેના પહેલા પુત્ર મનાશ્શેહનો જન્મ થયો. મનાશ્શેહ મોટો થાય છે પછી, તે યહોવાહના પ્રેમની કદર કરતો નથી, જેના વિના તે જન્મ્યો પણ ન હોત! તેના મોટા ભાગના જીવનમાં, મનાશ્શેહે જે યહોવાહની નજરમાં બહુ જ ભૂંડું હતું, એ મોટા પ્રમાણમાં કર્યું.—૨ કાળવૃત્તાંત ૩૨:૨૪; ૩૩:૧-૬.
હિઝકીયાહની ભૂલ
૨૭. હિઝકીયાહ કઈ રીતે યહોવાહ માટે કદર બતાવે છે?
૨૭ હિઝકીયાહ પોતાના પૂર્વજ દાઊદની જેમ વફાદાર સેવક છે. તે યહોવાહના વચનો બહુ મૂલ્યવાન ગણે છે. નીતિવચનો ૨૫:૧ પ્રમાણે, તેણે નીતિવચનોના ૨૫થી ૨૯ અધ્યાયોની માહિતી ભેગી કરવાની ગોઠવણ કરી હતી. કેટલાકનું માનવું છે કે ૧૧૯મું ગીત પણ તેણે રચ્યું હતું. પોતાની બીમારીમાંથી સાજા થવાની કદરરૂપે, હિઝકીયાહે રચેલું એ ગીત બતાવે છે કે તેને કેવી ઊંડી લાગણી હતી. તે સમાપ્તિ કરતા કહે છે કે “આખી જિંદગી સુધી” યહોવાહના મંદિરમાં તેમની સેવા કરવાની એમની ઇચ્છા છે. (યશાયાહ ૩૮:૯-૨૦) ચાલો આપણે પણ શુદ્ધ ભક્તિ વિષે એવી જ લાગણી રાખીએ!
૨૮. હિઝકીયાહ ચમત્કારિક રીતે સાજો થયાના થોડા સમય બાદ, નિર્ણય લેવામાં કઈ ભૂલ કરે છે?
૨૮ હિઝકીયાહ વફાદાર છતાં, અપૂર્ણ હતો. યહોવાહ તેને સાજો કરે છે, એના થોડા સમય પછી તે નિર્ણય લેવામાં બહુ મોટી ભૂલ કરે છે. યશાયાહ સમજાવે છે: “તે વેળાએ બાબેલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકીયાહ પર પત્રો લખીને ભેટ મોકલી; કેમકે તેણે સાંભળ્યું હતું કે હિઝકીયાહ માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે. હિઝકીયાહ તેને લીધે ખુશ થયો, ને તેણે પોતાનો ભંડાર, એટલે સોનુંરૂપું, સુગંધીદ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રગૃહ, તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને દેખાડ્યું; તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે તેણે તેમ ને દેખાડ્યું નહિ હોય.”—યશાયાહ ૩૯:૧, ૨.b
૨૯. (ક) બાબેલોનથી આવેલા લોકોને પોતાનો ખજાનો બતાવવા પાછળ, હિઝકીયાહનો કયો ધ્યેય હોય શકે? (ખ) હિઝકીયાહે કરેલી ભૂલના કયા પરિણામો આવવાના હતા?
૨૯ યહોવાહના સ્વર્ગદૂત દ્વારા થયેલી વિનાશક હાર છતાં, આશ્શૂર, બાબેલોન સહિત બીજા દેશોને ધમકાવતું રહે છે. હિઝકીયાહ કદાચ બાબેલોનના રાજાને પ્રભાવિત કરવા માંગતો હશે, જેથી ભાવિમાં મિત્રતા બાંધી શકાય. તેમ છતાં, યહોવાહ ચાહતા ન હતા કે યહુદાહના લોકો પોતાના દુશ્મનો સાથે મિત્રતા બાંધે; તે ચાહતા હતા કે તેઓ પોતાનામાં પૂરો ભરોસો મૂકે! હવે યહોવાહ, પ્રબોધક યશાયાહ દ્વારા હિઝકીયાહને તેનું ભાવિ કહે છે: “એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તથા તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ બાબેલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મૂકાશે નહિ, . . . તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને તું જન્મ આપશે, તેઓને તેઓ લઇ જશે; અને તેઓ બાબેલના રાજાના મહેલમાં ખોજા થશે.” (યશાયાહ ૩૯:૩-૭) ખરેખર, હિઝકીયાહ જેને પ્રભાવિત કરવા માંગતો હતો, એ જ દેશ આખરે યરૂશાલેમનો ખજાનો લૂંટી લેશે અને તેની પ્રજાને ગુલામ બનાવી લઈ જશે. હિઝકીયાહે પોતાનો ખજાનો બાબેલોની લોકોને બતાવીને મોટી ભૂલ કરી. એનાથી તો તેઓનો લોભ વધારે જાગ્યો.
૩૦. હિઝકીયાહે કઈ રીતે સારું વલણ બતાવ્યું?
૩૦ હિઝકીયાહે બાબેલોની લોકોને પોતાનો ખજાનો બતાવ્યો, એ બનાવ વિષે ૨ કાળવૃત્તાંત ૩૨:૨૬ કહે છે કે, “હિઝ્કીયાહ પોતાનો અભિમાન છોડીને છેક દિન બની ગયો, એટલે તેના પર તથા યરૂશાલેમના રહેવાસીઓ પર યહોવાહનો કોપ હિઝ્કીયાહના સમયમાં આવ્યો નહિ.”
૩૧ હિઝકીયાહ અપૂર્ણ હોવા છતાં, વિશ્વાસુ હતો. તે જાણતો હતો કે યહોવાહ જીવંત પરમેશ્વર છે, અને તેમને પણ લાગણી છે. હિઝકીયાહ પુષ્કળ દબાણમાં હતો ત્યારે, તેણે યહોવાહને કાલાવાલા કર્યા અને તેમણે તેની પ્રાર્થનાઓ સાંભળી. યહોવાહે તેના બાકીના જીવન દરમિયાન તેને શાંતિ આપી, જે માટે હિઝકીયાહે ઘણી જ કદર બતાવી. (યશાયાહ ૩૯:૮) આજે આપણે પણ યહોવાહને એ જ રીતે જોવા જોઈએ. મુશ્કેલીઓ આવે ત્યારે, આપણે પણ હિઝકીયાહની જેમ, યહોવાહનું ડહાપણ અને માર્ગદર્શન શોધીએ, કેમ કે ‘તે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી.’ (યાકૂબ ૧:૫) આપણે યહોવાહમાં પૂરો ભરોસો રાખીને તેમને વળગી રહીએ તો, આપણે પણ ખાતરી રાખી શકીએ કે, ખંતથી તેમને શોધનારાને તે હમણાં અને ભાવિમાં જરૂર બદલો આપશે.—હેબ્રી ૧૧:૬.
[ફુટનોટ્સ]
a આજની કિંમત ૯૫ લાખ (યુ.એસ.) ડૉલર કરતાં વધારે.
b સાન્હેરીબની હાર પછી, આજુબાજુના દેશો હિઝકીયાહ માટે સોના, ચાંદી, અને બીજી કિંમતી વસ્તુઓની ભેટ લાવ્યા. આપણે ૨ કાળવૃત્તાંત ૩૨:૨૨, ૨૩, ૨૭માં વાંચીએ છીએ કે, “હિઝ્કીયાહને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું,” અને “આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.” આ ભેટોને કારણે તે પોતાનો ખજાનાનો ભંડાર ફરીથી ભરી શક્યો હશે, જે તેણે આશ્શૂરીઓને ખંડણી ભરી આપવા ખાલી કરવો પડ્યો હતો.
૩૧. હિઝકીયાહ માટે પછીનું જીવન કેવું હતું, અને એ આપણને શું શીખવે છે?
[પાન ૩૮૩ પર ચિત્ર]
હિઝકીયાહ રાજા યહોવાહમાં પૂરો ભરોસો રાખે છે, જ્યારે શક્તિશાળી આશ્શૂર આવી ચડે છે
[પાન ૩૮૪ પર આખા પાનાનું ચિત્ર]
[પાન ૩૮૯ પર ચિત્ર]
રાજા પ્રતિનિધિઓને યશાયાહ પાસે મોકલીને યહોવાહની સલાહ માંગે છે
[પાન ૩૯૦ પર ચિત્ર]
હિઝકીયાહ પ્રાર્થના કરે છે કે આશ્શૂરની હારથી યહોવાહનું નામ મોટું મનાય
[પાન ૩૯૩ પર ચિત્ર]
યહોવાહનો સ્વર્ગદૂત ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને મારી નાખે છે