યહોવાહને મનગમતું હૃદય કેળવો
“હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.”—ગીતશાસ્ત્ર ૫૧:૧૦.
તેકદમાં ઊંચો અને દેખાવમાં સુંદર હતો. તેને જોતા જ, પ્રબોધક શમૂએલ ખૂબ પ્રભાવિત થઈ ગયા અને તેમણે વિચાર્યું કે યિશાઈના સૌથી મોટા દીકરાને યહોવાહે શાઊલ પછી રાજા તરીકે પસંદ કર્યો છે. પરંતુ, યહોવાહે કહ્યું: “તેના [એ દીકરાના] મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમકે મેં એને નાપસંદ કર્યો છે; . . . કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” યહોવાહે યિશાઈના સૌથી નાના દીકરા, દાઊદને પસંદ કર્યો કે જે તેમનો “મનગમતો” હતો.—૧ શમૂએલ ૧૩:૧૪; ૧૬:૭.
૨ યહોવાહ મનુષ્યના હૃદયમાં શું છે એ જોઈ શકે છે તેથી, તેમણે પછીથી સ્પષ્ટ કર્યું: “હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંતઃકરણને પારખું છું, કે હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.” (યિર્મેયાહ ૧૭:૧૦) હા, “અંતઃકરણને પારખનાર યહોવાહ છે.” (નીતિવચનો ૧૭:૩) તો પછી, યહોવાહ માણસોના હૃદયમાં શું પારખે છે? આપણે તેમને મનપસંદ હૃદય કેળવવા માટે શું કરવું જોઈએ?
‘અંતઃકરણમાં રહેલું ગુપ્ત મનુષ્યત્વ’
૩ બાઇબલમાં હેબ્રી શબ્દમાંથી ભાષાંતર પામેલો શબ્દ “હૃદય” હજારો વખત આવે છે. પરંતુ, ગુજરાતી બાઇબલમાં દરેક વખતે “હૃદય” ભાષાંતર કરવામાં આવ્યું નથી. એને બદલે, અંતઃકરણ, ચિત્ત અને મન એમ વિવિધ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટે ભાગે એનો રૂપકાત્મક અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, યહોવાહે પ્રબોધક મુસાને કહ્યું: “ઈસ્રાએલપુત્રોને કહે, કે તેઓ મારે સારૂ દાન ઉઘરાવે; જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારૂં દાન ઉઘરાવો.” વળી, ‘જેઓના અંતઃકરણમાં આપવાની ઇચ્છા હતી તે સર્વએ’ દાન કર્યું. (નિર્ગમન ૨૫:૨૩; ૩૫:૨૧) સ્પષ્ટપણે, રૂપકાત્મક હૃદયનું એક પાસું પ્રેરણા અર્થાત્ આંતરિક શક્તિ છે કે જે આપણને કાર્ય કરવા માટે પ્રેરે છે. આપણું રૂપકાત્મક હૃદય આપણી લાગણીઓ, ભાવનાઓ, ઇચ્છાઓ અને પ્રેમને બતાવે છે. હૃદય ગુસ્સો કરી શકે અથવા ભયભીત પણ થઈ શકે. એ દુઃખથી નિરાશ થઈ શકે અથવા આનંદથી ઊભરાઈ પણ શકે. (ગીતશાસ્ત્ર ૨૭:૩; ૩૯:૩; યોહાન ૧૬:૨૨; રૂમી ૯:૨) એ અભિમાની કે નમ્ર, પ્રેમ કે ધિક્કારથી ભરેલું પણ બની શકે છે.—નીતિવચનો ૧૬:૫; માત્થી ૧૧:૨૯; ૧ પીતર ૧:૨૨.
૪ તેથી, “હૃદય” માટે ઉપયોગમાં લેવામાં આવેલો હેબ્રી શબ્દ, ઘણી વાર પ્રેરણાઓ અને લાગણીઓ સાથે સંકળાયેલો છે, જ્યારે “મન” ખાસ કરીને બુદ્ધિ સાથે સંકળાયેલું છે. બાઇબલમાં આ શબ્દોને એક જ કલમમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે, એનો એ જ અર્થ થાય છે. (માત્થી ૨૨:૩૭; ફિલિપી ૪:૭) પરંતુ, હેબ્રીમાં હૃદય અને મન શબ્દો એકબીજાથી એકદમ ભિન્ન નથી. દાખલા તરીકે, મુસાએ ઈસ્રાએલીઓને વિનંતી કરી: “તું જાણ તથા તારા અંતઃકરણમાં [અથવા હેબ્રીમાં “હૃદયમાં,”] ઠસાવ, કે . . . યહોવાહ તેજ દેવ છે.” (પુનર્નિયમ ૪:૩૯) પોતાની વિરુદ્ધ કાવતરું ઘડતા ફરોશીઓને ઈસુએ કહ્યું: “તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો?” (માત્થી ૯:૪) હૃદય સાથે “બુદ્ધિવંત,” “વિદ્યા” અને ‘વિચાર’ પણ સંકળાયેલા છે. (૧ રાજાઓ ૩:૧૨; નીતિવચનો ૧૫:૧૪; માર્ક ૨:૬) તેથી, રૂપકાત્મક હૃદયમાં આપણી બુદ્ધિ, એટલે કે આપણા વિચારો અને આપણી સમજણનો પણ સમાવેશ થઈ શકે છે.
૫ એક સંદર્ભ હૃદયનો ઉલ્લેખ કરતાં કહે છે, એ “સામાન્યત: મધ્યસ્થ ભાગ, આંતરિક ભાગનું,” “અને તેથી આંતરિક મનુષ્યત્વનું” પ્રતિક કહેવાય છે, “જે માણસની સર્વ જુદી જુદી પ્રવૃત્તિઓ, તેની ઇચ્છાઓ, લાગણીઓ, ભાવાવેશો, વાસનાઓ, હેતુઓ, તેના વિચારો, સૂઝસમજ, કલ્પનાઓ, તેના ડહાપણ, જ્ઞાન, કુશળતા, તેની માન્યતાઓ અને તેની વિચારદલીલો, તેની સ્મરણશક્તિ અને તેના સભાનપણામાં પ્રગટ થાય છે.” એ વાસ્તવમાં આપણે અંદરથી એટલે કે, ‘અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વમાં’ કેવા છીએ એ બતાવે છે. (૧ પીતર ૩:૪) યહોવાહ એ જુએ છે અને પારખે છે. તેથી, દાઊદે પ્રાર્થના કરી: “હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૦) પરંતુ, આપણે કઈ રીતે શુદ્ધ હૃદય કેળવી શકીએ?
પરમેશ્વરના શબ્દમાં ‘ચિત્ત લગાડો’
૬ વચનના દેશમાં પ્રવેશતા પહેલાં ઈસ્રાએલીઓએ મોઆબના મેદાનમાં છાવણી નાખી ત્યારે, મુસાએ તેઓને સલાહ આપતા કહ્યું: “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરૂં છું તે પર તમારૂં ચિત્ત લગાડો; અને એ વિષે તમારાં છોકરાંને આજ્ઞા કરો, કે આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં આણે.” (પુનર્નિયમ ૩૨:૪૬) ઈસ્રાએલીઓએ એને “ધ્યાન આપવાનું” હતું. (નોક્ષ) યહોવાહની આજ્ઞાઓ વિષે પૂરેપૂરા માહિતગાર હોય ત્યારે જ તેઓ પોતાનાં બાળકોને એ પ્રમાણે શીખવી શકતા હતા.—પુનર્નિયમ ૬:૬-૮.
૭ શુદ્ધ હૃદય કેળવવું હોય તો, યહોવાહની ઇચ્છા અને હેતુઓ વિષેનું ખરું જ્ઞાન લેવું જ જોઈએ. એ જ્ઞાન આપણે પરમેશ્વરના પ્રેરિત શબ્દ, બાઇબલમાંથી જ મેળવી શકીએ છીએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) તેમ છતાં, મસ્તકિયું જ્ઞાન યહોવાહને મનગમતું હૃદય કેળવવા આપણને મદદ કરતું નથી. આપણે અંદરથી ખરેખર કેવા છીએ એને જ્ઞાનની ઊંડી અસર થાય માટે, આપણે જે શીખી રહ્યા છીએ એને ‘આપણા હૃદયમાં ઉતારવું’ જોઈએ. (પુનર્નિયમ ૩૨:૪૬, એન અમેરિકન ટ્રાન્સલેશન) એ કઈ રીતે કરી શકાય? ગીતકર્તા દાઊદ કહે છે: “હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરૂં છું; તારાં સર્વ કૃત્યોનું મનન કરૂં છું; અને તારા હાથનાં કામોનો વિચાર કરૂં છું.”—ગીતશાસ્ત્ર ૧૪૩:૫.
૮ આપણે પણ યહોવાહની પ્રવૃત્તિ પર ઊંડું મનન કરવું જોઈએ. આપણે બાઇબલ કે બાઇબલ આધારિત પ્રકાશનો વાંચતા હોઈએ ત્યારે, આવા પ્રશ્નો પર મનન કરવું જોઈએ: ‘આ અહેવાલ મને યહોવાહ વિષે શું શીખવે છે? આમાંથી મને યહોવાહના કયા ગુણો જોવા મળે છે? યહોવાહને શું પસંદ છે અને શું નથી એ વિષે આ અહેવાલ મને શું શીખવે છે? યહોવાહ ધિક્કારે છે એ માર્ગ પર ચાલવા કરતાં, તેમને પસંદ છે એવા માર્ગ પર ચાલવાથી કયાં પરિણામો આવે છે? હું જે જાણું છું એની સાથે આ માહિતી કઈ રીતે સંબંધિત છે?’
૯ બત્રીસ વર્ષની લીસાa પોતે કઈ રીતે અર્થપૂર્ણ અભ્યાસ અને મનન કરતાં શીખી એ વિષે બતાવે છે: “વર્ષ ૧૯૯૪માં મારા બાપ્તિસ્મા પછી, હું લગભગ બે વર્ષ સુધી યહોવાહની ઉત્સાહથી સેવા કરતી હતી. હું બધી જ સભાઓમાં જતી, પ્રચાર કાર્યમાં દર મહિને ૩૦થી ૪૦ કલાક આપતી તેમ જ ખ્રિસ્તી ભાઈબહેનોની સંગત રાખતી હતી. ત્યાર પછી, હું ધીમે ધીમે સત્યથી દૂર જવા લાગી. હું એટલી બધી દૂર ચાલી ગઈ કે મેં પરમેશ્વરના નિયમનું પણ ઉલ્લંઘન કર્યું. પરંતુ, છેવટે મને ભાન થયું અને મેં બાઇબલ ધોરણો પ્રમાણે જીવવાનું ફરીથી નક્કી કર્યું. હવે હું કેટલી ખુશ છું કે યહોવાહે મારો પસ્તાવો સ્વીકાર્યો અને મને પાછી સ્વીકારી! હું હંમેશા વિચારતી: ‘શા માટે હું સત્યથી દૂર જતી રહી હતી?’ મને મારા મનમાં એનો એ જવાબ મળ્યો કે હું અર્થપૂર્ણ બાઇબલ અભ્યાસ અને મનન કરતી ન હતી. બાઇબલ સત્ય મારા હૃદય સુધી પહોંચ્યું ન હતું. ત્યારથી, બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ અને મનન મારા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે.” આપણે યહોવાહ, તેમના દીકરા અને બાઇબલના જ્ઞાનમાં વધતા જઈએ તેમ, એના પર અર્થપૂર્ણ મનન કરીએ એ કેટલું મહત્ત્વનું છે!
૧૦ આ વ્યસ્ત જગતમાં, અભ્યાસ અને મનન માટે સમય ફાળવવો એ ઘણું મુશ્કેલ છે. તેમ છતાં, આજે આપણે વચનના દેશ એટલે કે પરમેશ્વરની ન્યાયી નવી દુનિયાના ઉંબરે આવીને ઊભા છીએ. (૨ પીતર ૩:૧૩) ‘મહાન બાબેલોનનો’ વિનાશ અને યહોવાહના લોકો પર ‘માગોગ દેશનો ગોગ’ હુમલો કરશે જેવા ચોંકાવનારા બનાવો એકદમ નજીક છે. (પ્રકટીકરણ ૧૭:૧, ૨, ૫, ૧૫-૧૭; હઝકીએલ ૩૮:૧-૪, ૧૪-૧૬; ૩૯:૨) ભવિષ્યમાં થનારી બાબતોને લીધે યહોવાહ માટેના આપણા પ્રેમની કસોટી થઈ શકે. તેથી, એ કેટલું તાકીદનું છે કે આપણે સમયનો સદુપયોગ કરીએ અને પરમેશ્વરના શબ્દને આપણા હૃદયમાં ઉતારીએ!—એફેસી ૫:૧૫, ૧૬.
‘પરમેશ્વરનો શબ્દ શીખવામાં તમારું હૃદય લગાડો’
૧૧ હૃદયને જમીન સાથે સરખાવી શકાય કે જેમાં સત્યના બી વાવી શકાય છે. (માત્થી ૧૩:૧૮-૨૩) જમીનને સામાન્ય રીતે સારો પાક થાય એ માટે ખેડવામાં આવે છે. એવી જ રીતે, હૃદયને પણ આપણે સારી રીતે તૈયાર કરવું જોઈએ જેથી એ પરમેશ્વરના શબ્દને તરત જ સ્વીકારી શકે. એઝરા યાજકે, ‘યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, પોતાનું મન લગાડેલું હતું.’ (એઝરા ૭:૧૦) આપણે કઈ રીતે પોતાનું હૃદય તૈયાર કરી શકીએ?
૧૨ આપણે પ્રાર્થનાપૂર્વક પરમેશ્વરના શબ્દને ધ્યાનથી વાંચીએ છીએ ત્યારે આપણા હૃદયને તૈયાર કરીએ છીએ. ખ્રિસ્તી મંડળમાં સભાઓની શરૂઆત અને સમાપ્તિ પ્રાર્થનાથી થાય છે. તેથી, આપણે વ્યક્તિગત બાઇબલ અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી કરીએ અને આપણા અભ્યાસ માટે એવું આત્મિક વલણ જાળવી રાખીએ એ કેટલું મહત્ત્વનું છે!
૧૩ સૌ પ્રથમ, હૃદયમાંથી ખોટી માન્યતાઓ કાઢી નાખવી જોઈએ. પરંતુ, ઈસુના સમયના ધાર્મિક આગેવાનો એ કરવા માટે તૈયાર ન હતા. (માત્થી ૧૩:૧૫) બીજી બાજુ, ઈસુની માતા મરિયમે પોતે સાંભળેલી સત્ય બાબતોને “મનમાં” રાખી. (લુક ૨:૧૯, ૫૧) તે ઈસુની વિશ્વાસુ શિષ્ય બની. થુઆતૈરાની લુદીઆએ પાઊલનું સાંભળ્યું ‘ત્યારે, પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું, કે તેણે વાતો લક્ષમાં લીધી.’ તે પણ વિશ્વાસુ સેવિકા બની. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪, ૧૫) આપણે કદી પણ વ્યક્તિગત માન્યતા કે સિદ્ધાંતને જડપણે વળગી રહેવું જોઈએ નહિ. એને બદલે, “દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ દેવ સાચો ઠરો.”—રૂમી ૩:૪.
૧૪ સભાઓમાં ધ્યાનથી સાંભળવા માટે હૃદય તૈયાર કરીએ એ પણ ખૂબ મહત્ત્વનું છે. સાંભળવામાં ખલેલ પહોંચવાથી આપણું ધ્યાન બીજી બાબત પર ખેંચાઈ શકે. જો આપણે દિવસ દરમિયાન બનેલી બાબતો પર કે આવતી કાલે આપણે શું કરવાના છીએ એ વિષે વિચાર કરતા હોઈશું તો, જે કંઈ કહેવામાં આવી રહ્યું છે એનો આપણને કંઈ લાભ થશે નહિ. આપણને જે કહેવામાં આવે છે એમાંથી પૂરેપૂરો લાભ લેવો હોય તો, આપણે ધ્યાનથી સાંભળવા અને શીખવા આતુર હોવા જોઈએ. આપણને જે શાસ્ત્રવચનો સમજાવવામાં આવી રહ્યાં છે એના પર ધ્યાન આપીશું તો, આપણને એનો કેટલો લાભ થશે!—નહેમ્યાહ ૮:૫-૮, ૧૨.
૧૫ જમીનમાં પૂરતા પ્રમાણમાં ખાતર નાખવાથી એની ફળદ્રુપતા વધે છે તેમ, નમ્રતા, યહોવાહના જ્ઞાન માટેની ભૂખ, વિશ્વાસ, પરમેશ્વરનો ભય અને તેમના પ્રત્યે પ્રેમ કેળવવાથી આપણા હૃદયની ફળદ્રુપતા વધશે. નમ્રતા આપણા હૃદય નરમ બનાવે છે અને એ આપણને વધારે શીખવી શકાય એવા બનવા મદદ કરે છે. યહોવાહે યહુદાહના રાજા યોશીયાહને કહ્યું: “હું આ જગા વિષે તથા તેમાંના સઘળા રહેવાસીઓ વિષે જે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે તે સાંભળીને તારૂં હૃદય નમ્ર થયું, ને યહોવાહ આગળ તું લીન થઈ ગયો, ને તારાં વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં પણ તારૂં સાંભળ્યું છે.” (૨ રાજાઓ ૨૨:૧૯) યોશીયાહનું હૃદય નમ્ર હતું. નમ્રતાને લીધે ઈસુના ‘અભણ તથા અજ્ઞાની’ શિષ્યોએ આત્મિક સત્ય સમજીને એને પોતાના જીવનમાં લાગુ પાડ્યું, જ્યારે કે ‘જ્ઞાનીઓ તથા બુદ્ધિમાનો’ એ સમજી શક્યા નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩; લુક ૧૦:૨૧) આપણે યહોવાહને મનપસંદ હૃદય કેળવવા પ્રયત્ન કરતા હોઈએ તો, “દેવની સંમુખ દીન” થવું જોઈએ.—એઝરા ૮:૨૧.
૧૬ ઈસુએ કહ્યું: “પોતાની આત્મિક જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે.” (માત્થી ૫:૩, પ્રેમસંદેશ) આપણે આત્મિક જ્ઞાન લઈ શકીએ એ રીતે આપણને બનાવવામાં આવ્યા છે. તેમ છતાં, આ દુષ્ટ જગતમાંથી આવતાં દબાણો કે આળસને લીધે આપણી આત્મિક ભૂખ મરી જઈ શકે છે. (માત્થી ૪:૪) પરંતુ, આપણે આત્મિક ખોરાક કે જ્ઞાન માટે ભૂખ કેળવવી જોઈએ. શરૂઆતમાં આપણને બાઇબલ વાંચન કે વ્યક્તિગત અભ્યાસ કરવામાં મજા ન પણ આવે તોપણ, એમાં લાગુ રહેવાથી ‘આપણા મનને’ એ જ્ઞાન ‘ખુશકારક’ લાગવા માંડશે. આમ, આપણે અભ્યાસ માટે ઉત્સુક બનીશું.—નીતિવચનો ૨:૧૦, ૧૧.
૧૭ રાજા સુલેમાને સલાહ આપી, “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” (નીતિવચનો ૩:૫) આપણને હૃદયથી યહોવાહમાં ભરોસો હશે તો, તે પોતાના શબ્દ દ્વારા આપણને જે કંઈ કહેશે કે માર્ગદર્શન આપશે એ હંમેશા સ્વીકારવા તૈયાર હોઈશું. (યશાયાહ ૪૮:૧૭) હા, આપણે યહોવાહમાં ભરોસો મૂકીએ એ માટે તે યોગ્ય છે. તે જરૂર પોતાના હેતુઓ પૂરા કરશે. (યશાયાહ ૪૦:૨૬, ૨૯) તેમના નામનો શાબ્દિક અર્થ, “તે બને છે” થાય છે, જે તે પોતે આપેલાં વચનો પરિપૂર્ણ કરશે એવો વિશ્વાસ દૃઢ કરે છે. તે “પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭) જોકે, તેમનામાં ભરોસો કેળવવા માટે, આપણે બાઇબલમાંથી જે શીખી રહ્યાં છીએ એને આપણા જીવનમાં લાગુ પાડવું જોઈએ અને એનાથી થતા લાભો પર પણ મનન કરવું જોઈએ. એમ કરીશું તો, આપણે ‘અનુભવ કરીને જોઈ શકીશું કે યહોવાહ ઉત્તમ છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૮.
૧૮ પરમેશ્વર જે માર્ગદર્શન આપે છે એને સહેલાઈથી સ્વીકારી લઈએ એવું હૃદય કેળવવા સુલેમાન આપણને બીજો એક મહત્ત્વનો ગુણ બતાવે છે: “યહોવાહનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા.” (નીતિવચનો ૩:૭) યહોવાહે પ્રાચીન ઈસ્રાએલીઓને એના વિષે આમ કહ્યું: “અરે, જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારૂં, કેમકે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!” (પુનર્નિયમ ૫:૨૯) હા, જેઓ યહોવાહનો ભય રાખે છે તેઓ તેમને આધીન રહે છે. ‘જેઓનું અંતઃકરણ યહોવાહ તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરવા તે બળવાન છે’ તેમ જ, તેમની આજ્ઞાઓ ન પાળનારાને તે શિક્ષા પણ કરી શકે છે. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) યહોવાહને નાખુશ કરવાનો ભય આપણાં કાર્યો, વિચારો અને લાગણીઓને માર્ગદર્શન આપે છે.
‘યહોવાહને પૂરા હૃદયથી પ્રેમ કર’
૧૯ બધા જ ગુણો કરતાં યહોવાહ માટેનો પ્રેમ, તેમના માર્ગદર્શન પ્રમાણે કરવા આપણા હૃદયને તૈયાર કરે છે. યહોવાહ માટેના પ્રેમથી ભરેલું હૃદય, તેમને ખુશ કરતી અને નાખુશ કરતી બાબતો જાણવા આપણને ઉત્સુક કરે છે. (૧ યોહાન ૫:૩) ઈસુએ કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭) યહોવાહે આપણા માટે જે પ્રેમ બતાવ્યો છે એના પર મનન કરીને, મિત્રની સાથે વાત કરતા હોય એમ નિયમિત રીતે તેમની સાથે વાત કરીને અને, બીજાઓને એ વિષે જણાવવા ઉત્સુક બનીને આપણે યહોવાહ માટેનો આપણો પ્રેમ ગાઢ બનાવી શકીએ છીએ.
૨૦ હવે સમીક્ષા કરો: યહોવાહને મનપસંદ હૃદય કેળવવું હોય તો, તેમના શબ્દ બાઇબલની આપણા હૃદય પર ઊંડી અસર થવા દેવી જોઈએ. બાઇબલનો અર્થપૂર્ણ વ્યક્તિગત અભ્યાસ અને એના પર મનન કરવું જ જોઈએ. એમ કરવા માટે, આપણે પોતાના હૃદયને તૈયાર કરવું જોઈએ કે જે જડ વિચારોથી મુક્ત અને બીજાઓને શીખવી શકાય એવા ગુણોથી ભરેલું હોવું જોઈએ! હા, યહોવાહની મદદથી, તેમને મનપસંદ હૃદય કેળવી શકાય છે. તેમ છતાં, આપણા હૃદયની સંભાળ રાખવા, આપણે શું કરી શકીએ?
[ફુટનોટ]
a નામ બદલવામાં આવ્યું છે.
તમે કેવો પ્રત્યુત્તર આપશો?
• યહોવાહ તપાસે છે એ હૃદય શું છે?
• આપણે કઈ રીતે બાઇબલ પર ‘હૃદય લગાડી’ શકીએ?
• બાઇબલનો અભ્યાસ કરવા આપણે કઈ રીતે આપણા હૃદયને તૈયાર કરવું જોઈએ?
• આ લેખનો અભ્યાસ કર્યા પછી, તમને શું કરવાની પ્રેરણા મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. શા માટે આપણને આપણા હૃદયમાં રસ હોવો જોઈએ?
૩, ૪. બાઇબલમાં “હૃદય” શબ્દ કયા અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે? ઉદાહરણ આપો.
૫. રૂપકાત્મક હૃદયનો શું અર્થ થાય છે?
૬. ઈસ્રાએલીઓએ મોઆબના મેદાનમાં છાવણી નાખી ત્યારે, મુસાએ તેઓને શું કરવાનું ઉત્તેજન આપ્યું?
૭. બાઇબલને “હૃદયમાં” ઉતારવાનો શું અર્થ થાય છે?
૮. આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે કયા પ્રશ્નો પર મનન કરવું જોઈએ?
૯. બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ અને એના પર મનન કરવું એ કેટલું મહત્ત્વનું છે?
૧૦. શા માટે આપણે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ અને મનન માટે સમય ફાળવીએ એ તાકીદનું છે?
૧૧. કઈ રીતે આપણા હૃદયને જમીન સાથે સરખાવી શકીએ?
૧૨. અભ્યાસ માટે હૃદય તૈયાર કરવા કઈ બાબત મદદ કરશે?
૧૩. યહોવાહને મનપસંદ હૃદય કેળવવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૪. સભાઓમાં ધ્યાનથી સાંભળવા માટે આપણે કઈ રીતે પોતાના હૃદયને તૈયાર કરી શકીએ?
૧૫. નમ્રતા કઈ રીતે આપણને વધારે શીખવા મદદ કરે છે?
૧૬. શા માટે આત્મિક ખોરાક માટેની ભૂખ કેળવવી જરૂરી છે?
૧૭. (ક) શા માટે યહોવાહમાં ભરોસો મૂકવો યોગ્ય છે? (ખ) આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો કેળવી શકીએ?
૧૮. પરમેશ્વરનો ભય કઈ રીતે તેમનું માર્ગદર્શન સહેલાઈથી સ્વીકારવા મદદ કરે છે?
૧૯. યહોવાહના માર્ગદર્શનને સહેલાઈથી સ્વીકારનાર હૃદય બનાવવા પ્રેમ કયો ભાગ ભજવે છે?
૨૦. આપણે કઈ રીતે યહોવાહને મનપસંદ હૃદય કેળવી શકીએ?
[પાન ૧૭ પર ચિત્ર]
દાઊદે આત્મિક બાબતો પર મનન કર્યું હતું. શું તમે કરો છો?
[પાન ૧૮ પર ચિત્રો]
પરમેશ્વરના શબ્દનો અભ્યાસ કરતાં પહેલાં તમારું હૃદય તૈયાર કરો