પાઠ ૦૩
શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
તમે જોઈ ગયા કે ઈશ્વરે ભાવિ વિશે બાઇબલમાં અનેક વચનો આપ્યાં છે. એમાં સારી સલાહ પણ આપી છે. એટલે કદાચ તમારે વધારે જાણવું છે. પણ તમને થતું હશે, ‘બાઇબલ તો હજારો વર્ષો પહેલાં લખાયું હતું. એમાં લખેલી વાતો હું કઈ રીતે સાચી માનું?’ લાખો લોકોને ખાતરી થઈ છે કે બાઇબલમાં લખેલી વાતો એકદમ સાચી છે. ચાલો અમુક પુરાવા જોઈએ. એનાથી તમને પણ ભરોસો થશે કે બાઇબલની વાતો સાચી છે.
૧. શું બાઇબલમાં લખેલી વાતો સાચી છે કે ખાલી વાર્તાઓ?
બાઇબલમાં દંતકથાઓ કે વાર્તાઓ નહિ, પણ ‘સત્યની વાતો ચોકસાઈથી લખવામાં’ આવી છે. (સભાશિક્ષક ૧૨:૧૦) એમાં જે લોકો, બનાવો અને સમય વિશે જણાવ્યું છે, એ કોઈ માણસની કલ્પના નથી. (લૂક ૧:૩; ૩:૧, ૨ વાંચો.) જો તમે દુનિયાનો ઇતિહાસ વાંચશો, તો ખ્યાલ આવશે કે બાઇબલમાં લખેલા બનાવો સાચે જ બન્યા હતા. સંશોધન કરનારાઓને પણ ખોદકામથી એના પુરાવા મળ્યા છે.
૨. આજે પણ કેમ બાઇબલમાં ભરોસો મૂકી શકીએ?
બાઇબલમાં પૃથ્વી અને આકાશ વિશે જે જણાવ્યું છે, એ જૂના જમાનાના લોકો સાચું માનતા ન હતા. પણ વિજ્ઞાનની શોધખોળથી સાબિત થયું કે બાઇબલની માહિતી સાચી છે. એ બતાવે છે કે બાઇબલ ‘વિશ્વાસપાત્ર છે અને હંમેશાં રહેશે.’ (ગીતશાસ્ત્ર ૧૧૧:૮) આપણે એમાં પૂરો ભરોસો મૂકી શકીએ.
૩. બાઇબલમાં ભાવિ વિશે જે જણાવ્યું છે, એના પર આપણે કેમ ભરોસો કરી શકીએ?
ઈશ્વરે બાઇબલમાં એવી વાતો જણાવી છે ‘જે હજી સુધી થઈ નથી.’a (યશાયા ૪૬:૧૦, ઓરીજિનલ વર્ઝન બાઇબલ) પહેલાંના સમયમાં ઈશ્વરે જણાવ્યું હતું કે કેવા કેવા બનાવો બનશે અને એવું જ થયું. આજની હાલત વિશે પણ તેમણે જે જણાવ્યું હતું, એવું જ થઈ રહ્યું છે. બાઇબલની એકેએક વાત કઈ રીતે સાચી પડી છે, એ જાણીને તમે દંગ રહી જશો. ચાલો એ વિશે જોઈએ.
વધારે જાણો
ચાલો વૈજ્ઞાનિકોની શોધ પર એક નજર કરીએ, જેનાથી ખબર પડે છે કે બાઇબલની માહિતી સાચી છે. બાઇબલની અમુક ભવિષ્યવાણીઓ પણ જોઈએ, જેની એકેએક વિગત સાચી પડી છે.
૪. વૈજ્ઞાનિકોની શોધ બતાવે છે કે બાઇબલની વાતો સાચી છે
જૂના જમાનામાં ઘણા લોકો માનતા હતા કે પૃથ્વી કોઈ વસ્તુ કે પ્રાણી પર ટકી રહી છે. વીડિયો જુઓ.
આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં પૃથ્વી વિશે જે લખ્યું હતું, એનો વિચાર કરો. અયૂબ ૨૬:૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
બાઇબલમાં પૃથ્વી વિશે શું લખ્યું છે? એ વાત હજારો વર્ષ પહેલાં લખાઈ હતી, એ જાણીને તમને કેવું લાગે છે?
સૂરજની ગરમીથી દરિયાનું પાણી વરાળ બને છે. એ વરાળનાં વાદળો બને છે, જે વરસાદ લાવે છે. એ પાણી પાછું દરિયામાં જાય છે. એ જળચક્ર કહેવાય છે. એ વિશે વૈજ્ઞાનિકોને આશરે ૨૦૦ વર્ષ પહેલાં જ ખબર પડી. પણ બાઇબલમાં તો એ વિશે હજારો વર્ષ પહેલાં જણાવ્યું હતું. અયૂબ ૩૬:૨૭, ૨૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
બાઇબલમાં જળચક્રને સરળ રીતે સમજાવ્યું છે, એ વાંચીને તમને કેવું લાગ્યું?
એ કલમો વાંચ્યા પછી શું બાઇબલમાં તમારો ભરોસો વધ્યો છે? તમને શું લાગે છે?
૫. મહત્ત્વના બનાવો વિશે બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું
યશાયા ૪૪:૨૭–૪૫:૨ વાંચો અને વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
દુશ્મનોએ બાબેલોન શહેર જીતી લીધું એના ૨૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં શું જણાવ્યું હતું?
ઇતિહાસ પુરાવો આપે છે કે ઈસવીસન પૂર્વેb ૫૩૯માં ઈરાનના રાજા કોરેશે અને તેની સેનાએ બાબેલોન જીતી લીધું હતું. એક નદીને લીધે બાબેલોનનું રક્ષણ થતું હતું. કોરેશની સેનાએ એ નદીના પાણીને વાળી દીધું. શહેરના દરવાજા પણ ખુલ્લા હતા. આમ કોરેશની સેનાએ લડ્યા વગર એ શહેર જીતી લીધું. એ વાતને આશરે ૨,૫૦૦ વર્ષ વીતી ચૂક્યાં છે અને બાબેલોન હજુય ખંડેર હાલતમાં છે. એ વાત પણ બાઇબલમાં પહેલેથી લખી હતી. ચાલો એ વાંચીએ.
યશાયા ૧૩:૧૯, ૨૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આજે બાબેલોન કેવી હાલતમાં છે? એનાથી કઈ રીતે સાબિત થાય છે કે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ?
૬. બાઇબલમાં આજની હાલત વિશે પહેલેથી જણાવ્યું છે
બાઇબલમાં જણાવ્યું છે કે દુનિયાના “છેલ્લા દિવસોમાં” કેવા બનાવો બનશે. (૨ તિમોથી ૩:૧) આજે એવું જ થઈ રહ્યું છે.
માથ્થી ૨૪:૬, ૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
બાઇબલમાં જણાવ્યું છે તેમ છેલ્લા દિવસોમાં કેવા બનાવો બનશે?
૨ તિમોથી ૩:૧-૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
બાઇબલમાં જણાવ્યું છે તેમ છેલ્લા દિવસોમાં કેવા લોકો હશે?
આજે લોકોમાં તમને કેવું વલણ જોવા મળ્યું છે?
અમુક લોકો કહે છે: “બાઇબલ તો દંતકથાઓ અને વાર્તાઓનું પુસ્તક છે. એને કંઈ સાચું ન મનાય.”
બાઇબલ પર ભરોસો મૂકવા તમને કઈ વાતે મદદ કરી?
આપણે શીખી ગયા
ઇતિહાસ, વિજ્ઞાન અને ભવિષ્યવાણીઓથી સાબિત થાય છે કે બાઇબલની વાતો એકદમ સાચી છે. આપણે એમાં ભરોસો મૂકી શકીએ.
તમે શું કહેશો?
શું બાઇબલમાં લખેલી વાતો સાચી છે કે ખાલી વાર્તાઓ?
બાઇબલની એવી કઈ વાતો છે જે વૈજ્ઞાનિકો પણ સાચી માને છે?
બાઇબલમાં ભવિષ્ય વિશે જે જણાવ્યું છે, શું એના પર તમે ભરોસો કરી શકો? તમને કેમ એવું લાગે છે?
વધારે માહિતી
શું બાઇબલમાં એવું કંઈક લખ્યું છે જે વિજ્ઞાનની રીતે ખોટું છે?
“શું વિજ્ઞાન પવિત્ર શાસ્ત્ર સાથે સહમત છે?” (jw.org/gu પર આપેલો લેખ)
“છેલ્લા દિવસો” વિશે બાઇબલમાં શું લખ્યું છે? શું આજે એવું બની રહ્યું છે?
“૬ નિશાનીઓ જે શાસ્ત્ર મુજબ પૂરી થઈ રહી છે” (ચોકીબુરજ, જૂન ૧, ૨૦૧૧)
ગ્રીક સામ્રાજ્ય વિશે બાઇબલમાં જણાવેલી ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ, એ જુઓ.
ભવિષ્યવાણીઓ વિશે જાણીને એક ભાઈને ખાતરી થઈ કે બાઇબલમાં ઈશ્વરનો સંદેશો છે. એ વિશે જાણવા આ લેખ વાંચો.
a ભાવિમાં શું બનવાનું છે એ વિશે ઈશ્વરે પહેલેથી જણાવ્યું છે. એને ભવિષ્યવાણી કહેવામાં આવે છે.
b ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમય.