ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
‘તારા હાથનાં કામોની તું ઝંખના રાખે છે’
પરિવારમાં કોઈ રીબાઈને મરણ પામે એ જોઈને આપણને બહુ જ દુઃખ થાય છે. પ્રિયજન મરણ પામે ત્યારે શોકમાં ડૂબી જઈએ એ સમજી શકાય. જોકે યહોવાહ પરમેશ્વર આપણા દુઃખોને સમજી શકે છે. એટલે તે પોતાની શક્તિ દ્વારા મૃત્યુ પામેલાને સજીવન કરવા આતુર છે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે. સજીવન થવાની આશા વિષે આપણે અયૂબ ૧૪:૧૩-૧૫માં જોઈ શકીએ છીએ.
તમે આ બનાવની કલ્પના કરો. વિશ્વાસુ ઈશ્વરભક્ત અયૂબ પર મુસીબતોનો પહાડ તૂટી પડે છે. તે પોતાની માલ-મિલકત ગુમાવી દે છે. બધા જ બાળકો મરણમાં ગુમાવે છે. એ ઓછું હોય એમ તે પીડાદાયી બીમારીનો ભોગ બને છે. આવી કફોડી સ્થિતિમાં તે યહોવાહને પોકાર કરે છે, “તું મને શેઓલમાં [કબરમાં] સંતાડે.” (કલમ ૧૩) દુઃખોમાંથી રાહત મેળવવા અયૂબ કબરમાં જવા ચાહતા હતા. જેમ વ્યક્તિ ખજાનાને સંતાડી રાખે તેમ અયૂબ ચાહતા હતા કે ઈશ્વર તેમને કબરમાં સંતાડી રાખે.a
શું અયૂબ કાયમ માટે કબરમાં રહેવાના હતા? ના, અયૂબને આશા હતી કે તે કાયમ માટે કબરમાં નહિ રહે. તે પોતાની પ્રાર્થનામાં આગળ જણાવતા કહે છે, ‘મને ચોક્કસ સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારૂં!’ તેમને પૂરી ખાતરી હતી કે તે થોડા સમય માટે કબરમાં રહેશે અને યહોવાહ પછી તેમને પાછા સજીવન કરશે. કબરમાં જે સમય પસાર કરશે એને તે કોઈ ફરજિયાત સેવા સાથ સરખાવે છે. એ સમય કેટલો લાંબો હશે? અયૂબે કહ્યું, “મારો છૂટકો થાત ત્યાં સુધી.” (કલમ ૧૪) છૂટકો કરવાનો અર્થ થાય કે કબરમાંથી બહાર નીકળવું એટલે કે સજીવન થવું.
શા માટે અયૂબને પૂરી ખાતરી હતી કે તેમને છુટકારો મળશે? કારણ કે તે જાણતા હતા કે ઈશ્વરભક્તો મરી જાય ત્યારે યહોવાહને ઘણું દુઃખ થાય છે. અયૂબ કહે છે, “તું મને બોલાવત, તો હું તને ઉત્તર આપત; તારા હાથનાં કામો પર તું મમતા [ઝંખના, NW] રાખત.” (કલમ ૧૫) અયૂબ જાણતા હતા કે યહોવાહે તેમને જીવન આપ્યું છે. તે માતાના ગર્ભમાં જીવનની શરૂઆત કરે છે. એટલે તે ચોક્કસ અયૂબને મૂએલામાંથી સજીવન કરી શકે છે.—અયૂબ ૧૦:૮, ૯; ૩૧:૧૫.
અયૂબના શબ્દો પરથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહ કેટલા માયાળુ પરમેશ્વર છે. અયૂબ જેવા ભક્તોને યહોવાહ પોતાની રીતે ઘડે છે. એવા ભક્તો તેમની નજરમાં બહુ જ કીમતી છે. (યશાયાહ ૬૪:૮) યહોવાહ પોતાના વફાદાર ભક્તોને ખજાનાની જેમ સાચવી રાખે છે. તેઓમાંના જેઓ મરી ગયા છે તેઓને ફરીથી સજીવન કરવાની “ઝંખના” રાખે છે. મૂળ હેબ્રી ભાષામાં ઝંખના માટે જે શબ્દ વપરાયો છે એના વિષે એક નિષ્ણાત કહે છે, ‘વ્યક્તિની તીવ્ર ઇચ્છા બતાવતી લાગણી માટે એ હેબ્રી શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ વાપરી ના શકાય.’ ચોક્કસ યહોવાહ પોતાના મૃત્યુ પામેલા ભક્તોને યાદ રાખે છે. તેઓને જીવન આપવાની ઝંખના રાખે છે.
અયૂબનું પુસ્તક શરૂઆતમાં લખાયેલા બાઇબલના પુસ્તકોમાંનું એક છે. કેટલું સારું કે સજીવન કરવાનો હેતુ યહોવાહે શરૂઆતથી જ અયૂબના પુસ્તકમાં જણાવી દીધો છે.b તે ચાહે છે કે તમારા સગાંઓ જે મરી ગયા છે તેઓને ફરીથી જુઓ. આ વિચારથી આપણે ગુમાવેલા પ્રિયજનોના શોકમાંથી રાહત મેળવી શકીએ છીએ. કેમ નહિ કે આવા પ્રેમાળ પરમેશ્વર વિષે તમે વધારે શીખો! તમારા જીવનને પરમેશ્વરના હાથે ઘડવા દો, જેથી તમે તેમનો હેતુ પૂરો થતા જોઈ શકો. (w11-E 03/01)
a એક લખાણ મુજબ અયૂબે કહેલા “સંતાડે” શબ્દનો અર્થ થાય કે ‘મને કોઈ અમૂલ્ય ખજાનાની જેમ સંતાડી રાખો.’ બીજું એક લખાણ જણાવે છે કે ‘મને ખજાનાની જેમ છૂપાવી રાખો.’
b બાઇબલ જણાવે છે કે મરણ પામેલા લોકો આ સુંદર ધરતી પર સજીવન થશે. યહોવાહના એ વચન વિષે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૭મું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.