પ્રકરણ ૯
“હું તેઓને એકદિલના કરીશ”
ઝલક: યહોવાની ભક્તિ ફરી શરૂ થશે, એ વિશે હઝકિયેલની ભવિષ્યવાણીઓ શું જણાવે છે?
૧-૩. બાબેલોનના લોકો યહોવાના લોકોની કેવી મજાક ઉડાવતા હતા? શા માટે?
કલ્પના કરો કે તમે એક વફાદાર યહૂદી છો. ગુલામીમાં ગયેલા બીજા યહૂદીઓ સાથે તમે બાબેલોનમાં રહો છો. તમને અહીંયા પચાસેક વર્ષ થઈ ગયા છે. આજે સાબ્બાથનો દિવસ છે. દર સાબ્બાથે તમે બધા ભેગા મળીને યહોવાની ભક્તિ કરો છો. એટલે આજે પણ તમે બીજા યહૂદીઓને મળવા જાઓ છો. તમે શહેરના રસ્તે થઈને જાઓ છો ત્યારે બહુ ભીડ છે. જ્યાં જુઓ ત્યાં નાનાં-મોટાં મંદિરો છે. માર્દૂક જેવા દેવતાઓને બલિદાનો ચઢાવવા અને ભજન-કીર્તન કરવા લોકો કીડિયારાની જેમ ઊભરાય છે.
૨ એ બધા શોરબકોરથી દૂર અમુક લોકો ભેગા થયા છે. તેઓ યહોવાના ભક્તો છે. તમે તેઓને મળો છો.a તમે બધા નદી પાસે એક શાંત જગ્યાએ જાઓ છો. તમે મોટા ભાગે એવી જગ્યા શોધીને પ્રાર્થના કરો છો, ગીતો ગાઓ છો અને ઈશ્વરનાં વચનો વિશે વાતો કરો છો. તમે પ્રાર્થના કરો છો ત્યારે એટલી શાંતિ છે કે બાજુમાં બાંધેલી હોડીનાં પાટિયાઓનો કરરર કરરર અવાજ પણ સાંભળી શકાય છે. તમારા દિલને હાશ થાય છે કે યહોવાની ભક્તિ કરવા આવી શાંત જગ્યા મળી. હવે તો બસ તમે એટલું જ ચાહો છો કે લોકો અહીં આવીને ધાંધલ-ધમાલ ન કરે. એવું તો એ લોકો ઘણી વાર કરે છે. પણ તેઓ કેમ એવું કરે છે?
૩ બાબેલોને કંઈ કેટલાંય યુદ્ધો જીત્યાં છે. બાબેલોનના લોકોને લાગે છે કે એ બધું તો તેઓના દેવતાઓની કૃપાથી થયું છે. તેઓએ યરૂશાલેમને પણ ભોંયભેગું કરી નાખ્યું હતું. એટલે તેઓ માનવા લાગ્યા કે તેઓનો દેવતા માર્દૂક યહોવા કરતાં વધારે શક્તિશાળી છે. એના લીધે તેઓ તમારા ઈશ્વરની અને તમારી મજાક ઉડાવે છે. અમુક વાર તેઓ તમારી હાંસી ઉડાવતા કહે છે, “અમારા માટે સિયોનનું કોઈ ગીત ગાઓ.” (ગીત. ૧૩૭:૩) સિયોને, એટલે કે યરૂશાલેમે યહોવાના દુશ્મનો પર જીત મેળવી, એના વિશે ઘણાં ગીતો હતાં. ખાસ કરીને એ ગીતો વિશે મશ્કરી કરવાની બાબેલોનના લોકોને બહુ મજા આવતી. પણ અમુક ગીતો બાબેલોનના લોકો વિશે હતાં. જેમ કે, ‘તેઓએ યરૂશાલેમને ખંડેર બનાવી દીધું છે. આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.’—ગીત. ૭૯:૧, ૩, ૪.
૪, ૫. (ક) હઝકિયેલની ભવિષ્યવાણીમાંથી યહૂદીઓને કઈ આશા મળી? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ પ્રકરણમાં કયા સવાલોનો વિચાર કરીશું?
૪ બાબેલોનના લોકો જ નહિ, અમુક બંડખોર યહૂદીઓ પણ તમારી મશ્કરી કરે છે. તમે યહોવા અને તેમના પ્રબોધકો પર ભરોસો મૂકો છો, એટલે તેઓ તમારી મજાક ઉડાવે છે. એવા લોકો વચ્ચે રહીને પણ તમે અને તમારું કુટુંબ યહોવાની ભક્તિ કરો છો ત્યારે, તમને કેટલું સારું લાગે છે! તમે બીજા યહૂદીઓ સાથે મળીને યહોવાને પ્રાર્થના કરો છો, ગીતો ગાઓ છો, વચનો વાંચો છો ત્યારે, તમારાં દિલોદિમાગમાં શાંતિ છવાઈ જાય છે. (ગીત. ૯૪:૧૯; રોમ. ૧૫:૪) કલ્પના કરો કે તમારા ટોળામાં એક યહૂદી ભાઈ કંઈક ખાસ લઈને આવે છે. તમને ખબર છે એ શું છે? એ હઝકિયેલની ભવિષ્યવાણીનો વીંટો છે. એમાંથી વાંચવામાં આવે છે. એમાં યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના લોકોને વતન પાછા લઈ જશે. યહોવાનું એ વચન સાંભળીને તમારું રોમેરોમ ખીલી ઊઠે છે. તમે એ દિવસની કાગડોળે રાહ જુઓ છો. એ સમયે તમે અને તમારો પરિવાર પોતાના વતન પાછા જશો. તમે ખભેખભા મિલાવીને યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં બીજાઓને સાથ આપશો. એનો વિચાર કરવાથી તમારું દિલ ખુશીથી ઝૂમી ઊઠે છે.
૫ હઝકિયેલની ભવિષ્યવાણી વારંવાર શું જણાવે છે? એમાં વચન આપવામાં આવે છે કે યહોવાની ભક્તિ ચોક્કસ ફરીથી શરૂ થશે. એ વચનો આપણું દિલ આશાઓથી ભરી દે છે. ચાલો આ સવાલો પર વિચાર કરીએ: ગુલામીમાં ગયેલા ઈશ્વરભક્તોનાં જીવનમાં એ વચનો કઈ રીતે પૂરાં થયાં? આજે એ ભવિષ્યવાણીઓનો અર્થ શું થાય છે? ભાવિમાં એમાંની અમુક ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થશે?
“તેઓને કેદ કરીને ગુલામીમાં લઈ જવાશે”
૬. યહોવાએ ઇઝરાયેલીઓને વારંવાર કઈ ચેતવણી આપી?
૬ હઝકિયેલ દ્વારા યહોવા બંડખોર લોકોને સાફ સાફ જણાવે છે કે તે તેઓને કેવી સજા કરશે. યહોવા કહે છે: “તેઓને કેદ કરીને ગુલામીમાં લઈ જવાશે.” (હઝકિ. ૧૨:૧૧) આપણે છઠ્ઠા પ્રકરણમાં જોઈ ગયા કે એ સજા વિશે હઝકિયેલે દૃશ્ય ભજવીને બતાવ્યું હતું. ઇઝરાયેલીઓને આવી ચેતવણીઓ તો પહેલાં પણ અનેક વાર આપવામાં આવી હતી. લગભગ હજાર વર્ષોથી, એટલે કે મૂસાના સમયથી યહોવાએ તેઓને ચેતવણી આપી હતી. યહોવાએ કીધું હતું કે જો તેઓ વારંવાર બળવો કરશે, તો તેઓને ગુલામીમાં મોકલી દેવામાં આવશે. ગુલામીમાં તેઓના બૂરા હાલ થશે. (પુન. ૨૮:૩૬, ૩૭) યશાયા, યર્મિયા અને બીજા પ્રબોધકોએ તેઓને આવી ચેતવણીઓ આપી હતી.—યશા. ૩૯:૫-૭; યર્મિ. ૨૦:૩-૬.
૭. યહોવાએ પોતાના લોકોને કેવી સજા કરી?
૭ અફસોસની વાત છે કે યહોવાની એ ચેતવણીઓને ઇઝરાયેલીઓએ આંખ આડા કાન કર્યા. યહોવાએ જોયું કે પોતાના લોકો કેટલા બંડખોર છે. એનાથી તેમનું કાળજું કપાઈ ગયું! તેઓ મૂર્તિપૂજા કરતા હતા. તેઓ બેવફા હતા. તેઓ તો પોતાના દુષ્ટ આગેવાનોના પગલે ચાલીને સાવ બગડી ગયા હતા. એટલે યહોવાએ તેઓને દુઃખ-તકલીફો સહેવા દીધી. તેઓ પર દુકાળ આવી પડ્યો. એ આફતથી તેઓનું ભારે અપમાન થયું, કેમ કે તેઓનો દેશ તો ‘દૂધ-મધની રેલમછેલવાળો’ દેશ હતો. (હઝકિ. ૨૦:૬, ૭) પછી યહોવાએ પોતાના લોકોને સજા કરી અને ગુલામીમાં જવા દીધા. ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનના નબૂખાદનેસ્સારે જાણે છેલ્લો ફટકો માર્યો. તેણે યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કરી નાખ્યો. એમાંથી બચી ગયેલા હજારો યહૂદીઓને તે ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયો. આ પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા તેમ, ત્યાં તેઓની મજાક-મશ્કરી થઈ અને તેઓનો ઘણો વિરોધ થયો.
૮, ૯. યહોવાએ મંડળને ઈશ્વર-વિરોધી લોકો વિશે કઈ ચેતવણીઓ આપી હતી?
૮ જેમ યહૂદીઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા હતા, તેમ પહેલી સદીના મંડળમાં પણ થયું હતું. યહૂદીઓની જેમ ઈસુના શિષ્યોને પણ પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી. ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે જ શિષ્યોને જણાવ્યું: “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો. તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે. પણ તેઓ અંદરથી તો ભૂખ્યાં અને ખતરનાક વરુઓ જેવા છે.” (માથ. ૭:૧૫) ઘણાં વર્ષો પછી પ્રેરિત પાઉલે પણ એવી જ ચેતવણી આપી: “હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારી વચ્ચે આવશે અને ટોળા પર દયા રાખશે નહિ. તમારામાંથી જ એવા માણસો ઊભા થશે, જેઓ શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો કહેશે.”—પ્રે.કા. ૨૦:૨૯, ૩૦.
૯ પહેલી સદીના ખ્રિસ્તીઓને શીખવવામાં આવ્યું હતું કે આવા ખતરનાક લોકોને કઈ રીતે ઓળખે અને કઈ રીતે તેઓથી દૂર રહે. વડીલોને પણ સલાહ આપવામાં આવી હતી કે ઈશ્વર-વિરોધી લોકોને મંડળમાંથી દૂર કરે. (૧ તિમો. ૧:૧૯; ૨ તિમો. ૨:૧૬-૧૯; ૨ પિત. ૨:૧-૩; ૨ યોહા. ૧૦) પણ ઇઝરાયેલ અને યહૂદાના લોકોની જેમ, મંડળમાં ઘણાએ એ ચેતવણીઓને આંખ આડા કાન કર્યા. પહેલી સદીના અંત સુધીમાં તો ઈશ્વર-વિરોધી લોકોએ મંડળમાં પકડ જમાવી લીધી હતી. એ સમયે પ્રેરિતોમાં ફક્ત યોહાન જ જીવતા હતા. તેમણે જોયું કે મંડળમાં સડો ફેલાતો હતો. એ બંડખોર લોકોની સંખ્યા વધતી જતી હતી. એ સડાને રોકવા માટે યોહાન એકલા જ હતા. (૨ થેસ્સા. ૨:૬-૮; ૧ યોહા. ૨:૧૮) યોહાનના મરણ પછી શું થયું?
૧૦, ૧૧. ઈસુએ ઘઉં અને જંગલી છોડનું જે ઉદાહરણ આપ્યું હતું, એ બીજી સદીથી કઈ રીતે પૂરું થવા લાગ્યું?
૧૦ ઈસુએ ઘઉં અને જંગલી છોડનું ઉદાહરણ આપીને જે જણાવ્યું હતું, એ યોહાનના મરણ પછી પૂરું થવા લાગ્યું. (માથ્થી ૧૩:૨૪-૩૦ વાંચો.) ઈસુએ કીધું હતું તેમ શેતાને “જંગલી છોડનાં બી” વાવ્યાં. મંડળમાં એવા લોકો આવ્યા, જેઓ ખ્રિસ્તના પગલે ચાલવાનો ઢોંગ કરતા હતા. અમુક ભાઈ-બહેનો મૂર્તિપૂજા કરવા લાગ્યાં. તેઓ બીજા ધર્મોના તહેવારો મનાવવા લાગ્યાં અને રીતરિવાજો પાળવા લાગ્યાં. શિક્ષણમાં ઝડપથી ભેળસેળ થવા લાગી. તેઓ એવું શિક્ષણ અને ફિલસૂફી માનવા લાગ્યાં, જે યહોવાના કહેવા પ્રમાણે નહિ, પણ શેતાનના કહેવા પ્રમાણે હતાં. તેઓનાં આવાં કરતૂતો જોઈને યહોવાને કેટલું બધું દુઃખ થયું હશે! તેમના દીકરાએ જે મંડળ શરૂ કર્યું હતું, એના તો હાલ બેહાલ થઈ ગયા હતા! યહોવાએ શું કર્યું? યહોવાએ એ લોકોને પણ બેવફા ઇઝરાયેલીઓની જેમ ગુલામીમાં જવા દીધા. બીજી સદીથી ઢોંગી ખ્રિસ્તીઓમાં કૂદકે ને ભૂસકે વધારો થવા લાગ્યો. તેઓની સંખ્યા એટલી વધી ગઈ કે મંડળમાં ઘઉં, એટલે કે સાચા ખ્રિસ્તીઓને શોધવા ઘણું મુશ્કેલ થઈ ગયું. મંડળ જાણે કે મહાન બાબેલોનની ગુલામીમાં ચાલ્યું ગયું. મહાન બાબેલોન એટલે દુનિયાના એવા બધા ધર્મો, જેઓ ખરા ઈશ્વરને ભજતા નથી. દેખાડો કરનારા ખ્રિસ્તીઓ તેઓના હાથની કઠપૂતળી બની ગયા. જેમ જેમ એ ખ્રિસ્તીઓની સંખ્યા વધવા લાગી, તેમ તેમ ચર્ચના ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ.
૧૧ સદીઓ સુધી ચર્ચોનું રાજ ચાલતું હતું. એ સમયે પણ ઈસુના ઉદાહરણમાં બતાવેલા “ઘઉં,” એટલે કે સાચા ખ્રિસ્તીઓ હતા. હઝકિયેલ ૬:૯ બતાવે છે કે ગુલામીમાં ગયેલા યહૂદીઓ સાચા ઈશ્વર યહોવાને ભૂલી ગયા ન હતા. એ જ રીતે, સાચા ખ્રિસ્તીઓ પણ યહોવાને ભૂલી ગયા નહિ. એટલે જ અમુકે ચર્ચની માન્યતાઓનો હિંમતથી વિરોધ કર્યો. તેઓની મજાક-મશ્કરી થઈ. સખત સતાવણી થઈ. આવા સંજોગોમાં શું યહોવાએ પોતાના લોકોને એકલા જ છોડી દીધા? ના, જરાય નહિ! યહોવાએ અગાઉના ઇઝરાયેલીઓની જેમ સાચા ખ્રિસ્તીઓને જરૂર હતી એટલી જ સજા કરી. તેઓને જરૂર હતી એટલા સમય માટે જ સજા કરી. (યર્મિ. ૪૬:૨૮) પછી યહોવાએ પોતાના લોકોને લાખો નિરાશામાં એક આશા આપી. ચાલો આપણે બાબેલોનમાં ગયેલા યહૂદીઓનો ફરીથી વિચાર કરીએ. આપણે જોઈએ કે તેઓની ગુલામીનો અંત લાવવા યહોવાએ કઈ આશા આપી.
“મારો ગુસ્સો શમી જશે”
૧૨, ૧૩. અમુક સમય પછી યહોવાનો ક્રોધ કેમ ઠંડો પડી જશે?
૧૨ યહોવાએ પોતાના લોકોને સાફ સાફ જણાવ્યું હતું કે તેમનો ગુસ્સો તેઓ પર ભડકી ઊઠશે. સાથે સાથે યહોવાએ એ પણ કીધું કે તેમનો ગુસ્સો કાયમ માટે નહિ રહે. તેમણે કહ્યું: “મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે. તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.” (હઝકિ. ૫:૧૩) આખરે યહોવાનો ક્રોધ કેમ ઠંડો પડી જશે?
૧૩ બેવફા યહૂદીઓની સાથે સાથે વફાદાર યહૂદીઓને પણ ગુલામીમાં લઈ જવામાં આવ્યા હતા. યહોવાએ હઝકિયેલ દ્વારા જણાવ્યું કે અમુક બેવફા યહૂદીઓ ગુલામીમાં ગયા પછી પસ્તાવો કરશે. તેઓને યાદ આવશે કે પોતે કેટલા બંડખોર હતા! તેઓ બીજા કોઈની નહિ, પણ ખુદ યહોવાની વિરુદ્ધ થયા હતા. તેઓને પોતાનાં નીચ અને અધમ કામો પર શરમ આવશે. તેઓ યહોવાની માફી મેળવવા ભીખ માંગશે, તેમની કૃપા મેળવવા કાલાવાલા કરશે. (હઝકિ. ૬:૮-૧૦; ૧૨:૧૬) હઝકિયેલ વફાદાર યહૂદી હતા. પ્રબોધક દાનિયેલ અને તેમના ત્રણ દોસ્તો પણ વફાદાર હતા. દાનિયેલે પોતાના જીવનમાં ગુલામીની શરૂઆત અને અંત જોયાં હતાં. તેમણે ઇઝરાયેલીઓનાં પાપોની માફી માટે બાબેલોનમાં આજીજી કરી હતી. એ પ્રાર્થના દાનિયેલના ૯મા અધ્યાયમાં જોવા મળે છે. દાનિયેલની એ પ્રાર્થના ગુલામીમાં ગયેલા હજારો યહૂદીઓની પ્રાર્થના હતી. તેઓ યહોવાની માફી મેળવવા તરસતા હતા. તેઓ યહોવાના આશીર્વાદો ફરીથી મેળવવા ઝંખતા હતા. એટલે વિચારો કે હઝકિયેલની ભવિષ્યવાણીઓ સાંભળીને તેઓને કેવું લાગ્યું હશે! એમાં યહોવાએ તેઓને આઝાદ કરવાનું અને શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવાનું વચન આપ્યું હતું. એ સાંભળીને તેઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હશે!
૧૪. યહોવા પોતાના લોકોને ગુલામીમાંથી કેમ આઝાદ કરાવશે?
૧૪ યહોવા પોતાના લોકોને ગુલામીમાંથી આઝાદ કરાવશે અને શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવશે. એવું ન હતું કે ઇઝરાયેલી લોકો એ આઝાદીના હકદાર હતા. પણ સૌથી મહત્ત્વનું કારણ તો એ હતું કે યહોવા ફરીથી બીજી પ્રજાઓમાં પોતાનું નામ પવિત્ર મનાવે. (હઝકિ. ૩૬:૨૨) બાબેલોનના લોકોએ જાણવું પડશે કે વિશ્વના માલિક યહોવા જ છે. તેમની બરાબર કોઈ જ નથી. માર્દૂક જેવા તેઓના દુષ્ટ દેવો કંઈ જ નથી. તેઓ તો ધૂળ બરાબર છે. હવે ચાલો આપણે એ પાંચ વચનો જોઈએ, જે તેમણે હઝકિયેલને જણાવ્યાં હતાં. તેમણે હઝકિયેલને કહ્યું કે જે ઈશ્વરભક્તો ગુલામીમાં હતા, તેઓને એ વચનો જણાવે. પણ પહેલા તો જોઈએ કે એ ઈશ્વરભક્તો માટે દરેક વચનનો શું અર્થ થતો હતો. પછી જોઈશું કે કઈ રીતે એ વચનો મોટા પાયે પૂરાં થયાં છે.
૧૫. ગુલામીમાંથી પાછા ફરેલા લોકો જે ભક્તિ કરશે, એમાં કેવો ફેરફાર જોવા મળશે?
૧૫ પહેલું વચન. ફરીથી કદી મૂર્તિપૂજા નહિ થાય. ધર્મના નામે કોઈ નીચ કામ નહિ થાય. (હઝકિયેલ ૧૧:૧૮; ૧૨:૨૪ વાંચો.) આપણે પાંચમા પ્રકરણમાં જોઈ ગયા તેમ, યરૂશાલેમ અને એનું મંદિર દૂષિત થઈ ગયા હતા. યહોવાને પસંદ ન હોય એવા રીતરિવાજોથી એ ખદબદતા હતા. અરે, ત્યાં મૂર્તિપૂજા થતી હતી. ત્યાંના લોકો સાવ બગડી ગયા હતા. તેઓ યહોવાથી દૂર દૂર ચાલ્યા ગયા હતા. એટલે તેઓએ ગુલામીમાં જવું પડ્યું. પણ યહોવાએ હઝકિયેલ દ્વારા વચન આપ્યું કે તેઓ ફરીથી શુદ્ધ ભક્તિ કરી શકશે. એના પર ખરાબ અને નીચ કામોના કોઈ ડાઘ લાગશે નહિ. યહોવા પોતે એવી ભક્તિ ફરીથી શરૂ કરાવશે, એ સૌથી મહત્ત્વનું હતું. યહોવાની ભક્તિ ફરીથી શરૂ થશે, પછી જ લોકો પર બીજા બધા આશીર્વાદોનો વરસાદ થશે.
૧૬. યહોવાએ પોતાના લોકોને તેઓના વતન વિશે કયું વચન આપ્યું?
૧૬ બીજું વચન. તેઓ પોતાના વતન પાછા ફરશે. બાબેલોનના લોકો યહોવાના લોકોને વારંવાર મહેણાં મારતાં હતાં. બાબેલોન એવો દેશ હતો, જ્યાં ગુલામોને ક્યારેય આઝાદી મળતી ન હતી. (યશા. ૧૪:૪, ૧૭) પણ યહોવાએ પોતાના લોકોને કહ્યું હતું: “હું તમને ઇઝરાયેલ દેશ આપીશ.” (હઝકિ. ૧૧:૧૭) યહોવાનું એ વચન સાંભળીને તેઓની ખુશીનો કોઈ પાર રહ્યો નહિ હોય. વતન પાછા ફર્યા પછી તેઓને કેવા આશીર્વાદો મળશે? જ્યાં સુધી તેઓ યહોવાને પૂરાં દિલથી ભજતા રહે, ત્યાં સુધી તેઓના દેશમાં વૃક્ષોને પુષ્કળ ફળ આવશે અને ખેતરો પાકથી લહેરાય ઊઠશે. ખાવા-પીવાની કોઈ અછત નહિ હોય. તેઓને પોતાનું મનગમતું કામ મળશે. તેઓના દેશમાં ફરી ક્યારેય દુકાળ પડશે નહિ. એના લીધે તેઓએ મહેણાં સાંભળવાં પડશે નહિ.—હઝકિયેલ ૩૬:૩૦ વાંચો.
૧૭. યહોવાને અર્પણ ચઢાવવા વિશે શું જણાવવામાં આવ્યું છે?
૧૭ ત્રીજું વચન. યહોવાની વેદી પર ફરીથી અર્પણો ચઢાવવામાં આવશે. બીજા પ્રકરણમાં જોઈ ગયા તેમ, મૂસાના નિયમમાં યહોવાની ભક્તિ માટે અર્પણો અને બલિદાનો ખૂબ મહત્ત્વનાં હતાં. વતનમાં પાછા ગયેલા યહૂદીઓ જો યહોવાની આજ્ઞાઓ પાળે અને ફક્ત તેમની જ ભક્તિ કરે, તો યહોવા તેઓનાં અર્પણો સ્વીકારશે. લોકો પોતાનાં પાપોનો પસ્તાવો કરી શકશે અને યહોવા સાથે ગાઢ સંબંધ રાખી શકશે. યહોવાએ વચન આપ્યું હતું: “દેશના બધા લોકો, હા, આખા ઇઝરાયેલના લોકો મારી ભક્તિ કરશે. ત્યાં હું તમારો સ્વીકાર કરીશ અને તમે મને તમારાં દાનો અને સૌથી સારાં અર્પણો, તમારી બધી પવિત્ર વસ્તુઓ ચઢાવશો.” (હઝકિ. ૨૦:૪૦) સાચે જ, યહોવાની ભક્તિ ફરી શરૂ થશે! તેમના લોકો પર એટલા આશીર્વાદો હશે કે એનો કોઈ પાર નહિ હોય.
૧૮. યહોવા પોતાના લોકોની સંભાળ કઈ રીતે રાખશે?
૧૮ ચોથું વચન. દુષ્ટ ઘેટાંપાળકો પાસેથી કામ લઈ લેવાશે. યહોવાના લોકો કેમ ખોટા રવાડે ચઢી ગયા હતા? એનું મુખ્ય કારણ તો તેઓના આગેવાનો હતા. તેઓ દુષ્ટ અને ભ્રષ્ટ હતા. યહોવાએ વચન આપ્યું કે પોતે એવું ચાલવા નહિ દે. એવા નકામા ઘેટાંપાળકો વિશે યહોવાએ કહ્યું, ‘હું તેઓ પાસેથી મારાં ઘેટાંની સંભાળ રાખવાનું કામ લઈ લઈશ. હું મારાં ઘેટાંને તેઓનાં મોંમાંથી બચાવી લઈશ.’ પણ યહોવાએ પોતાના લોકોને વચન આપ્યું, “હું મારાં ઘેટાંની સંભાળ રાખીશ.” (હઝકિ. ૩૪:૧૦, ૧૨) યહોવા એવું કઈ રીતે કરશે? તે વફાદાર ભાઈઓને ઘેટાંપાળકો, એટલે કે આગેવાનો બનાવશે.
૧૯. સંપ વિશે યહોવાએ શું કહ્યું હતું?
૧૯ પાંચમું વચન. યહોવાના લોકો વચ્ચે સંપ હશે. યહોવાના લોકો ગુલામીમાં ગયા એ પહેલાં તેઓ વચ્ચે ભાગલા પડી ગયા હતા. જરા વિચારો, એ જોઈને વફાદાર લોકો કેટલા નિરાશ થઈ ગયા હશે! લોકો જૂઠા પ્રબોધકો અને ખરાબ આગેવાનોની વાતોમાં આવી ગયા. અરે, તેઓ તો યહોવાએ મોકલેલા સાચા પ્રબોધકોની સામા થઈ ગયા. તેઓનો સંપ એટલી હદે તૂટી ગયો કે તેઓએ પોતપોતાના પક્ષો બનાવી લીધા. હઝકિયેલ દ્વારા યહોવાએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ થવા વિશે વચન આપ્યું હતું. એમાંનું એક પાસું એ પણ હતું કે લોકો વચ્ચે એકતા હશે. એ વિશે જાણીને લોકોને કેટલી બધી ખુશી થઈ હશે! યહોવાએ કહ્યું, “હું તેઓને એકદિલના કરીશ. હું તેઓને નવું મન આપીશ.” (હઝકિ. ૧૧:૧૯) વતન પાછા ફરેલા વફાદાર યહૂદીઓ માટે કેટલો મોટો આશીર્વાદ! તેઓ જ્યાં સુધી યહોવા સાથે અને એકબીજા સાથે ગાઢ સંબંધ રાખશે, ત્યાં સુધી કોઈ પણ દુશ્મન તેઓને હરાવવાની હિંમત નહિ કરે. પછી તેઓના લીધે યહોવાનું નામ ક્યારેય બદનામ નહિ થાય, પણ તેમના નામનો જયજયકાર થશે.
૨૦, ૨૧. યહૂદીઓએ પોતાના વતન પાછા ફરીને કયાં વચનો પૂરાં થતાં જોયાં?
૨૦ આપણે જોઈ ગયા કે યહોવાએ પાંચ વચનો આપ્યાં હતાં. યહૂદીઓ ગુલામીમાંથી પોતાના વતન પાછા ફર્યા ત્યારે, શું એ પાંચ વચનો પૂરાં થયાં? યાદ કરો કે સદીઓ પહેલાં યહોશુઆએ કહ્યું હતું: “યહોવા તમારા ઈશ્વરે જે જે વચનો તમને આપ્યાં હતાં, એમાંનું એકેય નિષ્ફળ ગયું નથી. એ બધાં જ પૂરાં થયાં છે, એક પણ રહી ગયું નથી.” (યહો. ૨૩:૧૪) યહોશુઆના સમયમાં યહોવાએ બધાં જ વચનો પૂરાં કર્યાં હતાં. એવી જ રીતે, યહૂદીઓ પોતાના વતન પાછા ફરશે ત્યારે યહોવાએ આપેલાં વચનો ચોક્કસ પૂરાં થશે.
૨૧ આખરે યહૂદીઓ પોતાના વતન પાછા આવી ગયા. તેઓએ મૂર્તિપૂજા અને બધાં નીચ કામો છોડી દીધાં. અગાઉ તેઓ એવાં નીચ કામો કરતા હતા, એટલે તેઓ અને યહોવા વચ્ચે મોટી દીવાલ ઊભી થઈ ગઈ હતી. ભલે તેઓને ગમે એટલું અશક્ય લાગ્યું હોય, પણ તેઓ પોતાના વતન પાછા આવીને રહેવા લાગ્યા. તેઓ ખેતીવાડી કરવા લાગ્યા અને મજેથી જીવવા લાગ્યા. સૌથી પહેલા તો તેઓએ યરૂશાલેમમાં યહોવાની વેદી ફરીથી બાંધી. એના પર તેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો ચઢાવવા લાગ્યા. (એઝ. ૩:૨-૬) યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. તેમણે પોતાના લોકોને એકદમ સરસ આગેવાનો આપ્યા. એ આગેવાનો યહોવાનો ડર રાખીને જીવતા હતા. જેમ કે, યાજક અને શાસ્ત્રી એઝરા, રાજ્યપાલ નહેમ્યા, રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યાજક યહોશુઆ અને હિંમતવાન પ્રબોધકો હાગ્ગાય, ઝખાર્યા અને માલાખી. જ્યાં સુધી ઈશ્વરભક્તોએ યહોવાની આજ્ઞાઓ પાળી અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા, ત્યાં સુધી તેઓ વચ્ચે સંપ હતો. એવા સંપનો અનુભવ તો તેઓએ વર્ષોથી કર્યો ન હતો.—યશા. ૬૧:૧-૪; યર્મિયા ૩:૧૫ વાંચો.
૨૨. શુદ્ધ ભક્તિ વિશેનાં વચનો પૂરાં થયાં, એ શાની ઝલક હતી?
૨૨ શુદ્ધ ભક્તિ ફરી શરૂ થવા વિશે યહોવાએ આપેલાં વચનો યહૂદીઓએ પૂરાં થતાં જોયાં. એનાથી તેઓને ખૂબ હિંમત મળી. પણ આ તો બસ એક ઝલક હતી. શાની ઝલક? એ જ કે ભાવિમાં યહોવા પોતાનાં વચનો પૂરાં કરવા એનાથી પણ મોટા મોટા આશીર્વાદો લાવશે. જ્યાં સુધી યહૂદીઓએ યહોવાની આજ્ઞાઓ પાળી, ત્યાં સુધી યહોવાએ પોતાનાં વચનો પ્રમાણે તેઓ પર આશીર્વાદો વરસાવ્યા. સમય જતાં, તેઓએ ફરીથી યહોવાની આજ્ઞાઓ તોડી, તેમને બેવફા બન્યા. એટલે તેઓ યહોવાના આશીર્વાદો ગુમાવી બેઠા. પણ યહોશુઆએ કહ્યું હતું તેમ, યહોવાનું એકેય વચન પૂરું થયા વગર રહેતું નથી. યહોવાનાં વચનો ભાવિમાં પણ મોટા પાયે પૂરાં થશે. ઈશ્વરભક્તો પર હંમેશાં આશીર્વાદ, આશીર્વાદ ને આશીર્વાદ રહેશે. કઈ રીતે? ચાલો જોઈએ.
“હું રાજી થઈશ”
૨૩, ૨૪. “બધી બાબતોને સુધારવાનો સમય” ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
૨૩ બાઇબલમાંથી ખબર પડે છે કે ૧૯૧૪માં દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોની શરૂઆત થઈ ગઈ. એ જાણીને યહોવાના ભક્તો તરીકે આપણે દુઃખી થતા નથી. બાઇબલ જણાવે છે કે ૧૯૧૪માં એક જોરદાર સમયની શરૂઆત થઈ. એ સમય “બધી બાબતોને સુધારવાનો સમય” હતો. (પ્રે.કા. ૩:૨૧) આપણે એ શાના પરથી કહી શકીએ? યાદ કરો કે ૧૯૧૪માં સ્વર્ગમાં શું થયું હતું. એ વર્ષે યહોવાએ ઈસુને સ્વર્ગમાં પોતાના રાજ્યના રાજા બનાવ્યા હતા. એ સમયે યહોવાની ભક્તિ ફરી શરૂ કરવાનું કામ કઈ રીતે ચાલુ થયું? યહોવાએ દાઉદને વચન આપ્યું હતું કે તેમના વંશમાંથી એકને તે રાજ કરવાનો હક આપશે. તેમનું રાજ કાયમ ટકશે. (૧ કાળ. ૧૭:૧૧-૧૪) પણ ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો. આ રીતે દાઉદના વંશના રાજાઓના રાજનો અંત આવ્યો.
૨૪ ઈસુ ‘માણસના દીકરા’ હતા અને દાઉદના વંશજ હતા. તે દાઉદના રાજવી વંશમાંથી આવ્યા. એટલે તેમને રાજ કરવાનો કાયદેસરનો હક મળ્યો. (માથ. ૧:૧; ૧૬:૧૩-૧૬; લૂક ૧:૩૨, ૩૩) યહોવાએ ૧૯૧૪માં ઈસુને સ્વર્ગમાં રાજા બનાવ્યા. એ સમયથી “બધી બાબતોને સુધારવાનો સમય” શરૂ થયો. હવે યહોવા પોતાના પસંદ કરેલા સૌથી સારા રાજા દ્વારા શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવાનું કામ ચાલુ રાખશે.
૨૫, ૨૬. (ક) યહોવાના લોકો મહાન બાબેલોનની ગુલામીમાંથી ક્યારે આઝાદ થયા? (ખ) આપણે શાના પરથી એમ કહી શકીએ? (“૧૯૧૯ જ કેમ?” બૉક્સ પણ જુઓ.) (ગ) ૧૯૧૯થી શું થવા લાગ્યું?
૨૫ ઈસુ ખ્રિસ્તે રાજા બન્યા પછી શું કર્યું? તેમણે પોતાના પિતા યહોવા સાથે શુદ્ધ ભક્તિની ગોઠવણની તપાસ કરી. (માલા. ૩:૧-૫) અગાઉ ઈસુએ ઘઉં અને જંગલી છોડનું ઉદાહરણ આપ્યું હતું. લાંબા સમયથી એ જોવું મુશ્કેલ હતું કે ઘઉં અને જંગલી છોડમાં શું ફરક છે. એ પારખવું અઘરું હતું કે કોણ સાચા અભિષિક્ત લોકો છે અને કોણ ઢોંગી ખ્રિસ્તીઓ છે.b પણ ૧૯૧૪માં કાપણીનો સમય આવ્યો. ઘઉં અને જંગલી છોડમાં સાફ ફરક દેખાવા લાગ્યો. કઈ રીતે? જરા વિચારો, ૧૯૧૪ સુધીનાં વર્ષોમાં યહોવાની પૂરાં દિલથી ભક્તિ કરનારા બાઇબલ વિદ્યાર્થીઓએ ચર્ચનાં ખોટાં શિક્ષણ અને માન્યતાઓને ખુલ્લાં પાડ્યાં. એ ઈશ્વરભક્તો ચર્ચના ભ્રષ્ટ સંગઠન સાથેના સંબંધો કાપી નાખવા લાગ્યા. શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવાનો યહોવાનો સમય આવી ગયો હતો. ૧૯૧૯ની શરૂઆતમાં ‘કાપણીનો સમય’ શરૂ થયો, એના થોડાં જ વર્ષોમાં શું થયું? એ સમયે યહોવાના લોકો મહાન બાબેલોનની ગુલામીમાંથી એકદમ આઝાદ થઈ ગયા. (માથ. ૧૩:૩૦) આખરે ગુલામીનો અંત આવ્યો!
૨૬ હઝકિયેલે યહોવાની ભક્તિ ફરી શરૂ થવા વિશે ભવિષ્યવાણીઓ કરી હતી. એ ભવિષ્યવાણીઓ હવે એટલા મોટા પાયે પૂરી થવા લાગી, જેટલી અગાઉ થઈ ન હતી. યહોવાએ આપેલાં પાંચ વચનો આપણે જોઈ ગયા. હવે જોઈશું કે કઈ રીતે એ મોટા પાયે પૂરાં થાય છે.
૨૭. યહોવાએ કઈ રીતે પોતાના લોકોને મૂર્તિપૂજામાંથી બહાર કાઢ્યા?
૨૭ પહેલું વચન. ફરીથી કદી મૂર્તિપૂજા નહિ થાય. ધર્મના નામે કોઈ નીચ કામ નહિ થાય. ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીની શરૂઆતમાં શું થયું? સાચા ખ્રિસ્તીઓ નાના નાના સમૂહમાં ભેગા થવા લાગ્યા. તેઓ ધીમે ધીમે બીજાં બધાં રીતરિવાજો અને માન્યતાઓ છોડી દેવા લાગ્યા. જેમ કે, ત્રૈક્ય, અમર આત્મા અને નરક. તેઓને સમજાયું કે આ બધાનાં મૂળ એવા ધર્મોમાં છે, જેઓ યહોવાથી દૂર લઈ જાય છે. તેઓને ખબર પડી કે મૂર્તિઓ અને ફોટાઓની પૂજા કરવી ખોટું છે. સમય જતાં, તેઓ જોઈ શક્યા કે ક્રોસમાં માનવું પણ મૂર્તિપૂજા છે.—હઝકિ. ૧૪:૬.
૨૮. ઈશ્વરભક્તોને કઈ રીતે આઝાદ કરવામાં આવ્યા?
૨૮ બીજું વચન. યહોવાને ભજતા નથી એવા ધર્મોમાંથી ઈશ્વરભક્તોને આઝાદ કરવામાં આવ્યા. સાચા ખ્રિસ્તીઓ એવા ધર્મોમાંથી નીકળી આવ્યા. તેઓએ એના બધાં રીતરિવાજો અને માન્યતાઓ છોડી દીધાં. તેઓ યહોવાની ભક્તિ કરવા લાગ્યા. એટલે યહોવા તેઓને ભરપૂર શિક્ષણ આપવા લાગ્યા અને ભાવિમાં પણ આપતા રહેશે. (હઝકિયેલ ૩૪:૧૩, ૧૪ વાંચો.) આ પુસ્તકના ૧૯મા પ્રકરણમાં જોઈશું કે કઈ રીતે યહોવા સાચા ખ્રિસ્તીઓને પહેલાં કદી ન મળ્યા હોય એવા આશીર્વાદો આપે છે. યહોવાએ તેઓને ભરપૂર શિક્ષણ આપ્યું છે. એમાં તેમણે કોઈ ખોટ આવવા દીધી નથી.—હઝકિ. ૧૧:૧૭.
૨૯. પ્રચારકામ જોરશોરથી કરવા ૧૯૧૯થી કયાં પગલાં લેવામાં આવ્યાં?
૨૯ ત્રીજું વચન. યહોવાની વેદી પર ફરીથી અર્પણો ચઢાવવાનું શરૂ થયું. છેક પહેલી સદીથી સાચા ખ્રિસ્તીઓને અર્પણો ચઢાવવા વિશે શીખવવામાં આવ્યું હતું. તેઓએ કેવાં અર્પણો ચઢાવવાનાં હતાં? પ્રાણીઓનાં બલિદાનો નહિ, પણ એનાથીયે વધારે અનમોલ અર્પણો. એ અર્પણો એટલે યહોવાની સ્તુતિ કરવી અને લોકોને તેમના વિશે જણાવવું. (હિબ્રૂ. ૧૩:૧૫) ઈશ્વરભક્તો મહાન બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે શું થયું હતું? એ સમયે એવું કોઈ સંગઠન ન હતું, જે યહોવાની ભક્તિ કરવા અને લોકોને પ્રચાર કરવા માર્ગદર્શન આપે. પણ એ ગુલામીના અંત સુધીમાં તો ઈશ્વરભક્તો યહોવાને સ્તુતિનાં અર્પણો ચઢાવવા લાગ્યા. તેઓ પૂરાં દિલથી યહોવા વિશે જણાવવા લાગ્યા. તેઓ સભાઓમાં યહોવાનો જયજયકાર કરવા લાગ્યા. ૧૯૧૯થી “વિશ્વાસુ અને સમજુ ચાકર” લોકોને યહોવાનું શિક્ષણ આપવા પર વધારે ધ્યાન આપે છે. એ ચાકરે એના માટે ઘણી ગોઠવણો કરી છે. (માથ. ૨૪:૪૫-૪૭) દિવસે ને દિવસે યહોવાની ભક્તિ કરનારા લોકોની સંખ્યા વધતી જાય છે. તેઓ રાજીખુશીથી યહોવાનું પવિત્ર નામ આખી દુનિયામાં જાહેર કરે છે.
૩૦. ઈસુએ ઈશ્વરભક્તોને કઈ રીતે સારા ઘેટાંપાળકો આપ્યા?
૩૦ ચોથું વચન. ખરાબ ઘેટાંપાળકો નહિ હોય. ચર્ચના આગેવાનો એકદમ સ્વાર્થી અને ખરાબ હતા. ઈસુએ એ આગેવાનોના પંજામાંથી ઈશ્વરભક્તોને છોડાવ્યા. તેમણે મંડળના એવા સ્વાર્થી અને ખરાબ આગેવાનો પાસેથી જવાબદારી લઈ લીધી. (હઝકિ. ૨૦:૩૮) ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક છે. તે ધ્યાન રાખે છે કે ઘેટાંની, એટલે કે ઈશ્વરભક્તોની સારી રીતે સંભાળ રાખવામાં આવે. ૧૯૧૯માં તેમણે વિશ્વાસુ અને સમજુ ચાકરને પસંદ કર્યો. એ અભિષિક્તોનો નાનો સમૂહ છે. એ ચાકર ઈશ્વરભક્તોને સત્યની સમજણ આપવામાં આગેવાની લે છે અને તેઓની સારી રીતે સંભાળ રાખે છે. પછી બીજા આગેવાનોને, એટલે કે વડીલોને તાલીમ આપવામાં આવી, જેથી તેઓ “ઈશ્વરના ટોળાની” સંભાળ રાખી શકે. (૧ પિત. ૫:૧, ૨) વડીલોને હઝકિયેલ ૩૪:૧૫, ૧૬ બતાવીને વારંવાર યાદ કરાવવામાં આવે છે કે યહોવા અને ઈસુ તેઓ પાસેથી શું ચાહે છે. એ પણ યાદ કરાવવામાં આવે છે કે તેઓ કઈ રીતે ઘેટાંની સારી દેખરેખ રાખી શકે.
૩૧. હઝકિયેલ ૧૧:૧૯ની ભવિષ્યવાણીમાં યહોવાએ જેવું કીધું હતું, એવું જ કઈ રીતે થયું?
૩૧ પાંચમું વચન. યહોવાના લોકો એક થશે. સદીઓથી ચર્ચના લોકોમાં હજારો ભાગલા પડ્યા છે. નાના નાના ઘણા પંથો પણ પડી ગયા છે. તેઓ એકબીજાની કાપતા હોય છે. તેઓમાં એકતા જેવું કંઈ જ નથી. પણ યહોવાએ પોતાના લોકોમાં એક ચમત્કાર કર્યો છે. કયો ચમત્કાર? તેમણે હઝકિયેલ દ્વારા વચન આપ્યું હતું: “હું તેઓને એકદિલના કરીશ.” (હઝકિ. ૧૧:૧૯) એ ભવિષ્યવાણીમાં જેવું કીધું હતું, એવું જ થયું છે. આજે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલનારા યહોવાના લોકો અલગ અલગ દેશો, જાતિ, ધર્મો અને સમાજમાંથી આવે છે. તેઓને યહોવાનું એકસરખું શિક્ષણ મળે છે. તેઓ બધા ખભેખભા મિલાવીને યહોવાની ભક્તિ કરે છે. ઈસુએ છેલ્લી રાતે કાલાવાલા કરીને યહોવાને પ્રાર્થના કરી હતી કે તેમના શિષ્યો પૂરેપૂરી રીતે એક થાય. (યોહાન ૧૭:૧૧, ૨૦-૨૩ વાંચો.) આજે આપણે જોઈએ છીએ કે યહોવાએ એ પ્રાર્થનાનો કેટલો સરસ જવાબ આપ્યો છે!
૩૨. યહોવાની ભક્તિ ફરી શરૂ થવાની ભવિષ્યવાણીમાં જે કહેવામાં આવ્યું, એવું જ થતા જોઈને તમને કેવું લાગે છે? (“ગુલામી અને શુદ્ધ ભક્તિ વિશે ભવિષ્યવાણીઓ” બૉક્સ પણ જુઓ.)
૩૨ આપણને કેટલી ખુશી થાય છે કે આપણે એક અજોડ સમયમાં જીવીએ છીએ! આજે યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં આવી છે. હઝકિયેલની ભવિષ્યવાણીઓમાં જે કહેવામાં આવ્યું હતું, એવું જ થાય છે. યહોવા પોતાના લોકોને જોઈને ચોક્કસ ખુશ થતા હશે, જેમ તેમણે હઝકિયેલ દ્વારા જણાવ્યું હતું: “હું રાજી થઈશ.” (હઝકિ. ૨૦:૪૧) સદીઓથી ઈશ્વરભક્તો એવા ધર્મોના બંધનમાં હતા, જેઓ યહોવાને ભજતા નથી. પણ હવે તેઓ એમાંથી આઝાદ થયા છે. આજે તેઓ બધા ભેગા મળીને એકસરખું શિક્ષણ લે છે. તેઓ આખી દુનિયામાં યહોવાનું નામ રોશન કરે છે. જરા વિચારો, આપણે યહોવાના લોકોમાંના એક છીએ! એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય! યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એ વિશે હઝકિયેલે જે ભવિષ્યવાણીઓ કરી હતી, એમાંની અમુક મોટા પાયે પૂરી થશે.
“એદન બાગ જેવો”
૩૩-૩૫. (ક) ગુલામીમાં ગયેલા યહૂદીઓ માટે હઝકિયેલ ૩૬:૩૫નો શું મતલબ થતો હતો? (ખ) એ ભવિષ્યવાણીનો આજે આપણા માટે શું અર્થ થાય છે? (“બધી બાબતોને સુધારવાનો સમય” બૉક્સ પણ જુઓ.)
૩૩ આપણે જોયું કે ૧૯૧૪માં ઈસુને રાજા બનાવવામાં આવ્યા. આ રીતે દાઉદના વંશને ફરી રાજગાદી મળી અને “બધી બાબતોને સુધારવાનો સમય” શરૂ થયો. (હઝકિ. ૩૭:૨૪) પછી યહોવાએ ઈસુ દ્વારા પોતાના લોકો વચ્ચે શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવી. તેમણે એ લોકોને બીજા ધર્મોની પકડમાંથી આઝાદ કર્યા. પણ યહોવાની ભક્તિ ફરી શરૂ કરવાનું કામ એટલેથી જ પૂરું થઈ ગયું? ના એવું નથી. હઝકિયેલની ભવિષ્યવાણીઓ આપણાં મનમાં જોશ ભરી દે છે કે ભવિષ્યમાં એ કામ હજુ કેટલી જોરદાર રીતે થશે!
૩૪ દાખલા તરીકે, આ શબ્દોનો વિચાર કરો: “લોકો કહેશે, ‘જે દેશ ઉજ્જડ પડી રહ્યો હતો, એ એદન બાગ જેવો બની ગયો છે.’” (હઝકિ. ૩૬:૩૫) ગુલામીમાં ગયેલા હઝકિયેલ અને બીજા યહૂદીઓને એ વચનથી શું સમજાયું હતું? શું તેઓને એવું લાગ્યું હતું કે ખુદ યહોવાએ જે એદન બાગ બનાવ્યો હતો, એના જેવું તેઓનું વતન પણ થઈ જશે? (ઉત. ૨:૮) ના, તેઓને એવું લાગ્યું ન હતું. તેઓ તો એવું સમજ્યા હતા કે યહોવા તેઓને ખાતરી આપે છે કે તેઓનું વતન કેવું સુંદર હશે! એની ધરતી પુષ્કળ પાકથી લહેરાય ઊઠશે!
૩૫ યહોવાના એ વચનનો આજે આપણા માટે શું અર્થ થાય? આપણે એવી આશા નથી રાખતા કે શેતાનની દુષ્ટ દુનિયા હમણાં ને હમણાં જ એદન બાગ જેવી સુંદર બની જાય. તો પછી, આજે એ વચન કઈ રીતે પૂરું થાય છે? યહોવાના ભક્તો તરીકે આપણે ભાઈ-બહેનો સાથે મળીને પૂરાં દિલથી શુદ્ધ ભક્તિ કરી શકીએ છીએ. તેમની ભક્તિ આપણાં જીવનમાં સૌથી મહત્ત્વની છે. આપણે એવું જીવન જીવીએ છીએ, જેનાથી બીજાઓનું ભલું થાય અને યહોવાના નામનો જયજયકાર થાય. યહોવાની ભક્તિ કરવાની આપણી રીતમાં ધીરે ધીરે સુધારો થતો જાય છે. પણ આ વચન ભવિષ્યમાં કઈ રીતે પૂરું થશે?
૩૬, ૩૭. નવી દુનિયામાં કયાં વચનો પૂરાં થશે?
૩૬ આર્માગેદનના મોટા યુદ્ધ પછી, ઈસુ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવાનું કામ આગળ વધારશે. એ કામ એટલા મોટા પાયે થશે કે આખી ધરતી સરસ મજાના બાગ જેવી થઈ જશે. ઈસુ પોતાના હજાર વર્ષના રાજમાં લોકોને માર્ગદર્શન આપશે કે આખી પૃથ્વીને એદન બાગ જેવી સુંદર બનાવી દે. એ જ તો યહોવાની ઇચ્છા હતી. (લૂક ૨૩:૪૩) બધા લોકો એકબીજા સાથે હળી-મળીને રહેશે. તેઓ ધરતીની સારી રીતે સંભાળ રાખશે. ધરતી પર પુષ્કળ પાક લહેરાય ઊઠશે. લોકોને કોઈ જાતનો ડર કે ખતરો નહિ હોય. એ કેવા સોનેરી દિવસો હશે! એ વખતે યહોવાનું આ વચન પૂરું થશે: “હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ. હું દેશમાંથી જંગલી જાનવરોનો નાશ કરીશ. પછી તેઓ વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.”—હઝકિ. ૩૪:૨૫.
૩૭ જરા કલ્પના કરો! તમે આ વિશાળ ધરતી પર ફરવા નીકળી પડો છો. ન તમને કોઈની રોકટોક, ન કોઈનો ડર! તમને કોઈ ખતરનાક જાનવરની બીક નહિ લાગે. તમારી શાંતિનો ભંગ કરનાર કોઈ નહિ હોય. તમે એકલા એકલા ઘનઘોર જંગલોમાં ફરતા હશો. એનાં ઊંચાં ઊંચાં અને ઘટાદાર વૃક્ષો જોઈને તમે મોંમાં આંગળાં નાખી જશો! ચાલી ચાલીને તમે થાકી જાઓ ત્યારે જંગલમાં ક્યાંય પણ નિરાંતે ઊંઘી શકશો! તમને કોઈ કંઈ નહિ કરે. તમે જાગો ત્યારે મસ્ત આરામ લઈને એકદમ તાજા થઈ ગયા હશો!
૩૮. હઝકિયેલ ૨૮:૨૬માંના વચન વિશે તમને કેવું લાગે છે?
૩૮ આપણે યહોવાનું આ વચન પૂરું થતા જોઈશું: “તેઓ સુખ-શાંતિથી એમાં રહેશે. તેઓ ઘરો બાંધશે અને દ્રાક્ષાવાડીઓ રોપશે. આસપાસની જે પ્રજાઓ તેઓની મજાક ઉડાવે છે, એ પ્રજાઓને હું સજા કરીશ. પછી ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેશે અને તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું.” (હઝકિ. ૨૮:૨૬) ધરતી પર યહોવાનો એકેય દુશ્મન નહિ હોય. જ્યાં જુઓ ત્યાં શાંતિ જ શાંતિ હશે! આપણે એકદમ સલામત રહીશું. આપણે ધરતીની સારી રીતે સંભાળ રાખીશું. આપણે પોતાનું, દોસ્તોનું અને કુટુંબનું પણ સારી રીતે ધ્યાન રાખીશું. આપણે સુંદર મજાનાં ઘરો બાંધીશું અને દ્રાક્ષાવાડીઓ રોપીશું!
૩૯. આપણને કેમ પૂરો ભરોસો છે કે નવી દુનિયા વિશે હઝકિયેલની ભવિષ્યવાણીઓ પૂરી થશે?
૩૯ શું એ બધાં વચનો સાચે જ પૂરાં થશે કે પછી બસ એ સપનું જ છે? જો ક્યારેય તમને એવો સવાલ થાય, તો જરા વિચારો કે હમણાં “બધી બાબતોને સુધારવાનો સમય” ચાલે છે. અરે, તમે એ પોતાની નજરે જુઓ છો! ખરું કે અત્યારે સૌથી અઘરો સમય ચાલે છે. યહોવાની ભક્તિ ફરી શરૂ ન થાય એ માટે શેતાને લાખ કોશિશ કરી છે. તોપણ, યહોવાની મદદથી ઈસુએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરી છે. એનાથી આપણો ભરોસો હજુ વધે છે કે યહોવાએ હઝકિયેલની ભવિષ્યવાણીઓમાં જે વચનો આપ્યાં છે, એ ભવિષ્યમાં પૂરાં થશે ને થશે જ!
a ગુલામીમાં ગયેલા મોટા ભાગના યહૂદીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં રહેતા હતા. જેમ કે, હઝકિયેલ કબાર નદી પાસેના એક વિસ્તારમાં રહેતા હતા. ત્યાં બીજા અમુક યહૂદીઓ પણ રહેતા હતા. (હઝકિ. ૩:૧૫) જ્યારે કે અમુક યહૂદીઓ શહેરમાં રહેતા હતા. જેમ કે, “રાજાઓના અને પ્રધાનોના વંશજો.”—દાનિ. ૧:૩, ૬; ૨ રાજા. ૨૪:૧૫.
b દાખલા તરીકે, આપણે સોએ સો ટકા કહી શકતા નથી કે ૧૬મી સદીના પ્રોટેસ્ટંટ ધર્મ સુધારકોમાંથી કોણ અભિષિક્ત ખ્રિસ્તીઓ હતા.