અભ્યાસ લેખ ૮
આપણે બીજાઓની કદર કરવી જોઈએ
“તમે આભારી છો, એમ બતાવી આપો.”—કોલો. ૩:૧૫.
ગીત ૨ યહોવા તારો આભાર
ઝલકa
૧. સમરૂની માણસ કઈ રીતે ઈસુની કદર કરે છે?
દસ માણસોને રક્તપિત્ત થયો હતો. તેઓ ઘણી પીડા સહી રહ્યા હતા. તેઓ સાજા થશે એવો કોઈ અણસાર ન હતો. એક દિવસ તેઓએ મહાન શિક્ષક, ઈસુને દૂરથી આવતા જોયા. તેઓએ સાંભળ્યું હતું કે ઈસુ દરેક પ્રકારની બીમારીમાંથી લોકોને સાજા કરે છે. તેઓને ખાતરી હતી કે ઈસુ તેઓને પણ સાજા કરશે. તેઓએ મોટેથી બૂમ પાડી: “ઈસુ, ગુરુજી, અમારા પર દયા કરો!” ઈસુએ તેઓને સાજા કર્યા. ઈસુએ બતાવેલી દયા માટે તેઓના દિલમાં આભારની લાગણી હશે. પરંતુ, તેઓમાંથી એક વ્યક્તિ સરસ કામ કરે છે. તે ઈસુ પાસે જાય છે અને પોતાની લાગણી શબ્દોમાં ઠાલવે છે. ઈસુએ બતાવેલી દયા માટે તેમની કદરb કરે છે. એ સમરૂની માણસ “મોટા અવાજે” ઈશ્વરને મહિમા આપે છે.—લુક ૧૭:૧૨-૧૯.
૨-૩. (ક) આપણે કદર બતાવવાનું શા માટે ભૂલી જઈ શકીએ? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૨ સમરૂની માણસની જેમ આપણે પણ દયાળુ વ્યક્તિઓનો આભાર માનવા ચાહીએ છીએ. આપણા દિલમાં કદરની લાગણી હોય છે. પણ કોઈવાર એ શબ્દોથી કહેવાનું કે કાર્યથી બતાવવાનું ભૂલી જઈએ છીએ.
૩ આ લેખમાં જોઈશું કે આપણાં શબ્દો અને કાર્યોથી કદર બતાવવી કેમ જરૂરી છે. બાઇબલ સમયના ઈશ્વરભક્તોમાંથી અમુકે કદર બતાવી હતી અને બીજા અમુકે બતાવી ન હતી. આપણે તેઓના દાખલામાંથી શીખીશું. આપણે કઈ રીતોથી કદર બતાવી શકીએ એની પણ ચર્ચા કરીશું.
આપણે શા માટે બીજાઓની કદર કરવી જોઈએ?
૪-૫. આપણે શા માટે કદર બતાવવી જોઈએ?
૪ કદર બતાવવામાં યહોવાએ આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. જે વ્યક્તિથી યહોવા ખુશ થાય છે, તેને ઈનામ આપીને તેની કદર કરે છે. (૨ શમૂ. ૨૨:૨૧; ગીત. ૧૩:૬; માથ. ૧૦:૪૦, ૪૧) બાઇબલમાં જણાવ્યું છે, “વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.” (એફે. ૫:૧) કદર બતાવવા માટેનું મુખ્ય કારણ છે કે આપણે યહોવાના પગલે ચાલવા માંગીએ છીએ.
૫ ચાલો કદર બતાવવા માટેનું બીજું કારણ જોઈએ. દાખલા તરીકે, તમારી પાસે એક સરસ વાનગી છે. તમે એ બીજાઓ સાથે જેટલી વહેંચશો એટલી તમને વધારે મજા આવશે. એવી જ રીતે, બીજાઓ આપણી કદર કરે ત્યારે આપણે ખુશ થઈએ છીએ. આપણે બીજાઓની કદર કરીએ ત્યારે બીજાઓ પણ ખુશ થાય છે. કારણ કે તેઓ જોઈ શકે છે કે આપણા માટે તેઓએ કરેલી મહેનત પાણીમાં ગઈ નથી. આમ, મિત્રતા વધુ મજબૂત બને છે.
૬. કદર બતાવતા શબ્દોને શા માટે સોનાના ફળ સાથે સરખાવવામાં આવ્યા છે?
૬ કદર બતાવવા માટે વપરાતા શબ્દો ઘણા કીમતી છે. બાઇબલમાં લખ્યું છે: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિ. ૨૫:૧૧) રૂપાની ટોપલીમાં સોનાનું ફળ હોય તો કેવું લાગે, જરા એની કલ્પના કરો! એ ઘણું કીમતી હશે, ખરું ને! તમને એવી ભેટ મળે ત્યારે તમને કેવું લાગશે? ચોક્કસ, તમે એનો આભાર માનશો. આભારના એ શબ્દો પણ ઘણા કીમતી છે. આ હકીકતનો વિચાર કરો: સોનાનું ફળ લાંબો સમય ટકે છે. એવી જ રીતે, કદર બતાવતા શબ્દો પણ સાંભળનારના દિલમાં લાંબા સમય સુધી રહે છે.
તેઓએ કદર બતાવી
૭. દાઊદ અને બીજા ઈશ્વરભક્તોએ કઈ રીતે કદર બતાવી હતી?
૭ ઘણા ઈશ્વરભક્તોએ કદર બતાવી હતી. દાઊદ પણ એવા જ એક ઈશ્વરભક્ત હતા. (ગીતશાસ્ત્ર ૩૦:૧૨ વાંચો.) શુદ્ધ ભક્તિને તે દિલથી કીમતી ગણતા હતા, એ તેમનાં કાર્યોથી દેખાઈ આવતું હતું. મંદિર બાંધવા માટે તેમણે પોતાની મોટા ભાગની ધનદોલત આપી દીધી હતી. આસાફના વંશજોએ સ્તુતિગીતો લખીને કદર બતાવી હતી. એક ગીતમાં યહોવાનો આભાર માનતા શબ્દો છે. વધુમાં, યહોવાના ‘નવાઈ પમાડનાર કામોનાં’ વખાણ પણ કરવામાં આવ્યા છે. (ગીત. ૭૫:૧) યહોવાએ દાઊદને અને આસાફના વંશજોને આશીર્વાદો આપ્યા હતા. તેઓ યહોવાને બતાવવા માંગતા હતા કે એ આશીર્વાદોની તેઓ કદર કરે છે. તમે કઈ રીતે કદર બતાવો છો?
૮-૯. પાઊલે ભાઈ-બહેનોની કઈ રીતે કદર કરી અને એનું કેવું પરિણામ આવ્યું?
૮ પ્રેરિત પાઊલ ભાઈ-બહેનોની કદર કરતા હતા, એ તેમની વાતોમાં દેખાઈ આવતું હતું. પ્રાર્થનામાં એ ભાઈ-બહેનો માટે તે ઈશ્વરનો આભાર માનતા હતા. તેમણે પત્રો લખ્યા એમાં તેમણે એ ભાઈ-બહેનોની કદર કરી હતી. રોમનો ૧૬:૧-૧૫માં સત્તાવીસ ભાઈ-બહેનોના નામ જોવા મળે છે. એમાં પાઊલે જણાવ્યું કે પ્રિસ્કા અને આકુલાએ તેમની ખાતર “પોતાના જીવ જોખમમાં મૂક્યા” હતા. પાઊલે એ પણ જણાવ્યું કે ફેબીએ તેમને અને ‘ઘણા ભાઈઓને સહાય કરી હતી.’ પ્રેમાળ અને મહેનતુ ભાઈ-બહેનોનાં તેમણે દિલથી વખાણ કર્યા હતા.
૯ પાઊલ જાણતા હતા કે ભાઈ-બહેનોમાં પણ ખામીઓ છે. રોમનોને લખેલા પત્રમાં છેલ્લે તેમણે ભાઈ-બહેનોનાં સારા ગુણો વિશે લખ્યું હતું. પાઊલનો પત્ર જ્યારે મંડળમાં વાંચવામાં આવ્યો હશે, ત્યારે એ ભાઈ-બહેનોને કેટલું ઉત્તેજન મળ્યું હશે! પાઊલ સાથેની તેઓની મિત્રતા વધુ પાકી થઈ હશે. મંડળનાં ભાઈ-બહેનો સારાં કામ કરે ત્યારે શું તમે હંમેશાં તેઓની કદર કરો છો?
૧૦. ઈસુએ પોતાના શિષ્યોની કદર કરી એમાંથી આપણને શું શીખવા મળે છે?
૧૦ એશિયા માઈનોરનાં અમુક મંડળોને ઈસુએ સંદેશાઓ મોકલ્યા હતા. એમાં ઈસુએ અમુક શિષ્યોની તેઓનાં કામ માટે કદર કરી હતી. દાખલા તરીકે, તેમણે થુવાતિરા મંડળ માટે સંદેશો મોકલ્યો ત્યારે, એની શરૂઆત આ રીતે કરી હતી: “તારાં કાર્યો, તારો પ્રેમ, તારી શ્રદ્ધા, તારી સેવા અને તારી સહનશક્તિ હું જાણું છું; તારાં હમણાંનાં કાર્યો અગાઉનાં કરતાં વધારે છે.” (પ્રકટી. ૨:૧૯) ઈસુએ જણાવ્યું કે તેઓએ પ્રગતિ કરી છે. એટલું જ નહિ જેના લીધે તેઓ પ્રગતિ કરવા પ્રેરાયા હતા, એ સારા ગુણોની પણ તેમણે પ્રશંસા કરી. થુવાતિરાનાં અમુક ભાઈ-બહેનોને ઈસુ કડક સલાહ આપવા માંગતા હતા. પણ તેમણે સંદેશાની શરૂઆતમાં અને છેલ્લે ઉત્તેજનના શબ્દો જણાવ્યા હતા. (પ્રકટી. ૨:૨૫-૨૮) જરા વિચારો, મંડળના શિર તરીકે ઈસુ પાસે કેટલો બધો અધિકાર છે. આપણે તેમના માટે જે કંઈ કરીએ છીએ, એ માટે તેમણે આપણો આભાર માનવાની જરૂર નથી. તેમ છતાં, તે કદર કરવાનું ચૂકતા નથી. વડીલો માટે કેટલો જોરદાર દાખલો!
તેઓ કદર બતાવવાનું ચૂકી ગયા
૧૧. હિબ્રૂઓ ૧૨:૧૬ પ્રમાણે પવિત્ર વસ્તુઓ માટે એસાવે કેવું વલણ બતાવ્યું?
૧૧ દુઃખની વાત છે કે અમુક ઈશ્વરભક્તો કદર બતાવવાનું ચૂકી ગયા હતા. ચાલો એસાવનો અહેવાલ જોઈએ. તેનાં માબાપ યહોવાને પ્રેમ કરતાં અને તેમની કદર કરતાં હતાં. પરંતુ, એસાવને પવિત્ર વસ્તુઓની કદર ન હતી. (હિબ્રૂઓ ૧૨:૧૬ વાંચો.) એવું શા પરથી કહી શકાય? એસાવે લાલ શાક માટે પ્રથમ દીકરા તરીકેનો પોતાનો હક યાકૂબને વેચી દીધો. (ઉત. ૨૫:૩૦-૩૪) એસાવે જે પસંદ કર્યું હતું, એ માટે પછીથી તેને ખૂબ અફસોસ થયો. પોતાની પાસે જે હતું એની તેણે કદર કરી નહિ. એટલે તેને આશીર્વાદ ન મળ્યો ત્યારે, તેની પાસે ફરિયાદ કરવાનું એક કારણ પણ ન હતું.
૧૨-૧૩. ઇઝરાયેલીઓ ક્યારે કદર બતાવવાનું ચૂકી ગયા? એનું શું પરિણામ આવ્યું?
૧૨ ઇઝરાયેલીઓ પાસે યહોવાની કદર કરવાના ઘણાં કારણો હતાં. ઇજિપ્તના લોકો પર દસ આફતો લાવીને યહોવાએ તેઓને ગુલામીમાંથી છોડાવ્યા હતા. પછીથી, યહોવાએ લાલ સમુદ્રમાં ઇજિપ્તના સૈન્યનો નાશ કરીને તેઓને બચાવ્યા હતા. એ સમયે તેઓ વિજયનું ગીત ગાવા લાગ્યા હતા. તેઓ એટલા આભારી હતા કે તેઓ યહોવાના ગુણગાન ગાતા હતા. પણ તેઓએ હંમેશાં એવો આભાર માન્યો નહિ.
૧૩ ઇઝરાયેલીઓ પર બીજી મુશ્કેલીઓ આવી ત્યારે, યહોવાએ કરેલી સારી બાબતો તેઓ ભૂલી ગયા. તેઓ કદર બતાવવાનું ચૂકી ગયા. (ગીત. ૧૦૬:૭) એક વખત, ‘ઇઝરાયેલીઓએ મુસા તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી.’ હકીકતમાં તો તેઓએ યહોવા વિરુદ્ધ કચકચ કરી હતી. (નિર્ગ. ૧૬:૨, ૮) લોકોના એવા વલણને લીધે યહોવા ખૂબ નારાજ થયા. પછીથી યહોવાએ ભવિષ્યવાણી કરી કે ઇઝરાયેલની આખી પેઢી વેરાન પ્રદેશમાં નાશ પામશે; ફક્ત યહોશુઆ અને કાલેબ બચી જશે. (ગણ. ૧૪:૨૨-૨૪; ૨૬:૬૫) આપણે કઈ રીતે સારા દાખલાને અનુસરી શકીએ અને ખરાબ દાખલાથી દૂર રહી શકીએ? ચાલો એ વિશે જોઈએ.
એકબીજાની કદર કરીએ
૧૪-૧૫. (ક) લગ્નસાથીઓ કઈ રીતે બતાવી શકે કે તેઓ એકબીજાની કદર કરે છે? (ખ) માબાપ કઈ રીતે બાળકોને કદર કરવાનું શીખવી શકે?
૧૪ કુટુંબમાં. કુટુંબના સભ્યો એકબીજાની કદર કરશે તો આખા કુટુંબને ફાયદો થશે. લગ્નસાથીઓ એકબીજાની કદર કરશે તો તેઓ એકબીજાની નજીક આવશે. એકબીજાની ભૂલો માફ કરવી તેઓ માટે સહેલું થઈ પડશે. પત્નીની કદર કરનાર પતિ તેની સારી બાબતોને ફક્ત જોશે જ નહિ, ‘તેના વખાણ પણ કરશે.’ (નીતિ. ૩૧:૧૦, ૨૮) પત્ની પણ પતિના સારા ગુણોની કદર કરશે અને એ વિશે તેમને જણાવશે.
૧૫ માબાપો, તમે તમારાં બાળકોને કદર કરવાનું કઈ રીતે શીખવી શકો? યાદ રાખો, તમે જેવું કરશો એવું જ તમારાં બાળકો કરશે. બાળકો તમારા માટે કંઈ કરે તો, તેઓનો આભાર માનો. તેઓ માટે સારો દાખલો બેસાડો. બાળકોને શીખવો કે, તેઓએ પણ લોકોનો આભાર માનવો જોઈએ. વધુમાં, તેઓને એ સમજવા મદદ કરો કે દિલથી કદર કરવી જોઈએ અને શબ્દોથી એ જણાવવું જોઈએ. દાખલા તરીકે, ક્લાડેબહેન કહે છે: ‘મારાં મમ્મી ૩૨ વર્ષનાં હતાં ત્યારે, એકલા હાથે ત્રણ બાળકોનો ઉછેર કરવાની જવાબદારી તેમનાં પર આવી પડી. હું ૩૨ વર્ષની થઈ ત્યારે મને સમજાયું કે એ તેમનાં માટે કેટલું અઘરું થઈ પડ્યું હશે. એટલે મેં તેમને કહ્યું કે અમારો ઉછેર કરવા તમે જે તકલીફો સહન કરી, એની હું ખૂબ કદર કરું છું. હમણાં તેમણે મને જણાવ્યું કે મારા એ શબ્દો તેમનાં દિલને સ્પર્શી ગયા હતા. તે ઘણી વાર એના પર વિચાર કરે છે અને એનાથી તેમનો દિવસ સારો જાય છે.’
૧૬. બીજાઓની કદર કરવાથી તેઓને ઉત્તેજન મળે છે, એનો દાખલો આપો.
૧૬ મંડળમાં. ભાઈ-બહેનોની કદર કરીશું તો તેઓને ઉત્તેજન મળશે. દાખલા તરીકે, ૨૮ વર્ષના જ્યોર્જભાઈ વડીલ છે. એક વાર તે બીમાર પડ્યા ત્યારે એક મહિના સુધી સભાઓમાં જઈ શક્યા નહિ. પછી તેમણે સભામાં જવાનું શરૂ કર્યું પણ તે સોંપણી લેતા અચકાતા હતા. જ્યોર્જભાઈ જણાવે છે: ‘મારી બીમારીને લીધે હું મંડળમાં જવાબદારી નિભાવી શકતો ન હતો. એનાથી મને લાગતું કે હું કંઈ કામનો નથી. પણ સભા પછી એક ભાઈએ આભાર માનતા જણાવ્યું, “મારા કુટુંબ માટે તમે સારો દાખલો બેસાડ્યો છે. અમને તમારાં પ્રવચનો ખૂબ ગમતાં હતાં. એનાથી અમને શ્રદ્ધા મજબૂત કરવા મદદ મળી છે.” એ વાત મારા દિલને સ્પર્શી ગઈ અને મારી આંખો ભીની થઈ ગઈ. સાચું કહું, મને એવા જ ઉત્તેજનના શબ્દોની જરૂર હતી.’
૧૭. કોલોસીઓ ૩:૧૫ પ્રમાણે યહોવાની ઉદારતા માટે કઈ રીતે કદર બતાવી શકીએ?
૧૭ ઉદાર ઈશ્વરની કદર કરીએ. યહોવા ઘણી રીતોએ માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે, સભાઓ, મૅગેઝિન અને આપણી વેબસાઇટ. શું તમને પ્રવચન, લેખ કે બ્રૉડકાસ્ટિંગના કોઈ વીડિયો પરથી એવું લાગ્યું છે કે, ‘આ તો મારા જ માટે હતું.’ એ માટે આપણે કઈ રીતે યહોવાની કદર કરી શકીએ? (કોલોસીઓ ૩:૧૫ વાંચો.) એક રીત છે કે એ બધી ભેટ માટે દરરોજ પ્રાર્થનામાં આભાર માનીએ.—યાકૂ. ૧:૧૭.
૧૮. પ્રાર્થનાઘર માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?
૧૮ યહોવાની કદર કરવાની બીજી એક રીત છે કે આપણાં ભક્તિ સ્થળો સ્વચ્છ રાખવા જોઈએ. પ્રાર્થનાઘર સાફ રાખવામાં અને એનું સમારકામ કરવામાં આપણે નિયમિત ભાગ લેવો જોઈએ. મંડળનાં ઇલેક્ટ્રોનિક સાધનો કાળજીથી વાપરવાં જોઈએ. પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખીશું તો, વસ્તુઓ લાંબો સમય ચાલશે અને સમારકામ ઓછું કરવું પડશે. એનાથી પૈસા બચશે અને આપણે બીજાં પ્રાર્થનાઘરો બનાવી શકીશું અથવા સમારકામ કરી શકીશું.
૧૯. એક સરકીટ નિરીક્ષક અને તેમના પત્નીના દાખલા પરથી શું શીખવા મળે છે?
૧૯ આપણા માટે જેઓ મહેનત કરે છે, તેઓની કદર કરીએ. આપણે બીજાઓની કદર કરવી જોઈએ. એમ કરવાથી તેઓને પોતાની મુશ્કેલીઓ સહેવા મદદ મળશે. ચાલો, એક સરકીટ નિરીક્ષક અને તેમના પત્નીનો દાખલો જોઈએ. ઠંડીમાં આખો દિવસ પ્રચાર કર્યા પછી તેઓ થાકેલાં-પાકેલાં ઘરે પહોંચ્યાં. એ રાતે એટલી ઠંડી હતી કે બહેન જૅકેટ પહેરીને સૂઈ ગયાં. સવારે ઊઠીને તેમણે પતિને જણાવ્યું કે હવે મંડળોની મુલાકાત લેવાનું તેમને અઘરું લાગે છે. એ જ દિવસે શાખા કચેરી તરફથી પત્ર આવ્યો, જે બહેન માટે હતો. એ પત્રમાં બહેનના સેવાકાર્યના વખાણ કરવામાં આવ્યા હતા અને મુશ્કેલીઓ સહન કરવા માટે તેમની કદર કરવામાં આવી હતી. એમાં એ પણ જણાવ્યું હતું, ભાઈઓ સમજે છે કે દર અઠવાડિયે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું અઘરું કામ છે. બહેનના પતિ કહે છે, ‘વખાણના એ શબ્દો તેના દિલને એટલા સ્પર્શી ગયા કે, સોંપણી છોડી દેવાનું ફરી ક્યારેય તેની પાસેથી સાંભળવા મળ્યું નથી. અરે, ઘણી વાર તો હિંમત ન હારવા અને સોંપણીમાં લાગુ રહેવા તેણે મને ઉત્તેજન આપ્યું છે.’ એ સોંપણીમાં યુગલે લગભગ ૪૦ વર્ષ વિતાવ્યાં.
૨૦. આપણે દરરોજ શું કરવું જોઈએ અને શા માટે?
૨૦ આપણાં વાણી-વર્તનથી બીજાઓની કદર કરવાનો દરરોજ પ્રયત્ન કરીએ. દુષ્ટ દુનિયા દુઃખ-તકલીફોથી ભરેલી છે, જ્યાં બહુ ઓછા લોકો એકબીજાનો આભાર માને છે. એટલે, આપણે બીજાઓના દિલથી વખાણ કરીએ કે તેઓ માટે કંઈક કરીએ ત્યારે તેઓને હિંમત મળે છે, ખુશી મળે છે. આભારના બે શબ્દો પાકા મિત્રો બનાવવા પણ મદદ કરે છે. સૌથી મહત્ત્વનું તો આપણે કદર બતાવીને ઉદાર પિતા યહોવાના પગલે ચાલીએ છીએ.
ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો
a કદર બતાવવા વિશે યહોવા, ઈસુ અને રક્તપિત્ત થયેલા સમરૂની માણસ પાસેથી શું શીખવા મળે છે? આ લેખમાં એની અને બીજા દાખલાઓની ચર્ચા કરીશું. આભાર માનવો કેમ જરૂરી છે અને આપણે કઈ રીતે એમ કરી શકીએ એ વિશે પણ જોઈશું.
b શબ્દોની સમજ: કોઈ વ્યક્તિ કે વસ્તુની કદર કરવી, એનો અર્થ થાય, એ વ્યક્તિ કે વસ્તુને કીમતી ગણવી. એ શબ્દનો બીજો અર્થ થાય કે દિલથી આભાર માનવો.
c ચિત્રની સમજ: રોમના મંડળમાં પાઊલનો પત્ર વાંચવામાં આવી રહ્યો છે; આકુલા, પ્રિસ્કા, ફેબી અને બીજાઓ પોતાનું નામ સાંભળીને ખુશ છે.
d ચિત્રની સમજ: મોટી ઉંમરના બહેને સારો દાખલો બેસાડ્યો છે. એ બહેનની કદર કરવાનું નાની છોકરીને તેની મમ્મી શીખવી રહી છે.