‘યહોવાના સૌંદર્યનું અવલોકન કર્યા કરું’
નિરાશાજનક સંજોગો આપણા પર ઊંડી અસર કરે છે. આપણે પૂરો સમય એના વિશે જ વિચાર્યા કરીએ છીએ, જેના લીધે આપણે નબળા પડીએ છીએ. અરે, જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદને પણ જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એનો સામનો કઈ રીતે કર્યો? દિલને સ્પર્શી જનારા ગીતમાં તેમણે જણાવ્યું: ‘હું તેમની સંમુખ મારા હૈયાનું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું. જ્યારે મારો જીવ નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો.’ દાઊદે પ્રાર્થનામાં પોતાનું હૃદય નમ્રતાથી યહોવા સામે ઠાલવ્યું.—ગીત. ૧૪૨:૧-૩.
મુશ્કેલ સંજોગોમાં દાઊદે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી
બીજા એક ગીતમાં દાઊદે ગાયું: “યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યાં કરું, અને તેના પવિત્રસ્થાનમાં તેનું ધ્યાન ધરૂં [તેની કદર કરું, NW ].” (ગીત. ૨૭:૪) દાઊદ લેવી કુળના ન હતા. પરંતુ, કલ્પના કરો કે તે પવિત્ર આંગણામાં ઊભા છે, જે સાચી ભક્તિનું મુખ્ય સ્થાન હતું. તેમનું હૃદય આભારથી છલકાઈ જાય છે. તેથી, તે જીવનના બાકીના દિવસો ત્યાં જ પસાર કરીને ‘યહોવાના સૌંદર્યનું અવલોકન કરવા માંગે છે.’
અહીંયા જણાવેલો શબ્દ “સૌંદર્ય”નો શું અર્થ થાય? સૌંદર્ય શબ્દ એવા ગુણ સાથે જોડાયેલો છે, “જે આપણા મનને પસંદ પડે અથવા આપણને સારી લાગણીનો અનુભવ કરાવે.” ભક્તિ માટે ઈશ્વરની ગોઠવણની દાઊદે હંમેશાં કદર કરી. આપણે વિચાર કરવો જોઈએ: “શું મને પણ દાઊદ જેવું લાગે છે?”
ઈશ્વરની ગોઠવણની કદર કરીએ
આપણા સમયમાં, યહોવાની નજીક જવા કોઈ ઇમારતની જરૂર નથી. પરંતુ, ઈશ્વરે સાચી ભક્તિ માટે પવિત્ર ગોઠવણ કરી છે.a જો આપણે એ ગોઠવણ માટે કદર બતાવીશું, તો ‘યહોવાના સૌંદર્યનું અવલોકન કરી શકીશું.’
મુલાકાતમંડપના દરવાજા સામેની પિત્તળની વેદીનો વિચાર કરો. (નિર્ગ. ૩૮:૧, ૨; ૪૦:૬) એ વેદી શું રજૂ કરતી હતી? એ જ કે, ઈસુ મનુષ્ય તરીકે જે બલિદાન આપશે એને ઈશ્વર સ્વીકારવા તૈયાર છે. (હિબ્રૂ ૧૦:૫-૧૦) આપણા માટે એનો ઊંડો અર્થ રહેલો છે! પ્રેરિત પાઊલે લખ્યું: ‘આપણે શત્રુ હતા, ત્યારે ઈશ્વરની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો.’ (રોમ. ૫:૧૦) ઈસુએ વહેવડાવેલા લોહીમાં શ્રદ્ધા રાખીને આપણે પણ ઈશ્વરના મિત્ર બની શકીએ છીએ. અને એનાથી મળતાં વિશ્વાસ અને કૃપા પામી શકીએ છીએ. આમ, આપણને યહોવાના નજીકના ‘મિત્ર’ બનવાનો લહાવો મળે છે.—ગીત. ૨૫:૧૪, IBSI.
આપણાં “પાપ ભૂંસી નાખવામાં” આવ્યાં હોવાને લીધે, યહોવાની “હજૂરમાંથી તાજગીના સમયો”નો આપણે અનુભવ કરી શકીએ છીએ. (પ્રે.કૃ. ૩:૧૯) આપણી પરિસ્થિતિ એવા ગુનેગાર જેવી છે, જે મરણની સજાની રાહ જોઈ રહ્યો છે. એ સમય દરમિયાન તેને પોતાનાં કામોનો પસ્તાવો થાય છે અને તે જીવનમાં મોટા ફેરફાર કરે છે. આ જોઈને એક દયાળુ ન્યાયાધીશ માફી આપતા, મરણની સજા રદ કરે છે. ગુનેગારને કેટલી રાહત મળી હશે! એ ન્યાયાધીશની જેમ યહોવા પસ્તાવો કરનારા મનુષ્યો તરફ ફરે છે અને મરણનો ચુકાદો રદ કરે છે.
સાચી ભક્તિમાં આનંદ મેળવો
યહોવાના ઘરમાં દાઊદે સાચી ભક્તિનાં કયાં પાસાં જોયાં? સાથી ઈસ્રાએલીઓનું ભેગા થવું, નિયમોનું વાંચન અને એની સમજણ, ધૂપ બાળવું અને યાજકો તથા લેવીઓ દ્વારા કરવામાં આવતી પવિત્ર સેવા. (નિર્ગ. ૩૦:૩૪-૩૮; ગણ. ૩:૫-૮; પુન. ૩૧:૯-૧૨) પ્રાચીન ઈસ્રાએલમાં થતી એ સાચી ભક્તિ આપણા સમય સાથે પણ એટલી જ મેળ ખાય છે.
પહેલાંના સમયની જેમ હાલમાં પણ, “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!” (ગીત. ૧૩૩:૧) ઘણાં મોટાં પ્રમાણમાં દુનિયા ફરતે આપણા “બંધુમંડળ” એટલે કે, ભાઈઓ-બહેનોમાં વધારો થયો છે. (૧ પીત. ૨:૧૭) ઈશ્વરનો શબ્દ બાઇબલ આપણી સભાઓમાં વાંચવામાં અને સમજાવવામાં આવે છે. યહોવા પોતાના સંગઠન દ્વારા અઢળક માર્ગદર્શન આપે છે. વ્યક્તિગત અને કુટુંબ તરીકે અભ્યાસ કરી શકીએ માટે ભરપૂર પ્રમાણમાં છાપેલું સાહિત્ય મળી રહે છે. નિયામક જૂથના એક ભાઈ એ વિશે જણાવે છે, ‘યહોવાના શબ્દ પર મનન કરવાથી, એનો અર્થ સમજવાથી અને એની ઊંડી સમજણ મેળવવાથી હું ભક્તિમાં આશીર્વાદો અનુભવું છું અને મને સંતોષ મળે છે.’—નીતિ. ૨:૧૦.
ઈશ્વરભક્તોએ કરેલી યોગ્ય પ્રાર્થના દરરોજ યહોવા પાસે પહોંચે છે. યહોવા માટે એવી પ્રાર્થનાઓ સુગંધી ધૂપ જેવી છે. (ગીત. ૧૪૧:૨) આપણે નમ્ર રીતે યહોવાને પ્રાર્થના કરીએ છીએ ત્યારે, તેમને ઘણો આનંદ થાય છે. એ જાણીને આપણા મનને કેટલી શાંતિ મળે છે!
મુસાએ પ્રાર્થના કરી: ‘અમારા પર ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો.’ (ગીત. ૯૦:૧૭) પ્રચારકાર્ય ઉત્સાહથી કરીએ છીએ ત્યારે, યહોવા આપણાં કાર્યને આશીર્વાદ આપે છે. (નીતિ. ૧૦:૨૨) આપણે કદાચ અમુકને સત્ય શીખવામાં મદદ કરી હશે. બીમારી, લાગણીમય દુઃખ અથવા દબાણો હોવાં છતાં આપણે વર્ષો સુધી પ્રચારકાર્યમાં ટકી રહ્યા હોઈશું. (૧ થેસ્સા. ૨:૨) એવા સમયોમાં આપણે ‘યહોવાનું સૌંદર્ય’ જોઈ શક્યા છીએ. આપણે જાણીએ છીએ કે આપણા પ્રયત્નોથી ઈશ્વરપિતા ઘણા ખુશ થાય છે.
દાઊદે ગાયું: ‘યહોવા મારા વારસનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે.’ (ગીત. ૧૬:૫, ૬) દાઊદ પોતાના “ભાગ” એટલે કે યહોવા સાથેના સંબંધ અને તેમની ભક્તિ કરવાના લહાવા માટે આભારી હતા. દાઊદની જેમ, કદાચ આપણા પર પણ મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ, આપણી પાસે ભક્તિમાં અઢળક આશીર્વાદો છે. તેથી, ચાલો આપણે સાચી ભક્તિમાં આનંદ લેતા રહીએ. તેમ જ, યહોવાની ગોઠવણ માટે ‘કદર’ બતાવતા રહીએ!
a જુલાઈ ૧, ૧૯૯૬નું ચોકીબુરજ, પાન ૧૪-૨૪ જુઓ.