‘યહોવાહનો ઠરાવ’ ક્યારેય નિષ્ફળ જશે નહિ
‘હું તો એ ઠરાવ જાહેર કરીશ; યહોવાહે મને કહ્યું, કે તું મારો પુત્ર છે. તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને આપીશ.’—ગીતશાસ્ત્ર ૨:૭, ૮.
માણસજાત અને પૃથ્વી માટે યહોવાહનો એક હેતુ છે. દેશ-વિદેશના રાજાઓ અને પ્રજાઓનો પણ એક હેતુ છે. પરંતુ આ બંનેના હેતુમાં આભ-જમીનનો ફરક છે! પરમેશ્વર કહે છે: “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.” પરમેશ્વરના હેતુઓ ચોક્કસ પૂરા થશે કેમ કે તે કહે છે: “જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી; તે પ્રમાણે મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”—યશાયાહ ૫૫:૯-૧૧.
૨ ગીતશાસ્ત્રમાં બીજું ગીત જણાવે છે કે મસીહી રાજા વિષે પરમેશ્વરનો હેતુ જરૂર પૂરો થશે. પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે એ ગીત રચ્યું હતું. તેમણે ઈશ્વર પ્રેરણાથી ભવિષ્યવાણી કરી કે એક સમય આવશે જ્યારે દેશ-વિદેશની પ્રજાઓ તોફાન કરશે. કેમ કે તેના રાજાઓ જાણતા નથી કે કઈ રીતે શાસન કરવું. એ રાજાઓ યહોવાહ પરમેશ્વર અને તેમના પુત્રની સામા થશે. પરંતુ, દાઊદ જણાવે છે: ‘હું તો એ ઠરાવ જાહેર કરીશ; યહોવાહે મને કહ્યું, કે તું મારો પુત્ર છે. તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને આપીશ.’—ગીતશાસ્ત્ર ૨:૭, ૮.
૩ ‘યહોવાહના ઠરાવનો’ વિદેશીઓ કે દેશ-વિદેશના રાજાઓ માટે શું અર્થ થાય છે? કઈ રીતે આખી માણસજાતને એ અસર કરે છે? પરમેશ્વરનો ડર રાખનારા બીજા ગીતના વાચકો પર એની શું અસર પડશે?
પ્રજાઓ તોફાન કરે છે
૪ પ્રજાઓના રાજાઓ કઈ રીતે શાસન કરે છે એ બતાવતા, દાઊદ રાજા બીજા ગીતની શરૂઆતમાં આમ ભાખે છે: “વિદેશીઓ કેમ તોફાન કરે છે, અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે? યહોવાહ તથા તેના અભિષિક્તની વિરૂદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે, અને હાકેમો માંહોમાંહે મસલત કરે છે.”—ગીતશાસ્ત્ર ૨:૧, ૨.a
૫ આજના રાજાઓ અને લોકો શા માટે ‘વ્યર્થ કલ્પના કરે છે?’ તેઓ પરમેશ્વરના અભિષિક્ત પુત્ર, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાને બદલે પોતાની સત્તા ટકી રહે એ વિષે ‘કલ્પના કરતા’ હોય છે. બીજા ગીતના આ શબ્દો પહેલી સદીમાં પૂરા થયા. એ વખતે યહુદી અને રૂમી અધિકારીઓએ એક થઈને પરમેશ્વરે રાજા તરીકે પસંદ કરેલા ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા. તેમ છતાં, ૧૯૧૪માં ઈસુને સ્વર્ગમાં રાજા બનાવવામાં આવ્યા ત્યારે, એ શબ્દો મોટા પાયે પૂરા થવા લાગ્યા. ત્યારથી લઈને પણ પૃથ્વી પરની એકેય સરકારે પરમેશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુનો સ્વીકાર કર્યો નથી.
૬ ગીતકર્તાએ સવાલ કર્યો કે “લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?” એનો શું અર્થ થાય? એ તેઓના હેતુને બતાવે છે. પણ એમાં કંઈ વજૂદ નથી અને એ સાવ નિષ્ફળ જશે. તેઓ ભલે ગમે એટલી કોશિશ કરે, આખી પૃથ્વી પર શાંતિ અને સલામતી ક્યારેય લાવી શકવાના નથી. તેમ છતાં, તેઓ પોતાનાં કામોથી પરમેશ્વરની સત્તા વિરુદ્ધ જાય છે. અરે, તેઓ તો વિશ્વના માલિક યહોવાહ અને તેમના રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્તનો વિરોધ કરવા એક થઈ ગયા છે. તેઓ કેવા મૂર્ખ છે!
યહોવાહના વિજયી રાજા
૭ ઈસુના શિષ્યોએ ગીતશાસ્ત્ર ૨:૧, ૨ના શબ્દો ઈસુ ખ્રિસ્તને લાગુ પાડ્યા. તેઓને પોતાના વિશ્વાસને લીધે સતાવવામાં આવ્યા ત્યારે તેઓએ પ્રાર્થના કરી: “ઓ પ્રભુ [યહોવાહ], આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વેને ઉત્પન્ન કરનાર તું છે; તેં તારા સેવક અમારા પૂર્વજ દાઊદના મુખ દ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે, કે વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે, અને લોકોએ કેમ વ્યર્થ કલ્પના કરી છે? પ્રભુની વિરૂદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરૂદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા; કેમ કે ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ જેને તેં અભિષિક્ત કર્યો, તેની વિરૂદ્ધ હેરોદ [આંતીપાસ] તથા પંતીઅસ પીલાત વિદેશીઓ તથા ઈસ્રાએલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪-૨૭; લુક ૨૩:૧-૧૨)b પહેલી સદીમાં પરમેશ્વરના અભિષિક્ત સેવક ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું હતું. જોકે, આ ગીતની બીજી પરિપૂર્ણતા સદીઓ પછી થઈ.
૮ જ્યારે પ્રાચીન ઈસ્રાએલમાં દાઊદની જેવા રાજાઓ હતા, ત્યારે પણ વિધર્મી લોકો અને રાજાઓ એક થઈને પરમેશ્વર અને તેમના અભિષિક્ત રાજાનો વિરોધ કરતા હતા. આપણા સમય વિષે શું? આજના રાજાઓ અને પ્રજાઓ પણ યહોવાહ અને ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ જાય છે. એના બદલે તેઓ કહે છે: “તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ.” (ગીતશાસ્ત્ર ૨:૩) રાજાઓ અને પ્રજાઓ પરમેશ્વર અને ઈસુ તરફથી આવતા કોઈ પણ નિયમોનો વિરોધ કરે છે. જોકે, એ નિયમો તોડવાના અને ફેંકી દેવાના તેઓના પ્રયત્નો સાવ નકામા છે.
યહોવાહ તેઓને તુચ્છ ગણે છે
૯ ભલે રાજાઓ પોતાની મેળે સત્તા ચલાવવા ગમે એવા પ્રયાસ કરે, એની યહોવાહને કંઈ પડી નથી. ગીતશાસ્ત્ર કહે છે: “આકાશમાં જે બેઠો છે, તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.” (ગીતશાસ્ત્ર ૨:૪) જાણે કે આ રાજાઓ છે જ નહિ એમ ગણીને યહોવાહ પોતાના હેતુઓ પૂરા કરતા રહે છે. પરમેશ્વર તેઓના અહંકાર પર હસે છે અને તેઓને તુચ્છ ગણે છે. તેઓ જે કરવાના છે એ વિષે ભલે મોટી મોટી બડાઈ મારે. પરંતુ યહોવાહની નજરે તેઓ હાંસીપાત્ર છે. તેઓ જે વિરોધ કરે છે એને પણ યહોવાહ હસી કાઢે છે.
૧૦ બીજા એક ગીતમાં દાઊદ, દુશ્મન માણસો અને પ્રજાઓનો ઉલ્લેખ કરે છે: “ઓ સૈન્યોના સરદાર યહોવાહ દેવ, ઈસ્રાએલના દેવ, તું સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજે; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તું દયા કરીશ મા. તેઓ સંધ્યાકાળે પાછા આવે છે, તેઓ કૂતરાની પેઠે ઘૂરકે છે, અને નગરની આસપાસ ફેરા ખાય છે. તેઓ મોંમાંથી ફીણ કાઢે છે; તેઓના હોઠોમાં તરવારો છે; તેઓ એવું બોલે છે, કે કોણ સાંભળનાર છે? પણ, હે યહોવાહ, તું તેઓને હસી કાઢશે; તું સર્વ વિદેશીઓની મશ્કરી કરશે.” (ગીતશાસ્ત્ર ૫૯:૫-૮) પરમેશ્વર વિરુદ્ધ પ્રજાઓ જે મૂર્ખતાભર્યા કામો કરે છે અને જે ડંફાસો મારે છે એને યહોવાહ હસી કાઢે છે.
૧૧ બીજા ગીતના શબ્દોથી આપણો વિશ્વાસ મજબૂત થાય છે કે પરમેશ્વર કોઈ પણ મુશ્કેલીઓનો ઉકેલ લાવે છે. આપણે પૂરો ભરોસો રાખીએ કે તે પોતાના હેતુઓ જરૂર પૂરા કરશે. તેમ જ યહોવાહ પોતાના વફાદાર સેવકોને ક્યારેય છોડી દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૯૪:૧૪) તો પછી, રાજાઓ યહોવાહના હેતુ વિરુદ્ધ જવાનો પ્રયાસ કરશે તો શું થશે? ગીતમાં જણાવ્યું છે તેમ, પરમેશ્વર મેઘગર્જના દ્વારા “ક્રોધમાં તેઓની સાથે બોલશે.” એ ઉપરાંત વીજળી તૂટી પડી હોય એમ યહોવાહ “પોતાના કોપથી તેઓને ત્રાસ પમાડશે.”—ગીતશાસ્ત્ર ૨:૫.
પરમેશ્વરનો રાજા પ્રતિષ્ઠિત થયો
૧૨ હવે યહોવાહ ગીતમાં જે કહે છે એનાથી પૃથ્વી પરના રાજાઓ એકદમ બેચેન થઈ જાય છે. પરમેશ્વર જાહેર કરે છે: “મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.” (ગીતશાસ્ત્ર ૨:૬) સિયોન પર્વત યરૂશાલેમમાં આવેલો હતો કે જ્યાં દાઊદ ઈસ્રાએલનો રાજા બન્યો. પરંતુ, ઈસુનું સિંહાસન એ શહેરમાં કે આ પૃથ્વી પર ક્યાંય નહિ હોય. તેમનું સિંહાસન તો સ્વર્ગમાં છે. હા, યહોવાહે સ્વર્ગના સિયોનમાં પોતાના મસીહી રાજ્યના રાજા તરીકે ઈસુ ખ્રિસ્તને ક્યારનાય અભિષિક્ત કરી દીધા છે.—પ્રકટીકરણ ૧૪:૧.
૧૩ હવે એ મસીહી રાજા કહે છે: “હું તો એ ઠરાવ જાહેર કરીશ; યહોવાહે [જેણે પોતાના પુત્ર સાથે રાજ્યનો કરાર કર્યો છે] મને કહ્યું, કે તું મારો પુત્ર છે; આજ મેં [યહોવાહ પરમેશ્વરે] તને જન્મ આપ્યો છે.” (ગીતશાસ્ત્ર ૨:૭) ઈસુએ રાજ્યના કરારનો ઉલ્લેખ કરતા પોતાના પ્રેષિતોને કહ્યું: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.”—લુક ૨૨:૨૮, ૨૯.
૧૪ ગીતશાસ્ત્ર ૨:૭માં ભાખ્યા પ્રમાણે ઈસુના બાપ્તિસ્મા સમયે યહોવાહે તેમને પોતાના પુત્ર તરીકે ઓળખાવ્યા. વળી તેમણે ઈસુને મરણમાંથી સજીવન પણ કર્યા. (માર્ક ૧:૯-૧૧; રૂમી ૧:૪; હેબ્રી ૧:૫; ૫:૫) હા, સ્વર્ગીય રાજ્યના રાજા પરમેશ્વરના એકનાએક પુત્ર જ છે. (યોહાન ૩:૧૬) ઈસુ દાઊદ રાજાના વંશમાંથી આવતા હોવાથી રાજા હોવાનો હક્ક તેમનો એકલાનો જ છે. (૨ શમૂએલ ૭:૪-૧૭; માત્થી ૧:૬, ૧૬) પછી એ ગીતમાં પરમેશ્વર પોતાના પુત્રને કહે છે: “તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને [જગતની સર્વ પ્રજાઓને], તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.”—ગીતશાસ્ત્ર ૨:૮.
૧૫ યહોવાહ પછી આપણા રાજા ઈસુ સૌથી શક્તિશાળી છે. ઈસુ યહોવાહને વફાદાર છે અને પૂરા ભરોસાપાત્ર છે. વધુમાં, ઈસુને પરમેશ્વરના પ્રથમજનિત તરીકે વારસો મળ્યો છે. ખરેખર, ઈસુ “અદૃશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે.” (કોલોસી ૧:૧૫) આમ, ઈસુને પરમેશ્વર પાસેથી માંગવાનો પૂરો હક્ક છે. પરમેશ્વર પણ તેમને ‘વારસા તરીકે જગતની સર્વ પ્રજાઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપશે.’ પણ ઈસુ કેમ આવી વિનંતી કરે છે? તેમને ‘મનુષ્યોમાં આનંદ થાય છે. વળી, આ પૃથ્વી અને માણસજાત માટે પિતાની ઇચ્છા પૂરી થાય એવું તે દિલથી ચાહે છે.—નીતિવચનો ૮:૩૦, ૩૧.
પૃથ્વી પરના રાજાઓ વિરુદ્ધ યહોવાહનો ઠરાવ
૧૬ ઈસુ ખ્રિસ્તની હાજરી દરમિયાન આજે બીજા ગીતની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે ત્યારે, વિદેશીઓની શું હાલત થવાની છે? બહુ જલદી જ ઈસુ પરમેશ્વરનો ઠરાવ જાહેર કરશે: “તું લોખંડના રાજદંડથી તેઓ પર રાજ કર; માટીના વાસણની જેમ તેઓના ભાંગીને ટુકડેટુકડા કર.”—ગીતશાસ્ત્ર ૨:૯, IBSI.
૧૭ પ્રાચીન સમયમાં રાજદંડ એ રાજાઓની સત્તાનું ચિહ્ન હતું. ગીતશાસ્ત્રમાં જણાવ્યું છે તેમ અમુક રાજદંડ લોખંડના બનેલા હતા. રાજા ઈસુ પણ આવા જ રાજદંડ જેવી પોતાની સત્તાથી પૃથ્વી પરના રાજાઓની સત્તાને ચૂર ચૂર કરી નાખશે. માટીના વાસણો પર લોખંડના રાજદંડથી એક ફટકો મારવામાં આવે તો, જેમ એના ભૂક્કા બોલી જાય છે તેમ, ઈસુ પણ પૃથ્વી પરના રાજાઓની સત્તાનો સમૂળગો નાશ કરશે.
૧૮ શું પૃથ્વી પરના રાજાઓએ આ વિનાશ જોવો જ પડશે? એ તેઓ પર આધાર રાખે છે. ગીતકર્તા તેઓને આ શબ્દોથી વિનંતી કરે છે: “હે રાજાઓ, તમે સમજણ રાખો; પૃથ્વીના ન્યાયાધીશો, તમે હવે શિખામણ લો.” (ગીતશાસ્ત્ર ૨:૧૦) રાજાઓ કે સરકારોને વિનાશ વિષે ગંભીરતાથી વિચારવા અરજ કરવામાં આવી છે. તેઓએ પોતાની વ્યર્થ અને નકામી યોજનાઓ વિષે ફરીથી વિચાર કરવાની જરૂર છે. તેઓએ એ સમજવાની જરૂર છે કે ફક્ત પરમેશ્વરનું રાજ્ય જ આખી માણસજાત માટે સુખ-શાંતિ લાવશે.
૧૯ પરમેશ્વરના આશીર્વાદ પામવા પૃથ્વીના રાજાઓએ પોતાનાં કાર્યોમાં બદલાવ લાવવાની જરૂર છે. તેઓને આ સલાહ આપવામાં આવી છે: “ભયથી યહોવાહની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.” (ગીતશાસ્ત્ર ૨:૧૧) જો તેઓ આ સલાહને માને તો, શું પરિણામ આવશે? ભાવિમાં મસીહ રાજા બનશે ત્યારે તેઓ કોઈ કાવતરું નહિ કરે; તેઓ તોફાન કરવાને બદલે આનંદ કરશે. તેથી, પૃથ્વી પરના રાજાઓએ સત્તાનું ઘમંડ છોડવાની જરૂર છે. તેઓએ પોતે જ કંઈક છે એવું વલણ ટાળવું પડશે. વધુમાં, તેઓએ જલદી જ પોતાને બદલવાની જરૂર છે. તેઓએ એ સ્વીકારવું જ જોઈએ કે યહોવાહ એકલા જ વિશ્વના રાજા છે, તેમની બરાબર કોઈ નથી. તેમ જ પરમેશ્વર અને તેમના મસીહી રાજાની સત્તા સામે કોઈ ટકી શકશે નહિ.
“પુત્રને ચુંબન કરો”
૨૦ બીજું ગીત રાજાઓને પ્રેમભર્યું આમંત્રણ આપે છે. તેઓએ ભેગા મળીને વિરોધ કરવાને બદલે શું કરવું જોઈએ? ગીત જણાવે છે: “પુત્રને ચુંબન કરો, રખેને તેને રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમકે તેનો કોપ જલદી સળગી ઊઠશે.” (ગીતશાસ્ત્ર ૨:૧૨ક) આખા વિશ્વના માલિક યહોવાહ કોઈ પણ ન્યાયચુકાદો જાહેર કરે કે નિયમ આપે ત્યારે, આપણે એને આધીન રહેવું જ જોઈએ. વિશ્વના માલિકનો પુત્ર રાજગાદીએ બેસે ત્યારે, પૃથ્વી પરના રાજાઓએ ‘વ્યર્થ કલ્પના કરવી’ જોઈએ નહિ. તેઓએ તરત જ રાજાને સ્વીકારવા જોઈએ અને તેમને પૂરેપૂરા આધીન થવું જોઈએ.
૨૧ શા માટે તેઓએ ‘પુત્રને ચુંબન કરવું’ જોઈએ? આ ગીત રચવામાં આવ્યું એ જમાનામાં, ચુંબન કરવું દોસ્તીને બતાવતું હતું. તેમ જ, ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે, તેમનું સ્વાગત ચુંબનથી કરવામાં આવતું. વળી ચુંબન કરવું એ વફાદાર રહેવાને બતાવતું હતું. (૧ શમૂએલ ૧૦:૧) બીજા ગીતની આ કડીમાં પરમેશ્વર રાજાઓ અને પ્રજાઓને આજ્ઞા આપે છે કે તેઓ અભિષિક્ત રાજા ઈસુને ચુંબન કરે, એટલે કે તેમનો સ્વીકાર કરે.
૨૨ પરમેશ્વરે પસંદ કરેલા રાજાને જેઓ સ્વીકારતા નથી તેઓ હકીકતમાં યહોવાહનું અપમાન કરે છે. તેઓ યહોવાહને વિશ્વના રાજા તરીકે સ્વીકારતા નથી. તેમ જ માનવજાતને લાગે છે કે યહોવાહ પાસે બુદ્ધિ નથી કે સૌથી સારા રાજા પસંદ કરી શકે. જ્યારે આ રાજાઓ કે સરકારો પોતાની યોજનાઓ અમલમાં મૂકશે ત્યારે, અચાનક પરમેશ્વરનો કોપ તેઓ પર ભડકી ઊઠશે. “તેનો કોપ જલદી સળગી ઊઠશે.” તેથી, આજના રાજાઓએ આ ચેતવણીને કાન ધરીને એના સુમેળમાં કાર્ય કરવાની જરૂર છે. આમ કરશે તો જ તેઓ યહોવાહના કોપથી બચી શકશે.
૨૩ પછી બીજું ગીત છેલ્લી આ કડીથી પૂરું થાય છે: “જેઓ તેમના [યહોવાહ] પર વિશ્વાસ રાખે છે તેઓ પુષ્કળ આનંદ કરશે!” (ગીતશાસ્ત્ર ૨:૧૨ખ, IBSI) આજે પણ સલામતી માટે સરકારો અને લોકો પાસે સમય છે કે તેઓ યહોવાહ તરફ ફરે. યહોવાહ એકલા જ તેમના રાજ્ય દ્વારા આપણા માટે શાંતિ અને સલામતી લાવશે. પણ એ પહેલાં તેમની સત્તાનો વિરોધ કરનાર રાજાઓ અને પ્રજાઓનો મસીહી રાજ્ય સર્વનાશ કરશે. એમાંથી બચવા માટે તેઓએ હમણાં જ પગલાં લેવાની જરૂર છે.
૨૪ આપણે ખંતથી બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને એની સલાહને જીવનમાં લાગુ પાડવી જોઈએ. એમ કરીશું તો, આપણે આ તકલીફોથી ભરેલી દુનિયામાં પણ સંતોષભર્યું જીવન જીવી શકીશું. બાઇબલની સલાહને લાગુ પાડવાથી પરિવારમાં સંબંધો સારા થશે. વળી, ઘણી ચિંતાઓ અને ડરથી મુક્ત થઈશું જેમાં આ દુનિયા ડૂબેલી છે. બાઇબલની સલાહ પ્રમાણે ચાલવાથી આપણને ખાતરી થશે કે આપણે આપણા સરજનહારને ખુશ કરી રહ્યા છીએ. પણ જેઓ પરમેશ્વરના રાજ્યનો વિરોધ કરે છે તેઓ સર્વનો તે સર્વનાશ કરશે. એ પછી, તેમણે “હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન” આપ્યું છે. હા, વિશ્વના માલિક યહોવાહ સિવાય બીજું કોણ એવી ગેરન્ટી આપી શકે!—૧ તીમોથી ૪:૮.
૨૫ “યહોવાહનો ઠરાવ” ક્યારેય નિષ્ફળ જશે નહિ. આપણા ઉત્પન્નકર્તા જાણે છે કે માણસજાત માટે સૌથી સારું શું છે. તેથી તે પોતાના પુત્રના રાજ્યમાં સર્વ આજ્ઞાકારી મનુષ્યોને સુખ, શાંતિ અને હંમેશ માટેનું જીવન આપવાનો પોતાનો હેતુ પૂરો કરશે. આપણા સમય વિષે દાનીયેલ પ્રબોધકે લખ્યું: ‘તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ. તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.’ (દાનીયેલ ૨:૪૪) તેથી હમણાં જ સમય છે કે આપણે “પુત્રને ચુંબન” કરીએ અને વિશ્વના માલિક યહોવાહની ભક્તિ કરીએ!
[ફુટનોટ્સ]
a દાઊદના સમયે તે ‘અભિષિક્ત’ કે ઈસ્રાએલનો રાજા હતો. “પૃથ્વીના રાજાઓ” પલિસ્તીઓ હતા. તેઓ દાઊદ સામે લડાઈ કરતા હતા.
b બીજા ગીતમાં બતાવેલા અભિષિક્ત ઈસુ ખ્રિસ્ત જ છે. ગ્રીક શાસ્ત્રવચનોની (નવો કરાર) ઘણી કલમો એ સાબિત કરે છે. ગીતશાસ્ત્ર ૨:૭ને પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૨, ૩૩ અને હેબ્રી ૧:૫; ૫:૫ સાથે સરખાવીએ તો, એ એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગીતશાસ્ત્ર ૨:૯ અને પ્રકટીકરણ ૨:૨૭ પણ જુઓ.
તમે કેવો જવાબ આપશો?
• રાજાઓ અને પ્રજાઓ શાના વિષે ‘વ્યર્થ કલ્પના કરે છે?’
• શા માટે યહોવાહ રાજાઓને તુચ્છ ગણે છે?
• પૃથ્વી પરના સર્વ રાજાઓ વિરુદ્ધ યહોવાહ કયો ઠરાવ જાહેર કરે છે?
• ‘પુત્રને ચુંબન કરવાનો’ શું અર્થ થાય છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. પરમેશ્વર અને દુનિયાના રાજાઓના હેતુમાં કેવો ફરક છે?
૨, ૩. બીજા ગીતમાં શું સ્પષ્ટ જોવા મળે છે? અને કયા પ્રશ્નો ઊભા થઈ શકે?
૪. બીજા ગીતની પહેલી અને બીજી કડીના મુખ્ય મુદ્દાઓ જણાવો.
૫, ૬. રાજાઓ અને લોકો શાના વિષે ‘વ્યર્થ કલ્પના કરે છે?’
૭. ઈસુના શિષ્યોએ ગીતશાસ્ત્ર ૨:૧, ૨ કઈ રીતે પ્રાર્થનામાં લાગુ પાડી?
૮. ગીતશાસ્ત્ર ૨:૩ કઈ રીતે આજના રાજાઓ અને પ્રજાઓને લાગુ પડે છે?
૯, ૧૦. શા માટે યહોવાહ પ્રજાઓને તુચ્છ ગણે છે?
૧૧. રાજાઓ પરમેશ્વરના હેતુની વિરુદ્ધ જશે તો શું થશે?
૧૨. ગીતશાસ્ત્ર ૨:૬ પ્રમાણે ઈસુ ક્યાં રાજા બન્યા છે?
૧૩. યહોવાહે પોતાના પુત્ર સાથે કયો કરાર કર્યો છે?
૧૪. શા માટે ઈસુને જ રાજા હોવાનો પૂરો હક્ક છે?
૧૫. શા માટે ઈસુ વારસા તરીકે જગતની સર્વ પ્રજાઓ માંગે છે?
૧૬, ૧૭. ગીતશાસ્ત્ર ૨:૯ પ્રમાણે રાજાઓનું શું થશે?
૧૮, ૧૯. પરમેશ્વરની કૃપા પામવા પૃથ્વી પરના રાજાઓએ શું કરવાની જરૂર છે?
૨૦, ૨૧. ‘પુત્રને ચુંબન કરવાનો’ શું અર્થ થાય છે?
૨૨. દુનિયાના રાજાઓએ કઈ ચેતવણીને ધ્યાન આપવાની જરૂર છે?
૨૩. દરેક વ્યક્તિ પાસે હજુ પણ શાના માટે સમય રહેલો છે?
૨૪. તકલીફોથી ભરેલી આ દુનિયામાં પણ આપણે કઈ રીતે સંતોષભર્યું જીવન જીવી શકીએ?
૨૫. “યહોવાહનો ઠરાવ” ક્યારેય નિષ્ફળ નહિ જાય એ જાણીને આપણા સમયમાં શું બનવાની આશા રાખી શકીએ?
[પાન ૧૬ પર ચિત્ર]
દાઊદે વિજયી મસીહી રાજા વિષે ગાયું
[પાન ૧૭ પર ચિત્ર]
રાજાઓ અને ઈસ્રાએલના લોકોએ ઈસુ ખ્રિસ્ત સામે કાવતરું કર્યું
[પાન ૧૮ પર ચિત્ર]
સ્વર્ગના સિયોનમાં ઈસુ ખ્રિસ્તને રાજા બનાવવામાં આવ્યા છે