યહોવાહમાં પૂરો ભરોસો રાખવાથી સલામતી મળે છે
“હું યહોવાહને વિનંતિ કરૂં, ત્યારે તે મારૂં સાંભળશે.”—ગીત. ૪:૩.
૧, ૨. (ક) દાઊદે કેવા સંજોગોનો સામનો કરવો પડ્યો? (ખ) આપણે ગીતશાસ્ત્રના કયા અધ્યાયોની ચર્ચા કરીશું?
દાઊદ રાજાએ અનેક વર્ષો ઈસ્રાએલ પર રાજ કર્યું પણ હવે તેમને એક જોખમનો સામનો કરવો પડ્યો. તેમનો દીકરો આબ્શાલોમ કાવતરું કરીને રાજા બની બેઠો, એટલે દાઊદે યરૂશાલેમ છોડીને ભાગી જવું પડ્યું. અરે તેમના ખાસ મિત્રએ પણ દગો દીધો. હવે તેમની પાસે થોડા જ વિશ્વાસુ લોકો બચ્યા હતા. તે રડતા રડતા ઉઘાડે પગે જૈતુન પહાડ પર જાય છે. આવા સંજોગોમાં રાજા શાઊલના કુટુંબનો શિમઈ, દાઊદને શાપ આપતા આપતા તેમના પર પથ્થરો અને ધૂળ ફેંકે છે.—૨ શમૂ. ૧૫:૩૦, ૩૧; ૧૬:૫-૧૪.
૨ શું દાઊદ આવા કપરા અને શરમજનક સંજોગોમાં દમ તોડવાના હતા? ના, કેમ કે તેમને યહોવાહમાં પૂરો ભરોસો હતો. એની સાબિતી આપણને ગીતશાસ્ત્રના ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે. આ ગીત દાઊદે રચ્યું હતું, જ્યારે તે આબ્શાલોમથી નાસતા ફરતા હતા. તેમણે ગીતશાસ્ત્રનો ચોથો અધ્યાય પણ લખ્યો હતો. આ બંને ગીતોમાં દાઊદ પૂરી ખાતરીથી કહે છે કે ઈશ્વર જરૂર પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ આપે છે. (ગીત. ૩:૪; ૪:૩) આ ગીતોથી આપણને ખાતરી મળે છે કે યહોવાહ રાત-દિવસ પોતાના ભક્તોને સાથ આપે છે. તેઓને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવે છે. (ગીત. ૩:૫; ૪:૮) તેથી ચાલો આપણે આ બે ગીતોની તપાસ કરીએ, અને જોઈએ કે એનાથી કઈ રીતે સલામતીનો અહેસાસ થાય છે અને ઈશ્વરમાં ભરોસો વધે છે.
જ્યારે ‘મારી સામે ઘણા ઊઠશે’ ત્યારે
૩. ગીતશાસ્ત્ર ૩:૧, ૨ પ્રમાણે દાઊદ કેવા સંજોગોમાં હતા?
૩ એક સંદેશવાહકે દાઊદને કહ્યું, “ઈસ્રાએલના માણસોનાં હૃદય આબ્શાલોમની તરફ છે.” (૨ શમૂ. ૧૫:૧૩) દાઊદ સમજી શકતા નથી કે આબ્શાલોમે કઈ રીતે ઘણા લોકોને પોતાની તરફ કરી લીધા છે. એટલે તે કહે છે, “હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે ઊઠનારા ઘણા છે. મારા જીવ વિષે ઘણા કહે છે, કે તેને દેવ તારશે નહિ.” (ગીત. ૩:૧, ૨) ઘણા ઈસ્રાએલીઓને લાગ્યું કે આબ્શાલોમ અને તેના સૈન્યથી દાઊદને આ વખતે યહોવાહ નહિ બચાવે.
૪, ૫. (ક) દાઊદને શાની ખાતરી હતી? (ખ) “મારૂં માથું ઊંચું કરનાર” શબ્દોનો અર્થ શું થાય?
૪ પણ દાઊદને ઈશ્વરમાં પૂરો હતો એટલે સલામતી અનુભવી. તે કહે છે, “હે યહોવાહ, તું મારી આસપાસ ઢાલરૂપ છે; તું મારૂં ગૌરવ તથા મારૂં માથું ઊંચું કરનાર છે.” (ગીત. ૩:૩) દાઊદને ખાતરી હતી કે જેમ એક ઢાલ સૈનિકનું રક્ષણ કરે, તેમ યહોવાહ તેમનું રક્ષણ કરશે. ખરું કે રાજાને મોટી ઉંમરે નાસી જવું પડ્યું અને તેમનું માથું શરમથી ઝૂકી ગયું, પણ ઈશ્વર તેમના સંજોગો બદલવાના હતા. તેમનું માન પાછું આપવાના હતા. માથું ઊંચું કરીને ઊભા રહેવા મદદ કરવાના હતા. દાઊદ પૂરા ભરોસાથી ઈશ્વરને પોકારે છે, કેમ કે તેમને ખાતરી હતી કે ઈશ્વર જરૂર તેમને જવાબ આપશે. શું તમને પણ યહોવાહમાં એવો જ ભરોસો છે?
૫ “મારૂં માથું ઊંચું કરનાર” આ શબ્દો કહીને દાઊદ એવું કહેવા માગતા હતા કે યહોવાહ તેમને મદદ કરશે. એક બાઇબલ અનુવાદ કહે છે: ‘હે પ્રભુ, તમે હંમેશાં ઢાલરૂપે મારું રક્ષણ કરો છો; તમે મને જીત આપીને હિંમત આપનાર છો.’ (ટુડેઝ ઇંગ્લીશ વર્શન) “મારૂં માથું ઊંચું કરનાર” શબ્દો વિષે એક જ્ઞાનકોશ કહે છે: ‘જ્યારે ઈશ્વર કોઈનું “માથું” ઊંચું કરે, ત્યારે તે વ્યક્તિને આશા અને સલામતી મળે છે.’ દાઊદ જરૂર નિરાશ થઈ ગયા હશે, કેમ કે તેમને રાજ છોડીને નાસી જવું પડ્યું હતું. પણ જ્યારે ઈશ્વર તેમનું ‘માથું ઊંચું કરશે’ ત્યારે ઈશ્વરમાં દાઊદનો ભરોસો વધુ મજબૂત થશે અને વધારે સલામતી અનુભવશે.
‘યહોવાહ જવાબ આપશે’
૬. શા માટે દાઊદ કહી શક્યા કે યહોવાહ પવિત્ર પર્વત પરથી તેમની પ્રાર્થનાનો જવાબ આપશે?
૬ દાઊદને ખાતરી હતી કે યહોવાહ જરૂર પ્રાર્થનાનો જવાબ આપશે. એટલે તે કહે છે, “હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરૂં છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે.” (ગીત. ૩:૪) દાઊદની આજ્ઞા પ્રમાણે કરારકોશ જે ઈશ્વરની હાજરીને રજૂ કરતો હતો, એને સિયોન પહાડ પર લઈ જવામાં આવ્યો હતો. (૨ શમૂએલ ૧૫:૨૩-૨૫ વાંચો.) એટલે જ દાઊદ કહી શક્યા કે પવિત્ર પર્વત પરથી યહોવાહ તેમની પ્રાર્થનાનો જવાબ આપશે.
૭. દાઊદને શા માટે કોઈ જાતનો ડર ન હતો?
૭ દાઊદને પૂરી ખાતરી હતી કે ઈશ્વરને કરેલી પ્રાર્થના ફોકટ જશે નહિ, એટલે તેમને જરાય ડર ન હતો. તે કહે છે, ‘હું આડો પડ્યો ને ઊંઘી ગયો; હું જાગ્યો; કેમ કે યહોવાહ મારૂં રક્ષણ કરે છે.’ (ગીત. ૩:૫) રાતના સમયે હુમલો થવાનું જોખમ સૌથી વધારે હોય છે. તેમ છતાં દાઊદ કોઈ પણ જાતની બીક વગર શાંતિથી ઊંઘી જતા. તેમને પૂરી ખાતરી હતી કે યહોવાહ તેમને સલામત રાખશે. પહેલાંના અનુભવોથી પૂરી ખાતરી હતી કે ઈશ્વર તેમને પૂરો સાથ આપશે. જો આપણે “યહોવાહના માર્ગ” પર ચાલીએ અને હંમેશા તેમને વળગી રહીએ, તો તે ચોક્કસ આપણને પણ સાથ આપશે.—૨ શમૂએલ ૨૨:૨૧, ૨૨ વાંચો.
૮. દાઊદને ઈશ્વરમાં પૂરો ભરોસો હતો, એ ગીતશાસ્ત્ર ૨૭:૧-૪માંથી કેવી રીતે જોઈ શકાય છે?
૮ દાઊદે ઈશ્વરમાં પૂરો ભરોસો મૂક્યો અને સલામતી અનુભવી એ તેમના બીજા એક ગીતમાં જોવા મળે છે. તે કહે છે, ‘યહોવાહ મારૂં અજવાળું તથા મારૂં તારણ છે; હું કોનાથી બીઉં? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે? જોકે સૈન્ય મારી વિરૂદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. યહોવાહ પાસે મેં એક વરદાન માંગ્યું છે, કે યહોવાહનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારૂં નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યાં કરૂં, અને તેના પવિત્રસ્થાનમાં તેનું ધ્યાન ધરૂં.’ (ગીત. ૨૭:૧-૪) શું તમે પણ દાઊદ જેવું અનુભવો છો? જો જવાબ હા હોય તો તમે જરૂર સંજોગો પ્રમાણે નિયમિત સભામાં જઈને ભાઈ-બહેનો સાથે યહોવાહની ભક્તિ કરતા હશો.—હેબ્રી ૧૦:૨૩-૨૫.
૯, ૧૦. શા માટે કહી શકીએ કે દાઊદમાં બદલો લેવાની ભાવના ન હતી, જ્યારે તેમણે ગીતશાસ્ત્ર ૩:૬, ૭ના શબ્દો લખ્યા?
૯ આબ્શાલોમે દાઊદ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. અરે ઘણા સાથીદારોએ દાઊદને દગો કર્યો હતો. તેમ છતાં દાઊદ કહે છે, “જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ. યહોવાહ, ઊઠ; હે મારા દેવ, મારૂં તારણ કર; કેમ કે તેં મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તેં દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.”—ગીત. ૩:૬, ૭.
૧૦ દાઊદે પોતાના શત્રુઓ માટે બદલો લેવાની ભાવના રાખી નહિ. તે જાણતા હતા કે શત્રુઓના “જડબાં પર પ્રહાર” કરવાનો હક ફક્ત ઈશ્વરને છે. દાઊદે રાજા તરીકે નિયમ શાસ્ત્રની નકલ કરી હતી, એટલે તે જાણતા હતા કે ‘વેર વાળવાનું તથા બદલો લેવાનું’ કામ યહોવાહનું છે. (પુન. ૧૭:૧૪, ૧૫, ૧૮; ૩૨:૩૫) તેમ જ ‘દુષ્ટોના દાંત ભાંગી નાખવા’ એ યહોવાહના હાથમાં છે. દુષ્ટોના દાંત તોડવાનો અર્થ થાય કે તેઓને કમજોર બનાવી દેવા. યહોવાહ જાણે છે કે દુષ્ટો કોણ છે, કેમ કે ‘તે હૃદય જુએ છે.’ (૧ શમૂ. ૧૬:૭) આપણે કેટલા આભારી છીએ કે ઈશ્વર આપણને હિંમત અને વિશ્વાસ આપે છે, જેથી દુષ્ટતાના અધિકારી શેતાન સામે ઊભા રહી શકીએ. દાંત વગરના ગાજનાર સિંહ તરીકે શેતાનને જલદી જ ઊંડાણમાં નાખી દેવામાં આવશે.—૧ પીત. ૫:૮, ૯; પ્રકટી. ૨૦:૧, ૨, ૭-૧૦.
“યહોવાહની પાસે તારણ છે”
૧૧. આપણે કેમ ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવી જોઈએ?
૧૧ દાઊદ જાણતા હતા કે ફક્ત યહોવાહ જ તેમનો બચાવ કરી શકે છે. જોકે તે પોતાનો જ વિચાર કરવાને બદલે યહોવાહના સર્વ ભક્તોનો વિચાર કરે છે. એટલે જ ઈશ્વરપ્રેરણાથી દાઊદ આ ગીતના અંતમાં કહી શક્યા, “યહોવાહની પાસે તારણ છે; તારા લોક પર તારો આશીર્વાદ આવો.” (ગીત. ૩:૮) ખરું કે દાઊદ મોટી મુસીબતમાં હતા, છતાં તે યહોવાહના બધા ભક્તોનો વિચાર કરે છે. તેમને ખાતરી છે કે ઈશ્વર જરૂર તેઓને આશીર્વાદ આપશે. શું આપણે પણ દાઊદની જેમ દુનિયા ફરતેના ભાઈ-બહેનોનો વિચાર ના કરવો જોઈએ! ચાલો આપણે માગીએ કે યહોવાહ તેઓને શક્તિ આપે, જેથી તેઓને હિંમત મળે અને પૂરા ભરોસાથી ખુશખબર જણાવી શકે.—એફે. ૬:૧૭-૨૦.
૧૨, ૧૩. આબ્શાલોમનું શું થયું? એ સાંભળીને દાઊદે શું કર્યું?
૧૨ આબ્શાલોમના જીવનનો ખૂબ જ કરુણ અંત આવ્યો. તેનું મૃત્યુ જુલમ કરનારાઓ માટે એક ચેતવણી છે. ખાસ કરીને જેઓ દાઊદ જેવા અભિષિક્ત ભક્તોને હેરાન કરે છે, તેઓને માઠું પરિણામ ભોગવવું પડશે. (નીતિવચનો ૩:૩૧-૩૫ વાંચો.) આબ્શાલોમનું શું થયું એનો વિચાર કરો. તેનું સૈન્ય યુદ્ધમાં હારી જાય છે. તે પોતાનો જીવ બચાવવા ખચ્ચર પર નાસી છૂટે છે. તેના ભરાવદાર વાળ એક મોટા ઝાડની ડાળીઓમાં ફસાઈ જાય છે. ત્યાં તે નિઃસહાય રીતે લટકી રહે છે. યોઆબ ત્યાં આવીને આબ્શાલોમના હૃદયમાં એક પછી એક ત્રણ ભાલા ખોસીને મારી નાખે છે.—૨ શમૂ. ૧૮:૬-૧૭.
૧૩ શું દાઊદ પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને ખુશ થયા? ના. તે ખૂબ જ ચિંતામાં આમતેમ ફરવા લાગ્યા અને મોટેથી રડવા લાગ્યા. તે પોકારી ઊઠ્યા: “ઓ મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ! તારે બદલે હું મરી ગયો હોત, તો કેવું સારૂં થાત! ઓ આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!” (૨ શમૂ. ૧૮:૨૪-૩૩) ફક્ત યોઆબના શબ્દોને લીધે તે અતિશય દુઃખમાંથી બહાર આવે છે. આબ્શાલોમે સ્વાર્થી બનીને ઊંચી પદવી પાછળ આંધળી દોટ મૂકી હતી. તે પોતાના પિતા દાઊદ, જે યહોવાહના અભિષિક્ત ભક્ત હતા તેમની વિરુદ્ધ લડ્યો. ઘમંડી બનવાને લીધે આબ્શાલોમે કેટલો ખરાબ અંજામ ભોગવવો પડ્યો!—૨ શમૂ. ૧૯:૧-૮; નીતિ. ૧૨:૨૧; ૨૪:૨૧, ૨૨.
દાઊદ ફરીથી યહોવાહમાં ભરોસો વ્યક્ત કરે છે
૧૪. ગીતશાસ્ત્રના ચોથા અધ્યાય વિષે શું કહી શકાય?
૧૪ ગીતશાસ્ત્રના ત્રીજા અધ્યાયની જેમ, ચોથો અધ્યાય પણ દાઊદની પૂરા દિલની પ્રાર્થના છે. એમાં તેમનો યહોવાહમાં પૂરો ભરોસો દેખાય આવે છે. (ગીત. ૩:૪; ૪:૩) કદાચ આ અધ્યાયનું ગીત આબ્શાલોમ હારી જાય છે, ત્યાર પછી દાઊદે રચ્યું હશે. એમાં તેમણે બચાવથી મળતી રાહત વિષે અને યહોવાહનો આભાર માનવા વિષે લખ્યું હશે. અથવા આ ગીત તેમણે લેવી ગાયકોને ધ્યાનમાં રાખીને લખ્યું હશે. ગમે તે કારણ હોય, આ ગીત પર મનન કરવાથી યહોવાહમાં આપણો ભરોસો મજબૂત થાય છે.
૧૫. આપણે ઈસુના દ્વારા કેમ પૂરા ભરોસાથી યહોવાહને પ્રાર્થના કરી શકીએ છીએ?
૧૫ દાઊદ ફરીથી યહોવાહમાં પૂરો ભરોસો બતાવે છે. તેમને ખાતરી હતી કે ઈશ્વર તેમની પ્રાર્થના સાંભળશે અને જવાબ આપશે. તે કહે છે: “હે મને ન્યાયી ઠરાવનાર મારા દેવ, હું વિનંતી કરૂં ત્યારે મને ઉત્તર દેજે; સંકટને વખતે તેં મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજે.” (ગીત. ૪:૧) જો આપણે યહોવાહના ધોરણો પ્રમાણે ચાલીશું તો આપણે પણ એવો જ ભરોસો રાખી શકીએ. આપણે જાણીએ છીએ કે યહોવાહ ‘ન્યાયી ઈશ્વર’ છે, અને સાચા દિલના લોકોને આશીર્વાદ આપે છે. આપણે ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખીશું, તો તેમના દ્વારા પૂરા ભરોસાથી પ્રાર્થના કરી શકીશું. (યોહા. ૩:૧૬, ૩૬) સાચે જ એનાથી આપણા દિલને કેટલી રાહત મળે છે!
૧૬. દાઊદ કેમ નિરાશ થયા હોય શકે?
૧૬ અમુક વખતે આપણે નિરાશાજનક સંજોગોનો સામનો કરવો પડે જેમાં મનની શાંતિ છીનવાઈ જાય છે. દાઊદના કિસ્સામાં પણ અમુક હદે આવું બન્યું હોય શકે. એટલે તે કહે છે, “હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવવાનું ચાહશો?” (ગીત. ૪:૨) આ કિસ્સામાં શક્ય છે કે “મનુષ્યો” શબ્દ સર્વ માણસોને ભૂલભરેલી રીતે રજૂ કરે છે. દાઊદના દુશ્મનો ‘વ્યર્થતા ઇચ્છતા’ હતા. એક બાઇબલ અનુવાદ આ કલમને આ રીતે રજૂ કરે છે, ‘તમે ક્યાં સુધી ભ્રમણામાં રહેશો અને ખોટા દેવોને વિનંતી કરશો?’ (ધ ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) જો આપણે કોઈક વાર બીજાઓના લીધે નિરાશ થઈ જઈએ, તોપણ પૂરા જોશથી પ્રાર્થના કરતા રહીએ. સાચા ઈશ્વરમાં પૂરો ભરોસો બતાવતા રહીએ.
૧૭. આપણે કેવી રીતે ગીતશાસ્ત્ર ૪:૩ પ્રમાણે ચાલી શકીએ?
૧૭ દાઊદને ઈશ્વરમાં જે ભરોસો હતો એ આ શબ્દોથી જોવા મળે છે: “પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને વાસ્તે પસંદ કર્યો છે; હું યહોવાહને વિનંતિ કરૂં, ત્યારે તે મારૂં સાંભળશે.” (ગીત. ૪:૩) જો આપણે યહોવાહને વિશ્વાસુ રહેવું હોય તો હિંમત બતાવવી જોઈએ અને તેમનામાં પૂરો ભરોસો રાખવો જોઈએ. આ ગુણોની ખાસ જરૂર પડે છે, જ્યારે કુટુંબના કોઈ સભ્યને પસ્તાવો ન કરવાને લીધે મંડળથી કાઢી મૂકવામાં આવે છે. આવું બને ત્યારે બાકીના સભ્યો યહોવાહ અને તેમના માર્ગદર્શનને વળગી રહે છે, ત્યારે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે છે. જ્યારે મંડળમાં બધા યહોવાહમાં પૂરો ભરોસો મૂકે અને તેમને વળગી રહે, ત્યારે તેઓ વચ્ચે ખુશી વધે છે.—ગીત. ૮૪:૧૧, ૧૨.
૧૮. જો કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્ત્યું હોય, તો ગીતશાસ્ત્ર ૪:૪ની સલાહ પ્રમાણે કરવા શું કરવું જોઈએ?
૧૮ જો કોઈ વ્યક્તિ કંઈ કરે કે કહે જેનાથી તમને ખોટું લાગી જાય તો શું કરશો? જો આપણે દાઊદના કહ્યા પ્રમાણે કરીશું તો આપણો આનંદ જળવાઈ રહેશે. તે કહે છે: ‘તેનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો; બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો, ને છાના રહો.’ (ગીત. ૪:૪) જો કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્ત્યું હોય, તો સામે બદલો લઈને પાપ ન કરવું જોઈએ. (રૂમી ૧૨:૧૭-૧૯) પથારીમાં આપણે પોતાની લાગણીઓ વિષે વિચારી શકીએ. એ બાબતો વિષે પ્રાર્થના કરીએ તો કદાચ આપણું વલણ બદલાઈ શકે અને પ્રેમથી માફી આપવા પ્રેરાઈ શકીએ. (૧ પીત. ૪:૮) આ વિષયમાં પ્રેરિત પાઊલે પણ આપણને સુંદર સલાહ આપી છે. એવું ધારી શકીએ કે તેમની સલાહ ગીતશાસ્ત્ર ૪:૪ પર આધારિત હતી. તેમણે કહ્યું, “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.”—એફે. ૪:૨૬, ૨૭.
૧૯. ગીતશાસ્ત્ર ૪:૫ની કલમ આપણને કઈ રીતે ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરે છે?
૧૯ ઈશ્વરમાં ભરોસો મૂકવા પર ભાર મૂકતા દાઊદે કહ્યું: “ન્યાયીપણાના યજ્ઞો [બલિદાનો] ચઢાવો, અને યહોવાહ પર ભરોસો રાખો.” (ગીત. ૪:૫) ઈસ્રાએલી લોકો જ્યારે સારા ઇરાદાથી બલિદાન ચઢાવતા, ત્યારે જ એ માન્ય થતું. (યશા. ૧:૧૧-૧૭) એવી જ રીતે આપણી ભક્તિ માન્ય થાય એ માટે સારો ઇરાદો રાખીએ. યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ.—નીતિવચનો ૩:૫, ૬; હેબ્રી ૧૩:૧૫, ૧૬ વાંચો.
૨૦. ‘યહોવાહના મુખનો પ્રકાશ’ શું દર્શાવે છે?
૨૦ દાઊદ આગળ જણાવે છે, ‘કોણ અમને આબાદ કરશે, એવું પૂછનાર ઘણા છે; હે યહોવાહ, તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ.’ (ગીત. ૪:૬) ‘યહોવાહના મુખનો પ્રકાશ’ તેમની કૃપા દર્શાવે છે. (ગીત. ૮૯:૧૫) તેથી દાઊદ જ્યારે પ્રાર્થના કરે છે કે “તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ,” ત્યારે તે કહેવા માંગતા હતા ‘અમારા પર કૃપા કરો.’ આપણે યહોવાહમાં પૂરો ભરોસો મૂકીએ છીએ એટલે તેમની કૃપા મેળવીએ છીએ. જ્યારે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણને ઘણો આનંદ થાય છે.
૨૧. પ્રચારકામમાં ભાગ લેવાથી શાની ખાતરી મળે છે?
૨૧ પુષ્કળ ફસલની કાપણીથી ખેડૂતોને ઘણો આનંદ થાય છે. એનાથી પણ વધારે આનંદ આપણને ઈશ્વર તરફથી મળે છે. એટલે દાઊદે યહોવાહને કહ્યું, ‘લોકનું ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તેં મારા હૃદયમાં મૂક્યો છે.’ (ગીત. ૪:૭) જ્યારે આપણે કાપણીમાં એટલે પ્રચારકામમાં ઉત્સાહથી ભાગ લઈએ છીએ, ત્યારે આપણને ઘણો જ આનંદ થાય છે. (લુક ૧૦:૨) આ કામમાં અભિષિક્ત “પ્રજા” આગેવાની લઈ રહી છે. આપણે ઘણા ખુશ છીએ કે કાપણી માટે “મજૂરો” વધી રહ્યા છે. (યશા. ૯:૩) શું કાપણીના આ આનંદદાયક કામમાં તમે પૂરેપૂરો ભાગ લઈ રહ્યા છો?
ઈશ્વરમાં પૂરો ભરોસો રાખીને આગળ વધીએ
૨૨. ગીતશાસ્ત્ર ૪:૮ ધ્યાનમાં રાખતા ઈસ્રાએલીઓ ઈશ્વરના નિયમો પાળતા ત્યારે તેઓ શું અનુભવતા?
૨૨ દાઊદ પોતાના ગીતની છેલ્લી કડીઓ આ રીતે ગાય છે, “હું શાંતિમાં સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ; કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે.” (ગીત. ૪:૮) ઈસ્રાએલીઓ જ્યારે યહોવાહનો નિયમ પાળતા ત્યારે તેઓ શાંતિ અને સલામતીમાં રહેતા. દાખલા તરીકે સુલેમાનના રાજ દરમિયાન ‘યહુદાહ તથા ઈસ્રાએલ નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.’ (૧ રાજા. ૪:૨૫) પડોશી દેશો તેઓના દુશ્મન હતા, છતાં જેઓએ ઈશ્વરમાં ભરોસો રાખ્યો તેઓ શાંતિમાં રહ્યા. દાઊદની જેમ આપણે પણ શાંતિથી સૂઈ શકીએ છીએ, કેમ કે ઈશ્વર આપણને રક્ષણ પૂરું પાડે છે.
૨૩. જો આપણને ઈશ્વરમાં પૂરો ભરોસો હશે તો શું અનુભવીશું?
૨૩ ચાલો આપણે પણ પૂરા ભરોસાથી યહોવાહની ભક્તિ કરતા રહીએ. પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરીશું તો ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, એ’ અનુભવીશું. (ફિલિ. ૪:૬, ૭) સાચે જ એનાથી આપણને ઘણો આનંદ મળે છે. જો આપણે યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખીશું તો હિંમતથી આવનાર દિવસોનો સામનો કરી શકીશું. (w11-E 05/15)
તમે કેવો જવાબ આપશો?
• આબ્શાલોમને લીધે દાઊદ પર કેવા સંકટ આવી પડ્યા?
• ગીતશાસ્ત્રનો ત્રીજો અધ્યાય કઈ રીતે આપણને સલામતીનો અહેસાસ કરાવે છે?
• ઈશ્વરમાં આપણો વિશ્વાસ મજબૂત કરવા ગીતશાસ્ત્રનો ચોથો અધ્યાય કઈ રીતે મદદ કરે છે?
• ઈશ્વરમાં પૂરો ભરોસો મૂકવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે?
[પાન ૨૯ પર ચિત્ર]
આબ્શાલોમને લીધે દાઊદે નાસી જવું પડ્યું ત્યારે પણ તેમને ઈશ્વરમાં પૂરો ભરોસો હતો
[પાન ૩૨ પર ચિત્રો]
શું તમે યહોવાહમાં પૂરો ભરોસો રાખો છો?