યહોવાહ આપણા દિવસ કઈ રીતે ગણવા એ શીખવે છે
“તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.”—ગીતશાસ્ત્ર ૯૦:૧૨.
યહોવાહ પરમેશ્વર આપણા સર્જનહાર અને જીવન આપનાર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રકટીકરણ ૪:૧૧) તેથી, તેમના સિવાય બીજું કોઈ પણ આપણને બતાવી શકે નહિ કે આપણે આપણાં જીવનનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો પછી, યોગ્ય રીતે જ, ગીતકર્તાએ પરમેશ્વરને વિનંતી કરી: “તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૨) એ વિનંતી ગીતશાસ્ત્ર ૯૦માં જોવા મળે છે જેને આપણે ધ્યાનપૂર્વક વિચારણામાં લઈએ એ યોગ્ય છે. એ પહેલા, ચાલો આપણે સૌ પ્રથમ પરમેશ્વરથી પ્રેરિત આ ગીતની ટૂંકમાં સમીક્ષા કરીએ.
૨ ગીતશાસ્ત્ર ૯૦નું મથાળું એને “ઇશ્વરભક્ત મુસાની પ્રાર્થના” કહે છે. આ ગીત ભારપૂર્વક જણાવે છે કે માનવીઓનું જીવન ટૂંકું છે. આથી, દેખીતી રીતે જ ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા પછી તેઓ ૪૦ વર્ષ સુધી અરણ્યમાં ભટક્યા અથવા એ અવિશ્વાસુ પેઢીમાંના હજારોના મરણ થયા પછી એ ગીતની રચના કરવામાં આવી હશે. (ગણના ૩૨:૯-૧૩) ભલે એ મિદ્યાનમાં કે ૪૦ વર્ષ અરણ્યમાં ભટક્યા એ દરમિયાન રચવામાં આવ્યું હોય, પરંતુ ગીતશાસ્ત્ર ૯૦ બતાવે છે કે અપૂર્ણ માનવીઓનું જીવન ટૂંકું છે. તો પછી, સ્પષ્ટપણે, આપણે આપણા મૂલ્યવાન દિવસોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.
૩ ગીતશાસ્ત્ર ૯૦ની ૧થી ૬ કલમો યહોવાહને આપણા અનંત આશ્રય તરીકે બતાવે છે. કલમ ૭થી ૧૨ બતાવે છે કે આપણે આપણા આ ટૂંકાં જીવનનાં વર્ષોનો એ રીતે ઉપયોગ કરવાની જરૂર છે કે જેનાથી એ પરમેશ્વરને સ્વીકાર્ય બને. કલમ ૧૩થી ૧૭માં બતાવવામાં આવ્યું છે તેમ, આપણે યહોવાહની પ્રેમાળ-કૃપા અને આશીર્વાદો મેળવવા આતુર છીએ. જોકે, આ ગીત યહોવાહના સેવક તરીકે આપણને સીધેસીધું લાગુ પડતું નથી. તેમ છતાં, આપણે એની નોંધ લેવી જોઈએ અને આપણે પણ ગીતકર્તાના જેવું પ્રાર્થનાનું વલણ બતાવવું જોઈએ. તેથી, ચાલો આપણે ગીતશાસ્ત્ર ૯૦ને પરમેશ્વરના સમર્પિત સેવકોની જેમ ઝીણવટથી અવલોકન કરીએ.
યહોવાહ—આપણો “આશ્રય”
૪ ગીતકર્તા આ શબ્દોથી શરૂઆત કરે છે: “હે પ્રભુ, પેઢી દરપેઢી તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તેં પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તું ઇશ્વર છે.” (આ લેખમાં ત્રાંસા અક્ષરો અમે કર્યા છે.)—ગીતશાસ્ત્ર ૯૦:૧, ૨.
૫ આપણા માટે “સનાતન ઈશ્વર” યહોવાહ, “આશ્રય” એટલે કે આત્મિક આશ્રય છે. (રૂમી ૧૬:૨૬, પ્રેમસંદેશ) તે “પ્રાર્થનાના સાંભળનાર” તરીકે હંમેશા આપણને મદદ કરે છે આથી, આપણે સલામતી અનુભવીએ છીએ. (ગીતશાસ્ત્ર ૬૫:૨) આપણે પોતાની ચિંતાઓ, તેમના વહાલા દીકરા દ્વારા આપણા પિતા, યહોવાહ પર નાખી દેતા હોવાથી, ‘દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં આપણાં હૃદયોની તથા મનોની સંભાળ રાખે છે.’—ફિલિપી ૪:૬, ૭; માત્થી ૬:૯; યોહાન ૧૪:૬, ૧૪.
૬ આપણે આત્મિક રીતે સલામતી અનુભવીએ છીએ કારણ કે રૂપકાત્મક રીતે જોઈએ તો, યહોવાહ આપણા “આશ્રય” છે. તે આપણને આત્મિક સલામતી માટે “ઓરડી” એટલે કે તેમના લોકોનું બનેલું મંડળ પણ આપે છે કે જ્યાં પ્રેમાળ વડીલો આપણી સલામતીમાં મહત્ત્વનો ફાળો આપે છે. (યશાયાહ ૨૬:૨૦; ૩૨:૧, ૨; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮, ૨૯) વધુમાં, આપણામાંના કેટલાક એવાં કુટુંબોમાંથી આવે છે કે જેઓ વર્ષોથી સાચા પરમેશ્વરની સેવા કરતા આવ્યાં છે અને તેઓને વ્યક્તિગત રીતે જોવા મળ્યું છે કે પોતાનાં કુટુંબો તેઓ માટે ‘પેઢી દરપેઢીના આશ્રય’ બન્યાં છે.
૭ પર્વતો “ઉત્પન્ન” થયા કે પૃથ્વીને ‘રચવામાં’ આવી એ પહેલાંથી યહોવાહ અસ્તિત્વ ધરાવે છે. મનુષ્યની દૃષ્ટિએ જોતા, આ પૃથ્વીનાં દરેક પાસાઓ, રસાયણો અને જટિલ પ્રક્રિયાઓ માટે ઘણી મહેનતની જરૂર પડે છે. પર્વતોને “ઉત્પન્ન” કરવામાં આવ્યા અને પૃથ્વીને ‘રચવામાં’ આવી એમ કહીને ગીતકર્તા, યહોવાહે ઉત્પન્ન કરેલી આ બાબતો પ્રત્યે ઊંડો આદર બતાવી રહ્યા છે. એવી જ રીતે, શું આપણે પણ યહોવાહે કરેલાં કાર્યો પ્રત્યે કદર અને ઊંડું માન બતાવવું ન જોઈએ?
યહોવાહ હંમેશા આપણી સાથે છે
૮ ગીતકર્તાએ ગાયું, “અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તું ઇશ્વર છે.” “અનાદિકાળ,” અંત હોય પણ ક્યારે એ ચોક્કસ ન હોય એને બતાવે છે. (નિર્ગમન ૩૧:૧૬, ૧૭; હેબ્રી ૯:૧૫) તેમ છતાં, ગીતશાસ્ત્ર ૯૦:૨માં અને હેબ્રી શાસ્ત્રવચનોમાં બીજી જગ્યાઓએ ‘અનાદિકાળનો’ અર્થ “સદા ટકી રહે” એમ થાય છે. (સભાશિક્ષક ૧:૪) આપણે સમજી ન શકીએ કે કઈ રીતે યહોવાહ હંમેશથી અસ્તિત્વ ધરાવે છે. તોપણ, યહોવાહને કોઈ શરૂઆત નથી અને તેમનો કદી અંત પણ આવશે નહિ. (હબાક્કૂક ૧:૧૨) તે હંમેશા જીવંત રહેશે અને આપણને મદદ કરશે.
૯ ગીતકર્તા અનંત પરમેશ્વરના થોડા સમયના અનુભવને માનવ અસ્તિત્વનાં હજારો વર્ષો સાથે સરખામણી કરવા પ્રેરાયા. પરમેશ્વરનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું: “તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે; અને કહે છે, હે મનુષ્યપુત્રો, પાછા ફરો. કેમકે તારી દૃષ્ટિમાં હજાર વર્ષો વીતી ગએલી કાલના જેવાં, અને રાતના એક પહોર જેવાં છે.”—ગીતશાસ્ત્ર ૯૦:૩, ૪.
૧૦ માનવીઓ મરણ પામે છે અને પરમેશ્વર તેઓને ‘ધૂળમાં પાછા મેળવી દે છે.’ એટલે કે, યહોવાહ કહે છે, ‘તું ભૂમિમાં પાછો મળી જા કે જેમાંથી તને લેવામાં આવ્યો હતો.’ (ઉત્પત્તિ ૨:૭; ૩:૧૯) આ બાબત બળવાન કે નબળા, ધનવાન કે ગરીબ સર્વને લાગુ પડે છે. કેમ કે કોઈ પણ અપૂર્ણ માણસ “પોતાના ભાઈને કોઇ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં દેવને ખંડણી આપી શકતો નથી.” (ગીતશાસ્ત્ર ૪૯:૬-૯) પરંતુ, આપણે કેટલા આભારી છીએ કે ‘દેવે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે!’—યોહાન ૩:૧૬; રૂમી ૬:૨૩.
૧૧ યહોવાહની દૃષ્ટિએ તો, ૯૬૯ વર્ષનો મથૂશેલાહ એક દિવસ પણ જીવ્યો નહિ. (ઉત્પત્તિ ૫:૨૭) પરમેશ્વરની નજરમાં હજાર વર્ષ એક દિવસ એટલે ફક્ત ૨૪ કલાકની વીતી ગયેલી કાલના જેવા છે. ગીતકર્તા એ પણ બતાવે છે કે પરમેશ્વરની નજરમાં હજાર વર્ષ, રાતે છાવણીની ચોકી કરતા ચોકીદારના ચાર કલાકના પહેરા જેવા છે. (ન્યાયાધીશ ૭:૧૯) તો પછી, એ સ્પષ્ટ થાય છે કે આપણને લાંબો લાગતો સમય, અનંત પરમેશ્વર યહોવાહ માટે બહુ જ ટૂંકો સમય છે.
૧૨ પરમેશ્વરના અનંત અસ્તિત્વની સરખામણીમાં, ખરેખર માનવીઓનું અસ્તિત્વ એકદમ ટૂંકું છે. ગીતકર્તા કહે છે: “તું તેઓને રેલની માફક તાણી જાય છે; તેઓ નિદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવાં છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે; સાંજે તે કપાઇ જાય છે તથા ચિમળાઈ છે.” (ગીતશાસ્ત્ર ૯૦:૫, ૬) મુસાએ હજારો ઈસ્રાએલીઓને અરણ્યમાં મરણ પામતા જોયા, કે જેઓને પરમેશ્વર રેલની માફક ‘તાણી ગયા.’ ગીતશાસ્ત્રના આ ભાગનું આ રીતે પણ ભાષાંતર કરવામાં આવ્યું છે: “તું માણસોને મરણની ઊંઘમાં તાણી જાય છે.” (ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) બીજી બાજુ, અપૂર્ણ માનવીઓનું જીવન એક રાતની ઊંઘ એટલે કે ટૂંકા ગાળાની “નિદ્રા” જેવું છે.
૧૩ આપણે ‘સવારમાં ઊગતા ઘાસ જેવાં છીએ’ કે જે સાંજ સુધીમાં તો સૂર્યની સખત ગરમીથી ચીમળાઈ જાય છે. હા, આપણું જીવન એક જ દિવસમાં ચીમળાઈ જતા ઘાસના જેવું ટૂંકું છે. તેથી, આપણે આપણા મૂલ્યવાન જીવનનો દુરુપયોગ કરવો જોઈએ નહિ. પરંતુ, આપણે આ જગતમાં આપણા બાકી રહેલાં વર્ષોનો કઈ રીતે સદુપયોગ કરવો જોઈએ એ વિષે પરમેશ્વરનું માર્ગદર્શન મેળવવું જોઈએ.
યહોવાહ આપણને ‘દિવસ ગણવા’ મદદ કરે છે
૧૪ પરમેશ્વર વિષે ગીતકર્તા આગળ જણાવે છે: “તારા કોપથી અમારો નાશ થાય છે, અને તારા રોષથી અમને ત્રાસ થાય છે. તેં અમારા અન્યાય તારી સંમુખ, અમારાં ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં, મૂક્યાં છે. અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે; અમે નિસાસાની પેઠે અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.”—ગીતશાસ્ત્ર ૯૦:૭-૯.
૧૫ અવિશ્વાસુ ઈસ્રાએલીઓનો ‘પરમેશ્વરના કોપથી નાશ થયો.’ તેઓને ‘તેમના રોષથી ત્રાસ થયો.’ કેટલાક પરમેશ્વરના ન્યાયચુકાદાને પરિણામે “રાનમાં માર્યા ગયા.” (૧ કોરીંથી ૧૦:૫) યહોવાહે ‘તેઓનો અન્યાય તેમની સંમુખ મૂક્યો.’ પરમેશ્વરે ઈસ્રાએલીઓને તેઓએ જાહેરમાં કરેલાં ખોટાં કાર્યો માટે જાહેરમાં દોષિત ઠરાવ્યા. પરંતુ, તેઓના “ગુપ્ત પાપો” પણ ‘યહોવાહના મુખના પ્રકાશ’ આગળ હતા. (નીતિવચનો ૧૫:૩) પરમેશ્વરના રોષનો ભોગ બનીને, બિનપશ્ચાત્તાપી ઈસ્રાએલીઓએ ‘નિસાસાની પેઠે વર્ષો પૂરાં કર્યાં.’ એ કારણે, આપણો જીવનકાળ આપણા નિસાસાની પેઠે પસાર થતા શ્વાસ જેવો છે.
૧૬ જો આપણામાંનું કોઈ પણ ખાનગીમાં પાપ કરતું હોય તો, આપણે થોડા સમય માટે આપણા ભાઈબહેનોથી એ છુપાવી શકીશું. પરંતુ, આપણા ખાનગીમાં કરેલાં પાપ ‘યહોવાહના મુખના પ્રકાશ સંમુખ’ હશે અને આપણાં કાર્યો તેમની સાથેના આપણા સંબંધને બગાડશે. યહોવાહ સાથે ફરી ગાઢ સંબંધ બાંધવા માટે, આપણે પાપ કરવાનું બંધ કરીને તેમની માફી માટે પ્રાર્થના કરવાની જરૂર છે. વધુમાં, આપણે ખ્રિસ્તી વડીલોની આત્મિક મદદને સ્વીકારવી જોઈએ. (નીતિવચનો ૨૮:૧૩; યાકૂબ ૫:૧૪, ૧૫) આપણે અનંતજીવનની આશાને ભયમાં મૂકીને ‘નિસાસાની પેઠે આપણાં વર્ષો પૂરાં કરીએ’ એના કરતાં એમ કરવું કેટલું સારું થશે!
૧૭ અપૂર્ણ માનવીઓના જીવનકાળ વિષે ગીતકર્તા કહે છે: “અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખમાત્ર છે; કેમકે તે વહેલી થઇ રહે છે, અને અમે ઊડી જઇએ છીએ.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦) સામાન્ય રીતે, લોકોનું જીવન ૭૦ વર્ષનું હોય છે પરંતુ, બળના કારણથી કાલેબ એંસી વર્ષ જીવ્યા. તોપણ, હારૂન (૧૨૩), મુસા (૧૨૦) અને યહોશુઆ (૧૧૦) જેવી વ્યક્તિઓ અપવાદરૂપ હતી. (ગણના ૩૩:૩૯; પુનર્નિયમ ૩૪:૭; યહોશુઆ ૧૪:૬, ૧૦, ૧૧; ૨૪:૨૯) પરંતુ, મિસરમાંથી આવેલી અવિશ્વાસુ પેઢીની ગણતરી કરવામાં આવી એ પ્રમાણે ૨૦ વર્ષ અને તેથી ઉપરના લોકો ૪૦ વર્ષની અંદર મરી ગયા. (ગણના ૧૪:૨૯-૩૪) આજે, ઘણા દેશોમાં સામાન્ય આયુષ્ય ગીતકર્તાએ આપેલી અવધિમાં જ રહે છે. આપણું જીવન “સંકટથી” ભરપૂર છે. તે ઝડપથી પસાર થઈ જાય છે અને ‘આપણે ઊડી જઈએ છીએ.’—અયૂબ ૧૪:૧, ૨.
૧૮ ત્યાર પછી ગીતકર્તા કહે છે: “તારા કોપના બળને, તથા તારો રોષ [ધ્યાનમાં લઈને] તે પ્રમાણે તારી બીક રાખવી તે કોણ જાણે છે? તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૧, ૧૨) આપણામાંનું કોઈ પણ યહોવાહનો ક્રોધ કેવો હશે અથવા કેટલો સમય રહેશે એના વિષે પૂરેપૂરું જાણતું નથી, આથી આપણે યહોવાહનો યોગ્ય ભય રાખવો જ જોઈએ. હકીકતમાં, આપણે તેમની પાસે માંગી શકીએ કે “અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.”
૧૯ આમ, ગીતકર્તાએ યહોવાહને તેમના લોકોને પોતાના બાકીના દિવસોનો યોગ્ય અને ડહાપણભરી રીતે ઉપયોગ કરવાનું શીખવવા પ્રાર્થના કરી, જેથી તેઓને પરમેશ્વરની કૃપા મળે. સીત્તેર વર્ષના આયુષ્યમાં ૨૫,૫૦૦ દિવસો રહેલા છે. જોકે, આપણી વય ભલે ગમે તેટલી હોય તોપણ, ‘આપણને કાલે શું થશે એની ખબર નથી. કેમ કે આપણે ધૂમર જેવા છીએ અને થોડી વાર દેખાઈએ છીએ અને પછી અદૃશ્ય થઈ જઈએ છીએ.’ (યાકૂબ ૪:૧૩-૧૫) “દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે” માટે, આપણે કહી શકતા નથી કે આપણે કેટલું લાંબું જીવીશું. તેથી, આપણે મુશ્કેલીઓનો સામનો કરવા, બીજાઓ સાથે યોગ્ય રીતે વર્તવા અને હમણાં જ યહોવાહની સેવામાં આપણાથી બનતું બધું કરવા ડહાપણ મેળવવા પ્રાર્થના કરીએ! (સભાશિક્ષક ૯:૧૧; યાકૂબ ૧:૫-૮) યહોવાહ આપણને તેમનો શબ્દ બાઇબલ, તેમનો પવિત્ર આત્મા અને તેમના સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; ૧ કોરીંથી ૨:૧૦; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) ડહાપણ આપણને ‘પ્રથમ પરમેશ્વરના રાજ્યને શોધવા’ અને આપણા દિવસોનો એવી રીતે ઉપયોગ કરવા પ્રેરે છે કે જેનાથી યહોવાહને મહિમા મળે અને તેમના હૃદયને આનંદ થાય. (માત્થી ૬:૨૫-૩૩; નીતિવચનો ૨૭:૧૧) જોકે, પૂરા હૃદયથી તેમની સેવા કરવાથી આપણી સમસ્યાઓ ઓછી થઈ જશે નહિ, પરંતુ, એનાથી આપણને આનંદ જરૂર મળશે.
યહોવાહનો આશીર્વાદ આપણને આનંદ આપે છે
૨૦ આપણે આપણા બાકીના સમગ્ર જીવનમાં આનંદ મેળવીએ તો, એ કેટલું સારું હશે! આ બાબતમાં મુસા પ્રાર્થના કરે છે: “હે યહોવાહ, પાછો આવ; ક્યાં સુધી? તારા સેવકો પર કરુણા કર. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૩, ૧૪) પરમેશ્વર ભૂલ કરતા નથી. તેમ છતાં, ભૂલ કરનાર તેમની ચેતવણીને ધ્યાનમાં લઈને પોતાની વર્તણૂકમાં ફેરફાર કરે છે ત્યારે તે “કરુણા” બતાવે છે અને પોતાના ગુસ્સાને ‘પાછો ખેંચી લઈને’ શિક્ષા કરતા નથી. (પુનર્નિયમ ૧૩:૧૭) તેથી, જો આપણે ગંભીર ભૂલ કરી હોય પરંતુ પછી સાચો પસ્તાવો કરીએ તો, યહોવાહ ‘આપણને તેમની કૃપાથી તૃપ્ત કરશે’ અને ત્યારે આપણે ‘આનંદ કરી’ શકીશું. (ગીતશાસ્ત્ર ૩૨:૧-૫) ન્યાયીના માર્ગમાં ચાલીને, આપણે પરમેશ્વરના પ્રેમને અનુભવી શકીશું અને આપણે બાકીના જીવન એટલે કે ‘સર્વ દિવસો હર્ષમાં’ ગુજારી શકીશું.
૨૧ ગીતકર્તા ખંતપૂર્વક પ્રાર્થના કરે છે: “જે દિવસોમાં તેં અમને દુઃખી કર્યા છે, અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડ. તારા સેવકોને તારાં કૃત્યો, અને તેઓના દીકરાઓ પર તારો મહિમા, દેખાઓ.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૫, ૧૬) ઈસ્રાએલીઓ જેટલા દિવસો કે જેટલો સમય દુઃખી થયા અને પીડા ભોગવી એ પ્રમાણે તેઓ આનંદનો આશીર્વાદ મેળવે માટે મુસાએ યહોવાહને પ્રાર્થના કરી હોય શકે. તેમણે એ પણ માંગ્યું કે પરમેશ્વર, ઈસ્રાએલને આપેલા આશીર્વાદનાં “કૃત્યો” પોતાના સેવકોને બતાવે અને તેમનો મહિમા તેઓના દીકરાઓ કે વંશજોને દેખાડે. આપણે પણ યોગ્ય રીતે જ પ્રાર્થના કરી શકીએ કે પરમેશ્વર, તેમણે વચન આપેલી નવી દુનિયામાં આજ્ઞાધીન માણસજાત પર આશીર્વાદ વરસાવે.—૨ પીતર ૩:૧૩.
૨૨ ગીતશાસ્ત્ર ૯૦ આ વિનંતીના શબ્દોથી સમાપ્તિ કરે છે: “અમારા પર અમારા દેવ યહોવાહની કૃપા થાઓ; અને તું અમારા હાથનાં કામ અમારે સારૂ સ્થાપન કર; હા, અમારા હાથનાં કામ તું સ્થાપન કર.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૭) આ શબ્દો બતાવે છે કે આપણે પરમેશ્વરની સેવા કરીએ છીએ એના પર યોગ્ય રીતે જ તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી શકીએ. અભિષિક્ત ખ્રિસ્તીઓ કે તેઓના સંગાથી, “બીજાં ઘેટાં” તરીકે, આપણે આનંદ કરી શકીએ કે “દેવ યહોવાહની કૃપા” આપણી સાથે રહે છે. (યોહાન ૧૦:૧૬) આપણે કેટલા આનંદિત છીએ કે પરમેશ્વરે રાજ્યના પ્રચારકો તરીકે અને બીજી રીતોએ ‘આપણા હાથનાં કામ સ્થાપન કર્યા છે!’
આપણા દિવસો ગણતા રહીએ
૨૩ ગીતશાસ્ત્ર ૯૦ પર મનન કરવાથી આપણા “આશ્રય,” યહોવાહ પર આપણો ભરોસો વધારે દૃઢ થાય છે. ટૂંકા જીવન વિષેના તેમના શબ્દો પર મનન કરીને, આપણે આપણા દિવસો ગણવા પરમેશ્વરના માર્ગદર્શનની જરૂર વિષે વધારે સાવધ રહેવું જોઈએ. જો આપણે પરમેશ્વરનું ડહાપણ શોધીએ અને લાગુ પાડીએ તો, આપણે યહોવાહની કૃપા અને આશીર્વાદ મેળવીશું એવી ખાતરી રાખી શકીએ.
૨૪ યહોવાહ આપણને આપણા દિવસ કેવી રીતે ગણવા એ વિષે સતત માર્ગદર્શન આપશે. જો આપણે તેમના માર્ગદર્શનને લાગુ પાડીશું તો, આપણે સર્વ અનંતકાળ સુધી આપણા દિવસો ગણી શકીશું. (યોહાન ૧૭:૩) જો આપણને ખરેખર અનંતજીવન જોઈતું હોય તો, યહોવાહ આપણા આશ્રય હોવા જ જોઈએ. (યહુદા ૨૦, ૨૧) આપણે હવે પછીના લેખમાં જોઈશું કે આ મુદ્દો ગીતશાસ્ત્ર ૯૧માં વધારે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
તમે કેવો પ્રત્યુત્તર આપશો?
• કઈ રીતે યહોવાહ આપણા “આશ્રય” છે?
• શા માટે આપણે કહી શકીએ કે યહોવાહ હંમેશા આપણને મદદ કરવા તૈયાર છે?
• યહોવાહ કઈ રીતે આપણને ‘આપણા દિવસો ગણવાને’ મદદ કરે છે?
• કઈ બાબત આપણને ‘સર્વ દિવસોમાં હર્ષ’ કરવા મદદ કરે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહ આપણને આપણા ‘દિવસ ગણવાનું’ શીખવે એ શા માટે યોગ્ય છે?
૨. (ક) ગીતશાસ્ત્ર ૯૦ના રચનારનું નામ શું છે અને એ ક્યારે લખવામાં આવ્યું હોય શકે? (ખ) આ ગીતે જીવન પ્રત્યેના આપણા દૃષ્ટિબિંદુને કઈ રીતે અસર કરવી જોઈએ?
૩. ગીતશાસ્ત્ર ૯૦માં કઈ પાયારૂપ બાબતો બતાવવામાં આવી છે?
૪-૬. કઈ રીતે યહોવાહ આપણા માટે “આશ્રય” બન્યા છે?
૭. કઈ રીતે પર્વતો “ઉત્પન્ન” થયા અને પૃથ્વીને ‘રચવામાં’ આવી?
૮. યહોવાહ “અનાદિકાળથી તે અનંતકાળ સુધી” પરમેશ્વર છે એનો શું અર્થ થાય છે?
૯. માનવ અસ્તિત્વનાં હજારો વર્ષોને ગીતકર્તાએ શાની સાથે સરખાવ્યાં?
૧૦. કઈ રીતે પરમેશ્વર માણસને ‘ધૂળમાં પાછો મેળવી દે છે’?
૧૧. શા માટે આપણે કહી શકીએ કે આપણને લાંબો લાગતો સમય પરમેશ્વર માટે બહુ જ ટૂંકો છે?
૧૨. પરમેશ્વર કઈ રીતે માનવીઓને ‘તાણી જાય છે’?
૧૩. કઈ રીતે આપણે “ઘાસ” જેવા છીએ અને એણે આપણા જીવનને કઈ રીતે અસર કરવી જોઈએ?
૧૪, ૧૫. ગીતશાસ્ત્ર ૯૦:૭-૯ની કઈ પરિપૂર્ણતા ઈસ્રાએલીઓ પર થઈ હતી?
૧૬. જો કોઈ ખાનગીમાં પાપ કરતું હોય તો, તેઓએ શું કરવું જોઈએ?
૧૭. સામાન્ય રીતે આપણું આયુષ્ય કેટલું છે અને આપણું જીવન શાનાથી ભરેલું છે?
૧૮, ૧૯. (ક) ‘અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય,’ એનો શું અર્થ થાય છે? (ખ) ડહાપણ આપણને શું કરવા પ્રેરશે?
૨૦. (ક) કઈ રીતે પરમેશ્વર “કૃપા” બતાવે છે? (ખ) આપણે ગંભીર ભૂલ કરી હોય પરંતુ સાચો પસ્તાવો બતાવીએ તો, યહોવાહ આપણી સાથે કઈ રીતે વર્તશે?
૨૧. ગીતશાસ્ત્ર ૯૦:૧૫, ૧૬માં નોંધેલા શબ્દોમાં, મુસાએ કઈ વિનંતી કરી હોય શકે?
૨૨. ગીતશાસ્ત્ર ૯૦:૧૭ અનુસાર, કઈ બાબત માટે આપણે યોગ્ય રીતે પ્રાર્થના કરી શકીએ?
૨૩, ૨૪. આપણે ગીતશાસ્ત્ર ૯૦ પર મનન કરીને કઈ રીતે લાભ મેળવી શકીએ?
[પાન ૧૦ પર ચિત્ર]
‘પર્વતો ઉત્પન્ન થયા પહેલાંથી’ યહોવાહ પરમેશ્વર છે
[પાન ૧૨ પર ચિત્ર]
યહોવાહની દૃષ્ટિએ, ૯૬૯ વર્ષના મથૂશેલાહ એક દિવસ કરતાં પણ ઓછું જીવ્યા
[પાન ૧૪ પર ચિત્રો]
યહોવાહે ‘આપણા હાથનાં કામ સ્થાપન કર્યા’ છે