“યહોવાહને તથા તેના સામર્થ્યને શોધો”
“યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.”—૨ કાળવૃત્તાંત ૧૬:૯.
શક્તિ શબ્દના જુદા જુદા અર્થ થઈ શકે. જેમ કે નિયંત્રણ, અધિકાર કે બીજાઓ પર પ્રભાવ; ક્ષમતા, શારીરિક બળ (સામર્થ્ય); માનસિક કે નૈતિક આવડત. જોકે, ઇતિહાસ પ્રમાણે મનુષ્યોએ પોતાની શક્તિનો ઉપયોગ સારી રીતે કર્યો નથી. રાજકારણના નેતાઓની શક્તિ વિષે ઇતિહાસકાર લોર્ડ એક્ટન કહે છે: “સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે, અને પૂરેપૂરી સત્તા પૂરેપૂરો ભ્રષ્ટાચાર પણ લાવે છે.” આજનો ઇતિહાસ લોર્ડ એક્ટનના શબ્દો એકદમ સાચા પાડતા ભરપૂર ઉદાહરણો આપે છે. વીસમી સદીમાં, સૌથી વધુ પ્રમાણમાં, “માણસ બીજા માણસ ઉપર નુકશાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) ભ્રષ્ટ શક્તિશાળી આગેવાનો મોટે ભાગે સત્તાનો લાભ ઉઠાવે છે અને કરોડો લોકોનાં જીવન રહેંસી નાખે છે. શક્તિ કે સત્તા પર પ્રેમ, ડહાપણ અને ન્યાયનો અંકુશ ન હોય તો એ ખતરનાક સાબિત થાય છે.
૨ એનાથી અલગ, યહોવાહ હંમેશા પોતાની શક્તિનો ઉપયોગ ભલું કરવા કરે છે. “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળવૃત્તાંત ૧૬:૯) પરંતુ, યહોવાહ પોતાની શક્તિ પર કાબૂ ધરાવે છે. દુષ્ટોને સજા કરવામાં દેવ ધીરજ રાખે છે, જેથી તેઓને પસ્તાવો કરવાની તક મળે. તેમનામાં પ્રેમ છે જેને કારણે તે ધર્મી અને અધર્મી, બધા પર સૂર્ય ઉગાવે છે. તે ન્યાયી હોવાથી, છેવટે શેતાન જે મરણને જ લાયક છે તેનો વિનાશ કરવા પોતાની શક્તિનો ઉપયોગ કરશે.—માત્થી ૫:૪૪, ૪૫;—હેબ્રી ૨:૧૪; ૨ પીતર ૩:૯.
૩ આપણા મહાન પિતાની અદ્ભુત શક્તિ જ આપણને તેમનાં વચન અને તેમના રક્ષણમાં પૂરેપૂરો ભરોસો મૂકવા પ્રેરે છે. પોતાના પિતાનો હાથ મજબૂતીથી પકડી રાખનાર બાળક અજાણ્યા લોકો વચ્ચે પણ સલામતી અનુભવે છે. તે જાણે છે કે તેના પિતા તેને કોઈ હાનિ થવા નહિ દે. એ જ રીતે આપણને “તારવાને શક્તિમાન” આપણા આકાશી પિતાના માર્ગમાં ચાલીશું તો, તે પણ આપણને કોઈ કાયમી હાનિ થવા નહિ દે. (યશાયાહ ૬૩:૧; મીખાહ ૬:૮) એક સારા પિતા તરીકે યહોવાહ હંમેશા પોતાનાં વચન પૂરાં કરે છે. તેમની અમર્યાદિત શક્તિ ખાતરી આપે છે કે, તેમનું ‘વચન સફળ થયા વિના, તેમની પાસે પાછું વળશે નહિ.’—યશાયાહ ૫૫:૧૧; તીતસ ૧:૨.
૪ આપણા મહાન પિતા, યહોવાહનું રક્ષણ શા માટે ભૂલવું ન જોઈએ? એમ બની શકે કે, આપણે એવા સંજોગોમાં ફસાય જઈ શકીએ અને ભૂલી જઈએ કે સાચી સલામતી ક્યાં છે. એ આપણને રાજા આસાના ઉદાહરણમાં જોવા મળે છે, જે યહોવાહમાં ખૂબ ભરોસો રાખતો હતો. આસાના શાસન દરમિયાન, એક વખત દસ લાખ કૂશીઓના સૈન્યે યહુદાહ પર ચઢાઈ કરી. આટલા મોટા સૈન્યવાળા શક્તિશાળી દુશ્મનોને જોઈને આસાએ પ્રાર્થના કરી: “હે યહોવાહ, બળવાનની વિરૂદ્ધ નિર્બળને સહાય કરનાર, તારા સિવાય બીજો કોઈ નથી; હે યહોવાહ અમારા દેવ, અમને સહાય કર; અમે તારા પર ભરોસો રાખીએ છીએ, તારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવાહ, તું અમારો દેવ છે; તારી વિરૂદ્ધ માણસ ફાવી જાય નહિ.” (૨ કાળવૃત્તાંત ૧૪:૧૧) યહોવાહે આસાની પ્રાર્થના સાંભળી અને તેને નિર્ણાયક વિજય અપાવ્યો.
૫ છતાં, ઘણાં વર્ષો વફાદાર રહ્યા પછી, યહોવાહની રક્ષણ કરવાની શક્તિમાંથી આસાનો ભરોસો ડગમગી ગયો. ઈસ્રાએલના ઉત્તરીય રાજ્યની ધમકી સામે, તેણે સીરિયાની મદદ માંગી. (૨ કાળવૃત્તાંત ૧૬:૧-૩) સીરિયાના રાજા બેન-હદાદને આપેલી લાંચથી યહુદાહ પરની ઈસ્રાએલની ધમકી તો ગઈ, પણ એનાથી આસાએ બતાવી આપ્યું કે તેને યહોવાહમાં ભરોસો નથી. પ્રબોધક હનાનીએ તેને ઠપકો આપતા કહ્યું કે, “કૂશીઓ તથા લૂબીઓનું સૈન્ય શું મહાભારત નહોતું, તથા તેમની સાથે અતિ ઘણાં રથો તથા ઘોડેસવારો નહોતા? તોપણ તેં યહોવાહ પર ભરોસો રાખ્યો હતો, માટે તેણે તેને તારા હાથમાં સોંપ્યા.” (૨ કાળવૃત્તાંત ૧૬:૭, ૮) તોપણ, આસાએ તેમની વાત માની નહિ. (૨ કાળવૃત્તાંત ૧૬:૯-૧૨) આપણે પણ મુશ્કેલીઓના સમયે યહોવાહમાં ભરોસો મૂકીએ, મનુષ્યોમાં નહિ. માનવ શક્તિમાં ભરોસો મૂકીશું તો, ચોક્કસ પસ્તાવું પડશે.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩-૫.
યહોવાહની શક્તિ શોધો
૬ યહોવાહ પોતાના સેવકોને શક્તિ આપી અને તેઓનું રક્ષણ પણ કરી શકે છે. બાઇબલ આપણને વિનંતી કરે છે કે, “યહોવાહને તથા તેના સામર્થ્યને શોધો.” (ગીતશાસ્ત્ર ૧૦૫:૪) એનું કારણ એ છે કે, આપણે દેવની શક્તિની સુમેળમાં કાર્ય કરીશું તો, આપણી શક્તિ બીજાઓના નુકસાનને બદલે લાભ માટે ઉપયોગી બનશે. આ વિષે ઈસુ ખ્રિસ્ત કરતાં વધારે સારું ઉદાહરણ બીજું કોઈ નથી, જેમણે યહોવાહની શક્તિથી ઘણા ચમત્કારો કર્યા હતા. (લુક ૫:૧૭) ઈસુએ ધાર્યું હોત તો, પોતે ધનવાન, લોકપ્રિય અને સર્વથી બળવાન રાજા બની શક્યા હોત. (લુક ૪:૫-૭) એને બદલે, દેવે આપેલી શક્તિનો ઉપયોગ તેમણે લોકોને તાલીમ અને શિક્ષણ આપવામાં કર્યો. તેમ જ, લોકોને મદદ આપીને સાજાં કર્યા. (માર્ક ૭:૩૭; યોહાન ૭:૪૬) આપણા માટે કેવું સુંદર ઉદાહરણ!
૭ વધુમાં, આપણે જ્યારે “દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે” કાર્યો કરીએ છીએ ત્યારે, આપણને નમ્ર રહેવા મદદ મળે છે. (૧ પીતર ૪:૧૧) પોતાની માટે સત્તા શોધતા માણસો મગરૂર બને છે. એનું એક ઉદાહરણ આશ્શૂરનો રાજા એસાર-હેદોન છે, જેણે બડાઈ હાંકી: “હું શક્તિશાળી છું, હું સર્વ-શક્તિશાળી છું, હું શૂરવીર છું, હું મહાન છું, હું કદ્દાવર છું.” એનાથી વિરુદ્ધ, યહોવાહે “શક્તિમાનોને શરમાવવા સારૂ જગતના નિર્બળોને પસંદ કર્યા છે.” આમ, એક સાચા ખ્રિસ્તીએ અભિમાન કરવું હોય તો યહોવાહમાં કરવું જોઈએ, કેમ કે તેણે પોતે કંઈ સિદ્ધ કર્યું નથી, પણ યહોવાહની શક્તિથી એ કર્યું છે. ‘દેવના સમર્થ હાથ નીચે પોતાને નમાવવું,’ એ સાચું અભિમાન છે.—૧ કોરીંથી ૧:૨૬-૩૧; ૧ પીતર ૫:૬.
૮ કઈ રીતે આપણે યહોવાહની શક્તિ મેળવી શકીએ? સૌપ્રથમ આપણે એના માટે પ્રાર્થના કરવી જોઈએ. ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી આપી કે પિતા પાસે પવિત્ર આત્મા માંગનારને તે ચોક્કસ આપશે. (લુક ૧૧:૧૦-૧૩) ધાર્મિક આગેવાનોએ શિષ્યોને ઈસુ વિષે સાક્ષી ન આપવાનો હુકમ કર્યો ત્યારે, શિષ્યોએ તેઓને નહિ પણ દેવને આજ્ઞાધીન રહેવાનું પસંદ કર્યું. એ વખતે, દેવની શક્તિથી તેઓને કેવી હિંમત મળી હશે, એનો વિચાર કરો. તેઓએ યહોવાહ પાસે મદદ માંગી ત્યારે, તેઓની પ્રાર્થના સાંભળવામાં આવી. પવિત્ર આત્માએ તેઓને શક્તિમાન કર્યા, જેથી તેઓ હિંમતથી સુસમાચાર પ્રચાર કરતા રહે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૯, ૨૦, ૨૯-૩૧, ૩૩.
૯ બીજું, આપણે બાઇબલમાંથી ઘણી જ હિંમત મેળવી શકીએ. (હેબ્રી ૪:૧૨) યોશીયાહ રાજાના સમયમાં પણ દેવના શબ્દ કેટલો શક્તિશાળી છે એનો પુરાવો જોવા મળ્યો હતો. યહુદાહના આ રાજાએ દેશમાંથી વિધર્મી મૂર્તિઓ તો કાઢી જ નાખી હતી. પરંતુ, યહોવાહનું નિયમશાસ્ત્ર મંદિરમાંથી મળી આવ્યું ત્યારે, એનાથી તેને એ કાર્ય કરવા વધુ જુસ્સો ચડ્યો.a યોશીયાહે પોતે લોકોને નિયમશાસ્ત્ર વાંચી સંભળાવ્યું. પછી, સમગ્ર રાષ્ટ્રએ યહોવાહ સાથે કરાર કર્યો, અને મૂર્તિપૂજા વિરુદ્ધ બીજી મોટી ઝૂંબેશ ચાલુ થઈ. યોશીયાહના ઉત્સાહનું પરિણામ એ આવ્યું કે, “તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાહને અનુસરતા રહ્યા.”—૨ કાળવૃત્તાંત ૩૪:૩૩.
૧૦ યહોવાહની શક્તિ મેળવવાની ત્રીજી રીત ખ્રિસ્તી સંગત છે. પાઊલે ખ્રિસ્તીઓને નિયમિત રીતે ભેગા મળવા સલાહ આપી, જેથી “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” એકબીજાને ઉત્તેજન આપી શકાય. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) પીતરને ચમત્કારથી કેદમાંથી છોડાવવામાં આવ્યા ત્યારે, તે ભાઈઓની સંગત ચાહતા હતા. તેથી, તે સીધા જ યોહાન માર્કની માના ઘરે ગયા, જ્યાં “ઘણાં માણસો એકઠાં થઈને પ્રાર્થના કરતાં હતાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૨) તેઓ ઘરે રહીને પણ પ્રાર્થના કરી શક્યા હોત. પરંતુ એ કઠિન સમયમાં આ લોકોએ ભેગા મળીને પ્રાર્થના કરવાનું અને એકબીજાને ઉત્તેજન આપવાનું પસંદ કર્યું. પાઊલની રોમ સુધીની લાંબી અને જોખમી મુસાફરીના લગભગ અંતે, તે પુતીઓલીમાં કેટલાક ભાઈઓને મળ્યા. વળી, બીજા ભાઈઓ તેમને સામા મળવા આવ્યા. એનાથી તેમને કેવું લાગ્યું? “તેઓને જોઈને પાઊલે દેવની સ્તુતિ કરી, અને હિંમત રાખી.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૩-૧૫) સાથી ખ્રિસ્તીઓ સાથે પાછા ભેગા મળીને તેમને ખરેખર હિંમત મળી. આપણે પણ સાથી ખ્રિસ્તીઓ સાથે ભેગા મળીને હિંમત મેળવી શકીએ છીએ. એકબીજા સાથે ભેગા મળવાની છૂટ છે ત્યાં સુધી, આપણે જીવનના આ સાંકડા માર્ગ પર એકલા ચાલવાનો પ્રયત્ન ન કરીએ.—નીતિવચન ૧૮:૧; માત્થી ૭:૧૪.
૧૧ નિયમિત પ્રાર્થના, બાઇબલનો અભ્યાસ અને સાથી વિશ્વાસીઓની સંગતથી આપણે “પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન” થઈએ છીએ. (એફેસી ૬:૧૦) આપણને બધાને ‘પ્રભુના બળની’ જરૂર છે. કેટલાક કમજોર કરનારી બીમારીઓ, તો કેટલાક ઘડપણ સામે લડી રહ્યા હોય છે. વળી, કેટલાક પોતાના જીવનસાથીને ગુમાવ્યાનું ઊંડું દુઃખ સહી રહ્યા હોય છે. (ગીતશાસ્ત્ર ૪૧:૩) કેટલાક અવિશ્વાસી લગ્નસાથી તરફથી સતાવણી સહન કરી રહ્યા હોય છે. માબાપ, ખાસ કરીને એકલા મા કે બાપ માટે નોકરી કરવી અને સાથે સાથે કુટુંબ ઉછેરવું કંઈ સહેલી વાત નથી. યુવાન ખ્રિસ્તીઓને સંગાથીઓના દબાણ સામે ટકી રહેવા, ડ્રગ્સ અને અનૈતિકતાનો નકાર કરવા હિંમતની જરૂર હોય છે. કોઈએ પણ યહોવાહ પાસે “પરાક્રમની અધિકતા” માગતા અચકાવું જોઈએ નહિ, જેથી તેઓ આવા પડકારોનો સામનો કરી શકે.—૨ કોરીંથી ૪:૭.
‘નબળાને બળ આપવું’
૧૨ યહોવાહના પોતાના સેવકોને પ્રચારકાર્યમાં પણ શક્તિ આપે છે. યશાયાહની ભવિષ્યવાણી કહે છે: “નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે . . . યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે; તેઓ દોડશે, ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.” (યશાયાહ ૪૦:૨૯-૩૧) પ્રેષિત પાઊલે પોતે પણ પ્રચારકાર્ય કરવા માટે શક્તિ મેળવી હતી. તેથી, તેમનું સેવાકાર્ય અસરકારક હતું. થેસ્સાલોનીકાના ખ્રિસ્તીઓને તેમણે લખ્યું: “અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી . . . તમારી પાસે આવી.” (૧ થેસ્સાલોનીકી ૧:૫) તેમના પ્રચાર અને શિક્ષણકાર્યમાં એટલી શક્તિ હતી કે, એ સાંભળીને લોકોએ જીવનમાં ઘણા ફેરફારો કર્યા.
૧૩ જોકે, અમુક વિસ્તારમાં વારંવાર પ્રચાર કર્યા છતાં, આપણને કંઈ સારા પરિણામ મળ્યા નહિ હોય. એ સમયે, આપણે હતાશ બની શકીએ. યિર્મેયાહે પણ વિરોધ, ઠઠ્ઠા મશ્કરી સહન કર્યા, અને લોકોને કંઈ પડી ન હતી, તેથી તે હતાશ થઈ ગયા હતા. તેમણે વિચાર્યું: “તેને [દેવ] વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ.” પરંતુ તે ચૂપ રહી શક્યા નહિ. તેમને લાગતું હતું કે, દેવનો સંદેશો ‘તેમના હાડકાંમાં બળતા અગ્નિ’ જેવો હતો. (યિર્મેયાહ ૨૦:૯) આટલી બધી આફતો સહન કરવા તેમને શામાંથી શક્તિ મળી? યિર્મેયાહ જવાબ આપે છે: “યહોવાહ પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે.” (યિર્મેયાહ ૨૦:૧૧) દેવના મહત્ત્વના સંદેશા અને દેવ તરફથી મળેલા કાર્યની યિર્મેયાહે કદર કરી. તેથી, તેમણે યહોવાહના ઉત્તેજનમાંથી મદદ મેળવી.
સારી અને ખરાબ શક્તિ
૧૪ આપણને મળતી બધી જ પ્રકારની શક્તિ કંઈ દેવ પાસેથી આવતી નથી. દાખલા તરીકે, જીભ દુઃખ પહોંચાડી શકે છે, અને શાંતિ પણ આપી શકે છે. સુલેમાને ચેતવણી આપી કે “મરણ તથા જીવન જીભની સત્તામાં છે.” (નીતિવચન ૧૮:૨૧) શેતાને હવા સાથે કરેલી થોડીક જ વાતચીત પરથી જોવા મળે છે કે, શબ્દો કેટલી પાયમાલી લાવી શકે છે. (ઉત્પત્તિ ૩:૧-૫; યાકૂબ ૩:૫) આપણે પણ જીભથી ઘણું નુકશાન કરી શકીએ છીએ. દાખલા તરીકે, કોઈ યુવતીના વજન વિષે અવિચાર્યુ બોલવાથી, તે ખાવાનું સાવ બંધ કરી દઈ શકે. અવિચારી રીતે વારંવાર કોઈની નિંદા કરવાથી પાકી દોસ્તીનો અંત આવી શકે. હા, આપણી જીભને સતત કાબૂમાં રાખવાની જરૂર છે.
૧૫ જોકે, જીભ કોઈને ઉત્તેજન પણ આપી શકે અને નુકશાન પણ કરી શકે છે. એક નીતિવચન કહે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિવચન ૧૨:૧૮) શાણા ખ્રિસ્તીઓ જીભનો ઉપયોગ નિરાશ અને કોઈના મરણથી દુઃખી થયેલાને આશ્વાસન આપવા માટે કરી શકે. સંગાથીઓનાં દબાણ સામે લડી રહેલા યુવાનોને પ્રેમાળ શબ્દો ઉત્તેજન આપી શકે. વિચારીને બોલેલા શબ્દોથી ઘરડા ભાઈ–બહેનોને ખાતરી આપી શકે કે, હજુ તેઓની ઘણી જરૂર છે, અને આપણે તેઓને ખૂબ જ ચાહીએ છીએ. બીમારને કહેલા માયાળુ શબ્દો તેઓને તાજગી આપી શકે. એ ઉપરાંત, સુંદર રાજ્ય સંદેશ બીજાને જણાવવા આપણી જીભનો ઉપયોગ કરી શકીએ. દેવનો શબ્દ, બાઇબલ આપણા હૃદયમાં હશે તો આપણે હિંમતથી એની જાહેરાત કરી શકીશું. બાઇબલ કહે છે: “હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ.”—નીતિવચન ૩:૨૭.
શક્તિનો યોગ્ય ઉપયોગ
૧૬ યહોવાહ દેવ સર્વશક્તિમાન હોવા છતાં મંડળને પ્રેમથી સંભાળે છે. (૧ યોહાન ૪:૮) તેમનું અનુકરણ કરીને ખ્રિસ્તી નિરીક્ષકો દેવના ટોળા પર સત્તા ચલાવતા નથી, પણ પ્રેમાળ રીતે કાળજી રાખે છે. ખરું કે ક્યારેક નિરીક્ષકોએ ‘ઠપકો આપવાની, ધમકાવવાની અને ઉત્તેજન આપવાની’ જરૂર પડે છે. પરંતુ, આ બધુ જ “સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને” થવું જોઈએ. (૨ તીમોથી ૪:૨) તેથી, વડીલો, મંડળોમાં જવાબદારી ધરાવનારા ભાઈઓને પ્રેષિત પીતરે લખેલા શબ્દો પર સતત મનન કરો: “દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો; નીચ લોભને સારૂ નહિ, પણ હોંસથી કરો; વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ.”—૧ પીતર ૫:૨, ૩; ૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮.
૧૭ માબાપ અને પતિઓને પણ દેવે અધિકાર આપ્યો છે. આ અધિકારનો ઉપયોગ તેઓએ મદદ કરવા, પાલનપોષણ કરવા અને પ્રેમથી સંભાળ લેવા માટે કરવો જોઈએ. (એફેસી ૫:૨૨, ૨૮-૩૦; ૬:૪) ઈસુનું ઉદાહરણ બતાવે છે કે અધિકારનો ઉપયોગ પ્રેમથી થાય તો એ અસરકારક બની શકે છે. બાળકોને યોગ્ય અને સતત શિસ્ત આપવામાં આવે તો, તેઓ નિરાશ નહિ થાય. (કોલોસી ૩:૨૧) એક ખ્રિસ્તી લગ્નમાં પતિ પોતે દેવે આપેલા શિરપણાનો ઉપયોગ સત્તા ચલાવવા નહિ, પણ પ્રેમથી કરે છે. તેમ જ, પત્ની પોતાના શિર, પતિને માન આપીને આધીન રહે છે ત્યારે, લગ્ન વધારે મજબૂત બને છે.—એફેસી ૫:૨૮, ૩૩; ૧ પીતર ૩:૭.
૧૮ કુટુંબમાં અને મંડળમાં જવાબદારી ધરાવનારા ખાસ કરીને ગુસ્સાને કાબૂમાં રાખે, કેમ કે ગુસ્સાથી પ્રેમ નહિ પણ ભય પેદા થાય છે. પ્રબોધક નાહૂમે કહ્યું: “યહોવાહ કોપ કરવામાં ધીમો ને મહા પરાક્રમી છે.” (નાહૂમ ૧:૩; કોલોસી ૩:૧૯) ગુસ્સાને કાબૂમાં રાખવાથી શક્તિ દેખાય આવે છે, જ્યારે કે ગુસ્સો કરવો આપણી નબળાઈ દેખાડે છે. (નીતિવચન ૧૬:૩૨) કુટુંબ અને મંડળ બંનેમાં મૂળ હેતુ પ્રેમનું વાતાવરણ ઊભો કરવાનો હોવો જોઈએ. જે યહોવાહ માટે, એકબીજા પ્રત્યે, અને સાચા સિદ્ધાંતો માટેનો પ્રેમ છે. પ્રેમ એકતાનું સૌથી મજબૂત બંધન છે, અને એ જ ખરું કરવા માટેની પ્રેરણા છે.—૧ કોરીંથી ૧૩:૮, ૧૩; કોલોસી ૩:૧૪.
૧૯ યહોવાહને ઓળખવા એટલે તેમની શક્તિ ઓળખવી. યશાયાહ દ્વારા યહોવાહે કહ્યું: “તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન દેવ છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે; તે નિર્ગત થતો નથી, ને થાકતો પણ નથી.” (યશાયાહ ૪૦:૨૮) યહોવાહ પાસે અમર્યાદિત શક્તિ છે. આપણે પોતાના પર નહિ પણ યહોવાહ પર આધાર રાખીશું તો, તે આપણો ત્યાગ કરશે નહિ. તે આપણને ખાતરી આપે છે: “તું બીશ મા, કેમકે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમકે હું તારો દેવ છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તેને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.” (યશાયાહ ૪૧:૧૦) આવો પ્રેમ જોઈને આપણે શું કરવું જોઈએ? યહોવાહ આપણને જે શક્તિ આપે, એનો ઈસુની જેમ, હંમેશા બીજાઓને મદદ કરવા અને ઉત્તેજન આપવા ઉપયોગ કરીએ. આપણી જીભને કાબૂમાં રાખીએ કે જેથી એ નુકશાન કરવાને બદલે લાભદાયી બને. ચાલો આપણે હંમેશા આત્મિક રીતે સજાગ અને વિશ્વાસમાં દૃઢ રહીએ. તેમ જ, આપણા ઉત્પન્નકર્તા યહોવાહ દેવની શક્તિમાં વધતા જઈએ.—૧ કોરીંથી ૧૬:૧૩.
[ફુટનોટ]
a યહુદીઓને મુસાના નિયમશાસ્ત્રની મૂળ પ્રત મળી આવી હતી, જે સદીઓ અગાઉ મંદિરમાં રાખવામાં આવી હતી.
તમે સમજાવી શકો?
• યહોવાહ પોતાની શક્તિનો કઈ રીતે ઉપયોગ કરે છે?
• આપણે કઈ રીતે યહોવાહની શક્તિ મેળવી શકીએ?
• આપણી જીભનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?
• દેવે આપેલા અધિકાર કઈ રીતે આશીર્વાદ બની શકે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. શક્તિ એટલે શું, અને મનુષ્યે એનો કેવો ઉપયોગ કર્યો છે?
૨. યહોવાહ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે એમાં તેમના બીજા ગુણો કઈ રીતે અસર કરે છે?
૩. શા માટે દેવની અમર્યાદિત શક્તિ તેમના પર ભરોસો રાખવાનું કારણ છે?
૪, ૫. (ક) યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂકવાથી રાજા આસાને કયો બદલો મળ્યો? (ખ) મુશ્કેલીઓમાં આપણે મનુષ્યોમાં ભરોસો મૂકીશું તો, શું બની શકે?
૬. શા માટે આપણે “યહોવાહને તથા તેના સામર્થ્યને” શોધવા જોઈએ?
૭. યહોવાહની શક્તિથી કાર્યો કરીને, આપણે કયો મહત્ત્વનો ગુણ કેળવીએ છીએ?
૮. યહોવાહની શક્તિ પ્રાપ્ત કરવા આપણે સૌપ્રથમ શું કરવું જોઈએ?
૯. બીજી કઈ રીતે હિંમત મળી શકે, અને બાઇબલમાંથી એનું ઉદાહરણ આપો.
૧૦. યહોવાહ પાસેથી શક્તિ મેળવવાનો ત્રીજો માર્ગ કયો છે, અને શા માટે એ ખૂબ જરૂરી છે?
૧૧. કયા કયા સંજોગોમાં “પરાક્રમની અધિકતા” સવિશેષ જરૂરી છે?
૧૨. ખ્રિસ્તી પ્રચારકાર્યમાં યહોવાહ કઈ રીતે આપણને ટકાવી રાખે છે?
૧૩. યિર્મેયાહને વિરોધ હોવા છતાં ટકી રહેવા શામાંથી મદદ મળી?
૧૪. (ક) જીભ કેટલી શક્તિશાળી છે? (ખ) જીભથી થઈ શકતી હાનિના દાખલા આપો.
૧૫. કઈ રીતે આપણે આપણી જીભનો ઉપયોગ બીજાને ઉત્તેજન આપવા કરી શકીએ?
૧૬, ૧૭. દેવે આપેલો અધિકાર ચલાવતી વખતે વડીલો, માબાપ, પતિઓ અને પત્નીઓ કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે?
૧૮. (ક) ગુસ્સાને કાબૂમાં રાખવા આપણે કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકીએ? (ખ) જવાબદારી ધરાવનારાઓ પોતે જેઓની કાળજી લે છે, તેઓમાં કેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ?
૧૯. યહોવાહ કઈ રીતે દિલાસો આપે છે, અને આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૫ પર ચિત્ર]
ઈસુએ બીજાને મદદ કરવા યહોવાહની શક્તિનો ઉપયોગ કર્યો
[પાન ૧૭ પર ચિત્રો]
દેવનો શબ્દ હૃદયમાં હશે તો, આપણે જરૂર એનો પ્રચાર કરીશું