તિતસને પત્ર
૧ હું પાઉલ, ઈશ્વરનો દાસ અને ઈસુ ખ્રિસ્તનો* પ્રેરિત* છું. મારી શ્રદ્ધા અને મારી સેવા ઈશ્વરે પસંદ કરેલા લોકોની શ્રદ્ધા પ્રમાણે અને સત્યના ખરા જ્ઞાન પ્રમાણે છે, જે ઈશ્વરની ભક્તિ સાથે જોડાયેલું છે. ૨ એ બધું હંમેશ માટેના જીવનની આશાને આધારે છે.+ એ આશા વિશે લાંબા સમય પહેલાં ઈશ્વરે વચન આપ્યું હતું અને ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી.+ ૩ ઈશ્વરે નક્કી કરેલા સમયે પ્રચારકામ દ્વારા પોતાનો સંદેશો જાહેર કર્યો છે. એ પ્રચારકામ આપણા તારણહાર ઈશ્વરની આજ્ઞાથી મને સોંપવામાં આવ્યું છે.+ ૪ હું તિતસને આ પત્ર લખું છું, જે ખ્રિસ્તનો શિષ્ય અને મારો વહાલો દીકરો છે:
આપણા પિતા ઈશ્વર પાસેથી અને આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત પાસેથી તને અપાર કૃપા* અને શાંતિ મળે.
૫ હું એટલા માટે તને ક્રીત ટાપુ પર છોડીને ગયો હતો કે ત્યાં વણસી ગયેલા સંજોગોને* તું સુધારે અને મારા જણાવ્યા પ્રમાણે શહેરેશહેર વડીલો નીમે. ૬ તું એવા ભાઈને પસંદ કરજે, જેના પર કોઈ આરોપ ન હોય, જે એક જ પત્નીનો પતિ હોય, જેનાં બાળકો શ્રદ્ધા રાખનાર હોય, એ બાળકો પર ખરાબ ચાલ-ચલણનો* કે બંડખોર હોવાનો આરોપ ન હોય.+ ૭ ઈશ્વરના કારભારી તરીકે મંડળની દેખરેખ રાખનાર* પર કોઈ આરોપ ન હોવો જોઈએ. તે ઉદ્ધત,+ ગુસ્સાવાળો,+ દારૂડિયો, હિંસક* અને ખોટી રીતે લાભ મેળવવાનો લાલચુ ન હોવો જોઈએ. ૮ પણ તે મહેમાનગતિ કરનાર,+ ભલાઈ ચાહનાર, સમજુ,*+ નેક, વફાદાર+ અને સંયમ રાખનાર+ હોવો જોઈએ. ૯ તે કુશળતાથી શીખવે ત્યારે ખરાં વચનોને* ચુસ્ત રીતે વળગી રહેનાર હોવો જોઈએ,+ જેથી લાભકારક શિક્ષણથી તે ઉત્તેજન* આપી શકે+ અને એ શિક્ષણ વિરુદ્ધ બોલનારને ઠપકો આપી શકે.+
૧૦ કેમ કે ત્યાં ઘણા લોકો બંડખોર, નકામી વાતો કરનાર અને બીજાઓને છેતરનાર છે, ખાસ કરીને એવા લોકો, જેઓ સુન્નતના* નિયમને વળગી રહે છે.+ ૧૧ આ માણસોનાં મોં બંધ કરવાં જરૂરી છે, કેમ કે તેઓ બેઈમાનીથી લાભ મેળવવા ખોટું શિક્ષણ આપે છે* અને આખા ને આખા કુટુંબની શ્રદ્ધા તોડી પાડે છે. ૧૨ તેઓના જ એક પ્રબોધકે* કહ્યું હતું, “ક્રીતના લોકો હંમેશાં જૂઠું બોલે છે, તેઓ જંગલી જાનવરો જેવા ખૂંખાર છે, તેઓ આળસુ અને ખાઉધરા છે.”
૧૩ તેની વાત સાચી છે. એ કારણે તેઓને કડક બનીને ઠપકો આપતો રહેજે, જેથી તેઓ શ્રદ્ધામાં મક્કમ થાય ૧૪ અને તેઓ યહૂદી દંતકથાઓ પર અને સત્યનો ત્યાગ કરનારા માણસોની આજ્ઞાઓ પર ધ્યાન ન આપે. ૧૫ શુદ્ધ લોકો માટે બધું શુદ્ધ છે.+ પણ ભ્રષ્ટ થયેલા અને શ્રદ્ધા વગરના લોકો માટે કંઈ પણ શુદ્ધ નથી, કેમ કે તેઓની બુદ્ધિ અને તેઓનાં અંતઃકરણ* ભ્રષ્ટ થયેલાં છે.+ ૧૬ તેઓ ઈશ્વરને ઓળખવાનો જાહેરમાં દાવો તો કરે છે, પણ પોતાનાં કાર્યોથી ઈશ્વરનો નકાર કરે છે,+ કેમ કે તેઓ ધિક્કારને લાયક છે, આજ્ઞા પાળતા નથી અને કોઈ પણ સારા કામ માટે લાયક નથી.