પ્રકરણ સાત
ઈશ્વરની જેમ તમે પણ જીવનને કીમતી ગણો
“જીવનનો ઝરો તમારી પાસે છે.”—ગીતશાસ્ત્ર ૩૬:૯.
૧, ૨. યહોવાએ આપણને કઈ અમૂલ્ય ભેટ આપી છે? આજે બાઇબલ સિદ્ધાંતો સારી રીતે સમજવાની કેમ જરૂર છે?
યહોવા ઈશ્વરે મનુષ્યને બુદ્ધિશાળી બનાવ્યો છે. બુદ્ધિની આ અમૂલ્ય ભેટને લીધે આપણે યહોવા જેવા ગુણો કેળવી શકીએ છીએ. (ઉત્પત્તિ ૧:૨૭) એ પણ સમજી શકીએ છીએ કે બાઇબલના સિદ્ધાંતો આપણા જ લાભ માટે છે. એ સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડીને, યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરી શકીએ છીએ. એનાથી આપણે એવા લોકો બનીએ છીએ, ‘જેઓની ઇંદ્રિયો ખરુંખોટું પારખવા કેળવાયેલી હોય.’—હિબ્રૂ ૫:૧૪.
૨ પરંતુ, આજની દુનિયા એટલી બધી ગૂંચવણ ભરેલી છે કે આપણા માટે અમુક નિર્ણયો લેવા મુશ્કેલ બની જાય છે. જીવનમાં ઊભા થતા દરેક સંજોગો માટે નિયમો બનાવવા શક્ય નથી. એટલે આપણે બાઇબલના સિદ્ધાંતો સારી રીતે સમજવાની બહુ જરૂર છે. માનો કે સારવારમાં લોહીની બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય. યહોવાના ભક્તો માટે આ વિષય બહુ મહત્ત્વનો છે. જો સારવાર વિષે બાઇબલના સિદ્ધાંતો બરાબર સમજીશું, તો એવા નિર્ણયો લઈશું જેનાથી આપણું દિલ ન ડંખે. આમ, આપણે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીશું. (નીતિવચનો ૨:૬-૧૧) ચાલો, લોહીને લગતી સારવારની રીતો અને દવાઓ વિષે અમુક સિદ્ધાંતો જોઈએ.
જીવન અને લોહી પવિત્ર છે
૩, ૪. યહોવાની નજરે લોહી પવિત્ર છે એ પહેલી વાર ક્યારે જણાવવામાં આવ્યું? લોહી પવિત્ર છે એ વિષે બીજા કયા સિદ્ધાંત જણાવવામાં આવ્યા છે?
૩ કાઈને હાબેલનું ખૂન કર્યું ત્યારે, યહોવાએ પહેલી વાર જણાવ્યું હતું કે તેમની નજરે લોહી અને જીવન એકસરખાં છે. એ બંને પવિત્ર છે. તેમણે કાઈનને કહ્યું કે “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.” (ઉત્પત્તિ ૪:૧૦) યહોવાની નજરે હાબેલનું લોહી તેના જીવન બરાબર હતું. એ જીવન ક્રૂર રીતે ટૂંકાવી દેવામાં આવ્યું હતું. હાબેલનું લોહી એનો બદલો લેવા જાણે ઈશ્વરને પોકાર કરતું હતું.—હિબ્રૂ ૧૨:૨૪.
૪ જળપ્રલય પછી ઈશ્વરે નૂહને પ્રાણીઓનું માંસ ખાવાની રજા આપી, પણ એનું લોહી ખાવાની મના કરી હતી. તેમણે કહ્યું કે ‘માંસ તેના જીવ સાથે, એટલે રક્ત સાથે ન ખાશો. તમારા જીવના રક્તનો બદલો હું જરૂર માગીશ.’ (ઉત્પત્તિ ૯:૪, ૫) આ નિયમ નૂહના બધા જ વંશજોને, એટલે આપણને પણ લાગુ પડે છે. આ આજ્ઞામાં કાઈનને જણાવેલો એ સિદ્ધાંત પણ જોવા મળે છે કે લોહી, જીવન બરાબર છે. યહોવા જીવનદાતા છે. એટલે જીવન અને લોહીને તેમની નજરે નહિ જુએ, તેઓએ તેમને હિસાબ આપવો પડશે.—ગીતશાસ્ત્ર ૩૬:૯.
૫, ૬. મૂસા દ્વારા અપાયેલા નિયમે કેવી રીતે બતાવ્યું કે ઈશ્વરની નજરે લોહી પવિત્ર અને કીમતી છે? (“પ્રાણીઓના જીવનની કદર કરો” બૉક્સ પણ જુઓ.)
૫ યહોવાની નજરે લોહી પવિત્ર છે અને એ જીવન બરાબર છે. આ બે હકીકત તેમણે મૂસાને આપેલા નિયમોમાં પણ સાફ દેખાઈ આવે છે. દાખલા તરીકે, લેવીય ૧૭:૧૦, ૧૧ જણાવે છે: ‘જે કોઈ માણસ કોઈ પણ જાતનું રક્ત ખાય, તે માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ. તે માણસને તેના લોકો મધ્યેથી અલગ કરીશ. શરીરનો જીવ રક્તમાં છે. વેદી પર બલિદાન થઈને એ તમારા માટે પ્રાયશ્ચિત્ત કરે, માટે મેં તમને એ આપ્યું છે; કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, કારણ કે તેમાં જીવ છે.’a—“લોહીથી પાપની માફી મળે છે” બૉક્સ જુઓ.
૬ જૂના જમાનાના ઇઝરાયલીઓ પ્રાણીઓનાં અર્પણ ચડાવતાં. પ્રાણીની કતલ કરીને એનું લોહી જો વેદી પર રેડવાનું ન હોય, તો જમીન પર ઢોળી દેવામાં આવતું. એ બતાવતું હતું કે જીવનદાતા યહોવાને એ પ્રાણીનું જીવન પાછું સોંપવામાં આવે છે. (પુનર્નિયમ ૧૨:૧૬; હઝકિયેલ ૧૮:૪) ઇઝરાયલીઓએ માંસ ખાવાની બાબતે શું કરવાનું હતું, જેથી તેઓનું દિલ ન ડંખે? શું તેઓએ માંસમાંથી લોહીનું ટીપેટીપું કાઢી નાખવા પ્રયત્ન કરવાનો હતો? ના, પણ યોગ્ય રીતે પ્રાણીને કાપીને એનું લોહી વહેવડાવી દેવાનું હતું. આ રીતે તેઓ જીવનદાતા માટે માન બતાવતા હતા.
૭. દાઉદે કેવી રીતે લોહીને પવિત્ર ગણ્યું?
૭ દાઉદ ‘યહોવાના મનગમતા’ ભક્ત હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨) ઈશ્વરે લોહી વિષે જે નિયમો આપ્યા હતા, એની પાછળના સિદ્ધાંત દાઉદ સારી રીતે સમજતા હતા. દાખલા તરીકે, એક વાર તેમને બહુ તરસ લાગી હતી. તેમના ત્રણ માણસો જીવના જોખમે દુશ્મનોની છાવણીમાં જઈને કૂવામાંથી પાણી લઈ આવ્યા. શું દાઉદે એ પાણી પીધું? ના, તેમણે કહ્યું કે “જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા, તેઓનું રક્ત શું હું પીઉં?” દાઉદની નજરે એ પાણી પોતાના માણસોના લોહી બરાબર હતું. એટલે તરસ્યા હોવા છતાં દાઉદે એ પાણી ‘યહોવાની આગળ રેડી દીધું.’—૨ શમુએલ ૨૩:૧૫-૧૭.
૮, ૯. પહેલી સદીમાં મંડળની શરૂઆત થયા પછી શું લોહી અને જીવન વિષે યહોવાના વિચારો બદલાયા હતા? સમજાવો.
૮ યહોવાએ લોહીથી દૂર રહેવાની આજ્ઞા જળપ્રલય પછી પહેલી વાર નૂહને આપી હતી. એના ૯૦૦ વર્ષ પછી, મૂસા દ્વારા ઇઝરાયલ પ્રજાને આપેલા નિયમોમાં પણ યહોવાએ એ જ આજ્ઞા કરી. એના ૧,૫૦૦ વર્ષ પછી પહેલી સદીમાં તેમણે ખ્રિસ્તી મંડળોના નિયામક જૂથને આમ લખવા પ્રેરણા આપી: ‘યહોવાની દોરવણી પ્રમાણે અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી અને વ્યભિચારથી તમારે દૂર રહેવું.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.
૯ પહેલી સદીના નિયામક જૂથના ભાઈઓ સારી રીતે સમજ્યા હતા કે લોહી પવિત્ર છે. જો ખોટી રીતે લોહી વપરાય, તો એ મૂર્તિપૂજા કે વ્યભિચાર જેવું મોટું પાપ ગણાતું. આજે પણ યહોવાના ભક્તો તરીકે આપણે એવું જ માનીએ છીએ. આપણે લોહી વિષે નાની-નાની બાબતમાં નિયમોની આશા રાખતા નથી, પણ બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરીએ છીએ. તેમ જ, એ સિદ્ધાંતોને લાગુ પાડીને એવા નિર્ણયો લઈએ છીએ, જેનાથી આપણા જીવનદાતા યહોવાને માન મળે.
શું સારવારમાં લોહી લેવું જોઈએ?
૧૦, ૧૧. (ક) યહોવાના સાક્ષીઓ લોહી લેવા વિષે અને લોહીના મુખ્ય ભાગો વિષે શું માને છે? (ખ) સારવારમાં કઈ બાબતે યહોવાના ભક્તોના વિચારો જુદા જુદા હોઈ શકે?
૧૦ ‘લોહીથી દૂર રહેવાનો’ અર્થ શું થાય? એનો અર્થ થાય કે સારવાર માટે લોહી લેવું નહિ કે આપવું નહિ. તેમ જ સારવારમાં જરૂર પડે તો વાપરવા માટે, પહેલેથી પોતાનું લોહી જમા ન કરાવવું. આ રીતે લોહી વિષે ઈશ્વરે આપેલા નિયમોને યહોવાના સાક્ષીઓ માન આપે છે. એટલે તેઓ સારવારમાં લોહીના આ ચાર મુખ્ય ભાગો પણ લેતા નથી: રક્તકણો, શ્વેતકણો, ઠારકણો (પ્લેટલેટ્સ) અને રક્તરસ (પ્લાઝમા).
૧૧ આજે તો લોહીના એ ચાર મુખ્ય ભાગોમાંથી પણ અનેક અંશો છૂટા પાડવામાં આવે છે. એ અંશો સારવારમાં અલગ અલગ રીતે વપરાય છે. શું યહોવાનો કોઈ ભક્ત સારવારમાં એવા અંશો સ્વીકારશે? શું એ અંશોને તે “લોહી” ગણશે? આ બાબતે દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવાનો છે. સારવારની બીજી રીતોમાં પણ તેણે પોતે નિર્ણય લેવાનો છે. જેમ કે, હિમોડાયાલિસિસ, હિમોડાઇલ્યુશન અને સેલ સેલ્વેજ. આવી સારવારમાં વ્યક્તિનું પોતાનું જ લોહી વપરાય છે. પરંતુ, વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે એમાં પોતાનું લોહી પહેલેથી ક્યાંક જમા કરવામાં આવ્યું ન હોય.—વધારે માહિતીમાં “લોહીના અંશો અને સારવારની રીતો” લેખ જુઓ.
૧૨. સારવાર વિષે નિર્ણય લેતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું?
૧૨ સારવારની આ બાબતે જો આપણે પોતે જ નિર્ણય લેવાનો હોય, તો શું યહોવા માટે એનું કોઈ જ મહત્ત્વ નથી? એવું નથી. યહોવા તો હંમેશાં આપણું ભલું ચાહે છે. એટલે આપણા વિચારો અને નિર્ણયો તેમના માટે મહત્ત્વના છે. (નીતિવચનો ૧૭:૩; ૨૧:૨; ૨૪:૧૨) તેથી, પ્રાર્થનામાં યહોવાનું માર્ગદર્શન માગીને સારવાર વિષે સંશોધન કરીએ. એનાથી સારી રીતે જાણકાર થયા પછી, બાઇબલથી કેળવાયેલા આપણા અંતઃકરણનું સાંભળીએ. (રોમનો ૧૪:૨, ૨૨, ૨૩) આવા કિસ્સામાં દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવો જોઈએ, બીજા કોઈએ નહિ. આપણે પણ કોઈને એમ ન પૂછવું જોઈએ કે ‘તમે મારી જગ્યાએ હોત તો શું કર્યું હોત?’ આવી બાબતોમાં ‘દરેકે પોતાનો બોજો ઊંચકવો’ જોઈએ.b—ગલાતી ૬:૫; રોમનો ૧૪:૧૨; “શું હું લોહીને પવિત્ર ગણું છું?” બૉક્સ જુઓ.
યહોવાના નિયમોમાં તેમનો પ્રેમ જોવા મળે છે
૧૩. યહોવાના નિયમો અને સિદ્ધાંતો આપણને તેમના વિષે શું શીખવે છે? સમજાવો.
૧૩ ખુદ યહોવાએ બાઇબલમાં નીતિ-નિયમો અને સિદ્ધાંતો આપ્યા છે. એના પરથી દેખાઈ આવે છે કે તે પ્રેમાળ પિતા છે અને આપણું ભલું ચાહે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) ખરું કે યહોવાએ ‘લોહીથી દૂર રહેવાની’ આજ્ઞા રોગોથી બચવા માટે આપી ન હતી. તેમ છતાં, એ આજ્ઞા પાળવાથી આપણને એવી મુશ્કેલીઓથી રક્ષણ મળે છે, જે લોહી લેવાથી ઊભી થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૦) આજકાલ તો ઘણા ડૉક્ટરો અને સર્જનો પણ માને છે કે લોહી વિના ઑપરેશન કરાવવું, એ ‘સૌથી સારી રીત’ છે. એ જાણીને વધારે સાબિતી મળે છે કે યહોવાનું ડહાપણ અજોડ છે અને તેમનું માર્ગદર્શન હંમેશાં સાચું જ હોય છે. તે પ્રેમાળ પિતાની જેમ આપણું ભલું જ ચાહે છે.—યશાયા ૫૫:૯; યોહાન ૧૪:૨૧, ૨૩.
૧૪, ૧૫. (ક) કયા નિયમો બતાવે છે કે ઈશ્વરને પોતાના લોકો પર ખૂબ પ્રેમ હતો? (ખ) આપણે એ નિયમો પાછળ રહેલા સિદ્ધાંતો કેવી રીતે પાળી શકીએ?
૧૪ યહોવાએ જૂના જમાનાના ઇઝરાયલીઓને જે નિયમો આપ્યા હતા, એના પરથી જોઈ શકીએ કે તેમને પોતાના લોકો પર કેટલો પ્રેમ હતો. જેમ કે, યહોવાએ તેઓને પોતાના ઘરના ધાબા ફરતે પાળ બાંધવાનું કહ્યું હતું. શા માટે? કારણ, ધાબા ઉપર કુટુંબની ખૂબ અવર-જવર રહેતી હતી. એટલે કોઈ નીચે પડી ન જાય એ માટે પાળ બાંધવાની હતી. (પુનર્નિયમ ૨૨:૮; ૧ શમુએલ ૯:૨૫, ૨૬; નહેમ્યા ૮:૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯) બીજો નિયમ એવો પણ હતો કે કોઈનો જીવ જોખમમાં મૂકે એવો બળદ હોય, તો એના માલિકે બાંધીને રાખવો. (નિર્ગમન ૨૧:૨૮, ૨૯) આ નિયમો પાળવામાં જો કોઈ ઢીલ કરે, તો તે જીવનની કદર કરતો ન હતો અને કોઈના મરણનો દોષ તેના પર આવી શકતો.
૧૫ આજે આપણે એ નિયમો પાછળ રહેલા સિદ્ધાંતો કેવી રીતે પાળી શકીએ? જરા વિચારો, ‘મારા વાહનની હાલત કેવી છે? હું કેવી રીતે વાહન ચલાવું છું? મારી પાસે પાલતું પ્રાણી હોય તો શું એ જોખમી છે? શું મારું ઘર સારી હાલતમાં છે? મારી નોકરી પરની જગ્યા સલામત છે? હું કેવું મનોરંજન પસંદ કરું છું?’ અમુક દેશોમાં યુવાનોના મોતનું સૌથી મોટું કારણ અકસ્માત હોય છે, કેમ કે તેઓ નકામું જોખમી સાહસ ઉપાડી લે છે. પણ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા માંગતા યુવાનો વિષે શું? તેઓ જીવનને કીમતી ગણતા હોવાથી, ખાલી મોજમજા કે રોમાંચ માટે જીવ જોખમમાં નહિ મૂકે. તેઓ જુવાનીના જોશમાં આવીને એવું કદીયે નહિ વિચારે કે ‘મને કંઈ નહિ થાય.’ તેઓ જાણીજોઈને પોતાના પગ પર કુહાડો નહિ મારે, પણ સમજી-વિચારીને વર્તશે અને યુવાનીની મજા માણશે.—સભાશિક્ષક ૧૧:૯, ૧૦.
૧૬. ગર્ભપાતમાં બાઇબલનો કયો સિદ્ધાંત લાગુ પડે છે? (ફૂટનોટ પણ જુઓ.)
૧૬ યહોવાની નજરે માની કૂખમાંનું બાળક પણ કીમતી છે. તેમણે મૂસા દ્વારા આપેલા નિયમમાં આમ જણાવ્યું હતું: ‘જો કોઈ માણસો લડતા-ઝઘડતા કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલાં જન્મ આપે પણ તેને ગંભીર ઈજા ન થાય, તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે આપવો. પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ.’c (નિર્ગમન ૨૧:૨૨, ૨૩, ઇઝી ટુ રીડ વર્ઝન) એટલે જો કોઈ વ્યક્તિ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને એનાથી તે સ્ત્રી કે બાળક મરણ પામે, તો ઈશ્વરની નજરે તે વ્યક્તિ ખૂની ગણાતી. એની શિક્ષા “પ્રાણને બદલે પ્રાણ” હતી. જરા વિચાર કરો, દર વર્ષે કરોડો બાળકોને માની કૂખમાં જ મારી નાખવામાં આવે છે. મોટા ભાગે લોકો પોતાના પાપની નિશાની મિટાવી દેવા અથવા પોતાની આઝાદીમાં બાળક આડું આવશે એમ માનીને ગર્ભપાત કરાવે છે. આ રીતે બાળકોનું ખૂન થતા જોઈને યહોવાને કેટલું દુઃખ થતું હશે!
૧૭. બાઇબલનું સત્ય જાણ્યા પહેલાં કોઈ સ્ત્રીએ ગર્ભપાત કરાવ્યો હોય તો, તમે તેને કેવી રીતે દિલાસો આપશો?
૧૭ પરંતુ, બાઇબલનું સત્ય જાણ્યા પહેલાં કોઈ સ્ત્રીએ ગર્ભપાત કરાવ્યો હોય તો શું? શું યહોવા તેને માફ નહિ કરે? ચોક્કસ કરશે. સાચા દિલથી પસ્તાવો કરનાર દરેક જણ ભરોસો રાખી શકે કે ઈસુની કુરબાનીના લોહી દ્વારા યહોવા તેને જરૂર માફ કરશે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪; એફેસી ૧:૭) ઈસુએ પણ કહ્યું હતું કે “ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”—લૂક ૫:૩૨.
દિલમાંથી નફરતનાં મૂળ ઉખેડી નાખો
૧૮. બાઇબલ પ્રમાણે મોટા ભાગની ખૂનખરાબીનું કારણ શું છે?
૧૮ યહોવા ચાહે છે કે આપણે કોઈનું કંઈ ખરાબ ન કરીએ. તે એવું પણ ચાહે છે કે આપણે દિલમાંથી નફરતનાં મૂળ ઉખેડી નાખીએ, કેમ કે એનાથી ઘણી ખૂનખરાબી થાય છે. પ્રેરિત યોહાને પણ લખ્યું કે ‘જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે તે ખૂની છે.’ (૧ યોહાન ૩:૧૫) આવી વ્યક્તિ પોતાના ભાઈને એટલી હદે ધિક્કારવા લાગે છે કે તેનું મોત ચાહે છે. એવી દુશ્મની ઘણી રીતોએ દેખાઈ આવે છે. જેમ કે, તે પોતાના ભાઈનું બૂરું કરવાના ઇરાદાથી તેને બદનામ કરે. અથવા તો એવો આરોપ મૂકે છે, જે સાચો ઠરે તો યહોવા તરફથી કડક સજા થાય. (લેવીય ૧૯:૧૬; પુનર્નિયમ ૧૯:૧૮-૨૧; માથ્થી ૫:૨૨) ચાલો આપણા દિલમાં કોઈ પણ પ્રકારની નફરત હોય તો, એને જડમૂળથી ઉખેડી નાખીએ!—યાકૂબ ૧:૧૪, ૧૫; ૪:૧-૩.
૧૯. બાઇબલ સિદ્ધાંતો પર ચાલનારને ગીતશાસ્ત્ર ૧૧:૫ અને ફિલિપી ૪:૮, ૯ જેવી કલમો વિષે કેવું લાગે છે?
૧૯ યહોવાની જેમ જીવનને કીમતી ગણે છે અને તેમના પ્રેમની છાયામાં રહેવા માંગે છે, તેઓ હરેક પ્રકારની હિંસાથી દૂર રહે છે. ગીતશાસ્ત્ર ૧૧:૫ યહોવા વિષે કહે છે કે “હિંસાને ચાહનારાઓને તે ધિક્કારે છે.” (IBSI) આ કલમ બતાવે છે કે યહોવા શાને ધિક્કારે છે. એમાં આપણા જીવનમાં ઉતારવાનો મહત્ત્વનો સિદ્ધાંત પણ રહેલો છે. આ કલમ આપણને એવા કોઈ પણ મનોરંજનથી દૂર રહેવા ઉત્તેજન આપે છે, જેના લીધે ધીમે ધીમે ખૂનખરાબી જોવાની આદત પડી જાય. યહોવા તો “શાંતિના ઈશ્વર” છે. એટલે તેમના ભક્તોએ પણ સારા ગુણો કેળવવા જોઈએ. ઉત્તેજન અને વખાણને લાયક હોય, એવી સારી બાબતો દિલોદિમાગમાં ઉતારવી જોઈએ. એમ કરીને આપણે શાંતિ ચાહનારા બનીશું.—ફિલિપી ૪:૮, ૯.
ખૂની સંગઠનોમાંથી બહાર નીકળી આવો!
૨૦-૨૨. ઈસુના પગલે ચાલનારા ભક્તોને આ દુનિયા વિષે કેવું લાગે છે? શા માટે?
૨૦ યહોવાની નજરે શેતાનની આખી દુનિયા અનેક લોકોની હત્યા માટે દોષિત છે. બાઇબલ દુનિયાની સરકારોને ખતરનાક પ્રાણી સાથે સરખાવે છે. આ સરકારોએ કરોડો લોકોનું લોહી વહેવડાવ્યું છે, જેમાં યહોવાના ઘણા ભક્તોની જિંદગી પણ ઝૂંટવી લીધી છે. (દાનિયેલ ૮:૩, ૪, ૨૦-૨૨; પ્રકટીકરણ ૧૩:૧, ૨, ૭, ૮) વેપારીઓ અને વૈજ્ઞાનિકો પણ આ ખતરનાક પ્રાણી જેવી સરકારોને પૂરો સાથ આપે છે. આપણે વિચારી પણ ન શકીએ એવાં લડાઈનાં ખતરનાક હથિયારો બનાવીને, તેઓ ઢગલો પૈસા કમાયા છે. સાચે જ “આખું જગત તે દુષ્ટની [શેતાનની] સત્તામાં રહે છે.”—૧ યોહાન ૫:૧૯.
૨૧ ઈસુને પગલે ચાલનારા યહોવાના ભક્તો આ ‘જગતનો ભાગ નથી.’ એટલે તેઓ રાજનીતિમાં કોઈનો પક્ષ લેતા નથી અને યુદ્ધમાં પણ ભાગ લેતા નથી. આમ, તેઓ પોતે અથવા એક સમાજ તરીકે કોઈનું લોહી વહેવડાવવા માટે જવાબદાર નથી.d (યોહાન ૧૫:૧૯; ૧૭:૧૬) કોઈ સતાવણી કરે ત્યારે, ઈસુની જેમ તેઓ પણ સામે થતા નથી. એને બદલે, તેઓ દુશ્મનો પર પ્રેમ રાખે છે, અરે તેઓ માટે પ્રાર્થના પણ કરે છે.—માથ્થી ૫:૪૪; રોમનો ૧૨:૧૭-૨૧.
૨૨ યહોવાના ભક્તો ‘મહાન બાબેલોન’ સાથે પણ કોઈ સંબંધ રાખતા નથી. ‘મહાન બાબેલોન’ માણસોએ બનાવેલા સર્વ જૂઠા ધર્મોને બતાવે છે. આ ધર્મોએ સૌથી વધારે ખૂનખરાબી કરી છે અને યહોવા આગળ દોષિત છે. બાઇબલ કહે છે કે “પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે, તે સર્વનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.” યહોવા આપણને ચેતવણી આપે છે કે ‘ઓ મારા લોકો, તેમાંથી નીકળી જાઓ.’—પ્રકટીકરણ ૧૭:૬; ૧૮:૨, ૪, ૨૪.
૨૩. મહાન બાબેલોનમાંથી નીકળી જવાનો શું અર્થ થાય?
૨૩ મહાન બાબેલોનમાંથી નીકળી જવાનો શું અર્થ થાય? ફક્ત એ જ નહિ કે જૂઠા ધર્મના સભ્યોની યાદીમાંથી નામ કઢાવી નાખવું અથવા તેઓ સાથેના સંબંધ કાપી નાખવા. એનો અર્થ એ પણ થાય કે એ ધર્મો ચલાવી લેતા હોય અથવા ઉત્તેજન આપતા હોય, એવાં ખરાબ કામોને આપણે નફરત કરીએ. જેમ કે વ્યભિચાર જેવાં કોઈ પણ ખોટાં કામો કરવાં, રાજકારણમાં જોડાવું અને ધનદોલતનો લોભ રાખવો. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦; પ્રકટીકરણ ૧૮:૭, ૯, ૧૧-૧૭) આવાં કામોને લીધે પણ ભારે ખૂનખરાબી થઈ છે!
૨૪, ૨૫. ખૂન માટે દોષિત ઇઝરાયલી દિલથી પસ્તાવો કરે તો, તેને માફ કરવા યહોવાએ કઈ ગોઠવણ કરી હતી? આજે પણ એના જેવી કઈ ગોઠવણ છે?
૨૪ યહોવાના ભક્ત તરીકે બાપ્તિસ્મા પામ્યા પહેલાં, આપણે દરેકે કોઈ ને કોઈ રીતે શેતાનની દુનિયાને સાથ આપ્યો હતો. એટલે દુનિયાએ વહેવડાવેલા લોહી માટે આપણે પણ થોડી-ઘણી હદે તો દોષિત હતા. જોકે, આપણે જીવનમાં ફેરફાર કરીને ઈસુની કુરબાનીમાં વિશ્વાસ મૂક્યો છે અને યહોવાને જીવન સોંપી દીધું છે. એટલે યહોવાની કૃપા પામીને તેમની છાયામાં રક્ષણ મેળવીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) એવા રક્ષણનો નમૂનો બાઇબલ જમાનાના આશ્રયનગરો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.—ગણના ૩૫:૧૧-૧૫; પુનર્નિયમ ૨૧:૧-૯.
૨૫ આશ્રયનગરોની ગોઠવણ કેમ કરવામાં આવી હતી? જો કોઈ ઇઝરાયલીથી અજાણતા કોઈનું ખૂન થઈ જાય, તો તેણે રક્ષણ મેળવવા એ નગરોમાંના એકમાં નાસી છૂટવાનું હતું. ત્યાં ન્યાયાધીશો એ વ્યક્તિનો ન્યાય કરતા. ત્યાર બાદ, તેણે મુખ્ય યાજકના મરણ સુધી એ આશ્રયનગરમાં જ રહેવાનું હતું. એના પછી એ વ્યક્તિ ચાહે ત્યાં જઈ શકતી. આ બતાવે છે કે યહોવાની દયા અપાર છે. મનુષ્યનું જીવન તે બહુ જ અનમોલ ગણે છે. એ આશ્રયનગરો આજે માફી મેળવવા યહોવાએ કરેલી ગોઠવણને દર્શાવે છે. ઈસુની કુરબાનીને આધારે આપણે માફી મેળવી શકીએ છીએ. કેવી રીતે? જીવન અને લોહીને પવિત્ર ગણતો યહોવાનો નિયમ આપણે જાણે-અજાણે તોડ્યો છે. એના લીધે મોતની સજાને પાત્ર છીએ. પણ ઈસુની કુરબાનીને આધારે યહોવા આપણને એ સજાથી માફી અને રક્ષણ આપે છે. શું તમે એ ગોઠવણની કદર કરો છો? તમે કઈ રીતે કદર બતાવી શકો? બીજા લોકોને પણ માફી અને રક્ષણ મળે એ માટે ઈસુની કુરબાનીમાં વિશ્વાસ મૂકવા મદદ કરીએ. એમ કરવું આજે બહુ જરૂરી છે, કેમ કે ‘મોટી વિપત્તિ’ ઝડપથી આવી રહી છે.—માથ્થી ૨૪:૨૧; ૨ કરિંથી ૬:૧, ૨.
રાજ્યનો સંદેશો જણાવીને જીવન કીમતી ગણો
૨૬-૨૮. આજે આપણા પર પ્રબોધક હઝકિયેલની જેમ કેવી જવાબદારી છે? આપણે કેવી રીતે યહોવાના પ્રેમની છાયામાં રહી શકીએ?
૨૬ જૂના જમાનાના પ્રબોધક હઝકિયેલ જેવી જવાબદારી આજે યહોવાના લોકોને સોંપાઈ છે. ઇઝરાયલી લોકોને ચેતવણી આપવા, યહોવાએ હઝકિયેલને જાણે ચોકીદાર બનાવ્યા હતા. યહોવાએ તેમને કહ્યું કે “મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ.” જો હઝકિયેલે પોતાની જવાબદારી સારી રીતે ઉપાડી ન હોત તો શું થયું હોત? યરુશાલેમનો ન્યાય થતી વખતે જેઓનો નાશ થાય, તેઓનું લોહી હઝકિયેલને માથે આવત! (હઝકિયેલ ૩૩:૭-૯) જોકે, હઝકિયેલે પોતાની જવાબદારી સારી રીતે ઉપાડી હોવાથી, તેમના પર કોઈના રક્તનો દોષ ન આવ્યો.
૨૭ શેતાનની દુનિયાનો વિનાશ ઝડપથી આવી રહ્યો છે. એટલે યહોવાના ભક્તો રાજ્યનો સંદેશો જણાવતી વખતે, ‘પ્રતિકારના’ કે વેર વાળવાના દિવસની ચેતવણી પણ આપે છે. તેઓ એ કામને જવાબદારી અને આશીર્વાદ ગણે છે. (યશાયા ૬૧:૨; માથ્થી ૨૪:૧૪) શું તમે એ કામ પૂરા તન-મનથી કરો છો? પ્રેરિત પાઉલે ખુશખબર જણાવવાનું એ કામ પૂરા દિલથી કર્યું હતું. એટલે જ તે કહી શક્યા કે ‘સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું. ઈશ્વરની ઇચ્છા વિષે જણાવવાને મેં આંચકો ખાધો નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૬, ૨૭) પાઉલે આપણા માટે કેવો સરસ દાખલો બેસાડ્યો છે!
૨૮ યહોવાના પ્રેમની છાયામાં રહેવા આપણે લોહી અને જીવનને તેમની જેમ પવિત્ર ગણવું જોઈએ. એટલું જ નહિ, આપણે યહોવાની નજરમાં શુદ્ધ અને પવિત્ર રહેવાની પણ જરૂર છે. ચાલો હવે પછીના પ્રકરણમાં એના વિષે જોઈએ.
a “શરીરનો જીવ રક્તમાં છે,” બાઇબલના આ શબ્દો વિષે વિજ્ઞાનનું એક મૅગેઝિન આમ કહે છે: ‘ભલે રૂપક કે કહેવતોમાં લોહી શબ્દની સરખામણી જીવન સાથે થઈ છે, પણ બાઇબલના એ શબ્દો હકીકત છે. જીવવા માટે દરેક રક્તકોષ જરૂરી છે.’—સાયન્ટીફિક અમેરિકન.
b આ વિષે વધારે જાણવા માટે ચોકીબુરજમાં જૂન ૧૫, ૨૦૦૪ પાન ૧૯-૨૪ અને ૨૯-૩૧ જુઓ.
c બાઇબલના અમુક ભાષાંતર એમ જણાવે છે કે જો માનું મોત થાય, તો જ ગુનેગારને મોતની સજા થાય. પણ બાઇબલના શબ્દોનો અભ્યાસ કરનારાના કહેવા પ્રમાણે, મૂળ હિબ્રૂ ભાષામાં ‘એ શબ્દોનો અર્થ એવો નથી કે ફક્ત માનું મોત થાય તો જ ગુનેગારને મોતની સજા થાય.’ આ કલમ પ્રમાણે, ગર્ભવતી સ્ત્રીને નુકસાન કરનારની સજા એના પરથી નક્કી થતી ન હતી કે ગર્ભ કેટલા મહિનાનો હતો. જો જીવ લેવામાં આવ્યો હોય, તો બદલામાં જીવ આપવો જ પડતો.
d “દુનિયા જેવા ન બનો” વિષય પર પાંચમું પ્રકરણ જુઓ.
e વધારે માહિતીમાં “લોહીના અંશો અને સારવારની રીતો” લેખ જુઓ.