યહોવાહનાં વચનો પર શ્રદ્ધા રાખો
“મને તારા વચનનો ભરોસો છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૪૨.
૧. ગીતશાસ્ત્ર ૧૧૯ કોણે લખ્યું ને એ લેખક વિષે શું બતાવે છે?
રાજકુમાર હિઝકીયાહને યહોવાહ માટે અપાર શ્રદ્ધા હતી. યહોવાહનાં વચન વગર જાણે તે જીવી શકતા ન હતા. (માત્થી ૫:૩) એમ લાગે છે કે તેમણે ગીતશાસ્ત્રમાં ૧૧૯મું ગીત લખ્યું હતું. એમાં જોવા મળે છે કે હિઝકીયાહ જીવનભર “યહોવાહને વળગી રહ્યો.”—૨ રાજાઓ ૧૮:૩-૭.
૨. ગીતશાસ્ત્ર ૧૧૯મા ગીતનો સાર શું છે ને એ કેવી રીતે રચવામાં આવ્યું છે?
૨ ગીત ૧૧૯નો સાર ખાસ કરીને યહોવાહનાં વચનો કે સંદેશા વિષે છે.a આ ગીતમાં ૧૭૬ કડીઓ છે જેને ૨૨ ઝૂમખાંમાં ગોઠવી છે. દરેક ઝૂમખાં નીચે આઠ કડીઓ છે. દરેક ઝૂમખાં હેબ્રી ભાષાની બારાખડી મુજબ ગોઠવવામાં આવ્યા છે. જાણે પહેલું ઝૂમખું ને એની આઠે આઠ કડી “ક” અક્ષરથી શરૂ થાય છે. પછી બીજું ઝૂમખું ને એની કડીઓ “ખ” શબ્દથી શરૂ થાય છે. આમ, ૨૨ ઝૂમખાં હેબ્રી ભાષાના એક પછી એક અક્ષરથી શરૂ થાય છે. હિઝકીયાહે ગીતને આવી રીતે રચ્યું જેથી લોકો સહેલાઈથી યાદ રાખી શકે. ગીતશાસ્ત્ર ૧૧૯મું ગીત યહોવાહનાં વચનો, નિયમો, સૂચનાઓ, માર્ગો, આજ્ઞાઓ ને ચુકાદાઓ વિષે જણાવે છે. આપણે આ લેખ ને આવતા અઠવાડિયાના લેખમાં આખા અધ્યાયની ચર્ચા કરીશું. ખાસ કરીને આપણે જૂના જમાનાના અને આજના અમુક ઈશ્વરભક્તોના અનુભવો જોઈશું. આ ગીત વિષે વધુ જાણવાથી આપણી શ્રદ્ધા વધશે ને બાઇબલને સારી રીતે સમજી શકીશું.
ઈશ્વરનાં વચનો પાળવાથી તમે સુખી થશો
૩. “સીધે માર્ગે” ચાલવું એટલે શું?
૩ જો આપણે યહોવાહના કહ્યા પ્રમાણે ચાલીશું તો સુખી થઈશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૮) યહોવાહ જોઈ શકશે કે આપણે “સીધે માર્ગે” ચાલીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧) પણ એનો અર્થ એ નથી કે આપણે કદી ભૂલ નહિ કરીએ. યહોવાહના માર્ગ પર ભલે આપણે ઠોકર ખાઈએ, આપણે ફરી ઊભા થઈશું ને ફરી ચાલી શકીશું. નુહનો વિચાર કરો. તે આપણા જેવા જ હતા. શાસ્ત્ર કહે છે કે ‘પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધા માણસ હતા. તે દેવની સાથે ચાલતા.’ નુહ ને તેમનું કુટુંબ જળપ્રલયમાંથી બચી શક્યા કેમ કે તેઓ યહોવાહના કહ્યા મુજબ જીવ્યા. (ઉત્પત્તિ ૬:૯; ૧ પીતર ૩:૨૦) આજે જો આપણે આ દુનિયાના વિનાશમાંથી બચવું હોય તો યહોવાહના નિયમો ‘ચોકસાઈથી પાળવા’ જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૪.
૪. આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ?
૪ જો આપણે દિલથી યહોવાહને કહીએ કે “હું શુદ્ધ અંતઃકરણથી તારો આભાર માનીશ. હું તારી વિધિઓ પાળીશ,” તો યહોવાહ કદી આપણને છોડી દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭, ૮) દાખલા તરીકે, યહોવાહે યહોશુઆનો સાથ કદી છોડ્યો નહિ. કારણ કે યહોશુઆએ ‘દિવસે તથા રાત્રે શાસ્ત્રનું મનન કર્યું, ને તેમાં જે બધું લખેલું હતું તે કાળજીથી પાળ્યું.’ આ રીતે યહોશુઆ હંમેશાં સારા નિર્ણયો લઈ શક્યા ને યહોવાહનો આશીર્વાદ મેળવી શક્યા. (યહોશુઆ ૧:૮) યહોશુઆ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને વળગી રહ્યા. તેમણે ઈસ્રાએલીઓને કહ્યું કે “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યા તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.” (યહોશુઆ ૨૩:૧૪) જો આપણે યહોશુઆ ને હિઝકીયાહની જેમ યહોવાહ પર પૂરી શ્રદ્ધા મૂકીએ તો આપણને ઘણા આશીર્વાદો મળશે.
યહોવાહના વચનો પાળવાથી આપણે પવિત્ર રહીએ છીએ
૫. (ક) આપણે કઈ રીતે ભક્તિમાં પવિત્ર રહી શકીએ? (ખ) આપણાથી કોઈ ઘોર પાપ થઈ જાય તો શું કરવું જોઈએ?
૫ ફરી હિઝકીયાહનો વિચાર કરો. તેમના પિતા મૂર્તિપૂજક હતા. તેમ છતાં, હિઝકીયાહ યહોવાહને વળગી રહ્યા. તેમણે પોતાનું ‘જીવન શુદ્ધ’ રાખ્યું ને ભક્તિમાં ભેળસેળ કરી નહિ. તેમણે યહોવાહનાં વચનો દિલમાં ઉતાર્યા. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯-૧૬) આપણા માબાપ સત્યમાં ન હોય તો, આપણે હિઝકીયાહની જેમ યહોવાહને વળગી રહી શકીએ. આપણે પાપ કરી બેસીએ તો શું? આપણે પ્રાર્થના કરવી જોઈએ. પસ્તાવો કરવો જોઈએ. જો માબાપ સત્યમાં હોય તો તેઓની મદદ લેવી જોઈએ. વડીલોની પણ મદદ લેવી જોઈએ. જો એમ કરીશું તો હિઝકીયાહની જેમ આપણે ‘જીવન શુદ્ધ કરીને સાવધ રહી’ શકીશું.—યાકૂબ ૫:૧૩-૧૫.
૬. કઈ સ્ત્રીઓ ‘જીવન શુદ્ધ’ કરીને ઈશ્વરના ‘વચન પ્રમાણે સાવધ રહી?’
૬ હિઝકીયાહના ઘણાં વર્ષો પહેલાં, રાહાબ અને રૂથે ‘જીવન શુદ્ધ’ કર્યું હતું. રાહાબ કનાનની વેશ્યા હતી. તોપણ પસ્તાવો કરીને તે યહોવાહની ભક્ત બની. (હેબ્રી ૧૧:૩૦, ૩૧) રૂથ શરૂઆતમાં યહોવાહની ભક્તિ કરતી ન હતી. પણ તે મોઆબી દેવ-દેવીઓને છોડીને યહોવાહના નિયમો પાળવા લાગી. (રૂથ ૧:૧૪-૧૭; ૪:૯-૧૩) આ બંને સ્ત્રીઓ ઈશ્વરના ‘વચન પ્રમાણે’ ચાલી. એનો તેઓને કેવો મોટો બદલો મળ્યો! ખુદ ઈસુ ખ્રિસ્તનો જનમ તેઓના વંશમાં થયો.—માત્થી ૧:૧, ૪-૬.
૭. દાનીયેલ ને તેમના ત્રણ મિત્રોએ કેવો દાખલો બેસાડ્યો?
૭ આપણે જાણીએ છીએ કે “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧; ૧ યોહાન ૫:૧૯) આપણે શેતાનની દુષ્ટ દુનિયામાં જીવીએ છીએ. તોપણ, આપણી ભક્તિ ‘શુદ્ધ’ રહી શકે છે. દાનીયેલ ને તેમના ત્રણ મિત્રોનો વિચાર કરો. તેઓ એવા દેશમાં રહેતા જ્યાં લોકો યહોવાહે મનાઈ કરેલા જાનવરોનું માંસ ખાતા હતા. (લેવીય ૧૧:૧-૩૧; ૨૦:૨૪-૨૬) એટલું જ નહિ, તેઓ લોહી નીતાર્યા વગર માંસ ખાતા. યહોવાહની નજરમાં એ પાપ હતું. (ઉત્પત્તિ ૯:૩, ૪) આ યુવાનોએ શું કર્યું? તેઓએ ‘મનમાં નક્કી કર્યું કે રાજા તરફથી આપવામાં આવતો ખોરાક લઈને અમે પોતાને ભ્રષ્ટ કરીશું નહિ.’ (દાનીયેલ ૧:૬-૧૦, IBSI) તેઓ ઈશ્વરના ‘વચન પ્રમાણે સાવધ રહ્યા.’ તેઓએ આપણા માટે કેટલો સારો દાખલો બેસાડ્યો!
ઈશ્વરના વચનોથી આપણે સત્યના માર્ગે રહીશું
૮. યહોવાહના નિયમો સારી રીતે પાળવા આપણે શું કરવું જોઈએ?
૮ આપણે બાઇબલમાંથી શીખતા રહીશું તો યહોવાહને વળગી રહીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭-૨૪) આપણે હિઝકીયાહની જેમ યહોવાહની મહાન ‘વાતો’ હોંશથી શીખીશું. આપણે યહોવાહના ‘ન્યાયી વચનો’ માટે તલપીશું ને તેમનાં સૂચનોથી “હર્ષ” પામીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૮, ૨૦, ૨૪) ભલે તમે વર્ષોથી કે પછી તાજેતરમાં જ બાપ્તિસ્મા લીધું હોય, શું “તમે ઈશ્વરનાં વચન” માટે તરસો છો? (૧ પિતર ૨:૧, ૨, IBSI) આપણે બાઇબલનું પાયાનું શિક્ષણ તો લેવું જ જોઈએ. પછી જ આપણે યહોવાહના નિયમો સારી રીતે જાણીશું ને પાળી શકીશું.
૯. જો માણસો આપણને યહોવાહના નિયમો વિરુદ્ધ કંઈક કરવા કહે તો આપણે શું કરવું જોઈએ?
૯ માની લઈએ કે આપણે યહોવાહનાં વચનો દિલમાં રાખીએ છીએ. પણ “સરદારો” આપણી વિરુદ્ધ બોલે ત્યારે આપણે શું કરવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૩, ૨૪) આજે ઘણી સરકારો એવું કહેવા માંગે છે કે ‘ભગવાનને ભૂલી જાવ, ફક્ત અમારી જ આજ્ઞા પાળો.’ જો માણસો આપણને એવું કંઈક કરવાનું કહે જે યહોવાહના નિયમો વિરુદ્ધ હોય, તો આપણે શું કરવું જોઈએ? આપણે ઈસુના પ્રેષિતોની જેમ કહેવું જોઈએ કે, “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” જો યહોવાહનાં વચનો આપણા માટે કીમતી હશે, તો આપણે યહોવાહને વળગી રહીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
૧૦, ૧૧. આપણે કઈ રીતે મુસીબતોને સહન કરી શકીએ? ઉદાહરણ આપો.
૧૦ ભલે આપણા પર લાખો કસોટીઓ તૂટી પડે, આપણે યહોવાહને વળગી રહી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૫-૩૨) કઈ રીતે? આપણે માર્ગદર્શન માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી યહોવાહનું શિક્ષણ દિલમાં ઉતારવું જોઈએ. આપણે હંમેશા ‘સત્યનો માર્ગ પસંદ કરવો’ જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૨૬, ૩૦.
૧૧ હિઝકીયાહે હંમેશા “સત્યનો માર્ગ પસંદ કર્યો” હતો. પછી ભલેને આસપાસના લોકો તેમને હેરાન કરતા ને મૂર્તિને પૂજતા. હિઝકીયાહને ઘણી વાર લાગ્યું કે “મારો જીવ શોકથી પીગળી જાય છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૮) પણ તેમણે હંમેશા યહોવાહ પર શ્રદ્ધા મૂકી. તે રાજા બન્યા ત્યારે પણ “યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.” (૨ રાજાઓ ૧૮:૧-૫) જો આપણે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીશું, તો ગમે તે મુસીબત સહન કરી શકીશું.—યાકૂબ ૧:૫-૮.
યહોવાહનાં વચનો આપણને હિંમત આપે છે
૧૨. આપણે ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬, ૩૭ની સલાહને કઈ રીતે જીવનમાં ઉતારવી જોઈએ?
૧૨ આપણે યહોવાહનાં વચનો પાળીએ છીએ ત્યારે મુસીબતો સહન કરવાની શક્તિ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩-૪૦) આપણે હંમેશા પ્રાર્થનામાં વિનંતી કરવી જોઈએ જેથી “ખરા હૃદયથી” યહોવાહનાં વચનો પાળી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૩, ૩૪) હિઝકીયાહની જેમ આપણે પ્રાર્થનામાં કહી શકીએ કે ‘લોભ તરફ નહિ, પણ તારાં સાક્ષ્યો તરફ મારૂં મન વાળ.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૬) પ્રેષિત પાઊલની જેમ આપણે ‘સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખવી’ જોઈએ. (હેબ્રી ૧૩:૧૮) જો નોકરીએ કોઈ આપણને જૂઠું બોલવાનું કહે તો આપણે શું કરવું જોઈએ? આપણે હિંમતથી યહોવાહના નિયમોને વળગી રહેવું જોઈએ. એમ કરવાથી યહોવાહ આપણને આશીર્વાદ આપશે. તે આપણને એવા ખરાબ કામોથી દૂર રહેવા મદદ કરશે. ચાલો આપણે યહોવાહને પ્રાર્થનામાં કહીએ કે “વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કદીયે દુષ્ટ કામો તરફ લલચાઈએ નહિ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) એનો અર્થ એ થાય કે આપણે પોર્નોગ્રાફી ને જંતર-મંતર જેવી બાબતોથી દૂર રહેવું જોઈએ.—૧ કોરીંથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮.
૧૩. ઈસુના શિષ્યો પર દુઃખ આવ્યું ત્યારે તેઓએ શું કર્યું ને એનું પરિણામ શું આવ્યું?
૧૩ જો આપણું મન ને દિલ યહોવાહના વિચારોથી ભરેલું હોય, તો આપણે હિંમતથી પ્રચાર કરી શકીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૧-૪૮) ઘણી વખત આપણે ‘અપમાન કરનારને ઉત્તર આપવો’ પડે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૨) ઈસુના શિષ્યોએ ઘણી સતાવણી સહન કરવી પડી. તેઓએ પ્રાર્થનામાં કહ્યું: ‘પ્રભુ, તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.’ પરિણામે “તેઓ સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા.” જો આપણે ઈસુના શિષ્યોની જેમ પ્રાર્થના કરીએ તો યહોવાહ આપણને પ્રચાર કરવાની હિંમત આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪-૩૧.
૧૪. આપણે કઈ રીતે પાઊલની જેમ હિંમતથી પ્રચાર કરી શકીએ?
૧૪ જો આપણે ‘સત્યનાં વચનો’ દિલમાં ઉતારીએ ને ‘સદા પાળીએ,’ તો આપણે પ્રચાર કરવાથી ડરીશું નહિ કે શરમાઈશું નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૩, ૪૪) બાઇબલ વિષે વધુ શીખવાથી આપણે યહોવાહનાં વચનો ‘રાજાઓની આગળ સંભળાવી’ શકીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬) પ્રાર્થના કરવાથી યહોવાહ મદદ કરશે. બાઇબલમાંથી સારી રીતે શીખવવા, હિંમતથી બોલવા તે આપણને શક્તિ આપશે. (માત્થી ૧૦:૧૬-૨૦; કોલોસી ૪:૬) યહોવાહે પાઊલને મદદ આપી. એટલે તે રૂમી ગવર્નર ફેલીક્સને સાક્ષી આપી શક્યા. ફેલીક્સે પોતે ‘ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી પાઊલની વાત સાંભળી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૪, ૨૫) પાઊલે ગવર્નર ફેસ્તસ ને રાજા આગ્રીપાને પણ સત્ય વિષે સાક્ષી આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૨૨–૨૬:૩૨) યહોવાહની મદદથી આપણે પણ હિંમતથી પ્રચાર કરી શકીશું. પછી આપણે કહીશું કે “સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી.”—રૂમી ૧:૧૬.
ઈશ્વરનાં વચનો આપણને દિલાસો આપે છે
૧૫. બીજાઓ આપણો તિરસ્કાર કરે ત્યારે આપણે બાઇબલમાંથી કઈ રીતે દિલાસો મેળવી શકીએ?
૧૫ આપણને બધાને દિલાસાની જરૂર પડે છે. એ યહોવાહના શબ્દોમાંથી મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૪૯-૫૬) ભલે આપણે હિંમતથી પ્રચાર કરીએ, અમુક વાર ‘ગર્વિષ્ઠો આપણો તિરસ્કાર’ કરે છે. અરે, તેઓ યહોવાહનો પણ તિરસ્કાર કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૧) તો આપણે એ કઈ રીતે સહન કરી શકીએ? આપણે પ્રાર્થના કરતી વખતે બાઇબલમાંથી અમુક કલમોને યાદ કરી શકીએ. એના પર વિચાર કરવાથી આપણે કહી શકીશું કે “મને દિલાસો મળ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૨) ઘણી વખત આપણે યહોવાહને વિનંતી કરતા હોઈએ ત્યારે બાઇબલમાંથી કંઈક યાદ આવે છે જે આપણને ખૂબ દિલાસો આપે છે.
૧૬. સતાવણી આવી ત્યારે ઘણા ઈશ્વરભક્તોએ શું કર્યું છે?
૧૬ હિઝકીયાહના દિવસોમાં આ “ગર્વિષ્ઠ” લોકો કોણ હતા? તેઓ બીજા ઈસ્રાએલીઓ, હા હિઝકીયાહના જ ભાઈઓ હતા. આપણે ધ્યાન રાખીએ કે આપણે કદી તેઓની જેમ યહોવાહનાં વચનોથી દૂર ન જઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૧) યહોવાહના ઘણા સાક્ષીઓએ નાઝીઓ કે બીજા દુશ્મનોના હાથે ખૂબ સતાવણી સહન કરી છે. તેમ છતાં, તેઓ હંમેશાં યહોવાહના નિયમોને વળગી રહ્યા છે. (યોહાન ૧૫:૧૮-૨૧) શા માટે? કેમ કે યહોવાહના નિયમો તેઓ માટે કોઈ બોજ નથી, પણ દિલાસો આપતા શબ્દો છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૫૪; ૧ યોહાન ૫:૩.
યહોવાહના વચનોની કદર કરો
૧૭. જો આપણે યહોવાહના શબ્દને ચાહતા હોઈએ તો શું કરીશું?
૧૭ આપણે યહોવાહના શબ્દો પ્રમાણે જીવીએ ત્યારે તેમના માર્ગદર્શનની કદર કરીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૭-૬૪) હિઝકીયાહે સોગન ખાધા હતા કે તે હંમેશા યહોવાહના ‘વચનો પાળશે.’ તેમણે એમ પણ કહ્યું કે “તારાં અદલ ન્યાયવચનોને લીધે હું તારો આભાર માનવાને મધરાતે ઊઠીશ.” જો આપણને રાતે ઊંઘ ન આવે તો શું હિઝકીયાહની જેમ યહોવાહને પ્રાર્થના કરીએ છીએ? (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૭, ૬૨) જો આપણે યહોવાહની ભલાઈની પૂરી રીતે કદર કરતા હોઈશું તો એ શિક્ષણ દિલમાં ઉતારતા રહીશું. પછી આપણે કહી શકીશું કે ‘તારાં શાસનો પાળનારા તારા ભક્તો છે, તે સર્વની હું સોબત રાખું છું.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૩, ૬૪) યહોવાહના બીજા ભક્તો સિવાય આપણને સાચા દોસ્તો બીજે ક્યાંય મળશે નહિ.
૧૮. ‘દુષ્ટોનાં બંધનો આપણને ઘેરી’ લે ત્યારે પ્રાર્થના કરવાથી શું થાય છે?
૧૮ આપણે નમ્રભાવે પ્રાર્થના કરીએ. યહોવાહની “કૃપાની માગણી” કરીએ. જ્યારે ‘દુષ્ટોનાં બંધનો આપણને ઘેરી’ લે છે ત્યારે આપણે ખાસ પ્રાર્થના કરવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૮, ૬૧) ઘણા દેશોમાં ભાઈ-બહેનોએ એવું જ કર્યું છે. યહોવાહે તેઓને દુશ્મનોના બંધનમાંથી છોડાવ્યા છે. આ ભક્તો પૂરા દિલથી રાજ્ય વિષેની ખુશખબરી ફેલાવતા રહ્યા છે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
યહોવાહનાં વચનો પર ભરોસો મૂકો
૧૯, ૨૦. “દુઃખી” થવું કેમ સારું છે?
૧૯ યહોવાહ ને તેમનાં વચનો પર શ્રદ્ધા રાખીશું તો આપણે કોઈ પણ દુઃખ-તકલીફ સહન કરી શકીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૫-૭૨) હિઝકીયાહે કહ્યું કે “ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે.” પણ નિરાશ થવાને બદલે તેમણે કહ્યું કે ‘હું દુઃખી થયો હતો ત્યારે મને ગુણકારક’ કે સારું લાગ્યું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬, ૬૯, ૭૧) એ કઈ રીતે દુઃખી હાલતમાં સારું લાગી શકે?
૨૦ આપણે કોઈ પણ દુઃખ સહન કરીએ ત્યારે આપણી શ્રદ્ધા વધે છે. કારણ કે આપણે વધુ પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે બાઇબલમાંથી વધુ શીખવા લાગીએ છીએ. એને જીવનમાં લાગુ કરવા લાગીએ છીએ. આમ કરવાથી આપણને સારું લાગે છે. કસોટી સમયે આપણે ઘમંડથી કે ગુસ્સાથી વર્તીએ તો શું? આપણે પ્રાર્થના કરવી જોઈએ કે યહોવાહ ને તેમનાં વચનો આપણા સ્વભાવને બદલે. (કોલોસી ૩:૯-૧૪) આપણે કોઈ પણ સતાવણી સહન કરીએ ત્યારે આપણી શ્રદ્ધા ખૂબ મજબૂત બને છે. (૧ પીતર ૧:૬, ૭) પાઊલને એવું જ થયું હતું. સતાવણી સમયે તેમણે યહોવાહ પર વધુ શ્રદ્ધા રાખી. એનાથી તે હિંમત હાર્યા નહિ. (૨ કોરીંથી ૧:૮-૧૦) જ્યારે તમે દુઃખો સહન કરો, ત્યારે શું તમારી શ્રદ્ધા વધે છે? જો વધે તો દુઃખના વખતે તમને સારું લાગશે.
પૂરા દિલથી યહોવાહ પર શ્રદ્ધા રાખો
૨૧. યહોવાહ દુષ્ટોને શરમાવશે ત્યારે શું થશે?
૨૧ આપણે યહોવાહનાં વચનોમાં પૂરી શ્રદ્ધા રાખી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૩-૮૦) જો આપણે પૂરા દિલથી યહોવાહમાં શ્રદ્ધા રાખીશું, તો તેમના ભક્ત બનવાથી કદી શરમાઈશું નહિ. પણ ઘણી વખત દુશ્મનો આપણો તિરસ્કાર કરે છે, મશ્કરી કરે છે. ત્યારે દિલાસો મેળવવા આપણે પ્રાર્થનામાં યહોવાહને કહી શકીએ કે ‘ગર્વિષ્ઠોને ફજેત’ કરો અથવા શરમાવો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૬-૭૮) યહોવાહ આ દુષ્ટ લોકોને શરમાવે છે ત્યારે તેઓનો અસલી રંગ સામે આવે છે. એનાથી યહોવાહનું નામ પણ રોશન થાય છે. આ દુશ્મનો કદી યહોવાહના ભક્તોનું નામનિશાન મિટાવી શકશે નહિ. અરે, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે તેઓ યહોવાહથી છટકી શકશે નહિ.—નીતિવચનો ૩:૫, ૬.
૨૨. હિઝકીયાહ કયા અર્થમાં ધુમાડામાં રહેલી મશક જેવા થઈ ગયા હતા?
૨૨ આપણે સતાવણી સહન કરતા હોઈએ ત્યારે યહોવાહનાં વચનો આપણને મજબૂત કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૮૧-૮૮) હિઝકીયાહે સતાવણી સહન કરી ત્યારે તેમણે ભારે દિલે કહ્યું: “હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૮૩, ૮૬) આનો અર્થ શું થાય? એ જમાનામાં લોકો ચામડાની મશકમાં પાણી કે દ્રાક્ષદારૂ ભરતા. મશક ખાલી હોય ત્યારે લોકો એને એક બાજુ ટિંગાવી દેતા. એમાંય ચૂલા નજીક લટકાવી હોય ત્યારે ગરમ ધુમાડાથી મશક સૂકી દ્રાક્ષની જેમ સાવ ચીમળાઈ જતી. હિઝકીયાહ કહેતા હતા કે સતાવણી સહી સહીને તે જાણે ચીમળાઈ ગયેલી મશક જેવા થઈ ગયા હતા. શું તમને અમુક વાર એવું લાગે છે? જો લાગતું હોય, તો યહોવાહ પર શ્રદ્ધા રાખો. પ્રાર્થનામાં કહો કે “તારી કૃપા પ્રમાણે મને જીવાડ; એટલે હું તારા મુખની શિખામણ પાળીશ.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૮૮.
૨૩. આપણે ગીતશાસ્ત્ર ૧૧૯:૧-૮૮માંથી શું શીખ્યા છીએ? આપણે ગીતશાસ્ત્ર ૧૧૯:૮૯-૧૭૬ની ચર્ચા કરીએ ત્યારે શું વિચારવું જોઈએ?
૨૩ આપણે ગીતશાસ્ત્ર ૧૧૯ના પહેલા ભાગમાંથી શું શીખ્યા? એ જ કે જો આપણે યહોવાહમાં શ્રદ્ધા રાખીએ ને તેમનાં વચનો, આજ્ઞાઓ ને નિયમો પાળીએ, તો તે આપણને ખૂબ આશીર્વાદ આપશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬, ૪૭, ૬૪, ૭૦, ૭૭, ૮૮) આપણે યહોવાહનાં વચનો દિલમાં સાચવીએ છીએ ત્યારે તે બહુ ખુશ થાય છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯, ૧૭, ૪૧, ૪૨) આવતા અઠવાડિયે આપણે ૧૧૯મા ગીતના છેલ્લા ભાગ વિષે શીખીશું. તૈયારી કરો ત્યારે વિચાર કરજો: ‘શું યહોવાહનાં વચનો મારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે?’
[ફુટનોટ]
a આ અધ્યાયમાં યહોવાહનાં વચનો કે સંદેશ આખા બાઇબલને રજૂ કરતા નથી.
તમે કેવો જવાબ આપશો?
• ખરું સુખ ક્યાંથી આવે છે?
• યહોવાહનાં વચનો કઈ રીતે આપણાં દિલને શુદ્ધ રાખે છે?
• યહોવાહ આપણને કઈ રીતે હિંમત ને દિલાસો આપે છે?
• આપણે શા માટે યહોવાહ ને તેમનાં વચનો પર શ્રદ્ધા રાખવી જોઈએ?
[પાન ૧૧ પર ચિત્ર]
રૂથ, રાહાબ ને બાબેલમાં દેશનિકાલ થયેલા ચાર હેબ્રી યુવાનો યહોવાહના ‘વચન પ્રમાણે સાવધ રહ્યા’
[પાન ૧૨ પર ચિત્ર]
પાઊલે હિંમતથી ‘રાજાઓની આગળ’ સાક્ષી આપી