‘જે માણસને ડહાપણ મળે છે તેને ધન્ય છે’
તે એક કવિ, શિલ્પકાર અને રાજા હતા. તેમની વાર્ષિક કમાણી ૧,૦૦૦ કરોડથી પણ વધારે હતી. તે આખી પૃથ્વી પર સૌથી ધનવાન અને જ્ઞાની રાજા હતા. તે રાજા ડહાપણ માટે પણ જાણીતા હતા. એક રાણી તેમને મળીને એટલી બધી પ્રભાવિત થઈ કે તેણે કહ્યું: “જુઓ, મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું; જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તારૂં જ્ઞાન તથા તારી સમૃદ્ધિ વિશેષ છે.” (૧ રાજા ૧૦:૪-૯) આવી નામના પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાનની હતી.
સુલેમાન પાસે ડહાપણ અને પૈસા બંને હતા. તેથી તે નિર્ણય કરવા માટે યોગ્ય વ્યક્તિ હતા કે બંનેમાંથી શું વધારે મહત્ત્વનું છે. તેમણે લખ્યું: “જે માણસને જ્ઞાન [ડહાપણ] મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. કેમકે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. તે જવાહીર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ.”—નીતિવચન ૩:૧૩-૧૫.
પરંતુ ડહાપણ ક્યાંથી મેળવી શકાય? શા માટે એ પૈસા કરતાં વધારે મૂલ્યવાન છે? એની ખાસિયત શું છે? બાઇબલમાં નીતિવચન પુસ્તકના લેખક સુલેમાને આઠમા અધ્યાયમાં આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. ત્યાં ડહાપણનું વર્ણન એક વ્યક્તિ તરીકે થયું છે, જે બોલી શકે છે અને કાર્યો પણ કરી શકે છે. તેમ જ, ડહાપણ પોતે પોતાનું મૂલ્ય બતાવે છે.
“તે પોકાર કરે છે”
નીતિવચનના આઠમા અધ્યાયની શરૂઆત આ પ્રશ્નથી થાય છે: “શું જ્ઞાન [ડહાપણ] હાંક મારતું નથી, અને બુદ્ધિ બૂમ પાડતી નથી?”a (આ લેખમાંના અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) હા, ડહાપણ અને બુદ્ધિ સતત હાંક મારે છે. તેમ જ એ વ્યભિચારી સ્ત્રી જેવું નથી જે ભોળા યુવાનોને અંધારામાં બોલાવીને પોતાની મીઠી મીઠી વાતોથી ભરમાવે છે. (નીતિવચન ૭:૧૨) “તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની કોરે ઊંચા ચબૂતરાઓની ટોચ પર ઊભું રહે છે; તે દરવાજાની પાસે, નગરની ભાગળે, અને બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે.” (નીતિવચન ૮:૧-૩) ડહાપણ મોટે અવાજે દરવાજે, ફાટકો પર અને શહેરના પ્રવેશદ્વાર પર સાંભળવા મળે છે. અહીં લોકો સહેલાઈથી એનો અવાજ સાંભળીને જવાબ આપી શકે છે.
પરમેશ્વરથી પ્રેરિત શબ્દ, બાઇબલમાં દૈવી ડહાપણ જોવા મળે છે, જે મેળવવાની ઇચ્છા રાખનાર દરેક માટે ઉપલબ્ધ છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે, “ઇતિહાસમાં સૌથી વધારે બાઇબલને વાંચવામાં આવ્યું છે. બીજા કોઈ પણ પુસ્તકો કરતાં બાઇબલનું વધારે વિતરણ થયું છે. તેમ જ બીજા કોઈ પણ પુસ્તક કરતાં બાઇબલનું વધારે વખત અને વધારે ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.” આખું કે અડધું બાઇબલ ૨,૧૦૦ કરતાં પણ વધુ ભાષાઓ અને બોલીઓમાં પ્રાપ્ય છે. આમ, નેવું ટકા કરતાં વધારે લોકો પાસે પોતાની ભાષામાં પરમેશ્વરનાં વચનો છે.
યહોવાહના સાક્ષીઓ દરેક સ્થળે બાઇબલનો સંદેશો આપે છે. તેઓ ૨૩૫ દેશોમાં પરમેશ્વરના રાજ્ય વિષેનો પ્રચાર કરે છે અને લોકોને બાઇબલ સત્યનું શિક્ષણ આપે છે. તેઓના બાઇબલ આધારિત મેગેઝિનો, ચોકીબુરજ ૧૪૦ ભાષામાં અને સજાગ બનો! ૮૩ ભાષામાં બહાર પડે છે. દરેક મેગેઝિનની બે કરોડ કરતાં પણ વધારે પ્રતો છપાય છે. સાચે જ, જ્ઞાન જાહેર જગ્યાઓએ મોટેથી હાંક મારે છે!
‘મારું બોલવું મનુષ્યો માટે છે’
હવે ડહાપણ બોલવાની શરૂઆત કરે છે, “હે માણસો, હું તમને હાંક મારીને કહું છું; મારું બોલવું મનુષ્યોને માટે છે. હે મૂઢો, શાણપણ શીખો; અને હે મૂર્ખો, તમે સમજણા થાઓ.”—નીતિવચન ૮:૪, ૫.
ડહાપણનો અવાજ આખી દુનિયામાં સંભળાય છે. એ દરેક વ્યક્તિને આમંત્રણ આપે છે. બિનઅનુભવી વ્યક્તિને એ ચતુરાઈ અને ડહાપણ મેળવવાનું તથા મૂર્ખોને સમજણા થવાનું જણાવે આપે છે. ખરેખર, યહોવાહના સાક્ષીઓ માને છે કે બાઇબલ દરેક વ્યક્તિ માટેનું પુસ્તક છે. તેથી, તેઓ પક્ષપાત કર્યા વિના દરેકને એમાં રહેલું ડહાપણ મેળવવાનું ઉત્તેજન આપે છે.
“મારૂં મુખ સત્ય ઉચ્ચારશે”
ડહાપણ આગળ કહે છે: “સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ; અને યથાયોગ્ય વાતો વિષે મારા હોઠો ઉઘડશે. મારૂં મુખ સત્ય ઉચ્ચારશે; કેમકે દુષ્ટતા મારા હોઠોને ધિક્કારપાત્ર લાગે છે. મારા મુખના સઘળા શબ્દો નેક છે; તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી.” હા, ડહાપણનું શિક્ષણ ઉત્તમ અને યથાયોગ્ય છે, એ સત્ય અને ન્યાયી છે. એમાં કંઈ કપટ કે લુચ્ચાઈ જોવા મળતી નથી. તેઓ સર્વ સમજણાને માટે સીધા છે, વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે.”—નીતિવચન ૮:૬-૯.
તેથી, ડહાપણ વિનંતી કરે છે: “રૂપું નહિ, પણ મારૂં શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં વિદ્યા સંપાદન કરો.” એ ડહાપણભર્યું છે, “કેમકે જ્ઞાન [ડહાપણ] માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.” (નીતિવચન ૮:૧૦, ૧૧) પરંતુ શા માટે? કઈ રીતે ડહાપણનું મૂલ્ય સોના-રૂપા કરતાં પણ વધારે છે?
‘મારું ફળ સોના કરતાં શ્રેષ્ઠ છે’
ડહાપણથી વર્તનારને મળતી ભેટો સોના, રૂપા અને માણેક કરતાં પણ વધુ કીમતી છે. આ ભેટો વિષે એ કહે છે, “મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય તથા વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું. દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાહનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરૂં છું.”—નીતિવચન ૮:૧૨, ૧૩.
ડહાપણથી જીવનારને ચતુરાઈ અને વિવેકબુદ્ધિ મળે છે. જે વ્યક્તિ પાસે દૈવી ડહાપણ હોય છે તેઓ પરમેશ્વરનો ભય અને આદર રાખતા હોય છે, કેમ કે “યહોવાહનું ભય એ જ્ઞાન [ડહાપણ]નો આરંભ છે.” (નીતિવચન ૯:૧૦) તેથી યહોવાહ જે ધિક્કારે છે એને તે પણ ધિક્કારે છે. તેનામાં અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ અને આડું મુખ જેવી બાબતો જોવા મળતી નથી. ખરાબ બાબતો પ્રત્યેનો ધિક્કાર તેનું કવચની જેમ રક્ષણ કરે છે અને તેને પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરવાથી રોકે છે. તેથી મંડળના જવાબદાર ભાઈઓ અને કુટુંબનાં શિર પણ ડહાપણ શોધે એ કેવું મહત્ત્વનું છે!
વળી, આગળ કહેવામાં આવે છે: “ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; હું બુદ્ધિ છું; મને સામર્થ્ય છે. મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે. મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, અમલ ચલાવે છે.” (નીતિવચન ૮:૧૪-૧૬) હાકેમો, સરદારો અને સત્તાધારીઓએ ડહાપણનાં ફળો, ઊંડી સમજણ અને મહાનતા કેળવવાની જરૂર છે. ઊંચા હોદ્દાઓ પર હોય અને બીજાઓને સલાહ આપતા હોય તેઓ પાસે ડહાપણ હોવું ખૂબ જ જરૂરી છે.
સાચું ડહાપણ બધા માટે છે, પરંતુ દરેક વ્યક્તિને એ મળતું નથી. કેટલાક તો, પોતાના બારણાં આગળ હોવા છતાં એનો નકાર કરે છે અથવા ટાળે છે. ડહાપણ કહે છે: “મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું જડીશ.” (નીતિવચન ૮:૧૭) ડહાપણને ખંતથી શોધનારાઓને જ એ મળે છે.
ડહાપણનો માર્ગ પ્રમાણિક અને ન્યાયી છે. એને શોધનારાઓનું ભલું થાય છે. ડહાપણ કહે છે: “દ્રવ્ય તથા માન મારી પાસે છે; અચળ ધન તથા નેકી પણ છે. મારૂં ફળ સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં, અને મારી પેદાસ ઊંચી જાતના રૂપા કરતાં શ્રેષ્ટ છે. હું નેકીના માર્ગમાં, ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું; કે જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું, અને તેઓના ભંડારો ભરપૂર કરૂં.”—નીતિવચન ૮:૧૮-૨૧.
ડહાપણની ભેટોમાં ફક્ત વિવેકબુદ્ધિ, નમ્રતા, અંતદૃષ્ટિ, વ્યવહારું ડહાપણ અને સમજણ જેવાં ઉત્તમ ગુણો જ મળતાં નથી, સાથોસાથ ધન તથા માન પણ મળે છે. ડહાપણ ધરાવનાર વ્યક્તિ પ્રમાણિકતાથી ધનવાન બની, આત્મિક રીતે પ્રગતિ પણ શકે છે. (૩ યોહાન ૨) એવી વ્યક્તિને માન પણ મળે છે. વધુમાં, પોતે જે પ્રાપ્ત કરે છે એમાંથી તે સંતોષ મેળવે છે. તેથી પરમેશ્વર આગળ તેનું અંતઃકરણ શુદ્ધ રહે છે અને તે મનની શાંતિ મેળવે છે. હા, જેને જ્ઞાન તથા ડહાપણ મળે છે તેને ધન્ય છે. ખરેખર, ડહાપણ સોના-રૂપા કરતાં લાભદાયી છે.
આજે લોકો ધન-દોલત કમાવા પાછળ પડી ગયા છે. તેઓ કોઈ પણ કિંમતે એને મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણે આવા જગતમાં રહેતા હોવાથી, આ સલાહ કેવી સમયસરની છે! આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ડહાપણ કેટલું મૂલ્યવાન છે અને ધન કમાવા આપણે ક્યારેય અપ્રમાણિક ન બનવું જોઈએ. ચાલો આપણે ધન-દોલત મેળવવા ખાતર ક્યારેય આપણી ખ્રિસ્તી સભાઓ, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ દ્વારા મળતાં પ્રકાશનો અને બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ ચૂકી ન જઈએ, કેમ કે એનાથી જ ડહાપણ મળે છે.—માત્થી ૨૪:૪૫-૪૭.
‘સદાકાળથી મને સ્થાપન કરવામાં આવ્યું હતું’
નીતિવચનના આઠમા અધ્યાયમાં ડહાપણને વ્યક્તિના રૂપમાં બતાવવામાં આવ્યું છે. એ ફક્ત એની લાક્ષણિકતા સમજાવવા જ નહિ, પરંતુ યહોવાહના સૌથી મહત્ત્વના ઉત્પત્તિ કાર્યને સૂચવવા બતાવવામાં આવ્યું છે. ડહાપણ આગળ કહે છે: “યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, તેનાં આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. સદાકાળથી, આરંભથી, પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઇ ઝરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો. પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો; ત્યાં સુધી તેણે પૃથ્વી, ખેતરો, કે દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું.”—નીતિવચન ૮:૨૨-૨૬.
આમ, ડહાપણનું વર્ણન બાઇબલમાં બતાવેલા “શબ્દ” સાથે કેટલું મળતું આવે છે! પ્રેષિત યોહાને લખ્યું: “આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંઘાતે હતો, અને શબ્દ દેવ હતો.” (યોહાન ૧:૧) રૂપકાત્મક રીતે અહીં ડહાપણ, પૃથ્વી પર જન્મ્યા અગાઉના પરમેશ્વરના પુત્ર, ઈસુ ખ્રિસ્તને બતાવે છે.b
ઈસુ ખ્રિસ્ત ‘સૃષ્ટિના પ્રથમજનિત છે; કેમકે તેમનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદૃશ્ય છે.’ (કોલોસી ૧:૧૫, ૧૬) ડહાપણ આગળ કહે છે, “જ્યારે તેણે [ યહોવાહે] આકાશો વ્યવસ્થિત કર્યાં, ત્યારે હું ત્યાં હતું; જ્યારે તેણે ઊંડાણના પ્રદેશની ચોગરદમ મર્યાદા ઠરાવી; જ્યારે તેણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું; જ્યારે તેણે જળનિધિના ઝરા દૃઢ ર્ક્યા; જ્યારે તેણે સમુદ્રને હદ નીમી આપી, કે તે ફરમાવેલી મર્યાદા ઓળંગે નહિ; જ્યારે તેણે પૃથ્વીના પાયા આંક્યા; ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેને સંતોષ આપતું હતું, સદા હું તેની આગળ હર્ષ કરતું હતું. તેની વસ્તીવાળી પૃથ્વી પર હું ગમત કરતું હતું; અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો.” (નીતિવચન ૮:૨૭-૩૧) આપણા ઉત્પન્ન કરનાર યહોવાહે, સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી ત્યારે તેમના પુત્ર પણ તેમની સાથે કામ કરતા હતા. યહોવાહ પરમેશ્વરે પ્રથમ યુગલ બનાવ્યું ત્યારે, તેમના પુત્ર એ કાર્યમાં તેમની સાથે હતા. (ઉત્પત્તિ ૧:૨૬) આનાથી ખબર પડે છે કે ઈસુ ખ્રિસ્તને શા માટે માનવજાતમાં આટલો બધો રસ છે અને તેઓને પ્રેમ કરે છે.
‘જે માણસ મારું સાંભળે છે તેને ધન્ય છે’
ડહાપણના રૂપમાં પરમેશ્વરના પુત્રએ કહ્યું: “હવે, દીકરાઓ, મારૂં સાંભળો; કેમકે મારા માર્ગો પાળનારને ધન્ય છે. શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ, અને તેનો ઈનકાર કરશો મા. જે માણસ મારૂં સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બારસાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે. કેમકે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાહની કૃપા પ્રાપ્ત કરશે. પણ જે મારી વિરૂદ્ધ ભૂલ કરે છે, તે પોતાના જ આત્માને નુકસાન પહોંચાડે છે; મને ધિક્કારનારા સઘળા મોતને ચાહે છે”—નીતિવચન ૮:૩૨-૩૬.
ઈસુ ખ્રિસ્ત દૈવી ડહાપણનું સ્વરૂપ છે. “તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.” (કોલોસી ૨:૩) ચાલો આપણે તેમનું ધ્યાનથી સાંભળીએ અને તેમના પગલે ચાલીએ. (૧ પીતર ૨:૨૧) તેમનો નકાર કરવાનો અર્થ જીવનનો નકાર કરવો અથવા મરણને ભેટવું થાય છે, કેમ કે ઈસુ સિવાય ‘આપણું તારણ કરનાર બીજું કોઈ નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૨) તેથી આપણે ઈસુનો સ્વીકાર કરીએ, જેમના દ્વારા પરમેશ્વરે આપણા તારણની જોગવાઈ કરી છે. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬) આમ કરીને આપણે સાચા સુખનો અનુભવ કરીશું જે ‘જીવન મેળવવાથી અને યહોવાહની કૃપા પ્રાપ્ત’ કરવાથી મળે છે.
[ફુટનોટ્સ]
a “ડહાપણ” માટેનો હેબ્રી શબ્દ સ્ત્રીલિંગમાં છે. તેથી કેટલાક અનુવાદો ડહાપણનો ઉલ્લેખ કરતી વખતે સ્ત્રીલીંગ સર્વનામ વાપરે છે.
b અગાઉ જણાવાયું તેમ, હેબ્રી ભાષામાં “ડહાપણ” માટે સ્ત્રીલિંગ વાપરવામાં આવે છે, જે ડહાપણ શબ્દ અહીં ઈસુને સૂચવવા ઉપયોગ કરવો ખોટો નથી. કેમ કે “દેવ પ્રેમ છે,” વાક્યમાં “પ્રેમ” માટે ગ્રીક ભાષામાં જે શબ્દ છે એ પણ સ્ત્રીલિંગ છે. (૧ યોહાન ૪:૮) તોપણ પરમેશ્વરને સૂચવવા એનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
[પાન ૨૬ પર ચિત્રો]
જવાબદાર વ્યક્તિઓ પાસે ડહાપણ હોવું ખૂબ જ જરૂરી છે
[પાન ૨૭ પર ચિત્રો]
જ્ઞાન અને ડહાપણ આપતી ગોઠવણો ચૂકી ન જાઓ