“ખ્રિસ્તનું મન” જાણવું
“પ્રભુનું [યહોવાહનું] મન કોણે જાણ્યું છે, કે તે તેને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.”—૧ કોરીંથી ૨:૧૬.
ઈસુ કેવા દેખાતા હતા? તેમના વાળ, ચામડી, અને આંખોનો રંગ કેવો હતો? તે કેટલા ઊંચા હતા? તેમનું વજન કેટલું હતું? સદીઓથી, ઈસુનાં ચિત્રો યોગ્ય અને અયોગ્ય રીતે ચિતરવામાં આવ્યાં છે. કેટલાકે તેમને શૂરવીર અને શક્તિશાળી ચિતર્યા છે, જ્યારે કેટલાકે તેમને નબળા અને અશક્ત ચિતર્યા છે.
૨ છતાં, બાઇબલ ઈસુના દેખાવ પર ધ્યાન દોરતું નથી. એને બદલે, યહોવાહે વધુ મહત્ત્વની બાબત, તેમના સ્વભાવ વિષે જણાવવાનું પસંદ કર્યું. સુવાર્તાના અહેવાલો ઈસુએ જે કહ્યું અને કર્યું એ જ જણાવતા નથી. પરંતુ, તેમના શબ્દો અને કાર્યો પાછળ રહેલી લાગણી અને કાળજી દર્શાવે છે. આ ચાર પ્રેરિત અહેવાલો આપણા માટે શક્ય બનાવે છે કે, પ્રેષિત પાઊલે જેને “ખ્રિસ્તનું મન” કહ્યું, એની આપણે ઊંડી સમજણ મેળવીએ. (૧ કોરીંથી ૨:૧૬) આપણે ઈસુના વિચારો, લાગણીઓ અને વલણ વિષે જાણીએ એ મહત્ત્વનું છે. એ માટે ઓછામાં ઓછા બે કારણો છે.
૩ પહેલું કારણ એ છે કે, ઈસુનું મન આપણને યહોવાહ દેવના મન વિષે જણાવે છે. ઈસુ પોતાના પિતાને એટલી સારી રીતે જાણતા હતા કે, તે કહી શક્યા: “દીકરો કોણ છે, એ બાપ વિના બીજો કોઈ જાણતો નથી; તેમજ બાપ કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.” (લુક ૧૦:૨૨) જાણે ઈસુ કહેતા હોય કે, ‘યહોવાહ વિષે જાણવા માટે મને જુઓ.’ (યોહાન ૧૪:૯) આમ, સુવાર્તાના અહેવાલોમાંથી આપણે ઈસુ વિષે વધુ જાણીએ છીએ તેમ, ખરેખર શીખીએ છીએ કે યહોવાહ દેવ કઈ રીતે વિચારે છે, તેમની લાગણીઓ કેવી છે. આ પ્રકારનું જ્ઞાન આપણને યહોવાહની વધારે નજીક લઈ જશે.—યાકૂબ ૪:૮.
૪ બીજું કારણ એ છે કે, ખ્રિસ્તનું મન જાણવાથી આપણને ‘તેમના પગલે ચાલવામાં’ મદદ મળશે. (૧ પીતર ૨:૨૧) પરંતુ ઈસુના પગલે ચાલવામાં, ફક્ત તેમના શબ્દો અને કાર્યોનું રટણ કરવાનો જ સમાવેશ થતો નથી. આપણા વિચાર અને લાગણીની અસર, આપણી વાણી અને વર્તન પર પડે છે. તેથી, ખ્રિસ્તને પગલે ચાલવામાં તેમના જેવું જ “મન” કેળવવાની જરૂર છે. (ફિલિપી ૨:૫) આપણે સાચે જ ખ્રિસ્ત જેવા બનવું હોય તો, પ્રથમ આપણે તેમના જેવા વિચારો અને લાગણીઓ રાખતા શીખવું જોઈએ. એટલે કે, અપૂર્ણ વ્યક્તિ તરીકે આપણે બની શકે એટલી સારી રીતે એ શીખવું જોઈએ. તેથી, ચાલો સુવાર્તાના લેખકોની મદદથી ખ્રિસ્તના મનમાં ડોકીયું કરીએ. પ્રથમ આપણે એ શીખીશું કે, ઈસુના વિચારો અને લાગણીઓ પર શાનો પ્રભાવ પડ્યો.
પૃથ્વી પર જન્મ્યા અગાઉ
૫ આપણા મિત્રોની સંગતની આપણા વિચાર, વાણી અને વર્તન પર સારી કે ખરાબ અસર પડી શકે.a (નીતિવચન ૧૩:૨૦) પૃથ્વી પર આવ્યા પહેલાં, આકાશમાં ઈસુની સંગત વિષે વિચારો. યોહાનની સુવાર્તા જણાવે છે કે, ઈસુ પૃથ્વી પર જન્મ્યા એ અગાઉ, “શબ્દ” એટલે કે દેવ માટે બોલનાર હતા. યોહાન કહે છે: “આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંઘાતે હતો, અને શબ્દ દેવ હતો. તેજ આદિએ દેવની સંઘાતે હતો.” (યોહાન ૧:૧, ૨) યહોવાહની કોઈ શરૂઆત નથી. તેથી, “આદિએ” દેવનાં ઉત્પત્તિ કાર્યોની શરૂઆત દર્શાવતું હોવું જોઈએ. એ સમયથી શબ્દ, એટલે કે ઈસુ દેવની સાથે હતા. (ગીતશાસ્ત્ર ૯૦:૨) ઈસુ “સૃષ્ટિનો પ્રથમજનિત” છે. તેથી, તે બીજા સર્વ દૂતો અને વિશ્વ ઉત્પન્ન કરવામાં આવ્યા પહેલાં, તે અસ્તિત્વ ધરાવતા હતા.—કોલોસી ૧:૧૫; પ્રકટીકરણ ૩:૧૪.
૬ કેટલાક વૈજ્ઞાનિકોના અંદાજ અનુસાર, આપણા વિશ્વને લગભગ ૧૨ અબજ વર્ષો થયાં છે. એ અંદાજ સાચો હોય તો, આદમની ઉત્પત્તિ થઈ એના યુગો અગાઉથી દેવના પ્રથમ પુત્ર પોતાના પિતા સાથે ગાઢ સંબંધનો આનંદ માણતા હતા. (સરખાવો મીખાહ ૫:૨.) તેઓ બંને વચ્ચે કોમળ, ગાઢ બંધન હતું. ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, આ પ્રથમજનિત પુત્રે પોતાને ડહાપણ તરીકે રજૂ કરતા કહ્યું: “હું દિનપ્રતિદિન [યહોવાહને] સંતોષ આપતું હતું, સદા હું તેની આગળ હર્ષ કરતું હતું.” (નીતિવચન ૮:૩૦) આ રીતે યહોવાહ દેવ પ્રેમના દેવ છે. તેમની ગાઢ સંગતમાં અગણિત વર્ષો પસાર કરવાથી, દેવના પુત્ર પર ખરેખર એની ઊંડી અસર પડી! (૧ યોહાન ૪:૮) આ પુત્ર પોતાના પિતાના વિચારો, લાગણીઓ, અને માર્ગોથી એકદમ સારી રીતે પરિચિત થયા. તેમ જ, એવી રીતે તેમના પગલે ચાલ્યા કે બીજું કોઈ જ એમ કરી ન શકે.—માત્થી ૧૧:૨૭.
પૃથ્વી પરનું જીવન
૭ ઈસુએ હજુ વધારે શીખવાનું હતું. યહોવાહનો હેતુ પોતાના પુત્રને દયાળુ પ્રમુખ યાજક બનવા તૈયાર કરવાનો હતો. જેથી, તેમને આપણી ‘નિર્બળતાઓ પર દયા આવી શકે.’ (હેબ્રી ૪:૧૫) કે જેથી તે દેવના માનવ પુત્ર તરીકે પૃથ્વી પર આવ્યા, કે જેથી તે આપણી જરૂરિયાતોને તથા આપણી નિર્બળતાઓને જાણે, એનો અનુભવ કરે. અને એ જરૂરિયાતોને પહોંચી વળે. અહીં માનવ તરીકે ઈસુ એવા સંજોગોમાંથી પસાર થયા, જે તેમણે અગાઉ આકાશમાંથી ફક્ત જોયા હતા. હવે તે પોતે એનો અનુભવ કરી શકતા હતા. થાક, તરસ, અને ભૂખ કેવા હોય છે, એનો તેમણે અનુભવ કર્યો. (માત્થી ૪:૨; યોહાન ૪:૬, ૭) આ ઉપરાંત તેમણે દરેક જાતની મુશ્કેલીઓ અને દુઃખ સહન કર્યાં. આમ, તે ‘આજ્ઞાપાલન શીખ્યા,’ અને પ્રમુખ યાજક તરીકે પૂરેપૂરા યોગ્ય બન્યા.—હેબ્રી ૫:૮-૧૦.
૮ પૃથ્વી પર ઈસુનું બાળપણનું જીવન કેવું હતું? તેમના બાળપણનો અહેવાલ ખૂબ ટૂંકો છે. ખરું જોતા, ફક્ત માત્થી અને લુક ઈસુના બાળપણના બનાવો વર્ણવે છે. સુવાર્તાના લેખકો જાણતા હતા કે ઈસુ પૃથ્વી પર જન્મ્યા પહેલાં આકાશમાં રહેતા હતા. એ જ બતાવી આપતું હતું કે તે કેવા પ્રકારની વ્યક્તિ બન્યા. જોકે, ઈસુ સંપૂર્ણ માનવ હતા. સંપૂર્ણ હોવા છતાં, તેમણે શિશુમાંથી બાળક અને તરૂણ વયનામાંથી પુખ્ત વ્યક્તિ બનવાનું હતું. તેમ જ, આ સર્વ સમયે શીખતા રહેવાનું હતું. (લુક ૨:૫૧, ૫૨) બાઇબલ ઈસુના બાળપણ વિષે અમુક બાબતો જણાવે છે, જેનાથી એ દેખાય છે કે ખરેખર એના લેખકો પર એની ઊંડી અસર પડી હશે.
૯ ઈસુ એક ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એ આપણે કઈ રીતે કહી શકીએ? ઈસુના જન્મના લગભગ ૪૦ દિવસ પછી, યુસફ અને મરિયમ મંદિરમાં ચડાવવા જે અર્પણ લાવ્યા એના પરથી આપણે કહી શકીએ. તેઓ અર્પણમાં ઘેટું અને કબૂતર લાવવાને બદલે, ‘એક જોડ હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં’ લાવ્યા. (લુક ૨:૨૪) મુસાના નિયમશાસ્ત્ર અનુસાર, ગરીબો માટે એ ગોઠવણ કરવામાં આવી હતી. (લેવીય ૧૨:૬-૮) સમય જતાં, કુટુંબમાં વધારો થયો. ઈસુના ચમત્કારિક જન્મ પછી, યુસફ અને મરિયમના પોતાનાં ઓછામાં ઓછા છ બાળકો થયાં. (માત્થી ૧૩:૫૫, ૫૬) તેથી, ઈસુનો ઉછેર મોટા કુટુંબમાં સામાન્ય સંજોગોમાં થયો હતો.
૧૦ ઈસુનાં માબાપ દેવનો ડર રાખનારા હતા, જેઓએ તેમને મોટા કર્યા. તેમની માતા મરિયમ, અજોડ સ્ત્રી હતી. યાદ કરો કે ગાબ્રીએલ દૂત તેને મળે છે ત્યારે શું કહે છે: “કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.” (લુક ૧:૨૮) યુસફ પણ બહુ ધાર્મિક હતા. દર વર્ષે તે પાસ્ખાપર્વ માટે યરૂશાલેમ જવા ૧૫૦ કિલોમીટર મુસાફરી કરતા હતા. ફક્ત પુરુષો માટે જ જવું જરૂરી હતું, છતાં મરિયમ પણ જતી હતી. (નિર્ગમન ૨૩:૧૭; લુક ૨:૪૧) આવા જ એક પ્રસંગે, ૧૨ વર્ષના ઈસુ, યુસફ તથા મરિયમથી છૂટા પડી ગયા. તેમને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા પછી, તે તેઓને મંદિરમાં ધર્મગુરુઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા. પોતાના ચિંતાતુર માબાપને જોઈને, ઈસુએ કહ્યું: “શું તમે જાણતાં નહોતાં કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?” (લુક ૨:૪૯) ‘બાપ’ શબ્દથી નાના ઈસુના દિલમાં કેવી ઉષ્મા અને પ્રેમ ઉભરાયા હશે! એક બાબત નક્કી છે કે, તેમને જણાવવામાં આવ્યું હતું કે યહોવાહ તેમના સાચા પિતા હતા. વળી, યુસફ પણ ઈસુના ખૂબ સારા પાળક પિતા હોવા જોઈએ. ખરેખર, યહોવાહ પોતાના વહાલા પુત્રના ઉછેર માટે કોઈ કઠોર કે ક્રૂર માણસને પસંદ કરે નહિ!
૧૧ નાઝરેથમાં હતા ત્યારે, મોટે ભાગે ઈસુ પોતાના પાળક પિતા, યુસફ પાસેથી સુથારી કામ શીખ્યા. ઈસુ એ કામમાં એટલા કુશળ બન્યા કે, તે પોતે “સુથાર” કહેવાયા. (માર્ક ૬:૩) બાઇબલ સમયમાં, સુથારો ઘર બાંધવાનું, (ટેબલ, સ્ટૂલ અને બાંકડા જેવું) રાચરચીલું અને ખેતીનાં ઓજારો બનાવવાનું કામ કરતા હતા. બીજી સદી સી.ઈ.ના જસ્ટીન માર્ટરે પોતાના પુસ્તક, ટ્રાઈફો સાથેની ચર્ચા (અંગ્રેજી)માં ઈસુ વિષે લખ્યું: “તે પૃથ્વી પર હતા ત્યારે, સુથાર તરીકે કામ કરતા, અને હળ અને ઝૂંસરી બનાવતા હતા.” એ કામ સહેલું ન હતું, કેમ કે એ સમયે સુથારો લાકડા ખરીદી શકતા ન હતા. મોટે ભાગે, તેઓ ઝાડ પસંદ કરતા, એને કાપીને લાકડા ઘરે ઊંચકી લાવતા. તેથી, ઈસુએ રોજીરોટી મેળવવા, ઘરાકો સાથેની લેવડદેવડમાં, અને કુટુંબની જરૂરિયાત પૂરી પાડવામાં મુશ્કેલીઓ સારી રીતે જાણી હશે.
૧૨ સૌથી મોટા દીકરા તરીકે, ઈસુએ કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરી હશે. ખાસ કરીને જ્યારે એમ લાગે છે કે ઈસુના પહેલાં યુસફનું મરણ થયું હોવું જોઈએ.b જાન્યુઆરી ૧, ૧૯૦૦ના ઝાયન્સ વૉચટાવરમાં (અંગ્રેજી)માં જણાવવામાં આવ્યું: “એમ કહેવામાં આવે છે કે, ઈસુ ઘણા નાના હતા ત્યારે યુસફ મરી ગયા હતા. તેથી, તેમણે સુથારી કામ કરીને કુટુંબની કાળજી લીધી. એનો શાસ્ત્રીય પુરાવો એ છે, જ્યારે ઈસુને સુથાર કહેવામાં આવ્યા, અને તેમની માતા અને ભાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પરંતુ, યુસફ વિષે કંઈ જણાવાયું નથી. (માર્ક ૬:૩) . . . તેથી, શક્ય છે કે એ [લુક ૨:૪૧-૪૯માંના] બનાવથી માંડીને તેમના બાપ્તિસ્મા સુધી, આપણા પ્રભુના જીવનનાં ૧૮ વર્ષોનો લાંબો સમય તેમણે જીવનની સામાન્ય ફરજો બજાવવામાં ગાળ્યો હોય શકે.” મોટા ભાગે, મરિયમ અને તેમનાં બાળકો, જેમાં ઈસુનો પણ સમાવેશ થાય છે, તેઓએ એક પ્રેમાળ પતિ અને પિતાનું મરણ થવાનું દુઃખ સહન કર્યું હશે.
૧૩ હા, ઈસુ કંઈ એશઆરામમાં જન્મ્યા ન હતા. એને બદલે, તે પોતે સામાન્ય જીવન જીવ્યા. પછી, ૨૯ સી.ઈ.માં દેવે તેમને સોંપેલું કાર્ય કરવાનો સમય આવ્યો. એ જ વર્ષમાં, તે પાણીમાં બાપ્તિસ્મા પામ્યા અને દેવના આત્મિક દીકરા બન્યા. પછી તેમના માટે “આકાશ ઊઘડી ગયું,” જે પુરાવો આપતું હતું કે હવે તે પૃથ્વી પર આવ્યા અગાઉનું જીવન, તેમના વિચારો, લાગણીઓ બધુ જ ફરી યાદ કરી શકે. (લુક ૩:૨૧, ૨૨) તેથી, ઈસુએ પ્રચારકાર્યની શરૂઆત કરી ત્યારે, તેમને એવું જ્ઞાન, ઊંડી સમજ અને લાગણી હતી, જે બીજી કોઈ વ્યક્તિ અનુભવી ન શકે. એ જ કારણે, સુવાર્તાના લેખકોનું મોટા ભાગનું લખાણ, ઈસુના સેવાકાર્યના બનાવો વિષે છે. છતાં, ઈસુના જીવન વિષે બધુ જ તેઓ નોંધી શક્યા નહિ. (યોહાન ૨૧:૨૫) પરંતુ, તેઓ જે લખવા પ્રેરાયા, એ આપણને સૌથી મહાન માણસના મનમાં ડોકીયું કરવાનું શક્ય બનાવે છે.
ઈસુનો સ્વભાવ
૧૪ સુવાર્તાના અહેવાલમાંથી એવા ઈસુ વિષે જાણવા મળે છે, જે ઊંડી લાગણીઓ ધરાવતા હતા. તેમણે ઘણી રીતે પોતાની લાગણી બતાવી: કોઢિયા માટે દયા (માર્ક ૧:૪૦, ૪૧); તેમને પગલે ન ચાલનારા લોકો માટે શોક; (લુક ૧૯:૪૧, ૪૨) લોભી વેપારીઓ પર ન્યાયી ગુસ્સો. (યોહાન ૨:૧૩-૧૭) બીજાના દુઃખમાં દુઃખી અને બીજાના સુખમાં સુખી થનાર ઈસુએ ક્યારેય પોતાની લાગણીઓ છુપાવી નહિ. એક પ્રસંગનો વિચાર કરો. ઈસુનો પ્રિય મિત્ર લાજરસ મરણ પામ્યો હતો. તે લાજરસની બહેન મરિયમને રડતી જોઈને, ઈસુ પર એટલી અસર થઈ કે તે પોતે પણ બધાની સામે રડી પડ્યા.—યોહાન ૧૧:૩૨-૩૬.
૧૫ ઈસુની કોમળ લાગણી બીજાઓ સાથેના તેમના વર્તનમાં દેખાઈ આવતી હતી. તેમણે ગરીબો અને જુલમનો શિકાર બનેલાઓને મદદ કરીને, તેઓને “જીવમાં વિસામો” આપ્યો. (માત્થી ૧૧:૪, ૫, ૨૮-૩૦) દુઃખી લોકોની જરૂરિયાત પૂરી કરવા તે હંમેશા તૈયાર હતા. પછી ભલેને તે લોહીવાથી પીડાતી સ્ત્રી હોય, જે ચોરીછૂપીથી તેમના કપડાંને અડકી, અથવા બૂમો પાડતો આંધળો ભિખારી હોય. (માત્થી ૯:૨૦-૨૨; માર્ક ૧૦:૪૬-૫૨) ઈસુએ બીજાઓમાં સારા ગુણો શોધી કાઢ્યા, અને તેઓની પ્રશંસા કરી; છતાં, જરૂર હોય ત્યારે તે ઠપકો આપતા પણ અચકાતા નહિ. (માત્થી ૧૬:૨૩; યોહાન ૧:૪૭; ૮:૪૪) એ સમયે સ્ત્રીઓને બહુ હક્કો આપવામાં આવતા ન હતા. છતાં, ઈસુએ તેઓની સાથે યોગ્ય માન અને આદરથી વર્તન કર્યું. (યોહાન ૪:૯, ૨૭) તેથી, એમાં કંઈ નવાઈ નથી કે કેટલીક સ્ત્રીઓ તેમની સેવા કરવા માટે ખુશીથી પોતાની સંપત્તિનો ઉપયોગ કરવા રાજી હતી.—લુક ૮:૩.
૧૬ ઈસુ જીવનને યોગ્ય રીતે જોતા હતા. ધનદોલતની તેમને કંઈ જ પડી ન હતી. એમ લાગે છે કે, તેમની પાસે બહુ ચીજવસ્તુઓ પણ ન હતી. તેમણે કહ્યું કે તેમની પાસે માથું ટેકવવાનું પણ ઠામ ન હતું. (માત્થી ૮:૨૦) એ જ સમયે, ઈસુ કંઈ સાધુ જેવું જીવન જીવતા ન હતા પરંતુ તે બીજાઓના આનંદમાં પણ સહભાગી થતા હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો તેમણે એક લગ્ન મિજબાનીમાં હાજરી આપી એ પ્રસંગનો વિચાર કરો. ખરેખર, એ પ્રસંગ ગીત, સંગીત, અને આનંદથી ભરેલો હતો. પરંતુ, ઈસુએ કંઈ રંગમાં ભંગ પાડ્યો નહિ. એને બદલે, ઈસુએ તેમનો પ્રથમ ચમત્કાર ત્યાં કર્યો. દ્રાક્ષાદારૂ ખૂટી પડ્યો ત્યારે, તેમણે પાણીમાંથી એકદમ સરસ દારૂ બનાવ્યો. દ્રાક્ષાદારૂ તો “માણસના હૃદયને આનંદ આપનાર” છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫; યોહાન ૨:૧-૧૧) આમ પીણાનો દોર ચાલુ રહી શક્યો, અને વર તથા કન્યાને નીચું જોવાનું ન થયું. ઈસુએ પ્રચારકાર્યમાં સખત મહેનત કરી હોય એવા ઘણા પ્રસંગોથી પણ તેમનું સમતોલ વલણ સ્પષ્ટ દેખાય આવે છે.—યોહાન ૪:૩૪.
૧૭ ઈસુ કુશળ શિક્ષક હતા. મોટા ભાગે, તેમનું શિક્ષણ દરરોજના જીવન પર આધારિત હતું, જેના વિષે તે સારી રીતે પરિચિત હતા. (માત્થી ૧૩:૩૩; લુક ૧૫:૮) તેમની શિખવવાની રીત એકદમ સરળ, સાદી અને વ્યવહારુ હતી. તેમણે જે શીખવ્યું, એ એનાથી પણ મહત્ત્વનું છે. તેમનાં શિક્ષણથી સ્પષ્ટ દેખાય આવતું હતું કે, તે લોકોને યહોવાહની નજીક લાવવા ચાહતા હતા. તે યહોવાહ દેવના વિચારો, લાગણીઓ, અને રીતો લોકોને જણાવવા માંગતા હતા.—યોહાન ૧૭:૬-૮.
૧૮ ઈસુએ ઉદાહરણોનો ઉપયોગ કરીને, પોતાના પિતાને એવી રીતે રજૂ કર્યા, જે સહેલાઈથી યાદ રહી જાય. દયાળુ દેવ વિષે ફક્ત વાત કરવી એ અલગ વાત છે. પરંતુ, યહોવાહને માફ કરનાર પિતા સાથે સરખાવવા કંઈ જુદી જ વાત છે. એવા પિતા જે પોતાના પુત્રને પસ્તાવો કરીને પાછો આવતો જોઈને, એટલા ખુશ થાય છે કે તે ‘દોડીને તેને ભેટ્યા, અને તેને ચૂમીઓ કરી.’ (લુક ૧૫:૧૧-૨૪) ઈસુએ લોકોને નીચા પાડતા ધર્મગુરુઓના જૂનવાણી વિચારોનો વિરોધ કર્યો. તેમણે સમજાવ્યું કે તેમના પિતા પાસે કોઈ પણ સહેલાઈથી પહોંચી શકે છે. પરંતુ, તે એક અભિમાની ફરોશીની ઢોંગી પ્રાર્થના સાંભળવા કરતાં, નમ્ર દાણીની આજીજી સાંભળવાનું વધારે પસંદ કરે છે. (લુક ૧૮:૯-૧૪) ઈસુ યહોવાહને એવા દેવ તરીકે વર્ણવે છે, જેમને એક નાની ચકલીના મરણની પણ ખબર પડે છે. તેથી, ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી આપી: “બીહો મા; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (માત્થી ૧૦:૨૯, ૩૧) તેથી, લોકો ઈસુના “ઉપદેશથી” આશ્ચર્ય પામ્યા, અને તેમના માર્ગે ચાલ્યા. (માત્થી ૭:૨૮, ૨૯) એ કારણે, એક પ્રસંગે “અતિ ઘણા લોક” ખાધાપીધા વગર, ત્રણ દિવસ સુધી તેમની સાથે રહ્યા!—માર્ક ૮:૧, ૨.
૧૯ ખરેખર, આપણે કદર બતાવવી જોઈએ કે, યહોવાહે બાઇબલમાં ખ્રિસ્તનું મન પ્રગટ કર્યું! પરંતુ, આપણી વાણી અને વર્તનમાં આપણે કઈ રીતે ખ્રિસ્તનું મન કેળવી શકીએ? હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું.
[ફુટનોટ્સ]
a પ્રકટીકરણ ૧૨:૩, ૪માં દર્શાવ્યું છે તેમ, સંગતની અસર દૂતોને પણ થઈ શકે. ત્યાં શેતાનનું વર્ણન એક “અજગર” તરીકે કરવામાં આવ્યું છે, જે બીજા “તારાઓ” અથવા દૂતોને પોતે જે બંડ પોકાર્યું છે એમાં સાથ આપવા ખેંચી જવામાં સફળ થાય છે.—સરખાવો અયૂબ ૩૮:૬, ૭.
b બાર વર્ષના ઈસુ મંદિરમાં મળી આવ્યા ત્યારે, છેલ્લી વખત યુસફ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. પછી ઈસુના પ્રચારકાર્યની શરૂઆતમાં, કાનાના લગ્નમાં યુસફ હાજર હતા, એવું જાણવા મળતું નથી. (યોહાન ૨:૧-૩) તેત્રીસ સી.ઈ.માં, વધસ્તંભે જડાયેલા ઈસુ, વહાલા પ્રેષિત યોહાનને મરિયમની કાળજી લેવાનું સોંપે છે. યુસફ જીવતા હોત તો, ઈસુએ એમ કર્યું ન હોત.—યોહાન ૧૯:૨૬, ૨૭.
તમને યાદ છે?
• “ખ્રિસ્તનું મન” જાણવું શા માટે મહત્ત્વનું છે?
• ઈસુ પૃથ્વી પર જન્મ્યા એ પહેલાં કોની સાથે તેમની ગાઢ સંગત હતી?
• ઈસુએ પૃથ્વી પર શાનો અનુભવ કર્યો?
• સુવાર્તાના અહેવાલો ઈસુના સ્વભાવ વિષે શું શીખવે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. યહોવાહે બાઇબલમાં ઈસુના દેખાવ કરતાં, કઈ વધુ મહત્ત્વની બાબત જણાવી છે?
૩. ખ્રિસ્તનું મન જાણવાથી, આપણને કોના વિષે વધુ જાણકારી મળી શકે?
૪. ખ્રિસ્ત જેવા બનવા માટે, આપણે પ્રથમ શું શીખવું જોઈએ, અને શા માટે?
૫, ૬. (ક) સંગતની આપણા પર કેવી અસર પડી શકે? (ખ) ઈસુ પૃથ્વી પર જન્મ્યા એ પહેલાં કોની સંગતમાં હતા, અને એની તેમના પર કેવી અસર પડી?
૭. દેવના પ્રથમજનિત પુત્ર પૃથ્વી પર જન્મ્યા, એનું એક કારણ શું હતું?
૮. આપણે ઈસુના બાળપણ વિષે શું જાણીએ છીએ?
૯. (ક) શું દર્શાવે છે કે ઈસુ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા? (ખ) ઈસુ કેવા સંજોગોમાં મોટા થયા હોય શકે?
૧૦. શું બતાવે છે કે મરિયમ અને યુસફ દેવનો ડર રાખનારા હતા?
૧૧. ઈસુ કયું કામ શીખ્યા, અને એ સમયે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો?
૧૨. શું બતાવે છે કે યુસફનું મરણ ઈસુ પહેલાં થયું હતું, અને ઈસુએ શું કરવું પડ્યું હશે?
૧૩. ઈસુએ સેવાકાર્યની શરૂઆત અજોડ જ્ઞાન, ઊંડી સમજ, અને લાગણી સાથે કરી, એમ શા માટે કહી શકાય?
૧૪. કઈ રીતે સુવાર્તાઓ બતાવે છે કે ઈસુ ઊંડી લાગણી ધરાવનાર હતા?
૧૫. ઈસુની લાગણી બીજાઓ સાથેના વર્તનમાં કઈ રીતે દેખાતી હતી?
૧૬. જીવન અને ભૌતિક ચીજવસ્તુઓ પ્રત્યે ઈસુનું સમતોલ વલણ કઈ રીતે દેખાય આવે છે?
૧૭. શા માટે ઈસુ કુશળ શિક્ષક હતા, અને તેમનાં શિક્ષણ પરથી શું દેખાય આવતું હતું?
૧૮, ૧૯. (ક) ઈસુએ પોતાના પિતાનું કઈ રીતે વર્ણન કર્યું? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?
[પાન ૧૦ પર ચિત્ર]
મોટા અને સામાન્ય કુટુંબમાં ઈસુનો ઉછેર થયો હતો
[પાન ૧૨ પર ચિત્રો]
બાર વર્ષના ઈસુની સમજણ અને જવાબોથી ધર્મગુરુઓ ચકિત થઈ ગયા