લૂક
૧૫ ઈસુને સાંભળવા તેમની આસપાસ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ ભેગા થવા લાગ્યા.+ ૨ ફરોશીઓ અને શાસ્ત્રીઓ કચકચ કરવા લાગ્યા: “આ માણસ પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે.” ૩ તેમણે તેઓને આ ઉદાહરણ આપ્યું: ૪ “માનો કે તમારામાંથી કોઈ માણસ પાસે ૧૦૦ ઘેટાં છે. જો એમાંથી એક ખોવાઈ જાય, તો શું તે ૯૯ ઘેટાંને વેરાન પ્રદેશમાં મૂકીને એકને શોધવા નહિ જાય? એ ખોવાયેલું ઘેટું પાછું મળે નહિ ત્યાં સુધી શું તે એને શોધશે નહિ?+ ૫ જ્યારે તેને એ મળે છે ત્યારે તે એને ખભા પર ઉઠાવી લે છે અને ઘણો આનંદ કરે છે. ૬ તે ઘરે પહોંચે છે ત્યારે મિત્રો અને પડોશીઓને ભેગા કરીને કહે છે: ‘મારી સાથે આનંદ કરો! મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે.’+ ૭ હું તમને જણાવું છું કે એક પાપી પસ્તાવો કરે+ ત્યારે સ્વર્ગમાં જેટલો આનંદ થાય છે, એટલો ૯૯ નેક* લોકો માટે નથી થતો, જેઓને પસ્તાવો કરવાની જરૂર નથી.
૮ “માનો કે એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા* છે. એમાંનો એક ચાંદીનો સિક્કો* ખોવાઈ જાય તો શું તે દીવો સળગાવીને ઘર નહિ વાળે? એ મળે નહિ ત્યાં સુધી શું તે સિક્કો નહિ શોધે? ૯ તેને એ મળે છે ત્યારે તે મિત્રો* અને પડોશીઓને બોલાવીને કહે છે: ‘મારી સાથે આનંદ કરો! મને ખોવાઈ ગયેલો ચાંદીનો સિક્કો* પાછો મળ્યો છે.’ ૧૦ હું તમને જણાવું છું કે એક પાપી પસ્તાવો કરે ત્યારે ઈશ્વરના દૂતોમાં એવો જ આનંદ થાય છે.”+
૧૧ પછી તેમણે કહ્યું: “એક માણસને બે દીકરા હતા. ૧૨ નાના દીકરાએ પિતાને કહ્યું: ‘પિતાજી, મિલકતનો મારો ભાગ મને આપી દો.’ પિતાએ પોતાની મિલકત બંને દીકરાઓને વહેંચી આપી. ૧૩ અમુક દિવસો પછી નાના દીકરાએ પોતાની બધી વસ્તુઓ ભેગી કરી. તે દૂર દેશ ગયો અને મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી. ૧૪ તેણે પોતાના બધા પૈસા ઉડાવી દીધા ત્યારે આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તેની પાસે કંઈ જ બચ્યું ન હતું. ૧૫ અરે, એ દેશના એક માણસ પાસે તે મજૂરીએ લાગ્યો. એ માણસે તેને પોતાનાં ખેતરોમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.+ ૧૬ તે એટલો ભૂખ્યો હતો કે ભૂંડો જે શિંગો ખાતાં હતાં એ ખાવાનું તેને મન થયું. પણ કોઈ તેને કશું આપતું નહિ.
૧૭ “તેની અક્કલ ઠેકાણે આવી ત્યારે તેણે કહ્યું: ‘મારા પિતાના કેટલા બધા મજૂરો છે! તેઓ પેટ ભરીને ખાય છે. પણ હું તો અહીં ભૂખે મરું છું. ૧૮ હું મારા પિતા પાસે જઈને કહીશ: “પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૯ હું તમારો દીકરો ગણાવાને લાયક નથી. મને તમારા મજૂરોમાંના એકના જેવો રાખો.”’ ૨૦ તે ઊભો થયો અને પોતાના પિતા પાસે ગયો. હજુ તો તે ઘણો દૂર હતો ત્યારે તેના પિતાએ તેને જોયો. પિતાનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું. તે દોડીને દીકરાને ભેટી પડ્યો અને પ્રેમથી ચુંબન કર્યું. ૨૧ દીકરાએ કહ્યું: ‘પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ હું તમારો દીકરો ગણાવાને લાયક નથી.’ ૨૨ પિતાએ ચાકરોને કહ્યું: ‘જલદી કરો! સૌથી સારો ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેના હાથમાં વીંટી અને પગમાં ચંપલ પહેરાવો. ૨૩ તાજો-માજો વાછરડો લાવો અને કાપો. ચાલો આપણે ખાઈ-પીને મજા કરીએ. ૨૪ મારો આ દીકરો મરણ પામ્યો હતો, પણ હવે જીવતો થયો છે.+ તે ખોવાઈ ગયો હતો, પણ હવે પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.
૨૫ “તેનો મોટો દીકરો ખેતરમાં હતો. તે પાછો આવ્યો અને ઘરની નજીક પહોંચ્યો ત્યારે તેણે નાચ-ગાનનો અવાજ સાંભળ્યો. ૨૬ તેણે પોતાના એક ચાકરને બોલાવીને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. ૨૭ તેણે કહ્યું: ‘તારો ભાઈ આવ્યો છે. તારા પિતાએ તાજો-માજો વાછરડો કપાવ્યો, કેમ કે તે સહીસલામત* પાછો મળ્યો છે.’ ૨૮ પણ મોટો દીકરો ગુસ્સે થયો અને તે અંદર જવા રાજી ન હતો. તેનો પિતા બહાર આવ્યો અને તેને મનાવવા લાગ્યો. ૨૯ તેણે પિતાને કહ્યું: ‘જુઓ! આટલાં બધાં વર્ષો મેં તમારી ગુલામી કરી. તમારી એક પણ આજ્ઞા ક્યારેય તોડી નથી. છતાં તમે કદી મને મિત્રો સાથે મજા કરવા એક લવારું પણ આપ્યું નથી. ૩૦ પણ વેશ્યાઓ ઉપર તમારી મિલકત ઉડાવી દેનાર આ તમારો દીકરો આવ્યો અને તમે તરત તેના માટે તાજો-માજો વાછરડો કાપ્યો.’ ૩૧ પિતાએ કહ્યું: ‘મારા દીકરા, તું હંમેશાં મારી સાથે છે. મારી બધી વસ્તુઓ તારી જ છે. ૩૨ પણ આજે તો આપણે આનંદ કરવો જોઈએ અને ખુશી મનાવવી જોઈએ. તારો ભાઈ મરણ પામ્યો હતો, પણ હવે જીવતો થયો છે. તે ખોવાઈ ગયો હતો, પણ હવે પાછો મળ્યો છે.’”