યહોવાહનો શબ્દ જીવંત છે
નીતિવચનોના મુખ્ય વિચારો
બાઇબલના જમાનામાં ઈસ્રાએલના રાજા સુલેમાને ‘ત્રણ હજાર સૂત્રો કે નીતિવચનો’ કહ્યાં હતાં. (૧ રાજાઓ ૪:૩૨) તેમણે લખેલા સુવાક્યો આપણને નીતિવચનોના પુસ્તકમાં વાંચવા મળે છે. એનું લખાણ લગભગ ઈ.સ. પૂર્વે ૭૧૭માં પૂરું થયું હતું. સુલેમાને લખેલા ઘણાં બધાં સુવાક્યો એમાં છે. એ પુસ્તકમાં ફક્ત છેલ્લા બે અધ્યાયો બીજા લેખકોએ લખ્યા હતા. ૩૦મો યાકેહના પુત્ર આગૂરે, અને ૩૧મો લમૂએલે. જોકે અમુકનું માનવું છે કે લમૂએલ એ જ સુલેમાનનું બીજું નામ છે.
નીતિવચનોના પુસ્તકમાં ઈશ્વરપ્રેરણાથી કહેવતો કે સુવાક્યો લખવામાં આવ્યાં છે. જેથી આપણને ઈશ્વરનું “જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય.” (નીતિવચનો ૧:૨) આ સુવાક્યો આપણને બુદ્ધિ પ્રાપ્ત કરવા મદદ કરે છે. આ બુદ્ધિથી આપણે કોઈ પણ બાબતને સારી રીતે સમજી શકીએ. પછી એ સમજણથી આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓને હલ કરી શકીએ. એનાથી આપણને સંયમ જાળવવા અને નીતિમય જીવન જીવવા મદદ મળે છે. નીતિવચનોમાં આપેલી સલાહને ધ્યાનમાં લઈશું તો એની આપણા દિલ પર ઊંડી અસર થશે. એનાથી આનંદ મળશે અને જીવનમાં સફળ થઈશું.—હેબ્રી ૪:૧૨.
‘જ્ઞાન પ્રાપ્ત કર અને શિખામણને મજબૂત પકડી રાખ’
સુલેમાને કહ્યું: “[ખરું] જ્ઞાન ગલીએ ગલીએ મોટેથી પોકારે છે.” (નીતિવચનો ૧:૨૦) આપણે કેમ એને ધ્યાનથી સાંભળવું જોઈએ? ઈશ્વરનું જ્ઞાન લેવાથી આવતા અનેક લાભો વિષે બીજો અધ્યાય જણાવે છે. યહોવાહ સાથે કેવી રીતે નાતો બાંધી શકાય એ વિષે ત્રીજો અધ્યાય જણાવે છે. સુલેમાન પછી કહે છે: “જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી સઘળી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર. શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.”—નીતિવચનો ૪:૭, ૧૩.
દુનિયાના ગંદા કે અનૈતિક કામોથી દૂર રહેવા આપણને શામાંથી મદદ મળશે? પાંચમો અધ્યાય એનો જવાબ આપે છે: સમજી-વિચારીને પગલાં લઈશું તો ગંદા કામોમાં ફસાવતા સંજોગોને આપણે સહેલાઈથી પારખી શકીશું. વ્યભિચાર કરવાથી કેવી ભારે કિંમત ચૂકવવી પડે છે એનો વિચાર કરો. છઠ્ઠો અધ્યાય આપણને ચેતવણી આપે છે કે કેવાં કામો, કૂટેવો કે વાણી-વર્તન કેળવવાથી યહોવાહ સાથેનો આપણો નાતો ખતરામાં મૂકાય છે. સાતમો અધ્યાય જણાવે છે કે વ્યભિચારીઓ કે વેશ્યાઓ કેવી રીતે લોકોનો શિકાર કરે છે. આઠમા અધ્યાયમાં જ્ઞાન કે વિવેક બુદ્ધિની શું કિંમત છે એ અસરકારક રીતે જણાવવામાં આવ્યું છે. આપણે કેમ સમજદાર બનવું જોઈએ? નવમો અધ્યાય, પાછલા આઠ અધ્યાયોનો સારાંશ આપે છે. આ અધ્યાયમાં એક સુંદર ઉદાહરણ છે, જે આપણને વિવેક બુદ્ધિ કેળવવા ઉત્તેજન આપે છે.
સવાલ-જવાબ:
૧:૭; ૯:૧૦—કઈ રીતે યહોવાહનો ભય એ “વિદ્યાનો” અને “જ્ઞાનનો [બુદ્ધિનો] આરંભ છે”? આપણને યહોવાહનો ડર ન હોય તો આપણી પાસે જ્ઞાન પણ ન હોય. કેમ કે તે આખી સૃષ્ટિના સર્જનહાર છે. અને તેમણે જ બાઇબલ આપ્યું છે. (રૂમી ૧:૨૦; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) યહોવાહ ખરાં જ્ઞાનના સાગર છે. તેમના માટે ઊંડું માન અને તેમનો ડર હશે તો જ આપણને સાચું જ્ઞાન મળશે. તે બદનામ ન થાય એવો ડર રાખવો એ બુદ્ધિનો આરંભ પણ છે. કેમ કે જ્ઞાન વગર બુદ્ધિ મળતી નથી. જેઓને યહોવાહનો ડર નથી, તેઓ યહોવાહનું નામ રોશન કરવા એ જ્ઞાન વાપરતા નથી.
૫:૩—અહીં વેશ્યાને કેમ ‘પરનારી’ કહે છે? નીતિવચનો ૨:૧૬, ૧૭ પ્રમાણે આ ‘પરનારી’ સ્ત્રી એવી છે જે ‘દેવની આગળ પોતે કરેલો કરાર વીસરી જાય છે.’ જે કોઈ માણસે બનાવેલા દેવોને ભજે છે, ઈશ્વરે મુસા દ્વારા ઈસ્રાએલને આપેલા નિયમોનો ત્યાગ કરે છે, કે પછી વેશ્યા બને છે તેઓને બાઇબલના જમાનામાં પારકાઓ કહેવામાં આવતા.—યિર્મેયાહ ૨:૨૫; ૩:૧૩.
૭:૧, ૨—“મારાં વચનો” ને ‘મારી આજ્ઞાઓમાં’ શાનો સમાવેશ થાય છે? એમાં બાઇબલના શિક્ષણની સાથે સાથે માબાપે કુટુંબના ભલા માટે બનાવેલા નીતિ-નિયમોનો પણ સમાવેશ થાય છે. બાળકોએ એ નિયમો પાળવા જોઈએ. તેમ જ માબાપ બાઇબલમાંથી જે શિખામણ આપે એ પણ સ્વીકારવી જોઈએ. એમ કરવાથી કુટુંબનું ભલું થશે.
૮:૩૦—અહીં “કુશળ કારીગર” કોણ છે? ઈસુ ખ્રિસ્ત. યહોવાહે સૌ પ્રથમ ઈસુ ખ્રિસ્તને ઉત્પન્ન કર્યા હતા. એ પણ ‘સૃષ્ટિક્રમના આરંભમાં.’ પછી સ્વર્ગદૂતો અને સર્વ સૃષ્ટિ બનાવી. કરોડો વર્ષો પછી ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો. (નીતિવચનો ૮:૨૨) ઈસુએ “કુશળ કારીગર” તરીકે સ્વર્ગદૂતો અને સર્વ સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં યહોવાહ સાથે કામ કર્યું હતું.—કોલોસી ૧:૧૫-૧૭.
૯:૧૭—‘ચોરેલું પાણી’ શું છે? અને એ કેમ “મીઠું” લાગે છે? બાઇબલ, લગ્નસાથી સાથે જાતીય સંબંધનો આનંદ માણવાને કૂવામાંથી કાઢેલા તાજા પાણી પીવા સાથે સરખાવે છે. તેથી ચોરેલું પાણી, પોતાના પતિ કે પત્ની સિવાય છૂપી રીતે બીજા કોઈની સાથે અનૈતિક જાતીય સંબંધ બાંધવાને બતાવે છે. (નીતિવચનો ૫:૧૫-૧૭) એના વિષે બીજા કોઈને ખબર ન હોવાથી એને મીઠાં પાણી સાથે સરખાવવામાં આવે છે.
આપણે શું શીખી શકીએ?
૧:૧૦-૧૪. દુષ્ટ લોકો આપણને અમીર બનાવવાના રસ્તાઓ બતાવે તોપણ આપણે એનાથી લલચાવું ન જોઈએ.
૩:૩. આપણે યહોવાહની કૃપા અને સત્યની બેહદ કદર કરવી જોઈએ. જેમ ગળામાં પહેરેલો અનમોલ મોતીનો હાર બધા જોઈ શકે છે તેમ, આપણા મોંમાંથી યહોવાહનું સત્ય બહાર આવવું જોઈએ. આ ગુણોને આપણે પોતાના હૃદયપટ પર લખી લેવા જોઈએ. એ આપણા જીવનનો એક ભાગ હોવા જોઈએ.
૪:૧૮. યહોવાહ આપણને ધીમે ધીમે સત્યની વધારે સમજણ આપી રહ્યા છે. તેમના સત્યના પ્રકાશમાં રહેવા એ ખૂબ જરૂરી છે કે આપણે નમ્ર રહીએ.
૫:૮. ગંદા કે અનૈતિક કામોને ઉત્તેજન આપતા સંગીત, ફિલ્મો, ઇંટરનેટ, પુસ્તકો અને મૅગેઝિનોથી દૂર રહેવા આપણે બનતું બધું જ કરવું જોઈએ.
૫:૨૧. શું યહોવાહના ભક્તોએ પલ બે પલની મોજ-મસ્તી માણવા તેમની સાથેનો નાતો કાપી નાખવો જોઈએ? જરાય નહિ! યહોવાહની નજરમાં નૈતિક રીતે શુદ્ધ રહેવા આપણી પાસે મહત્ત્વનું કારણ છે કે, યહોવાહ બધું જ જુએ છે. તે આપણી પાસેથી હિસાબ લેશે. એટલે નૈતિક રીતે શુદ્ધ રહેવા આપણે હંમેશાં બનતું બધું જ કરવું જોઈએ.
૬:૧-૫. વગર વિચાર્યે કોઈને ધંધા માટે પૈસા આપીને કે તેઓના જામીન થઈને આપણે દેવામાં ન ઊતરીએ એ માટે આ કલમો સુંદર સલાહ આપે છે! જો પછીથી ધ્યાનમાં આવે કે આપણે ભૂલ કરી છે તો, મોડું કર્યા વગર આપણા “પડોશીની આગળ નમી જઈને” તેને વારંવાર સમજાવવું જોઈએ. જેથી પૈસાને લગતા કોઈ પણ વચનમાંથી આપણે છૂટી શકીએ.
૬:૧૬-૧૯. અહીંયા જે સાત ખોટાં કામો વિષે જણાવ્યું છે એમાં લગભગ દરેક પ્રકારની બૂરાઈ આવી જાય છે. એવાં કામોને આપણે ધિક્કારવા જોઈએ.
૬:૨૦-૨૪. બચપણથી આપણે બાઇબલના શિક્ષણ પ્રમાણે મોટા થયા હોઈશું, તો એ આપણને વ્યભિચારની જાળમાં ફસાતા રોકશે. બાળકોને એ શિક્ષણ આપવામાં માબાપે કદી બેપરવા બનવું ન જોઈએ.
૭:૪. યહોવાહ પાસેથી આવતા શિક્ષણ અને બુદ્ધિ માટે આપણે પોતાના દિલમાં ભૂખ જગાડવી જોઈએ.
નીતિવચનો આપણને માર્ગદર્શન આપે છે
અધ્યાય ૧૦-૨૯માં નાનાં નાનાં સુવાક્યો છે. અમુક નીતિવચનો કે સુવાક્યોમાં બે એકદમ અલગ વિચાર બતાવ્યા છે, જ્યારે અમુકમાં એકબીજા સાથે મળતા વિચારો જણાવ્યા છે. અમુકમાં સરખામણી કરવામાં આવી છે. આપણા વાણી-વર્તન અને સ્વભાવ વિષે એ નીતિવચનો ઘણું શીખવે છે.
અધ્યાયો ૧૦-૨૪ ભાર આપીને જણાવે છે કે આપણે યહોવાહનો ડર રાખીને ચાલીએ, જેથી આપણા વાણી-વર્તનથી તેમને દુઃખ ન પહોંચે. ૨૫-૨૯ અધ્યાયોના નીતિવચનોનો “ઉતારો યહુદાહના રાજા હિઝ્કીયાહના માણસોએ કર્યો હતો.” (નીતિવચનો ૨૫:૧) એ નીતિવચનો આપણને યહોવાહ પર પૂરો ભરોસો રાખતા અને બીજા મહત્ત્વના બોધપાઠ શીખવે છે.
સવાલ-જવાબ:
૧૦:૬—કઈ રીતે “દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું છે”? તે કદાચ મીઠું મીઠું બોલીને બીજાને નુકસાન કરવા પોતાના દિલના ઇરાદાને ઢાંકી દે છે. અથવા દુષ્ટ વ્યક્તિ પોતે જે વાવે છે એ જ લણે છે. એટલે તેઓ કદાચ શાંત થઈ જતા હોઈ શકે.
૧૦:૧૦—“આંખથી મીંચકારા કરનાર” કઈ રીતે બીજાને દુઃખ પહોંચાડે છે? “લુચ્ચો તથા દુષ્ટ માણસ” ફક્ત “આડે મોઢે” બોલતો નથી પણ તે પોતાના હાથ, પગ કે ‘આંખોથી ઇશારા કરીને’ પોતાના ઇરાદાને છુપાવે છે. (નીતિવચનો ૬:૧૨, ૧૩) આવી છેતરપિંડી બીજાને ઘણું દુઃખ પહોંચાડીને તેમની શાંતિ છીનવી લે છે.
૧૦:૨૯—“યહોવાહનો માર્ગ” શું છે? મનુષ્ય સાથે યહોવાહ જે રીતે વ્યવહાર કરે એને અહીં યહોવાહનો માર્ગ કહેવામાં આવે છે. નહિ કે આપણને પસંદ પડે એ માર્ગ. મનુષ્યો સાથે તેમનો વ્યવહાર બતાવે છે કે તે સારા લોકોનું રક્ષણ કરે છે. પણ દુષ્ટોનો વિનાશ કરશે.
૧૧:૩૧—દુષ્ટને નેકીવાન કરતાં પણ વધારે બદલો કેમ મળશે? જોકે એ બદલો કંઈ આશીર્વાદ નથી. પણ તેઓના કામો પ્રમાણે સજા છે. નેકીવાન જ્યારે કંઈ ખોટું કરે છે ત્યારે તેને એ પ્રમાણે સજા, ઠપકો કે સલાહ આપવામાં આવે છે. પણ દુષ્ટ તો જાણીજોઈને પાપ કરતો રહે છે. તે સુધરવા તૈયાર નથી. તેથી તેને એ પ્રમાણે વધારે સજા મળે છે. અને તે એને જ યોગ્ય છે.
૧૨:૨૩—એક વ્યક્તિ કઈ રીતે “પોતાની વિદ્યાને ઢાંકી” દે છે? એનો એવો અર્થ નથી કે તે વિદ્યાને સાવ જ ઢાંકી દે છે, એનો ઉપયોગ જ કરતા નથી. એનો અર્થ એમ થાય કે તે સમજી-વિચારીને વિદ્યા વાપરે છે. બડાઈ મારીને એનો ખોટો દેખાડો કરતા નથી.
૧૮:૧૯, IBSI—દુભાયેલા ભાઈનું મન જીતવું એ કિલ્લાવાળાં નગરને જીતવા કરતાં કઈ રીતે અઘરું છે? કિલ્લાવાળા નગરને જીતવું મુશ્કેલ છે. એ જ રીતે દુભાયેલા ભાઈને મનાવવો સહેલું નથી. તે બીજાની ભૂલને માફ કરતો નથી. તેઓના ઝઘડાને કારણે, તેઓ વચ્ચે “લોખંડી દરવાજા” જેવી દીવાલ ઊભી થઈ શકે.
આપણે શું શીખી શકીએ?
૧૦:૧૧-૧૪. આપણા દિલમાં યહોવાહનું સત્ય, અને ભાઈ-બહેનો માટે ખરો પ્રેમ હશે તો આપણે સમજી-વિચારીને બીજાને ઉત્તેજન મળે એ રીતે બોલવા પ્રેરાઈશું.
૧૦:૧૯; ૧૨:૧૮; ૧૩:૩; ૧૫:૨૮; ૧૭:૨૮. આપણે સમજી-વિચારીને જરૂર પૂરતું જ બોલવું જોઈએ.
૧૧:૧; ૧૬:૧૧; ૨૦:૧૦, ૨૩. યહોવાહ ચાહે છે કે આપણે વેપાર-ધંધામાં પ્રમાણિકપણે વર્તીએ.
૧૧:૪. બાઇબલ વાંચન, મિટિંગમાં જવું, પ્રાર્થના કરવી, અને પ્રચાર કામના ભોગે આપણે પૈસા બનાવવા પાછળ પડી જઈએ તો, એ મૂર્ખતા કહેવાય.
૧૩:૪. મંડળમાં ભારે જવાબદારી ઉપાડવાની કે નવી દુનિયામાં રહેવાની ‘ઇચ્છા’ રાખવી જ પૂરતી નથી. પણ સાથે સાથે આપણે બતાવવું જોઈએ કે જવાબદારી ઉપાડવા અને નવી દુનિયામાં રહેવા આપણે બનતું બધું જ કરી રહ્યા છીએ.
૧૩:૨૪; ૨૯:૧૫, ૨૧. માબાપ પોતાનાં બાળકને સાચે જ ચાહતા હોય તો તેઓ તેને વધુ પડતા લાડ-પ્યારમાં ઉછેરીને બગાડશે નહિ. તેમ જ તેની ભૂલોને પણ આંખ આડા કાન નહિ કરે. એના બદલે, બાળકના દિલમાં આવા કોઈ અવગુણો ઘર કરી જાય એ પહેલાં જ મા કે બાપ એને દૂર કરવા ખૂબ જ પ્રયત્ન કરશે.
૧૪:૧૦. આપણે હંમેશાં બીજાઓને પોતાની લાગણીઓ જણાવી શકતા નથી. બીજાઓ પણ આપણી ભાવનાઓને પૂરી રીતે સમજી શકશે નહિ. તેથી તેઓ બધી જ રીતે આપણને પૂરો દિલાસો આપી શકતા નથી. એટલે અમુક તકલીફો સહેવા આપણે યહોવાહ પાસેથી જ મદદ માગવી જોઈએ. તે જ આપણને મદદ કરી શકે છે.
૧૫:૭. ખેડૂત એક જ જગ્યામાં બધાં બી કદી પણ વાવતો નથી. એ જ રીતે આપણે કોઈને એક સાથે બધું જ કહી દેવું ન જોઈએ. સમજુ વ્યક્તિ જરૂર મુજબ થોડું થોડું પોતાનું જ્ઞાન ફેલાવશે.
૧૫:૧૫; ૧૮:૧૪. આપણે હંમેશાં સારું વિચારતા રહીશું તો દુઃખના સમયે પણ ખુશ રહેવા મદદ મળશે.
૧૭:૨૪. મૂર્ખની આંખો ને મગજ મહત્ત્વના કામ સિવાય બીજે બધે ભમતા હોય છે. પરંતુ આપણે એમ ન કરવું જોઈએ. આપણે સમજી-વિચારીને વર્તવું જોઈએ, જેથી બુદ્ધિમાન બની શકીએ.
૨૩:૬-૮. દેખાડો કરવા આપણે કદી પરોણાગત બતાવવી ન જોઈએ.
૨૭:૨૧. આપણા વખાણ કરવામાં આવે ત્યારે દેખાઈ આવવું જોઈએ કે આપણે કેવા છીએ. આપણા વખાણ કરવામાં આવે ત્યારે આપણે નમ્ર હોઈશું તો, એ યશ યહોવાહને આપીશું. આપણને તેમની સેવા કરવા ઉત્તેજન મળશે. આપણે નમ્ર નહિ હોઈએ તો કોઈ આપણા વખાણ કરશે ત્યારે ફુલાઈ જઈશું.
૨૭:૨૩-૨૭. અહીંયા ભરવાડોના જીવનનો દાખલો આપીને આ કલમો બતાવે છે કે મહેનત કરવાથી અને સાદું જીવન જીવવાથી દિલને ખરો સંતોષ મળે છે. આ કલમો આપણે દિલ પર કોતરી લેવી જોઈએ. એ જણાવે છે કે યહોવાહ પર પૂરેપૂરા નિર્ભર રહેવું કેટલું જરૂરી છે.a
૨૮:૫. આપણે જાતે બાઇબલ વાંચીને, એના પર મનન કરીને ‘યહોવાહને શોધીશું,’ તો આપણે ‘સઘળી બાબતો સમજી’ શકીશું. એટલે કે આપણે સમજી શકીશું કે તેમને કેવી ભક્તિ પસંદ છે.
મહત્ત્વનો સંદેશો
નીતિવચનોનું પુસ્તક બે મહત્ત્વના સંદેશા સાથે પૂરું થાય છે. (નીતિવચનો ૩૦:૧; ૩૧:૧) પહેલા સંદેશામાં આગૂરે એવું ઉદાહરણ વાપર્યું જેથી આપણે એનો વિચાર કરીને એનું મહત્ત્વ સમજી શકીએ. તેમનો સંદેશો જણાવે છે કે લાલચની ભૂખ કદી મટતી નથી. અને એક માણસ કેવી રીતે કોઈ કુંવારી કન્યાને ધીમે ધીમે પોતાની જાળમાં ફસાવે છે.b એમાં એ ચેતવણી પણ આપી છે કે આપણે પોતાને વધુ પડતા મહાન ન ગણીએ. કોઈની પણ સાથે ગુસ્સે થઈને ન બોલીએ.
બીજો સંદેશો લમૂએલની માએ તેમને આપ્યો હતો. એમાં દારૂ કે વાઇન પીવા બાબત અને સચ્ચાઈથી ન્યાય કરવા વિષે મહત્ત્વની સલાહ આપી છે. પછી છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ સારી પત્ની વિષે આમ જણાવે છે: “તેના હાથની પેદાશમાંથી તેને આપો; અને તેનાં કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ.”—નીતિવચનો ૩૧:૩૧.
આપણે યહોવાહ પાસેથી જ્ઞાન કે ડહાપણ મેળવતા રહીએ. તેમ જ શિખામણ, ઠપકો, શિસ્ત સ્વીકારતા રહીએ. ઈશ્વરનો ડર રાખીએ જેથી આપણા વાણી-વર્તનથી તેમનું નામ બદનામ ન થાય. તેમના પર પૂરો આધાર રાખીએ. આ નીતિવચનોનું પુસ્તક યહોવાહ પાસેથી આવ્યું છે. એ આપણને કેવો અમૂલ્ય બોધપાઠ આપે છે! ચાલો આપણે એમાં આપેલી સલાહ દિલમાં ઉતારીએ. એમ કરવાથી આપણે પણ ‘યહોવાહની આજ્ઞાઓ પાળવામાં ખુશી’ અનુભવીશું.—ગીતશાસ્ત્ર ૧૧૨:૧. (w 06 9/15)
[ફુટનોટ્સ]
a ઑગસ્ટ ૧, ૧૯૯૧નું વૉચટાવર, પાન ૩૧ જુઓ.
b ઑગસ્ટ ૧, ૧૯૯૨નું ચોકીબુરજ, પાન ૩૧ જુઓ.
[પાન ૪ પર ચિત્રો]
બધું જ ખરું જ્ઞાન યહોવાહ પાસેથી આવે છે
[પાન ૬ પર ચિત્ર]
‘જ્ઞાનનો ફેલાવો કરવાનો’ શું અર્થ થાય?