યર્મિયા
૩ લોકો પૂછે છે: “જો કોઈ પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તે બીજા કોઈની પત્ની થાય, તો શું પેલો પુરુષ તે સ્ત્રી પાસે પાછો જશે?”
શું આ દેશ પૂરેપૂરો ભ્રષ્ટ થઈ ગયો નથી?+
યહોવા કહે છે, “તેં ઘણા પુરુષો સાથે વ્યભિચાર કર્યો છે.+
હવે તું મારી પાસે પાછી આવવા માંગે છે?
૨ જરા ડુંગરો પર નજર કર.
શું એવી એકેય જગ્યા બાકી છે, જ્યાં તારા પર બળાત્કાર થયો ન હોય?
વેરાન પ્રદેશમાં રઝળતા વણઝારાની* જેમ
તું રસ્તાની કોરે તેઓ માટે બેસી રહેતી.
તારા વ્યભિચાર અને દુષ્ટ કામોથી
તું દેશને ભ્રષ્ટ કરતી રહે છે.+
વ્યભિચાર કરતી પત્નીની જેમ તું બેશરમ થઈને વર્તે છે.*
તને જરાય લાજ-શરમ નથી.+
૪ પણ હવે તું મને પોકારીને કહે છે,
‘મારા પિતા, મારી યુવાનીથી તમે મારા મિત્ર છો!+
૫ શું તમે કાયમ ગુસ્સે રહેશો?
હંમેશાં મનમાં ખાર ભરી રાખશો?’
તું એવું કહે તો છે,
પણ તારાથી થાય એ બધાં દુષ્ટ કામો તું કરતી રહે છે.”+
૬ યોશિયા+ રાજાના દિવસોમાં યહોવાએ મને કહ્યું: “‘બેવફા ઇઝરાયેલે જે કર્યું એ તેં જોયું? તેણે દરેક ઊંચા પહાડ પર અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે વ્યભિચાર કર્યો છે.+ ૭ ભલે તેણે એ બધું કર્યું, છતાં હું તેને મારી પાસે બોલાવતો રહ્યો,+ પણ તે આવી નહિ. યહૂદા પોતાની બંડખોર બહેનને જોતી રહી.+ ૮ મેં જોયું કે બેવફા ઇઝરાયેલે વ્યભિચાર કર્યો છે,+ એટલે મેં તેને છૂટાછેડાનું લખાણ આપીને મોકલી દીધી.+ એ જોયા છતાં તેની બંડખોર બહેન યહૂદા જરાય ગભરાઈ નહિ. તેણે પણ જઈને વ્યભિચાર કર્યો.+ ૯ તેને* વ્યભિચાર કરવામાં કંઈ ખોટું દેખાયું નહિ. તે દેશને ભ્રષ્ટ કરતી રહી. તે પથ્થરો અને વૃક્ષો સાથે વ્યભિચાર કરતી રહી.+ ૧૦ આ બધું થયા છતાં તેની બંડખોર બહેન યહૂદા પૂરા દિલથી મારી પાસે પાછી ફરી નહિ. તે બસ પાછા ફરવાનો ઢોંગ કરતી હતી,’ એવું યહોવા કહે છે.”
૧૧ યહોવાએ મને કહ્યું: “બંડખોર યહૂદા કરતાં બેવફા ઇઝરાયેલના અપરાધ ઓછા છે.+ ૧૨ જા, તું ઉત્તરમાં જઈને આ સંદેશો જાહેર કર:+
“‘યહોવા કહે છે, “હે બળવાખોર ઇઝરાયેલ, પાછી ફર.”’+ ‘“હું તને ગુસ્સે થઈને જોઈશ નહિ,+ કેમ કે હું વફાદાર છું,” એવું યહોવા કહે છે.’ ‘“હું કાયમ ગુસ્સે રહીશ નહિ. ૧૩ તારો અપરાધ કબૂલ કર, કેમ કે તેં તારા ઈશ્વર યહોવા સામે બળવો કર્યો છે. દરેક ઘટાદાર વૃક્ષ નીચે તેં અજાણ્યા પુરુષો* સાથે સંબંધ બાંધ્યો છે. તેં મારું જરાય સાંભળ્યું નહિ,” એવું યહોવા કહે છે.’”
૧૪ યહોવા કહે છે, “હે બળવાખોર દીકરાઓ, પાછા ફરો. હું તમારો ખરો માલિક* બન્યો છું. હું દરેક શહેરમાંથી એકને અને દરેક કુટુંબમાંથી બેને ભેગા કરીશ અને સિયોન લઈ જઈશ.+ ૧૫ હું તમને એવા ઘેટાંપાળકો આપીશ, જે મારી ઇચ્છા* પ્રમાણે કરશે.+ તેઓ જ્ઞાન અને સમજણથી તમારું પાલન-પોષણ કરશે. ૧૬ એ દિવસોમાં તમારી સંખ્યા દેશમાં વધતી ને વધતી જશે,” એવું યહોવા કહે છે.+ “તેઓ ફરી કદી બોલશે નહિ, ‘યહોવાનો કરારકોશ!’* એનો વિચાર પણ તેઓના મનમાં નહિ આવે. તેઓ એને યાદ નહિ કરે કે તેઓને એની ખોટ નહિ સાલે. એને ફરી કદી બનાવવામાં પણ નહિ આવે. ૧૭ એ સમયે તેઓ યરૂશાલેમને યહોવાની રાજગાદી કહેશે.+ યહોવાના નામની સ્તુતિ કરવા બધી પ્રજાઓને યરૂશાલેમમાં ભેગી કરવામાં આવશે.+ તેઓ અક્કડ વલણ છોડી દેશે અને ફરી કદી પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે ચાલશે નહિ.”
૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+ ૧૯ મેં વિચાર્યું, ‘મેં તને મારા દીકરાઓમાં ગણી, તને સૌથી ઉત્તમ દેશ આપ્યો. એ સુંદર દેશ તને વારસા તરીકે આપ્યો, જેની ઝંખના પ્રજાઓ* રાખે છે.’+ મને હતું કે તું મને ‘મારા પિતા’ કહીને બોલાવીશ અને મારી પાછળ ચાલવાનું ક્યારેય નહિ છોડે. ૨૦ ‘પણ જેમ એક પત્ની બેવફા બનીને પોતાના પતિને* છોડી દે છે, તેમ હે ઇઝરાયેલ,* તું મને બેવફા બની છે,’+ એવું યહોવા કહે છે.”
૨૧ ડુંગરો પર અવાજ સંભળાય છે,
ઇઝરાયેલના લોકોનો વિલાપ અને કાલાવાલા સંભળાય છે.
તેઓ અવળે માર્ગે ચાલ્યા છે.
તેઓ પોતાના ઈશ્વર યહોવાને ભૂલી ગયા છે.+
૨૨ “હે બંડખોર દીકરાઓ, પાછા ફરો.
હું તમારું બંડખોર વલણ સુધારીશ.”+
તેઓ કહેશે: “જુઓ! અમે તમારી પાસે પાછા આવ્યા છીએ,
કેમ કે હે યહોવા, તમે અમારા ઈશ્વર છો.+
૨૩ અમે ટેકરીઓ અને પર્વતો પર શોરબકોર કરીને પોતાને છેતર્યા છે.+
અમારા ઈશ્વર યહોવા જ ઇઝરાયેલના તારણહાર છે.+
૨૪ નિર્લજ્જ દેવ* અમારી યુવાનીથી અમારા બાપદાદાઓની મહેનતનું ફળ ખાઈ ગયો.+
તે તેઓનાં ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને દીકરા-દીકરીઓ પણ ખાઈ ગયો.