યહોવાહના નિયમોથી—જીવન ખીલી ઊઠે છે
પ્રેષિત પાઊલે કહ્યું કે ‘આપણા યહોવાહ કેવા અદ્ભુત છે! તેમની બુદ્ધિ અને જ્ઞાન કેવા અગાધ છે! તેમના નિર્ણયો અને તેમના માર્ગો આપણે માટે કેવા અગમ્ય છે!’ (રોમન ૧૧:૩૩, IBSI) તેમ જ, વિશ્વાસુ અયૂબે પણ કહ્યું: ‘યહોવાહ તો જ્ઞાની છે.’ (અયૂબ ૯:૪) હા, દરેકને બનાવનાર યહોવાહમાં અજોડ બુદ્ધિ છે. પરંતુ, તેમણે બાઇબલમાં આપેલા નિયમો વિષે શું?
ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮) આ શબ્દોની શક્તિ રાજા સુલેમાન સારી રીતે જાણતા હતા. તેથી જ તેમણે કહ્યું: “મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.” (નીતિવચનો ૧૩:૧૪) રાજા સુલેમાને, નીતિવચનોના ૧૩માં અધ્યાયની પહેલી ૧૩ કલમોમાં બતાવ્યું કે, આપણે કઈ રીતે બાઇબલના નિયમો પ્રમાણે જીવી શકીએ. તેમ જ, જીવનને મુશ્કેલીમાં મૂકી દેતી બાબતોથી આપણે કઈ રીતે દૂર રહી શકીએ!
શિખામણ લેવા તૈયાર રહો
નીતિવચનો ૧૩:૧ કહે છે: “ડાહ્યો દીકરો પોતાના બાપની શિખામણ માને છે; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી.” એક દીકરાને પિતાની શિખામણ સારી અથવા કડક લાગી શકે. જો કે આ શિખામણ તેના ભલા માટે છે. પરંતુ, જો તે આ શિખામણને ધ્યાન ન આપે, તો એ શિક્ષા બની જાય છે. જે દીકરો પિતાની શિખામણને કાન ધરે છે તે સુખી થાય છે.
બાઇબલ કહે છે: “પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે. અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે.” (હિબ્રૂ ૧૨:૬, પ્રેમસંદેશ) આપણા પિતા યહોવાહ બાઇબલ દ્વારા આપણને શિખામણ આપે છે. આપણે બાઇબલની એ શિખામણને વળગી રહીએ. યહોવાહ જે કંઈ શીખવે છે એ આપણા ભલા માટે જ શીખવે છે.—યશાયાહ ૪૮:૧૭.
આપણને શિખામણ ઘણી રીતે મળે છે. જેમ કે, આપણે યહોવાહની સેવામાં ડગમગી ન જઈએ, એ માટે ભાઈ-બહેનો બાઇબલમાંથી સલાહ આપે છે. એ સલાહ ભાઈ કે બહેન તરફથી છે એમ નહિ, પણ ખુદ યહોવાહ તરફથી આવી છે એમ માનવું જોઈએ. આપણે એ સલાહ મનમાં ઠસાવીને એ પ્રમાણે નિર્ણયો લઈએ છીએ, ત્યારે એ આપણને જ લાભ કરે છે. તેમ જ, એ સલાહ પાળવાથી આપણે બાઇબલની ઊંડી સમજણ મેળવીશું અને આપણી ભૂલો પણ સુધારી શકીશું. એ જ રીતે, નિયમિત મિટિંગોમાં જવાથી અને બાઇબલને લગતા સાહિત્ય વાંચવાથી પણ આપણને ઘણી શિખામણ મળે છે. એ સલાહ ફક્ત વાંચવાથી જ નહિ, પણ પોતાના જીવનમાં ઉતારવાથી આપણને ફાયદો થશે.
પરંતુ, મૂર્ખ વ્યક્તિને શિખામણ જરાય ગમતી નથી. તે વિચારે છે કે ‘હું બધું જ જાણું છું, મને કંઈ શીખવવાની જરૂર નથી’ એમ એક પુસ્તક જણાવે છે. અરે, આવી વ્યક્તિને તો કોઈ ઠપકારી નાખે તોપણ તેઓ આંખ આડા કાન કરતા હોય છે. પરંતુ, શું કોઈ મૂર્ખ વ્યક્તિ યહોવાહની શિખામણને ખોટી પાડી શકે ખરો? ના, યહોવાહની શિખામણ કદી ખોટી પડી નથી અને પડશે પણ નહિ. આવી સુંદર શિખામણને તુચ્છ ગણીને તે પોતાને મૂર્ખ જ બનાવે છે. ખરેખર, રાજા સુલેમાન ઘણું જ કહી જાય છે કે, આપણે હંમેશાં શિખામણને મનમાં ઠસાવી રાખીએ.
જીભને કાબૂમાં રાખો
આપણી વાણી કેવી હોવી જોઈએ એ વિષે બાઇબલ ખૂબ જ સુંદર સલાહ આપે છે. ઈસ્રાએલના રાજા વાણીને એક સારા ફળ આપતા ઝાડ સાથે સરખાવે છે. તે કહે છે: “માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ વેઠશે.” (નીતિવચનો ૧૩:૨) આ કલમ કહેવા માંગે છે કે માણસ જેવું બોલે છે એવું જ પામે છે. તેથી, આપણે બોલતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. એક સ્કૉલર કહે છે: “જો વ્યક્તિ પોતાના પડોશીઓ સાથે નમ્રતાથી બોલે અને મિત્રભાવ રાખે તો, તે ચોક્કસ સારું ખાશે, આનંદ કરશે અને શાંતિમાં રહેશે.” પરંતુ, કપટી કે દગાબાજ વ્યક્તિ આવી શાંતિ ભોગવતો નથી. તેને તો બસ કઈ રીતે કોઈકનું પડાવી લેવું કે વ્યક્તિને દુઃખ પહોંચાડવું તેની જ પડી હોય છે. પણ એમ કરવાથી તે પોતાની જ બિછાવેલી જાળમાં ફસાય છે. હવે, મોત તેને આંગણે આવી ગયું છે!
સુલેમાન આગળ કહે છે: “પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે.” (નીતિવચનો ૧૩:૩) જે વ્યક્તિ ગમે તેમ બોલે છે તેને ફક્ત બદનામી જ મળે છે. એટલું જ નહિ, પણ તે લોકોનું મનદુઃખ કરે છે. અરે, તેનું પોતાનું જીવન પણ નર્યા દુઃખોથી ભરેલું હોય છે. આવી વ્યક્તિ યહોવાહને જરાય ગમતી નથી. એક દિવસ તેઓએ ચોક્કસ યહોવાહને જવાબ આપવો પડશે. (માત્થી ૧૨:૩૬, ૩૭) તેથી, જીભ પર લગામ રાખવાથી આપણે પોતાનું જીવન નાશમાંથી બચાવી શકીશું. પરંતુ, આપણે પોતાની જીભને કઈ રીતે કાબૂમાં રાખી શકીએ?
એક સાદી રીત છે કે આપણે વધારે પડતું ન બોલ બોલ ન કરીએ. બાઇબલ કહે છે: “વધારે પડતું બોલશો નહિ. તમારી જીભ પર લગામ રાખો.” (નીતિવચનો ૧૦:૧૯, IBSI) બીજી રીત એ છે કે બોલતા પહેલાં બે વખત વિચારીએ. રાજા સુલેમાન આગળ જણાવે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” (નીતિવચનો ૧૨:૧૮) તેથી, જો કોઈ વગર વિચાર્યું બોલે તો, તે પોતાનું તેમ જ તેના સાંભળનારનું પણ મનદુઃખ કરે છે. એટલા માટે, બાઇબલ સુંદર સલાહ આપે છે: “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.”—નીતિવચનો ૧૫:૨૮.
મહેનત કરો
સુલેમાને કહ્યું: “આળસુ માણસ ઘણું મેળવવાની આશા રાખે છે, પણ થોડું જ પ્રાપ્ત કરે છે, જ્યારે ઉદ્યમીની આબાદી થાય છે.” (નીતિવચનો ૧૩:૪, IBSI) એક પુસ્તક જણાવે છે: “[આ નીતિવચન] એમ કહેવા માંગે છે કે ફક્ત ઇચ્છા રાખવી એ પવનમાં બાચકાં ભરવા બરાબર છે, પણ જાત મહેનત ઝિંદાબાદ છે. આળસુ લોકો ફક્ત સપનાના મહેલ બાંધતા હોય છે, મહેનત કરતા નથી.” જ્યારે કે, મહેનતનાં ફળ મીઠાં હોય છે.
વળી, એવા પણ લોકો હોય છે જેઓ જવાબદારીથી ગભરાતા હોય છે. તેથી, તેઓ યહોવાહની સેવા કરતા અચકાય છે. તેઓ વિષે શું? તેઓને નવી દુનિયામાં રહેવું તો ગમે છે. પરંતુ, એ દુનિયામાં જવા માટે શું તેઓ મહેનત કરવા તૈયાર છે? “મોટી વિપત્તિમાંથી” જેઓ બચશે, તેઓની જવાબદારી છે કે તેઓ ઈસુએ આપેલા બલિદાનમાં વિશ્વાસ મૂકે. તેમ જ બાપ્તિસ્મા લઈ, યહોવાહની સેવા કરવા હંમેશાં તૈયાર રહે.—પ્રકટીકરણ ૭:૧૪, ૧૫.
એ જ રીતે, મંડળની દેખરેખ રાખવી, એ પણ એક જવાબદારી છે. જો કોઈ ભાઈ વડીલ બનવા ચાહે તો એ સારું કરે છે. બાઇબલ પણ એને ઉત્તેજન આપે છે. (૧ તીમોથી ૩:૧) પરંતુ, ફક્ત ઇચ્છા રાખવી જ પૂરતી નથી. એ માટે સારા ગુણો જરૂરી છે. તેમ જ, મંડળની દેખરેખ રાખવાની આવડત પણ પોતામાં હોવી જોઈએ. એમ કરવામાં ખૂબ જ મહેનત માંગી લે છે.
સત્ય આપણું રક્ષણ કરે છે
ન્યાયી વ્યક્તિ યહોવાહને પસંદ હોય એવા ગુણો કેળવે છે. જેમ કે, તે જાણે છે કે યહોવાહને જૂઠ પસંદ નથી. તેથી, તે હંમેશાં સાચું જ બોલે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯; કોલોસી ૩:૯) સુલેમાને કહ્યું: “સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને ફજેત થાય છે.” (નીતિવચનો ૧૩:૫) હકીકતમાં, ન્યાયી વ્યક્તિ જૂઠને ધિક્કારે છે. તે બરાબર જાણે છે કે જૂઠું બોલવાથી એકબીજા સાથેના સંબંધમાં તરાડ પડે છે. વધુમાં તો જે વ્યક્તિ જૂઠું બોલે છે તેની ઇજ્જતનો કચરો થઈ જાય છે. આમ, દુષ્ટ વ્યક્તિ જૂઠું બોલીને અથવા તો શરમથી માથું ઝૂકી જાય એવું કંઈ કરીને, પોતાનું નામ બદનામ કરે છે.
યહોવાહને પસંદ છે એવા કાર્યો કરવાથી કયા લાભો થાય છે, એ રાજા સુલેમાને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. તે કહે છે: “સદાચાર યથાર્થી [ન્યાયી] માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઊથલાવી નાખે છે.” (નીતિવચનો ૧૩:૬) સત્ય એક કિલ્લાની જેમ વ્યક્તિનું રક્ષણ કરે છે. પણ દુષ્ટતા તેનું જીવવું હરામ કરી નાખે છે.
ઢોંગ ન કરો
માણસના સ્વભાવ વિષે રાજા સુલેમાન કહે છે: “કેટલાક લોકો પૈસાદાર હોવા છતાં કંગાળ હોય છે, તો કેટલાક વળી ગરીબ હોવા છતાં અતિશય ધનાઢય હોય છે.” (નીતિવચનો ૧૩:૭, IBSI) ઘણી વખત વ્યક્તિઓ ઢોંગ કરતા હોય છે અથવા નકાબ લગાવીને ફરતા હોય છે. ઘણા ગરીબ લોકો અમીર હોવાનો ઢોંગ કરતા હોય છે જેથી સમાજમાં તેમનું નામ અને ઇજ્જત જળવાઈ રહે. જ્યારે કે, અમીર વ્યક્તિ પોતાની માલ-મિલકત છુપાવવા માટે ગરીબ હોવાનો ઢોંગ કરતી હોય છે.
તેથી, ખોટો દેખાડો સારો નથી અને છાનું-છૂપું રાખવું એ પણ સારું નથી. આપણી આવક ઓછી હોય છતાં અમીર હોવાનો ઢોંગ કરીને, મન ફાવે એમ મોંઘીદાટ વસ્તુઓ પર પૈસા ખર્ચીશું, તો એ આપણી જ ખુશીઓ ઝૂંટવી લેશે. તેમ જ, કુટુંબમાં જે જરૂરી વસ્તુઓ છે એમાં આપણે પૈસા નહિ ખર્ચીએ. એનાથી વિરુદ્ધ, વ્યક્તિ અમીર હોવા છતાં ગરીબ છે એમ બતાવશે તો એ કંજૂસ બનતી જશે. તેની સમાજમાં માન-મર્યાદા રહેતી નથી. તેમ જ, આપવાથી જે ખુશી મળે છે એનું સુખ પણ તે ભોગવી શકતો નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) ખરેખર, પ્રમાણિકતા સારા જીવનનો પાયો છે.
સાદું જીવન જીવો
સુલેમાન કહે છે: “ગરીબ માણસને પોતાનું અપહરણ થાય અને પોતાના છુટકારા માટે મૂલ્ય ચૂકવવું પડે તેવી કોઈ ચિંતા નથી.” (નીતિવચનો ૧૩:૮, IBSI) આ કલમ શું કહેવા માંગે છે?
જો કે ધનવાન હોવામાં કંઈ વાંધો નથી. પરંતુ, પૈસાથી આપણને કોઈ ગૅરંટી મળી જતી નથી કે, જીવનમાં કોઈ તકલીફ જ નહિ પડે. આજે આપણે એકદમ ભયંકર દિવસોમાં જીવી રહ્યા છે. એવા સમયે, ધનવાન લોકો જીવના જોખમે જીવતા હોય છે. ઘણી વખતે અમીર લોકોનું અપહરણ કરવામાં આવે છે. તેમ જ, પોતાની અને પોતાના કુટુંબની જાન બચાવવા મોટી રકમ આપવી પડે છે. અરે, ઘણી વખતે તો મોટી રકમ આપી હોવા છતાં પણ, જે વ્યક્તિનું અપહરણ કર્યું હોય તેને મારી નાખવામાં આવે છે. તેથી, અમીર લોકો હંમેશાં જાણે તલવારની ધાર પર જીવતા હોય છે.
જ્યારે કે જે ગરીબ છે તેને આવી કોઈ જ ચિંતા હોતી નથી. જો કે અમીરની જેમ ગરીબનું જીવન સુખ-સગવડભર્યું નહિ હોય. પરંતુ, તે અપહરણ થવાથી બચી જાય છે. તેથી, પૈસા પાછળ આંધળી દોટ ન મૂકીને, જીવન સાદું રાખવાથી આ એક ફાયદો થાય છે.—૨ તીમોથી ૨:૪.
ન્યાયીનું જીવન પ્રકાશથી ઝળહળે છે
સુલેમાન આગળ જણાવે છે કે, યહોવાહને પસંદ છે એવું જીવન જીવવાથી કઈ રીતે આપણને જ ફાયદો થાય છે. તે કહે છે: “સદાચારીનું જીવન પ્રકાશથી ઝળહળતું હોય છે, પણ પાપીનો માર્ગ અંધકારમય અને ગમગીન હોય છે.”—નીતિવચનો ૧૩:૯, IBSI.
આપણું જીવન પ્રકાશ પર નભે છે. તેથી જ બાઇબલ કહે છે: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) ખરેખર, બાઇબલ યહોવાહના અનંત જ્ઞાન અને ડહાપણ વિષે જણાવે છે. જેમ જેમ આપણે યહોવાહ વિષે શીખતા જઈશું, તેમ તેમ આપણું જ્ઞાન વધતું જશે જે જીવનમાં આપણને સાચું માર્ગદર્શન આપશે. ખરેખર, એ જાણીને કેટલી ખુશી થાય છે! તો પછી, શા માટે આપણે આ જગતનું જ્ઞાન, “જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે” એની પાછળ પડવું જોઈએ?—૧ તીમોથી ૬:૨૦; ૧ કોરીંથી ૧:૨૦; કોલોસી ૨:૮.
દુષ્ટ વ્યક્તિનો દીવો ભલે ઝળહળતો દેખાય, પણ એ પળવારમાં હોલવાય જશે. તેનું જીવન એવું અંધકારમાં ડૂબી જશે કે તે ડગલેને પગલે ઠોકર ખાશે. સૌથી મહત્ત્વનું તો તેને “ભવિષ્ય માટે કોઈ આશા નથી.”—નીતિવચનો ૨૪:૨૦, IBSI.
તો પછી, જો આપણે કોઈ બાબતમાં ફસાઈ જઈએ તો શું કરવું જોઈએ? વળી, એ આપણા હાથ બહારની વાત હોય તો શું કરવું જોઈએ? એ માટે નીતિવચનો ૧૩:૧૦ આપણને ચેતવણી આપે છે: “અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે.” આપણે જો જાણતા ન હોઈએ કે શું કરવું તેમ જ આપણા હાથ બહારની વાતને આપણે પોતે સુધારવા બેસી જઈએ તો, એ અભિમાન કહેવાય. એનાથી ચોક્કસ બીજા લોકો સાથેના સંબંધોમાં તરાડ પડશે. એવા સમયે, આપણે જેઓ પાસે વધારે જ્ઞાન અને ડહાપણ છે એવા લોકોની સલાહ લેવી જોઈએ. રાજા સુલેમાન કહે છે: “સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.”
ઊંચાં ઊંચાં સપનાં ન જુઓ
જો કે જીવન જીવવા માટે પૈસા તો જરૂરી છે. તેથી, સાધુ-સંન્યાસી બની જવા કરતા તો પૂરતા પૈસા હોય એ સારું છે. (સભાશિક્ષક ૭:૧૧, ૧૨) પરંતુ, બેઈમાનીથી કમાયેલા પૈસા કદી પણ ટકશે નહિ. સુલેમાન ચેતવણી આપે છે: “ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે.”—નીતિવચનો ૧૩:૧૧.
દાખલા તરીકે, જુગારની લતનો વિચાર કરો. વ્યક્તિ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાય છે. પરંતુ, વધારે પૈસાની લાલચમાં તે જુગાર રમી, પૈસા ઉડાવી નાખે છે. આવા સમયે મોટે ભાગે કુટુંબે પોતાની ખુશીઓનો ભોગ આપવો પડે છે. વળી વિચારો કે વ્યક્તિ જુગારની રમતમાં જીતી જાય અને લાખો કમાય તો શું? આવી રીતે મેળવેલા પૈસાની તેને કોઈ કદર રહેતી નથી. એનું કારણ આવા પૈસા મેળવવા તેણે મહેનત કરી નથી. વળી, આ પૈસાને કઈ રીતે સાચવીને વાપરવા એ પણ તેને સમજ પડતી નથી. ખરેખર, આ રીતે મેળવેલા પૈસા પોતાનો રસ્તો કરીને જ આવતા હોય છે. જે રીતે પૈસા આવે છે એ જ રીતે જતા પણ રહે છે. એના બદલે, જે વ્યક્તિ રાત દિવસ મહેનત કરીને, ધીરે-ધીરે પૈસાની પૂંજી ભેગી કરે છે, તેની પાસે એ વધે છે. તેમ જ, તે પૈસાનો સારો ઉપયોગ પણ કરી જાણે છે.
“આકાંક્ષા [ઇચ્છા] પૂરી થવામાં વિલંબ થતાં હૈયું ભારે થઈ જાય છે, આશા પૂરી થતાં જીવમાં જીવ આવે છે.” (સુભાષિતો ૧૩:૧૨, સંપૂર્ણ બાઇબલ) ઘણી વખત આપણું ધાર્યું થતું નથી ત્યારે આપણો જીવ બળે છે. જીવનમાં આવું દરરોજ બનતું હોય છે. પરંતુ, બાઇબલમાં આપેલી આશા આપણને કદી નિરાશ નથી કરતી. ભલે કદાચ એ વચનો પૂરાં થતા વાર લાગે, પણ આપણને સો ટકા ખાતરી છે કે એ ચોક્કસ પૂરા થશે જ.
દાખલા તરીકે, આપણે જાણીએ છીએ કે પરમેશ્વર જલદી જ નવી દુનિયા લાવશે. (૨ પીતર ૩:૧૩) એ વચન પૂરું થાય એની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો પછી, એ દિવસ આવે ત્યાં સુધી ચાલો આપણે “પ્રભુના કામમાં” બીઝી રહીએ. એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને યહોવાહ પરમેશ્વર સાથે ગાઢ મિત્રતા બાંધીએ. એમ કરવાથી “હૈયું ભારે” થવાને બદલે, આપણે હંમેશાં આનંદ કરીશું. (૧ કોરીંથી ૧૫:૫૮; હેબ્રી ૧૦:૨૪, ૨૫; યાકૂબ ૪:૮) વળી, લાંબા સમય સુધી રાહ જોયા પછી, જ્યારે આપણી ઇચ્છા પૂરી થાય છે ત્યારે આપણા જીવમાં જીવ આવે છે. ખરેખર, આપણા હૈયાને ટાઢક વળે છે.
યહોવાહનો નિયમ જીવનનો ઝરો છે
યહોવાહની આજ્ઞા પાળવા વિષે બાઇબલ કહે છે: “ઈશ્વરનું વચન અવગણો અને મુસીબત વહોરી લો; તેને આધીન થાઓ અને સફળ બનો.” (નીતિવચનો ૧૩:૧૩, IBSI) ધારો કે કોઈ વ્યક્તિએ ઉછીના પૈસા લીધા હોય અને પાછા આપવાનું વચન આપ્યું હોય. પરંતુ, જો એ પોતાનું વચન ન નિભાવે તો, તેના પરથી ભરોસો ઊઠી જાય છે અને નુકસાન તેને પોતાને જ વહોરવું પડે છે. એ જ રીતે, જો આપણે યહોવાહની આજ્ઞાઓ ન પાળીએ તો નુકસાન આપણને જ થશે. કઈ રીતે?
બાઇબલ કહે છે: “મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.” (નીતિવચનો ૧૩:૧૪) તેથી, યહોવાહના નિયમને વળગી ન રહેનાર કાયમી જીવન ગુમાવે છે. ખરેખર, એ કેટલું મોટું નુકસાન કહેવાય! તેથી, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે રાત દિવસ બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. એટલું જ નહિ, પણ તેમના નિયમો પોતાના જીવનમાં લાગુ પાડીએ.—૨ કોરીંથી ૧૦:૫; કોલોસી ૧:૧૦.
[પાન ૨૩ પર ચિત્ર]
બાઇબલની સલાહ જીવનમાં ઉતારવાથી આપણને જ ફાયદો થશે
[પાન ૨૪ પર ચિત્ર]
“સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે”
[પાન ૨૪ પર ચિત્ર]
“પ્રભુના કામમાં” બીઝી રહીને આપણે ખુશ રહીએ