યુવાન લોકો પૂછે છે . . .
હું સખત માંદગીનો સામનો કઈ રીતે કરી શકું?
જે સન ફક્ત ૧૮ વર્ષનો હતો, પરંતુ તેની પોતાની જીંદગીના સર્વ ધ્યેયો હવે અપ્રાપ્ય હોય એમ લાગતુ હતું. તેણે એક ખ્રિસ્તી સેવક તરીકે પૂરા સમયની સેવા કરવાની આશા રાખી હતી, પરંતુ પછી તેને ખબર પડી કે તેને ક્રોન્સનો રોગ થયો હતો—દુઃખદાયક અને કમજોર બનાવી દેતો આંતરડાનો રોગ. છતાં પણ, આજે, જેસન પોતાના સંજોગો સામે સફળતાપૂર્વક સામનો કરી રહ્યો છે.
કદાચ તમે પણ ગંભીર માંદગીનો સામનો કરી રહ્યા હોવ. અવેક!ના અગાઉના અંકમાં, તમારા જેવા યુવાન લોકો સામનો કરી રહ્યા છે એ પડકારોનો વિચાર કર્યો હતો.a ચાલો હવે જોઈએ કે તમે તમારી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકો.
હકારાત્મક માનસિક વલણ
કોઈ પણ માંદગી સામે સફળતાપૂર્વક સામનો કરવામાં હકારાત્મક માનસિક વલણ જરૂરી છે. બાઇબલ કહે છે: “હિમ્મતવાન માણસ પોતાનું દુઃખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?” (નીતિવચન ૧૮:૧૪) હતાશ, નિરાશાવાદી વિચારો અને લાગણીઓ દરદ મટાડવું વધારે મુશ્કેલ બનાવે છે. જેસનને આ સાચું લાગ્યું.
પહેલાં, જેસને નકારાત્મક લાગણીઓને લડત આપી, જેમ કે ગુસ્સો, જે તેને ઉદાસીન કરતો હતો. શામાંથી મદદ મળી? તે વર્ણવે છે: “ઉદાસીનતા પરના વૉચટાવર અને અવેક!ના લેખોએ હકારાત્મક વલણ જાળવી રાખવા મને ખરેખર મદદ કરી. હવે હું એક સમયે ફક્ત એક દિવસની જ ચિંતા કરવાનો પ્રયત્ન કરું છું.”b
સત્તર-વર્ષિય કાર્મિન એ જ રીતે બાબતોની આશાસ્પદ બાજુ પર જોવાનું શીખી. તે દાત્ર-કોશિકા આરક્તતાથી પીડાતી હતી છતાં, તે પોતાના આશીર્વાદો વિષે વિચારતી હતી. તે કહે છે: “હું બીજાઓ વિષે વિચારું છું જેઓ મારા કરતાં વધારે ખરાબ હાલતમાં છે અને જેઓ બાબતો કરી શકતા નથી જ્યારે હું કરી શકું છું.” “અને હું આભારી છું અને મારા પોતાના માટે ઘણું દુઃખ અનુભવતી નથી.”
નીતિવચન ૧૭:૨૨ કહે છે: “આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે.” અમુકને લાગી શકે કે ગંભીર માંદગીનો સામનો કરતી વખતે હસવું અયોગ્ય છે. પરંતુ સારો રમૂજી સ્વભાવ અને આનંદકારક સંગાથ તમારા મનને તાજગી આપશે અને તમારી જીવવાની ઇચ્છા વધારશે. હકીકતમાં, આનંદ એ દૈવી ગુણ છે, દેવના આત્માનાં ફળોમાંનું એક છે. (ગલાતી ૫:૨૨) તમે માંદગી સામે લડત આપતા હોય છતાં એ આત્મા તમને આનંદ અનુભવવા મદદ કરી શકે.—ગીતશાસ્ત્ર ૪૧:૩.
સમજદાર દાક્તર શોધવો
યુવાન લોકોને સમજે એવો દાક્તર હોવો ખૂબ જ મદદરૂપ થઈ પડશે. એક યુવાન વ્યક્તિની માનસિક અને લાગણીમય જરૂરિયાતો એક પુખ્તથી સામાન્યત: ભિન્ન હોય છે. એશલી ગંભીર મગજની ગાંઠની સારવાર માટે હૉસ્પિટલે ગઈ ત્યારે ફક્ત દશ વર્ષની હતી. એશલીના દાક્તરે તેની તરફ દયાભરી રીતે ધ્યાન આપી અને તે સમજી શકે એવી રીતે વાત કરી. તેમણે તેને જણાવ્યું કે પોતાની બાલ્યાવસ્થાની માંદગીએ તેમને કઈ રીતે દાક્તર બનવા માટે પ્રેર્યા. તેમણે હળવેથી પરંતુ સ્પષ્ટપણે તેની સારવાર કરવાની બાબત જણાવી, તેથી તેણે જાણ્યું કે શાની અપેક્ષા રાખવી.
તમારે અને તમારાં માબાપે તબીબી કર્મચારી વર્ગ શોધી કાઢવો જોઈએ જે તમને માન આપે અને જે તમારી જરૂરિયાતો સમજી શકે. કોઈ કારણસર તમને મળતી કાળજી વાજબી રીતે જ આરામદાયક લાગતી ના હોય તો, તમારાં માબાપને તમારી ચિંતા વિનાસંકોચે વ્યક્ત કરો.
તમારા આરોગ્ય માટે લડત આપો!
એ પણ આવશ્યક છે કે તમે તમારી માંદગી સામે શક્ય એટલી દરેક રીતે લડી શકો. દાખલા તરીકે, તમારી પરિસ્થિતિ વિષે તમે જેટલું જાણતા હોય શકો એથી વધું શીખો. “વિદ્વાન માણસ પોતાની શક્તિ વધારે છે,” એક બાઇબલ નીતિવચન અવલોકે છે. (નીતિવચન ૨૪:૫) જ્ઞાન અજાણી બાબતોનો ડર દૂર કરે છે.
વધુમાં, માહિતીસંપન્ન યુવાન વ્યક્તિ પોતાની સારવારમાં વધુ સામેલ થઈ શકે છે અને એની સાથે સહકાર આપવા સારી હાલતમાં હોય છે. ઉદાહરણ તરીકે, તે શીખી શકે કે, પોતાના દાક્તરની સલાહ લીધા વગર સૂચવેલ દવા લેવાનું બંધ કરવું જોઈએ નહિ. અગાઉ જણાવેલ કાર્મિન, તેનાં માબાપની માફક, દાત્ર કોશિકા આરક્તતા વિષે પુસ્તકો વાંચતી. તેઓ જે શીખ્યા એણે તેઓને તબીબી સારવાર લેવા માટે મદદ કરી જે કાર્મિનને ખાસ મદદ કરી શકે.
કોઈ બાબતે તમે સ્પષ્ટ ના હોવ તો—તમારા દાક્તરને ખાસ પ્રશ્નો પૂછો—આવશ્યક હોય તો વારંવાર પૂછો. તમે જે વિચારો છો એ કહેવાને બદલે દાક્તર જાણવા માંગે છે એ કહો, તમે જે વિચારતા અને અનુભવતા હોવ એ સચ્ચાઈપૂર્વક જણાવો. બાઇબલ કહે છે એ પ્રમાણે, “સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે.”—નીતિવચન ૧૫:૨૨.
શરૂશરૂમાં તેની માંદગી સંબંધી એશલી તદ્દન ઓછાબોલી લાગતી હતી. તે એના વિષે ફક્ત પોતાની માતાને વાત કરવા ઇચ્છતી. એક શાણી સમાજ સેવકે તેને ખાનગીમાં પૂછ્યું: “શું તને લાગે છે કે કદાચ તને તમામ બાબત કહેવામાં આવતી નથી?” એશલીને ભરોસો હતો કે તેને એવું જ લાગતું હતું. તેથી સ્ત્રીએ એશલીને તેનો તબીબી હેવાલ દેખાડ્યો અને એના વિષે તેને જણાવ્યું. તેણે દાક્તરોને પણ કહ્યું કે એશલી વિષે ફક્ત તેના માબાપને વાત કરવાને બદલે, તેની સાથે સીધેસીધી વાત કરવામાં વધુ સમય ફાળવે. છેવટે તે પોતાના મનની વાત જણાવીને, એશલી પોતાને જરૂર હતી એ મદદ મેળવી શકી.
તમારી આસપાસનાઓ તરફથી ટેકો
કુટુંબનું કોઈ સભ્ય ગંભીર રીતે માંદુ હોય ત્યારે, એ કૌટુંબિક બાબત બને છે, જે સહિયારો પ્રયત્ન માંગી લે છે. એશલીના કુટુંબે અને ખ્રિસ્તી મંડળે તેને સામૂહિક રીતે ટેકો આપ્યો. મંડળ અમુક સમયાંતરે યાદ કરાવતું કે તે હૉસ્પિટલમાં છે. મંડળના સભ્યો તેની નિયમિત રીતે મુલાકાત લેતા, અને તેઓ કુટુંબને જ્યાં સુધી નિત્યક્રમમાં પાછું ના આવે ત્યાં સુધી ઘરકામ અને ભોજન તૈયાર કરવામાં મદદ કરતા હતા. મંડળનાં બાળકો તે વધારે માંદી ના હોય ત્યારે સંગાથ આપવા માટે હૉસ્પિટલમાં એશલીની મુલાકાત લેતા. આ ફક્ત એશલી માટે જ સારું નહોતું પરંતુ તેના બાળમિત્રો માટે પણ સારું હતું.
તથાપિ, બીજાઓ તમને મદદ કરી શકે એ પહેલાં, તેઓએ જાણવું પડે કે તમને મદદની જરૂર છે. કાર્મિન લાગણીમય અને આત્મિક ટેકા માટે પોતાનાં માબાપ અને મંડળના વડીલો તરફ જુએ છે. તેણે શાળામાં હતા તેઓને પણ ધ્યાનમાં લીધા જેઓ તેની ખ્રિસ્તી માન્યતામાં સહભાગી થવા ટેકારૂપ બન્યા હતા. “તેઓ મારા વિષે ચિંતિત હતા,” કાર્મિન કહે છે, “અને એનાથી મને સારૂ લાગતુ હતું.”
તમારી શાળા મદદરૂપ દવાઓ અને નાણાકીય સલાહ પૂરી પાડી શકે અને અમુક વ્યક્તિગત ટેકો પણ આપી શકે. દાખલા તરીકે, એશલીની શિક્ષિકાએ એશલીને લખવા અને તેની મુલાકાત લેવા તેના વર્ગને ઉત્તેજન આપ્યું. તમે સામનો કરી રહ્યા હોવ એ મુશ્કેલી તમારા શિક્ષકો સમજતા ના હોય તો, તમારાં માબાપ માટે એ કદાચ જરૂરી બને છે કે શાળા સત્તાધારીઓ સાથે તમારી પરિસ્થિતિ વિષે માનપૂર્વક રીતે ચર્ચા કરે.
બુદ્ધિ અને શરીરનો ડહાપણભરી રીતે ઉપયોગ કરો
તમે ખૂબ જ માંદા હોવ ત્યારે, તમે કંઈ પણ કરવા માટે શક્તિમાન ન હોઈ શકો પરંતુ તમારી પાસે સાજા થવા માટે જે શક્તિ છે એના પર ધ્યાન આપો. તમે પૂરી રીતે નબળા ના હોવ તો, તમે અનેક રચનાત્મક બાબતો કરી શકો. લેખિકા જિલ ક્રેમન્ટ્સ તેના હાઉ ઈટ ફીલ્સ ટુ ફાઈટ ફૉર યોર લાઈફ પુસ્તક પર સંશોધન દરમિયાન તેણે જે નોંધ્યું એ પર ટીકા કરે છે: “હૉસ્પિટલની પરસાળ વચ્ચે આંટા મારતા બે વર્ષ વિતાવવા અને ટીવી પર તાકી રહેલાં અનેક બાળકો જોવાથી મને ઘણું લાગી આવ્યું હતું. આપણે આ યુવાનોને વધુ વાંચવા માટે ઉત્તેજન આપવાની જરૂર છે. મગજને કસવા માટે હૉસ્પિટલની પથારી ઉત્તમ જગ્યા છે.”
તમે ઘરે હોવ કે હૉસ્પિટલે, તમારી માનસિક શક્તિને કસવાથી ઘણી વાર તમને સાજા છો એમ અનુભવવા મદદ કરી શકે. શું તમે પત્રો કે કવિતા લખવા પ્રયાસ કર્યો છે? ચિત્રો દોરવા કે રંગ પૂરવા? તમારી પરિસ્થિતિ પરવાનગી આપે તો સંગીતનું સાધન વગાડવાનું શીખવા વિષે શું? આરોગ્યની મર્યાદાઓ સાથે પણ, અનેક શક્યતાઓ રહેલી છે. ખરેખર, સારી બાબત જે તમે કરી શકો એ છે દેવને પ્રાર્થના કરવાનું અને તેમનો શબ્દ બાઇબલ વાંચવાની ટેવ ધરાવો.—ગીતશાસ્ત્ર ૬૩:૬.
એ માટે તમારી પરિસ્થિતિ પરવાનગી આપે તો, યોગ્ય શારીરિક પ્રવૃત્તિ પણ તમને સાજા અનુભવવામાં મદદ કરી શકે. આ કારણે તબીબી સવલતો ઘણી વાર યુવાન દર્દીઓ માટે શારીરિક ઉપચાર કાર્યક્રમો રાખે છે. અનેક કિસ્સાઓમાં યોગ્ય કસરત ફક્ત શારીરિક સ્વાસ્થ્ય સુધારવા જ નહિ પરંતુ તમારો આત્મા ઉન્નત કરવા પણ મદદ કરે છે.
પડતું ન મૂકો!
મોટી પીડાનો સામનો કરવામાં, ઈસુએ દેવને પ્રાર્થના કરી, તેમનામાં વિશ્વાસ મૂક્યો, અને તેમણે દુઃખ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પોતાના આનંદપૂર્ણ ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. (હેબ્રી ૧૨:૨) તે પોતાના દુઃખદાયક અનુભવોથી શીખ્યા. (હેબ્રી ૪:૧૫, ૧૬; ૫:૭-૯) તેમણે મદદ અને ઉત્તેજન સ્વીકાર્યું. (લુક ૨૨:૪૩) તેમણે પોતાની અસ્વસ્થતાને બદલે બીજાની સુખાકારી પર ધ્યાન આપ્યું.—લુક ૨૩:૩૯-૪૩; યોહાન ૧૯:૨૬, ૨૭.
તમે કદાચ ખૂબ જ માંદા હોવા છતાં, તમે પણ બીજાઓને પ્રેરણા આપી શકો. શાળાના એક અહેવાલ માટે, એશલીની બહેન, અબિગાઈલે, લખ્યું: “હું જે વ્યક્તિની વધારે પ્રશંસા કરું છું એ મારી બહેન છે. તે હૉસ્પિટલે જાય છે અને તેને આઈવી ચઢાવવામાં આવે છે અને અનેક ઇન્જેક્શનો આપવામાં આવે છે છતાં પણ, તે હંમેશાં મલકાતી આવે છે!”c
જેસને પોતાના ધ્યેયો પડતા મૂક્યા નહિ, એમાંથી અમુકની ફેરગોઠવણ કરી. હવે તેનો ધ્યેય છે દેવના રાજ્યના પ્રચારક તરીકે વધારે જરૂર હોય ત્યાં સેવા આપવી. જેસનના કિસ્સાની જેમ, તમે ઇચ્છતા હોવ એ સર્વ કરી શકતા ના હોવ. મહત્ત્વની બાબત છે તમે પોતાની મર્યાદાઓ અનુસાર જીવવાનું શીખો, વધારે પડતા રક્ષણાત્મક નહિ કે વધુ પડતા બેપરવા પણ ના બનો. સૌથી સારું કરવા તમને ડહાપણ અને બળ આપે માટે યહોવાહ પર આધાર રાખો. (૨ કોરીંથી ૪:૧૬; યાકૂબ ૧:૫) અને યાદ રાખો, સમય આવશે જ્યારે આ પૃથ્વી પારાદેશ બનશે, જ્યાં “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) હા, એક દિવસે તમે ફરીથી નીરોગી બનશો!
[Footnotes]
a એપ્રિલ ૨૨, ૧૯૯૭ના અવેક!ના પાન ૧૭-૧૯ જુઓ.
b ધ વૉચટાવર, ઑક્ટોબર ૧, ૧૯૯૧, પાન ૧૫; માર્ચ ૧, ૧૯૯૦, પાન ૩-૯; અને અવેક!, ઑક્ટોબર ૨૨, ૧૯૮૭, પાન ૨-૧૬; નવેમ્બર ૮, ૧૯૮૭, પાન ૧૨-૧૬ જુઓ.
c કૌટુંબિક સુખનું રહસ્ય, વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, પાન ૧૧૬-૨૭ પણ જુઓ.
[Caption on page ૨૬]
મોટી બહેન અબિગાઈલ એશલીની હિંમતની પ્રશંસા કરે છે