ઈશ્વરના પ્રેમની છાયામાં રહો!
‘વહાલાઓ, અનંતજીવનને અર્થે ઈશ્વરની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો.’—યહુદા ૨૦, ૨૧.
૧, ૨. તમે કેવી રીતે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકો?
યહોવાહે આ દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે આપણા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. આપણામાંથી જે કોઈ એ દીકરા પર શ્રદ્ધા રાખે તે અનંતજીવન પામી શકે છે. (યોહાન ૩:૧૬) તેમના આવા પ્રેમનો અનુભવ કરવો કેટલી મોટી વાત કહેવાય! યહોવાહના ભક્તો તરીકે આપણે સદા તેમના પ્રેમની છાયામાં રહેવા માગીએ છીએ, ખરું ને?
૨ ઈસુના શિષ્ય યહુદા જણાવે છે કે આપણે કેવી રીતે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ. તેમણે લખ્યું: “તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો.” (યહુદા ૨૦, ૨૧) “પરમ પવિત્ર વિશ્વાસમાં” વધવું, એટલે કે ઈસુ વિષેનાં શિક્ષણમાં આપણે પોતાની શ્રદ્ધા કેવી રીતે વધારી શકીએ? બાઇબલમાંથી વધારે ને વધારે શીખતા રહીને. ઈશ્વરના રાજના શુભસંદેશનો પ્રચાર કરીને. ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા તમારે “પવિત્ર આત્મામાં” એટલે કે યહોવાહની મદદ લઈને પ્રાર્થના કરવી જ જોઈએ. કાયમ માટેના જીવનનો આશીર્વાદ મેળવવા ઈસુએ આપેલા બલિદાનમાં પણ શ્રદ્ધા મૂકવી બહુ જરૂરી છે.—૧ યોહાન ૪:૧૦.
૩. શા માટે અમુક હવે યહોવાહના સાક્ષીઓ રહ્યા નથી?
૩ દુઃખની વાત છે કે પહેલાં જેઓને ઈશ્વરમાં શ્રદ્ધા હતી, તેઓ હવે ઈશ્વરના પ્રેમની છાયામાં નથી. તેઓએ દુનિયાને માર્ગે ચાલવાનું પસંદ કર્યું હોવાથી, હવેથી તેઓ યહોવાહના સાક્ષીઓ રહ્યા નથી. તમારી સાથે પણ એવું ન થાય એ માટે તમે શું કરી શકો? એ માટે નીચેના અમુક મુદ્દાઓ પર વિચાર કરો. એ આપણને ખોટું કરતા અટકાવશે અને ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા મદદ કરશે.
જીવન ઈશ્વરના પ્રેમથી ભરી દો
૪. ઈશ્વરની આજ્ઞાઓ પાળવી કેટલી મહત્ત્વની છે?
૪ ઈશ્વર પરનો પ્રેમ કઈ રીતે દેખાઈ આવશે? તેમનું કહેવું માનીને. (માત્થી ૨૨:૩૭) પ્રેરિત યોહાને લખ્યું: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) જો આપણે કાયમ યહોવાહની આજ્ઞાઓ માથે ચડાવીશું, એમ જ જીવીશું, તો ગમે એવી લાલચનો સામનો કરી શકીશું. ખુશ રહીશું. બાઇબલમાં એક કવિએ કહ્યું: ‘જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, તેને ધન્ય છે! પણ યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે.’—ગીતશાસ્ત્ર ૧:૧, ૨.
૫. યહોવાહ માટેના પ્રેમને લીધે આપણે શું કરીશું?
૫ યહોવાહ માટેના પ્રેમને લીધે આપણે એવું કંઈ પણ કરતા પહેલાં બે વાર વિચારીશું, જેનાથી તેમનું નામ બદનામ થાય. ઈશ્વરભક્ત આગૂરે દિલથી યહોવાહને વિનંતી કરી, “મને દરિદ્રતા [ગરીબી] ન આપ, તેમ જ દ્રવ્ય [ધન] પણ ન આપ; મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારૂં પોષણ કર; રખેને હું છલકાઈ જાઉં, અને તારો ઈન્કાર કરીને કહું, કે યહોવાહ કોણ છે? અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરૂં, અને મારા દેવના નામની નિંદા કરાવું.” (નીતિવચનો ૩૦:૧, ૮, ૯) આપણે પણ એવું કંઈ ન કરીએ, જેનાથી ‘ઈશ્વરના નામની નિંદા થાય.’ એના બદલે, જે ખરું છે એ જ કરીએ જેનાથી તેમનું નામ મોટું મનાય.—ગીતશાસ્ત્ર ૮૬:૧૨.
૬. જો આપણે જાણીજોઈને પાપ કરીશું તો શું થશે?
૬ આજે આપણી સામે એવી ઘણી લાલચો આવે છે, જેનાથી મોટી ભૂલ કરી બેસીએ. એવી લાલચો સામે લડવા ઈશ્વરને પ્રાર્થના કરતા રહીએ. (માત્થી ૬:૧૩; રૂમી ૧૨:૧૨) ઈશ્વર જે સલાહ-સૂચના આપે છે એ પાળીએ, જેથી આપણી પ્રાર્થનાઓ ઈશ્વર સાંભળે. (૧ પીતર ૩:૭) પણ જો આપણે જાણીજોઈને પાપ કરીશું, તો આપણે જ દુઃખી દુઃખી થઈ જઈશું. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ નહિ સાંભળે. તે જાણે પોતાને વાદળોથી ઢાંકી દેશે, જેથી પ્રાર્થનાઓ તેમના કાને પહોંચે જ નહિ. (યિર્મેયાહનો વિલાપ ૩:૪૨-૪૪) તેથી, આપણે નમ્ર રહીએ. ઈશ્વરને અરજ કરીએ કે આપણે એવું કંઈ ન કરીએ, જેનાથી આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં ન આવે.—૨ કોરીંથી ૧૩:૭.
ઈસુ પરનો પ્રેમ ઉભરાવા દો
૭, ૮. ઈસુની સલાહ પાળવાથી આપણે કેવી રીતે ખોટાં કામોથી દૂર રહીશું?
૭ ઈસુ પરનો પ્રેમ આપણે તેમની આજ્ઞાઓ પાળીને, તેમને પગલે ચાલીને બતાવી શકીએ. એનાથી આપણે કોઈ પણ ખોટું કામ કરવાની ઘસીને ના પાડી શકીશું. ઈસુએ કહ્યું: “જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.” (યોહાન ૧૫:૧૦) ઈસુના શબ્દો પ્રમાણે જીવીને આપણે કેવી રીતે પોતાનું જીવન ઈશ્વરના પ્રેમથી ભરી દઈ શકીએ?
૮ ઈસુના એ શબ્દો આપણને યહોવાહની આજ્ઞાઓ પાળવા, તેમના સારા સંસ્કાર, નીતિ-નિયમો મુજબ ચાલવા મદદ કરે છે. યહોવાહે ઈસ્રાએલીઓને આ નિયમ આપ્યો હતો: “તું વ્યભિચાર ન કર.” (નિર્ગમન ૨૦:૧૪) ઈસુએ આપણને એ નિયમ પાછળ રહેલો સિદ્ધાંત જણાવ્યો: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૭, ૨૮) પહેલી સદીના મંડળનો વિચાર કરો. પ્રેરિત પીતરે કહ્યું કે મંડળમાં અમુકની “આંખો વ્યભિચારથી ભરેલી” હતી. તેઓ “અસ્થિર” કે ચંચળ મનના માણસોને પણ લલચાવતા હતા. (૨ પીતર ૨:૧૪) આપણે તેઓ જેવા ન બનીએ. આપણે આપણું જીવન યહોવાહના અને ઈસુના પ્રેમથી ભરી દઈએ. તેઓનું કહેવું માનીએ. તેઓનો સાથ કદીયે ન છોડીએ. એમ કરીશું તો, વ્યભિચાર જેવા મહાપાપમાં પડવાથી બચી જઈશું.
યહોવાહ બતાવે એ માર્ગે ચાલો
૯. જો કોઈ પાપ કરતું રહેશે તો શું થશે?
૯ યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિ માટે પ્રાર્થના કરો. એની દોરવણી પ્રમાણે ચાલો. (લુક ૧૧:૧૩; ગલાતી ૫:૧૯-૨૫) પણ જો કોઈ પાપ કર્યા જ કરે, તો યહોવાહ તેને મદદ કરશે નહિ. તેની પાસેથી પોતાની કૃપાનો હાથ જાણે ખેંચી લેશે. રાજા દાઊદનો દાખલો લો. બાથશેબા સાથે વ્યભિચાર કર્યા પછી, દાઊદે યહોવાહને કાલાવાલા કરીને કહ્યું, “તારી સંમુખથી મને કાઢી મૂકતો નહિ; અને તારો પવિત્ર આત્મા [શક્તિ] મારી પાસેથી લઈ લેતો નહિ.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૧) રાજા શાઊલની વાત કરીએ તો, તેમણે પસ્તાવો ન કર્યો. એટલે યહોવાહની કૃપા તેમના પર રહી નહિ. ત્યારથી શાઊલને દોરવણી આપી નહિ. યહોવાહનો સાથ છૂટી જવાથી, શાઊલે તેમની એક પછી એક આજ્ઞાઓ તોડી. શાઊલે શું પાપ કર્યું હતું? એક તો તેમણે મનાઈ હોવા છતાં અર્પણ ચઢાવ્યું. બીજું, બધાં જ ઘેટાં-બકરાં, ઢોર-ઢાંક અને અમાલેકના રાજાનો નાશ કર્યો નહિ. એટલે યહોવાહે શાઊલ પાસેથી પોતાનો પવિત્ર આત્મા લઈ લીધો.—૧ શમૂએલ ૧૩:૧-૧૪; ૧૫:૧-૩૫; ૧૬:૧૪-૨૩.
૧૦. આપણે કેમ પાપમાં પડવાનો વિચાર પણ ન કરવો જોઈએ?
૧૦ આપણે પાપમાં પડવાનો વિચાર પણ કરીએ નહિ. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું, “સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી.” (હેબ્રી ૧૦:૨૬-૩૧) જો આપણે જાણીજોઈને પાપમાં પડીએ, તો એનો અંજામ કેવો આવશે, એનો વિચાર કરો!
બીજા લોકો પર પ્રેમ રાખીએ
૧૧, ૧૨. બીજા લોકો માટેનો પ્રેમ કઈ રીતે વ્યક્તિને વ્યભિચારના ફાંદાથી બચાવશે? જો આપણે લગ્નને પવિત્ર બંધન ગણીશું તો એ કઈ રીતે આપણને મદદ કરશે?
૧૧ બીજા લોકો માટેના પ્રેમને લીધે, આપણે વ્યભિચાર કે કોઈ પર ખોટી નજર પણ નહિ કરીએ. (માત્થી ૨૨:૩૯) આવા પ્રેમથી આપણું જ ભલું થશે. આપણે કોઈના લગ્નસાથી પર બૂરી નજર કરીશું નહિ. તેમનું ધ્યાન ખેંચવા જાત-જાતના નખરા પણ નહિ કરીએ. જો એ પારકો પ્રેમ મેળવવા ફાંફાં મારીશું, તો વ્યભિચારના ફાંદામાં ફસાયા જ સમજો. (નીતિવચનો ૪:૨૩; યિર્મેયાહ ૪:૧૪; ૧૭:૯, ૧૦) આપણે ભગવાનના માણસ અયૂબ જેવા બનીએ. તે ફક્ત પોતાની પત્નીના જ પ્રેમમાં હતા. પારકી સ્ત્રી તરફ ક્યારેય ખેંચાયા ન હતા.—અયૂબ ૩૧:૧.
૧૨ યહોવાહની નજરે લગ્ન એક પવિત્ર બંધન છે, એ કદીયે ન ભૂલીએ. તેમણે શરૂઆતથી જ લગ્નને પવિત્ર ગણ્યું છે. તેમણે ફક્ત પતિ-પત્નીને જાતીય આનંદ માણવાની ભેટ આપી. યહોવાહનો મૂળ મકસદ એ જ છે કે પતિ-પત્નીને બાળકો થાય, તેઓનું કુટુંબ વધે. (ઉત્પત્તિ ૧:૨૬-૨૮) જાતીય અંગો નવા જીવને જન્મ આપવા માટે બનાવ્યા છે. યહોવાહની નજરે જીવન પવિત્ર છે. પરણ્યા પહેલાં શરીર-સંબંધ બાંધનારા કે વ્યભિચાર કરનારા ઈશ્વરની આજ્ઞા તોડે છે. તેઓ જાતીય સંબંધ બાંધવાને બે ઘડીની રમત સમજે છે. લગ્નના પવિત્ર બંધનને જાણે મજાક સમજે છે. અરે, તેઓ પોતાના શરીર વિરુદ્ધ જ પાપ કરે છે. (૧ કોરીંથી ૬:૧૮) જો આપણને યહોવાહ પર અને લોકો પર ખૂબ પ્રેમ હોય, અને યહોવાહના કહેવા પ્રમાણે જીવીએ તો કદી એવું કામ નહિ કરીએ કે આપણને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે.
૧૩. વ્યભિચારી કયા અર્થમાં ‘પોતાની સંપત્તિ ઉડાવી દે છે?’
૧૩ આપણને વ્યભિચારી બનાવે એવા કોઈ પણ વિચારને મનમાં ન લાવીએ. વ્યભિચારી બનીને આપણે સગાં-વહાલાંનું જીવન ઝેર જેવું બનાવી દઈશું. નીતિવચનો ૨૯:૩ કહે છે, “જે માણસ વેશ્યાની સંગત કરે છે તે પોતાની સંપત્તિ ઉડાવી દે છે.” વ્યભિચારી વ્યક્તિ જો પસ્તાવો ન કરે, તો ઈશ્વર સાથેનો નાતો તોડી બેસે છે. કુટુંબ સાથે પણ બેવફાઈ કરે છે. આવી વ્યક્તિની પત્ની છૂટાછેડા લે, એમાં કંઈ જ ખોટું નથી. (માત્થી ૧૯:૯) ભલે પતિ ભૂલ કરે કે પત્ની, પણ એનાથી લગ્નનું પવિત્ર બંધન તૂટી જાય છે. નિર્દોષ લગ્નસાથીએ, બાળકોએ અને બીજાઓએ અપાર દુઃખ સહેવું પડે છે. અફસોસ કે કોઈ એક વ્યક્તિના દોષને લીધે આખું કુટુંબ બરબાદ થઈ જાય છે! શું આપણે વ્યભિચારની લાલચથી સો ગાઉ દૂર ન રહેવું જોઈએ?
૧૪. નીતિવચનો ૬:૩૦-૩૫માંથી ખોટાં કામો વિષે આપણે શું શીખી શકીએ?
૧૪ વ્યક્તિ એક વાર વ્યભિચાર કરે પછી, કોઈ રીતે એને સુધારી શકતી નથી. એટલે આપણા પોતાના જ પગ પર કુહાડી મારવાથી દૂર રહીએ. નીતિવચનો ૬:૩૦-૩૫ બતાવે છે કે ભૂખ્યો માણસ ચોરી કરે તો લોકો કદાચ હમદર્દી બતાવશે. પરંતુ વ્યભિચારીને લોકો ધિક્કારશે. કારણ? તેના દિલમાં વાસનાનો કીડો સળવળે છે. તે પોતાનો જ વિનાશ નોતરે છે. મુસાને આપેલા નિયમમાં વ્યભિચારીને મોતની સજા થતી. (લેવીય ૨૦:૧૦) વ્યભિચારી વ્યક્તિ સ્વાર્થી છે. ફક્ત પોતાની વાસના સંતોષવા બીજાઓને દુઃખી દુઃખી કરી નાખે છે. જો તે પસ્તાવો નહિ કરે અને તેના કાળાં કામો છોડી નહિ દે, તો તેના પર ઈશ્વરનો પ્રેમ રહેશે નહિ. તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવશે.
યહોવાહ આગળ દિલ સાફ રાખો
૧૫. ‘ડમાએલું અંતઃકરણ’ કેવું હોય છે?
૧૫ ઈશ્વરના પ્રેમમાં રહેવા માટે, આપણે પોતાના અંતરનો અવાજ સાંભળીએ. એને બુઠ્ઠું થવા ન દઈએ, પણ તેજ રાખીએ કે એ તરત જ ખરું-ખોટું પારખી લે. આપણે કદીયે દુનિયાની ચાલે ન ચાલીએ. દુનિયાના અને યહોવાહના ધોરણોમાં આભ-જમીનનો ફરક છે. આપણા કેવા દોસ્તો છે, કેવું સાહિત્ય વાંચીએ છીએ કે કેવું મનોરંજન પસંદ કરીએ છીએ, એ બધામાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાઊલે ચેતવણી આપી: “પાછલા સમયમાં કેટલાએક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના [શેતાન અને તેના જેવા વિચારો ધરાવતા ઉપદેશકોના] ઉપદેશ પર ધ્યાન આપીને, જૂઠું બોલનારા તથા જેઓનાં અંતઃકરણ ડમાએલાં છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે.” (૧ તીમોથી ૪:૧, ૨) ‘ડમાએલું અંતઃકરણ’ કે દિલ કેવું હોય છે? એ એવું કે જાણે બહેર મારી ગયું હોય, બુઠ્ઠું થઈ ગયું હોય. એના પર કશાની અસર થતી નથી. આવું દિલ આપણને એવા લોકોથી દૂર રહેવા નહિ ચેતવે, જેઓએ યહોવાહને છોડી દીધા છે. અને તેમના શિક્ષણ કે તેમના લોકો વિરુદ્ધ થઈ ગયા છે. અરે, એવું બુઠ્ઠું દિલ આપણને એવા સંજોગોથી પણ નહિ ચેતવે, જે આપણો વિશ્વાસ તોડી દે, યહોવાહથી દૂર લઈ જાય.
૧૬. શુદ્ધ અંતઃકરણ રાખવું કેમ ખૂબ જરૂરી છે?
૧૬ આપણું દિલ શુદ્ધ હશે તો જ આપણે બચી જઈશું. (૧ પીતર ૩:૨૧) ઈસુએ આપણા માટે કુરબાની આપી. તેમના લોહીમાં આપણે વિશ્વાસ મૂક્યો. એટલે આપણું દિલ હવે નિર્જીવ કે દુષ્ટ કામોથી શુદ્ધ બન્યું છે અને ‘આપણે જીવતા પરમેશ્વરને ભજી શકીએ છીએ.’ (હેબ્રી ૯:૧૩, ૧૪) જો આપણે જાણીજોઈને પાપ કરતા રહીશું, તો આપણું દિલ ભ્રષ્ટ થઈ જશે. આપણે યહોવાહની સેવા માટે લાયક નહિ રહીએ. (તીતસ ૧:૧૫) પરંતુ યહોવાહની મદદથી, તેમના કહેવા પ્રમાણે કરીને આપણે શુદ્ધ અંતઃકરણ કે દિલ રાખી શકીએ છીએ.
બીજી કઈ રીતોથી ખોટાં કામોથી દૂર રહી શકીએ?
૧૭. જો આપણે યહોવાહનું જ સાંભળીશું તો કેવા ફાયદા થશે?
૧૭ પહેલાના ઈસ્રાએલના કાલેબની જેમ ‘સંપૂર્ણ રીતે યહોવાહની આજ્ઞા પ્રમાણે વર્તો.’ (પુનર્નિયમ ૧:૩૪-૩૬) આપણે ઈશ્વરના કહેવા પ્રમાણે જ કરીએ. કદી ‘શેતાનની મેજ પરથી ન ખાઈએ.’ (૧ કરિંથી ૧૦:૨૧, IBSI) યહોવાહના શિક્ષણનો વિરોધ કરતા કોઈ પણ સાહિત્ય કે લોકોથી દૂર રહીએ. યહોવાહ પાસેથી જે સત્ય મળે છે ફક્ત એ જ દિલમાં ઉતારીએ. પછી આપણે જૂઠા શિક્ષકો કે દુષ્ટ દૂતોની પાછળ પાછળ ખોટે માર્ગે નહિ ચડી જઈએ. (એફેસી ૬:૧૨; યહુદા ૩, ૪) હંમેશાં બાઇબલ સ્ટડી, મિટિંગો અને પ્રચાર જેવી વાતોમાં મન લગાડીએ. જો આપણે બધી રીતે યહોવાહનું કહેવું માનીશું, તેમનું જ કામ કરતા રહીશું, તો સુખ આપણી પાછળ દોડતું આવશે.—૧ કોરીંથી ૧૫:૫૮.
૧૮. યહોવાહનો ડર રાખીને ચાલવાથી, આપણા વાણી-વર્તન પર કેવી અસર પડશે?
૧૮ આપણે ‘ઈશ્વરની સેવા આદરભાવથી તથા ભયથી કરવાનો’ નિર્ણય કરીએ. (હેબ્રી ૧૨:૨૮) જો ઈશ્વરનો ડર રાખીને ચાલીશું, તો જરૂર ખોટે રસ્તે જતા અટકીશું. એમ આપણે પીતરની સલાહ પ્રમાણે ચાલીશું, જે તેમણે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને આપી હતી: “તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.”—૧ પિતર ૧:૧૭, કોમન લેંગ્વેજ.
૧૯. બાઇબલમાંથી જે શીખીએ એ પ્રમાણે જ શા માટે ચાલતા રહેવું જોઈએ?
૧૯ બાઇબલમાંથી આપણે જે કંઈ શીખીએ, એ પ્રમાણે જીવીએ. એ આપણને ખોટું કરતા રોકશે, પાપમાં પડતા અટકાવશે. આપણી “ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી” હશે. (હેબ્રી ૫:૧૪) વાણી-વર્તનમાં પણ આપણે સાવધ રહીએ, જેથી સમજુ અને ડાહ્યા માણસની જેમ ચાલી શકીએ. આ છેલ્લા દિવસોમાં ‘સમયનો સારો ઉપયોગ કરીએ. પ્રભુની [યહોવાહની] ઇચ્છા શી છે તે સમજીએ’ અને એ મુજબ કરતા રહીએ.—એફેસી ૫:૧૫-૧૭; ૨ પીતર ૩:૧૭.
૨૦. આપણે શા માટે લોભ ન રાખવો જોઈએ?
૨૦ પારકી વસ્તુ કે વ્યક્તિનો લોભ ન રાખો. એનો વિચાર પણ મનમાં ન લાવો. દસ આજ્ઞાઓમાંની એક કહે છે: “તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની સ્ત્રી, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.” (નિર્ગમન ૨૦:૧૭) આ આજ્ઞાથી વ્યક્તિની પત્ની, નોકર-ચાકર, ઢોરઢાંક અને માલમિલકતનું રક્ષણ થતું હતું. ઈસુએ પણ કહ્યું હતું કે લોભ ન રાખો, કેમ કે લોભ વ્યક્તિને ભ્રષ્ટ કરે છે.—માર્ક ૭:૨૦-૨૩.
૨૧, ૨૨. આપણે અગાઉથી સાવચેતીના કેવાં પગલાં લેવા જોઈએ?
૨૧ પહેલેથી જ તન-મન પર લગામ રાખો, જેથી પાપ કરાવે એવી કોઈ ખોટી ઇચ્છા ન જાગે. ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: ‘દરેક માણસ પોતાની વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી વાસના પાપને જન્મ આપે છે, અને પાપ વધીને મોતને લાવે છે.’ (યાકૂબ ૧:૧૪, ૧૫) દાખલા તરીકે, કોઈ વ્યક્તિને દારૂ વિના ચાલતું જ ન હોય. એ લતમાંથી છૂટવા તે શું કરી શકે? તે નક્કી કરી શકે કે ઘરમાં દારૂ જ ન રાખે. માની લો કે નોકરી પર કોઈ સ્ત્રીને તમે ગમવા લાગો છો. તે વારંવાર તમને ખોટું કરવા લલચાવે છે. તમે શું કરશો? કદાચ તમે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર માંગી શકો અથવા તો નોકરી પણ બદલી શકો.—નીતિવચનો ૬:૨૩-૨૮.
૨૨ પહેલેથી જ આપણા પોતાના પર કાબૂ રાખીએ, જેથી પાપમાં ન પડીએ. જે વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ઇરાદો ન હોય, તેની સાથે ચેનચાળા કરવા કે તેની લાગણી સાથે રમવું એકદમ ખોટું છે. એ તમને વ્યભિચાર કરવા કે પરણ્યા પહેલાં શરીર-સંબંધ બાંધવા દોરી જઈ શકે. નાની નાની વાતમાં ખોટું ન બોલો. નહિ તો મોટી મોટી વાતમાં પણ ખોટું બોલવા લાગશો. ચોરી વિષે શું? કદાચ નાની નાની વસ્તુઓની ચોરી મામૂલી લાગી શકે. પણ એનાથી આપણું દિલ ડંખતું બંધ થઈ જશે, બુઠ્ઠું બની જઈ શકે. પછી એ આપણને મોટી વસ્તુની ચોરી કરતાંય રોકશે નહિ. યહોવાહની સંસ્થા અને તેમના શિક્ષણ વિષે શું? જો આપણને જરા પણ શંકા જાગે તો ચેતી જઈએ. ધીમે ધીમે એ આપણને યહોવાહની સંસ્થા છોડી દેવા, અરે, તેમની સામે થવા દોરી શકે.—નીતિવચનો ૧૧:૯; પ્રકટીકરણ ૨૧:૮.
જો આપણે પાપ કર્યું હોય તો શું કરી શકીએ?
૨૩, ૨૪. બીજો કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦ અને નીતિવચનો ૨૮:૧૩માંથી આપણને કયો દિલાસો મળે છે?
૨૩ આપણે બધાય ભૂલને પાત્ર છીએ. (સભાશિક્ષક ૭:૨૦) પણ આપણે કોઈ મોટી ભૂલ કરી બેસીએ, પાપ કરી બેસીએ તો, રાજા સુલેમાનની પ્રાર્થનામાંથી દિલાસો મેળવી શકીએ. યહોવાહને મંદિર અર્પણ કરતી વખતે સુલેમાને પ્રાર્થનામાં કહ્યું: “ગમે તે પ્રાર્થના કે યાચના હરકોઇ માણસ અથવા તારા સર્વ ઈસ્રાએલી લોક, પોતપોતાની પીડા ને પોતપોતાનું દુઃખ જાણીને પોતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને કરે; તો તારા રહેઠાણ આકાશમાંથી તું તે સાંભળીને ક્ષમા કરજે, ને દરેક માણસનું અંતઃકરણ તું જાણે છે માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજે; (કેમ કે તું, કેવળ તું જ, સર્વ મનુષ્યોનાં અંતઃકરણો જાણે છે).”—૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦.
૨૪ યહોવાહ આપણું અંતઃકરણ કે દિલ જાણે છે. તે આપણને માફ પણ કરે છે. નીતિવચનો ૨૮:૧૩ કહે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો [ખોટાં કામ કે પાપ] છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” તેથી, વ્યક્તિ પાપનો પસ્તાવો કરે, એને કબૂલ કરે અને પછી એ ખોટું કામ કરવાનું છોડી દે, તો ઈશ્વર જરૂર દયા બતાવશે. પરંતુ જો આપણે યહોવાહની ભક્તિમાં સાવ જ ઠંડા પડી ગયા હોઈએ તો શું થઈ શકે? એવા કિસ્સામાં ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા આપણને શું મદદ કરી શકે? (w 06 11/15)
તમે કેવો જવાબ આપશો?
• આપણે કેવી રીતે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ?
• યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત માટેનો પ્રેમ આપણને ખોટું કામ ન કરવા કેવી રીતે મદદ કરે છે?
• બીજાઓ માટેનો સાચો પ્રેમ આપણને કઈ રીતે વ્યભિચાર જેવા પાપના ફાંદાથી બચાવે છે?
• અમુક રીતો જણાવો જે આપણને ખોટાં કામો કરતા રોકી શકે.
[પાન ૭ પર ચિત્ર]
યહુદા બતાવે છે કે આપણે કેવી રીતે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ
[પાન ૯ પર ચિત્ર]
લગ્નબંધન તૂટે ત્યારે, નિર્દોષ સાથી અને બાળકોએ ખૂબ સહેવું પડે છે
[પાન ૧૦ પર ચિત્ર]
કાલેબની જેમ શું તમે ‘સંપૂર્ણ રીતે યહોવાહની આજ્ઞા પ્રમાણે વર્તવાનું’ નક્કી કર્યું છે?
[પાન ૧૧ પર ચિત્ર]
કોઈ પણ લાલચ સામે લડવા પ્રાર્થના કરતા રહો