પવિત્ર શાસ્ત્રનું વાંચન—શા માટે?
“દિવસે તથા રાત્રે તેનું મનન [વાંચન] કર.”—યહોશુઆ ૧:૮.
સારાં પુસ્તકો વાંચવાથી ઘણા લાભ થાય છે. ફ્રાંસના એક ફિલસૂફ મોન્ટેસ્ક્યુએ લખ્યું: “વાંચન મારા માટે થાક દૂર કરવાનો સૌથી સારો ઇલાજ છે. એવી મુશ્કેલી ક્યારેય આવી નથી જે વાંચનથી દૂર થઈ ન હોય.” જો સામાન્ય પુસ્તકો વિષે એ ખરું હોય તો, બાઇબલના વાંચન વિષે એ કેટલું સાચું છે! ગીતશાસ્ત્રના લેખકે કહ્યું: “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮.
૨ સદીઓથી બાઇબલનો દરેક રીતે વિરોધ કરવામાં આવ્યો છે. પરંતુ બાઇબલના લેખક, યહોવાહ પરમેશ્વરે આજ સુધી એનું રક્ષણ કર્યું છે. તેમની ઇચ્છા એ છે કે, “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) તેથી, તેમણે ચોક્સાઈ કરી કે સર્વને તેમનો શબ્દ, બાઇબલ મળી શકે. આજે જગતમાં ૩૭૦ ભાષાઓમાં આખું બાઇબલ મળે છે. એક અંદાજ પ્રમાણે જગતના ૮૦ ટકા લોકો એમાંની ૧૦૦ ભાષાઓની મદદથી બાઇબલ વાંચી શકે છે. આ ઉપરાંત, એના અમુક ભાગ વધારાની ૧,૮૬૦ ભાષા અને બોલીઓમાં પ્રાપ્ય છે. હા, યહોવાહ પરમેશ્વર ચાહે છે કે બધા લોકો બાઇબલ વાંચે. દરરોજ બાઇબલ વાંચીને, એને પોતાના જીવનમાં લાગુ પાડનારા પોતાના ભક્તોને તે આશીર્વાદ આપે છે.—ગીતશાસ્ત્ર ૧:૧, ૨.
વડીલો—બાઇબલ વાંચો
૩ યહોવાહ પરમેશ્વર જાણતા હતા કે એક દિવસ ઈસ્રાએલ રાષ્ટ્રને માનવ રાજા હશે. તેથી યહોવાહે કહ્યું: “જ્યારે તે તેના રાજ્યાસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને સારૂ લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઊતારે; અને તે તેની પાસે રહે, ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે; કે તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે; એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય, ને તે આજ્ઞાથી તે ડાબે કે જમણે ભટકી ન જાય.”—પુનર્નિયમ ૧૭:૧૮-૨૦.
૪ ઈસ્રાએલના આવનાર રાજાઓએ શા માટે દરરોજ પરમેશ્વરના નિયમો વાંચવાના હતા? યહોવાહ પરમેશ્વર એ માટે આ કારણો આપે છે: (૧) “તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે”; (૨) “એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય”; (૩) “તે આજ્ઞાથી તે ડાબે કે જમણે ભટકી ન જાય.” શું આજે વડીલોએ પણ એમ જ કરવાની જરૂર નથી? હા, ઈસ્રાએલના રાજાઓ માટે પરમેશ્વરના નિયમો વાંચવા ખૂબ જ જરૂરી હતું, વડીલો માટે પણ દરરોજ બાઇબલ વાંચવું એટલું જ જરૂરી છે.
૫ જો કે વડીલોને ઘણું કામ હોવાથી, દરરોજ બાઇબલ વાંચવું કંઈ સહેલું નથી. દાખલા તરીકે, યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યો અને આખી દુનિયામાં આવેલી શાખા સમિતિના સભ્યો કામમાં ઘણા વ્યસ્ત હોય છે. છતાં, હાલમાં નિયામક જૂથે શાખા સમિતિના સભ્યોને લખેલા પત્રમાં દરરોજ બાઇબલ વાંચન અને અભ્યાસની સારી ટેવો પર ભાર મૂક્યો. એ પત્રમાં જણાવાયું કે એનાથી યહોવાહ પરમેશ્વર અને સત્ય માટેનો આપણો પ્રેમ વધશે, જે “અંત આવે ત્યાં સુધી આપણો વિશ્વાસ, આનંદ અને સતત પ્રયાસો જાળવી રાખવા મદદ કરશે.” યહોવાહના સાક્ષીઓના મંડળોના બધા જ વડીલોને પણ એની જરૂર છે. દરરોજ બાઇબલ વાંચવાથી તેઓને ખરા નિર્ણયો લેવામાં મદદ મળશે. (યહોશુઆ ૧:૭, ૮) ખાસ કરીને તેઓ માટે બાઇબલ વાંચન “બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.”—૨ તીમોથી ૩:૧૬.
નાના-મોટા સર્વ માટે જરૂરી
૬ પ્રાચીન સમયમાં, દરેક પાસે શાસ્ત્રની પોતાની નકલ ન હતી. તેથી, બધાને ભેગા કરીને શાસ્ત્રનું વાંચન કરવામાં આવતું હતું. યહોવાહ પરમેશ્વરે આય શહેર પર ઈસ્રાએલીઓને જીત અપાવી પછી, યહોશુઆએ ઈસ્રાએલના કુળોને એબાલ અને ગેરીઝીમ પર્વત આગળ ભેગા કર્યા. પછી, “નિયમશાસ્ત્રનાં સર્વ વચનો, એટલે આશીર્વાદ અને શાપ, નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલાં છે તે પ્રમાણે તેણે સર્વ વાંચી સંભળાવ્યાં. ઈસ્રાએલની આખી સભાની આગળ, તેમજ સ્ત્રીઓ તથા બાળકો તથા જે પરદેશીઓ તેઓની સાથે વ્યવહાર રાખતા હતા તેઓની આગળ, મુસાએ આપેલી સર્વ આજ્ઞામાંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો ન હોય.” (યહોશુઆ ૮:૩૪, ૩૫) નાના-મોટા, ઈસ્રાએલી-પરદેશી, એ બધાએ જાણે કે પોતાનાં મન અને હૃદય પર લખવાનું હતું કે, શાનાથી યહોવાહનો આશીર્વાદ મળશે અને શાનાથી તેમનો શાપ આવી પડશે. દરરોજ બાઇબલ વાંચવાથી આપણને પણ એવી જ મદદ મળશે.
૭ આજે, યહોવાહના લાખો ભક્તો એ “પરદેશીઓ” જેવા જ છે. એક સમયે, તેઓ દુન્યવી માર્ગે ચાલતા હતા, પણ હવે તેઓએ પોતાના જીવનમાં મોટા મોટા ફેરફારો કર્યા છે. (એફેસી ૪:૨૨-૨૪; કોલોસી ૩:૭, ૮) તેમ છતાં, તેઓએ ભલા-ભૂંડા વિષેના યહોવાહનાં ધોરણો હંમેશા યાદ રાખવાં જોઈએ. (આમોસ ૫:૧૪, ૧૫) એ માટે દરરોજ બાઇબલ વાંચન ઘણું મદદરૂપ બનશે.—હેબ્રી ૪:૧૨; યાકૂબ ૧:૨૫.
૮ યહોવાહના લોકોમાં ઘણાં “બાળકો” પણ છે જેઓ માબાપ પાસેથી યહોવાહનાં ધોરણો શીખ્યાં છે. પરંતુ, યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવાનો નિર્ણય તેઓએ પોતે કરવાની જરૂર છે. (રૂમી ૧૨:૧, ૨) તેઓ કઈ રીતે એમ કરી શકે? ઈસ્રાએલમાં, યાજકો અને વડીલોને કહેવામાં આવ્યું હતું કે, “સર્વ ઈસ્રાએલની આગળ તેઓના સાંભળતાં તું આ નિયમ વાંચજે. લોકોને, એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને, તથા તારી ભાગળોમાં રહેનાર તારો જે પરદેશી, તેઓને એકઠા કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવાહ તારા દેવથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં આણે; અને તેઓનાં છોકરાં કે જેઓ જાણતાં નથી તેઓ પણ સાંભળીને . . . યહોવાહ તારા દેવથી બીતાં શીખે.” (પુનર્નિયમ ૩૧:૧૧-૧૩) એક યહુદી તરીકે, ઈસુએ ફક્ત ૧૨ વર્ષની ઉંમરે યહોવાહના નિયમો સમજવામાં ઊંડો રસ બતાવ્યો. (લુક ૨:૪૧-૪૯) મંદિરમાં શાસ્ત્રવચનો સાંભળવાં અને વાંચવાં એ તેમની ટેવ હતી. (લુક ૪:૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૧) આજે યુવાનો પણ ઈસુની જેમ જ કરી શકે છે. તેઓ પોતે દરરોજ બાઇબલ વાંચે. તેમ જ, સભાઓમાં નિયમિત જાય, જ્યાં બાઇબલનું વાંચન અને અભ્યાસ પણ થાય છે.
બાઇબલ વાંચનને પ્રથમ મૂકો
૯ શાણા રાજા સુલેમાને લખ્યું: “શિખામણ માન: ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.” (સભાશિક્ષક ૧૨:૧૨) વળી, કોઈ કહી શકે કે આજનાં પુસ્તકો વાંચવાથી થાકી તો જવાય જ છે, સાથે સાથે એ જોખમી પણ છે. તેથી પસંદગી કરવાની જરૂર છે. બાઇબલની સમજણ આપતાં પ્રકાશનો ઉપરાંત, આપણે બાઇબલ વાંચવાની જરૂર છે. આ સામયિક શરૂ કરનારે વાચકોને લખ્યું: “આપણે કદી ભૂલીએ નહિ કે બાઇબલ મુખ્ય છે. એને લગતાં પ્રકાશનો પરમેશ્વર તરફથી આપવામાં આવેલી ‘મદદ’ માત્ર છે. પરંતુ, એ બાઇબલનું સ્થાન લેતાં નથી.”a તેથી, આપણે બાઇબલની સમજણ આપતાં પ્રકાશનો વાંચવા ઉપરાંત, બાઇબલને જરૂર વાંચવું જોઈએ.
૧૦ તેથી, “વિશ્વાસુ અને શાણા ચાકરે” વર્ષોથી દરેક મંડળમાં બાઇબલ વાંચનને દેવશાહી સેવા શાળાનો નિયમિત ભાગ બનાવ્યું છે. (માત્થી ૨૪:૪૫) હમણાંના બાઇબલ વાંચનના કાર્યક્રમથી સાત વર્ષમાં આખું બાઇબલ વાંચી શકાશે. આ કાર્યક્રમ બધા માટે લાભદાયી છે, ખાસ કરીને એવા નવા લોકો માટે, જેઓએ કદી આખું બાઇબલ વાંચ્યું ન હોય. મિશનરિઓ માટેની ગિલયડ સ્કૂલ, સેવકાઈ તાલીમ શાળા કે પછી બેથેલમાં જાય છે, તેઓને એક વર્ષમાં આખું બાઇબલ વાંચવાનું જણાવવામાં આવે છે. તમે વ્યક્તિગત કે કુટુંબ તરીકે ગમે તે સમયપત્રક બનાવ્યું હોય, પણ એમાં બાઇબલ વાંચનને પ્રથમ રાખવું જરૂરી છે.
બાઇબલ વાંચન—તમારા વિષે શું?
૧૧ તમે નિયમિત બાઇબલ વાંચી ન શકતા હોવ તો, પોતાને પૂછો: ‘બીજું બધું વાંચવામાં અને ટીવી જોવામાં મારો કેટલો સમય બગડે છે? એનાથી મારા બાઇબલવાંચન પર શું અસર પડે છે?’ મુસાએ આમ લખ્યું, જેને ઈસુએ પણ ફરી કહ્યું હતું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪; પુનર્નિયમ ૮:૩) શરીર ટકાવી રાખવા આપણે દરરોજ ખોરાક લેવાની જરૂર પડે છે. એ જ રીતે, આપણી આત્મિકતા ટકાવી રાખવા દરરોજ યહોવાહના વિચારો ગ્રહણ કરીને એમાં તલ્લીન થવાની જરૂર છે. આપણે દરરોજ બાઇબલ વાંચીને પરમેશ્વરના વિચારો શીખી શકીએ છીએ.
૧૨ આપણે બાઇબલને “માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ” સ્વીકારીશું તો, બાળક માતાના દૂધ માટે જેવી ઇચ્છા રાખે છે, એવી જ ઇચ્છા આપણે બાઇબલ માટે રાખીશું. (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) પ્રેષિત પીતરે એની આ રીતે સરખામણી કરી: “નવાં જન્મેલાં બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો; જેથી (જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો) તે વડે તમે તારણ મેળવતાં સુધી વધો.” (૧ પીતર ૨:૨, ૩) આપણને અનુભવ થયો હોય કે “પ્રભુ દયાળુ છે” તો, બાઇબલ વાંચનની આપણી ભૂખ જરૂર ઊઘડશે.
૧૩ પરંતુ, નોંધ લો કે પીતરે ઉપયોગ કરેલા દૂધના દૃષ્ટાંતને પ્રેષિત પાઊલ જુદી જ રીતે સમજાવે છે. નવાં જન્મેલાં બાળકની જરૂરિયાત દૂધ સારી રીતે પૂરી પાડે છે. પીતરનું દૃષ્ટાંત બતાવે છે કે આપણે ‘તારણ મેળવવા’ જે જરૂરી છે, એ બધું જ બાઇબલમાં છે. પાઊલ આ દૃષ્ટાંતને જુદી રીતે સમજાવે છે. તે જણાવે છે કે જે લોકો સત્યમાં અનુભવી હોવાનો દાવો કરે છે તેઓની આત્મિક ખોરાક ‘ખાવાની’ ટેવ બરાબર નથી. માટે જ પાઊલે હેબ્રી ભાઈઓને લખ્યું: “આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવનાં વચનનાં મૂળતત્ત્વ શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે; અને જેઓને દૂધની અગત્ય હોય, ને ભારે ખોરાકની નહિ, એવા તમે થયા છો. કેમકે જે કોઇ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બીનઅનુભવી છે; કેમકે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉમ્મરના છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે, તેઓને સારૂ ભારે ખોરાક છે.” (હેબ્રી ૫:૧૨-૧૪) મન લગાડીને બાઇબલ વાંચન કરવાથી આપણી સમજણ વધે છે, અને સત્ય માટેની ભૂખ ઊઘડે છે.
કઈ રીતે બાઇબલ વાંચવું
૧૪ બાઇબલ વાંચનની શરૂઆત વાંચનથી નહિ, પ્રાર્થનાથી થાય છે. પ્રાર્થના એક આશીર્વાદ છે. પ્રાર્થનાથી બાઇબલ વાંચન શરૂ કરવું જાણે એવું છે કે, તમે કોઈ અઘરા વિષયનું પુસ્તક વાંચવાના છો. એ શરૂ કરતા પહેલાં મદદ માટે તમે એના લેખકને બોલાવો છો. એનાથી કેટલો બધો લાભ થઈ શકે છે! બાઇબલના લેખક, યહોવાહ પરમેશ્વર એ લહાવો તમને આપે છે. પ્રથમ સદીના નિયામક જૂથના એક ભાઈએ લખ્યું: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો દેવ જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું.” (યાકૂબ ૧:૫, ૬) આજે પણ નિયામક જૂથ આપણને પ્રાર્થનાપૂર્વક બાઇબલ વાંચન કરવા સતત ભલામણ કરે છે.
૧૫ જ્ઞાન લઈને એનો ઉપયોગ ન કરીએ તો એ શું કામનું છે? તેથી, બાઇબલ વાંચન શરૂ કરતા પહેલાં યહોવાહ પરમેશ્વરની મદદ માંગો કે, તમારા જીવનમાં જે મુદ્દા લાગુ પાડવાની જરૂર હોય, એ તમે પારખી શકો. નવી શીખેલી બાબતોને અગાઉના જ્ઞાનમાં ઉમેરો. તમે જે ‘સત્ય વચનોનું ખરું સ્વરૂપ’ શીખ્યા છો, એમાં એને ગોઠવો. (૨ તીમોથી ૧:૧૩) અગાઉ થઈ ગયેલા યહોવાહના સેવકોનાં જીવન પર મનન કરો, અને વિચારો કે તમે એવા સંજોગોમાં શું કર્યું હોત.—ઉત્પત્તિ ૩૯:૭-૯; દાનીયેલ ૩:૩-૬, ૧૬-૧૮; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦.
૧૬ ફક્ત વાંચવા ખાતર વાંચશો નહિ. પૂરતો સમય લો. તમે જે વાંચો છો, એના પર મનન કરો. અમુક ખાસ મુદ્દો તમને અસર કરે ત્યારે, તમારા બાઇબલમાં એને લગતી બીજી કલમો આપવામાં આવી હોય તો એ વાંચો. તમને મુદ્દો બરાબર ન સમજાય તો, એને નોંધી લો અને વધુ સંશોધન કરો. તમે વાંચો તેમ, કોઈ કલમો યાદ રાખવા માગતા હોવ તો નિશાની કરો, કે એને લખી લો. હાંસિયામાં તમે નોંધ કે એને લગતી બીજી કલમો લખી શકો. તમને લાગે કે એ કલમો ક્યારેક પ્રચારમાં કે બાઇબલ અભ્યાસમાં વાપરી શકાશે તો, એની નોંધ લો.b
બાઇબલ વાંચનનો આનંદ માણો
૧૭ ગીતકર્તાએ સુખી વ્યક્તિ વિષે કહ્યું: “યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે.” (ગીતશાસ્ત્ર ૧:૨) આપણે દરરોજ બાઇબલ વાંચન કરીએ, એ ફક્ત કરવા ખાતર નહિ, પણ ખરેખર આનંદ આપતું હોવું જોઈએ. એની એક રીત એ છે કે, આપણે જે શીખીએ એની કદર કરીએ. શાણા રાજા સુલેમાને લખ્યું: “જે માણસને જ્ઞાન [ડહાપણ] મળે છે . . . તેને ધન્ય છે. તેના માર્ગે સુખચેન જ છે, અને તેના સઘળા રસ્તામાં શાંતિ છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.” (નીતિવચન ૩:૧૩, ૧૭, ૧૮) ડહાપણ મેળવવા કરેલી મહેનતનાં સારાં ફળ મળે છે, કેમ કે એ માર્ગે સુખચેન, શાંતિ, ખુશી અને છેવટે જીવન મળે છે.
૧૮ ખરેખર, બાઇબલ વાંચનથી ઘણા લાભ થાય છે. પરંતુ શું એટલું જ પૂરતું છે? ચર્ચના લોકો વર્ષોથી બાઇબલ વાંચે છે, પણ તેઓ ‘હંમેશા શિક્ષણ લેનારા છતાં સત્યનું જ્ઞાન પ્રાપ્ત નહિ’ કરનારા લોકો છે. (૨ તીમોથી ૩:૭) પરંતુ, આપણે બાઇબલ વાંચનનો પૂરો લાભ લેવા માટે, એમાંથી લીધેલા જ્ઞાનને પોતાના જીવનમાં લાગુ પાડીએ. તેમ જ, પ્રચાર અને શિક્ષણ કાર્યમાં એનો ઉપયોગ કરીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એ મહેનત માગી લે છે, અને એ માટે સારી રીતે અભ્યાસ કરવાની જરૂર છે, જે આનંદ આપે અને આશીર્વાદ લાવી શકે. એ વિષે આપણે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું.
[ફુટનોટ્સ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીએ બહાર પાડેલું પુસ્તક, યહોવાહના સાક્ષીઓ—પરમેશ્વરના રાજ્યને જાહેર કરનારા (અંગ્રેજી), પાન ૨૪૧ જુઓ.
b મે ૧, ૧૯૯૫, ચોકીબુરજના પાન ૧૬-૧૭ પરના બોક્ષમાં “તમારા બાઇબલ વાંચનની ગુણવત્તા-વૃદ્ધિ માટે સૂચનો” જુઓ.
ફરીથી યાદ કરો
• ઈસ્રાએલના રાજાઓને આપેલી કઈ સલાહ આજે વડીલોને પણ લાગુ પડે છે, અને શા માટે?
• આજે કોણ “પરદેશીઓ” અને “બાળકો” જેવા છે, તથા શા માટે તેઓએ દરરોજ બાઇબલ વાંચવાની જરૂર છે?
• “વિશ્વાસુ અને શાણો ચાકર” કઈ રીતે નિયમિત બાઇબલ વાંચવા આપણને મદદ કરે છે?
• બાઇબલ વાંચનથી આપણે કઈ રીતે લાભ અને આનંદ મેળવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. પુસ્તકો વાંચવાના કેટલાક લાભ ક્યા છે, અને બાઇબલ વાંચવાથી કયા લાભો મળે છે?
૨. શા માટે યહોવાહે બાઇબલનું રક્ષણ કર્યું છે, અને તે લોકો પાસેથી શું ઇચ્છે છે?
૩, ૪. (ક) યહોવાહે ઈસ્રાએલના રાજાઓને કઈ આજ્ઞા આપી હતી, અને શા માટે? (ખ) આજે પણ ખ્રિસ્તી વડીલોને એ કઈ રીતે લાગુ પડે છે?
૫. નિયામક જૂથે એક પત્રમાં બાઇબલ વાંચન વિષે શું લખ્યું, અને વડીલોને પણ એ સલાહથી કઈ રીતે લાભ થઈ શકે?
૬. યહોશુઆએ શા માટે ઈસ્રાએલના સર્વ કુળો અને પરદેશીઓ આગળ યહોવાહનું નિયમશાસ્ત્ર મોટેથી વાંચ્યું?
૭, ૮. (ક) આજે “પરદેશીઓ” જેવા કોણ છે, અને શા માટે તેઓએ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ? (ખ) કઈ રીતે “બાળકો” ઈસુના પગલે ચાલી શકે છે?
૯. (ક) શા માટે આપણે વાંચનમાં પસંદગી કરવી જોઈએ? (ખ) આ સામયિક શરૂ કરનારે બાઇબલને લગતાં પ્રકાશનો વિષે શું કહ્યું?
૧૦. કઈ રીતે “વિશ્વાસુ અને શાણા ચાકરે” બાઇબલ વાંચનના મહત્ત્વ પર ભાર મૂક્યો છે?
૧૧. આપણે શા માટે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ?
૧૨, ૧૩. (ક) પ્રેષિત પીતરે બાઇબલ વાંચન વિષે કયું દૃષ્ટાંત આપ્યું? (ખ) પાઊલે દૂધના દૃષ્ટાંતને કઈ અલગ રીતે સમજાવ્યું?
૧૪, ૧૫. (ક) બાઇબલના લેખક આપણને કયો લહાવો આપે છે? (ખ) કઈ રીતે આપણે બાઇબલમાંથી લાભ મેળવી શકીએ? (ઉદાહરણ આપો.)
૧૬. આપણે બાઇબલ વાંચનથી વધારે લાભ મેળવવા શું કરી શકીએ?
૧૭. બાઇબલ વાંચવામાં આપણે કેમ આનંદ માણવો જોઈએ?
૧૮. બાઇબલ વાંચન સાથે બીજું શું જરૂરી છે, અને હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
[પાન ૯ પર ચિત્ર]
ખાસ કરીને વડીલોએ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ
[પાન ૧૦ પર ચિત્ર]
મંદિરમાં શાસ્ત્રનું વાંચન કરવાની ઈસુની ટેવ હતી