યહોવાહનો શબ્દ જીવંત છે
ગીતોનું ગીતના મુખ્ય વિચારો
“જેમ કાંટાઓમાં ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.” “જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ હોય, તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે.” ‘પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની, એ કોણ છે?’ (ગીતોનું ગીત ૨:૨, ૩; ૬:૧૦) બાઇબલમાં ગીતોનું ગીતના આ કેટલા સુંદર શબ્દો! એ આખું જ પુસ્તક કાવ્યરૂપે છે. એ કાવ્યને સુંદર શબ્દો દ્વારા વર્ણવવામાં આવ્યું છે. એમાં એક મહત્ત્વનો સંદેશો રહેલો છે. એટલે એને શ્રેષ્ઠ ગીત કહેવામાં આવે છે.—ગીતોનું ગીત ૧:૧.
સુલેમાન રાજાએ ઈસ્રાએલમાં ચાળીસ વર્ષ રાજ કર્યું હતું. તેમણે પોતાના રાજના શરૂઆતના વર્ષોમાં, આશરે ઈ.સ. પૂર્વે ૧૦૨૦માં આ ગીત રચ્યું હોઈ શકે. એ એક પ્રેમગીત છે. એ ગીતમાં ભરવાડનો છોકરો અને ગામડાની છોકરી શૂલ્લામીની પ્રેમકહાણી છે. ગીતમાં શૂલ્લામીની મા, તેના ભાઈઓ, “યરૂશાલેમની [દરબારી સ્ત્રીઓ]” અને “સિયોનની [યરૂશાલેમની સ્ત્રીઓનો]” પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (ગીતોનું ગીત ૧:૫; ૩:૧૧) આપણે બાઇબલમાં ગીતોનું ગીત વાંચીએ ત્યારે એ પારખવું કદાચ અઘરું બની શકે કે કોણ બોલે છે. તોપણ વ્યક્તિ તેમના પોતાના વિષે શું કહે છે એના પરથી આપણે જાણી શકીએ કે કોણ વાત કરે છે. અથવા વ્યક્તિને જે કહેવામાં આવે છે એના પરથી જાણી શકીએ કે કોણ વાત કરે છે.
ગીતોનું ગીત બાઇબલનો એક ભાગ છે. એમાં રહેલો સંદેશો આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. એના બે કારણો છે. (હેબ્રી ૪:૧૨) એક તો એ બતાવે છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચે કેવો સાચો પ્રેમ હોવો જોઈએ. બીજું, એમાં જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત અને અભિષિક્ત ખ્રિસ્તીઓ વચ્ચે કેવો પ્રેમ છે.—૨ કોરીંથી ૧૧:૨; એફેસી ૫:૨૫-૩૧.
‘મારામાં પ્રેમ જગાડશો નહિ’
ગામડાની છોકરી શૂલ્લામીને સુલેમાન રાજાના ભવ્ય તંબૂમાં લાવવામાં આવી ત્યારે ગીતની શરૂઆતમાં જ શૂલ્લામીએ કહ્યું: “તે પોતાના મુખનાં ચુંબનોથી મને ચુંબન દે; કેમ કે તારી પ્રીતિ દ્રાક્ષારસ કરતાં ઉત્તમ છે.” (ગીતોનું ગીત ૧:૨) પણ તે ત્યાં પહોંચી કેવી રીતે?
તે કહે છે: “મારી માના દીકરા મારા પર ક્રોધાયમાન થયા, તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી.” તેઓ તેના પર કેમ ગુસ્સે થયા? કારણ કે તેના પ્રિયતમે વસંતના એક સુંદર દિવસે એકાંત જગ્યાએ પોતાની સાથે ફરવા જવા તેને બોલાવી હતી. શૂલ્લામીને ત્યાં જતી રોકવા તેઓએ તેને આ કામ સોંપ્યું: “નાનાં શિયાળવાં, દ્રાક્ષાવાડીઓને ભેલાડે” નહિ માટે એની ચોકી કર. એ દ્રાક્ષાવાડીઓ તો સુલેમાન રાજાની છાવણીની પાસે જ હતી. આ સુંદર કન્યા અખરોટના બગીચામાં જતી હતી ત્યારે કોઈએ તેને જોઈ. તેથી તેને છાવણીમાં લાવવામાં આવી હતી.—ગીતોનું ગીત ૧:૬; ૨:૧૦-૧૫; ૬:૧૧.
તે પોતાના પ્રિયતમ માટે તલપતી હોવાથી દરબારની સ્ત્રીઓ તેને કહે છે કે, ‘તું ટોળાને પગલે પગલે ચાલી જા.’ પણ સુલેમાન રાજા તેને જવા દેતા નથી. તે પોતે શૂલ્લામીના રૂપના વખાણ કરવા લાગે છે. તેને વચન આપે છે કે “તારે સારુ રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું.” એનાથી તે જરાય લલચાઈ નહિ. છોકરીનો પ્રીતમ તેને શોધતો શોધતો સુલેમાનની છાવણીમાં પ્રવેશ્યો એવામાં તે દેખાઈ. તે આનંદથી બોલી ઊઠ્યો: “મારી પ્રિયતમા, તું સુંદર છે; તું મનોહર છે.” કન્યા દરબારી સ્ત્રીઓને સોગન ખવડાવે છે કે “તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.” એટલે કે હું તૈયાર ન હોઉં ત્યાં સુધી પ્રીતમ માટે મારામાં પ્રેમ ન જગાડો.—ગીતોનું ગીત ૧:૮-૧૧, ૧૫; ૨:૭; ૩:૫.
સવાલ-જવાબ:
૧:૨, ૩—શા માટે ઘેટાંપાળકની પ્રીતિને દ્રાક્ષારસ, અને તેના નામને અત્તર સાથે સરખાવવામાં આવે છે? જેવી રીતે દ્રાક્ષારસ માણસના હૃદયને આનંદ આપે છે અને માથા પર રેડેલું અત્તર કે તેલ તેને ઠંડક આપે છે, એ જ રીતે પ્રિયતમાને તેના પ્રીતમનો પ્રેમ અને તેનું નામ યાદ કરીને દિલાસો અને શક્તિ મળે છે. (ગીતશાસ્ત્ર ૨૩:૫; ૧૦૪:૧૫) યહોવાહના ભક્તો, ખાસ કરીને અભિષિક્તોને ઈસુએ એ જ રીતે પ્રેમ બતાવ્યો છે. તેઓ એના પર મનન કરે છે એમ તેઓને યહોવાહની ભક્તિમાં હિંમત અને ઉત્તેજન મળે છે.
૧:૫—ગામડાની શ્યામ છોકરી પોતાને કેમ “કેદારના તંબુઓની” સાથે સરખાવે છે? બકરાંના વાળમાંથી બનેલું કાપડ અનેક રીતે વપરાતું. (ગણના ૩૧:૨૦) દાખલા તરીકે, કરારકોશના મંડપ ઉપરના પડદા બકરાંના વાળમાંથી બનાવવામાં આવતા. (નિર્ગમન ૨૬:૭) એ રીતે આજે પણ રણવાસી આરબો કાળા બકરાંના રૂવાંના કપડાંમાંથી તંબુઓ બનાવીને એમાં રહે છે. એમ કદાચ કેદારના લોકો પણ કરતા હોઈ શકે.
૧:૧૫—“તારી આંખો હોલાના જેવી છે,” ભરવાડ છોકરાના આ શબ્દોનો શું અર્થ થાય? તે કહેતો હતો કે તેની પ્રેમિકાની આંખો હોલા કે કબૂતરની આંખો જેવી કોમળ છે.
૨:૭; ૩:૫—દરબારની સ્ત્રીઓને કેમ “હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન” લેવાનું કહેવામાં આવ્યું? હરણી અને સાબરી આકર્ષક અને સુંદર હોય છે. શૂલ્લામી કન્યા દરબારી સ્ત્રીઓને સર્વ આકર્ષક અને સુંદર વસ્તુઓના સમ ખવડાવીને કહેતી હતી કે તેનામાં પ્રેમી ભરવાડ માટે પ્રેમ ન જગાડે.
આપણે શું શીખી શકીએ?
૧:૨; ૨:૬. જે છોકરો-છોકરી સાચે જ લગ્ન કરવાના હોય તેઓ અમુક હદ સુધી પ્રેમ બતાવી શકે. તોય તેઓએ સાવચેત રહેવું જોઈએ. જેથી શુદ્ધ મનથી કરવામાં આવતો પ્રેમ તેઓને ગંદા વિચારો ને વ્યભિચાર કરવા દોરી ન જાય.—ગલાતી ૫:૧૯.
૧:૬; ૨:૧૦-૧૫. શૂલ્લામીના ભાઈઓએ તેને તેના પ્રીતમ સાથે પહાડોમાં એકાંત જગ્યાએ ફરવા જવા દીધી નહિ. એનું શું કારણ હતું? શું તેનું મન મેલું હતું? કે પછી વ્યભિચારી હતી? ના, જરાય નહિ. તેઓ તો તેનું રક્ષણ કરવા ચાહતા હતા. જેથી તે કોઈ પણ સંજોગોમાં પાપ કરી ન બેસે. પ્રેમમાં હોય એવાં છોકરા-છોકરીઓ કદાચ એકબીજાને ઓળખવા માટે સાથે સમય વિતાવતા હોઈ શકે. પરંતુ તેઓએ સાવ એકાંતમાં એકલા મળવું ન જોઈએ.
૨:૧-૩, ૮, ૯. શૂલ્લામી સુંદર અને રૂપાળી હતી તોપણ પોતાને સામાન્ય “શારોનનું ગુલાબ” ગણતી હતી. તે સુંદર હોવાથી અને યહોવાહને દિલથી ભજતી હોવાથી ભરવાડનો છોકરો તેને “કાંટાઓમાં ગુલછડી” જેવી ગણતો હતો. પણ તે પોતે કેવો હતો? તે તો રૂડો રૂપાળો હતો. એટલે તે શૂલ્લામીને મન “હરણ” જેવો હતો. તે યહોવાહનો પાકો ભક્ત હતો. તે એવી રીતે રહેતો હતો જેથી યહોવાહનું નામ બદનામ ન થાય. શૂલ્લામી કહે છે કે “જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ [એ છાંયડો ને ફળ આપે છે] હોય, તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે.” જો આપણે લગ્નસાથી શોધતા હોઈએ તો, તેનામાં પણ ઈશ્વર માટે શ્રદ્ધા અને પ્રેમ જેવા ગુણો હોય તો કેવું સારું!
૨:૭; ૩:૫. ગામડાની છોકરીના દિલમાં સુલેમાનનું કોઈ સ્થાન ન હતું. એ કારણથી તેણે દરબારની સ્ત્રીઓને સમ ખવડાવ્યા કે તેઓ તેના દિલમાં પોતાના પ્રીતમ સિવાય બીજા કોઈના માટે પ્રેમ જગાડશે નહિ. આપણા દિલમાં પણ જેની-તેની માટે ઇશ્ક કે પ્યાર જાગવો ન જોઈએ. એ સારું ન કહેવાય. તમે જો લગ્નસાથી શોધતા હો તો યહોવાહને ભજતી હોય એવી વ્યક્તિને જ પસંદ કરવી જોઈએ.—૧ કોરીંથી ૭:૩૯.
“તમે શૂલ્લામીને કેમ જુઓ છો?”
‘ધુમાડાના સ્તંભો જેવું’ કંઈક અરણ્યમાં આવે છે. (ગીતોનું ગીત ૩:૬) યરૂશાલેમની સ્ત્રીઓ જોવા જાય છે ત્યારે તેઓને શું જોવા મળે છે? સુલેમાન અને તેમના ચાકરો શહેરમાં આવતા તેઓને નજરે પડે છે! અરે જુઓ તો ખરા, સુલેમાન રાજા તેમની સાથે શૂલ્લામીને પણ લાવે છે.
શૂલ્લામીનો પ્રીતમ છૂપી રીતે તેની પાછળ જાય છે અને તેને મળે છે. તે શૂલ્લામીને ખાતરી કરાવે છે કે પોતાનો પ્રેમ કદી તૂટશે નહિ. એ શહેર છોડીને જતા રહેવાની અરજ કરતા શૂલ્લામી કહે છે: “પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ.” શૂલ્લામી તેના પ્રીતમને કહે છે કે તે તેના “બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય.” તેનો પ્રીતમ કહે છે: “હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું.” યરૂશાલેમની સ્ત્રીઓ તેઓને કહે છે: ‘હે પ્રિય ખાઓ; પીઓ, હા પુષ્કળ પીઓ.’—ગીતોનું ગીત ૪:૬, ૧૬; ૫:૧.
પોતાને આવેલાં સ્વપ્ન વિષે દરબારની સ્ત્રીઓને જણાવ્યા પછી શૂલ્લામી તેઓને કહે છે: “હું પ્રેમપીડિત [પ્રેમમાં] છું.” એ સ્ત્રીઓ પૂછે છે: ‘હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ કઈ રીતે બીજા પ્રીતમ કરતાં વિશેષ છે?’ શૂલ્લામી જવાબ આપતાં કહે છે: “મારો પ્રીતમ ગોરો તથા લાલચોળ છે, તે દશ હજારમાં શિરોમણી છે.” (ગીતોનું ગીત ૫:૨-૧૦) સુલેમાન શૂલ્લામીના ભરપૂર વખાણ કરે છે ત્યારે તે નમ્રભાવે પૂછે છે: “તમે શૂલ્લામીને કેમ જુઓ છો?” (ગીતોનું ગીત ૬:૪-૧૩) એ સાંભળીને રાજા તેના હૃદયને જીતવા હજુ ભરપૂર વખાણ કરવા લાગ્યા. તોપણ શૂલ્લામીનો તેના પ્રીતમ માટેનો પ્રેમ જરાય ઘટ્યો નહિ. છેવટે હારીને સુલેમાન તેને પાછી ઘરે જવા દે છે.
સવાલ-જવાબ:
૪:૧; ૬:૫—શા માટે શૂલ્લામીના કેશને ‘બકરાંના ટોળા’ સાથે સરખાવવામાં આવે છે? એવું લાગે છે કે બકરાંના કાળા કેશની જેમ તેનાં કેશ ચળકતાં હતાં.
૪:૧૧—શૂલ્લામીના હોઠમાંથી ‘મધપૂડાની માફક મીઠાશ ટપકે છે’ અને તેની ‘જીભ તળે મધ તથા દૂધ ટપકે છે.’ એનો શું અર્થ થાય? ખુલ્લી જગ્યાના મધ કરતાં મધપૂડાનું મધ મીઠું હોય છે. અને શૂલ્લામીની જીભ નીચે મધ અને દૂધ છે. આ બે વિચાર એના પર ભાર મૂકે છે કે શૂલ્લામીના શબ્દો મધ જેવા મીઠા હતા.
૫:૧૨—‘તેની આંખો પાણીના ઝરણા પાસે ઊભેલા હોલા જેવી ને તે દૂધથી ધોયેલી છે.’ એનો શું અર્થ થાય? અહીં શૂલ્લામી પોતાના પ્રીતમની સુંદર આંખો વિષે કહે છે. કવિની ભાષામાં તે કદાચ પ્રીતમની ચળકતી સફેદીથી ઘેરાયેલી કાળી કીકીને દૂધના કૂંડમાં નહાતા રાખોડી રંગના હોલા સાથે સરખાવે છે.
૫:૧૪, ૧૫—ભરવાડ છોકરાના હાથ-પગનું આ રીતે કેમ વર્ણન કરવામાં આવ્યું છે? શૂલ્લામી કહેતી હતી કે ભરવાડ છોકરાની આંગળીઓ સોનાની વીંટીઓ જેવી અને તેના નખ પોખરાજ જેવા છે. તેમ જ તેના પગ તો “સંગેમરમરના” કે આરસપહાણના સ્તંભો જેવા છે. કેમ કે એ મજબૂત અને સુંદર છે.
૬:૪—શૂલ્લામીને કેમ તિર્સાહ સાથે સરખાવવામાં આવી? તિર્સાહ કનાનનું શહેર હતું જે યહોશુઆએ કબજે કર્યું હતું. સુલેમાનના શાસન પછી ઉત્તર ઈસ્રાએલના દસ કુળના રાજ્યએ એને પહેલી વાર પાટનગર બનાવ્યું. (યહોશુઆ ૧૨:૭, ૨૪; ૧ રાજાઓ ૧૬:૫, ૬, ૮, ૧૫) એના વિષે એક પુસ્તકે આમ કહ્યું: “એવું લાગે છે કે એ શહેર બહુ જ સુંદર હતું. એટલે જ એનું નામ અહીં લેવામાં આવ્યું છે.”
૬:૧૩—માહનાઈમનો નાચ શું છે? એનું આ રીતે પણ ભાષાંતર થઈ શકે: “બે છાવણી વચ્ચેનો નાચ.” એ શહેર યર્દન નદીની પૂર્વ દિશાએ હતું. એની બાજુમાં યાબ્બોક નદી પણ હતી. (ઉત્પત્તિ ૩૨:૨, ૨૨; ૨ શમૂએલ ૨:૨૯) ‘બે છાવણી વચ્ચેનો નાચ,’ એનો અર્થ શું છે? એવું લાગે છે કે જ્યારે એ શહેરમાં તહેવાર હોય ત્યારે લોકો સાથે મળીને નાચતા હોઈ શકે.
૭:૪—સુલેમાન કેમ શૂલ્લામીની ગરદનને “હાથીદાંતના બુરજ” સાથે સરખાવે છે? આ પહેલાં પણ શૂલ્લામીની ગરદનના આમ વખાણ થયા હતા: ‘દાઊદના બુરજ જેવી તારી ગરદન છે.’ (ગીતોનું ગીત ૪:૪) શૂલ્લામીની ગરદન બુરજની જેમ ઊંચી, પાતળી અને હાથીદાંત જેવી લીસી હતી, એ જોઈને સુલેમાન મુગ્ધ થયો.
આપણે શું શીખી શકીએ?
૪:૧-૭. શૂલ્લામી આપણા જેવી જ હતી. તોય તે સુલેમાનની ચાલમાં ફસાઈ નહિ. તેણે બતાવી આપ્યું કે પોતે ખરું-ખોટું પારખીને ખરું કરી જાણે છે. એનાથી તેની સુંદરતા ઓર વધી. યહોવાહને ભજતી દરેક સ્ત્રીઓ એવી જ હોવી જોઈએ.
૪:૧૨. સુંદર બગીચાનું રક્ષણ કરવા એની ફરતે કાંટા-ઝાંખરાની ઊંચી વાડ કે દીવાલ હોય છે. જેથી કોઈ ફાલતુ વ્યક્તિ એમાં પ્રવેશી ન શકે. આ રીતે શૂલ્લામીએ પોતાના પ્રેમનું રક્ષણ કર્યું હતું. તેણે પોતાના ભાવિ પતિ માટે જ પોતાનો પ્રેમ સાચવી રાખ્યો હતો. કુંવારી બહેનો માટે પવિત્ર રહેવાનો કેવો સુંદર દાખલો!
“યહોવાહનો ભડકો”
શૂલ્લામીને ઘરે આવતી જોઈને તેના ભાઈઓએ પૂછ્યું: “પોતાના પ્રીતમ પર ટેકીને રાનમાંથી આ કોણ આવે છે?” થોડા સમય પહેલાં તેના એક ભાઈએ તેના વિષે કહ્યું હતું: “જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ.” શૂલ્લામી પ્રેમની કસોટીમાં વિજેતા થઈ હતી. એટલે તેણે કહ્યું: “હું કોટ છું, ને મારાં થાન તેના બુરજો જેવાં છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.”—ગીતોનું ગીત ૮:૫, ૯, ૧૦.
સાચો પ્રેમ એ “યહોવાહનો ભડકો છે.” શા માટે? કેમ કે યહોવાહ પ્રેમના સાગર છે. તેમણે જ ઇન્સાનમાં પ્રેમ કરવાની ક્ષમતા મૂકી છે. એટલે જ પ્રેમને યોગ્ય રીતે “યહોવાહનો ભડકો” કહેવામાં આવ્યો છે. જેઓના દિલમાં એવો પ્રેમ હોય તે બુઝાય નહિ. ગીતોનું ગીત સુંદર રીતે બતાવે છે કે પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ “મોત સમાન બળવાન [અતૂટ] છે.”—ગીતોનું ગીત ૮:૬.
સુલેમાનના ગીત પરથી એ પણ જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે જેઓ સ્વર્ગમાં રાજ કરશે તેઓ વચ્ચે કેટલો પ્રેમ છે. (પ્રકટીકરણ ૨૧:૨, ૯) પતિ-પત્નીને એકબીજા માટે જેટલો પ્રેમ હોય એના કરતાં વધારે ઈસુ ખ્રિસ્તને અભિષિક્ત ભાઈ-બહેનો માટે પ્રેમ છે. તેઓ યહોવાહની ભક્તિમાં જરાય પાછા પડતા નથી. “બીજાં ઘેટાં” માટે પ્રેમ હોવાથી જ ઈસુએ તેઓ માટે પોતાનો જીવ આપી દીધો. (યોહાન ૧૦:૧૬) ચાલો આપણે દરેક શૂલ્લામી જેવો પ્રેમ કેળવીએ, અને યહોવાહની ભક્તિમાં અડગ રહીએ. (w 06 11/15)
[પાન ૪ પર ચિત્ર]
જેઓ લગ્નસાથી શોધે છે તેઓ સુલેમાને લખેલા ગીતોનું ગીતમાંથી શું શીખી શકે?