‘છેક નાનો હજાર’ બન્યો છે
“છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે.”—યશાયાહ ૬૦:૨૨.
“અંધારૂં પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવાહ તારા પર ઊગશે, ને તેનો મહિમા તારા પર દેખાશે.” (યશાયાહ ૬૦:૨) આ શબ્દો ૧૯૧૯થી પૃથ્વી પરની હાલતનું સારી રીતે વર્ણન કરે છે. ખ્રિસ્તીરાષ્ટ્રે “જગતનું અજવાળું,” ઈસુ ખ્રિસ્તની રાજાશાહી હાજરી નકારી છે. (યોહાન ૮:૧૨; માત્થી ૨૪:૩) ‘અંધકારરૂપી જગતના સત્તાધારીઓનો’ આગેવાન, શેતાન “ઘણો કોપાયમાન” હોવાથી, ૨૦મી સદી માનવ ઇતિહાસમાં સૌથી વધુ ક્રૂર અને વિનાશક બની હતી. (પ્રકટીકરણ ૧૨:૧૨; એફેસી ૬:૧૨) મોટા ભાગના લોકો આત્મિક રીતે અંધકારમાં છે.
૨ છતાં, આજે અજવાળું પ્રકાશે છે. યહોવાહ પોતાના સેવકો, અભિષિક્ત શેષભાગને પ્રકાશિત કરે છે, જેઓ દ્વારા તેમની આકાશી “સ્ત્રી” દર્શાવાય છે. (યશાયાહ ૬૦:૧, NW) ખાસ કરીને, ૧૯૧૯માં બાબેલોની બંદીવાસમાંથી તેઓ છુટ્યા ત્યારથી, તેઓએ દેવના મહિમાનું પ્રતિબિંબ પાડ્યું છે અને ‘પોતાનું અજવાળું લોકોની આગળ પ્રકાશવા’ દીધું છે. (માત્થી ૫:૧૬) વર્ષ ૧૯૧૯થી ૧૯૩૧ સુધી, આ લોકો બાબેલોની માન્યતાઓની સાંકળ તોડીને મુક્ત થયા તેમ, રાજ્યનો પ્રકાશ વધુને વધુ પ્રકાશવા લાગ્યો છે. યહોવાહ પોતાનું વચન પાળે છે તેમ, તેઓ હજારોની સંખ્યામાં વધતા જાય છે: “હું ઈસ્રાએલના બચેલાઓને નિશ્ચે એકઠા રાખીશ; હું તેઓને બોસ્રાહનાં [અથવા, વાડામાંનાં] ઘેટાંની પેઠે એકઠા કરીશ; બીડમાં ચરતાં ઘેટાંબકરાંના ટોળાની પેઠે તેઓ માણસોના જથાને લીધે મોટો ઘોંઘાટ કરશે.” (મીખાહ ૨:૧૨) યહોવાહના લોકો પર તેમના મહિમાનો વધુ એક પુરાવો ૧૯૩૧માં મળ્યો, જ્યારે તેઓએ યહોવાહના સાક્ષી નામ અપનાવ્યું.—યશાયાહ ૪૩:૧૦, ૧૨.
૩ શું યહોવાહ પોતાનું અજવાળું બાકી રહેલી “નાની ટોળી” પર જ પ્રકાશવા દેશે? (લુક ૧૨:૩૨) ના. સપ્ટેમ્બર ૧, ૧૯૩૧ના (અંગ્રેજી) ચોકીબુરજના અંકે બીજા એક જૂથ વિષે જણાવ્યું. એમાં હઝકીએલ ૯:૧-૧૧માંની સુંદર સમજણ આપતા બતાવ્યું કે, કલમમાંનો લહિયાના ખડિયાવાળો માણસ અભિષિક્ત શેષભાગને દર્શાવે છે. એ “માણસ” દ્વારા કોના માથા પર ચિહ્ન કરવામાં આવે છે? એ તો “બીજાં ઘેટાં” છે, જેઓને પારાદેશ પૃથ્વી પર સદાકાળ જીવવાની આશા છે. (યોહાન ૧૦:૧૬; ગીતશાસ્ત્ર ૩૭:૨૯) આ “બીજાં ઘેટાં” ૧૯૩૫માં ‘સર્વ દેશોમાંથી આવેલી મોટી સભા’ તરીકે ઓળખાયા, જેઓને પ્રેષિત યોહાને સંદર્શનમાં જોયા હતા. (પ્રકટીકરણ ૭:૯-૧૪) એ સમયથી અત્યાર સુધી, મોટી સભાને એકત્રિત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.
૪ આ કાર્ય વિષે યશાયાહની ભવિષ્યવાણીમાં પણ જણાવવામાં આવ્યું છે: “પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે.” (યશાયાહ ૬૦:૩) અહીં કયા “રાજાઓ” વિષે વાત થાય છે? એ તો ઈસુ ખ્રિસ્ત સહિત, ૧,૪૪,૦૦૦માંના શેષભાગની વાત કરે છે, જેઓ આકાશી રાજ્યના વારસો છે, અને સાક્ષી કાર્યમાં આગેવાની લે છે. (રૂમી ૮:૧૭; પ્રકટીકરણ ૧૨:૧૭; ૧૪:૧) આજે, અભિષિક્ત જનોમાંના બાકી રહેલાઓથી, ‘પ્રજાઓની’ સંખ્યા ઘણી વધારે છે. એ પાર્થિવ આશાવાળી “પ્રજાઓ” છે, જેઓ યહોવાહ પાસેથી શીખે છે, અને બીજાઓને પણ એમ કરવા આમંત્રણ આપે છે.—યશાયાહ ૨:૩.
યહોવાહના ઉત્સાહી સેવકો
૫ યહોવાહના સાક્ષીઓએ ૨૦મી સદીમાં કેવો ઉત્સાહ બતાવ્યો છે! હવે, ૨૦૦૦ની સાલમાં પણ દબાણો વધી રહ્યાં હોવા છતાં, તેઓનો ઉત્સાહ ઘટ્યો નથી. “સર્વ દેશનાઓને શિષ્ય કરો,” એવી ઈસુની આજ્ઞા તેઓ હજુ પણ પાળે છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) આ વીસમી સદીના છેલ્લા સેવા વર્ષ દરમિયાન, સુસમાચાર જાહેર કરનારા પ્રકાશકોની સંખ્યા ૫૯,૧૨,૪૯૨ થઈ. તેઓએ દેવ અને તેમના હેતુઓ વિષે લોકોને જણાવવામાં ૧,૧૪,૪૫,૬૬,૮૪૯ કલાકો ગાળ્યા. તેઓએ વધુ જાણવા ચાહનારાઓની ૪૨,૦૦,૪૭,૭૯૬ મુલાકાતો લીધી, અને ૪૪,૩૩,૮૮૪ બાઇબલ અભ્યાસો ચલાવ્યા. ઉત્સાહી સેવાનો કેવો અદ્ભુત અહેવાલ!
૬ ગયા વર્ષે, જાન્યુઆરીમાં નિયામક જૂથે પાયોનિયરો માટેના કલાકોમાં ફેરગોઠવણ કરી. તેથી, ઘણા લોકોએ આનો લાભ લઈને નિયમિત કે સહાયક પાયોનિયર કાર્ય ચાલુ કર્યું. દાખલા તરીકે, ૧૯૯૯ના પ્રથમ ચાર મહિનામાં નેધરલૅન્ડની શાખા કચેરીએ અગાઉના વર્ષ કરતાં, નિયમિત પાયોનિયરોની ચાર ગણી વધુ અરજીઓ મેળવી. ઘાના જણાવે છે: “પાયોનિયરોના કલાકોમાં ઘટાડો થયો ત્યારથી, નિયમિત પાયોનિયરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.” આખા જગતમાં ૧૯૯૯માં, પાયોનિયરોની સંખ્યા વધીને ૭,૩૮,૩૪૩ થઈ છે, જે ‘સારાં કામ કરવાની આતુરતા’ બતાવે છે.—તીતસ ૨:૧૪.
૭ શું યહોવાહે પોતાના લોકોના આ ઉત્સાહી કાર્યને આશીર્વાદ આપ્યો છે? હા. તે યશાયાહ દ્વારા કહે છે: “તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો: તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે; તારા પુત્રો દૂરથી આવશે, ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.” (યશાયાહ ૬૦:૪) ભેગા કરવામાં આવેલા અભિષિક્ત “પુત્રો” અને ‘પુત્રીઓ’ હજુ પણ ઉત્સાહથી દેવની સેવા કરી રહ્યા છે. હમણાં, ૨૩૪ દેશો અને ટાપુઓમાં ઈસુના બીજાં ઘેટાંઓની સાથે યહોવાહના અભિષિક્ત “પુત્રો” અને ‘પુત્રીઓ’ ભેગાં કરવામાં આવી રહ્યાં છે.
“સર્વ સારાં કામ”
૮ રાજ્યના સુસમાચાર પ્રચાર કરવા અને રસ ધરાવનારાઓને શિષ્યો બનાવવા, એ ખ્રિસ્તીઓની જવાબદારી છે. પરંતુ, તેઓ “સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર” છે. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (૨ તીમોથી ૩:૧૭) તેથી, તેઓ પ્રેમાળ રીતે પોતાનાં કુટુંબોની સંભાળ રાખે છે, પરોણાગત બતાવે છે અને બીમાર લોકોની મુલાકાત લે છે. (૧ તીમોથી ૫:૮; હેબ્રી ૧૩:૧૬) તેમ જ, આ સ્વયંસેવકો રાજ્યગૃહોનું બાંધકામ પણ કરે છે, જેનાથી લોકોને સાક્ષી મળે છે. ટોગોમાં, એક રાજ્યગૃહનું બાંધકામ પૂરું થયા પછી ત્યાંના ચર્ચની એક જવાબદાર વ્યક્તિ જાણવા માગતી હતી કે, યહોવાહના સાક્ષીઓ કઈ રીતે જાતે બાંધકામ કરી શકે છે, જ્યારે એ જ કામ માટે ચર્ચે બીજાઓને પૈસા ચૂકવવા પડે છે! ટોગોનો અહેવાલ આગળ જણાવે છે કે સુંદર રાજ્યગૃહો બાંધવાથી પડોશીઓ પર સારી અસર પડે છે. તેથી, કેટલાક લોકો રાજ્યગૃહ બંધાતા હોય, એ જ વિસ્તારમાં મકાન બાંધવાનો કે ભાડેથી લેવાનો પ્રયત્ન કરે છે.
૯ અમુક વખત, બીજાં સારાં કામો પણ જરૂરી હોય છે. છેલ્લા સેવા વર્ષ દરમિયાન ઘણા દેશોમાં આફતો આવી પડી હતી, અને ત્યાં સહાય કરવા જનારાઓમાં મોટે ભાગે યહોવાહના સાક્ષીઓ સૌ પ્રથમ હતા. દાખલા તરીકે, હોન્ડુરાસ મીચ નામના વાવાઝોડાથી મોટે ભાગે વિનાશ પામ્યું હતું. તરત જ, શાખા કચેરીએ સહાય માટે તાત્કાલિક સમિતિઓ રચી. હોન્ડુરાસ અને બીજા ઘણા દેશોના સાક્ષીઓએ કપડાં, ખોરાક, દવાઓ અને બીજી મૂળ જરૂરિયાતો દાનમાં આપી. બાંધકામ સમિતિઓએ ઘરો ફરીથી બાંધવામાં મદદ કરી. જલદી જ, આફતોનો ભોગ બનેલા આપણા ભાઈઓને રોજિંદું જીવન જીવવા મદદ કરવામાં આવી. ઈક્વેડોરમાં, ભયંકર પૂર આવવાથી કેટલાંક ઘરોનો નાશ થયો ત્યારે, યહોવાહના સાક્ષીઓએ પોતાના ભાઈઓને મદદ કરી. તેઓએ પરિસ્થિતિ જે રીતે હાથ ધરી હતી, એ જોઈને એક સરકારી અધિકારીએ કહ્યું: “મારે આ લોકો સાથે કામ કરવાનું હોય તો, કેટલું સારું! તમારા જેવા લોકો દુનિયામાં બધે જ હોવા જોઈએ.” આવાં સારાં કામો યહોવાહને મહિમા આપે છે, અને એ વાતની સાબિતી છે કે આપણી “ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે.”—૧ તીમોથી ૪:૮.
તેઓ ‘વાદળની પેઠે ઊડી આવે છે’
૧૦ હવે યહોવાહ પૂછે છે: “આ જેઓ વાદળની પેઠે, ને પોતાની બારીઓ તરફ ઊડીને આવતાં કબૂતરની પેઠે, ઊડી આવે છે તેઓ કોણ હશે? ખચીત દ્વીપો મારી વાટ જોશે, અને . . . તારા પુત્રોને તેમના સોનારૂપાસહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે . . . પરદેશીઓ તારા કોટ બાંધશે, ને તેમના રાજાઓ તારી સેવા કરશે.” (યશાયાહ ૬૦:૮-૧૦) યહોવાહના ‘પ્રકાશ’ તરફ આવનારા પ્રથમ તેમના “પુત્રો,” અભિષિક્ત ખ્રિસ્તીઓ છે. પછી “પરદેશીઓ,” મોટી સભા આવે છે, જેઓ વફાદારીથી પોતાના અભિષિક્ત ભાઈઓની સેવા કરીને, સુસમાચારના પ્રચાર કાર્યમાં તેઓને અનુસરે છે. આમ, અભિષિક્તોની સંખ્યા ઘટી રહી છે છતાં, આજે યહોવાહનું નામ જગત ફરતે જોરશોરથી જાહેર થઈ રહ્યું છે.
૧૧ પરિણામે, લાખો લોકો “પોતાની બારીઓ તરફ ઊડીને આવતા કબુતરની પેઠે” ખ્રિસ્તી મંડળમાં આશ્રય મેળવે છે. દર વર્ષે હજારો લોકો ઉમેરાય છે, અને હજુ પણ એ માર્ગ ખુલ્લો જ છે. યશાયાહ કહે છે: “તારી ભાગળો નિત્ય ઉઘાડી રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ; જેથી વિદેશીઓનું દ્રવ્ય . . . તારી પાસે લાવવામાં આવે.” (યશાયાહ ૬૦:૧૧) ગયા વર્ષે ૩,૨૩,૪૩૯ લોકોએ યહોવાહને સમર્પણના ચિહ્ન તરીકે બાપ્તિસ્મા લીધું, અને હજુ પણ યહોવાહે એ માર્ગ બંધ કર્યો નથી. મોટી સભાના સભ્યો, “સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ” હજુ પણ એમાંથી ભેગી કરવામાં આવે છે. (હાગ્ગાય ૨:૭) જગતનો અંધકાર છોડવા ચાહનારાઓ નિરાશ થશે નહિ. (યોહાન ૧૨:૪૬) અમે આશા રાખીએ કે એવા લોકો પ્રકાશની હંમેશા કદર કરે!
વિરોધ છતાં હિંમતવાન
૧૨ અંધારુ ચાહનારાઓ યહોવાહના પ્રકાશને ધિક્કારે છે. (યોહાન ૩:૧૯) કેટલાક તો એ પ્રકાશનો અંત લાવવાનો પણ પ્રયત્ન કરે છે. જોકે, એમાં કંઈ નવાઈ નથી. ‘હરેક માણસને પ્રકાશ આપનાર . . . ખરું અજવાળું,’ ઈસુની પણ ઠઠ્ઠા મશ્કરી, અને વિરોધ કરવામાં આવ્યો. છેવટે, તેમના દેશના લોકોએ જ તેમને મારી નાખ્યા. (યોહાન ૧:૯) આ ૨૦મી સદીમાં, યહોવાહના સાક્ષીઓએ પણ ઠઠ્ઠા મશ્કરી, કેદ, પ્રતિબંધ અને મરણને સહન કર્યા છે. અરે તેઓ વફાદારીથી યહોવાહનું અજવાળું પ્રકાશવા દે છે, એ કારણે તેઓએ જીવ પણ ગુમાવવો પડે છે. આજે, વિરોધીઓ સમાચાર માધ્યમો દ્વારા દેવનો પ્રકાશ ફેલાવનારાઓ વિષે જૂઠી અફવા ફેલાવે છે. અમુક તો લોકોને એવું માનવા પ્રેરે છે કે યહોવાહના સાક્ષીઓ ખતરનાક છે, એટલે તેઓને બહુ છૂટ આપવી નહિ, પણ તેઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. શું આવા વિરોધીઓ સફળ થયા છે?
૧૩ ના, તેઓ સફળ થયા નથી. યહોવાહના સાક્ષીઓએ યોગ્ય હોય ત્યાં, સમાચાર માધ્યમો પાસે જઈને સત્ય બાબતો સમજાવી છે. તેથી, વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો અને ટેલિવિઝન પર યહોવાહનું નામ જાહેર થયું છે. એનાથી પ્રચારકાર્યમાં સારાં પરિણામો મળ્યાં છે. દાખલા તરીકે, ડેનમાર્કમાં નેશનલ ટીવી પર એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એનો વિષય હતો, “શા માટે ડેનમાર્કના લોકોનો વિશ્વાસ નબળો પડતો જાય છે?” બીજાઓ સાથે યહોવાહના સાક્ષીઓનાં ઇન્ટર્વ્યૂં પણ લેવામાં આવ્યા. આ કાર્યક્રમ જોયા પછી એક સ્ત્રીએ કહ્યું: “એ દેખાઈ આવતું હતું કે દેવ કોની સાથે છે.” પછી તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.
૧૪ યહોવાહના સાક્ષીઓ જાણે છે કે આ જગતમાં તેઓને સતાવવામાં આવશે. (યોહાન ૧૭:૧૪) છતાં, તેઓને યશાયાહની ભવિષ્યવાણી હિંમત આપે છે: “જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને યહોવાહનું નગર, ઈસ્રાએલના પવિત્ર દેવનું સિયોન, કહેશે.” (યશાયાહ ૬૦:૧૪) પોતાના દુઃખમાં, વિરોધીઓને જલદી જ ભાન થશે કે તેઓ ખરેખર દેવની વિરુદ્ધ લડી રહ્યા હતા. જોકે, એવું યુદ્ધ કોણ જીતી શકે?
૧૫ યહોવાહ આગળ વચન આપે છે: “હું તને સર્વકાળ વૈભવરૂપ . . . કરી નાખીશ. તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવાહ તારો ત્રાતા છું.” (યશાયાહ ૬૦:૧૫, ૧૬) હા, યહોવાહ પોતાના લોકોને બચાવનાર છે. તેઓ તેમના પર ભરોસો રાખશે તો તેઓ “સર્વકાળ” ટકશે. તેઓ સાચી ઉપાસનાને આગળ વધારવા, પ્રાપ્ય સાધનોનો ઉપયોગ કરીને ‘વિદેશીઓનું દૂધ ચૂસશે.’ દાખલા તરીકે, કૉમ્પ્યુટર અને વાતચીત વ્યવહાર ટેકનોલૉજીના ડહાપણભર્યા ઉપયોગથી ચોકીબુરજ ૧૨૧ ભાષાઓમાં અને સજાગ બનો! ૬૨ ભાષાઓમાં એક સાથે પ્રકાશિત કરવું સરળ બન્યું છે. ચોક્કસ પ્રકારનો કૉમ્પ્યુટર સોફ્ટવેર કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનનું વધુ ભાષાઓમાં ભાષાંતર થઈ શકે. એની ખરેખર ઘણી કદર કરવામાં આવે છે. ક્રોએશિયન ભાષામાં, ૧૯૯૯માં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચન બહાર પડ્યું ત્યારે, ખુશીથી હજારો લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. એક વૃદ્ધ ભાઈએ કહ્યું: “હું આ બાઇબલની વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. હવે મને શાંતિ થઈ!” ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનની ૩૪ ભાષાઓમાં આખી કે અમુક ભાગમાં ૧૦ કરોડ પ્રતો વિતરણ કરવામાં આવી છે.
ઉચ્ચ નૈતિક ધોરણો
૧૬ ઈસુએ કહ્યું: “જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે.” (યોહાન ૩:૨૦) પરંતુ, જેઓ અજવાળામાં રહે છે તેઓ યહોવાહનાં ઉચ્ચ ધોરણો ચાહે છે. યશાયાહ દ્વારા યહોવાહ કહે છે: “વળી તારા સર્વ લોક ધાર્મિક થશે.” (યશાયાહ ૬૦:૨૧ક) જાતીય અનૈતિકતા, જૂઠાણું, લોભ અને ઘમંડ સામાન્ય છે એવા જગતમાં નૈતિક ધોરણો જાળવી રાખવા મુશ્કેલ બની શકે છે. દાખલા તરીકે, કેટલાક દેશોમાં વેપારધંધામાં તેજી હોવાથી, પૈસા પાછળ પડી જઈ શકાય. પરંતુ, પાઊલે ચેતવણી આપી: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.” (૧ તીમોથી ૬:૯) એ કેટલું દુઃખદ છે કે, અમુક જણ વેપારધંધામાં એવા ગૂંથાઈ ગયા છે કે, તેઓ ખ્રિસ્તી સંગત, પવિત્ર સેવા, નૈતિક નિયમો, અને કુટુંબની જવાબદારીઓ જેવી મહત્ત્વની બાબતો જતી કરે છે!
૧૭ નૈતિક ધોરણો જાળવી રાખવા ખાસ કરીને યુવાનો માટે મુશ્કેલ બની શકે છે. એનું કારણ એ છે કે, તેઓની ઉંમરના ઘણા યુવાનો ડ્રગ્સ અને અનૈતિકતામાં પરોવાયેલા હોય છે. સુરીનામમાં, ૧૪ વર્ષની એક છોકરીને શાળામાં સુંદર દેખાતા એક છોકરાએ જાતીય સંબંધ બાંધવા લલચાવી. તે છોકરીએ સાફ ના પાડીને સમજાવ્યું કે બાઇબલ લગ્ન બહાર આવા સંબંધોની મનાઈ કરે છે. આ જોઈને શાળાની બીજી છોકરીઓએ તેની મશ્કરી કરી. તેમ જ, તેઓએ એમ કહીને તેનું મન બદલવાનો પ્રયત્ન કર્યો કે, એ છોકરા સાથે તો દરેક છોકરી જાતીય સંબંધ બાંધવા ઇચ્છતી હોય છે. તોપણ, આ છોકરી પોતાના નિર્ણયમાં અડગ રહી. થોડા સપ્તાહો પછી ખબર પડી કે, પેલા છોકરાને તો એઈડ્સનો રોગ હતો. આ છોકરી ખૂબ જ ખુશ થઈ કે, તેણે ‘વ્યભિચારથી દૂર રહેવાની’ યહોવાહની આજ્ઞા માની હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) યહોવાહના સાક્ષીઓ ખરેખર ગર્વ અનુભવે છે કે, તેઓના યુવાનો જે ખરું છે એ માટે અડગ રહે છે. તેઓનો અને તેઓના માબાપનો વિશ્વાસ યહોવાહ દેવને ‘મહિમા’ આપે છે.—યશાયાહ ૬૦:૨૧ખ.
યહોવાહે આશીર્વાદ આપ્યો છે
૧૮ હા, યહોવાહ પોતાના લોકોને આશીર્વાદ, માર્ગદર્શન અને હિંમત આપીને, તેઓ પર પ્રકાશ પાડે છે. આ ૨૦મી સદીમાં, તેઓએ યશાયાહના શબ્દો પૂરા થતા જોયા છે: “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવાહ ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” (યશાયાહ ૬૦:૨૨) વર્ષ ૧૯૧૯માં ‘છેક નાનાને’ યહોવાહે “હજાર” કરતાં વધુ બનાવ્યો છે. હજુ પણ એ વૃદ્ધિ ચાલુ જ છે! ગયા વર્ષે ૧,૪૦,૮૮,૭૫૧ લોકોએ ઈસુના મરણની યાદગીરીની ઉજવણીમાં હાજરી આપી. એમાંના ઘણા સાક્ષીઓ ન હતા. આપણે ખુશ છીએ કે તેઓએ આ મહત્ત્વના પ્રસંગની ઉજવણીમાં હાજરી આપી અને આપણે ચાહીએ છીએ કે, તેઓ પ્રકાશ તરફ વધતા જ રહે. યહોવાહનો તેજસ્વી પ્રકાશ હજુ પણ પોતાના લોકો પર છે. તેમની સંસ્થામાં જોડાવા માટે હજુ પણ તક છે. ચાલો આપણે સર્વ યહોવાહના પ્રકાશમાં રહેવાનો નિર્ણય કરીએ. એનાથી આપણા માટે હમણાં કેટલા ભવ્ય આશીર્વાદો છે! ભવિષ્યમાં પણ સર્વ યહોવાહની ઉપાસના કરશે, અને તેમને મહિમાવાન મનાવશે, એ કેટલું આનંદમય હશે!—પ્રકટીકરણ ૫:૧૩, ૧૪.
શું તમે સમજાવી શકો?
• આ છેલ્લા દિવસોમાં કોણે યહોવાહનું અજવાળું પ્રકાશવા દીધું છે?
• શું બતાવે છે કે યહોવાહના લોકોનો ઉત્સાહ ઘટ્યો નથી?
• યહોવાહના સાક્ષીઓ કેટલાંક કયાં કાર્યોમાં મંડ્યા રહે છે?
• ખૂબ જ વિરોધ છતાં, આપણને કયો ભરોસો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) શા માટે આજે પૃથ્વી અંધકારમાં છે? (ખ) કઈ રીતે યહોવાહનો પ્રકાશ ધીમે ધીમે તેમના લોકો પર પ્રકાશે છે?
૩. અભિષિક્તો સિવાય બીજાઓ પર પણ યહોવાહ પોતાનું અજવાળું પ્રકાશવા દે છે, એમ કઈ રીતે કહી શકાય?
૪. યશાયાહ ૬૦:૩માંના “રાજાઓ” અને “પ્રજાઓ” કોણ છે?
૫. (ક) શું બતાવે છે કે યહોવાહના લોકોનો ઉત્સાહ ઘટ્યો નથી? (ખ) કયા દેશોમાં ૧૯૯૯માં સરસ વધારો થયો છે? (પાન ૧૭થી ૨૦ પર આપેલો ચાર્ટ જુઓ.)
૬. પાયોનિયરો માટે કઈ નવી ગોઠવણ થઈ, અને એનું શું પરિણામ આવ્યું છે?
૭. યહોવાહે પોતાના સેવકોના કાર્યને કઈ રીતે આશીર્વાદ આપ્યો છે?
૮. યહોવાહના સાક્ષીઓ કયાં ‘સારાં કામ’ કરી રહ્યા છે?
૯. આફતો આવી પડે ત્યારે, યહોવાહના સાક્ષીઓ શું કરે છે?
૧૦. અભિષિક્ત લોકોની સંખ્યા ઘટી રહી છે છતાં, કઈ રીતે યહોવાહનું નામ બધી બાજુ જોરશોરથી જાહેર થઈ રહ્યું છે?
૧૧. (ક) હજુ પણ કયું કાર્ય ચાલુ જ છે, અને ૧૯૯૯માં એના કયાં પરિણામો આવ્યાં? (ખ) કયા દેશોમાં ૧૯૯૯માં બાપ્તિસ્માની સંખ્યામાં વધારો થયો છે? (પાન ૧૭થી ૨૦ પરનો ચાર્ટ જુઓ.)
૧૨. અંધકારને ચાહનારાઓ કઈ રીતે પ્રકાશનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે?
૧૩. આપણા કાર્યને લગતાં સત્યો સમાચાર માધ્યમોને સમજી વિચારીને રજૂ કરવાથી કયાં પરિણામો મળ્યાં છે?
૧૪. દુઃખી હાલતમાં વિરોધીઓને શાનું ભાન થશે?
૧૫. કઈ રીતે યહોવાહના સાક્ષીઓ ‘વિદેશીઓનું દૂધ ચૂસે’ છે, અને એ તેઓના શિક્ષણ અને પ્રચારકાર્યમાં કઈ રીતે દેખાય આવે છે?
૧૬, ૧૭. (ક) મુશ્કેલ હોવા છતાં, શા માટે યહોવાહનાં ઉચ્ચ ધોરણો જાળવવા મહત્ત્વનાં છે? (ખ) કયો અનુભવ બતાવે છે કે, યુવાનો જગતની ચાલે ચાલવાનું ટાળી શકે છે?
૧૮. (ક) યહોવાહે પોતાના લોકો માટે કઈ મહાન બાબતો કરી છે? (ખ) કયા પુરાવા બતાવે છે કે વૃદ્ધિ ચાલુ જ રહેશે અને એ પ્રકાશમાં રહેવા ચાહનારાઓ માટે કયું અદ્ભુત ભાવિ રહેલું છે?
[પાન ૧૭-૨૦ પર ચાર્ટ]
(See bound volume)
[પાન ૧૫ પર ચિત્રો]
લોકોને હજુ પણ યહોવાહના સંગઠનમાં ભેગા કરવામાં આવે છે
[પાન ૧૬ પર ચિત્ર]
આપણે ખુશ છીએ કે, પ્રકાશ ચાહનારાઓ માટે યહોવાહે માર્ગ ખુલ્લો રાખ્યો છે