ચૌદમું પ્રકરણ
અભિમાની શહેરને યહોવાહ નમાવે છે
૧. હવે યશાયાહનું પુસ્તક કયા સમય સુધી ભાખે છે?
યશાયાહનું પ્રબોધકીય પુસ્તક આઠમી સદી બી.સી.ઈ.માં લખાયું હતું. એ સમયે, વચનના દેશ પર આશ્શૂરનું આક્રમણ ચાલુ હતું. આગળ જોઈ ગયા તેમ, યશાયાહની ભવિષ્યવાણી સો ટકા સાચી પડે છે. તેમણે ભાખ્યું હતું એમ જ બનાવો બને છે. જો કે યશાયાહનું પુસ્તક આશ્શૂરના રાજ પછીના સમય વિષે જણાવે છે. એ ભાખે છે કે, યહોવાહના લોકો ઘણા દેશોની ગુલામીમાંથી પાછા આવશે, જેમાં બાબેલોનના મૂળ સ્થાન, શિનઆરનો પણ સમાવેશ થાય છે. (યશાયાહ ૧૧:૧૧) યશાયાહના ૧૩માં અધ્યાયમાં, આપણને નોંધપાત્ર ભવિષ્યવાણી મળી આવે છે. એ પૂરી થયા પછી, લોકો પાછા ફરશે. એની શરૂઆત આ શબ્દોથી થાય છે: “બાબેલ વિષેની દેવવાણી, જે આમોસના પુત્ર યશાયાહને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે.”—યશાયાહ ૧૩:૧.
‘હું અભિમાન ઉતારીશ’
૨. (ક) હિઝકીયાહ કઈ રીતે બાબેલોન સાથે સંડોવાય છે? (ખ) કઈ “ધ્વજા” ઊંચી કરવામાં આવશે?
૨ યશાયાહના સમયમાં જ, યહુદાહ બાબેલોન સાથે સંડોવાય છે. રાજા હિઝકીયાહ ખૂબ જ માંદો પડે છે, પછી સાજો થાય છે. તેથી, બાબેલોનના પ્રતિનિધિઓ તેને અભિનંદન કહેવા આવ્યા. જો કે એમાં તેઓનો સ્વાર્થ પણ હોય શકે, જેથી, હિઝકીયાહને આશ્શૂર સામે લડવા પોતાનો સાથી બનાવે. પરંતુ, મૂર્ખાઈથી રાજા હિઝકીયાહ પોતાની બધી ધનદોલત તેઓને બતાવી દે છે. તેથી, યશાયાહ હિઝકીયાહને જણાવે છે કે, રાજાના મરણ પછી, સર્વ ધનદોલત બાબેલોન લઈ જવાશે. (યશાયાહ ૩૯:૧-૭) આ ૬૦૭ બી.સી.ઈ.માં પૂરું થાય છે, જ્યારે યરૂશાલેમનો નાશ થાય છે, અને લોકોને ગુલામીમાં લઈ જવાય છે. પરંતુ, યહોવાહના પસંદ થયેલા લોકો કંઈ હંમેશા બાબેલોનમાં રહેશે નહિ. યહોવાહ ભાખે છે કે, તે પોતાના લોકો માટે પાછા ફરવાનો માર્ગ ખોલશે. તે કહે છે: “ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે સાદે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ અમીરોની ભાગળોમાં પેસે.” (યશાયાહ ૧૩:૨) એ “ધ્વજા” આવનાર જગત સત્તા છે, જે બાબેલોનને એના સ્થાનેથી ઉથલાવી નાખશે. એ “ખુલ્લા પર્વત પર” ઊંચી કરવામાં આવશે, જેથી છેક દૂરથી જોઈ શકાય. બાબેલોન પર હુમલો કરવાની આજ્ઞા મળી હોવાથી, એ નવી જગત સત્તા “અમીરોની ભાગળોમાં” બળજબરીથી ઘૂસી જશે, અને એને જીતી લેશે.
૩. (ક) યહોવાહના “પવિત્ર કરાએલા” કોણ છે? (ખ) મૂર્તિપૂજક લશ્કરો કયા અર્થમાં “પવિત્ર કરાએલા” છે?
૩ હવે યહોવાહ કહે છે: “મે મારા પવિત્ર કરાએલાઓને આજ્ઞા આપી છે, મે મારા શૂરવીરોને પણ એટલે મારા બડાઇ મારનારા ગર્વિષ્ઠોને, મારા રોષને લીધે બોલાવ્યા છે. સાંભળો, ઘણા લોકોની ઠઠ હોય એવો પર્વતોમાં થતો હોકારો! સાંભળો, એકઠા થએલા વિદેશીઓનાં રાજ્યોના હુલ્લડનો ઘોંઘાટ! સૈન્યોનો દેવ યહોવાહ લડાઈને માટે વ્યૂહ રચે છે.” (યશાયાહ ૧૩:૩, ૪) એ “પવિત્ર કરાએલાઓ” કોણ છે, જેઓ બાબેલોનનું અભિમાન ઉતારશે? તેઓ તો “એકઠા થએલા વિદેશીઓનાં” લશ્કરોનું જૂથ છે. તેઓ દૂર દેશના પર્વતોમાંથી બાબેલોન સામે ચઢી આવે છે. “તેઓ દૂર દેશથી, દિગંતથી આવે છે.” (યશાયાહ ૧૩:૫) આ મૂર્તિપૂજક લશ્કરો કંઈ યહોવાહની ભક્તિ કરતા નથી, તો પછી કયા અર્થમાં તેઓ પવિત્ર કરાયેલા છે? હેબ્રી શાસ્ત્રવચનોમાં ‘પવિત્ર કરાએલાનો’ અર્થ થાય “દેવના ઉપયોગ માટે પસંદ કરાયેલા.” યહોવાહ પોતાનો રોષ બતાવવા, વિદેશીઓના સૈન્યોને પસંદ કરી, તેઓની સ્વાર્થી ઇચ્છાઓનો ઉપયોગ કરી શકે છે. તેમણે આશ્શૂરનો એ જ રીતે ઉપયોગ કર્યો હતો. તે બાબેલોનનો ઉપયોગ પણ એ જ રીતે કરશે. (યશાયાહ ૧૦:૫; યિર્મેયાહ ૨૫:૯) વળી, તે બાબેલોનને સજા કરવા માટે બીજા કોઈ દેશનો ઉપયોગ કરશે.
૪, ૫. (ક) બાબેલોન વિષે યહોવાહ પરમેશ્વર શું ભાખે છે? (ખ) બાબેલોન પર હુમલો કરનારાઓએ શાનો સામનો કરવો પડશે?
૪ બાબેલોન હજુ જગત સત્તા બન્યું ન હતું. તેમ છતાં, યહોવાહ પરમેશ્વર અગાઉથી એવો સમય જોઈ શકે છે, જ્યારે એ જગત સત્તા બનશે. તેમ જ, યશાયાહ દ્વારા તે તેનો વિનાશ પણ ભાખે છે: “વિલાપ કરો; કેમકે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.” (યશાયાહ ૧૩:૬) બાબેલોનનો અહંકાર વિલાપમાં બદલાઈ જશે. શા માટે? એનું કારણ “યહોવાહનો દિવસ” છે, જ્યારે યહોવાહ તેનો ન્યાય કરશે.
૫ જો કે કઈ રીતે બાબેલોન જીતી શકાશે? યહોવાહના નક્કી કરેલા સમયે, એ શહેર તો ખૂબ જ સલામતીમાં હોય એમ લાગશે. સૌ પ્રથમ, ચઢી આવનાર લશ્કરોએ એમાંથી વહેતી યુફ્રેટિસ નદી વિષે કંઈ કરવું પડશે. એનું પાણી રક્ષણ માટે શહેરની ચારે બાજુ બનાવેલી નહેરોમાં ભરેલું હતું. તેમ જ, એમાંથી પીવાનું પાણી પણ મળી રહેતું હતું. પછી, બાબેલોનની બેવડી દીવાલ હતી, જે પર્વત જેવી લાગતી હતી. વધુમાં, શહેરમાં પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો. બાઇબલના રોજિંદા જીવનચિત્રો (અંગ્રેજી) પુસ્તક કહે છે કે, બાબેલોનના છેલ્લા રાજા નાબોનીદસે “શહેરમાં ખોરાક ભેગો કરવા પુષ્કળ મહેનત કરી હતી. એવું માનવામાં આવે છે કે, એના રહેવાસીઓને ૨૦ વર્ષ ચાલે એટલો [ખોરાક] પુરવઠો તેઓ પાસે હતો.”
૬. ભવિષ્યવાણી મુજબ, બાબેલોન પર હુમલો થશે ત્યારે, અચાનક શું બનશે?
૬ જો કે દેખાવ છેતરામણો હોય શકે છે. યશાયાહ કહે છે: “તેથી સર્વના હાથ ઢીલા પડશે, ને સર્વ માણસનાં હૃદય પીગળી જશે; તેઓ ગભરાશે; તેઓ પર દુઃખ તથા સંકટ આવી પડશે; પ્રસૂતાની પેઠે તેઓ કષ્ઠાશે; તેઓ ભયભીત થઈને એકબીજા સામે ટગરટગર જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાનાં મુખ જેવાં થશે.” (યશાયાહ ૧૩:૭, ૮) ચઢી આવનાર લશ્કર અંદર ઘૂસી આવશે ત્યારે, એના બેફિકર લોકો પ્રસૂતાની પીડા અનુભવશે. તેઓનાં હૃદય ભયથી થરથર કાંપશે. તેઓના હાથ જાણે લકવો થયો હોય એમ ઢીલા પડી જશે, અને તેઓ સામનો કરી શકશે નહિ. ભય અને ચિંતાથી તેઓના ચહેરા “જ્વાળાનાં મુખ” જેવા થશે. તેઓ ભયભીત થઈને એકબીજા સામે ટગરટગર જોયા કરશે, અને માની શકશે નહિ કે તેઓના મહાનગરની આ દશા થઈ.
૭. “યહોવાહનો દિવસ” કઈ રીતે આવે છે, અને બાબેલોન માટે એનો શું અર્થ થાય છે?
૭ હા, બાબેલોન જરૂર પડશે. બાબેલોન પર હિસાબ ચૂકવવાનો “યહોવાહનો દિવસ” આવી પડ્યો છે, અને એ ખરેખર દુઃખદ હશે. સર્વોચ્ચ ન્યાયાધીશ પોતાનો રોષ પ્રગટ કરશે, અને બાબેલોનના પાપી લોકોને યોગ્ય સજા કરશે. ભવિષ્યવાણી આગળ કહે છે: “જુઓ, યહોવાહનો દિવસ આવે છે; તે દુઃખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા સારૂ આવે છે.” (યશાયાહ ૧૩:૯) બાબેલોનનું ભાવિ અંધકારમય છે. જાણે કે, સૂર્ય, ચંદ્ર, અને તારાએ પ્રકાશ આપવાનું બંધ કરી દીધું હોય. “આકાશના તારાઓ તથા નક્ષત્રો પ્રકાશ આપશે નહિ; સૂર્ય ઊગતા જ અંધરાશે, ને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.”—યશાયાહ ૧૩:૧૦.
૮. યહોવાહ શા માટે બાબેલોનનો નાશ કરે છે?
૮ એ અભિમાની શહેરનો આવો અંત શા માટે આવ્યો? યહોવાહ કહે છે: “હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.” (યશાયાહ ૧૩:૧૧) પરમેશ્વરના લોકોને બાબેલોને જે નિર્દયતા બતાવી, એની સજારૂપે યહોવાહનો કોપ તેઓ પર રેડાશે. દુષ્ટ બાબેલોનીઓને કારણે આખા દેશને વેઠવું પડશે. હવેથી, આ ઘમંડી જુલમીઓ યહોવાહ પરમેશ્વરની સામા થવાનું જ ભૂલી જશે!
૯. યહોવાહના ન્યાયના દિવસે બાબેલોન પર શું આવી પડશે?
૯ યહોવાહ પરમેશ્વર કહે છે: “ચોખ્ખા સોના કરતા આદમીની, ને ઓફીરના સોના કરતાં માણસની હું અછત કરીશ.” (યશાયાહ ૧૩:૧૨) એ શહેર સાવ ઉજ્જડ થઈ જશે. યહોવાહ જણાવે છે: “તે માટે હું આકાશોને હલાવીશ, ને પૃથ્વી ડગમગીને સ્થાનભ્રષ્ટ થશે, સૈન્યોના દેવ યહોવાહના કોપથી ને તેના બળતા રોષને દિવસે એમ થશે.” (યશાયાહ ૧૩:૧૩) બાબેલોનના “આકાશો,” એટલે કે, એના અસંખ્ય દેવદેવીઓ હલાવી નંખાશે. એ શહેરને ખરા સમયે તેઓ કામ આવશે નહિ. બાબેલોનનું સામ્રાજ્ય, એટલે “પૃથ્વી” ડગમગી જશે. એ ફક્ત ઇતિહાસ, એક ખંડિયેર બની જશે. “નસાડેલા છિંકારાની પેઠે, ને જેમને કોઇ ભેગા કરનાર નથી એવાં ઘેટાંની પેઠે, તેઓ પોતપોતાના લોકની તરફ વળશે, ને પોતપોતાના દેશમાં નાસી જશે.” (યશાયાહ ૧૩:૧૪) બાબેલોનને ટેકો આપનારાં બીજા દેશો તેને છોડીને નાસી જશે. જેથી, તેઓ નવી જગત સત્તા સાથે સારા સંબંધો બાંધી શકે. છેવટે, બાબેલોને જેવું વાવ્યું એવું લણવું પડશે. પોતાના રાજમાં, એણે પણ ઘણા દેશોને દુઃખી કર્યા હતા: “મળી આવેલા સર્વને વીંધી નાખવામાં આવશે; અને સર્વ પકડાએલા તરવારથી પડશે. તેમની દૃષ્ટિ આગળ તેમનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે, તેમનાં ઘરો લૂંટાશે, અને તેમની સ્ત્રીઓની આબરૂ લેવાશે.”—યશાયાહ ૧૩:૧૫, ૧૬.
યહોવાહનું સાધન
૧૦. બાબેલોનનો વિનાશ કરવા યહોવાહ કોનો ઉપયોગ કરશે?
૧૦ બાબેલોનનો વિનાશ કરવા યહોવાહ કોનો ઉપયોગ કરશે? યહોવાહે વિનાશના લગભગ ૨૦૦ વર્ષ પહેલાં જવાબ આપ્યો: “જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ. ધનુષ્યો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે; અને ગર્ભસ્થાનના ફળ પર તેઓ દયા રાખશે નહિ; તેમની દૃષ્ટિમાં બાળકો કૃપાપાત્ર થશે નહિ. બાબેલ જે રાજ્યોમાં શિરોમણિ, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ તથા ગમોરાહ જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યાં તેઓના જેવું થશે.” (યશાયાહ ૧૩:૧૭-૧૯) ભવ્ય બાબેલોનનો વિનાશ જરૂર થશે, અને એમ કરવા માટે, યહોવાહ પરમેશ્વર છેક દૂરના લશ્કરો, માદીઓનો ઉપયોગ કરશે.a છેવટે, બાબેલોન ખૂબ જ અનૈતિક, સદોમ અને ગમોરાહનાં શહેરો જેવું ઉજ્જડ બની જશે.—ઉત્પત્તિ ૧૩:૧૩; ૧૯:૧૩, ૨૪.
૧૧, ૧૨. (ક) માદાય કઈ રીતે જગત સત્તા બન્યું? (ખ) ભવિષ્યવાણીમાં માદાયનાં લશ્કરોનું કયું અસામાન્ય વલણ જણાવાયું છે?
૧૧ યશાયાહના સમયમાં, માદાય અને બાબેલોન બંને આશ્શૂરના હાથ નીચે હતા. લગભગ એક સદી પછી, ૬૩૨ બી.સી.ઈ.માં, માદાય અને બાબેલોન એક થઈ, આશ્શૂરનું પાટનગર નીનવેહ ઉથલાવી નાખે છે. એનાથી બાબેલોન માટે જગત સત્તા થવાનો માર્ગ ખુલ્લો થયો. પરંતુ, એને ક્યાં ખબર હતી કે કંઈક સો વર્ષ પછી, માદાય એનો વિનાશ કરશે! યહોવાહ પરમેશ્વર સિવાય આવી ભવિષ્યવાણી કોણ કરી શકે?
૧૨ યહોવાહ વિનાશના સાધનની ઓળખ આપતા કહે છે કે, માદીઓનાં લશ્કરો “રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.” યુદ્ધના સૈનિકોનું કેવું અસામાન્ય વલણ! બાઇબલ તજજ્ઞ આલ્બર્ટ બાર્ન્ઝ કહે છે: “ખરેખર, લૂંટનો લોભ ન હોય એવા લશ્કરો તો ભાગ્યે જ જોવા મળે.” શું માદીઓનાં લશ્કરોએ યહોવાહની ભવિષ્યવાણી સાચી ઠરાવી? હા. બાઇબલ પરનાં લખાણો (અંગ્રેજી)માં, જે. ગ્લેન્ટવર્થ બટલર જે કહે છે, એ વિચારો: “અત્યાર સુધી લડાઈ લડી ચૂકેલાં મોટા ભાગના દેશોમાંથી, માદીઓ, અને ખાસ તો ઈરાનીઓએ સોના કરતાં, જીત અને ગૌરવને વધુ મહત્ત્વ આપ્યું.”b એ જોતાં, નવાઈ લાગતી નથી કે, જ્યારે ઈરાની રાજા કોરેશે ઈસ્રાએલીઓને બાબેલોનમાંથી મુક્ત કર્યા, ત્યારે તેણે તેઓને સોનાં અને રૂપાનાં હજારો પાત્રો પાછાં આપ્યાં, જે નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી લૂંટી લાવ્યો હતો.—એઝરા ૧:૭-૧૧.
૧૩, ૧૪. (ક) માદાય અને ઈરાનીઓને લૂંટમાં કોઈ રસ ન હતો, છતાં, તેઓને શાની ઇચ્છા હતી? (ખ) બાબેલોન જેની બડાઈ મારતું હતું, એવાં નડતરો કોરેશે કઈ રીતે આંબ્યાં?
૧૩ માદાય અને ઈરાનીઓને લૂંટમાં બહુ રસ ન હતો, તેઓને બસ સત્તાની જ ભૂખ હતી. જગતમાં તેઓ કોઈથી પણ પાછળ રહી જવા ચાહતા ન હતા. વધુમાં, યહોવાહ તેઓનાં હૃદયમાં “સંહાર” મૂકશે. (યશાયાહ ૧૩:૬) આમ, તેઓના ધનુષ્યોથી તેઓ ફક્ત તીર જ છોડતા નહિ. પરંતુ, બાબેલોની માતાઓનાં સંતાનો, જે દુશ્મન સૈનિકો હતા, તેઓને પણ મારતા. તેઓ તો બસ બાબેલોન જીતવા જ નીકળ્યા હતા.
૧૪ માદાય-ઈરાની લશ્કરોનો આગેવાન, કોરેશ બાબેલોનની કિલ્લેબંધીથી ડરી જાય એવો ન હતો. તેણે ઑક્ટોબર ૫/૬, ૫૩૯ બી.સી.ઈ.ની રાત્રે, યુફ્રેટિસ નદીના પાણીનું વહેણ બદલાવી નાખવાનો હુકમ આપ્યો. તેથી, ધીમે ધીમે પાણી કમર સુધી નીચું ગયું, અને સૈનિકો ચોરીછૂપીથી શહેરની અંદર ઘૂસી ગયા. બાબેલોનીઓ પર અચાનક આ આફત આવી પડી, અને બાબેલોન હારી ગયું. (દાનીયેલ ૫:૩૦) યહોવાહ પરમેશ્વરે યશાયાહને આ બનાવો ભાખવા પ્રેર્યા, જેનાથી કોઈ શંકા રહેતી નથી કે, સઘળું તેમની ઇચ્છા પ્રમાણે જ થાય છે.
૧૫. બાબેલોનનું ભાવિ શું છે?
૧૫ બાબેલોનનો કેવો વિનાશ થશે? યહોવાહ પરમેશ્વરને સાંભળો: “તેમાં ફરી કદી વસ્તી થશે નહિ, તેમાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ; અને ત્યાં અરબ લોકો પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ. પણ ત્યાં જંગલી જનાવર બેસશે; તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે; ત્યાં શાહમૃગ રહેશે, ત્યાં રાની બકરાં કૂદશે. વરુઓ તેઓની હવેલીઓમા, અને શિયાળો તેઓના સુખદાયક મહેલોમાં ભૂંકશે; તેનો વખત પાસે આવે છે, ને તે ઘણા દિવસ ટકશે નહિ.” (યશાયાહ ૧૩:૨૦-૨૨) શહેરનો પૂરેપૂરો વિનાશ થઈ, સાવ ઉજ્જડ થઈ જશે.
૧૬. બાબેલોનની ઉજ્જડ હાલત, આપણને કઈ ખાતરી આપે છે?
૧૬ જો કે ૫૩૯ બી.સી.ઈ.માં, તરત જ એમ બન્યું નહિ. તેમ છતાં, આજે એ સ્પષ્ટ છે કે, બાબેલોન વિષે યશાયાહે જે કંઈ ભાખ્યું હતું, એ બધું જ પૂરું થયું છે. એક બાઇબલ વિવેચક કહે છે કે, બાબેલોન “સદીઓથી ખંડિયેર પડ્યું છે.” પછી તે ઉમેરે છે: “એ જોઈને તરત જ યાદ આવી જાય છે કે, યશાયાહ અને યિર્મેયાહે જેમ ભાખ્યું હતું, એમ જ બન્યું.” ખરેખર, યશાયાહના સમયમાંની કોઈ વ્યક્તિએ બાબેલોનનો વિનાશ અને એની ઉજ્જડતા વિષે ભાખ્યું ન હોય શકે. એનું કારણ એ કે, યશાયાહે પુસ્તક લખ્યું, એના કંઈક ૨૦૦ વર્ષ પછી, માદાય અને ઈરાને બાબેલોન પર જીત મેળવી, અને સદીઓ પછી તે ઉજ્જડ બન્યું! શું એનાથી આપણો વિશ્વાસ દૃઢ થતો નથી કે, બાઇબલ ખરેખર પરમેશ્વરનો પ્રેરિત શબ્દ છે? (૨ તીમોથી ૩:૧૬) વધુમાં, યહોવાહે જેમ અગાઉ ભવિષ્યવાણીઓ પૂરી કરી, તેમ આપણે ખાતરી રાખી શકીએ કે, બાઇબલની બાકીની ભવિષ્યવાણીઓ પણ પરમેશ્વરના સમયે ચોક્કસ પૂરી થશે.
તમારાં દુઃખથી રાહત પામો
૧૭, ૧૮. બાબેલોનની હાર, ઈસ્રાએલીઓ માટે કયા આશીર્વાદો લઈ આવશે?
૧૭ બાબેલોનની પડતી ઈસ્રાએલીઓ માટે છુટકારો લાવશે. એનો અર્થ તેઓ માટે ગુલામીમાંથી છુટકારો, અને વચનના દેશમાં પાછા જવાની તક પણ ખરી. તેથી, હવે યશાયાહ કહે છે: “યહોવાહ યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈસ્રાએલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે; પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે. લોકો તેમને લઈને તેમના વતનમાં તેમને પાછા આણશે; અને યહોવાહની ભૂમિમાં ઈસ્રાએલીઓ તેઓને દાસ તથા દાસી તરીકે રાખશે; અને તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે; અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.” (યશાયાહ ૧૪:૧, ૨) અહીં “યાકૂબ” ઈસ્રાએલના બારેય કુળોને દર્શાવે છે. યહોવાહ પરમેશ્વર “યાકૂબ” પર દયા બતાવીને તેઓને વતનમાં પાછા લાવશે. તેઓ સાથે હજારો બિન-યહુદીઓ પણ આવશે, જેઓમાંના ઘણા મંદિરમાં દાસો તરીકે ઈસ્રાએલીઓની સેવા કરશે. કેટલાક ઈસ્રાએલીઓ તો તેઓના અગાઉના માલિકો પર અધિકાર પણ મેળવશે.c
૧૮ ગુલામીમાંના જીવનનાં દુઃખ વીતી ગયેલી કાલના જેવા હશે. એને બદલે, યહોવાહ પોતાના લોકોને તેઓના “કલેશથી તથા [તેઓના] સંતાપથી, અને જે સખત વૈતરૂં [તેઓની] પાસે કરાવવામાં આવ્યું તેથી વિસામો આપશે.” (યશાયાહ ૧૪:૩) ઈસ્રાએલીઓ ગુલામીના બોજથી મુક્ત થયા પછી, તેઓએ જૂઠા દેવોના ઉપાસકોમાં રહેવાથી પણ છુટકારો મેળવ્યો. (એઝરા ૩:૧; યશાયાહ ૩૨:૧૮) એ વિષે બાઇબલના દેશો અને લોકો (અંગ્રેજી) પુસ્તક કહે છે: “બાબેલોનીઓ માટે તેઓના દેવો માણસ જેવા જ હતા, એટલે કે, તેઓને પણ માણસની જેમ અવગુણો હતા. તેઓ ડરપોક, દારૂડિયા અને જડબુદ્ધિના હતા.” એવા જગતમાંથી નીકળી આવવું ખરેખર કેવું રાહત આપનારું હશે!
૧૯. યહોવાહની માફી મેળવવા ઈસ્રાએલીઓએ શું કરવાની જરૂર હતી, અને એનાથી આપણે શું શીખી શકીએ?
૧૯ જો કે યહોવાહની દયા પામવા કંઈક કરવાની જરૂર હતી. તેમના લોકોએ પણ પાપોનો પસ્તાવો કરવો જ પડશે, કારણ કે એ માટે જ પરમેશ્વરે તેઓને સખત શિક્ષા કરી હતી. (યિર્મેયાહ ૩:૨૫) ખુલ્લા મનથી પાપ કબૂલ કરવાથી યહોવાહની માફી મળશે. (નહેમ્યાહ ૯:૬-૩૭; દાનીયેલ ૯:૫ જુઓ.) આજે પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. “પાપ ન કરે એવું કોઈ માણસ નથી,” એ માટે સર્વને યહોવાહની દયાની જરૂર છે. (૨ કાળવૃત્તાંત ૬:૩૬) દયાળુ પરમેશ્વર, યહોવાહ પ્રેમથી આપણને આપણાં પાપ કબૂલ કરીને પસ્તાવો કરવા, અને ખોટો માર્ગ છોડવા ઉત્તેજન આપે છે. (પુનર્નિયમ ૪:૩૧; યશાયાહ ૧:૧૮; યાકૂબ ૫:૧૬) એનાથી આપણે તેમની કૃપા પામીશું, એટલું જ નહિ, પરંતુ મનની શાંતિ પણ મેળવીશું.—ગીતશાસ્ત્ર ૫૧:૧; નીતિવચનો ૨૮:૧૩; ૨ કોરીંથી ૨:૭.
બાબેલોનને મારેલાં “મહેણાં”
૨૦, ૨૧. બાબેલોનના પતનથી, તેના પડોશી દેશો કઈ રીતે આનંદ કરશે?
૨૦ બાબેલોન મહાન જગત સત્તા બન્યું, એના સોથી વધુ વર્ષો અગાઉ, યશાયાહે ભાખ્યું કે એના પતનની જગત પર કેવી અસર થશે. જાણે કે ગુલામીમાંથી મુક્ત થયેલા ઈસ્રાએલીઓને આજ્ઞા આપતા હોય, એમ તે ભાખે છે: “તે દિવસે તું બાબેલના રાજાને મહેણાં મારીને [અથવા, કહેવતોથી] કહેશે, કે જુલમી કેવો શાંત પડ્યો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શાંત થયો છે! જે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી, જે કોપમાં લોકોને નિરંતર મારતી, અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાંગી છે.” (યશાયાહ ૧૪:૪-૬) બાબેલોને હંમેશા જીતનાર તરીકેની નામના મેળવી હતી, જે જુલમથી લોકોને ગુલામ બનાવનાર હતું. તેથી, એ યોગ્ય જ છે કે, એની પડતીની ઉજવણી ‘મહેણાંથી’ કરવામાં આવે, જે બાબેલોનના રાજવંશને લાગુ પડતા હોય. ખાસ કરીને, એ મહાન શહેરના ભવ્ય દિવસોમાં રાજ કરનાર, નબૂખાદનેસ્સારથી માંડીને નાબોનીદસ અને બેલ્શાસ્સારને એ લાગુ પડતાં હતાં.
૨૧ બાબેલોનના પતનથી કેટલો બધો ફેરફાર આવી જશે! “આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થએલી છે; તેઓ હર્ષનાદ કરવા માંડે છે. હા, દેવદારો તથા લબાનોનનાં એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, કે તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.” (યશાયાહ ૧૪:૭, ૮) બાબેલોનના રાજાઓ માટે આજુબાજુના દેશોના રાજાઓ તો જાણે ઝાડ જેવા હતા, જેઓને મન ફાવે ત્યારે તેઓના સ્વાર્થ માટે કાપી નાખવામાં આવતા. એ બધાનો જ અંત આવી ગયો. હવેથી, બાબેલોનના કઠિયારા કોઈ ઝાડ કાપશે નહિ!
૨૨. કાવ્યની ભાષામાં, બાબેલોનના રાજવંશની પડતીથી કબરોને કઈ અસર થઈ છે?
૨૨ બાબેલોનની પડતીનો આનંદ એટલો મોટો હશે, કે કબર પણ પોકારી ઊઠશે: “ઊંડાણમાં શેઓલે તારે લીધે, તારા આવતામાં જે, તને મળવાને આતુર થઈ રહ્યું છે; તે તારે લીધે મૂએલાના આત્માઓને, પૃથ્વીના સર્વ સરદારોને જાગૃત કરે છે; તેણે વિદેશીઓના સર્વ રાજાઓને તેમનાં રાજ્યાસનો પરથી ઉઠાડ્યા છે તેઓ સર્વ બોલી ઊઠશે ને તને કહેશે, શું તું પણ અમારા જેવો નબળો થયો છે? તું અમારા સરખો થયો છે? તારા ગર્વને તથા તારી વીણાઓના સાદને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે; તારી હેઠળ અળસિયાં પાથરેલાં છે, ને કૃમિ તને ઢાંકે છે.” (યશાયાહ ૧૪:૯-૧૧) કેવું આબેહૂબ વર્ણન! જાણે કે મરણમાં બાબેલોની રાજવંશથી પહેલા થઈ ગયેલા રાજાઓને, કબર ઉઠાડે છે. જેથી, તેઓ નવા સભ્યને આવકારી શકે કે આવો, અમે તમારી જ રાહ જોતા હતા. તેઓ બાબેલોનના શાસકની મશ્કરી કરે છે, જે હવે કંઈ કરી શકે એમ નથી. એ મોંઘા મોંઘા ગાદી-તકિયાને બદલે અળસિયાંથી ભરેલી પથારી પર પડે છે, જેને કિંમતી ચાદરોને બદલે, કૃમિ ઢાંકે છે.
“ખુંદાએલા મુડદા જેવો”
૨૩, ૨૪. બાબેલોનના રાજાઓ કઈ રીતે બેહદ ઘમંડી બન્યા?
૨૩ યશાયાહ મહેણાં મારવાનું ચાલુ રાખે છે: “રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓને નીચે પાડનાર. તું કાપી નંખાઇને ભોંયભેગો કેમ થયો છે!” (યશાયાહ ૧૪:૧૨) બાબેલોનના સ્વાર્થી અને ઘમંડી રાજાઓ પોતાને ચડિયાતા માને છે. તેઓ પોતાને ચમકતા તારાઓ સમાન ગણી, જુલમ કરતા હતા. નબૂખાદનેસ્સારે યરૂશાલેમ પર મેળવેલી જીતમાં તેઓ અભિમાન કરે છે. અરે આશ્શૂર પણ એ જીત મેળવી શક્યું ન હતું. હવે પછીના મહેણાં બાબેલોનના ઘમંડી શાસકોને આમ કહેતા વર્ણવે છે: “હું આકાશો પર ચઢીશ, ને હું દેવના તારાઓ કરતાં મારૂં રાજ્યાસન ઊંચું રાખીશ; હું છેક ઉત્તરના છેડામા, સભાના પર્વત પર બેસીશ; હું મેઘો પર આરોહણ કરીશ; હું પોતાને પરાત્પર સમાન કરીશ.” (યશાયાહ ૧૪:૧૩, ૧૪) એનાથી વધુ ઘમંડી શું હોય શકે?
૨૪ બાઇબલમાં, દાઊદના રાજવંશના રાજાઓને તારાઓ સમાન ગણવામાં આવતા હતા. (ગણના ૨૪:૧૭) દાઊદથી માંડીને, એ “તારાઓ” સિયોન પર્વત પરથી રાજ કરતા હતા. સુલેમાને યરૂશાલેમમાં મંદિર બાંધ્યું પછી, આખું શહેર સિયોન તરીકે ઓળખાયું. નિયમ કરાર હેઠળ, સર્વ ઈસ્રાએલી પુરુષોને વર્ષમાં ત્રણ વાર સિયોન જવાની આજ્ઞા આપવામાં આવી હતી. આમ, એ ‘સભાનો પર્વત’ બન્યો. નબૂખાદનેસ્સાર યહુદાહના રાજાઓને પોતાના હાથ નીચે લઈને, એ પર્વત પરથી કાઢી મૂકવા ઇચ્છતો હતો. આ રીતે એ “તારાઓ” કરતાં, ચડિયાતો થવા માંગતો હતો. તેઓ પર મળેલા વિજયનો યશ તે યહોવાહને આપતો નથી. એને બદલે, તે તો ઘમંડીપણે યહોવાહથી પણ પોતાને ચડિયાતો માને છે.
૨૫, ૨૬. બાબેલોનના રાજવંશનો અંત કઈ રીતે આવે છે?
૨૫ શું બાબેલોન પરમેશ્વરના તારાઓથી ચડિયાતું થશે? ના. એને બદલે, યહોવાહ કહે છે: “તે છતાં તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે, કે જે માણસે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં, જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, ને તેમાંનાં નગરોને પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘેર જવા ન દીધા, તે શું આ છે?” (યશાયાહ ૧૪:૧૫-૧૭) બાબેલોનના અભિમાની રાજવંશની કેવી બૂરી હાલત! આ ઘમંડી રાજવંશ સામાન્ય મનુષ્યની જેમ જ કબરમાં જશે.
૨૬ હવે, એ સત્તા ક્યાં છે, જેણે રાજ્યો જીતી લીધાં, ફળદ્રુપ જમીનનો નાશ કર્યો, અને ઘણાં શહેરો જીતી લીધાં? એ સત્તાનું શું થયું, જેમાં એક વાર બંદીવાન થયા પછી, કદી પણ છુટવાની આશા જ ન હતી? હા, બાબેલોનના રાજવંશનો નાશ એવી રીતે થશે કે, તેઓના અંતિમ સંસ્કાર પણ થશે નહિ. યહોવાહ કહે છે: “દેશોના સર્વ રાજાઓ તો પોતપોતાના ઘરમાં માન સહિત સૂતેલા છે. પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની પેઠે તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાએલા મુડદા જેવો જ છે. તને તેમની સાથે દાટવામાં આવશે નહિ, કેમકે તેં પોતાના દેશનો નાશ કર્યો છે, પોતાના લોકને કતલ કર્યા છે; ભૂંડું કરનારાઓના સંતાનનાં નામ સર્વકાળ સુધી કોઈ લેશે નહિ.” (યશાયાહ ૧૪:૧૮-૨૦) પ્રાચીન સમયમાં, રાજાનો ભવ્ય અંતિમ સંસ્કાર કરવામાં ન આવે તો, એ અપમાન ગણવામાં આવતું. તેથી, બાબેલોનના રાજવંશ વિષે શું? એ સાચું છે કે, કોઈએક રાજાનો અંતિમ સંસ્કાર માનપૂર્વક કરવામાં આવ્યો હોય શકે. પરંતુ નબૂખાદનેસ્સારના રાજવંશને તો “તુચ્છ ડાળીની પેઠે” નાખી દેવામાં આવશે. તેઓને જાણે કે નનામી કબરમાં નાખી દેવામાં આવશે, જેમ કે લડાઈમાં કોઈ સૈનિક માર્યો જાય અને તેને ત્યાં જ પડી રહેવા દેવામાં આવે. કેવું અપમાન!
૨૭. બાબેલોનનાં સંતાનો કઈ રીતે પોતાનાં બાપદાદાના અન્યાયની સજા ભોગવશે?
૨૭ છેવટે, વિજેતા માદી અને ઈરાનીઓને આ આજ્ઞા આપી, મહેણાંનો અંત આવે છે: “તેના દીકરાઓને સારૂ તેમના બાપોના અન્યાયને લીધે વધસ્થાન તૈયાર કરો; રખેને તેઓ ઊઠે, ને પૃથ્વીનું વતન પામે, ને જગતનું પૃષ્ઠ નગરોથી ભરપૂર કરે.” (યશાયાહ ૧૪:૨૧) બાબેલોનનો વિનાશ કાયમી હશે. બાબેલોનના રાજવંશને જડમૂળથી કાઢી નાખવામાં આવશે. તે કદી પણ ફરીથી ઊભું થશે નહિ. બાબેલોનનાં સંતાનો “તેમના બાપોના અન્યાયને લીધે” ભોગવશે.
૨૮. બાબેલોનના રાજાઓનાં પાપનું મૂળ શું હતું, અને આપણે એમાંથી શું શીખી શકીએ?
૨૮ બાબેલોનના રાજવંશ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલી સજા આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવે છે. બાબેલોનના રાજાઓનાં પાપનું મૂળ તેઓની સત્તા માટેની લાલસા હતી. (દાનીયેલ ૫:૨૩) તેઓ સત્તાના ભૂખ્યા હતા. તેઓને તો બસ બીજાઓ પર અધિકાર જમાવવો હતો. (યશાયાહ ૪૭:૫, ૬) તેમ જ, તેઓ માણસોનો મહિમા ઝંખતા હતા, જે ફક્ત યહોવાહ પરમેશ્વરને જ જવો જોઈએ. (પ્રકટીકરણ ૪:૧૧) આ ખ્રિસ્તી મંડળમાં ભાઈઓ માટે કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ માટે ચેતવણીરૂપ છે. સત્તા માટેની લાલસા, સ્વાર્થ અને ઘમંડ રાખનાર કોઈ પણ દેશ કે વ્યક્તિને, યહોવાહ પરમેશ્વર જરાય ચલાવી નહિ લે.
૨૯. બાબેલોનના રાજાઓનું ઘમંડ અને સત્તાની લાલસા કોનું વલણ બતાવે હતા?
૨૯ બાબેલોનના રાજાઓનું અભિમાન ‘આ જગતના દેવ,’ શેતાનનું વલણ બતાવે છે. (૨ કોરીંથી ૪:૪) તે પણ સત્તાનો લોભી છે, અને યહોવાહથી ચડિયાતો થવા તલપે છે. બાબેલોનનો રાજા લોકો ઉપર જેમ સત્તા ચલાવતો હતો, તેમ જ, શેતાનની લાલસા આજે સર્વ લોકો પર દુઃખ અને આફતો જ લાવી છે.
૩૦. બાઇબલમાં, બીજા કયા બાબેલોન વિષે જણાવાયું છે, અને એણે કેવું વલણ બતાવ્યું છે?
૩૦ વધુમાં, પ્રકટીકરણના પુસ્તકમાં, આપણે બીજા બાબેલોન એટલે કે મહાન બાબેલોન વિષે વાંચીએ છીએ. (પ્રકટીકરણ ૧૮:૨) જૂઠા ધર્મોના જગત સામ્રાજ્યના એ સંગઠને પણ ઘમંડી, જુલમી, અને ક્રૂર વલણ બતાવ્યું છે. તેથી, તેના પર પણ “યહોવાહનો દિવસ” આવી પડશે, અને એ નાશ પામશે. (યશાયાહ ૧૩:૬) આખી પૃથ્વી પર, ૧૯૧૯થી આ સંદેશાની જાહેરાત કરવામાં આવી રહી છે કે, “મોટું બાબેલોન શહેર પડ્યું.” (પ્રકટીકરણ ૧૪:૮) તે યહોવાહના લોકોને ગુલામ તરીકે રાખી શક્યું નહિ ત્યારે, તે પડ્યું. જલદી જ, તેનો પૂરેપૂરો વિનાશ થશે. પ્રાચીન બાબેલોન વિષે, યહોવાહે આજ્ઞા આપી હતી: “તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો; જે સર્વ તેણે બીજાઓને કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમકે યહોવાહની આગળ, ઈસ્રાએલના પવિત્ર પરમેશ્વરની આગળ, તે ઉદ્ધત થયો છે.” (યિર્મેયાહ ૫૦:૨૯; યાકૂબ ૨:૧૩) મહાન બાબેલોનની પણ એવી જ હાલત થશે.
૩૧. જલદી જ, મહાન બાબેલોનનું શું થશે?
૩૧ તેથી, યશાયાહના પુસ્તકની આ ભવિષ્યવાણીનું યહોવાહનું છેલ્લું કથન ફક્ત પ્રાચીન બાબેલોનને જ નહિ, પરંતુ મહાન બાબેલોનને પણ લાગુ પડે છે: “હું તેઓની સામો ઊઠીશ, અને બાબેલમાંથી તેઓનું નામ તથા શેષ ને પુત્રપૌત્રાદિ કાપી નાખીશ; . . . હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ.” (યશાયાહ ૧૪:૨૨, ૨૩) પ્રાચીન બાબેલોનનાં ખંડિયેરો બતાવે છે કે, યહોવાહ જલદી જ મહાન બાબેલોનનું શું કરશે. સાચા ભક્તો માટે કેવો દિલાસો! એ કેટલું ઉત્તેજન આપે છે કે, આપણે કદી પણ ઘમંડી, ઉદ્ધત, અથવા ક્રૂર વલણ ન બતાવીએ!
[ફુટનોટ્સ]
a યશાયાહ અહીં ફક્ત માદીઓનું જ નામ જણાવે છે. તેમ છતાં, બાબેલોન વિરુદ્ધ બીજા દેશો પણ જોડાશે. જેમ કે, માદાય, ઈરાન, એલામ અને અન્ય નાના દેશો. (યિર્મેયાહ ૫૦:૯; ૫૧:૨૪, ૨૭, ૨૮) આજુબાજુના દેશો માદી અને ઈરાનીઓ બંનેનો “માદીઓ” તરીકે ઉલ્લેખ કરતા. વધુમાં, યશાયાહના સમયમાં માદાય મુખ્ય સત્તા છે. કોરેશના આવ્યા પછી જ ઈરાન મુખ્ય બન્યું.
b જો કે એમ જણાય છે કે પછીથી માદીઓ અને ઈરાનીઓ ધનદોલતના પ્રેમમાં પડી ગયા હતા.—એસ્તેર ૧:૧-૭.
c દાખલા તરીકે, માદાય ઈરાન હેઠળ, દાનીયેલને બાબેલોનમાં ઉચ્ચ અધિકારી બનાવવામાં આવ્યા હતા. લગભગ ૬૦ વર્ષ પછી, એસ્તેર ઈરાની રાજા અહાશ્વેરોશની રાણી બની. તેમ જ, મોર્દખાય આખા ઈરાની સામ્રાજ્યના વડા પ્રધાન બન્યા.
[પાન ૧૭૮ પર ચિત્ર]
બાબેલોનના પતન પછી એ જંગલી પ્રાણીનું રહેઠાણ બની જશે
[પાન ૧૮૬ પર ચિત્રો]
પ્રાચીન બાબેલોનની જેમ, મહાન બાબેલોન પણ ખંડિયેર બની જશે