પાઠ ૪૩
દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
આખી દુનિયામાં દારૂa વિશે લોકોનું અલગ અલગ માનવું છે. અમુકને લાગે છે કે કોઈક વાર દોસ્તો સાથે પી શકાય. અમુક તો દારૂને હાથ પણ લગાવતા નથી. તો બીજી બાજુ અમુક લોકો એટલો પીએ છે કે પીને ચકચૂર થઈ જાય છે. પણ દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
૧. શું દારૂ પીવો ખોટું છે?
બાઇબલમાં નથી જણાવ્યું કે દારૂ પીવો ખોટું છે. માણસોની ખુશી માટે યહોવાએ જે વસ્તુઓ આપી છે એમાંની એક છે, દારૂ. એટલે જ બાઇબલમાં લખ્યું છે, ‘શરાબ માણસના દિલને ખુશ કરે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫) બાઇબલમાં અમુક વફાદાર સ્ત્રી-પુરુષો વિશે જણાવ્યું છે, જેઓ દારૂ પીતાં હતાં.—૧ તિમોથી ૫:૨૩.
૨. જેઓ દારૂ પીએ છે, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?
યહોવાની નજરે વધુ પડતો દારૂ પીવો અને દારૂડિયાપણું એ બંને ખોટું છે. (ગલાતીઓ ૫:૨૧) બાઇબલમાં લખ્યું છે, “વધુ પડતો દારૂ ન પીઓ.” (એફેસીઓ ૫:૧૮) એટલે આપણે એટલો દારૂ ન પીવો જોઈએ કે સારી રીતે વિચારી ન શકીએ, આપણાં વાણી-વર્તન પર કાબૂ ન રહે અથવા તંદુરસ્તીને નુકસાન પહોંચે. જ્યારે એકલા એકલા દારૂ પીતા હોઈએ, ત્યારે પણ એ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આપણે પોતાના પર કાબૂ રાખી શકતા ન હોઈએ, તો સારું રહેશે કે દારૂ પીવાનું સાવ છોડી દઈએ.
૩. દારૂ વિશે આપણે કઈ રીતે બીજાઓના નિર્ણયને માન આપી શકીએ?
દારૂ પીવો કે નહિ એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. એટલે જો કોઈ વ્યક્તિ હદમાં રહીને દારૂ પીએ, તો આપણે તેની ટીકા નહિ કરીએ. જો કોઈને દારૂ પીવો ન હોય, તો આપણે તેને પીવા દબાણ પણ નહિ કરીએ. (રોમનો ૧૪:૧૦) જો આપણા પીવાથી કોઈને ઠોકર લાગતી હોય, તો તેની લાગણીઓને માન આપીને આપણે દારૂ પીવાનું ટાળી શકીએ. (રોમનો ૧૪:૨૧ વાંચો.) બાઇબલમાં લખ્યું છે તેમ, “દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.”—૧ કોરીંથીઓ ૧૦:૨૩, ૨૪ વાંચો.
વધારે જાણો
દારૂ પીવો કે નહિ અને કેટલો પીવો એ નક્કી કરવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે? જો દારૂની લત પડી ગઈ હોય, તો એ કઈ રીતે છોડી શકાય? ચાલો જોઈએ.
૪. દારૂ પીવો કે નહિ એ નિર્ણય કઈ રીતે લઈ શકીએ?
દારૂ પીવા વિશે ઈસુ શું વિચારતા હતા? એનો જવાબ જાણવા, ચાલો ઈસુએ કરેલા પહેલા ચમત્કાર વિશે વાંચીએ. યોહાન ૨:૧-૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
દારૂ અને દારૂ પીનારા લોકો વિશે ઈસુ શું વિચારતા હતા?
ઈસુએ દારૂ પીનારા લોકોની ટીકા ન કરી. તો પછી દારૂ પીતા લોકો પ્રત્યે યહોવાના ભક્તોએ કેવું વલણ રાખવું જોઈએ?
ખ્રિસ્તીઓ દારૂ પી શકે છે, પણ એનો અર્થ એવો નથી કે તેઓ મન ફાવે ત્યારે પીએ. નીતિવચનો ૨૨:૩ વાંચો. પછી વિચારો કે શું અહીં આપેલા સંજોગોમાં તમે દારૂ પીશો:
તમારે ગાડી ચલાવવાની છે અથવા કોઈ મશીન પર કામ કરવાનું છે.
તમે ગર્ભવતી છો.
ડૉક્ટરે તમને દારૂ પીવાની મના કરી છે.
તમે એક વાર પીવાનું શરૂ કરી દો, પછી પોતાના પર કાબૂ રાખી શકતા નથી.
તમે જ્યાં રહો છો, ત્યાંના કાયદા-કાનૂન દારૂ પીવાની પરવાનગી આપતા નથી.
તમારી સાથે કોઈ એવી વ્યક્તિ છે, જેણે બહુ મુશ્કેલીથી દારૂ પીવાનું છોડ્યું છે.
શું લગ્નપ્રસંગે અથવા બીજી કોઈ મિજબાનીમાં દારૂ પીરસવો જોઈએ? એ નિર્ણય લેવા તમને શાનાથી મદદ મળશે? વીડિયો જુઓ.
રોમનો ૧૩:૧૩ અને ૧ કોરીંથીઓ ૧૦:૩૧, ૩૨ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:
યોગ્ય નિર્ણય લેવા આ સિદ્ધાંત તમને કઈ રીતે મદદ કરી શકે?
૫. તમે કેટલો દારૂ પીશો એ નક્કી કરો
યાદ રાખો, યહોવાની નજરે દારૂ પીવો એ ખોટું નથી, પણ વધુ પડતો પીવો એ ખોટું છે. શા માટે? હોશિયા ૪:૧૧, ૧૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
વધુ પડતો દારૂ પીવાથી શું થઈ શકે?
વધુ પડતો દારૂ ન પીવા આપણે શું કરવું જોઈએ? આપણે મર્યાદામાં રહેવું જોઈએ, એટલે કે પોતાની હદ પારખવી જોઈએ. નીતિવચનો ૧૧:૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
તમે કેટલો દારૂ પીશો એ નક્કી કરવું કેમ જરૂરી છે?
૬. દારૂની લત કઈ રીતે છોડી શકાય?
દીમિત્રી નામના ભાઈ પહેલાં બહુ દારૂ પીતા હતા. તે કઈ રીતે એ લત છોડી શક્યા? વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.
દારૂ પીધા પછી દીમિત્રીનું વર્તન કેવું થઈ જતું?
શું તે તરત જ દારૂની લત છોડી શક્યા?
તેમને એ લત છોડવા ક્યાંથી મદદ મળી?
૧ કોરીંથીઓ ૬:૧૦, ૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યહોવાની નજરે દારૂડિયાપણું કેટલું ગંભીર છે?
દારૂની લત છૂટી શકે છે, એવું શાના આધારે કહી શકીએ?
માથ્થી ૫:૩૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ઈસુએ હાથ કાપીને ફેંકી દેવાનું ઉદાહરણ આપ્યું ત્યારે, તે કહેવા માંગતા હતા કે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા કદાચ કંઈક જતું કરવું પડે. જો દારૂની લત છોડવી તમારા માટે અઘરું હોય, તો તમે શું કરી શકો?b
૧ કોરીંથીઓ ૧૫:૩૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જો તમારી દોસ્તી એવા લોકો સાથે હોય જેઓ વધુ પડતો દારૂ પીએ છે, તો એની તમારા પર શું અસર પડશે?
અમુક લોકો કહે છે: “દારૂ પીવો ખોટું છે.”
તમે શું કહેશો?
આપણે શીખી ગયા
માણસોની ખુશી માટે યહોવાએ જે વસ્તુઓ આપી છે, એમાંની એક દારૂ છે. પણ યહોવાની નજરે વધુ પડતો દારૂ પીવો અને દારૂડિયાપણું એ બંને ખોટું છે.
તમે શું કહેશો?
દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
વધુ પડતો દારૂ પીવાનાં જોખમો કયાં છે?
દારૂ વિશે આપણે કઈ રીતે બીજાઓના નિર્ણયને માન આપી શકીએ?
વધારે માહિતી
યુવાનો કઈ રીતે દારૂ પીવા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે?
દારૂની લત છોડવા તમે કયાં પગલાં ભરી શકો? આ લેખમાં વાંચો.
અમુક લોકો પોતાનો દારૂનો ગ્લાસ બીજાના ગ્લાસ સાથે ટકરાવીને ‘ચીઅર્સ’ કહે છે. શું યહોવાના ભક્તો આવું કરી શકે?
“હું દારૂને કદી ના ન કહેતો” લેખમાં એક ભાઈનો અનુભવ વાંચો. જાણો કે તે કઈ રીતે દારૂની લત છોડી શક્યા.
a આ લેખમાં “દારૂ” અને “શરાબ” આલ્કોહોલવાળા કોઈ પણ પીણાંને રજૂ કરે છે, જેમ કે બીયર, વાઈન અને વ્હીસ્કી. ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.
b જેઓને દારૂ પીવાની લત છે, તેઓને એમાંથી બહાર આવવા કદાચ ડૉક્ટરની મદદ લેવી પડે. ઘણા ડૉક્ટરો કહે છે કે જેઓએ દારૂની લત છોડી દીધી છે, તેઓએ ફરી કદી દારૂ પીવો ન જોઈએ.