હિંમતથી ઈશ્વરની વાણી પ્રગટ કરો!
‘જા, મારા લોકોને પ્રબોધ કર.’—આમોસ ૭:૧૫.
યહોવાહનો એક ભક્ત પ્રચાર કરતો હતો. તેને સામે એક ગુરુ મળ્યા અને તાડુકીને કહ્યું: ‘આ તારો લવારો બંધ કર ને જા ભાગ અહીંથી!’ તેણે શું કર્યું? મૂંગે મોઢે ચાલ્યો ગયો? કે પછી હિંમતથી યહોવાહ વિષે પ્રચાર કરતો ગયો? એનો જવાબ આપણને બાઇબલમાં આમોસ નામના પુસ્તકમાં જોવા મળે છે. પછી શું થયું એ જોતા પહેલાં, ચાલો આપણે ઈશ્વરભક્ત આમોસ વિષે શીખીએ. એ જાણવા માટે બાઇબલમાં આમોસ નામનું પુસ્તક જુઓ.
૨ આમોસ કોણ હતો? ક્યાં રહેતો હતો? ચાલો આમોસ ૧:૧માં જોઈએ: ‘યહુદાહના રાજા ઉઝ્ઝીયાહની કારકિર્દીમાં તથા ઈસ્રાએલના રાજા યોઆશના દીકરા યરોબઆમની કારકિર્દીમાં, તકોઆના ગોવાળોમાંના આમોસને વચન પ્રાપ્ત થયાં.’ આમોસ યહુદાહનો રહેવાસી હતો. તેનું મૂળ ગામ તકોઆ હતું. એ દક્ષિણ યરૂશાલેમથી ૧૬ કિલોમીટર દૂર આવેલું હતું. તે કઈ સદીમાં જીવતો હતો? ઈસવીસન પૂર્વે નવમી સદીની આ વાત છે. એ જમાનામાં ઉઝ્ઝીયાહ યહુદાહમાં રાજ કરતો હતો. યરોબઆમ બીજો ઈસ્રાએલના દસ કુળો પર રાજ કરતો હતો. આમોસ ગોવાળ હતો. એ બીજું પણ કામ કરતો હતો. અંજીરને સારી રીતે પકાવવા માટે કાચા ફળમાં નાનું પંકચર કરવું પડતું. આમોસ ૭:૧૪ પ્રમાણે એ કામ આમોસનું હતું. આ કામ કંઈ સહેલું ન હતું.
“જા પ્રબોધ કર”
૩ આમોસે તો કહ્યું કે, “હું પ્રબોધક નહોતો, તેમ હું પ્રબોધકનો દીકરો પણ નહોતો.” (આમોસ ૭:૧૪) કેવી રીતે પ્રચાર કરવો એનો પણ તેને ખ્યાલ ન હતો. તોપણ આખા યહુદાહમાંથી યહોવાહે કોઈ ગુરુને નહિ કે કોઈ રાજાને નહિ કે કોઈ શ્રીમંતને નહિ, પણ આમોસને પ્રબોધ કરવા પસંદ કર્યો. આપણું પણ એવું જ છે. ભલે આપણે ભણેલા-ગણેલા ન હોઈએ કે માન-મોભો ન હોય. એનો મતલબ એ નથી કે આપણને પ્રચાર કરતા નહિ આવડે. ખુદ યહોવાહ આપણને પ્રચાર કામ માટે બોલાવે છે. ઘણી જગ્યાએ પ્રચાર કરવો સહેલું નથી. તોપણ યહોવાહ હિંમત આપે છે, માર્ગદર્શન આપે છે. યહોવાહે આમોસને હિંમત આપી, આપણને પણ આપી શકે છે. ચાલો હવે આપણે જોઈએ કે આમોસના જીવનમાંથી આપણે શું શીખી શકીએ.
૪ યહોવાહે આમોસને કહ્યું: “જા, મારા ઈસ્રાએલ લોકોને પ્રબોધ કર.” (આમોસ ૭:૧૫) આ કામ કંઈ સહેલું ન હતું. એ જમાનામાં ઈસ્રાએલીઓ સુખ-સાહેબીમાં ડૂબી ગયા હતા. ઘણા લોકો પાસે બબ્બે મકાન હતાં. એક શિયાળા માટે, તો બીજું ઉનાળા માટે. મકાન પણ જેવાં-તેવાં ન હતાં. એ મોંઘાડાટ પથ્થરોના બનેલા હતાં. ઘણા લોકો પાસે હાથીદાંતનું બનાવેલું ફર્નિચર પણ હતું. તેઓ ‘મનોરંજક દ્રાક્ષાવાડીઓમાંથી’ મોંઘી મોંઘી વાઈન પીવાના પણ શોખીન. (આમોસ ૩:૧૫; ૫:૧૧) ઘણા લોકો સાવ બેદરકાર થઈ ગયા હતા. આજે પણ આપણે એવા લોકોને પ્રચાર કામમાં મળીએ છીએ.
૫ ઈસ્રાએલીઓ પૈસેટકે સુખી રહે એમાં કંઈ વાંધો ન હતો. પણ ઘણા તો હરામનો પૈસો પચાવતા હતા. પૈસાદાર શેઠિયાઓ, ગુરુઓ અને ન્યાયાધીશો “ગરીબો પર જુલમ” કરતા હતા. તેઓ “દરિદ્રીઓને કચરી” નાખતા હતા. (આમોસ ૪:૧) ચાલો આપણે જોઈએ કે તેઓ શું કરતા હતા.
પાપનો ઘડો ભરતા હતા
૬ વેપારીઓનો વિચાર કરો. તેઓ એક નંબરના બેઇમાન હતા. તેઓ ‘માપ ઓછું વાપરીને નાણાં વધારે’ લેતા. આવી છેતરપિંડી કરતા. “ઘઉંનું ભૂસું” કે સાવ હલકા પ્રકારના ઘઉં ઊંચી કિંમતે વેચતા. (આમોસ ૮:૫, ૬) આ વેપારીઓ માલ ઓછો આપતા, પણ ભાવ ભારે રાખતા. તેઓ તો ગરીબડાની મૂડી ચૂસી ચૂસીને છેવટે ધૂળ ચાટતા કરી દેતા. પછી ગુલામી કરાવતા. ગુલામો ખરીદવા માટે આ વેપારીઓ બસ ‘એક જોડ ખાસડાંનો’ ભાવ આપતા. (આમોસ ૮:૬) આ ગરીબડા તો તેમના જ ભાઈઓ. પોતાનું જ લોહી. તેઓ પર આટલો જુલમ! બિચારાની જોડાંથીયે ઓછી કિંમત! આ ઘોર પાપ નહિ તો શું! એ જ બેઇમાન વેપારીઓના મુખમાં ઈશ્વરનું નામ હતું. પાછા તેઓ “સાબ્બાથ” પાળતા હતા! (આમોસ ૮:૫) હા, તેઓ ધર્મને નામે ઢોંગ કરતા હતા.
૭ શું આ વેપારીઓને કોઈએ કંઈ કહ્યું નહિ હોય? શું તેઓ ઈશ્વરની આજ્ઞા ભૂલી ગયા કે “જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રીતિ રાખ”? (લેવીય ૧૯:૧૮) ન્યાયાધીશોની જવાબદારી હતી કે લોકો એ આજ્ઞાનું પાલન કરે. પણ તેઓના હાથ પાપથી રંગાયેલા હતા. તેઓ શું ધૂળ શીખવે? કોઈ પણ કેસ આવે તો ન્યાયાધીશો નગરના દરવાજે બેસતા. તેઓ ‘લાંચ’ લઈને ખિસ્સા ભરતા ને બિચારા ગરીબ-ગુરબાને ત્યાંથી તગેડી મૂકતા. ગરીબને સથવારો આપવાને બદલે તેઓ પોતાના ખિસ્સા ભરતા અને ગરીબ પર જુલમ કરતા. (આમોસ ૫:૧૦, ૧૨) આ ન્યાયાધીશો પાપના નશામાં ડૂબેલા હતા.
૮ ઈસ્રાએલના ધર્મગુરુઓ વિષે શું? તેઓ તો લોકોને “મંદિરમાં,” હા “મંદિરમાં” પાપ કરવા દેતા હતા. આમોસ દ્વારા ઈશ્વરે કહ્યું: “બાપ દીકરો એક જ યુવતી પાસે જઈને મારા પવિત્ર નામને બટ્ટો લગાડે છે.” (આમોસ ૨:૭, ૮) એ પાપીઓએ મંદિરમાં દેવદાસી કે વેશ્યાઓ પણ રાખી હતી. બાપ જે વેશ્યા સાથે સૂતો એ જ વેશ્યા સાથે એનો દીકરો પણ સૂતો! ગુરુઓ આ બધાં કાળાં કામ ચલાવી લેતા.—લેવીય ૧૯:૨૯; પુનર્નિયમ ૫:૧૮; ૨૩:૧૭.
૯ તેઓના ઘોર પાપ વિષે યહોવાહે કહ્યું: “તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ઘરેણે લીધેલાં લૂગડાં પર સૂએ છે, ને જેઓને દંડ થએલો હોય તેવાઓનો દ્રાક્ષારસ તેઓ પોતાના દેવના મંદિરમાં પીએ છે.” (આમોસ ૨:૮) ઈસ્રાએલના ગુરુઓ અને જનતા ઈશ્વરની આજ્ઞા ભૂલી જ ગયા, જે નિર્ગમન ૨૨:૨૬, ૨૭માં લખેલી હતી. એમાં લખ્યું હતું કે જો કોઈ કપડું ગીરવી મૂકે તો સાંજ પહેલાં પાછું આપી દેવાનું હતું. પણ એને બદલે તેઓ તો પી પીને ગીરવી મૂકેલાં વસ્ત્રો પર આળોટતા, ખોટા દેવદેવીઓને પૂજતા. ગરીબોના પૈસા પડાવીને તેઓ વાઈન લેતા અને ખોટા દેવદેવીઓના તહેવારોમાં પીતા. આ પાપીઓ તો ઈશ્વરને સાવ ભૂલી ગયા હતા.
૧૦ ઈસ્રાએલીઓને ઈશ્વરે સૌથી પવિત્ર આજ્ઞા આપી હતી. તેઓએ સૌથી પહેલા તો ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ અને પછી તેઓના પાડોશી પર પ્રેમ રાખવો જોઈએ. તેઓ એ ભૂલી ગયા. તેઓના ઘોર પાપની શિક્ષા જાહેર કરવા માટે યહોવાહે આમોસને મોકલ્યો હતો. આજે દુનિયાની હાલત આમોસના જમાના જેવી જ છે. પાપનો ઘડો ભરાઈ ગયો છે. આજના મોટા મોટા વેપારીઓ, નેતાઓ અને ગુરુઓએ તો મોટા ભાગે લોકોને કંગાલ કરી નાખ્યા છે. તેઓને દુઃખી દુઃખી કરી નાખ્યા છે. આ બધાય દુખિયારાઓને યહોવાહ મદદ કરવા ચાહે છે. એટલા માટે આજે તે પોતાના સેવકોને આમોસની જેમ હિંમતથી પ્રચાર કરવા મોકલે છે.
૧૧ આપણે આમોસમાંથી શીખીશું કે, શા માટે આપણે પ્રચાર કરવો જોઈએ? કઈ રીતે આપણે પ્રચાર કરવો જોઈએ? શા માટે આપણા પ્રચારને રોકવાની કોઈની મજાલ નથી? ચાલો હવે દરેક પ્રશ્નનો વારાફરતી વિચાર કરીએ.
આપણે આમોસ જેવા થઈએ
૧૨ આપણે યહોવાહની વાણી પ્રગટ કરીને લોકોને સત્યમાં લાવીએ છીએ. (માત્થી ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૩:૧૦) પણ આમોસની જેમ આપણે લોકોને ચેતવણી આપવી જોઈએ કે યહોવાહ પાપી લોકોનો ન્યાય કરશે. દાખલા તરીકે, આમોસ ૪:૬-૧૧ બતાવે છે તેમ, યહોવાહે વારંવાર લોકોને કહ્યું કે તેઓ જે કરે છે એ તેમને પસંદ નથી. એટલે યહોવાહે “રોટલીનો દુકાળ પાડ્યો,” “વરસાદ વરસતો અટકાવ્યો,” “લૂની તથા ગેરવાની આફત આણી,” અને “મરકી મોકલી.” આ બધુંય કર્યા પછી પણ શું લોકોએ પસ્તાવો કર્યો? યહોવાહે કહ્યું: “તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.”
૧૩ સૌથી પહેલાં યહોવાહે પાપી ઈસ્રાએલીઓને ચેતવ્યા, કેમ કે “પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.” પછી શિક્ષા ફટકારી. (આમોસ ૩:૭) યહોવાહે નુહને પૂર વિષે અગાઉથી કહ્યું હતું. એ જ રીતે આમોસને પણ કહ્યું કે યહોવાહ શિક્ષા કરે એ પહેલાં તે બધાને જણાવે. ઈસ્રાએલીઓએ તો જાણે કાન બંધ કરી દીધા હતા. કંઈ સાંભળ્યું નહિ અને સીધે રસ્તે ન ચાલ્યા.
૧૪ આ જમાનો પણ અસલ આમોસના જમાના જેવો જ છે. આપણા જમાનામાં શું થશે, એ વિષે ઈસુએ ઘણી નિશાનીઓ આપી હતી. ઈસુએ એ પણ કહ્યું હતું કે આ છેલ્લા દિવસોમાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર પણ થશે. (માત્થી ૨૪:૩-૧૪) આમોસના જમાનામાં મોટા ભાગે લોકોએ સંદેશો સાંભળ્યો નહિ. આજે પણ લોકો એવા જ છે ને! આપણું ક્યાં સાંભળે છે? તેઓનું શું થશે? ન્યાય થશે ન્યાય! ઈસ્રાએલીઓને યહોવાહે કહ્યું કે હવે “તારા દેવને મળવાને તૈયાર થા.” (આમોસ ૪:૧૨) છેવટે યહોવાહે તેઓનો ન્યાય કર્યો. આશ્શૂરે હુમલો કરીને ઈસ્રાએલીઓને હરાવી દીધા. એવું આપણા જમાનામાં પણ થશે. આર્માગેદોનમાં યહોવાહ આ પાપી જગત પાસેથી હિસાબ માંગશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) હજુ તો યહોવાહ ધીરજ બતાવે છે. એ દરમિયાન ચાલો આપણે સર્વ લોકોને અરજ કરીએ કે, “યહોવાહને શોધો, એટલે તમે જીવશો.”—આમોસ ૫:૬.
આપણે પણ નફરતનું ઝેર પીવું પડે છે
૧૫ આમોસની જેમ આપણે કઈ રીતે પ્રચાર કરીએ છીએ, એનો પણ જરા વિચાર કરવો જોઈએ. પહેલા ફકરામાં આપણે એક ગુરુ વિષે વાત કરી હતી. એનું નામ ‘અમાસ્યાહ’ હતું. તે બેથેલ શહેરનો મોટો ગુરુ હતો. (આમોસ ૭:૧૦) ત્યાં લોકો ખોટો ધર્મ પાળતા હતા. જાનવરોને પૂજતા હતા. અમાસ્યાહ આખા ઈસ્રાએલનો મોટો ગુરુ હતો. તેને આમોસનો સંદેશો કેવો લાગ્યો?
૧૬ અમાસ્યાહે આમોસને કહ્યું: “જા, યહુદાહના દેશમાં નાસી જા, ત્યાં રોટલી ખાજે, ને ત્યાં પ્રબોધ કરજે; પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ; કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.” (આમોસ ૭:૧૨, ૧૩) અમાસ્યાહ ખરેખર એ જ કહેવા માંગતો હતો કે, ‘જા ભાગ અહીંથી, મને મારો ધર્મ નથી છોડવો.’ પછી અમાસ્યાહે રાજા યરોબઆમ બીજાને ચાડી ફૂંકી: “આમોસે ઈસ્રાએલ લોકમાં તારી વિરૂદ્ધ કાવતરૂં રચ્યું છે.” (આમોસ ૭:૧૦) અમાસ્યાહ તો રાજાને ખોટી ચાવી ચડાવતો હતો કે, આમોસે તો કાવતરું રચ્યું છે કાવતરું! પાછો અમાસ્યાહ તો રાજાની બળતી આગમાં ઘી નાખીને કહે છે: “આમોસ કહે છે, કે યરોબઆમ તરવારથી માર્યો જશે, ને ઈસ્રાએલ પોતાના દેશમાંથી ગુલામ થઈને નિશ્ચે લઈ જવાશે.”—આમોસ ૭:૧૧.
૧૭ અમાસ્યાહ જૂઠો હતો. તેણે આમોસનું ખોટું નામ લીધું. આમોસ તો એવું કંઈ બોલ્યો ન હતો. જે કહ્યું હતું એ આમોસે નહિ પણ ખુદ યહોવાહે કહ્યું હતું. આમોસે હંમેશા કહ્યું કે, “યહોવાહ કહે છે.” (આમોસ ૧:૩) પછી તેણે આમોસ પર બીજો ખોટો આરોપ મૂક્યો કે, યરોબઆમ ‘તરવારથી’ માર્યો જશે. (આમોસ ૭:૯) હકીકતમાં યહોવાહે કહ્યું હતું કે, “હું તરવાર લઈને યરોબઆમના વંશની વિરૂદ્ધ ઊઠીશ.” યરોબઆમ પોતે નહિ પણ તેના ‘વંશજો’ તરવારથી માર્યા જવાના હતા. પછી અમાસ્યાહે કહ્યું કે, આમોસ તો કહેતો હતો કે, ‘ઈસ્રાએલના એકેએક લોકોને પકડીને ઉપાડી જવામાં આવશે.’ પણ હકીકતમાં આમોસે કહ્યું હતું કે, જે કોઈ પસ્તાવો કરે તે બચી જશે. અમાસ્યાહે તો મરચું-મીઠું ભભરાવીને વાત ચગાવી હતી. જેથી રાજા આમોસને પ્રચાર કરતો બંધ કરે.
૧૮ આજે પણ ઘણા લોકો અમાસ્યાહ જેવા છે. આપણને હેરાન કરે છે. અમાસ્યાહે આમોસનું મોં બંધ કરવાની કોશિશ કરી. એ જ રીતે આજે ઘણા ધર્મના ગુરુઓ આપણું મોઢું બંધ કરવાની કોશિશ કરે છે. અમાસ્યાહે આમોસ વિષે ખોટે ખોટી વાતો ઉડાડી. આજે પણ ઘણા ધર્મગુરુઓ એવું કહે છે કે યહોવાહના સાક્ષીઓ તો દેશમાં કાવતરું ઘડે છે. અમાસ્યાહે જઈને રાજાને ચાવી ચડાવી જેથી આમોસને બોલતો બંધ કરે. આજે પણ ધર્મગુરુઓ આપણા હોઠ સીવવા માંગે છે અને રાજનેતાઓને ચાવી ચડાવે છે.
કોઈ આપણને બોલતા બંધ કરી શકશે નહિ
૧૯ અમાસ્યાહની ચાલબાજીથી શું આમોસ ગભરાઈ ગયો? ના! તેણે તો અમાસ્યાહને સીધેસીધું કહ્યું: “તું કહે છે, કે ઈસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ ન કર.” પછી આમોસે જે કહ્યું એ અમાસ્યાહને જરાય ન ગમ્યું. (આમોસ ૭:૧૬, ૧૭) આમ, આમોસ ડરપોક નહિ, પણ હિંમતવાન હતો. આપણા માટે કેવો સરસ દાખલો! આજે ભલે અમાસ્યાહ જેવા લોકો આપણને હેરાન કરવા કાવતરાં ઘડે, પણ આપણે તો યહોવાહના શબ્દો હિંમતથી પોકારીશું. આમોસની જેમ આપણે પણ યહોવાહની વાણી પ્રગટ કરીશું, કેમ કે ખુદ “પ્રભુનો હાથ” આપણને સાથ આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯-૨૧.
૨૦ અમાસ્યાહનું કંઈ ચાલવાનું ન હતું. આમોસને બોલતો બંધ કરી દેવાની દુનિયામાં કોઈની તાકાત ન હતી! આમોસ ૩:૩-૮ પ્રમાણે આમોસે કહ્યું: “સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે? પ્રભુ યહોવાહ બોલ્યો છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે?” આમોસને થયું કે, ‘સિંહ ગર્જના કરે તો કોણ ન બી જાય? એવી જ રીતે યહોવાહ બોલે તો કોણ પ્રચાર ન કરે? મેં યહોવાહના બોલ સાંભળ્યા છે અને મને કોઈ રોકી શકે એમ નથી.’ આમોસ યહોવાહથી ડરીને ચાલતો હતો. દિલમાં ભક્તિ ભરી હતી. એટલે તે હિંમતથી બોલી શક્યો.
૨૧ આજે યહોવાહે આપણને પણ પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે. શું આપણે એ કરીશું? આમોસ અને ઈસુના શિષ્યોની જેમ ચાલો આપણે હિંમતથી પ્રચાર કરીએ. યહોવાહ આપણી સાથે છે ને! આપણને કોઈ બોલતું બંધ કરી શકે એમ નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૩-૩૧) આમોસની જેમ યહોવાહના સાક્ષીઓ દિલમાં ઈશ્વર-પ્રેમની જ્વાલા ભરીને, દુનિયાને ખૂણે ખૂણે તેમનો સંદેશનો ફેલાવવા જાય છે. આ દુનિયાને ચેતવણી આપવાની જવાબદારી આપણા માથે છે. એનો શું અર્થ થાય? એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.
આપણે શું શીખ્યા
• આમોસે કેવા સંજોગોમાં યહોવાહનો સંદેશ પ્રગટ કર્યો?
• આમોસની જેમ આપણે શાનો પ્રચાર કરવો જોઈએ?
• આપણે કેવી રીતે યહોવાહની વાતો પ્રગટ કરવી જોઈએ?
• શા માટે આપણને કોઈ પ્રચાર કરતા રોકી શકે એમ નથી?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. આમોસ કોણ હતો? તેના વિષે બાઇબલ બીજું શું જણાવે છે?
૩. આપણને એમ લાગે કે પ્રચાર કરતા નહિ આવડે તો, આમોસ પાસેથી શું શીખવા મળે છે?
૪. શા માટે આમોસનું પ્રબોધ કરવાનું કામ સહેલું ન હતું?
૫. અમુક ઈસ્રાએલીઓ કેવો અન્યાય કરતા હતા?
૬. વેપારીઓ કઈ રીતે ગરીબોને હેરાન કરતા?
૭. ઈસ્રાએલના વેપારીઓ કેવી રીતે ઈશ્વરની આજ્ઞા તોડતા?
૮. મંદિરના ગુરુઓ શું ચલાવી લેતા?
૯, ૧૦. ઈસ્રાએલીઓ ઈશ્વરની કઈ આજ્ઞા ભૂલી ગયા? આપણા જમાના વિષે શું?
૧૧. આપણને આમોસમાંથી શું શીખવા મળશે?
૧૨, ૧૩. યહોવાહે કઈ રીતે ઈસ્રાએલીઓને ચેતવ્યા અને તેઓએ શું કર્યું?
૧૪. આમોસનો અને આપણો જમાનો કઈ રીતે સરખો છે?
૧૫-૧૭. (ક) અમાસ્યાહ કોણ હતો? આમોસનો પ્રબોધ સાંભળીને તેણે શું કર્યું? (ખ) આમોસ વિષે તે શું બોલ્યો હતો?
૧૮. અમાસ્યાહે જે કર્યું એ આજે કોની સાથે સરખાવી શકાય?
૧૯, ૨૦. અમાસ્યાહે આમોસને હેરાન કર્યો, પણ આમોસે સામે કેવો જવાબ વાળ્યો?
૨૧. યહોવાહે આપણને પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે એ વિષે આપણને કેવું લાગે છે?
[પાન ૧૦ પર ચિત્ર]
યહોવાહે અંજીરની દેખરેખ રાખનાર આમોસને પ્રચાર કરવા મોકલ્યો
[પાન ૧૩ પર ચિત્ર]
શું તમે આમોસની જેમ હિંમતથી યહોવાહનો પ્રચાર કરો છો?