યહોવાહનો શબ્દ જીવંત છે
ઓબાદ્યાહ, યૂના અને મીખાહ પુસ્તકના મુખ્ય વિચારો
ઓબાદ્યાહનું પુસ્તક આ શબ્દોથી શરૂ થાય છે: “ઓબાદ્યાહનું સંદર્શન.” (ઓબાદ્યાહ ૧) ઈ.સ. પૂર્વે ૬૦૭માં ઓબાદ્યાહે એ પુસ્તક લખ્યું હતું. એમાં તેમના નામ સિવાય તેમના વિષે બીજું કંઈ જાણવા મળતું નથી. ઓબાદ્યાહના લગભગ ૨૦૦ વર્ષ પહેલાં, યૂના પ્રબોધકે પોતાનું પુસ્તક લખ્યું હતું. એમાં તેમણે સાફ જણાવ્યું કે પોતાની મિશનરી સેવા કેવી હતી. ઓબાદ્યાહ અને યૂનાની વચ્ચે મીખાહ થઈ ગયા. તેમણે લગભગ ઈ.સ. પૂર્વે ૭૭૭થી ઈ.સ. પૂર્વે ૭૧૭ સુધી, આશરે ૬૦ વર્ષ પ્રબોધક તરીકે સેવા આપી. મીખાહ વિષે આપણે શું જાણીએ છીએ? મીખાહે જે ઉદાહરણો વાપર્યાં એમાંથી દેખાઈ આવે છે કે તે ગામડાંમાં મોટા થયા હશે. તે “મોરાશ્તી” ગામડાંના હતા. તેમને “યહુદાહના રાજાઓ યોથામ, આહાઝ તથા હિઝકીયાહની કારકિર્દીમાં યહોવાહનું વચન” મળ્યું હતું.—મીખાહ ૧:૧.
અદોમ “સદાને માટે નષ્ટ થશે”
અદોમ વિષે ઓબાદ્યાહે લખ્યું: “તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને લીધે તું લજ્જિત થશે, ને તું સદાને માટે નષ્ટ થશે.” ઓબાદ્યાહે આ સંદેશો આપ્યો ત્યારે તેમને શું યાદ આવ્યું હશે? એ જ કે અમુક સમય પહેલાં અદોમના લોકોએ યાકૂબ, એટલે ઈસ્રાએલી કોમ પર જુલમ ગુજાર્યો હતો. ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોને યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે અદોમીઓ ફક્ત ‘આઘા ઊભા રહ્યા’ નહિ, પણ દુશ્મનોના લશ્કરો સાથે જોડાઈ ગયા.—ઓબાદ્યાહ ૧૦, ૧૧.
યાકૂબના વંશ પર દુઃખના દિવસો આવી પડ્યા. પણ તેઓ હંમેશાં એવી હાલતમાં ન રહ્યાં. ઓબાદ્યાહે ભાખ્યું: “સિયોન પર્વત પર બચી રહેલાઓ હશે, ને તે પવિત્ર થશે.”—ઓબાદ્યાહ ૧૭.
સવાલ-જવાબ:
૫-૮—ઓબાદ્યાહે ચોર અને દ્રાક્ષ વીણનારા વિષે વાત કરી. આ સરખામણી અદોમના પતન વિષે શું બતાવે છે? જો ચોર અદોમમાં આવ્યા હોત, તો તેઓ ચાહે એટલું જ લઈ ગયા હોત. તેમ જ દ્રાક્ષ વીણનારા આવ્યા હોત, તો તેઓએ વેલા પર થોડી દ્રાક્ષ રહેવા દીધી હોત. પણ અદોમનું પતન થયું ત્યારે એ કંગાળ હતું. એવી હાલત કોણે કરી? જેઓ સાથે તેઓએ “સંપ” કે કરાર બાંધ્યો હતો એ બાબેલોને.—યિર્મેયાહ ૪૯:૯, ૧૦.
૧૦—અદોમ કઈ રીતે ‘સદાને માટે નષ્ટ થયું’? અદોમ દેશની પોતાની સરકાર અને પોતાની પ્રજા હતી. તોપણ ભાખ્યા પ્રમાણે એનું નામ-નિશાન મટી ગયું. લગભગ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં બાબેલોનના રાજા નાબોનીદસે અદોમનો કબજો કરી લીધો. ઈ.સ. પૂર્વે ચોથી સદી સુધી અદોમ દેશ નબાટીયનોથી ભરાઈ ગયો. તેથી અદોમની પ્રજાએ દેશ છોડીને યહુદાહના દક્ષિણમાં નેગેબમાં રહેવું પડ્યું. એ જગ્યા પછીથી ઈદુમિયા તરીકે ઓળખાઈ. રોમી લશ્કરોએ ૭૦ની સાલમાં યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે અદોમની પ્રજા સાવ ભૂંસાઈ ગઈ.
આપણે શું શીખી શકીએ?
૩, ૪. અદોમના લોકો પહાડી વિસ્તારમાં રહેતા હતા. તેઓના ફરતે મોટી ખીણો હતી. દુશ્મનો માટે એ દેશનો કબજો કરવો લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. એટલે તેઓ માનતા કે કોઈ તેઓને અડી જ ન શકે. પણ યહોવાહના ન્યાયચુકાદાથી કોઈ બચી શકતું નથી.
૮, ૯, ૧૫. ‘યહોવાહના ન્યાયના દિવસે’ માનવીય જ્ઞાન કે કોઈ સત્તા વ્યક્તિને તેમના હાથમાંથી બચાવી નહિ શકે.
૧૨-૧૪. યહોવાહના ભક્તો પર જુલમ થાય ત્યારે અમુક લોકો અદોમની જેમ ખુશીથી નાચી ઊઠે છે. પણ તેઓએ અદોમના દાખલામાંથી ચેતવું જોઈએ. યહોવાહે અદોમના લોકોને છોડ્યા નહિ, તેમ તેઓને પણ છોડશે નહિ.
૧૭-૨૦. ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહુદીઓ બાબેલોનમાંથી આઝાદ થઈને પાછા યરૂશાલેમ ગયા. ત્યારે યાકૂબના વંશને આપેલું વચન પૂરું થવા લાગ્યું. એ પુરાવો આપે છે કે યહોવાહનું વચન હંમેશાં સાચું પડે છે. આપણે તેમનાં વચનો પર પૂરો ભરોસો રાખી શકીએ.
“નીનવેહનો નાશ થશે”
યહોવાહે યૂનાને કહ્યું: “ઊઠ, મોટા નગર નીનવેહ જા, ને તેની વિરૂદ્ધ” મારો ન્યાયચુકાદો પોકાર. પણ યૂના નીનવેહના બદલે વિરુદ્ધ દિશામાં નાસી છૂટ્યા. યહોવાહે તેમને પાછા લાવવા “સમુદ્ર પર ભારે વાવાઝોડું” અને “એક મોટી માછલી” મોકલી. પછી ફરી યૂનાને આશ્શૂરના પાટનગર નીનવેહ જવાનું કહ્યું.—યૂના ૧:૨, ૪, ૧૭; ૩:૧, ૨.
યૂનાએ નીનવેહ જઈને જોરશોરથી યહોવાહનો સંદેશો જાહેર કર્યો: “ચાળીસ દિવસ પછી નીનવેહનો નાશ થશે.” (યૂના ૩:૪) લોકોએ એ સાંભળીને પસ્તાવો કર્યો. એનાથી યૂનાને “ક્રોધ ચઢ્યો.” યૂનાને દયાનો પાઠ શીખવવા યહોવાહે “કીકાયોનનો એક વેલો” વાપર્યો.—યૂના ૪:૧, ૬.
સવાલ-જવાબ:
૩:૩—શું આખું નીનવેહ ફરવું ખરેખર “ત્રણ દિવસની મજલ” હતું? હા. પ્રાચીન સમયમાં નીનવેહમાં અમુક બીજા નાનાં ગામડાં પણ આવી જતાં. જેમ કે ઉત્તરમાં ખોરસાબાદથી લઈને દક્ષિણમાં નિમરુડ ગામ સુધી. એ ગામડાંઓ નીનવેહ સાથે જોડાયેલાં હતાં. એ વિસ્તારનો આકાર ચોરસ હતો. એની ફરતેનું અંતર સોએક કિલોમીટર હતું.
૩:૪—નીનવેહના લોકોને પ્રચાર કરવા શું યૂનાને તેઓની ભાષા શીખવી પડી? યૂના કદાચ આશ્શૂરી ભાષા જાણતા હશે. અથવા ચમત્કારથી એ ભાષા શીખ્યા હશે. અથવા એમ પણ હોઈ શકે કે તેમણે હિબ્રૂ ભાષામાં સંદેશો આપ્યો હોય અને કોઈએ એનો અનુવાદ કર્યો હોય. જો બે ભાષામાં સંદેશો આપ્યો હશે તો લોકોએ તેમના સંદેશામાં વધુ જીજ્ઞાસા બતાવી હોઈ શકે.
આપણે શું શીખી શકીએ?
૧:૧-૩. આપણે પ્રચાર કામમાં પૂરતો સમય આપવો જોઈએ. એમાં ભાગ લેવા પોતાથી બનતું બધું કરવું જોઈએ. જો પ્રચારના સમયે બીજી કોઈ પ્રવૃત્તિ ગોઠવીએ તો, દેખાઈ આવશે કે આપણે સાચા દિલથી યહોવાહને ભજતા નથી. તેમ જ યહોવાહે આપેલી જવાબદારીથી આપણે દૂર ભાગીએ છીએ.
૧:૧, ૨; ૩:૧૦. યહોવાહ ફક્ત અમુક પ્રજા કે લોકને દયા બતાવતા નથી. “યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેની રહેમ છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૯.
૧:૧૭; ૨:૧૦. યૂના માછલીના પેટમાં ત્રણ દિવસ ને રાત રહ્યા. એ બનાવ ઈસુનું મરણ અને સજીવન થવાને બતાવે છે.—માત્થી ૧૨:૩૯, ૪૦; ૧૬:૨૧.
૧:૧૭; ૨:૧૦; ૪:૬. યહોવાહે યૂનાને તોફાની દરિયામાંથી બચાવ્યા. તેમ જ, તેમણે “કીકાયોનનો એક વેલો ઉત્પન્ન કર્યો, ને તેને યૂનાની ઉપર ઝઝૂમતો બનાવ્યો, જેથી તે તેના માથા પર છાયા કરીને તેની ગમગીની દૂર કરે.” એ બતાવે છે કે યહોવાહ પોતાના ભક્તોને કૃપા બતાવે છે. તેઓનું રક્ષણ કરે છે ને તકલીફોમાંથી બચાવે છે. આથી યહોવાહ પર આપણી પૂરી શ્રદ્ધા હોવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૩:૫; ૪૦:૧૧.
૨:૧, ૨, ૯, ૧૦. યહોવાહ પોતાના ભક્તોના કાલાવાલા સાંભળે છે.—ગીતશાસ્ત્ર ૧૨૦:૧; ૧૩૦:૧, ૨.
૩:૮, ૧૦. યહોવાહ નીનવેહના લોકોનો નાશ કરવાના હતા. પણ તેમને “પશ્ચાત્તાપ થયો.” એટલે કે તેમણે પોતાનો વિચાર બદલ્યો. શા માટે? કારણ કે નીનવેહના લોકોએ ‘પોતાનાં દુષ્ટ આચરણો તજી દીધા હતા.’ જો આપણે પણ દિલથી પસ્તાવો કરીએ તો યહોવાહ શિક્ષાને બદલે દયા બતાવશે.
૪:૧-૪. યહોવાહે કેટલી દયા બતાવવી જોઈએ એ કોઈ પણ વ્યક્તિ તેમને કહી શકતી નથી. યહોવાહ કોઈને દયા બતાવે ત્યારે, આપણે એની ફરિયાદ ન કરીએ એ ધ્યાન રાખવું જોઈએ.
૪:૧૧. નીનવેહમાં ‘એક લાખ વીસ હજાર એવા લોક હતા કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એ જાણતા ન હતા.’ દયા ને ધીરજને લીધે યહોવાહે યૂનાને પ્રચાર કરવા મોકલ્યા. શું આપણને પણ યહોવાહની જેમ લોકો માટે દયા છે? જો હશે, તો આપણે જોરશોરથી પ્રચાર કરીને તેઓને બાઇબલ વિષે શીખવીશું.—૨ પીતર ૩:૯.
તેઓની “તાલ” પડવાની હતી
મીખાહે ઈસ્રાએલ અને યહુદાના પાપોને ખુલ્લાં પાડ્યાં. તેમણે તેઓનાં પાટનગરના પતન વિષે ભાખ્યું. તેમ જ, તેઓ પોતાના વતન પાછા ફરશે એવો સંદેશો જાહેર કર્યો. સમરૂન “ખેતરમાંના ઢગલા [ખંડિયેર] જેવું” થઈ જશે. તેઓ મૂર્તિપૂજાકો હોવાથી અમુક હદ સુધી ‘તાલ્યા’ થશે, એટલે કે તેઓએ શરમાવું પડશે. તેઓની ‘તાલ ગીધની માફક વધશે.’ ત્યાંના દેશમાં એક જાતનું ગીધ છે જેના માથા પર એક-બે જ વાળ છે. એ શબ્દોથી યહોવાહે બતાવ્યું કે ઈસ્રાએલ ને યહુદાને દુશ્મનો ગુલામ કરશે ત્યારે તેઓએ શરમ અનુભવવી પડશે. યહોવાહે વચન આપ્યું: “હે યાકૂબ, હું તારા સર્વ લોકને નિશ્ચે ભેગા કરીશ.” (મીખાહ ૧:૬, ૧૬; ૨:૧૨) તેઓના નેતાઓ ને પ્રબોધકો ભ્રષ્ટ હોવાથી યરૂશાલેમ પણ ઉજ્જડ કે ‘ઢગલો થઈ’ જશે. પણ યહોવાહ તેમના ભક્તોને “એકઠા” કરશે. ‘બેથલેહેમ એફ્રાથાહમાંથી એવો પુરુષ ઊભો થશે જે ઈસ્રાએલમાં અધિકારી થશે.’—મીખાહ ૩:૧૨; ૪:૧૨; ૫:૨.
શું યહોવાહ ઈસ્રાએલ સાથે અન્યાયથી વર્ત્યા હતા? શું તેમના નિયમો પાળવા અઘરા હતા? જરાય નહિ. યહોવાહ પોતાના ભક્તોથી એટલું જ ચાહે છે કે તેઓ ‘ન્યાયથી વર્તે, દયાભાવ રાખે અને તેમની સાથે નમ્રતાથી ચાલે.’ (મીખાહ ૬:૮) મીખાહના દિવસોમાં લોકો એટલા ખરાબ હતા કે ‘તેઓમાંનો જે સર્વોત્તમ ગણાયો હતો તે ઝાંખરાં જેવો હતો; જે સૌથી પ્રામાણિક ગણાયો હતો તે કાંટાની વાડ કરતાં નઠારો હતો.’ તેઓ એકબીજાને દુઃખી-દુઃખી કરી નાખતા હતા. પણ મીખાહે પૂછ્યું: યહોવાહ ‘જેવા ઈશ્વર કોણ છે?’ યહોવાહ પોતાના ભક્તોને ફરી દયા બતાવશે. તે “તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી” દેશે.—મીખાહ ૭:૪, ૧૮, ૧૯.
સવાલ-જવાબ:
૨:૧૨—“ઈસ્રાએલના બચેલાઓને” ક્યારે “એકઠા” કરવામાં આવ્યા? ઈ.સ. પૂર્વે ૫૩૭માં ઈસ્રાએલીઓ બાબેલોન છોડીને વતન પાછા ફર્યા ત્યારે એ પહેલી વાર પૂરું થયું. એ વચન આપણા જમાનામાં ‘દેવના ઈસ્રાએલને’ પણ લાગુ પડે છે. (ગલાતી ૬:૧૬) ૧૯૧૯થી અભિષિક્ત ખ્રિસ્તીઓને “ટોળાની પેઠે” ભેગા કરવામાં આવ્યા છે. ૧૯૩૫થી ‘બીજાં ઘેટાંની’ ‘મોટી સભા,’ આ અભિષિક્ત ખ્રિસ્તીઓ સાથે જોડાઈ છે. એટલે ઘણા ‘માણસોના લીધે મોટો ઘોંઘાટ’ થયો છે. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) તેઓ ભેગા મળીને યહોવાહની ભક્તિ કરે છે ને તેમના વિષે લોકોને શીખવે છે.
૪:૧-૪—આ દુનિયાના “પાછલા દિવસોમાં” યહોવાહ કઈ રીતે ‘ઘણી પ્રજાઓનો ન્યાય કરશે, ને દૂરના બળવાન લોકોનો ઇન્સાફ કરશે’? ‘ઘણી પ્રજાઓ’ અને ‘બળવાન લોકો’ કોઈ જાતિ કે સરકારને રજૂ કરતું નથી. એ એવા લોકોને બતાવે છે જેઓ દુનિયાના લોકોથી અલગ થઈને યહોવાહના ભક્તો બન્યા છે. યહોવાહ તેઓની ભક્તિ ને શ્રદ્ધાનો ન્યાય કરે છે ને તેઓને સુધારે છે.
આપણે શું શીખી શકીએ?
૧:૬, ૯; ૩:૧૨; ૫:૨. ઈ.સ. પૂર્વે ૭૪૦માં આશ્શૂરીઓએ સમરૂનનો નાશ કર્યો. આ બનાવ મીખાહના જીવન દરમિયાન થયો હતો. (૨ રાજાઓ ૧૭:૫, ૬) હિઝકીયાહના રાજ દરમિયાન, આશ્શૂરીઓ છેક યરૂશાલેમ સુધી પહોંચી ગયા. (૨ રાજાઓ ૧૮:૧૩) ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોને યરૂશાલેમને સળગાવી મૂક્યું. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૯) ભાખ્યા પ્રમાણે મસીહ ‘બેથલેહેમ એફ્રાથાહમાં’ જન્મ્યા. (માત્થી ૨:૩-૬) આ બધું બતાવે છે કે યહોવાહનાં વચનો હંમેશાં સાચાં પડે છે.
૨:૧, ૨. આપણે એક બાજુ કહીએ કે હું યહોવાહના ‘રાજ્યને તથા તેના ન્યાયીપણાને’ શોધું છું, પણ બીજી બાજુ ધનદોલત પાછળ પડ્યા હોઈશું, તો એ ગંભીર વાત કહેવાય.—માત્થી ૬:૩૩; ૧ તીમોથી ૬:૯, ૧૦.
૩:૧-૩, ૫. યહોવાહ ચાહે છે કે મંડળના જવાબદાર ભાઈઓ સર્વ સાથે ન્યાયથી વર્તે.
૩:૪. યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે એમ ચાહતા હોઈએ તો શું ન કરવું જોઈએ? જાણી-જોઈને પાપ ન કરવું જોઈએ. વળી, છાની-છૂપી રીતે પાપ કરીને જાહેરમાં ઈશ્વરભક્ત હોવાનો દેખાડો ન કરવો જોઈએ.
૩:૮. યહોવાહની શક્તિથી જ આપણે તેમના રાજ્યનો સંદેશો ને તેમનો ન્યાયચુકાદો જાહેર કરી શકીએ છીએ.
૫:૫. મસીહ વિષેની ભવિષ્યવાણીઓ જણાવે છે કે આપણી સામે દુશ્મનો આવશે ત્યારે આપણને સથવારો મળશે. આ કલમ બતાવે છે કે એ વખતોમાં ‘સાત પાળકો’ અને ‘આઠ સરદારો’ ઊભા થશે. અહીં ‘સાતનો’ અર્થ થાય કે આપણને પૂરો સથવારો હશે. પાળકો અને સરદારો મંડળના જવાબદાર ભાઈઓને બતાવે છે. તેઓ આપણને યહોવાહના માર્ગમાં દોરશે.
૫:૭, ૮. આજે ઘણાને મન અભિષિક્ત ખ્રિસ્તીઓ “યહોવાહે મોકલેલા ઓસ જેવા” છે. એ યહોવાહનો આશીર્વાદ છે. કઈ રીતે? તેઓ દ્વારા યહોવાહ પોતાના રાજ્યનો સંદેશો જાહેર કરે છે. ‘બીજાં ઘેટાંના’ ભાઈ-બહેનો તન-મનથી તેઓને સાથ આપે છે. એનાથી લોકોને સત્યનું અમૃત પાણી પીવા મળે છે. (યોહાન ૧૦:૧૬) લોકોને આ પાણી પાવું ખરેખર આપણા માટે આશીર્વાદ કહેવાય!
૬:૩, ૪. યહોવાહની જેમ આપણે પણ દયા ને પ્રેમથી વર્તવું જોઈએ. પછી ભલેને કોઈની સાથે આપણું બનતું ન હોય કે તે સત્યમાં નબળા પડી ગયા હોય.
૭:૭. આ દુષ્ટ જગતના છેલ્લાં દિવસોમાં તકલીફો સહેતા હિંમત ન હારવી જોઈએ. મીખાહની જેમ આપણે રાહત માટે ‘ઈશ્વરની વાટ’ જોવી જોઈએ.
૭:૧૮, ૧૯. યહોવાહ આપણી ભૂલો માફ કરવા તૈયાર છે. આપણે પણ એકબીજાની ભૂલો માફ કરવા તૈયાર રહેવું જોઈએ.
હંમેશાં ‘યહોવાહ પર શ્રદ્ધા રાખીને ચાલો’
યહોવાહ કે તેમના ભક્તો સામે લડશે, તેઓ “સદાને માટે નષ્ટ થશે.” (ઓબાદ્યાહ ૧૦) પણ યહોવાહની ચેતવણી સાંભળીને “દુષ્ટ આચરણોને તજી” દે, તો યહોવાહ તેઓને દયા બતાવશે. (યૂના ૩:૧૦) “પાછલા દિવસોમાં,” એટલે આ દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં,” યહોવાહની સાચી ભક્તિ આખી દુનિયામાં ફેલાઈ છે. ઘણા લોકો જૂઠા ધર્મો છોડીને યહોવાહની ભક્તિ કરે છે. (મીખાહ ૪:૧; ૨ તીમોથી ૩:૧) ચાલો આપણે પણ ‘સદાસર્વકાળ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીએ.’—મીખાહ ૪:૫.
ઓબાદ્યાહ, યૂના અને મીખાહનાં પુસ્તકો આપણને મહત્ત્વના પાઠ શીખવે છે. ભલે એ પુસ્તકો લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં લખાયાં હતાં. પણ એનો સંદેશો આજેય ‘જીવંત અને સમર્થ’ છે.—હેબ્રી ૪:૧૨. (w07 11/1)