બૉક્સ ૧૯-ક
યહોવાના આશીર્વાદોની નદીઓ
બાઇબલની અમુક કલમોમાં “નદી” અને “પાણી” વિશે દાખલા આપ્યા છે. એ શાને રજૂ કરે છે? યહોવાના આશીર્વાદોને. એ બધા અહેવાલો વાંચીને આપણને કેવું લાગે છે? યહોવા જે રીતે આશીર્વાદો આપે છે, એ જાણીને ઘણી હિંમત મળે છે. ચાલો એના વિશે જોઈએ.
યોએલ ૩:૧૮, ફૂટનોટ યહોવાના મંદિરમાંથી એક ઝરણું ફૂટી નીકળશે, એના વિશે આ ભવિષ્યવાણી કહે છે. એ ઝરણું વહેતું વહેતું “શિટ્ટીમની ખીણને,” એટલે કે બાવળનાં વૃક્ષોને પાણી પાય છે. એ જગ્યા એકદમ વેરાન, સૂકી છે. યોએલ અને હઝકિયેલ ઝરણું અથવા નદી જુએ છે. એનું પાણી વેરાન, સૂકી જમીનમાં થઈને વહે છે અને એને જીવંત, એટલે કે ઉપજાઉ બનાવી દે છે. એ બંને અહેવાલોમાં પાણી યહોવાના મંદિરમાંથી વહે છે.
ઝખાર્યા ૧૪:૮ પ્રબોધક ઝખાર્યાએ એક દર્શનમાં જોયું કે યરૂશાલેમમાંથી “જીવનનું પાણી” વહે છે. એનું અડધું પાણી પૂર્વ સમુદ્ર તરફ, એટલે કે મૃત સરોવર તરફ વહે છે. બાકીનું અડધું પાણી પશ્ચિમ સમુદ્ર તરફ, એટલે કે ભૂમધ્ય સમુદ્ર તરફ વહે છે. યરૂશાલેમ ‘મહાન રાજા’ યહોવાનું શહેર હતું. (માથ. ૫:૩૫) ઝખાર્યાએ એ શહેર વિશે જે કીધું, એમાંથી શું શીખવા મળે છે? એ જ કે ભાવિમાં યહોવા આખી ધરતી પર રાજ કરશે. આ ભવિષ્યવાણીમાં પાણી વિશે જે કીધું છે, એનાથી એક વાત તો સાફ છે. એ બતાવે છે કે નવી દુનિયામાં યહોવા વફાદાર લોકોના બે સમૂહો પર આશીર્વાદો વરસાવશે. કયા બે સમૂહ? મોટી વિપત્તિમાંથી બચી ગયેલા લોકો અને નવી દુનિયામાં જીવતા થયેલા લોકો.
પ્રકટીકરણ ૨૨:૧, ૨ પ્રેરિત યોહાન દર્શનમાં એક નદી જુએ છે. એ નદી હઝકિયેલે જોયેલી નદી જેવી હતી. પણ યોહાને જોયેલી નદી યહોવાના મંદિરમાંથી નહિ, યહોવાના રાજ્યાસનમાંથી નીકળીને વહેતી હતી. ઝખાર્યાના દર્શનની જેમ, આ દર્શન પણ હજાર વર્ષના રાજમાં યહોવા જે આશીર્વાદો વરસાવશે, એને રજૂ કરે છે.
ખરું કે હઝકિયેલે દર્શનમાં જોયેલા આશીર્વાદો અને યહોવાના રાજ્યમાં જે આશીર્વાદો મળશે, એમાં થોડો-ઘણો ફરક છે. પણ એ આશીર્વાદો આપનાર યહોવા છે અને એ આશીર્વાદો મેળવનાર તેમના વફાદાર લોકો છે.
ગીતશાસ્ત્ર ૪૬:૪ ધ્યાન આપો કે આ કલમમાં ભક્તિ અને સત્તાની વાત થાય છે. એમાં લખ્યું છે કે એક નદી છે, જેનાથી ‘ઈશ્વરના શહેર’ અને ‘સર્વોચ્ચ ઈશ્વરના ભવ્ય પવિત્ર મંડપ’ બંનેને ફાયદો થાય છે. ઈશ્વરનું શહેર તેમનાં રાજ્ય અને સત્તાને રજૂ કરે છે. ઈશ્વરનો પવિત્ર મંડપ તેમની ભક્તિને રજૂ કરે છે.
આ કલમો આપણને શાનો ભરોસો અપાવે છે? એ જ કે યહોવા પોતાના લોકોને બે રીતે ભરપૂર આશીર્વાદો આપશે. એક તો પોતાના રાજ્ય દ્વારા અને બીજી પોતાની ભક્તિની ગોઠવણ દ્વારા. આ એવી ગોઠવણો છે, જેનાથી કાયમ માટે આશીર્વાદો મળતા રહેશે. એટલે ચાલો યહોવા ઈશ્વર અને ઈસુ પાસેથી “જીવનનું પાણી” પીતા રહીએ. આપણને કાયમ માટેનું જીવન મળે એ માટે તેઓએ કરેલી બધી ગોઠવણોમાંથી પૂરેપૂરો લાભ લેતા રહીએ. —યર્મિ. ૨:૧૩; યોહા. ૪:૧૦.