પ્રકરણ ૧૪
“મંદિરનો નિયમ આ છે”
ઝલક: હઝકિયેલના દિવસોમાં મંદિરના દર્શનથી લોકોને શું શીખવા મળ્યું અને આજે આપણને શું શીખવા મળે છે?
૧, ૨. (ક) ગયા પ્રકરણમાં મંદિરના દર્શન વિશે આપણે શું શીખી ગયા? (ખ) આ પ્રકરણમાં કયા બે સવાલોનો વિચાર કરીશું?
હઝકિયેલે જોયેલું મંદિર પાઉલે જણાવેલું ભવ્ય મંદિર ન હતું, જેના વિશે પાઉલે સદીઓ પછી વાત કરી. ગયા પ્રકરણમાં આપણે એના વિશે જોઈ ગયા. બીજું શું જોયું? આપણે શીખ્યા કે એ દર્શનથી યહોવા પોતાના લોકોને એક મહત્ત્વની વાત જણાવવા માંગતા હતા. તેમણે બતાવ્યું કે શુદ્ધ ભક્તિ માટેનાં તેમનાં ઊંચાં ધોરણો પાળવા કેમ જરૂરી છે. એ ધોરણો પાળવાથી જ તેઓ યહોવા સાથે ફરીથી સારો સંબંધ બાંધી શકે. એટલે જ યહોવાએ એક જ કલમમાં બે વખત આ વાત કહી: “મંદિરનો નિયમ આ છે.”—હઝકિયેલ ૪૩:૧૨ વાંચો.
૨ હવે બે સવાલો પર વિચાર કરીએ. પહેલો સવાલ, મંદિરના દર્શનમાંથી એ સમયના યહૂદીઓ શુદ્ધ ભક્તિ માટેનાં યહોવાનાં ધોરણો વિશે શું શીખ્યા? પહેલા સવાલનો જવાબ મળવાથી આપણે આ બીજા સવાલનો જવાબ શોધી શકીશું: મુસીબતોના આ છેલ્લા સમયમાં હઝકિયેલના એ દર્શનમાંથી શું શીખી શકીએ?
દર્શનથી પહેલાંના જમાનાના લોકોને શું શીખવા મળ્યું?
૩. મંદિર એક ઊંચા પર્વત પર હતું, એ જાણીને લોકોને કેમ પોતાના પર શરમ આવી હશે?
૩ પહેલા સવાલનો જવાબ જાણવા ચાલો હઝકિયેલના દર્શનની અમુક વાતો પર વિચાર કરીએ, જે આપણું ધ્યાન ખેંચે છે. ઊંચો પર્વત. હઝકિયેલે જોયું કે મંદિર એક ઊંચા પર્વત પર છે. એનાથી લોકોને યહોવાની ભક્તિ ફરી શરૂ થશે, એ વિશેની બીજી એક ભવિષ્યવાણી યાદ આવી હશે. એ ભવિષ્યવાણી યશાયાએ કરી હતી. એમાં પણ યહોવાનું મંદિર એક ઊંચા પર્વત પર બતાવવામાં આવ્યું હતું. (યશા. ૨:૨) એનાથી એ લોકોને શું શીખવા મળ્યું? એ જ કે યહોવાનો જયજયકાર કરવો જોઈએ. તેઓનાં જીવનમાં તેમની ભક્તિ સૌથી પહેલા હોવી જોઈએ. એમાં કોઈ સવાલ જ નથી કે યહોવાની ભક્તિ સૌથી સારી છે, કેમ કે ખુદ યહોવાએ એની ગોઠવણ કરી છે. તે પોતે ‘બીજા બધા દેવો કરતાં મહાન છે.’ (ગીત. ૯૭:૯) પણ લોકોએ જે કરવું જોઈએ, એ કર્યું નહિ. તેઓએ સદીઓ સુધી વારંવાર તેમની ભક્તિના નામે નીચ, અધમ કામો કર્યાં. યહોવાની ભક્તિ ધૂળમાં મેળવી દીધી. તેઓએ મન ફાવે એમ કર્યું. પણ નેક દિલના લોકોને ખબર પડી કે દર્શનમાં યહોવાનું મંદિર બહુ ઊંચી જગ્યાએ છે. યહોવાની ભક્તિ એટલી મહત્ત્વની છે કે એને ઊંચી જગ્યાએ બતાવવામાં આવી છે. એ જોઈને તેઓને શરમ આવી હશે કે પોતે જે કરવાનું હતું એ કર્યું નહિ.
૪, ૫. મંદિરના ઊંચા ઊંચા દરવાજા પરથી હઝકિયેલના સમયના ઈશ્વરભક્તોને શું શીખવા મળ્યું હશે?
૪ ઊંચા ઊંચા દરવાજા. દર્શનમાં હઝકિયેલે જોયું હતું કે સ્વર્ગદૂત મંદિરના ઊંચા ઊંચા દરવાજાનું માપ લે છે. એ દરવાજાની ઊંચાઈ આશરે ૧૦૦ ફૂટ હતી. (હઝકિ. ૪૦:૧૪) દરવાજાની બાજુમાં રક્ષકોની ઓરડીઓ હતી. મંદિરના નકશા પર ધ્યાન આપનારા લોકોને આ બધું બતાવીને યહોવા શું કહેવા માંગતા હતા? યહોવાએ હઝકિયેલને કીધું કે ‘મંદિરની અંદર આવવાના દરવાજાઓ પર બરાબર નજર રાખ.’ એવું કેમ કીધું? એનું કારણ એ કે ઈશ્વરભક્તો એવા લોકોને મંદિરમાં લઈ આવતા હતા, ‘જેઓનાં દિલ ભ્રષ્ટ હતાં અને જેઓની સુન્નત પણ થયેલી ન હતી.’ એ મંદિર તો યહોવાનું પવિત્ર મંદિર હતું, જે શુદ્ધ ભક્તિ માટેની જગ્યા હતી. એટલે યહોવાએ કહ્યું કે “તેઓ મારું મંદિર અશુદ્ધ કરે છે.”—હઝકિ. ૪૪:૫, ૭.
૫ ‘જેઓની સુન્નત પણ થયેલી ન હતી,’ તેઓએ યહોવાની આજ્ઞા તોડી હતી. યહોવાએ એ વિશેની આજ્ઞા છેક ઇબ્રાહિમના સમયમાં આપી હતી. (ઉત. ૧૭:૯, ૧૦; લેવી. ૧૨:૧-૩) એ લોકો કરતાં પણ હઠીલા આ લોકો હતા, ‘જેઓનાં દિલ ભ્રષ્ટ હતાં.’ તેઓ સાવ બંડખોર હતા. તેઓએ યહોવાનું માર્ગદર્શન અને સલાહ જરાય માન્યાં નહિ. એવા લોકોને તો યહોવાના પવિત્ર મંદિરમાં પગ પણ મૂકવા દેવો જોઈતો ન હતો. યહોવાને ઢોંગી લોકોથી સખત નફરત છે. પણ જુઓ તો ખરા, યહોવાના મંદિરમાં જ્યાં જુઓ ત્યાં લોકો ઢોંગ કરતા હતા! દર્શનમાં દરવાજા બતાવવામાં આવ્યા હતા અને રક્ષકોની ઓરડીઓ બતાવવામાં આવી હતી. એના પરથી એક વાત સાફ જાણવા મળે છે કે હવેથી એવું કંઈ ચલાવી લેવામાં નહિ આવે. તેમની ભક્તિ કરવા માટેનાં ઊંચાં ધોરણો બેસાડવામાં આવ્યાં. જો લોકો એ ઊંચાં ધોરણો પાળે તો જ તેઓને મંદિરની અંદર જવા દેવામાં આવે. જો લોકો એવી રીતે ભક્તિ કરે તો જ યહોવા તેઓ પર આશીર્વાદો, આશીર્વાદો અને આશીર્વાદો વરસાવે.
૬, ૭. (ક) યહોવા મંદિરની આસપાસની ખુલ્લી જગ્યા અને દીવાલ બતાવીને લોકોને શું કહેવા માંગતા હતા? (ખ) લોકોએ યહોવાની ભક્તિ કઈ રીતે અશુદ્ધ કરી નાખી હતી? (ફૂટનોટ જુઓ.)
૬ મંદિરની ચારે બાજુની દીવાલ. મંદિરના ચારે બાજુના વિસ્તારની દીવાલ જોવા જેવી હતી. દરેક દીવાલની લંબાઈ ૫૦૦ લાકડી હતી, એટલે કે ૫,૧૦૦ ફૂટ. (હઝકિ. ૪૨:૧૫-૨૦) પણ મંદિર અને આંગણું ચોરસ હતું. એની દરેક બાજુની લંબાઈ ૫૦૦ હાથ, એટલે કે ૮૫૦ ફૂટ હતી. મંદિરની ચારે બાજુ મોટી ખુલ્લી જગ્યા હતી. એ જગ્યાની ચારે બાજુ દીવાલ બાંધેલી હતી.a આ બધું કેમ બનાવવામાં આવ્યું હતું?
૭ યહોવાએ કીધું: “હવે જો તેઓ મને બેવફા નહિ બને અને તેઓના રાજાઓનાં મડદાં મારી પાસેથી દૂર કરે, તો હું હંમેશ માટે તેઓની વચ્ચે રહીશ.” (હઝકિ. ૪૩:૯) “રાજાઓનાં મડદાં” કદાચ મૂર્તિઓને રજૂ કરે છે. દર્શનમાં યહોવાએ મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા અને દીવાલ બતાવી. એ બતાવીને જાણે તે કહેતા હતા, “બધી ગંદકી મારાથી એકદમ દૂર રાખો. એમાંનું કંઈ પણ મારી પાસે લાવતા નહિ.” લોકોએ યહોવાની ભક્તિ શુદ્ધ રાખવાની હતી. જો તેઓ એમ કરે તો યહોવા તેઓની વચ્ચે રહેશે અને તેઓ પર પુષ્કળ આશીર્વાદો લાવશે.
૮, ૯. જવાબદાર ભાઈઓને જે કડક સલાહ આપવામાં આવી, એનાથી લોકોને શું શીખવા મળ્યું હશે?
૮ જવાબદારી ઉપાડતા ભાઈઓને કડક સલાહ. યહોવાએ ભારે જવાબદારી ઉપાડતા ભાઈઓને પ્રેમથી કડક સલાહ આપી. લોકો મૂર્તિપૂજામાં ડૂબી ગયા હતા. અરે, લેવીઓ પણ યહોવાના માર્ગથી ભટકી ગયા. એટલે યહોવાએ તેઓને કડક શબ્દોમાં જણાવ્યું કે સુધારો કરે. પણ ‘જ્યારે ઇઝરાયેલી લોકો તેમના માર્ગમાંથી ભટકી ગયા, ત્યારે સાદોકના દીકરાઓએ તેમના મંદિરની જવાબદારીઓ ઉપાડી હતી.’ એટલે યહોવાએ તેઓને શાબાશી આપી. યહોવા દયાના સાગર છે. તે હંમેશાં ઇન્સાફ કરે છે. તેમણે દરેકને પોતાનાં કામ પ્રમાણે બદલો આપ્યો. (હઝકિ. ૪૪:૧૦, ૧૨-૧૬) એવી જ રીતે, ઇઝરાયેલના આગેવાનોને પણ કડક સલાહ મળી.—હઝકિ. ૪૫:૯.
૯ એમ કરીને યહોવાએ શું બતાવ્યું? એ જ કે આગેવાની લેતા ભાઈઓ કઈ રીતે જવાબદારી નિભાવે છે, એનો હિસાબ યહોવાને આપવો પડે છે. તેઓને કડક સલાહ અને શિસ્તની જરૂર પડે છે. તેઓએ રાજીખુશીથી એ સ્વીકારીને યહોવાનાં ઊંચાં ધોરણો પાળવામાં સારો દાખલો બેસાડવાનો હોય છે.
૧૦, ૧૧. શાના પરથી કહી શકાય કે ગુલામીમાંથી આવ્યા પછી અમુક લોકોએ દર્શનમાંથી જે શીખ્યા એ પ્રમાણે કર્યું?
૧૦ હઝકિયેલે જોયેલા દર્શનમાંથી યહૂદીઓને ઘણું શીખવા મળ્યું. ગુલામીમાંથી પાછા આવ્યા પછી, શું તેઓએ એ પ્રમાણે કર્યું? આપણે જાણતા નથી કે હઝકિયેલે જોયેલા જોરદાર દર્શન વિશે એ જમાનાના વફાદાર ઈશ્વરભક્તોએ શું વિચાર્યું હશે. પણ બાઇબલ એ તો ચોક્કસ જણાવે છે કે વતનમાં આવ્યા પછી તેઓએ શું કર્યું. તેઓએ યહોવાની ભક્તિમાં કોઈ કચાશ રાખી નહિ. દર્શનમાંથી તેઓ જે સિદ્ધાંતો શીખ્યા, એ જીવનમાં ઉતાર્યા ખરા? આમ જોવા જઈએ તો, અમુક હદે ઉતાર્યા. બાબેલોનની ગુલામી પહેલાંના તેઓના બંડખોર બાપદાદાઓ કરતાં તો આ લોકોએ સારું કર્યું.
૧૧ મંદિરના દર્શનમાં જોરદાર સિદ્ધાંતો બતાવવામાં આવ્યા હતા. લોકોને એ શીખવવા આ ઈશ્વરભક્તોએ રાત-દિવસ એક કરી નાખ્યા હતા: પ્રબોધકો હાગ્ગાય અને ઝખાર્યા, યાજક અને શાસ્ત્રી એઝરા અને રાજ્યપાલ નહેમ્યા. (એઝ. ૫:૧, ૨) તેઓએ લોકોને એ સિદ્ધાંતો શીખવવા બહુ મહેનત કરી. તેઓએ બતાવ્યું કે યહોવાની ભક્તિ એકદમ શુદ્ધ હોવી જોઈએ. જીવનની ચિંતાઓનો ટોપલો એક બાજુએ મૂકી દેવો જોઈએ. મોહમાયા પાછળ દોડવાને બદલે યહોવાની ભક્તિ સૌથી પહેલા રાખવી જોઈએ. (હાગ્ગા. ૧:૩, ૪) તેઓએ બતાવ્યું કે યહોવાની ભક્તિનાં ઊંચાં ધોરણો પાળવા જ જોઈએ. એમાં કોઈ કમી આવવી ન જોઈએ. જેમ કે, એઝરા અને નહેમ્યાએ લોકોને મોં પર કીધું કે તેઓ પોતાની પરદેશી પત્નીઓ છોડી દે. એ પત્નીઓ તો પોતાના પતિઓને યહોવાથી દૂર લઈ જતી હતી. (એઝરા ૧૦:૧૦, ૧૧ વાંચો; નહે. ૧૩:૨૩-૨૭, ૩૦) મૂર્તિપૂજા વિશે શું? એવું લાગે છે કે ગુલામીમાંથી પાછા આવ્યા પછી, ઇઝરાયેલીઓ મૂર્તિપૂજાને નફરત કરવા લાગ્યા. પણ ગુલામીમાં ગયા એ પહેલાં સદીઓ સુધી તેઓ વારંવાર મૂર્તિપૂજાના ફાંદામાં ફસાઈ જતા હતા. હઝકિયેલના દર્શનથી ખબર પડે છે કે યહોવાએ યાજકો, આગેવાનો અને મુખીઓને કડક સલાહ આપી, જેથી તેઓ સુધારો કરે. (નહે. ૧૩:૨૨, ૨૮) એમાંથી ઘણાએ નમ્ર બનીને એ સલાહ પાળી.—એઝ. ૧૦:૭-૯, ૧૨-૧૪; નહે. ૯:૧-૩, ૩૮.
૧૨. ગુલામીમાંથી પાછા આવેલા યહૂદીઓને યહોવાએ કયા આશીર્વાદો આપ્યા?
૧૨ લોકોએ ફેરફાર કર્યા. એટલે યહોવાએ તેઓને આશીર્વાદો આપ્યા. તેઓનો યહોવા સાથેનો સંબંધ પાકો થયો. તેઓની તંદુરસ્તી સારી થઈ. તેઓ હળી-મળીને રહેવા લાગ્યા. એવું તેઓના દેશમાં લાંબા સમયથી થયું ન હતું. (એઝ. ૬:૧૯-૨૨; નહે. ૮:૯-૧૨; ૧૨:૨૭-૩૦, ૪૩) લોકોને આવા આશીર્વાદો મળ્યા, કેમ કે હવે તેઓએ યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે તેમની ભક્તિ કરી. હઝકિયેલના દર્શનથી જે શીખવા મળ્યું, એ ઘણા લોકોએ દિલમાં ઉતાર્યું હતું. ટૂંકમાં કહીએ તો, હઝકિયેલના દર્શનથી યહૂદીઓને આ બે મહત્ત્વના મુદ્દા શીખવા મળ્યા: (૧) યહોવાની ભક્તિ માટેનાં ધોરણો કયાં છે અને એ કઈ રીતે પાળવા જોઈએ. (૨) તેઓને ખાતરી થઈ કે યહોવાની ભક્તિ ચોક્કસ ફરી શરૂ થશે. જ્યાં સુધી તેઓ યહોવાની ભક્તિ કરતા રહેશે, ત્યાં સુધી યહોવા તેઓને આશીર્વાદો આપતા રહેશે. પણ સવાલ થાય કે શું એ ભવિષ્યવાણી આજે પૂરી થાય છે?
હઝકિયેલે જોયેલા દર્શનથી આપણે શું શીખીએ છીએ?
૧૩, ૧૪. (ક) આપણને કઈ રીતે ખબર પડે છે કે હઝકિયેલે જોયેલા દર્શન પ્રમાણે આજે પણ થાય છે? (ખ) હઝકિયેલના દર્શનમાંથી આપણને કયા બે મહત્ત્વના મુદ્દા શીખવા મળે છે? (“બે અલગ અલગ મંદિરથી શું શીખવા મળે છે?” બૉક્સ ૧૩-ક પણ જુઓ.)
૧૩ મંદિરના દર્શનથી શું આપણે પણ કંઈ શીખી શકીએ? હા, ચોક્કસ શીખી શકીએ. જરા યાદ કરો, હઝકિયેલે દર્શનમાં જે જોયું, એવું જ યશાયાએ પણ ભવિષ્યવાણીમાં બતાવ્યું હતું. જેમ હઝકિયેલે જોયું કે યહોવાનું મંદિર “ખૂબ ઊંચા પર્વત” પર છે, તેમ યશાયાએ બતાવ્યું કે “યહોવાના મંદિરનો પર્વત બીજા પર્વતોનાં શિખરો પર અડગ થશે.” યશાયાએ સાફ સાફ એ પણ જણાવ્યું કે પોતાની ભવિષ્યવાણી “છેલ્લા દિવસોમાં” સાચી પડશે. (હઝકિ. ૪૦:૨; યશા. ૨:૨-૪; મીખાહ ૪:૧-૪ પણ જુઓ.) છેલ્લા દિવસોમાં ૧૯૧૯થી એ ભવિષ્યવાણીઓ પ્રમાણે થવા લાગ્યું. એ સમયથી યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ, જાણે એ એકદમ ઊંચા પર્વત પર કરવામાં આવે છે.b
૧૪ એમાં કોઈ શંકા નથી કે હઝકિયેલે જોયેલા દર્શન પ્રમાણે આપણા સમયમાં યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ છે. ગુલામીમાંથી પાછા ફરેલા યહૂદીઓને એ દર્શનમાંથી બે મહત્ત્વના મુદ્દા શીખવા મળ્યા હતા. આપણને પણ એમાંથી બે મુદ્દા શીખવા મળે છે: (૧) કઈ રીતે આપણે યહોવાની ભક્તિ માટેનાં ધોરણો પાળી શકીએ. (૨) આપણને ખાતરી મળે છે કે યહોવાની ભક્તિ ચોક્કસ ફરી શરૂ થશે.
આજે યહોવાની ભક્તિ માટેનાં ધોરણો
૧૫. હઝકિયેલે જોયેલા દર્શનનો વિચાર કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૫ હવે હઝકિયેલે જોયેલા મંદિરના અમુક ભાગ પર ધ્યાન આપીએ. એ પણ જોઈએ કે એનાથી આપણને શું શીખવા મળે છે. કલ્પના કરો કે હઝકિયેલની સાથે આપણે મંદિરમાં બધું જોઈ રહ્યા છીએ. પણ એ પાઉલે જણાવેલું ભવ્ય મંદિર નથી. આપણે તો હઝકિયેલના દર્શનમાંથી યહોવાની ભક્તિ માટેનાં ધોરણો વિશે જાણવાની કોશિશ કરીએ છીએ. ચાલો જોઈએ કે એમાંથી શું શીખી શકીએ.
૧૬. મંદિરની ઝીણામાં ઝીણી માહિતીથી શું શીખીએ છીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૬ બધું માપ કેમ લેવામાં આવ્યું? હઝકિયેલ એક દૂતને જુએ છે. તે જાણે તાંબાના બનેલા હોય એવા દેખાય છે. તે મંદિરની અમુક વસ્તુઓ માપે છે. જેમ કે, દીવાલો, દરવાજા, રક્ષકોની ઓરડીઓ, આંગણાં અને વેદી. દૂતે જે માપ લીધું, એની ઝીણામાં ઝીણી માહિતી આપવામાં આવી છે. એ બધું સમજવું આપણને અઘરું લાગી શકે. (હઝકિ. ૪૦:૧–૪૨:૨૦; ૪૩:૧૩, ૧૪) પણ એ માહિતીથી આપણે અમુક ખાસ મુદ્દા શીખી શકીએ છીએ. પહેલો મુદ્દો, યહોવા આપણને શીખવવા માંગે છે કે તેમનાં ધોરણો કેટલાં મહત્ત્વનાં છે! અમુક લોકો એવું માને છે કે મન ફાવે એમ ભગવાનની ભક્તિ કરીએ તો ચાલે, શું ફરક પડે છે! પણ એ તેઓની ભૂલ છે. ખરા-ખોટા માટેનાં ધોરણો નક્કી કરવાનો હક ફક્ત યહોવાને જ છે, કોઈ માણસને નહિ! બીજો મુદ્દો, યહોવાએ મંદિરનું એકદમ બરાબર માપ લેવડાવ્યું. એનાથી તેમણે ખાતરી અપાવી કે તેમની ભક્તિ ચોક્કસ ફરીથી શરૂ થશે. જેમ મંદિરનું માપ એકદમ બરાબર છે એમાં કોઈ શંકા નથી, તેમ યહોવાનાં વચનો પૂરાં થશે એમાં કોઈ શંકા નથી. હઝકિયેલે મંદિરનું બરાબર માપ આપીને પુરાવો આપ્યો કે છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિ ચોક્કસ ફરી શરૂ થશે.
૧૭. મંદિરની ચારે બાજુની દીવાલ પરથી આપણને શું શીખવા મળે છે?
૧૭ ચારે બાજુની દીવાલ. આપણે જોઈ ગયા તેમ, હઝકિયેલે મંદિરના ચારે બાજુના વિસ્તારની દીવાલ જોઈ. એનાથી ખબર પડે છે કે યહોવાને પોતાની ભક્તિ એકદમ શુદ્ધ રાખવા વિશે કેવું લાગે છે. યહોવા પોતાની ભક્તિમાં કોઈ પણ જાતની ભેળસેળ જરાય ચલાવી નહિ લે. તે ચાહે છે કે એ એકદમ શુદ્ધ રહે. (હઝકિયેલ ૪૩:૭-૯ વાંચો.) આજે આપણે પણ એ જ સલાહ પાળીએ છીએ. યહોવાના ભક્તો મહાન બાબેલોનની ગુલામીમાં હતા. સદીઓ પછી, તેઓને એમાંથી આઝાદ કરવામાં આવ્યા. એ પછી ઈસુ ખ્રિસ્તે ૧૯૧૯માં વિશ્વાસુ અને સમજુ ચાકર પસંદ કર્યો. એ સમયથી ઈશ્વરભક્તોએ યહોવાની ભક્તિ એકદમ શુદ્ધ રાખવા રાત-દિવસ એક કર્યા છે. તેઓ બીજા કોઈ પણ ધર્મમાંથી આવતાં રીતરિવાજો, ઉજવણીઓ, તહેવારો અને મૂર્તિપૂજાથી બાર ગાઉ દૂર રહે છે. આપણે યહોવાની ભક્તિ એકદમ શુદ્ધ, પવિત્ર રાખીએ છીએ. એમાં કોઈ જાતની ભેળસેળ ચલાવી લેતા નથી. આપણે વેપાર-ધંધાને લગતાં કોઈ કામ પ્રાર્થનાઘરમાં કરતા નથી. કામની વાત કામે અને ભક્તિની વાત ભક્તિની જગ્યાએ કરીએ છીએ.—માર્ક ૧૧:૧૫, ૧૬.
૧૮, ૧૯. (ક) મંદિરના દર્શનમાં જોયેલા ઊંચા ઊંચા દરવાજા પરથી શું શીખી શકીએ છીએ? (ખ) જો કોઈ આપણને યહોવાના ઊંચા ધોરણોથી ફંટાઈ જવા ઉશ્કેરે તો શું કરીશું? દાખલો આપો.
૧૮ ઊંચા ઊંચા દરવાજા. એ ઊંચા ઊંચા દરવાજા પર વિચાર કરવાથી આપણને શું શીખવા મળે છે? એનો વિચાર કરવાથી યહૂદીઓને ચોક્કસ શીખવા મળ્યું હશે કે યહોવાનાં ધોરણો કેટલાં ઊંચાં છે! આજે આપણે યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ કરીએ છીએ. એટલે આપણે પહેલાં કરતાં વધારે ધ્યાન રાખવું જોઈએ કે આપણાં વાણી-વર્તન શુદ્ધ હોય. આપણે જે કંઈ કરીએ, એમાં ઢોંગ ન હોય. (રોમ. ૧૨:૯; ૧ પિત. ૧:૧૪, ૧૫) છેલ્લા દિવસોમાં યહોવા આપણને તેમનાં ઊંચાં ધોરણો પાળવા વારંવાર યાદ અપાવે છે.c જો કોઈ માણસ પાપ કરીને પસ્તાવો ન કરે, તો મંડળ તેનો બહિષ્કાર કરે છે. (૧ કોરીં. ૫:૧૧-૧૩) ઊંચા ઊંચા દરવાજાની બંને બાજુએ રક્ષકોની ઓરડીઓ હતી. એ આપણને શાની યાદ અપાવે છે? યહોવાની ભક્તિ કરવા તેમના ભવ્ય મંદિરમાં એ જ આવી શકે, જેને યહોવાની મંજૂરી મળી હોય. એ સિવાય કોઈ માણસ એની અંદર પગ પણ નહિ મૂકી શકે. દાખલા તરીકે, કોઈને યહોવા પણ ગમતા હોય અને દુનિયા પણ ગમતી હોય. તેને બંને બાજુ પગ રાખવો હોય. તે પ્રાર્થનાઘરમાં તો આવી શકે છે, પણ તેનાથી યહોવા ખુશ નહિ થાય. તેણે પોતાનાં વાણી-વર્તનમાં સુધારો કરવો પડશે અને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું પડશે. (યાકૂ. ૪:૮) આ દુનિયા નીચ અને અધમ કામોથી ખદબદે છે. પણ એ કેટલું સરસ કહેવાય કે યહોવા પોતાની શુદ્ધ ભક્તિને જરાય અશુદ્ધ થવા દેતા નથી!
૧૯ બાઇબલ બતાવે છે કે છેલ્લા દિવસોમાં આ દુનિયા ખરાબ કામોની ગંદકીમાં ડૂબતી જશે. એમાં લખ્યું છે કે “દુષ્ટ માણસો અને ધુતારાઓ બીજાઓને છેતરીને અને પોતે પણ છેતરાઈને વધારે ને વધારે ખરાબ થતા જશે.” (૨ તિમો. ૩:૧૩) આજે મોટા ભાગના લોકો એવું માનવા લાગ્યા છે કે યહોવાનાં ધોરણો તો ખૂબ ઊંચાં છે. આજે એ પાળવા બહુ મુશ્કેલ છે. અગાઉના જમાનામાં લોકો બધું પાળતા. આજની દુનિયામાં એ બધું કોણ પાળે? એ ધોરણો ખરાં છે કે કેમ, કોને ખબર? શું તમે પણ એવી વાતોમાં આવી જશો? દાખલા તરીકે, લોકો માને છે કે પુરુષ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધે અને સ્ત્રી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે, એમાં કંઈ ખોટું નથી. એ તો ચાલે! એ વિશે યહોવાનો નિયમ સાવ ખોટો છે. શું તમને પણ એવું લાગે છે, કે પછી તમને આપણા ઈશ્વર યહોવા જેવું લાગે છે? તે કહે છે કે એવાં કામો કરનારા તો ‘ખોટાં કામો’ કરે છે. સાવ નીચ અને અધમ કામો કરે છે. યહોવા સાફ સાફ ચેતવણી આપે છે કે આપણે એવાં કામો જરાય ચલાવી ન લઈએ. (રોમ. ૧:૨૪-૨૭, ૩૨) જો કોઈ આપણને યહોવાનાં ઊંચાં ધોરણોથી ફંટાઈ જવા ઉશ્કેરે, તો હઝકિયેલે દર્શનમાં જોયેલા ઊંચા ઊંચા દરવાજાઓ યાદ રાખીએ. આપણે કદી ભૂલીએ નહિ કે દુનિયા ભલે ગમે એ ચલાવી લે, પણ યહોવા એ ચલાવી નહિ લે. તે કદી બદલાતા નથી. તેમનાં ઊંચાં ધોરણો કાયમ ઊંચાં જ રહેશે. એ પાળવામાં જરાય કચાશ આવે તો યહોવા ચલાવી લેતા નથી. શું આપણે આપણા ઈશ્વર યહોવા જે કહે એ માનીશું? શું આપણે તેમના પક્ષે ઊભા રહીને તેમનાં ઊંચાં ધોરણોને વળગી રહીશું?
આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ ત્યારે તેમને ‘સ્તુતિનું અર્પણ’ ચઢાવીએ છીએ
૨૦. હઝકિયેલે દર્શનમાં એવું શું જોયું, જેનાથી ‘મોટા ટોળાનો’ જોશ વધે છે?
૨૦ આંગણું. હઝકિયેલે જોયું કે મંદિરની બહાર એક મોટું આંગણું છે. એ જોઈને તેમને કેટલી ખુશી થઈ હશે! તેમણે મનની આંખોથી જોયું હશે કે એ મોટા આંગણામાં ઘણા બધા લોકો ભેગા મળીને યહોવાની ભક્તિ કરે છે. આજે ઈશ્વરભક્તો એનાથી પણ ભવ્ય મંદિરમાં ભક્તિ કરે છે. તેઓનું “મોટું ટોળું” એ મંદિરની બહારના આંગણામાં ભેગા થઈને ભક્તિ કરે છે. હઝકિયેલે મંદિરના બહારના આંગણામાં એવું કંઈ જોયું, જેનાથી આજે ઈશ્વરભક્તોના મોટા ટોળાનો જોશ વધે છે. (પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪, ૧૫) હઝકિયેલે જોયું કે એ બહારના આંગણામાં એકની બાજુમાં એક એવા ઘણા ભોજનખંડો છે. લોકો જે શાંતિ-અર્પણો ચઢાવતાં હતાં, એમાંનો અમુક ભાગ તેઓ ભોજનખંડોમાં બેસીને ખાઈ શકતા હતા. (હઝકિ. ૪૦:૧૭) એમ કરીને જાણે તેઓ યહોવા સાથે ખાતા હતા. એ બતાવતું હતું કે યહોવા સાથે તેઓનો પાકો સંબંધ છે. આજે આપણે યહૂદીઓની જેમ મૂસાના નિયમ પ્રમાણે અર્પણો ચઢાવતા નથી. આપણે તો ઈશ્વરને સ્તુતિનું અર્પણ ચઢાવીએ છીએ. કેવી રીતે? આપણે સભામાં જવાબો આપીએ છીએ અને પૂરાં દિલથી લોકોને ખુશખબર જણાવીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે યહોવામાં આપણને પૂરી શ્રદ્ધા છે. આ રીતે જાણે આપણે ‘ઈશ્વરને સ્તુતિનું અર્પણ’ ચઢાવીએ છીએ. (હિબ્રૂ. ૧૩:૧૫) એટલું જ નહિ, યહોવા આપણને ભરપૂર રીતે સત્યનું જ્ઞાન આપે છે. એ તો ખોરાક જેવું છે, જેનાથી આપણને તાકાત મળે છે. આપણને પણ કોરાહના દીકરાઓ જેવું લાગે છે: “હજાર દિવસો બીજે વિતાવવા કરતાં, તમારાં આંગણાંમાંનો એક દિવસ વધારે સારો છે!”—ગીત. ૮૪:૧૦.
૨૧. હઝકિયેલે દર્શનમાં જોયેલા યાજકો પાસેથી અભિષિક્ત લોકોને શું શીખવા મળે છે?
૨૧ યાજકો. હઝકિયેલે એવા દરવાજા જોયા, જેમાંથી યાજકો અને લેવીઓ અંદરનાં આંગણામાં જતા હતા. એ દરવાજાનો આકાર કેવો હતો? એનો આકાર એ દરવાજા જેવો હતો, જેમાંથી બીજાં કુળના લોકો બહારના આંગણાની અંદર જતા હતા. એ દરવાજા યાજકોને શું યાદ અપાવતા હતા? એ જ કે યાજકોએ પણ યહોવાની ભક્તિ માટેનાં ધોરણો પાળવા જોઈએ. આજે કોઈ યાજકના કુટુંબમાંથી નથી આવતું. પણ આ માહિતીથી અભિષિક્ત લોકોને ઘણું શીખવા મળે છે. તેઓને કહેવામાં આવે છે કે ‘તમે “પસંદ કરેલી જાતિ, રાજાઓ તરીકે સેવા આપતા યાજકો” છો.’ (૧ પિત. ૨:૯) અગાઉના સમયમાં ઇઝરાયેલના યાજકો એક અલગ આંગણામાં યહોવાની ભક્તિ કરતા હતા. આજે અભિષિક્ત લોકો બીજી કોઈ અલગ જગ્યાએ જઈને ભક્તિ કરતા નથી. પણ બીજા ઈશ્વરભક્તોની સાથે મળીને તેઓ યહોવાની ભક્તિ કરે છે. તેઓ દત્તક લીધેલા દીકરાઓ તરીકે યહોવા સાથે એક ખાસ સંબંધમાં બંધાયેલા છે. (ગલા. ૪:૪-૬) તોપણ તેઓ હઝકિયેલના દર્શનથી મળેલી ચેતવણીને ધ્યાન આપે છે. જેમ કે, તેઓને પણ અગાઉના જમાનાના યાજકોની જેમ પોતાનાં જીવનમાં સુધારો કરવા સલાહની જરૂર પડે છે. યાદ રાખીએ કે આપણે બધા “એક ટોળું” છીએ અને આપણા “એક ઘેટાંપાળક” છે. આપણે તેમના માર્ગદર્શન પ્રમાણે કરીએ છીએ.—યોહાન ૧૦:૧૬ વાંચો.
૨૨, ૨૩. (ક) હઝકિયેલના દર્શનમાં બતાવેલા આગેવાનના દાખલામાંથી આજે વડીલો શું શીખી શકે છે? (ખ) ભાવિમાં શું બની શકે?
૨૨ આગેવાન. હઝકિયેલના દર્શનમાં જણાવેલા આગેવાન યાજકોના કુળના ન હતા, છતાં તેમની પાસે એક ખાસ જવાબદારી હતી. તે કદાચ યાજકોનાં કામકાજમાં મદદ કરતા હતા. તે યહોવાના લોકોનું ધ્યાન રાખતા હતા. લોકો બલિદાનો ચઢાવવા આવે ત્યારે તેઓને મદદ કરતા હતા. (હઝકિ. ૪૪:૨, ૩; ૪૫:૧૬, ૧૭; ૪૬:૨) આજે મંડળમાં જવાબદારી ઉપાડતા ભાઈઓ માટે એ આગેવાનોએ સરસ દાખલો બેસાડ્યો છે. વિશ્વાસુ ચાકરના માર્ગદર્શન પ્રમાણે બધા વડીલો કામ કરે છે, જેમાં સરકીટ નિરીક્ષક પણ આવી જાય છે. (હિબ્રૂ. ૧૩:૧૭) જેમ પહેલાંના જમાનામાં આગેવાન બલિદાનો માટે લોકોની મદદ કરતા હતા, તેમ આજે વડીલો ભાઈ-બહેનોને મદદ કરવા બનતું બધું કરે છે. એના લીધે ભાઈ-બહેનો સભાઓમાં અને ખુશખબર ફેલાવવામાં ઈશ્વરને સ્તુતિનું અર્પણ ચઢાવી શકે છે. (એફે. ૪:૧૧, ૧૨) વડીલો એ વાત પણ ભૂલતા નથી કે યહોવાએ ઇઝરાયેલના એવા આગેવાનોને બરાબર ખખડાવી નાખ્યા, જેઓ પોતાની સત્તાનો ફાયદો ઉઠાવતા હતા. (હઝકિ. ૪૫:૯) એટલે વડીલો એવું વિચારતા નથી કે પોતે તો ક્યારેય ભૂલ નહિ કરે અને ક્યારેય તેઓને સલાહની જરૂર નહિ પડે. પણ જ્યારે યહોવા તેઓને સલાહ આપે છે, ત્યારે તેઓ ખુશી ખુશી એ સ્વીકારે છે. ઘેટાંપાળક અને દેખરેખ રાખનારની જવાબદારી નિભાવવા યહોવા તેઓને મદદ કરે છે ત્યારે તેઓને બહુ ગમે છે.—૧ પિતર ૫:૧-૩ વાંચો.
૨૩ યહોવા જલદી જ ધરતી પર નવી દુનિયા લઈ આવશે. એમાં પણ તે જવાબદાર ભાઈઓની ગોઠવણ કરશે, જેઓ પ્રેમથી આપણી સંભાળ રાખશે. આમ જોવા જઈએ તો, યહોવાના લોકોની સારી રીતે અને પ્રેમથી દેખરેખ રાખવાનું વડીલો હમણાંથી શીખે છે. યહોવા તેઓમાંથી ઘણાને નવી દુનિયામાં પણ એ જવાબદારી આપશે. (ગીત. ૪૫:૧૬) આવા જવાબદાર ભાઈઓ નવી દુનિયામાં પણ આપણને પ્રેમથી સાચવશે, એ વિચારીને આપણે ખુશીથી ઝૂમી ઊઠીએ છીએ. હઝકિયેલના મંદિરના દર્શનમાંથી કેટલું બધું શીખવા મળ્યું! યહોવાની ભક્તિ ફરી શરૂ થશે, એની બીજી ભવિષ્યવાણીઓની સમજણ યહોવા પોતાના યોગ્ય સમયે આપશે. એના અમુક પાસાઓ વિશે વધારે સમજણ કદાચ ભાવિમાં મળે. ભલે એ આપણે હમણાં સમજી શકતા નથી, પણ યોગ્ય સમય આવશે ત્યારે એની વધારે ખબર પડશે.
શુદ્ધ ભક્તિ પર યહોવાનો આશીર્વાદ
૨૪, ૨૫. યહોવા કયા કયા આશીર્વાદો આપશે, એની ઝલક હઝકિયેલના દર્શનમાંથી કઈ રીતે મળે છે?
૨૪ ચાલો આપણે છેલ્લે હઝકિયેલે દર્શનમાં જોયેલા એક ખાસ બનાવને યાદ કરીએ. યહોવા મંદિરમાં આવે છે! ત્યાં આવીને યહોવા પોતાના લોકોને વચન આપે છે કે જ્યાં સુધી તેઓ શુદ્ધ ભક્તિનાં ધોરણો દિલથી પાળતા રહેશે, ત્યાં સુધી યહોવા મંદિરમાં રહેશે. (હઝકિ. ૪૩:૪-૯) એનાથી લોકોને અને દેશને કેવા આશીર્વાદો મળશે?
૨૫ દર્શનની આ ભવિષ્યવાણીમાં યહોવાના આશીર્વાદોની એક ઝલક જોવા મળે છે. એ આ બે રીતે જોઈ શકાય છે: (૧) મંદિરના પવિત્ર સ્થાનમાંથી એક નદી વહે છે. એ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં આશીર્વાદો લાવે છે. એ જમીનને એટલી સારી બનાવે છે કે એમાં પુષ્કળ અનાજ પાકે છે. (૨) દેશની જમીન સરસ રીતે એકસરખા ભાગે વહેંચી આપવામાં આવે છે. દેશની વચ્ચે મંદિર છે. મંદિરની આજુબાજુ ખુલ્લી જગ્યા છે. એ બધાનો આજે શું મતલબ થાય છે? એ બધું સમજવું બહુ મહત્ત્વનું છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યારે યહોવા પોતાના ભવ્ય મંદિરમાં આવી ગયા છે. તેમણે મંદિરને શુદ્ધ કર્યું છે અને એને મંજૂરી આપી છે. (માલા. ૩:૧-૪) એ ભવિષ્યવાણી વિશેની વધારે સમજણ આપણે ૧૯-૨૧ પ્રકરણોમાં મેળવીશું.
a એમ કરીને યહોવા પોતાના લોકોને જણાવવા માંગતા હતા કે પહેલાંની જેમ હવે તેમનું મંદિર અશુદ્ધ નહિ થવા દે. યહોવા જણાવે છે કે પહેલાં શું થતું હતું: “તેઓ પોતાનો (એટલે કે બીજા દેવોનો) ઉંબરો મારા ઉંબરાની બાજુમાં મૂકે છે, તેઓની (એટલે કે બીજા દેવોની) બારસાખ મારી બારસાખની બાજુમાં મૂકે છે. મારી અને તેઓની વચ્ચે ફક્ત એક દીવાલ જ છે. તેઓએ અધમ કામો કરીને મારું પવિત્ર નામ બદનામ કર્યું છે. એટલે મેં ક્રોધે ભરાઈને તેઓનો વિનાશ કર્યો.” (હઝકિ. ૪૩:૮) અગાઉના યરૂશાલેમમાં મંદિર અને લોકોની વચ્ચે ફક્ત એક દીવાલ જ હતી. લોકો યહોવાનાં ધોરણોને ધોઈને પી ગયા. તેઓ નીચ કામો અને મૂર્તિપૂજા કરતા હતા. અરે, તેઓ યહોવાના મંદિરની પાસે જ આવું કરતા હતા, કેમ કે તેઓનાં ઘર મંદિરની પાસે જ હતાં. એ યહોવા જરાય ચલાવી લે એમ ન હતું.
b હઝકિયેલે મંદિરનું દર્શન જોયું હતું. એ દર્શન એવી ભવિષ્યવાણીઓ સાથે જોડાયેલું છે, જે બતાવે છે કે છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં આવશે. દાખલા તરીકે, આ કલમોની ભવિષ્યવાણીઓ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે, એ જુઓ: હઝકિયેલ ૪૩:૧-૯ અને માલાખી ૩:૧-૫; હઝકિયેલ ૪૭:૧-૧૨ અને યોએલ ૩:૧૮.
c ૨૯ની સાલમાં ઈસુએ બાપ્તિસ્મા લીધું અને પ્રમુખ યાજક તરીકેની સેવા શરૂ કરી. એ સમયથી ભવ્ય મંદિરની ગોઠવણની શરૂઆત થઈ. ઈસુના પ્રેરિતોના મરણ પછી યહોવાની ભક્તિને લોકોએ ધ્યાન આપ્યું નહિ. ધીમે ધીમે તેઓ એને ભૂલી ગયા. પછી ખાસ કરીને ૧૯૧૯થી યહોવાની ભક્તિ ફરી જોરશોરથી થવા લાગી.