અભ્યાસ લેખ ૧૨
ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો?
“‘મારી શક્તિથી એ બધું થશે,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”—ઝખા. ૪:૬.
ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે
ઝલકa
૧. યહૂદીઓ માટે કયા ખુશીના સમાચાર હતા?
યહૂદીઓ ઘણાં વર્ષો સુધી બાબેલોનની ગુલામીમાં હતા. યહોવાએ તેઓને છોડાવવા ‘ઈરાનના રાજા કોરેશના દિલમાં ઇચ્છા જગાડી.’ તેણે ઢંઢેરો પિટાવ્યો કે યહૂદીઓ પોતાના વતન પાછા જઈ શકે છે. તેણે હુકમ બહાર પાડ્યો કે યહૂદીઓ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર ફરીથી બાંધે.” (એઝ. ૧:૧, ૩) યહૂદીઓ માટે એ કેટલા ખુશીના સમાચાર હતા! હવે તેઓ યહોવાએ આપેલા દેશમાં પાછા જઈ શકવાના હતા અને તેમની ભક્તિ ફરી શરૂ કરી શકવાના હતા.
૨. પાછા ફર્યા પછી યહૂદીઓએ સૌથી પહેલા શું કર્યું?
૨ યરૂશાલેમ અગાઉ દક્ષિણના રાજ્ય યહૂદાની રાજધાની હતું. ઈસવીસન પૂર્વે ૫૩૭માં યહૂદીઓનો પહેલો સમુહ યરૂશાલેમ પાછો ફર્યો. એ યહૂદીઓએ આવતાની સાથે જ મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. ઈ.સ. પૂર્વે ૫૩૬ સુધીમાં તો તેઓએ મંદિરનો પાયો નાખી દીધો હતો.
૩. યહૂદીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો?
૩ યહૂદીઓએ મંદિર ફરી બાંધવાનું શરૂ કર્યું ત્યારે આસપાસના લોકોએ સખત વિરોધ કર્યો. તેઓ “યહૂદાના લોકોને ધમકાવીને નિરાશ કરવા લાગ્યા, જેથી તેઓ મંદિરનું બાંધકામ પડતું મૂકે.” (એઝ. ૪:૪) એ ઓછું હોય તેમ, બીજી મુશ્કેલીઓ પણ રાહ જોઈ રહી હતી. ઈ.સ. પૂર્વે ૫૨૨માં ઈરાની રાજા આર્તાહશાસ્તાએ રાજ કરવાનું શરૂ કર્યું.b વિરોધીઓએ એ તકનો ફાયદો ઉઠાવ્યો. તેઓએ મંદિરનું બાંધકામ રોકવા ‘કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરી.’ (ગીત. ૯૪:૨૦) તેઓએ પત્ર લખીને આર્તાહશાસ્તા રાજાને ફરિયાદ કરી. એમાં તેઓએ લખ્યું કે યહૂદીઓ રાજાની વિરુદ્ધ બળવો કરવાનું કાવતરું રચે છે. (એઝ. ૪:૧૧-૧૬) રાજાએ તેઓની વાતોમાં આવીને મંદિરના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો. (એઝ. ૪:૧૭-૨૩) એટલે યહૂદીઓએ મંદિર બાંધવાનું કામ બંધ કરવું પડ્યું.—એઝ. ૪:૨૪.
૪. મંદિર બાંધવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે યહોવાએ શું કર્યું? (યશાયા ૫૫:૧૧)
૪ આસપાસના દેશોના લોકો અને અમુક ઈરાની અધિકારીઓએ નક્કી કર્યું હતું કે મંદિરનું બાંધકામ આગળ વધવા નહિ દે. પણ યહોવા ચાહતા હતા કે મંદિરનું બાંધકામ પૂરું થાય અને તે જે ચાહે છે એ હંમેશાં પૂરું કરીને જ રહે છે. (યશાયા ૫૫:૧૧ વાંચો.) યહોવાએ ઝખાર્યાને પ્રબોધક તરીકે પસંદ કર્યા. તેમણે ઝખાર્યાને આઠ જોરદાર દર્શન બતાવ્યાં. ઝખાર્યાએ એ દર્શનો વિશે યહૂદીઓને જણાવવાનું હતું, જેથી તેઓને હિંમત અને ઉત્તેજન મળે. એ દર્શનોની મદદથી યહૂદીઓ સમજી શક્યા કે તેઓએ વિરોધીઓથી ડરવાની જરૂર નથી અને યહોવાએ સોંપેલું કામ ચાલુ રાખવાનું છે. પાંચમા દર્શનમાં ઝખાર્યાએ એક દીવી અને જૈતૂનનાં બે ઝાડ જોયાં. ચાલો એ વિશે જોઈએ.
૫. આ લેખમાં આપણે શું શીખીશું?
૫ આપણે બધા કોઈ વાર નિરાશ થઈ જઈએ છીએ. જેમ કે કોઈ આપણો વિરોધ કરે ત્યારે, સંજોગો બદલાય ત્યારે અથવા સંગઠન તરફથી મળતું માર્ગદર્શન સમજાય નહિ ત્યારે. એવા સમયે યહોવાની વફાદારીથી ભક્તિ કરવા આપણને ક્યાંથી મદદ મળી શકે? ઝખાર્યાના પાંચમા દર્શનથી એ સમયના યહૂદીઓને હિંમત મળી હતી. એવી જ રીતે આપણને પણ એમાંથી હિંમત મળી શકે છે. આ લેખમાં આપણે એ વિશે શીખીશું.
વિરોધ થાય ત્યારે
૬. ઝખાર્યા ૪:૧-૩માં આપેલા દર્શનમાંથી યહૂદીઓને કઈ રીતે હિંમત મળી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૬ ઝખાર્યા ૪:૧-૩ વાંચો. એ દર્શનમાંથી યહૂદીઓને વિરોધનો સામનો કરવા હિંમત મળી. કઈ રીતે? ધ્યાન આપો કે દીવીનું તેલ ક્યારેય ખતમ થતું ન હતું. જૈતૂનનાં બે ઝાડમાંથી તેલ એક વાટકામાં જતું હતું. વાટકામાંથી એ તેલ સાત દીવામાં જતું હતું, એટલે દીવાઓ ક્યારેય હોલવાતા ન હતા. ઝખાર્યાએ પૂછ્યું, “એ બધાનો શો અર્થ છે?” દૂતે જવાબમાં યહોવાનો સંદેશો જણાવ્યો: “‘લશ્કરથી નહિ કે મનુષ્યની તાકાતથી નહિ, પણ મારી શક્તિથી એ બધું થશે,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.” (ઝખા. ૪:૪, ૬) એ ઝાડમાંથી નીકળતું તેલ યહોવાની પવિત્ર શક્તિને રજૂ કરે છે. દર્શનમાં જોયું તેમ એ તેલ ક્યારેય ખતમ થતું ન હતું. એવી જ રીતે યહોવાની પવિત્ર શક્તિ પણ ક્યારેય ખૂટતી નથી. તેમની પવિત્ર શક્તિની સામે ઈરાનનું તાકતવર સૈન્ય કંઈ જ ન હતું. યહૂદીઓની સાથે યહોવા હતા. એ વાતથી તેઓને કેટલી હિંમત મળી હશે! એટલે તેઓએ વિરોધીઓથી ડર્યા વગર સોંપેલું કામ પૂરું કરવાનું હતું. યહૂદીઓએ યહોવા પર પૂરો ભરોસો રાખવાનો હતો અને પાછા કામે લાગી જવાનું હતું. પ્રતિબંધ હોવા છતાં તેઓએ એવું જ કર્યું.
૭. યહૂદીઓને કઈ રીતે રાહત મળી?
૭ એક નવા ફેરફારથી યહૂદીઓને ઘણી રાહત મળી. ઈરાનમાં રાજા દાર્યાવેશ પહેલાએ રાજ કરવાનું શરૂ કર્યું. ઈ.સ. પૂર્વે ૫૨૦માં એટલે કે તેના રાજના બીજા વર્ષે તેને જાણવા મળ્યું કે મંદિરના બાંધકામ પરનો પ્રતિબંધ ગેરકાયદેસર હતો. એટલે તેણે એ કામ પૂરું કરવાનો હુકમ બહાર પાડ્યો. (એઝ. ૬:૧-૩) એ સમાચારથી લોકોને ઘણી નવાઈ લાગી. રાજાએ પરવાનગી આપવાની સાથે સાથે બીજું પણ કંઈક કર્યું. તેણે આસપાસના લોકોને કહ્યું કે તેઓ મંદિરના બાંધકામની આડે ન આવે. તેઓ વિરોધ કરવાને બદલે યહૂદીઓને પૈસા અને જરૂરી વસ્તુઓ આપે. (એઝ. ૬:૭-૧૨) એ પછી પાંચ વર્ષની અંદર જ એટલે કે ઈ.સ. પૂર્વે ૫૧૫માં યહૂદીઓએ મંદિરનું બાંધકામ પૂરું કર્યું.—એઝ. ૬:૧૫.
૮. વિરોધ હોવા છતાં તમે કેમ હિંમત રાખી શકો?
૮ આજે યહોવાના ઘણા સાક્ષીઓ વિરોધનો સામનો કરે છે. દાખલા તરીકે, કેટલાંક ભાઈ-બહેનો એવા દેશોમાં રહે છે જ્યાં આપણા કામ પર અમુક નિયંત્રણ છે. બની શકે કે ત્યાં ભાઈ-બહેનોની ધરપકડ કરીને ‘રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવામાં આવે જેથી તેઓને સાક્ષી મળે.’ (માથ. ૧૦:૧૭, ૧૮) જોકે કોઈ વાર સરકાર બદલાય છે ત્યારે એવાં ભાઈ-બહેનોને રાહત મળે છે. અથવા ન્યાયાધીશ ક્યારેક ભાઈ-બહેનોના પક્ષમાં નિર્ણય લે છે, જેથી તેઓ છૂટથી ભક્તિ કરી શકે. બીજાં કેટલાંક ભાઈ-બહેનો એવા દેશમાં રહે છે, જ્યાં છૂટથી ભક્તિ કરી શકાય છે. પણ તેઓ અલગ પ્રકારના વિરોધનો સામનો કરે છે, જેમ કે કુટુંબના સભ્યો તેઓને યહોવાની ભક્તિ કરતા રોકે છે. (માથ. ૧૦:૩૨-૩૬) પણ તેઓ હિંમત હારતા નથી અને યહોવાની ભક્તિ કરવાનું ચાલુ રાખે છે. એ જોઈને ઘણી વાર વિરોધીઓ હેરાન કરવાનું બંધ કરી દે છે. અમુક કિસ્સામાં તો જેઓનો વિરોધ થયો હતો તેઓ વધારે જોશથી યહોવાની ભક્તિ કરવા લાગ્યા છે. જ્યારે તમે વિરોધનો સામનો કરો ત્યારે નિરાશ ન થતા, પણ હિંમત રાખજો. યહોવા અને તેમની પવિત્ર શક્તિ તમારી સાથે છે. તમારે જરાય ડરવાની જરૂર નથી.
સંજોગો બદલાય ત્યારે
૯. નવા મંદિરનો પાયો નંખાયો ત્યારે અમુક યહૂદીઓ કેમ નિરાશ થયા?
૯ નવા મંદિરનો પાયો નંખાયો ત્યારે અમુક વૃદ્ધ યહૂદીઓ રડી પડ્યા. (એઝ. ૩:૧૨) તેઓએ સુલેમાને બાંધેલું ભવ્ય મંદિર જોયું હતું. તેઓને લાગ્યું કે નવું મંદિર ‘અગાઉની સરખામણીમાં તો કંઈ જ નહિ હોય.’ (હાગ્ગા. ૨:૨, ૩) જૂના અને નવા મંદિર વચ્ચેનો ફરક જોઈને તેઓ નિરાશ થઈ ગયા. પણ ઝખાર્યાના દર્શનથી તેઓને નિરાશામાંથી બહાર આવવા મદદ મળવાની હતી. કઈ રીતે?
૧૦. ઝખાર્યા ૪:૮-૧૦માં નોંધેલા દૂતના શબ્દોથી યહૂદીઓને કઈ રીતે નિરાશામાંથી બહાર આવવા મદદ મળી?
૧૦ ઝખાર્યા ૪:૮-૧૦ વાંચો. દૂતે કહ્યું કે યહૂદીઓ જ્યારે રાજ્યપાલ “ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોશે, ત્યારે તેઓ હરખાશે.” એનો શું અર્થ હતો? ઓળંબો, એક એવું સાધન છે જેનાથી ખબર પડે કે દીવાલ સીધી છે કે નહિ. દૂતની એ વાતથી ઈશ્વરના લોકોને એક વાતની ખાતરી મળી. એ જ કે ભલે અમુકને લાગે કે નવું મંદિર જૂના મંદિર જેટલું ભવ્ય નહિ હોય, પણ એ પૂરું થશે અને યહોવા ચાહે છે એવું જ બનશે. યહોવા પણ એનાથી ખુશ થશે. એટલે યહૂદીઓએ પણ ખુશ થવાનું હતું. યહોવા માટે મહત્ત્વનું એ હતું કે નવા મંદિરમાં તેમની ઇચ્છા પ્રમાણે લોકો તેમની ભક્તિ કરે. યહૂદીઓએ પણ મંદિર પર ધ્યાન આપવાને બદલે એના પર ધ્યાન આપવાનું હતું કે તેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે ભક્તિ કરે અને તેમની કૃપા મેળવે. એનાથી તેઓને ખુશી પાછી મળવાની હતી.
૧૧. અમુક ભાઈ-બહેનો કયા કારણોને લીધે નિરાશ થઈ જાય છે?
૧૧ જીવનમાં સંજોગો બદલાય ત્યારે ઘણાને એ સ્વીકારવું અઘરું લાગે છે. જેમ કે, અમુક ભાઈ-બહેનો વર્ષોથી બેથેલ કે બાંધકામમાં સેવા આપતાં હતાં. હવે તેઓની સોંપણી બદલાઈ છે. બીજાં અમુકને ઉંમરને કારણે મનગમતી સોંપણી છોડવી પડી છે. એવું થાય ત્યારે સમજી શકાય કે આપણે નિરાશ થઈ જઈએ. શરૂઆતમાં એ નિર્ણય આપણને સમજાય નહિ કે આપણને ગમે નહિ. આપણને જૂના દિવસો ઘણા યાદ આવે. આપણને લાગે કે નવા સંજોગોમાં આપણે યહોવા માટે કંઈ વધારે કરી શકતા નથી. એવું વિચારીને આપણે નિરાશ થઈ જઈએ. (નીતિ. ૨૪:૧૦) એવા સમયે યહોવાની સેવામાં બનતું બધું કરવા શું કરી શકીએ? ચાલો ઝખાર્યાના દર્શનમાંથી શીખીએ.
૧૨. સંજોગો બદલાય ત્યારે ઝખાર્યાના દર્શનથી શું શીખી શકીએ?
૧૨ જો આપણે યહોવાની નજરે બાબતોને જોઈશું તો ફેરફાર સ્વીકારવો સહેલો થઈ જશે. યહોવા આજે ઘણાં મોટાં મોટાં કામ કરી રહ્યા છે. તેમની સાથે કામ કરવાનો આપણને અનમોલ લહાવો મળ્યો છે. (૧ કોરીં. ૩:૯) ભલે આપણી સોંપણી બદલાય પણ યહોવાનો પ્રેમ ક્યારેય ઓછો થશે નહિ. સંગઠનનો કોઈ ફેરફાર તમને અસર કરે તો એ ફેરફાર કેમ થયો, એનો બહુ વિચાર કરશો નહિ. યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો જેથી નવા સંજોગોમાં આનંદ જાળવી શકો. “અગાઉના દિવસો” યાદ કરવાને બદલે આજનો વિચાર કરો. (સભા. ૭:૧૦) જે બાબતો કરી શકતા નથી એનો વિચાર કરવાને બદલે, જે કરી શકો છો એનો વિચાર કરો. ઝખાર્યાના દર્શનથી શીખવા મળે છે કે આપણે યોગ્ય વલણ રાખવું જોઈએ. એમ કરીશું તો સંજોગો બદલાય ત્યારે આનંદ જાળવી શકીશું અને યહોવાની વફાદારીથી સેવા કરી શકીશું.
માર્ગદર્શન પ્રમાણે કરવું અઘરું લાગે ત્યારે
૧૩. અમુકને કેમ એવું લાગ્યું હશે કે મંદિરનું બાંધકામ ફરી શરૂ કરવું ખોટું હતું?
૧૩ ઝખાર્યાના દિવસોમાં યહોવાએ પ્રમુખ યાજક યહોશુઆ (યેશૂઆ) અને રાજ્યપાલ ઝરુબ્બાબેલને યહૂદીઓની આગેવાની લેવા પસંદ કર્યા હતા. મંદિરના બાંધકામ પર હજુ પ્રતિબંધ હતો. પણ યહોશુઆ અને ઝરુબ્બાબેલે “ઈશ્વરનું મંદિર ફરીથી બાંધવાનું શરૂ કરી દીધું.” (એઝ. ૫:૧, ૨) અમુક યહૂદીઓને લાગ્યું હશે કે તેઓ જે કરી રહ્યા છે એ ખોટું છે. મંદિરનું બાંધકામ દુશ્મનોથી કંઈ છૂપું રહેવાનું ન હતું. તેઓ બાંધકામ રોકવા કોઈને કોઈ છમકલું તો કરવાના જ હતા. યહોશુઆ અને ઝરુબ્બાબેલને ભરોસાની જરૂર હતી કે યહોવા તેઓની પડખે છે. યહોવાએ તેઓને એ ભરોસો અપાવ્યો. કઈ રીતે?
૧૪. ઝખાર્યા ૪:૧૨, ૧૪ પ્રમાણે શાનાથી યહોશુઆ અને ઝરુબ્બાબેલનો જોશ વધ્યો હશે?
૧૪ ઝખાર્યા ૪:૧૨, ૧૪ વાંચો. દર્શનના આ ભાગમાં દૂતે ઝખાર્યાને જણાવ્યું કે જૈતૂનનાં બે ઝાડ, ‘બે અભિષિક્તોને’ રજૂ કરે છે. એ બે અભિષિક્તો, યહોશુઆ અને ઝરુબ્બાબેલ હતા. દૂતે કહ્યું કે તેઓ તો જાણે “આખી પૃથ્વીના માલિકની [યહોવાની] પાસે ઊભા છે.” એ બતાવતું હતું કે યહોવાને તેઓ પર પૂરો ભરોસો હતો. એનાથી યહોશુઆ અને ઝરુબ્બાબેલનો જોશ વધ્યો હશે. બીજા યહૂદીઓ પણ સમજી ગયા હશે કે તેઓએ આ ભાઈઓ પર ભરોસો કરવાનો હતો અને તેઓની વાત માનવાની હતી.
૧૫. બાઇબલ દ્વારા યહોવા જે માર્ગદર્શન આપે છે એની કદર કરવા શું કરી શકીએ?
૧૫ યહોવા આજે ઘણી રીતે આપણને માર્ગદર્શન આપે છે. એમાંની એક રીત છે બાઇબલ. એ પવિત્ર શાસ્ત્રમાં યહોવાએ જણાવ્યું છે કે આપણે કઈ રીતે તેમની ભક્તિ કરી શકીએ. બાઇબલ તરફથી મળતા માર્ગદર્શન માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ? આપણે એને ધ્યાનથી વાંચીએ અને સમજવા સમય કાઢીએ. આપણે આ સવાલોનો વિચાર કરી શકીએ: ‘શું હું બાઇબલ અને બીજાં સાહિત્ય ઉપર ઉપરથી જ વાંચું છું કે પછી ધ્યાનથી વાંચું છું? શું હું થોડો સમય રોકાઈને એ વિશે મનન કરું છું? બાઇબલની અમુક વાતો “સમજવી અઘરી” લાગે ત્યારે શું હું એ વિશે શોધખોળ કરું છું?’ (૨ પિત. ૩:૧૬) યહોવા જે શીખવે છે એના વિશે વિચારવા સમય કાઢીશું તો, યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરી શકીશું અને સારી રીતે ખુશખબર ફેલાવી શકીશું.—૧ તિમો. ૪:૧૫, ૧૬.
૧૬. “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા મળતું માર્ગદર્શન સમજવું અઘરું લાગે ત્યારે શું કરી શકીએ?
૧૬ યહોવા આજે બીજી એક રીતે પણ આપણને માર્ગદર્શન આપે છે. એ છે “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા. (માથ. ૨૪:૪૫) અમુક વાર ચાકર કદાચ એવું માર્ગદર્શન આપે જે આપણને સમજવું અઘરું લાગે. દાખલા તરીકે, કોઈ કુદરતી આફત આવે એ પહેલાં આપણને તૈયાર રહેવા માર્ગદર્શન મળે. આપણને લાગે કે એ કુદરતી આફત આપણા વિસ્તારમાં થોડી આવવાની છે. અથવા મહામારીના સમયમાં વિશ્વાસુ અને સમજુ ચાકર આપણને સાવચેતી રાખવાનું કહે. એ સમયે આપણને થાય કે તેઓ તો વધારે પડતાં સૂચનો આપે છે. જો કોઈ માર્ગદર્શન આપણા ગળે ન ઉતરે તો શું કરી શકીએ? આપણે યાદ કરીએ કે યહોશુઆ અને ઝરુબ્બાબેલના માર્ગદર્શન પ્રમાણે કરવાથી યહૂદીઓને કેવો ફાયદો થયો હતો. આપણે બાઇબલના બીજા અમુક બનાવોનો પણ વિચાર કરી શકીએ. એનાથી જોવા મળે છે કે અમુક વખતે યહોવાના ભક્તોને એવું માર્ગદર્શન મળ્યું જે માણસોની નજરે અજીબ લાગે. પણ એ પ્રમાણે કરવાથી તેઓનું જીવન બચી ગયું.—ન્યા. ૭:૭; ૮:૧૦.
ઝખાર્યાએ જે જોયું એ જુઓ
૧૭. ઝખાર્યાના પાંચમા દર્શનથી યહૂદીઓને કેવી મદદ મળી?
૧૭ ઝખાર્યાનું પાંચમું દર્શન ઘણું નાનું હતું. પણ એનાથી યહૂદીઓને જોશથી પોતાનું કામ અને ભક્તિ કરવા મદદ મળી. ઝખાર્યાએ જે જોયું એ પ્રમાણે તેઓએ કર્યું. એમાં તેઓ યહોવાનો પ્રેમ અને માર્ગદર્શન જોઈ શક્યા. યહોવાએ તેઓને પોતાની પવિત્ર શક્તિ આપી. એનાથી તેઓ પોતાનાં કામમાં લાગુ રહી શક્યા અને આનંદ જાળવી શક્યા.—એઝ. ૬:૧૬.
૧૮. ઝખાર્યાના દર્શનથી તમને કેવી મદદ મળી શકે?
૧૮ ઝખાર્યાએ દર્શનમાં દીવી અને જૈતૂનનાં બે ઝાડ જોયાં. એ દર્શનથી તમને ઘણી મદદ મળી શકે છે. આપણે જોઈ ગયા કે એ દર્શનથી વિરોધીઓનો હિંમતથી સામનો કરવા, સંજોગો બદલાય ત્યારે આનંદ જાળવી રાખવા, સમજાય નહિ એવું માર્ગદર્શન મળે ત્યારે ભરોસો રાખવા અને એ પ્રમાણે કરવા મદદ મળે છે. જીવનમાં ફેરફાર થાય ત્યારે તમે શું કરી શકો? સૌથી પહેલા ઝખાર્યાએ જે જોયું એ જુઓ. એટલે કે યહોવા પોતાના લોકોની કઈ રીતે કાળજી રાખે છે એનો પુરાવો જુઓ. પછી યહોવા પર ભરોસો રાખો અને પૂરા દિલથી તેમની ભક્તિ કરો. (માથ. ૨૨:૩૭) જો એમ કરશો તો યહોવા તમને ભક્તિમાં હંમેશાં આનંદ જાળવી રાખવા મદદ કરશે.—કોલો. ૧:૧૦, ૧૧.
ગીત ૨૩ યહોવા મારો કિલ્લો
a યહોવાએ ઝખાર્યા પ્રબોધકને ઘણાં જોરદાર દર્શન બતાવ્યાં હતાં. ઝખાર્યાના સમયમાં શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવી સહેલું ન હતું. પણ ઝખાર્યાએ જે જોયું એનાથી તેમને અને બીજા ઈશ્વરભક્તોને ઘણી હિંમત મળી. એ દર્શનોથી આપણને પણ મુશ્કેલીઓમાં યહોવાને વફાદાર રહેવા મદદ મળે છે. આ લેખમાં આપણે ઝખાર્યાએ જોયેલા એક દર્શનની ચર્ચા કરીશું. એ દર્શન દીવી અને જૈતૂનનાં બે ઝાડ વિશે હતું.
b વર્ષો પછી રાજ્યપાલ નહેમ્યાના સમયમાં એક નવો રાજા આવ્યો, જેનું નામ પણ આર્તાહશાસ્તા હતું. તે યહૂદીઓને ઘણી મદદ કરતો હતો.
c ચિત્રની સમજ: એક ભાઈ વિચારે છે કે વધતી ઉંમર અને બીમારી હોવા છતાં કઈ રીતે આનંદ જાળવી શકે.
d ચિત્રની સમજ: એક બહેન વિચારે છે કે જેમ યહોવાએ યહોશુઆ અને ઝરુબ્બાબેલને સાથ આપ્યો હતો, તેમ આજે યહોવા ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ સાથ આપી રહ્યા છે.