પ્રકરણ ૧૧
‘મેં તને ચોકીદાર ઠરાવ્યો છે’
ઝલક: યહોવા એક ચોકીદાર પસંદ કરે છે અને તેમને જવાબદારી સોંપે છે
૧. યહોવાએ પસંદ કરેલા ચોકીદારોએ શું કર્યું હતું? એના પછી કેવા બનાવો બન્યા?
યરૂશાલેમની દીવાલ પર એક ચોકીદાર ઊભો છે. સૂરજ આથમી રહ્યો છે. એનાં તેજ કિરણોથી બચવા તે આંખો ઝીણી કરે છે અને દૂર સુધી નજર દોડાવે છે. અચાનક તે તુરાઈ ઉઠાવે છે, ઊંડો શ્વાસ લે છે અને એ વગાડે છે. તે લોકોને ચેતવણી આપે છે કે શહેર પર એક મોટી આફત આવી રહી છે. બાબેલોનનું લશ્કર ધમધમ કરતું નજીક આવી રહ્યું છે. પણ હવે લોકો પાસે બચવાનો કોઈ રસ્તો નથી, બહુ મોડું થઈ ગયું છે. યહોવાએ પસંદ કરેલા ચોકીદારોએ, એટલે કે પ્રબોધકોએ વર્ષોથી ચેતવણી આપી હતી. પણ લોકોએ તો એ ચેતવણીઓ એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખી. હવે બાબેલોનના સૈનિકોએ ચારે બાજુથી શહેરને ઘેરી લીધું. ઘણા મહિનાઓ સુધી તેઓએ એને ઘેરી રાખ્યું. તેઓ દીવાલ તોડીને અંદર આવી ગયા અને મંદિરને આગ ચાંપી દીધી. તેઓએ ચારે બાજુ કતલ ચલાવી અને ઘણા લોકોને ગુલામ બનાવીને લઈ ગયા. ઇઝરાયેલી લોકોને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. તેઓએ યહોવાનો સહારો લેવાને બદલે મૂર્તિપૂજાનો સહારો લીધો. એટલે જ તેઓની આવી ખરાબ દશા થઈ.
૨, ૩. (ક) જલદી જ દુનિયાના લોકોનું શું થશે? (ખ) આપણે કયા સવાલોના જવાબ જોઈશું?
૨ આજે યહોવાના સ્વર્ગદૂતોની સેના ધરતી પર પૂરઝડપે નાશ કરવા આવે છે. કોનો? જેઓ યહોવા પર શ્રદ્ધા રાખતા નથી તેઓનો. (પ્રકટી. ૧૭:૧૨-૧૪) આ નાશ મોટી વિપત્તિના અંતે થશે. એ દુનિયાના ઇતિહાસની સૌથી મોટી વિપત્તિ હશે. (માથ. ૨૪:૨૧) આજે લોકો પાસે તક છે કે તેઓ યહોવાના ચોકીદારોની ચેતવણી સાંભળે.
૩ યહોવાએ કોને ચોકીદાર તરીકે પસંદ કર્યા? ચોકીદાર કયો સંદેશો જણાવે છે? કોણે કોણે ચોકીદારની જવાબદારી નિભાવી? આજે આપણી શું જવાબદારી છે? ચાલો એના જવાબ જોઈએ.
‘તું તેઓને મારા તરફથી ચેતવણી આપજે’
૪. યહોવાએ ચોકીદારોને કેમ પસંદ કર્યા હતા? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૪ હઝકિયેલ ૩૩:૭ વાંચો. જૂના જમાનામાં ચોકીદારો શહેરની દીવાલો પર ઊભા રહેતા હતા, જેથી લોકોને ખતરાથી બચાવી શકે. તેઓ દીવાલ પર ઊભા હોય, એનો અર્થ થતો કે રાજાને પોતાની પ્રજાની ખૂબ ચિંતા છે. ખરું કે રાતે લોકો ઊંઘતા હોય ત્યારે ચોકીદાર જોરથી રણશિંગડું વગાડતો અને લોકો ઝબકીને જાગી જતા. પણ જ્યારે લોકો ચેતવણી પર ધ્યાન આપતા અને એ પ્રમાણે કરતા, ત્યારે તેઓનો જીવ બચી જતો. એવી જ રીતે, યહોવાએ જે પ્રબોધકોને પસંદ કર્યા હતા, તેઓ ચોકીદારો જેવા જ હતા. યહોવા એ ચોકીદારો દ્વારા એટલે ચેતવણી આપતા ન હતા કે ઇઝરાયેલી લોકો પર ડર છવાઈ જાય. પણ યહોવા તેઓને ચેતવણી આપતા હતા, કેમ કે તેમને પોતાના લોકોની ચિંતા હતી. તે તેઓને બચાવવા માંગતા હતા.
૫, ૬. આપણને યહોવાનો ન્યાય કઈ એક રીતે જોવા મળે છે?
૫ યહોવાએ હઝકિયેલને પણ ચોકીદારની જવાબદારી સોંપી હતી. એ વખતે યહોવાએ હઝકિયેલને જે કીધું, એનાથી યહોવાના ગુણો વિશે જાણવા મળે છે. એ જાણીને આપણી હિંમત વધે છે. ચાલો એમાંના બે ગુણો જોઈએ.
૬ ન્યાય. આપણને યહોવાનો ન્યાય કઈ રીતે જોવા મળે છે? યહોવા આપણી સાથે ભેદભાવ નથી રાખતા. તે બધાને એક જ ત્રાજવામાં નથી તોળતા. દાખલા તરીકે, તેમણે હઝકિયેલને કીધું કે ઇઝરાયેલી લોકોને સંદેશો આપે. પણ મોટા ભાગના લોકોએ સંદેશો સાંભળીને કંઈ કર્યું નહિ. શું યહોવાએ એવું કીધું કે ભલે સૂકા ભેગું લીલું પણ બળે? ના, તે આપણને દરેકને જુએ છે અને આપણાં કામો પ્રમાણે ન્યાય કરે છે. તેમણે હઝકિયેલને વારંવાર એમ કીધું કે “દુષ્ટ માણસ” સાથે વાત કર અને “નેક માણસ” સાથે વાત કર. એ શું બતાવે છે? એ જ કે યહોવા બધાનો એકસાથે નહિ, પણ દરેકનો એક એક કરીને ન્યાય કરે છે. તે જુએ છે કે વ્યક્તિ સંદેશો સાંભળીને શું કરે છે. પછી એનો ન્યાય કરે છે.—હઝકિ. ૩૩:૮, ૧૮-૨૦.
૭. યહોવા લોકોનો ન્યાય કરતી વખતે શું જુએ છે?
૭ યહોવા જે રીતે ન્યાય કરે છે, એનાથી શું જોવા મળે છે? એ જ કે યહોવા કોઈની સાથે અન્યાય કરતા નથી. જો પહેલાં કોઈએ ખરાબ કામો કર્યાં હોય, તો યહોવા એનો હિસાબ રાખતા નથી. યહોવા જુએ છે કે તેને ચેતવણી મળે ત્યારે તે કઈ રીતે વર્તે છે. યહોવાએ હઝકિયેલને કહ્યું: ‘જો હું દુષ્ટ માણસને કહું કે “તું ચોક્કસ મરશે,” પણ તે પોતાના પાપથી પાછો ફરે, જે ખરું છે એ કરે, સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવશે.’ પછી યહોવાએ એક જોરદાર વાત જણાવી: “તેણે કરેલાં કોઈ પણ પાપ તેની વિરુદ્ધ યાદ કરવામાં નહિ આવે.” (હઝકિ. ૩૩:૧૪-૧૬) હવે આનો વિચાર કરો: જેણે પહેલાં સારાં કામો કર્યાં હોય, તેણે એવું ન વિચારવું જોઈએ કે હવે તે મન ફાવે એમ કરી શકે. યહોવાએ કીધું કે “જો તે પોતાનાં નેક કામોમાં ભરોસો મૂકીને કોઈ ખરાબ કામ કરે, તો તેનું કોઈ સારું કામ યાદ રાખવામાં નહિ આવે. પણ તેણે કરેલાં ખોટાં કામોને લીધે તે ચોક્કસ માર્યો જશે.”—હઝકિ. ૩૩:૧૩.
૮. યહોવાનો ન્યાય બીજા શાના પરથી જોવા મળે છે?
૮ યહોવાનો ન્યાય બીજા શાના પરથી જોવા મળે છે? તે હંમેશાં પહેલા ચેતવણી આપે છે, પછી પગલાં ભરે છે. બાબેલોનના લોકો યરૂશાલેમનો નાશ કરવા આવ્યા, એના છ વર્ષ અગાઉથી હઝકિયેલ સંદેશો આપવા લાગ્યા. પણ ઈશ્વરના લોકો પાસેથી હિસાબ લેવાશે એવી ચેતવણી આપનાર હઝકિયેલ પહેલા પ્રબોધક ન હતા. યરૂશાલેમનો નાશ થયો એની એક સદી પહેલાં યહોવાએ હોશિયા, યશાયા, મીખાહ, ઓદેદ અને યર્મિયાને મોકલ્યા, જેથી તેઓ ચોકીદારની જવાબદારી નિભાવે. યહોવાએ યર્મિયા દ્વારા ઇઝરાયેલીઓને આ યાદ અપાવ્યું હતું, “મારા ઠરાવેલા ચોકીદારોએ કહ્યું, ‘રણશિંગડાના અવાજ પર ધ્યાન આપો!’” (યર્મિ. ૬:૧૭) આખરે યહોવાએ સજા ફટકારવા પગલાં ભરવાં પડ્યાં. બાબેલોનીઓ આવ્યા અને ઘણા લોકોની કતલ કરી. એ માટે યહોવાને કે પ્રબોધકોને જવાબદાર ગણી ન શકાય.
૯. યહોવાનો અતૂટ પ્રેમ શાના પરથી દેખાઈ આવે છે?
૯ પ્રેમ. યહોવા અતૂટ પ્રેમના સાગર છે. એ શાના પરથી દેખાય આવે છે? તેમણે સારા લોકોની સાથે સાથે દુષ્ટ લોકોને ચેતવણી આપવા પણ ચોકીદારો મોકલ્યા. યહોવાએ એવું ન વિચાર્યું કે મારે શું, ભલેને મરતા! એ ખરાબ લોકોએ નીચ કામો કરીને યહોવાનું નામ બદનામ કર્યું હતું. ઇઝરાયેલીઓ તો યહોવાના લોકો હતા. તોપણ તેઓ બીજા દેવોને ભજવા લાગ્યા અને યહોવાને બેવફા બન્યા. એનાથી યહોવાના દિલના ટુકડે-ટુકડા થઈ ગયા હશે! તેમને એવા પતિ જેવું લાગ્યું હશે, જેની પત્ની બેવફા બની ગઈ હોય. (હઝકિ. ૧૬:૩૨) પણ યહોવા તો દરિયાદિલ છે. તેમણે એ દુષ્ટ લોકોને ત્યજી ન દીધા. તેમણે તેઓને તરત જ સજા ન કરી. યહોવાએ તો એ લોકો સાથે સુલેહ-શાંતિ કરવાની કોશિશ કરી. તોપણ એ લોકોના પેટનું પાણી હાલ્યું નહિ. આખરે તેમણે તેઓને આકરી સજા કરવી પડી. યહોવાએ કીધું: “દુષ્ટ માણસના મોતથી મને જરાય ખુશી થતી નથી. પણ તે દુષ્ટ કામો છોડીને જીવતો રહે તો મને ઘણી ખુશી થાય છે.” (હઝકિ. ૩૩:૧૧) એ સમયની જેમ આજે પણ યહોવા ચાહે છે કે દુષ્ટ લોકો તેમની વાત માને અને સુધરે.—માલા. ૩:૬.
૧૦, ૧૧. યહોવા ઇઝરાયેલી લોકો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી શું શીખી શકીએ?
૧૦ યહોવા ઇઝરાયેલીઓ સાથે પ્રેમથી વર્ત્યા. તેમણે તેઓને કોઈ અન્યાય ન કર્યો. એના પરથી આપણે શું શીખીએ છીએ? એક તો એ કે ખુશખબર જણાવતી વખતે આપણે બધાને એકસરખા ગણી લેવા ન જોઈએ. પણ દરેકનો એક એક કરીને વિચાર કરવો જોઈએ. માનો કે કોઈએ કંઈ ખોટું કામ કર્યું હોય, અથવા તો તે કોઈ બીજી નાત-જાતના, બીજા દેશના કે બીજી ભાષાના હોય કે પછી તે અમીર કે ગરીબ હોય. એ જોઈને આપણે ખુશખબર જણાવતી વખતે એવું નહિ વિચારીએ કે રહેવા દો, એ તો નહિ સાંભળે. યહોવાએ પ્રેરિત પિતરને જે શીખવ્યું, એ આપણે પણ યાદ રાખીએ: “ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રે.કા. ૧૦:૩૪, ૩૫.
૧૧ બીજું કે આપણે ધ્યાન આપવું જોઈએ કે આપણા વિચારો કેવા છે. શું આપણે એવું વિચારીએ છીએ કે પહેલાં તો મેં બહુ સારાં કામ કર્યાં છે. આટલી નાની ભૂલ તો ચાલે હવે! યાદ રાખીએ કે જેઓને ખુશખબર જણાવીએ છીએ, તેઓના જેવી જ ખામીઓ આપણી અંદર પણ છે. પ્રેરિત પાઉલે કોરીંથના ભાઈ-બહેનોને જે સલાહ આપી હતી, એ આપણા માટે પણ છે: “જેને લાગે છે કે પોતે સ્થિર ઊભો છે, તે ધ્યાન રાખે કે પોતે પડે નહિ. તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા લોકો પર આવે છે.” (૧ કોરીં. ૧૦:૧૨, ૧૩) આપણે “પોતાનાં નેક કામોમાં ભરોસો” ન મૂકીએ. આપણે એવા વહેમમાં ન રહીએ કે આપણે સારાં કામો તો કર્યાં છે ને! એટલે એક બે ખોટાં કામો કરી લઈએ તો ચાલે, સજા નહિ મળે! (હઝકિ. ૩૩:૧૩) ભલે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તોપણ આપણે નમ્ર રહેવું જોઈએ અને યહોવાની આજ્ઞા પાળવી જોઈએ.
૧૨. જો અગાઉ આપણે કોઈ મોટી ભૂલ કરી હોય તો શું યાદ રાખવું જોઈએ?
૧૨ વિચાર કરો કે અગાઉ આપણાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ હોય. પણ હવે આપણને એનો બહુ પસ્તાવો થાય છે. એવા સમયે શું યાદ રાખવું જોઈએ? હઝકિયેલના સંદેશાથી આપણને શીખવા મળે છે કે યહોવા ફક્ત તેઓને જ સજા કરે છે, જેઓ પસ્તાવો નથી કરતા. સૌથી પહેલા તો યહોવા પ્રેમના સાગર છે. તે બદલો વાળનાર ભગવાન નથી. (૧ યોહા. ૪:૮) જો આપણે દિલથી પસ્તાવો કરીએ અને એ પ્રમાણે જીવીએ, તો શું ન વિચારવું જોઈએ? એમ ન વિચારીએ કે આપણે દયાને લાયક નથી અથવા હવે યહોવા માફ નહિ કરે. (યાકૂ. ૫:૧૪, ૧૫) યહોવા બેવફા ઇઝરાયેલીઓને માફ કરવા તૈયાર હતા. તે આપણને પણ માફ કરવા તૈયાર છે.—ગીત. ૮૬:૫.
“તારા લોકોના દીકરાઓ સાથે વાત કર”
૧૩, ૧૪. (ક) યહોવાના ચોકીદારો કેવો સંદેશો આપતા હતા? (ખ) યશાયાએ કયો સંદેશો જણાવ્યો?
૧૩ હઝકિયેલ ૩૩:૨, ૩ વાંચો. યહોવાના ચોકીદારો કેવો સંદેશો આપતા હતા? મોટા ભાગે તેઓ ચેતવણી આપતા હતા. તેઓ ખુશખબર પણ સંભળાવતા હતા. ચાલો અમુક દાખલા જોઈએ.
૧૪ યશાયાએ આશરે ઈ.સ. પૂર્વે ૭૭૮થી ૭૩૨ સુધી પ્રબોધક તરીકે કામ કર્યું. તેમણે યરૂશાલેમના લોકોને ચેતવણી આપી કે બાબેલોનીઓ યરૂશાલેમને પચાવી પાડશે. તેઓ યરૂશાલેમના લોકોને ગુલામ બનાવીને લઈ જશે. (યશા. ૩૯:૫-૭) યશાયાએ નાશની ચેતવણી આપી. સાથે સાથે તેમણે આ ખુશખબર પણ જણાવી: “સાંભળ! તારા ચોકીદારો મોટેથી પોકારે છે. તેઓ એકરાગે ખુશીથી પોકારી ઊઠે છે. તેઓ સાફ જોઈ શકશે કે યહોવા સિયોનના લોકોને પાછા લાવે છે.” (યશા. ૫૨:૮) યહોવાની ભક્તિ પહેલાંની જેમ ફરીથી શરૂ થશે. શું એનાથી કોઈ મોટી ખુશખબર હોય શકે!
૧૫. યર્મિયાએ કયો સંદેશો આપ્યો?
૧૫ યર્મિયાએ ઈ.સ. પૂર્વે ૬૪૭થી ૫૮૦ સુધી પ્રબોધક તરીકે સેવા આપી. તેમને “આફતો, આફતો અને આફતો કહેનાર” તરીકે ઓળખવામાં આવતા. પણ એ સાચું ન હતું. ખરું કે તેમણે ઇઝરાયેલી લોકોને ચેતવણી આપી હતી કે જો તેઓ દુષ્ટ કામો કરતા રહેશે, તો યહોવા તેઓ પર આફતો લાવશે.a સાથે સાથે તેમણે ખુશખબર પણ જણાવી હતી. તેમણે કહ્યું કે યહોવાના લોકો ગુલામીમાંથી પોતાના વતન પાછા આવશે. ત્યાં તેઓ યહોવાની ભક્તિ ફરી શરૂ કરશે!—યર્મિ. ૨૯:૧૦-૧૪; ૩૩:૧૦, ૧૧.
૧૬. ગુલામીમાં ગયેલા લોકોને હઝકિયેલના સંદેશાથી કઈ રીતે હિંમત મળી?
૧૬ ઈ.સ. પૂર્વે ૬૧૩માં હઝકિયેલને ચોકીદારની જવાબદારી મળી હતી. આશરે ઈ.સ. પૂર્વે ૫૯૧ સુધી તેમણે એ કામ કર્યું. આ પુસ્તકનાં પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાં આપણે જોયું તેમ, હઝકિયેલે ઇઝરાયેલીઓને વારંવાર ચેતવણી આપી કે તેઓનો નાશ થઈ જશે. જે લોકોનો નાશ થયો, તેઓના લોહીનો દોષ હઝકિયેલના માથે ન આવ્યો. ગુલામીમાં રહેતા યહૂદીઓને હઝકિયેલે જણાવ્યું કે યરૂશાલેમમાં રહેતા બંડખોર ઇઝરાયેલીઓને યહોવા સજા કરશે. હઝકિયેલે ફક્ત ચેતવણીઓ જ ન આપી, તેમણે ખુશખબર પણ જણાવી. યહોવા સાથેનો સંબંધ વધારે મજબૂત કરવા હઝકિયેલે લોકોને મદદ કરી. આ રીતે તેઓ યહોવાએ સોંપેલું કામ કરવા તૈયાર થઈ શક્યા. હઝકિયેલના સંદેશાથી તેઓને ખબર પડી કે ૭૦ વર્ષની ગુલામી પછી, યહોવા તેઓને વતનમાં પાછા લાવશે. તે તેઓને સુખ-શાંતિ આપશે. (હઝકિ. ૩૬:૭-૧૧) એ બચી ગયેલા લોકો કોણ હશે? હઝકિયેલનો સંદેશો સાંભળીને એ પ્રમાણે જીવનારા લોકોનાં બાળકો અને તેઓનાં બાળકોનાં પણ બાળકો. આ પુસ્તકનો ભાગ ૩ બતાવે છે તેમ, હઝકિયેલ પાસે લોકો માટે એકદમ જોરદાર ખુશખબર હતી. તેમણે જણાવ્યું કે યરૂશાલેમમાં યહોવાની ભક્તિ ફરી થશે!
૧૭. યહોવાએ કયા સમયે ચોકીદારો પસંદ કર્યા?
૧૭ ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો. એ પહેલાં યહોવાએ એ પ્રબોધકોને ચોકીદારો તરીકે પસંદ કર્યા. એ સિવાય પણ બીજા અમુક ચોકીદારો હતા. યહોવાની ઇચ્છા પૂરી થાય એ માટે જ્યારે જ્યારે કોઈ નવો બનાવ બનવાનો હોય, ત્યારે ત્યારે યહોવાએ અમુક ચોકીદારો પસંદ કર્યા છે. એટલા માટે કે તેઓ દુષ્ટ લોકોને ચેતવણી આપે અને સારા લોકોને ખુશખબર સંભળાવે.
પહેલી સદીના ચોકીદારો
૧૮. બાપ્તિસ્મા આપનાર યોહાને શું કર્યું?
૧૮ પહેલી સદીમાં બાપ્તિસ્મા આપનાર યોહાને ચોકીદાર તરીકેની જવાબદારી નિભાવી. તેમણે ઇઝરાયેલીઓને ચેતવણી આપી કે જલદી જ યહોવા તેઓને તરછોડી દેશે. (માથ. ૩:૧, ૨, ૯-૧૧) તેમણે ફક્ત ચેતવણી જ ન આપી, બીજું કંઈક પણ કર્યું. ઈસુએ કહ્યું કે યોહાન ભવિષ્યવાણીઓમાં જણાવેલા “સંદેશવાહક” હતા. તેમણે ઈસુ ખ્રિસ્ત માટે રસ્તો તૈયાર કર્યો. (માલા. ૩:૧; માથ. ૧૧:૭-૧૦) તેમણે ખુશખબર જણાવી કે ઈસુ આવી ગયા છે, જે “ઈશ્વરનું ઘેટું” છે. તે “દુનિયાનું પાપ” દૂર કરશે.—યોહા. ૧:૨૯, ૩૦.
૧૯, ૨૦. ઈસુ અને તેમના શિષ્યોએ કઈ રીતે ચોકીદારોની જવાબદારી નિભાવી?
૧૯ યહોવાએ પસંદ કરેલા ચોકીદારોમાં ઈસુ મુખ્ય હતા. હઝકિયેલની જેમ ઈસુને યહોવાએ ‘ઇઝરાયેલના ઘરના’ લોકો પાસે મોકલ્યા હતા. (હઝકિ. ૩:૧૭; માથ. ૧૫:૨૪) ઈસુએ તેઓને ચેતવણી આપી કે જલદી જ યહોવા તેઓને તરછોડી દેશે. યરૂશાલેમ ખતમ થઈ જશે. (માથ. ૨૩:૩૭, ૩૮; ૨૪:૧, ૨; લૂક ૨૧:૨૦-૨૪) પણ તેમનું મુખ્ય કામ તો ખુશખબર જણાવવાનું હતું.—લૂક ૪:૧૭-૨૧.
૨૦ ઈસુના શિષ્યોએ પણ તેમની જેમ ચોકીદારોનું કામ કર્યું હતું. આપણે એવું શાના પરથી કહીએ છીએ? ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી કે “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨) તેઓએ ઈસુની આજ્ઞા માની. તેઓએ લોકોને જણાવ્યું કે યહોવાએ ઇઝરાયેલી પ્રજા અને યરૂશાલેમને તરછોડી દીધાં છે. (રોમ. ૯:૬-૮; ગલા. ૪:૨૫, ૨૬) અગાઉના ચોકીદારોની જેમ ઈસુના શિષ્યોએ ખુશખબર પણ જણાવી. એમાંની એક ખુશખબર બીજી પ્રજાના લોકો વિશે હતી. તેઓને ઈશ્વરના ઇઝરાયેલ, એટલે કે અભિષિક્ત લોકોમાંના એક બનવાનો મોકો મળશે. તેઓ ઈસુને શુદ્ધ ભક્તિ શરૂ કરવામાં મદદ કરશે.—પ્રે.કા. ૧૫:૧૪; ગલા. ૬:૧૫, ૧૬; પ્રકટી. ૫:૯, ૧૦.
૨૧. પાઉલે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
૨૧ પહેલી સદીના ચોકીદારોમાંથી એક પ્રેરિત પાઉલ હતા. તેમણે ચોકીદારની જવાબદારી એકદમ સરસ રીતે નિભાવી. આ રીતે તેમણે સારો દાખલો બેસાડ્યો. પાઉલ પણ હઝકિયેલની જેમ કઈ વાત યાદ રાખતા હતા? એ જ કે જો તે પોતાની જવાબદારી સારી રીતે નહિ નિભાવે, તો લોકોના લોહીનો દોષ તેમના માથે આવશે. (પ્રે.કા. ૨૦:૨૬, ૨૭) બીજા ચોકીદારોની જેમ પાઉલે લોકોને ચેતવણી જ નહિ, ખુશખબર પણ આપી. (પ્રે.કા. ૧૫:૩૫; રોમ. ૧:૧-૪) તેમણે પવિત્ર શક્તિની મદદથી યશાયાની ભવિષ્યવાણીના આ શબ્દો જણાવ્યા, “ખુશખબર લાવનારનાં પગલાં કેવાં સુંદર લાગે છે!” તેમણે કીધું કે ઈસુના શિષ્યો એ ભવિષ્યવાણી પ્રમાણે કરે છે, કેમ કે તેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે છે.—યશા. ૫૨:૭, ૮; રોમ. ૧૦:૧૩-૧૫.
૨૨. બધા પ્રેરિતોનાં મરણ પછી શું થયું?
૨૨ બધા પ્રેરિતોનાં મરણ પછી શું થયું? અગાઉથી જણાવ્યું હતું તેમ ઈશ્વર-વિરોધી લોકો વધવા લાગ્યા. મંડળ પર તેઓની ભારે અસર પડી. (પ્રે.કા. ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સા. ૨:૩-૮) લાંબા સમય સુધી જંગલી છોડ, એટલે કે ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા લોકો વધતા ગયા. તેઓની સંખ્યા એટલી વધી ગઈ કે ઘઉં, એટલે કે ઈસુના વફાદાર શિષ્યોની સંખ્યા સાવ ઓછી લાગવા લાગી. ઈશ્વરના રાજ્યની ખુશખબર પર માનો ખોટા શિક્ષણનાં કાળાં વાદળ છવાઈ ગયાં. (માથ. ૧૩:૩૬-૪૩) આખરે યહોવાનો પગલાં ભરવાનો સમય આવી ગયો. પણ તેમણે સાબિત કર્યું કે તે પ્રેમના સાગર છે. તે અદ્દલ ઇન્સાફ કરે છે. એટલે તેમણે ચોકીદારોને પસંદ કર્યા. તેમણે તેઓને જણાવ્યું કે લોકોને ચેતવણી આપે અને ખુશખબર જણાવે. એ ચોકીદારો કોણ હતા?
યહોવાએ દુષ્ટ લોકોને ચેતવણી આપવા ફરીથી ચોકીદારો પસંદ કર્યા
૨૩. ભાઈ રસેલ અને તેમની સાથેના ભાઈઓએ કઈ જવાબદારી નિભાવી?
૨૩ ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલ અને તેમની સાથેના ભાઈઓએ ૧૯૧૪ પહેલાંના વર્ષોમાં “સંદેશવાહક” તરીકે જવાબદારી નિભાવી. ખ્રિસ્તનું રાજ શરૂ થાય એ પહેલાં તેઓએ ‘રસ્તો તૈયાર કર્યો.’b (માલા. ૩:૧) તેઓએ સાથે મળીને ચોકીદારની જવાબદારી નિભાવી. તેઓએ ચોકીબુરજ મૅગેઝિન દ્વારા લોકોને યહોવાના ન્યાય વિશેની ચેતવણી આપી. તેઓએ ઈશ્વરના રાજ્યની ખુશખબર પણ જણાવી. ચોકીબુરજ અગાઉ ઝાયન્સ વૉચ ટાવર એન્ડ હેરલ્ડ ઑફ ક્રાઇસ્ટ્સ પ્રેઝન્સ નામથી ઓળખાતું હતું.
૨૪. (ક) વિશ્વાસુ ચાકર કઈ રીતે એક ચોકીદાર જેવા છે? (ખ) પહેલાંના ચોકીદારો પાસેથી આપણે શું શીખી શકીએ? (“અમુક ચોકીદારો” ચાર્ટ જુઓ.)
૨૪ ઈશ્વરનું રાજ શરૂ થયું એના પછી ઈસુએ અમુક ભાઈઓને વિશ્વાસુ ચાકર તરીકે પસંદ કર્યા. (માથ. ૨૪:૪૫-૪૭) વિશ્વાસુ ચાકર ચોકીદારની જવાબદારી નિભાવે છે. એ ચાકરને નિયામક જૂથ કહેવામાં આવે છે. એ ચાકર ‘યહોવાની કૃપાના વર્ષ’ વિશે ખુશખબર જણાવવામાં અને ‘વેરના દિવસ’ વિશે ચેતવણી આપવામાં આગેવાની લે છે.—યશા. ૬૧:૨; ૨ કોરીંથીઓ ૬:૧, ૨ પણ જુઓ.
૨૫, ૨૬. (ક) ઈસુના બધા શિષ્યોએ કઈ આજ્ઞા પાળવી જોઈએ? (ખ) એ આજ્ઞા પાળવા તેઓ શું કરે છે? (ગ) હવે પછીના પ્રકરણમાં આપણે શું જોઈશું?
૨૫ વિશ્વાસુ ચાકર ચોકીદાર તરીકેની જવાબદારી ઉપાડવામાં આગેવાની લે છે. પણ ઈસુએ પોતાના પગલે ચાલનારા “બધાને” ‘જાગતા રહેવાની’ આજ્ઞા આપી હતી. (માર્ક ૧૩:૩૩-૩૭) આપણે યહોવાની ભક્તિ કરતા રહીને જાગતા રહીએ છીએ. આજે ચોકીદાર તરીકેની જવાબદારી નિભાવતા ભાઈઓને પૂરો સાથ-સહકાર આપીએ છીએ. આપણે પૂરા જોશથી ખુશખબર ફેલાવીને આપણી જવાબદારી નિભાવીએ છીએ. આ રીતે સાબિત કરીએ છીએ કે આપણે જાગતા રહીએ છીએ. (૨ તિમો. ૪:૨) શાના લીધે આપણામાં એમ કરવાની તમન્ના જાગે છે? એક તો એ કે એમાં લોકોનાં જીવન-મરણનો સવાલ છે. આપણે લોકોનું જીવન બચાવવા માંગીએ છીએ. (૧ તિમો. ૪:૧૬) ચોકીદારની ફરજ બજાવતા ભાઈઓનું જેઓ નહિ સાંભળે, તેઓનું જલદી જ શું થશે? અફસોસ કે તેઓ પોતાના જીવનથી હાથ ધોઈ બેસશે! (હઝકિ. ૩:૧૯) પણ આપણો ખાસ મકસદ તો ખુશખબર જણાવવાનો છે. એ કઈ ખુશખબર છે? એ જ કે યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ છે! હમણાં “યહોવાની કૃપાનું વર્ષ” છે. યહોવા પ્રેમના સાગર છે. તે એવા ન્યાયાધીશ છે, જે હંમેશાં અદ્દલ ઇન્સાફ કરે છે. તેમણે લાખો લોકો માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે કે તેઓ આવે અને આપણી સાથે યહોવાની ભક્તિ કરે. જલદી જ આ દુષ્ટ દુનિયાનો નાશ થશે. યહોવાના દીકરા ઈસુ આ ધરતી પર રાજ કરશે. દુષ્ટ દુનિયાના નાશમાંથી બચી ગયેલા લોકો તેમના રાજમાં સુખચેનથી જીવશે. તેઓ પર ઈસુની મહેરબાની હશે. ચોકીદાર તરીકેની જવાબદારી નિભાવતા ભાઈઓ આ ખુશખબર દુનિયાના ખૂણે ખૂણે ફેલાવે છે. ચાલો આપણે તેઓને સાથ આપવામાં કોઈ કસર બાકી ન રાખીએ.—માથ. ૨૪:૧૪.
૨૬ જલદી જ આ દુનિયાનો અંત આવશે. એ પહેલાં યહોવાએ આખી દુનિયામાં રહેતા પોતાના લોકોને સંપની માળામાં પરોવી રાખ્યા છે. તેઓ બધા એક થઈને રહે છે. ખરેખર એ કેટલો મોટો ચમત્કાર છે! એ કઈ રીતે બન્યું? યહોવાએ ભવિષ્યવાણી દ્વારા એ સમજાવ્યું. એ ભવિષ્યવાણી બે લાકડીઓ વિશે છે. હવે પછીના પ્રકરણમાં એ વિશે જોઈશું.
a યર્મિયાના પુસ્તકમાં “આફત” શબ્દ આશરે ૭૦ વખત આવે છે.
b આ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી, એ જાણવા માટે પરમેશ્વર કા રાજ હુકૂમત કર રહા હૈ! પુસ્તકનું પ્રકરણ ૨ જુઓ. એનો વિષય છે, “સ્વર્ગ મેં રાજ કી શુરુઆત.”