હઝકિયેલ
૩૩ યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારા લોકોના દીકરાઓ સાથે વાત કર+ અને કહે:
“‘માનો કે હું કોઈ દેશ પર હુમલો કરવા તલવાર લઈ આવું+ અને એ દેશના બધા લોકો એક માણસને પસંદ કરીને તેને ચોકીદાર બનાવે. ૩ ચોકીદાર દુશ્મનોને આવતા જુએ અને લોકોને ચેતવણી આપવા રણશિંગડું વગાડે.+ ૪ જો કોઈ માણસ રણશિંગડાનો અવાજ સાંભળે, પણ એની ચેતવણી ન માને+ અને દુશ્મનો આવીને તેને મારી નાખે, તો તેનું લોહી તેના માથે.+ ૫ એ માણસે રણશિંગડાનો અવાજ તો સાંભળ્યો, પણ એની ચેતવણી ન માની. તેનું લોહી તેના માથે આવશે. તેણે ચેતવણી માની હોત તો તેનો જીવ બચી ગયો હોત.
૬ “‘માનો કે ચોકીદાર દુશ્મનોને આવતા જુએ, પણ ચેતવણી આપવા રણશિંગડું ન વગાડે+ અને લોકોને કોઈ ચેતવણી ન મળે. જો દુશ્મનો આવીને કોઈનો જીવ લે, તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે. પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.’*+
૭ “હે માણસના દીકરા, મેં તને ઇઝરાયેલીઓ પર ચોકીદાર ઠરાવ્યો છે. તું મારી વાણી સાંભળે કે તરત તેઓને મારા તરફથી ચેતવણી આપજે.+ ૮ હું કોઈ દુષ્ટને કહું કે ‘ઓ દુષ્ટ માણસ, તું ચોક્કસ મરશે!’+ પણ જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી ન આપે, તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે.+ પણ તેના લોહીનો બદલો હું તારી પાસેથી માંગીશ. ૯ જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી આપે અને તે પોતાનાં દુષ્ટ કામો ન છોડે, તો પોતાના ગુનાને લીધે તે માર્યો જશે.+ પણ તું તારો જીવ ચોક્કસ બચાવશે.+
૧૦ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકોને કહે, ‘તમે કહો છો: “અમારાં માથે બંડ અને પાપોનો બોજ છે. અમે ઝૂરી ઝૂરીને મરીએ છીએ.+ તો પછી અમે કઈ રીતે જીવીશું?”’+ ૧૧ તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે દુષ્ટ માણસના મોતથી મને જરાય ખુશી થતી નથી.+ પણ તે દુષ્ટ કામો છોડીને+ જીવતો રહે+ તો મને ઘણી ખુશી થાય છે. હે ઇઝરાયેલના લોકો, પાછા ફરો, તમારાં ખરાબ કામોમાંથી પાછા ફરો!+ તમે શું કામ મરવા માંગો છો?”’+
૧૨ “હે માણસના દીકરા, તારા લોકોના દીકરાઓને કહે, ‘જો નેક માણસ બંડ પોકારે તો તેનાં સારાં કામો તેને બચાવશે નહિ.+ જો દુષ્ટ માણસ પોતાનાં કામોથી પાછો ફરે, તો તેનાં દુષ્ટ કામો તેની પડતી લાવશે નહિ.*+ જો નેક માણસ પાપ કરે, તો એ દિવસે તેનાં સારાં કામો તેને જીવતો રાખી શકશે નહિ.+ ૧૩ હું કોઈ નેક માણસને કહું કે “તું ચોક્કસ જીવશે!” પણ જો તે પોતાનાં નેક કામોમાં ભરોસો મૂકીને કોઈ ખરાબ કામ* કરે,+ તો તેનું કોઈ સારું કામ યાદ રાખવામાં નહિ આવે. પણ તેણે કરેલાં ખોટાં કામોને લીધે તે ચોક્કસ માર્યો જશે.+
૧૪ “‘જો હું દુષ્ટ માણસને કહું કે “તું ચોક્કસ મરશે,” પણ તે પોતાના પાપથી પાછો ફરે, જે ખરું છે એ કરે, સચ્ચાઈથી વર્તે,+ ૧૫ ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે,+ લૂંટી લીધેલું પાછું ચૂકતે કરે+ અને ખોટાં કામો ન કરે, પણ જીવનના નિયમો પ્રમાણે ચાલે, તો તે ચોક્કસ જીવશે.+ તે માર્યો નહિ જાય. ૧૬ તેણે કરેલાં કોઈ પણ પાપ તેની વિરુદ્ધ યાદ કરવામાં* નહિ આવે.+ તે જે ખરું છે એ કરે છે અને સચ્ચાઈથી વર્તે છે, એટલે તે ચોક્કસ જીવતો રહેશે.’+
૧૭ “તારા લોકોએ કહ્યું છે કે ‘યહોવા તો અન્યાય કરે છે!’ પણ હકીકતમાં તો તેઓ પોતે અન્યાય કરે છે.
૧૮ “જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે, તો તે ચોક્કસ માર્યો જશે.+ ૧૯ પણ જો કોઈ દુષ્ટ માણસ દુષ્ટ કામોથી પાછો ફરે, જે ખરું છે એ જ કરે અને સચ્ચાઈથી વર્તે, તો એમ કરવાને લીધે તે ચોક્કસ જીવતો રહેશે.+
૨૦ “તમે કહો છો કે ‘યહોવા તો અન્યાય કરે છે!’+ હે ઇઝરાયેલના લોકો, હું તમને દરેકને તમારાં કામોનો બદલો આપીશ.”
૨૧ આખરે અમારી ગુલામીના ૧૨મા વર્ષે, દસમા મહિનાના પાંચમા દિવસે યરૂશાલેમથી નાસી છૂટીને એક માણસ મારી પાસે આવ્યો+ અને કહ્યું: “શહેરનો વિનાશ થયો છે!”+
૨૨ હવે નાસી છૂટેલો માણસ જે સવારે મારી પાસે આવ્યો હતો, એ અગાઉની સાંજે યહોવાની શક્તિ* મારા પર આવી હતી. તેમણે મારી જીભ છૂટી કરી હતી. એટલે હું મૂંગો રહ્યો નહિ+ અને ફરીથી બોલવા લાગ્યો.
૨૩ પછી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૪ “હે માણસના દીકરા, એ ખંડેરોમાં રહેનારા લોકો+ ઇઝરાયેલ દેશ વિશે આમ કહે છે: ‘ઇબ્રાહિમ એકલો હોવા છતાં તેણે આખા દેશનો વારસો મેળવ્યો હતો.+ પણ આપણે તો ઘણા છીએ, એટલે આ દેશ ચોક્કસ આપણને વારસામાં મળેલો કહેવાય.’
૨૫ “એટલે તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તમે લોહીવાળું માંસ ખાઓ છો,+ ધિક્કાર થાય એવી મૂર્તિઓમાં* ભરોસો મૂકો છો અને લોહીની નદીઓ વહાવો છો.+ તો પછી દેશનો વારસો તમને શું કામ આપવામાં આવે? ૨૬ તમે તમારી તલવાર પર આધાર રાખો છો,+ નીચ કામો કરો છો અને પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરો છો.+ તો પછી દેશનો વારસો તમને શું કામ આપવામાં આવે?”’+
૨૭ “તારે તેઓને જણાવવું કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે ખંડેરોમાં રહેનારા લોકોનો તલવારથી સંહાર થશે. ખેતરોમાં રહેનારાઓ જંગલી જાનવરોનો કોળિયો બનશે. ગઢોમાં અને ગુફાઓમાં રહેનારાઓ રોગથી માર્યા જશે.+ ૨૮ હું એ દેશ સાવ ઉજ્જડ અને વેરાન કરી નાખીશ.+ એનું ઘમંડ ઉતારી નાખવામાં આવશે. ઇઝરાયેલના પર્વતો એટલા ઉજ્જડ થશે+ કે એના પરથી કોઈ પસાર નહિ થાય. ૨૯ તેઓનાં નીચ કામોને લીધે+ હું જ્યારે એ દેશને સાવ ઉજ્જડ અને વેરાન બનાવી દઈશ,+ ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’
૩૦ “હે માણસના દીકરા, તારા લોકો દીવાલો અને ઘરોના દરવાજાઓ પાસે તારા વિશે એકબીજા સાથે વાત કરે છે.+ દરેક પોતાના ભાઈને કહે છે, ‘આવો, આપણે યહોવાનો સંદેશો સાંભળીએ.’ ૩૧ તેઓ ભેગા થઈને આવશે અને મારા લોકો તરીકે તારી આગળ બેસશે. તેઓ તારી વાત તો સાંભળશે, પણ એમ કરશે નહિ.+ તેઓ તારી સામે મીઠું મીઠું બોલે છે,* પણ તેઓનાં દિલ બેઈમાનીની કમાણીમાં ડૂબેલાં છે. ૩૨ તું તેઓ માટે પ્રેમગીત ગાનાર જેવો છે, જે મધુર અવાજે ગાય છે અને તારવાળું વાજિંત્ર સરસ રીતે વગાડે છે. તેઓ તારી વાત સાંભળશે તો ખરા, પણ કોઈ એ પ્રમાણે કરશે નહિ. ૩૩ જ્યારે એ વાત સાચી પડશે અને એ વાત ચોક્કસ સાચી પડશે, ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે તેઓ વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો.”+